zoom in zoom out toggle zoom 

< કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ

કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/એક ટૂંકી સફર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૦. એક ટૂંકી સફર

‘એ હે’ય માલમ!’ પૉર્ટ ઑફિસરે બૂમ મારી. માથે એક મેલો કટકો વીંટાળતાં વીંટાળતાં એક માણસે ભંડકિયામાંથી ડોકું બહાર કાઢ્યું.

‘જી, સા’બ!’

‘ક્યારે ઊપડવાનો છે?’

‘બસ, આ હમણાં જ, દોરડાં ખેંચીએ એટલી વાર!’

‘તો જો, આ ભાઈને લઈ જવાના છે. મારા મહેમાન છે. સાચવીને પહોંચાડજે.’

‘નો કે’વું પડે સા’બ!’ માલમ હસ્યો, અને એના, તમાકુના સહવાસમાં પીળા પડી ગયેલા દાંત એકાદ બખોલના પ્રાણીના દાંત જેવા દેખાયા.

‘જાઓ તમે, પવન અનુકૂળ હશે તો ચારેક કલાકમાં તો પહોંચી જશો, સ્ટીમલૉન્ચ હોય તો બે-અઢી કલાકમાં જ પહોંચી જવાય. પણ એનો શેફ્ટ તૂટી ગયો છે, એટલે એના બદલે આ વહાણ માલ લઈ જશે.’

પૉર્ટ ઑફિસર સાથે હાથ મેળવીને હું વહાણ પર ચડી ગયો; અને થોડી જ વારમાં વહાણ ઊપડ્યું.

બપોરના અઢી - ત્રણ વાગ્યા હતા. પોષ મહિનાની હૂંફાળી, તડકાળી બપોર! સૂરજના તાપે આખા શરીરને લપેટી લીધું. ક્યાંય સુધી હું, ધીરે ધીરે દૂર થતો જતો ઘોઘાનો કાંઠો જોઈ રહ્યો. કશા અવાજ વિના વહાણ સરતું જતું હતું… ધીરે ધીરે ધીરે. દરિયાની આ મારી પહેલી વારની મુસાફરી હતી. કૌતુક અને વિસ્મયથી હું વહાણની ચારે તરફ પથરાઈ રહેલી જળની એ લીલી શ્યામ દર્પણસૃષ્ટિ જોઈ રહ્યો. અફાટ, ભયાવહ, નિ:શબ્દ વિસ્તાર સૂરજની સામે છાતી ધરીને ખુલ્લો પડ્યો હતો — એકાદ ક્રાંતિકારી જવાંમર્દની જેમ. લો, ભોંકી દો કટાર આ ખુલ્લા સીનામાં.

અને સૂરજ એ પડકાર ઝીલી શક્યો નહોતો. એણે વછોડેલાં તડકાનાં તીર, નીચે આવતાં સોનેરી કુમળાં ફૂલોનો વરસાદ બની જતાં હતાં.

થોડી વાર હું એમાં જ ખોવાયેલો ઊભો રહ્યો.

અચાનક મારું ધ્યાન ગયું કે ક્યાંય કશો સંચાર નથી. હું ચોંકી પડ્યો. અરે, આ અથાગ સમુદ્રમાં, આ અજાણ્યા વહાણ પર હું એકલો તો નથી ને?

દરિયા તરફ પીઠ કરી હવે પહેલી વાર મેં વહાણમાં નજર ફેરવી.

