કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૭.અવધૂતનું ગાન

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૭.અવધૂતનું ગાન

પ્રહ્લાદ પારેખ

એક લંગોટી, એક ભંભોટી, હાથમાં છે એકતારો;
એક હરિનું નામ છે હોઠે, ગાનનો એક ફુવારો;
હૈયે અમારે ગાનનો એક ફુવારો.

ગાનના તારે ધરણીની સાથે સાંધીએ ઊંચાં આભ;
ગાનથી નાના હૈયાની સાથે કરીએ એક વિરાટ :
અમારાં ગાન એ મિલનવાટ.

ગાનના જોરે ઊડતા ઊંચે, ઊડતા ગાતા ગાન;
એકતારાની ઝણઝણાટી, કંઠથી ઊઠે તાન;
તેના ઘેનમાં રે’ અમ પ્રાણ.

ગાનનો ગેરુ રંગ અમારો, ધરણીથી તે આભ
ઊડતો; જેને લાગતો તેને ફૂટતી જાણે પાંખ,
અને એ ઊડતો સાથોસાથ.
(બારી બહાર, પૃ. ૬૨)