કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૩૨. વિદાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૨. વિદાય

પ્રહ્લાદ પારેખ

કદી નહિ કહું, ‘મને જ સ્મરણે સદા રાખજે,
અને નયનપંથનું અવર વિશ્વ તું ત્યાગજે’;
પરંતુ ગગનાંગણે, અવનિમાં, અને સિંધુમાં,
મળે અધિક જે તને મુજ થકી, ઉરે થાપજે.

પરસ્પર કરી કથા રજનિ ને દિનો ગાળિયાં;
અનેક જગતો રચી સ્વપનમાં, વળી ભાંગિયાં.
કઠોર થઈને કદીક તુજ આંસુ જોયા કર્યાં;
કદીક તુજ ગોદ શીશ ધરી હીબકાં મેં ભર્યાં.

મળે અધિક ઊજળા દિન અને મીઠી રાતડી,
જજે સકલ તો ભૂલી રજનિ ને દિનો આપણાં;
રચે સ્વપન ભવ્ય કો જગતનું બીજા સાથમાં,
ભલે વીસરજે પછી જગત આપણે જે ઘડ્યાં.

છતાંય સ્મરણે ચડી વિપળ એક જો હું લઉં,
ઉદાર તવ ઉરની પ્રથમથી ક્ષમા તો ચહું.
(બારી બહાર, પૃ. ૧૪૩)