કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૮.એક છોરી

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૮.એક છોરી

પ્રહ્લાદ પારેખ

એક છોરી
કોરી ગઈ અંતર માંહી દેરી.
આંખો તણાં બે નિજ ટાંકણાંથી,
ને હાસ્ય કેરી લઘુ લૈ હથોડી,
કોરી ગઈ અંતર માંહી દેરી
એ એક છોરી.

બની ગઈ દેવ સ્વયં પધારી
ત્યાં ઘંટડી કંઠ તણી બજાવી;
ને બોલ એના પ્રગટી ઊઠે છે
દીવા બનીને.

અંગાંગમાં પુષ્પ અનેક ફૂટતાં
પળે પળે, ને સહુ એ ખરી જતાં
દેરી મહીં; સૌરભ છાઈ ત્યાં જતી
કોઈ અનેરી.

ને ઊડતી જે લટ કેશ કેરી,
એ ધૂપની સેર સમી જણાતી!
માન્યું હતું, પથ્થર શું બન્યું છે
હૈયું હવે, – કોઈ પ્રવેશ પામી
શકે નહીં ત્યાં !
પણ એક છોરી
આવી, અને અંતર કોરી કોરી,
દેરી બનાવી,
બની ગઈ દેવ સ્વયં પધારી !
(બારી બહાર, પૃ. ૬૭)