કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૧. એવું હૈયું
Jump to navigation
Jump to search
૨૧. એવું હૈયું
પ્રહ્લાદ પારેખ
હે જી એવું હૈયું
હોય તો ય શું ને ન હોય તો ય શું,
– એવું હૈયું !
કદી યે નહીં જેણે કોઈને ય ચાહિયું ને,
કદી યે ન કોઈથી ચહાયું;
હરખે ન છલક્યું જે નીરખીને સુંદરને,
કદી યે સુરૂપ જે ન બનિયું. – હે જી એવું૦
માપેલ શોક જેનો, તોળેલો આનંદ છે ને
કદી યે નહીં ઘેલું બનિયું;
એકે ય પળ જેની કરુણા થકી ન ભીની,
કદી યે અન્યાયે ન તપિયું. – હે જી એવું૦
રૂપ, રંગ, સૂર કેરો ભરિયો છે રસ કેવો
ધરતી ઉપર, આભ માંહી !
એકે ય પ્યાલું જેણે કદી યે ન પીધું ને
કદી યે નહીં પિવરાવ્યું. – હે જી એવું૦
(બારી બહાર, પૃ. ૧૦૦)