કુંવરબાઈનું મામેરું/કડવું ૪

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કડવું ૪


[પુત્રીને છે એવી મૂંઝવણ ભક્ત પિતાને નથી : ભગવાનને એ ‘દુઃખવેળા સંભારજે...’એ વચન યાદ કરાવીને કહે છે – ‘ત્રિકમજી ત્રેવડમાં રહેજો...’ કવિની શબ્દશક્તિ જુઓ : જે ત્રિ-વિક્રમ હોય એણે જ વળી ત્રેવડમાં રહેવાનું – જવાબદારી એની જ!
મામેરું કરવા જતા નરસિંહ-વાળો પ્રસંગ કવિકૌશલથી તાદૃશ થયો છે! ઉપહાસને ન ગણકારતી પ્રબળ શ્રદ્ધાનો એ વૈભવછે]


(રાગ ધન્યાશ્રી)
ખોખલે પંડ્યે પત્ર જ આપ્યું[1] મહેતાજીને હાથ જી;
વધામણી કાગળમાં વાંચી સમર્યા વૈકુંઠનાથ જીઃ          ૧

‘મામેરું પુત્રીને કરવું, ઘરમાં નથી એક દામ[2] જી;
ત્રિકમજી! ત્રેવડમાં રહેજો, દ્રવ્ય તણું છે કામ જી.’          ૨

ભોજન કરાવી દક્ષિણા આપી, મહેતો લાગ્યા પાય જીઃ
‘મોસાળું લેઈ અમો આવશું’, પંડ્યો કીધા વિદાય જી.          ૩

નરસિંહ મહેતે ઘેર તેડાવ્યા સઘળા વૈષ્ણવ સંત જી :
‘મોસાળું લેઈ આપણે જાવું, કુંવરબાઈનું છે સીમંત જી.’          ૪

જૂની વહેલ[3] ને ધૂંસરી વાંકી, સાંગી સોટાએ ભાંગી જી;
કોના તળાવા ને કોની પીંજણી, બળદ આણ્યા બે માંગી જી.          ૫

મહેતોજી મામેરે ચાલ્યા, સમર્યા શ્રીજગદીશ જી;
ત્રણ સખી સંગાથે લીધી, વેરાગી દસવીસ જી.          ૬

દાબડી ત્રાંબાની સાથે લીધી, તેમાં બાલમુકુંદ જી;
કંઠે હાર કરીને બાંધ્યા દામોદર નંદાનંદ જી.          ૭

વહેલની પૂંઠે કોથળો બાંધ્યો, માંહે ભર્યાં વાજિંત્ર જી;
ગાંઠડી એક ગોપીચંદનની, છે તુલસીકાષ્ઠ પવિત્ર જી.          ૮

મોસાળાની સામગ્રીમાં તિલક, તુલસી ને માળ જી;
નરસૈંયો છે નિર્ભય મનમાં, ભોગવશે ગોપાળ જી.           ૯
બળહીણા બળદો શું હીંડે? ઠેલે વૈષ્ણવ સાથ જી;
શોર પાડે ને ઢાળ ચઢાવે : જય જય વૈકુંઠનાથ જી.          ૧૦

એક બળદ ગળિયો[4] થઈ બેસે, આખલો તાણી જાય જી;
પડ્યાને પૂંછ ગ્રહી ઉઠાડે, કૌતુક કૌટિક થાય જી.          ૧૧

સાલે સાલ જૂજવાંં દીસે રથ તણાં જે વક્ર જી;
સાંગીના બહુ શબ્દ ઊઠે, ચીંચૂએ[5] બહુ ચક્ર જી.          ૧૨

ચઢે, ઊતરેે ને વળી બેસેે, લે રામકૃષ્ણનું નામ જી;
મધ્યાહ્‌ને મહેતોજી પહોંત્યા, જોવા મળ્યું સહુ ગામ જી.          ૧૩

શું જાણે વૈષ્ણવનો મારગ વિષયી પુરના લોક[6] જી?
કોડ પહોંત્યા કુંવરવહુના, મામેરું છે રોક જી.          ૧૪
વલણ

રોક મામેરું મહેતોજી લાવ્યા, જુઓ વૈષ્ણવની વિસાત રે;
એકેકી માળા આપશે, ત્યારે પહેરશે નાગરી નાત રે.’          ૧૫




  1. પત્ર જ આપ્યું = સંસ્કૃતમાં ને મધ્યકાલીન ગુજરાતીમાં પત્ર(પત્રમ્‌) શબ્દ નપુંસક લિંગનો છે.
  2. દામ = દ્રવ્ય
  3. વહેલ = ઉપર ઓઢાવાળું શણગારેલું ગાડું કડી ૫-માં ધૂંસરી, સાંગી, સોટા, તલાવા, પીંજણી વગેરે ગાડાના વિવિધ ભાગોનાં નામ છે.
  4. ગળિયો = અશક્ત, થાકીને બેસી પડેલો
  5. ચીચૂએ = ચૂંચૂં એવો અવાજ કરે.
  6. વિષયીપુરના લોક – સંસારની ભૌતિકતા, લાલસામાં ફસાયેલા.એ લોકો વૈષ્ણવ નરસિંહનો ભક્તિમાર્ગ શું જાણે?