કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૨૯. આપણે ભરોસે
Jump to navigation
Jump to search
૨૯. આપણે ભરોસે
પ્રહ્લાદ પારેખ
આપણે ભરોસે આપણે હાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
એક મહેનતના હાથને ઝાલીએ,
હો ભેરુ મારા, આપણે ભરોસે આપણે હાલીએ.
ખુદનો ભરોસો જેને હોય નહીં રે તેનો
ખુદાનો ભરોસો નકામ;
છો ને એ એકતારે ગાઈ ગઈને કહે,
‘તારે ભરોસે, રામ !’
એ તો ખોટું રે ખોટું પિછાણીએ, – હો ભેરુ૦
બળને બાહુમાં ભરી, હૈયામાં હામ ધરી.
સાગર મોઝારે ઝુકાવીએ;
આપણા વહાણનાં સઢ ને સુકાનને
આપણે જ હાથે સંભાળીએ, – હો ભેરુ૦
કોણ રે ડુબાડે વળી કોણ રે ઉગારે,
કોણ લઈ જાય સામે પાર :
એનો કરવૈયો કો આપણી બહાર નહીં,
આપણે જ આપણે છઈએ, – હો ભેરુ૦
(બારી બહાર, પૃ. ૧૨૭)