માલમ દેખાતો નહોતો. તે અને બીજા ખલાસીઓ નીચે ભંડકિયામાં હશે. ઉપર એક તરફ ભરવાડ જેવા થોડા લોકો હતા. મેં ગણી જોયા, બરોબર દસ હતા. બીજી તરફ ઘણાંબધાં ઘેટાંબકરાં બાંધેલાં હતાં. ઘેરવાળું કેડિયું પહેરી, માથે જાડું ફાળિયું વીંટાળી એ લોકો ટોળે મળીને ખૂબ નજીક નજીક બેઠા હતા, જાણે તેમની વચ્ચે કોઈ રહસ્યની રક્ષા કરી રહ્યા હોય. તેમનાં કપડાંમાંથી સખત દુર્ગંધ આવતી હતી. બધા જ લગભગ મોટી ઉંમરના હતા. માત્ર એક નાનો છોકરડા જેવો જુવાન હતો. જુવાનનું માથું તેની છાતી પર ઢળી પડ્યું હતું. બાકીના બધા બહુ જ ધીમે અવાજે કશીક મંત્રણા કરતા હતા. મારી હાજરીની તેમણે નોંધ લીધી નહીં. એક વાર નજર ઊંચકીને જોયું સુધ્ધાં નહીં મારી સામે. દરિયા ભણીયે તેમણે જોયું નહીં. તેમને માટે આ સફર જાણે રોજની વાત હતી. તેમને માટે અહીં કશું નવું નહોતું.

પણ બીજું કાંઈક નવું હતું ખરું — તેમની વચ્ચે ક્યાંક, તેમની વાતોમાં, ખરખરો કરવા આવ્યા હોય તેમ ટોળે વળીને બેસવાની તેમની રીતમાં.

‘કેમ ભાઈ, દહેજ શા કામે ઊપડ્યા?’ તેમની સહેજ નજીક જઈ મેં, કોઈ ખાસને સંબોધ્યા વિના પૂછ્યું.

ટોળું હાલ્યુંચાલ્યું નહીં, વધારે સ્થિર થઈ ગયું. માત્ર એક જણે — તેણે શરીર પર કશું પહેર્યું નહોતું — મારી સામે અછડતી નજરે જોયું. તાપ સહેજે તીક્ષ્ણ નહોતો, પણ એ આંખો બહુ જ ઝીણી થયેલી હતી — જાણે કશાકનો તાગ લેતી હોય. એ નજરમાં આવકાર, ઉષ્મા, મિત્રતા નહોતાં. ભાવરહિત, શરમરહિત એ બે તપખીરી આંખોમાં કંઈક બીજું હતું. એકાદ જૂનો પરિચિત માણસ બહુ વખત પછી સામે મળે અને આપણને એનું નામ યાદ ન આવે… તેવું મને થયું. આ નજરને હું ઓળખું છું, ઓળખું છું. છેક આદિમકાળથી માણસના લોહીમાં સળગતો રહેલો આ ભાવ છે. પણ હું એનું નામ ભૂલી ગયો હતો. શહેરના લોકો વચ્ચે રહીને સાચાખોટા સ્મિતથી એમના નિરંતર માંજેલા રહેતા ચહેરા જોઈને હું કશુંક મૂળભૂત ભૂલી ગયો હતો. ગૂંચવણ અને વિસ્મયથી હું ઘડીક સ્થિર થઈ ગયો. ઘોઘાથી દહેજની આ સાદી ટૂંકી સફરમાં કશી જટિલતાનો ભેટો થઈ જાય, એવી તો મારી કલ્પના નહોતી…

ભંડકિયામાંથી એક ડોકું બહાર આવ્યું. ટંડેલ મને કહેતો હતો : ‘પેલ્લો જોયો — સા’બ? એ પીરમબેટ છે.’

પીરમબેટનું નામ ખૂબ સાંભળ્યું હતું. મગર જેવો એનો લંબાયેલો આકાર દરિયામાં શ્વાસ લેતો પડ્યો હતો — કશાક શિકારની રાહમાં. પીરમ. એ નામ શાના ઉપરથી પડ્યું હશે?

‘ચા પીવા આવો સા’બ, નીચે!’ ટંડેલે કહ્યું અને હું કૂદકો મારી ભંડકિયામાં ઊતર્યો.

નીચે જરા અંધારું હતું. થોડી વારે આંખ ટેવાતાં જોયું, એક ખૂણામાં ઘણી ગૂણીઓની થપ્પી કરેલી હતી. ડુંગળીની હોય તેમ લાગ્યું. બીજી તરફ પણ થોડી ગૂણીઓ હતી ને તેમાં આખાં લાલ મરચાં હતાં. એક જણ સગડી પર ચા બનાવતો હતો. સગડીમાંથી તાજા કોલસાના તિખારા તડતડ કરતા ઊડતા હતા અને અંધારામાં ઝબકીને ઓલવાઈ જતા હતા.

