કુંવરબાઈનું મામેરું/કડવું ૧૨

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કડવું ૧૨

[ નરસિંહના હરિ-કીર્તનમાં, ખરે ટાણે ભક્તની સહાયમાં આવેલા ભગવાન-વિશેના પૌરાણિક કથાસંદર્ભો ગૂંથીને કવિએ ભક્તિનો શાન્ત રસ પણ નિરૂપ્યો છે. કૃષ્ણને નરસિંહે આપેલો પડકાર પણ વાંચો : ‘જો નહીં આવો સુંદરશ્યામ, તો નાગર સાથે છે કામ!]

(રાગ વેરાડી)
ઠાલી છાબમાં કાગળ ધરી નરસિંહ મહેતે સમર્યા હરિ;
વેરાગી સહુ પૂંઠે ગાય, નાગરને મન કૌતુક થાય.          ૧

વાંકાં વચન વદે વેદિયા[1], મહેતો માધવમાં ભેદિયા[2];
‘જુઓ, છાબમાં, મૂકે શોર, ઓ નીસરી કમખાની કોર,’          ૨

તે બોલ અંતરમાં નવ ધરે, મહેતો સ્તુતિ માધવની કરે :
‘જય દામોદર, બાલમુકુંદ,[3] નરકનિવારણ, પરમાનંદ,          ૩

વ્રજેશ્વર, વૃંદાવનચંદ, દેવકીનંદન, આનંદકંદ,
ગોપીનાથ, ગોવિંદ, ગોપાળ, અનાથબંધુ, દીનદયાળ,          ૪

સેવકની લેજો સંભાળ, મોસાળું કરજો તત્કાળ.’
વદને કીર્તન, હાથે તાળ, નાત નાગરી બોલે આળ.          ૫

‘ઘણો દોહિલો લોકાચાર, લજ્જા રાખજો આણી વાર.
શું કરશે આ પતિત સંસાર, જો મુજને તારો આધાર?          ૬

તમો પ્રતિપાળો પોતાના દાસ, માટે મુજને છે વિશ્વાસ;
અંબરીષનો નિવાર્યો ત્રાસ, તમે ભોગવ્યો છે ગર્ભવાસ.          ૭

લીધો મચ્છ તણો અવતાર, શંખાસુર કીધો સંહાર;
કચ્છપરૂપ લીધું, મોરાર! રત્ન ચૌદ મથી કાઢ્યાં બહાર.          ૮

હરિણ્યાક્ષ દૈત્યને નાખ્યો કાપી, ધરા ઠામ કરીને થાપી;
અજામેલ સરખો જે પાપી, પુત્ર-નામે સદ્‌ગતિ આપી.          ૯

પ્રહ્‌લાદની દોહિલી જાણી વેળા, પરમેશ્વર! પ્રગટ થયા હેલા;
ધ્રુવનો જનમમરણ-ભય હર્યો, અવિચલ પોતા સરખો કર્યો.          ૧૦

પોપટ પઢાવતી પુંશ્ચળી, વિમાને બેસી વૈકુંઠ પળી;
તમો ઉચ્છિષ્ટ આરોગ્યાં બદરી, તો પરમ ગતિ પામી શબરી.          ૧૧

લગારેક ચરણે નમાવ્યું શીશ, તો વિભીષણ કીધો લંકાધીશ;
કુટુંબ સહિત તાર્યો તેં માછી, ન પામ્યો જનમપીડા પાછી.          ૧૨

છો દોહિલી વેળાના સાથી, ગ્રાહથી મુકાવ્યો હાથી;
બટુકવેષ થયા વામન, જાતું રાખ્યું ઇન્દ્રાસન.          ૧૩

પ્રભુ! પાંચાલીનું દુખ જાણ્યું, પૂર્યાં ચીર નવસેં નવ્વાણું;
કૌરવથી જિતાડ્યો પારથ, કુરુક્ષેત્રમાં હંકાર્યો રથ.          ૧૪

રુક્‌માંગદ તાર્યો સંસાર, હરિશ્ચંદ્રની કીધી વહાર;
શંખ પૂજતો રાજકુમાર ચંદ્રહાસને રાખ્યો ત્રણ વાર.          ૧૫

તમે સુધન્વા બળતો રાખ્યો, જે પિતાએ પેણામાં નાખ્યો;
તન વહેરાતાં નવ રોયો રજ, તો મુક્તિ પમાડ્યો મોરધ્વજ.          ૧૬

ખાંડવવનમાં ખગ લીધાં રાખી, તમો ગજઘંટા ઉપર ઢાંકી;
વિદુરની આરોગ્યા ભાજી, તેહની પ્રીત્યે તમો થયા રાજી.          ૧૭

સુદામાના લેઈ તાંદુલ, આપી તેેં નવનિધિ બહુમૂલ;
મદ મઘવાના મનનો હર્યો, લીલાએ ગોવર્ધન કર ધર્યો.          ૧૮

