કુંવરબાઈનું મામેરું/કડવું ૩

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૩


[બે નાનાં કડવાં(કથા-પ્રકરણો)ની ભૂમિકા પછી કથા વેગ પકડે છે : પત્ની અને પુત્રનાં મૃત્યુ નરસિંહને વધુ ભક્તિ-અંતર્મુખ કરે છે. પણ પુત્રી કુંવરબાઈનું મામેરું આવે છે ત્યારે એ શ્રદ્ધાથી બાહ્ય વ્યવહારનો પણ સ્વીકાર કરે છે.
પુત્રીની મૂંઝવણમાં, સાસરિયાંનાં આકરાં વચનમાં, વધામણીના પત્રમાં કવિની કથન-કળા કેવી પ્રત્યક્ષ થાય છે એ વાંચીએ..]


(રાગ વેરાડી)
મહેતે માંડ્યો ગૃહસ્થાશ્રમ, પતિવ્રતા છે નારી પર્મ,
શ્રીદામોદરની સેવા કરે, તિલક, મુદ્રા ને માળા ધરે.           ૧

સાધુ વેરાગી વૈષ્ણવજંન, શંખ તાલ મૃદંગ અધ્યયંન;
ચોક માંહે તુલસીનું વંન, અહર્નિશ થાયે હરિકીર્તન.          ૨

નહિ ખેતી, નહિ ઉદ્યમ-વેપાર, હરિભક્તિ માંહે તદાકાર[1];
જે આવે તે વૈષ્ણવ જમે, ગુણ ગાયે ને દહાડા નિર્ગમે.          ૩

વિશ્વંભર પૂરું પાડે અન્ન, વિશ્વાસ ઘણો મહેતાને મંન.
બે સંતાન આપ્યાં શ્રીગોપાળ : એક બાળકી ને બીજો બાળ.          ૪

શામળદાસ કુંવરનું નામ, પરણાવ્યો તે મોટે ઠામ;
કુંવરબાઈ નામે દીકરી, પરણાવી રૂડો વિવાહ કરી.          ૫

પામ્યાં મરણ પત્ની ને પુત્ર, મહેતાનું ભાંગ્યું ઘરસૂત્ર;
પતિવ્રતા વહુ વિધવા થઈ, સુરસેના પુત્રી એકલી રહી.          ૬

સ્રી-સુત મરતાં રોયાં લોક, મહેતાને મનમાં નહિ શોક :
‘ભલું થયું ભાંગી જંજાળ[2], હવે ભજીશું શ્રીગોપાળ.’          ૭

કુંવરબાઈ પછે મોટી થઈ, આણું આવ્યું ને સાસરે ગઈ;
સસરો શ્રીરંગ મહેતો નામ, મોટું ઘર, કહાવે ભાગ્યવાન.          ૮

સાસરિયાંને ઘણું અભિમાન, ધન માટે કરે અતિ ગુમાન;
કુંવરબાઈને દુર્બળ ગણે, નણંદ-જેઠાણી વાંકું ભણે :          ૯

‘આવો, વૈષ્ણવની દીકરી! સાસરવેલ સહુ પાવન કરી.’
કરે ચેષ્ટા સાસુ ગર્વે ભરી, કુંવરબાઈ નવ બોેલે ફરી.          ૧૦

છે લઘુવય નાનો ભરથાર[3], તે પ્રીછે નહિ કાંઈ વિવેકવિચાર;
કુંવરબાઈને આવ્યું સીમંત[4], સાદર વાત ન પૂછે કંથ.          ૧૧

રૂપ દેખીને વહુઅર તણું સાસરિયાં સહુ હરખે ઘણું,
‘નરસિંહ મહેતો છે હરિનો દાસ, તો મોસાળાની શાની આશ?          ૧૨

કુંવરવહુને હરખ ખરો, મોસાળું કાંઈ ઘેરથી કરો;
દુર્બળની[5] દીકરી રાંકડી, આચાર કરી બાંધો રાખડી.’           ૧૩

ન કહાવ્યું પિયર, કોને નવ કહ્યું, પંચમાસી તો એળે ગયું;
સીમંતના રહ્યા થોડા દંન, કુંવરબાઈને ચિંતા મંન.          ૧૪

ઓશિયાળી દીસે દ્યામણી[6], વહુઅર આવી સાસુ ભણી;
બોલી અબળા નામી શીશ : ‘બાઈજી! રખે કરો મન રીસ.          ૧૫

આપણો ગોર પંડ્યો ખોખલો, તેને જૂનાગઢ સુધી મોકલો;
મોકલો લખાવી કંકોતરી;’ ત્યાં સાસુ બોલી ગર્વે ભરી :          ૧૬

‘વહુઅર! તુંને શું ઘેલું લાગ્યું? મા મૂઈ ત્યારે મહિયર ભાંગ્યું;
જે તાલ વજાડી ગાતો ફરે, ઉદર નાચી-કૂદીને ભરે,          ૧૭