માલમે એક કપ મારી સામે ધર્યો. એ તૂટેલા કાંઠાવાળા, ડાઘાવાળા, સફેદ રંગની કિનારીએ જાડી લીલી પટ્ટી ચીતરેલા કપમાં કાળી ચા જોઈ હું જરાક થથરી ગયો. પણ મેં એ કપ લીધો. એક ઘૂંટડો ભર્યો. ગોળની ચા હતી. નહીં પી શકું એમ લાગ્યું, પણ પિવાઈ ગઈ.

સગડીની બાજુમાં તૈયાર ચાનું બીજું મોટું તપેલું હતું તે એક જણે લઈ જઈને ઉપર ધર્યું. ઉપર બેઠેલા ભરવાડોમાંથી એકે આવી કશું બોલ્યા વિના તે લઈ લીધું.

નૌકા ધીરે ધીરે સરતી જતી હતી.

‘બેસો સા’બ!’ માલમે ડુંગળીની ગૂણ પાસે એક ગંદો કોથળો પાથર્યો. હું ગૂણને અઢેલીને બેઠો ને તેમની સાથે વાતો કરવા લાગ્યો.

એક ખલાસીએ એક તપેલું ઊંધું પાડી તેના પર થાપ દીધી અને બેસૂરા ઘોઘરા અવાજે તે ગાવા લાગ્યો. એ દરિયે ઊપડતા વહાણના થાકેલા જર્જર માલમનું ગીત હતું. કાંઠે ઊભેલી પત્ની એને પૂછતી હતી : તમે પાછા ક્યારે આવશો?…

હું એની સામે તાકી રહ્યો. મારી સામે નજર મળતાં તે સહેજ હસ્યો, ‘દરિયો તો માનો ખોળો છે, સા’બ! દરિયા વિના જીવતર ગાળવાનું આવે, તો અડવું અડવું લાગે.’

‘દરિયો તો દેવ છે’… એની પાસે બેઠેલો આધેડ ઉંમરનો કાબરચીતરા વાળવાળો ખલાસી બોલ્યો, ‘દરિયો આપણને જીવતર આપે છે,’ તે ચૂપ રહ્યો ને પછી ધીમેથી બોલ્યો : ‘અને ક્યારેક તે જીવ લઈ પણ લે છે.’

વરસોથી, સૈકાઓથી આ લોકોએ આમ જ સફર કરી હશે. વિશાળ જળરાશિને માનો ખોળો ગણી પોતાની જાત તેને સોંપી દીધી હશે. માલની હેરફેર કરી હશે — એમાં ડુંગળીની, ગોળમરચાંની ગૂણો હોય કે, સોનું– ઝવેરાત હોય, તેની સાથે તેમને કશી નિસ્બત નહીં હોય. દિવસ પછી દિવસ, રાત પછી રાત, અઠવાડિયાં, મહિના, વરસો… બસરા તરફ, જંગબાર તરફ, એથીયે આગળ તેઓ જતા હશે ને થાક ને ઝંખના ને દરિયાની ખારી હવાનો બોજ ઉંમરમાં ભરીને પાછા આવતા હશે… પણ તેમનામાંથી કદાચ કોઈ અધદરિયે જ રહી જતો હશે… તેની પત્ની કાંઠે ઊભી રહીને પ્રશ્ન પૂછ્યા કરતી હશે…

સૂવાનો ઇરાદો નહોતો, પણ આંખ મીંચાઈ જવા લાગી. ભેજથી તરબોળ હવા ચોમેરથી વીંટાઈ વળી. પીળી સાંજ અંધકારમાં ડૂબવા લાગી. ચારે બાજુ એક વિચિત્ર મૌન ફેલાઈ ગયું. ખલાસી ગાતો બંધ થઈ ગયો હતો.

