કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૦. છેલ્લી પૂજા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૦. છેલ્લી પૂજા

પ્રહ્લાદ પારેખ

અજાતશત્રુના પૂરે રાજઆજ્ઞા ફરી વળી,
‘‘બુદ્ધનો સ્તૂપ કો પૂજે, મોતની તો સજા ઠરી.’’

સંધ્યા તણા આર્ત વિલાપ કેરી
છાયા ઢળે છે જગ શોક-ઘેરી.
વિલાપ કેરા પડઘા સમા આ
ડંકા પડે મંદિર-આરતીના.

ત્યારે ધરીને કર આરતીની
સામગ્રી, કો સુંદરી આવતી’તી :
તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?

ધીમાં જેવાં મૃદુલ પગલાં આભ ચંદા ધરે છે,
ને એના એ મધુર અઘરે સ્મિત જેવું વહે છે,
ઓષ્ઠે તેવું અવિરત વહે સ્મિત, ને પાય તેવા
દેતી, આવે સ્તૂપની કરવા શ્રીમતી આજ સેવા.

નાચી રહી છે નવશિખ આરતી,
નાચંત તેની શતરશ્મિ આંખડી;
કરે ધરેલી ફૂલમાળ કેરી
નાચી રહી સર્વ પ્રફુલ્લ પાંખડી.

ભક્તિભારે નયન નમણાં સ્તૂપ પાસે ઢળે છે;
પ્રેમાશ્રુ સતત વહતાં, સ્તૂપ તેથી ધુએ છે;
છાની જાણે હૃદય તણી, કો સાથ, ગોષ્ઠી કરે છે;
ઓષ્ઠો તેના મધુર ફરકે, મંદ તેવું લવે છે.

છેલ્લી હતી એ નવશિખ આરતી,
ને સ્તૂપકંઠે ફૂલમાળ છેલ્લી;
વાતો હતી અંતિમ સર્વ આજની,
ને આખરી એ પળ જિંદગી તણી.

બુદ્ધના સ્તૂપની પૂજા કરંતી જોઈ સુંદરી,
પુરના રક્ષકો કેરી પ્રકોપે આંખ પ્રજ્વળી.

‘‘તેણે સુણી શું નવ રાજઆજ્ઞા ?
સુણી છતાં વા કરતી અવજ્ઞા ?’’
કરે ધરી એ નિજ ખડ્ગ આવતો,
આજ્ઞા-અવજ્ઞા નીરખી જળી જતો.

કંપી રહે છે નવશિખ આરતી,
ને ધ્રૂજતી સૌ ફૂલમાળ-પાંખડી;
નભે બધા તારક થરથરે છે;
નિસર્ગ જાણે ડૂસકું ભરે છે.

‘‘ઉલ્લંઘી રાજઆજ્ઞાને કોણ તું સ્તૂપ ‘પૂજતી ?’’
જગાડી સુંદરી, પૂછ્યું; કોપે વાણી ય ધ્રૂજતી.
‘‘બુદ્ધના પાયની દાસી’’, – સુણંતાં અસિ ઊછળે;
નમેલા સુંદરી કેરા આવીને એ પડે ગળે.

શી આરતી વા ફૂલમાળ ત્યાં એ,
જ્યાં પ્રાણ કેરી થઈ પુષ્પમાળ !
ને કાય કેરી થઈ ભવ્ય આરતી,
– શિખા સહસ્ર થઈ રક્તધારની !
(બારી બહાર, પૃ. ૧૩૦-૧૩૧)