દારિદ્ર ઘરમાં ફેરા ફરે, તે મોસાળું ક્યાંહાંથી કરે?
જે સગાંથી અર્થ નવ સરે, તેહને શું થાયે નોતરે?          ૧૮

મહેતાને વહાલું હરિનું નામ, જોવાને મળે આખું ગામ;
તમને પિતાને મળવાનું હેત, અમો ન્યાતમાં થઈએ ફજેત[7].          ૧૯

સસરો તમારો લાજે, બાઈ! વણ-આવ્યે સરશે વેવાઈ.’
કુંવરબાઈ તવ આંસુ ભરી સાસુ પ્રત્યે બોલી ફરી :          ૨૦

‘બાઈજી! બોલતાં શું ફગો?[8] દુર્બળ તો યે પોતાનો સગો;
આંહાં આવી ઠાલો જાશે ફરી, એણે મસે મળીએ પિતા-દીકરી.’          ૨૧

તવ સાસુને મન કરુણા થઈ, જઈ સ્વામીને વાત જ કહી.
‘રહ્યા સીમંતના થોડા દંન, કુંવરવહુ દુખ પામે મંન.          ૨૨

લખી મોકલો વેવાઈને પત્રઃ જેમતેમ કરીને આવજો અત્ર.’
શ્રીરંગ મહેતો પરમ દયાળ, કાગળ એક લખ્યો તત્કાળ :          ૨૩

‘સ્વસ્તિ શ્રી જૂનાગઢ ગામ, જે હરિજન-વૈષ્ણવનો વિશ્રામ,
નાગરી નાત તણા શણગાર, સાધુશિરોમણિ પરમ ઉદાર,          ૨૪

સર્વ ભક્તના એક વૈષ્ણવ મણિ, સદૈવ કૃપા હોય કેશવ તણી,
સર્વ ઉપમાયોગ્ય, કરુણાધામ, છે પાવન નરસિંહનું નામ,          ૨૫

અહીંયાં સહુ છે કુશલીક્ષેમ, તમો પત્ર લખજો આણી પ્રેમ;
એક વધામણીનો સમાચાર, અમારા ભાગ્ય તણો નહિ પાર :          ૨૬

કુંવરવહુને આવ્યું સીમંત, અમારી ઉપર ત્રૂઠ્યા ભગવંત;
મહા સુદ સપ્તમી રવિવાર, મુહૂર્ત અમે લીધું નિરધાર.          ૨૭

તમો તે દહાડે નિશ્ચે આવજો, સગાં-મિત્ર સાથે લાવજો;
ન આણશો કાંઈ મનમાં આશંક, તમો આવ્યે પામ્યા લખટંક.          ૨૮

ઊજળો સગો આવે બારણે, સોનાનો મેરુ કીજે વારણે;
જો મહેતાજી નહીં આવો તમો, તો ખરેખરા દુભાઈશું અમો.          ૨૯

આપ્યું પત્ર ગોરના કર માંહ્ય, ખોખલો પંડ્યો કર્યો વિદાય;
કુંવરબાઈએ તેડ્યા ઋષિરાય, એકાંત બેસાડી લાગી પાય :          ૩૦

‘ત્યાં બે દહાડા પરુણા રહેજો, મહેતાને સમજાવી કહેજો :
કાંઈ મોસાળું સારું લાવજો, સંપત હોય તો આંહાં આવજો.          ૩૧

કાંઈ નામ થાયે પૃથ્વીતળે, સાસરિયાંનું મહેણું ટળે;
જો અવસર આ સૂનો જશે, તો ભવનું મહેણું મુજને થશે.          ૩૨

બોલબાણે નણદી મારશે, શત્રુનાં કારજ દિયર સારશે;
રખે કૌતક નાગરી નાતે થાય, છે તમારે માથે વૈકુંઠરાય.’          ૩૩

પંડ્યો ખોખલો કીધા વિદાય, શીઘ્ર આવ્યા જૂનાગઢ માંહ્ય.          ૩૪

વલણ

જૂનાગઢ માંહે ઋષિ આવ્યા, મહેતો લાગ્યા પાય રે.
સ્તુતિ-સ્તવન-પૂજા કરી પછે માંડી વાત સુખદાય રે.          ૩૫



  1. તદાકાર = તન્મય
  2. જંજાલ = સંસારની કડાકૂટ
  3. છે લઘુવય નાનો ભરથાર – પતિ નાની વયનો છે એટલે પરિવારમાં એનો પોતાનો કોઈ અવાજ નથી, કુંવરબાઈને એનો સધિયારો નથી.
  4. સીમંત = સ્રીની પ્રથમ સગર્ભાવસ્થા પ્રસંગે કરવાનો સંસ્કાર, રીત
  5. દુર્બલની = આર્થિક રીતે નબળા કુટુંબની
  6. દ્યામણી – દયામણી, લાચાર
  7. ફ્જેત = બેઆબરૂ
  8. ફગો = છકી જાવ છો