ક્યારે ઊંઘ આવી ગઈ તેનો ખ્યાલ રહ્યો નહીં. અચાનક ઝબકીને જાગી ગયો. વહાણ ઊભું રહી ગયું હોય એમ લાગ્યું. હું ઝટપટ બેઠો થયો. એક ખૂણામાં એક નાનો દીવો ટમટમતો હતો. મૃદુ અંધકારમાં એની જ્યોત રહી રહીને કંપ્યા કરતી હતી. ત્રણ ખલાસી આડા પડ્યા હતા. માત્ર ટંડેલ વચ્ચોવચ બેસી આકાશ ભણી કોને ખબર શું નિહાળી રહ્યો હતો!

એક અજાણ્યા ભયથી સંચારિત હું તેની પાસે ગયો. પૂછ્યું : ‘આપણે તો સાંજ પડતાં સુધીમાં દહેજ પહોંચી જવાના હતા ને? આ તો અધરાત થઈ લાગે છે. આપણે ક્યાં છીએ?’

તેણે તેનો ચહેરો મારી તરફ ફેરવ્યો. ઘડીક વાર તે બોલ્યો નહીં. પછી કહ્યું : ‘પવન ક્યારનોય પડી ગયો છે. વહાણ અહીં જ ઠરી ગયું છે. હવે પવન ચડે તો કંઈક ચાલે.’

‘એમ? આપણે ક્યાં છીએ?’

‘પીરમબેટથી જરા આગળ.’

બપોરે તેનો અવાજ હૂંફાળા તડકાના સ્પર્શ જેવો હતો, તે અત્યારે ઠંડો ને રુક્ષ બની ગયો હતો. અંધકારનું મૌન મને ભીંસવા લાગ્યું. કશા ખેદ વગરનો તેનો ઉત્તર મને એ બિહામણા મૌનના જ વિસ્તાર જેવો લાગ્યો. મને ગૂંગળામણ જેવું થયું.

હું તેની સાથે વધુ વાત કર્યા વિના ઉપર ગયો. ટાઢીબોળ ચુપકીદી અને માથા પર મોટા મોટા, થડકતા, સંગીનોની ચમકતી અણી જેવા ક્રૂર તારાઓ. એટલા બધા ચમકદાર, એટલા બધા નજીક, એટલા બધા જીવંત! બરોબર મધ્યમાં મૃગશીર્ષનું નક્ષત્ર હતું. નીચે ડાબી તરફ સપ્તર્ષિ ને પાછળ પૂર્વમાં ચિત્રા અને સ્વાતિ.

આખા વાતાવરણમાં ક્યાંય માયાનો સ્પર્શ નહોતો. મને લાગ્યું… જાણે એ બધા તારાઓ જીવંત આત્માઓ છે અને તેઓ ટોળે મળી કોઈક ગુફતેગો કરી રહ્યા છે. મેં પેલા ભરવાડો તરફ જોયું. તેઓ એકબીજા પર આડા પડેલા દેખાયા. ઠંડી કારમી હતી ને તેમની પાસે કશું ઓઢવાનું નહોતું.

મેં દરિયા ભણી જોયું. તે પણ મને એક વિરાટ, ભયાનક શક્તિઓથી ભરપૂર કોઈ આત્મા જેવો લાગ્યો. ગૂઢ હેતુઓથી ભરેલી, જેનો મુકાબલો ન કરી શકાય એવી દુઃસહ્ય સમર્થતાથી તે જીવતો હતો, ઉચ્છ્વાસ લેતો હતો, પછડાતો હતો. હવા પણ જીવતી હતી અને એક સાપની જેમ સળવળ થતી હતી. અંધારું પણ જીવંત હતું અને ગૂઢ હિલચાલ કરતું હતું. પ્રકૃતિનાં બધાં જ પરિબળો — વાર્તાનાં ચિત્રોની જેમ — અચાનક સજીવ થઈ ગયાં હતાં અને શસ્ત્રો સજતાં હતાં.

મારી બધી શહેરી સભ્યતા ભૂલીને મને એક ચીસ પાડી દેવાનું મન થયું. હું સાચેસાચ ડરી ગયો હતો.