દાવાનળ પીધો વન માંહ્ય, ઉગાર્યાર્ં તમે ગોપી-ગાય;
કુબજાની તમે લીધી અર્ચા, લોક તણી સહી લીધ ચર્ચા.          ૧૯

અનાથબંધુ, દીનદયાળ, સેવકની લીજે સંભાળ;
ડાહ્યા દામોદર, છો દક્ષ, હું સરખા સેવક છે લક્ષ;          ૨૦

મારે એક તમારી પક્ષ, પરમેશ્વર! થાજો પ્રત્યક્ષ;
મારે મસ્તક દુખનાં વૃક્ષ, એ વાતે લાજે આપણી પક્ષ.          ૨૧

ધનવંત છે નાગરી નાત, તેમાં દુર્બળ મારી જાત;
જો ભૂખે દમાયે તેત્રીસ ક્રોડ, તો કલ્પવૃક્ષને લાગે ખોડ.          ૨૨

શોભા વૈષ્ણવની જો ગઈ, તો કળા તમારી ઝાંખી થઈ;
મુને સગાં થઈ લાગ્યાં જમ, તો તમને નિદ્રા આવે ક્યમ?          ૨૩

સગાં સરવ બેસાડ્યાં આણી, પુત્રીના કર માંહે પિંગાણી[4];
છે કંકુવહોણી કંકાવટી, કુંવરબાઈને મનમાં થાયે ચટપટી.          ૨૪

મધ્યાહ્‌ન ઉપર થઈ બે ઘટી, વહેલા આવો, વેળા વટી.
છે કુંવરબાઈ તાહરે આશરે, હું દુર્બળથી અર્થ નવ સરે.          ૨૫

શું સૂતો વૃંદાવન માંહ્ય? ત્યાં શું રાધાજી ચાંપે પાય?
લલિતા, વિશાખા, ચંદ્રાવલી, એ નારી તુજને નૌતમ મલી!          ૨૬

હોયે લંપટને વહાલી સુંદરી, તે માટે ભક્તને ગયો વીસરી.
જાગ, જાગ, રે જાદવપતિ! સાંભળ સેવકની વીનતી.          ૨૭

કબીરને તમે કરુણા કરી, સમર્યે દર્શન દીધાં, હરિ!
ભક્ત એક નામદેવ દરજી, તેનું પય તમે પીધું, હરજી!          ૨૮

ત્રિલોચનનું મહા દુખ હર્યું, સેવક થઈ તમો પાણી ભર્યું;
અભયદાન કોળીને દીધું, મીરાંબાઈનું વિષ જ પીધું.          ૨૯

સેવક માટે નાપિક થયા, વપન કરવા, વિઠ્ઠલ! ગયા;
હું તુંને નવ સાંભરતો? લાવતો ઘાસ, મહિષી ચારતો.          ૩૦

ન જાણતો ધોળા ઉપર કાળો, મુજને ભાભી કહેતી ગોવાળો;
સદાશિવે હુંને કીધો દાસ, દેખાડ્યો મુને અખંડ રાસ.          ૩૧

જોયા તાહારા વિવિધ વિલાસ, તેહવો મેં કીધો અભ્યાસ;
લોક મુને બોલે ઉપહાસ, છે માહારે મન તાહરો વિશ્વાસ.          ૩૨

જેને બોલાવીએ પોતાનો કહી, તેને ત્રિકમજી! તજીએ નહીં;
ખીચડો જમાડવા આવ્યા, નાથ! હું માટે કીધા પંચ હાથ.          ૩૩

હું મધરાતે તરસ્યો જાણી, ઝારી લેઈ પાયું પાણી;
મુને સાચો કીધો કોઠીવાલ, હૂંડી સ્વીકારી, શ્રીગોપાલ!          ૩૪

તે રીતે મોસાળું કરો, ઠાલી છાબ સોનૈયે ભરો;
જો નહિ આવો, સુંદરશ્યામ! તો નાગર સાથે છે કામ.          ૩૫

વલણ
નાગર સાથે કામ છે, સમજી લેજો વાત રે;’
સુણી નરસૈંયાની વીનતી, ઊઠી ધાયા વૈકુંઠનાથ રે.          ૩૬



  1. વેદીઆ = વેદ જાણનાર નાગર બ્રાહ્મણ (અહીં કટાક્ષમાં)
  2. માધવ શું ભેદિયા = પ્રભુમાં તલ્લીન થયા છે.
  3. કડી ૩થી ભગવાનનાં વિવિધ નામો અને પૌરાણિક સંદર્ભો સાથે ભક્તોને ઈશ્વરે કરેલી સહાયના ઉલ્લેખો છે (કડી ૧૯ સુધી)
  4. પિંગાણી = માથામાં નાખવાના તેલની લાકડાની વાટકી