‘તમે અત્યારે અહીં કેમ ઊભા છો?’ મારા કાનની સાવ નજીકમાં એક સૂસવતો અવાજ આવ્યો — રેણ કરાતી ધાતુના તણખા જેવો તીવ્ર એ અવાજ હતો.

હું ચોંકીને સહસા ફર્યો. ઉઘાડા શરીરવાળો એ પેલો જ માણસ સાવ મારી નજીક ઊભો હતો. ક્યારે તે આમ આવી ગયો, મને ખબર પણ ન પડી.

એક જબ્બર પ્રયત્ન કરી મેં આત્મવિશ્વાસ પાછો મેળવ્યો. છટ્… ઘેટાંબકરાં સંભાળતો એક ભરવાડ. એનાથી વળી બીવાનું શું? પણ એની ભાષા તો ભરવાડ જેવી નહોતી!

મેં કહ્યું : ‘ઊભો છું, બસ. કેમ?’

‘જોતા નથી, કેટલી ઠંડી છે?’ તેનો અવાજ ધાતુનો બનેલો હોય તેવો સખત, રણકતો, કાનની અંદર ક્યાંય સુધી વર્તુળાયા કર્યો.

‘અને તમારું શું?’ મેં સામે પૂછ્યું.

‘હું અને તમે સરખા છીએ?’

તે ટાઢ - તડકા - વરસાદ સામે નિ:સહાય, રક્ષણહીન. અભાવો અને અછતની વચ્ચે, ઘેટાંબકરાં ને કેવળ જીવતાં રહેવાની સમસ્યા વચ્ચે પુરાયેલો મનુષ્ય…

અને હું? કાર્લ માર્ક્‌સ અને ટ્રૉટસ્કીની ક્રાંતિની મશાલથી આખી દુનિયાને પલટી નાખવાની તમન્ના લઈને ફરતો… ક્રાંતિકારી.

અને છતાં અમે બંને હતા તો મનુષ્ય જ. હું ભણેલો હોવાથી કાંઈ તેનાથી ઊંચો નહોતો.

એ બંધુભાવથી પ્રેરાઈને મેં કહ્યું : ‘આમ તો આપણે બંને સરખા જ છીએ ને!’

તે તુચ્છતાભર્યું હસ્યો ને એ હાસ્ય મારાં અંગોમાં ભાલો થઈને ભોંકાયું.

‘હું ખુલ્લા શરીરે આથી વધુ ઠંડી સહી શકું છું. અને તમે?… તમે એક મગતરાની જેમ ધ્રૂજો છો.’ તે ઘડીક થોભ્યો અને પછી તેણે તેનો હાથ મારી આંગળીઓ પર મૂક્યો. એ ઠંડા, ભારેખમ, નિ:શબ્દ સ્પર્શથી મારા શરીરમાંથી કંપારી નીકળી ગઈ. ‘નીચે જાઓ,’ તેણે કઠોર રીતે કહ્યું. એ અવાજ એટલો સખત હતો કે હવા જો સહેજ સરખી પણ ઘન હોત, તો એ અવાજથી તેમાં ઊંડા આંકા પડી ગયા હોત.

‘તમે જો ધ્યાન ન રાખો તો કોઈ પણ વસ્તુ તમારા પર હુમલો કરી શકે.’ તેણે એ જ અવાજે કહ્યું.

‘હુમલો?’ આ શબ્દ એટલો અપ્રત્યાશિત હતો કે હું લગભગ ગડથોલું ખાઈ ગયો.

‘હા, હુમલો. આ પવન અથવા આ અંધારું અથવા દરિયો. તે તમારા પર હુમલો કરી શકે અને — ’ તે ચૂપ રહ્યો. ‘નીચે જાઓ.’

હું ચૂપચાપ ભંડકિયામાં પાછો ગયો. જતાં જતાં ફરી એક વાર તેના તરફ જોયું, તે સ્થિર થઈને ઊભો હતો. અંધારામાં અંધારાએ દોરેલું એક ચિત્ર. મને થયું — તે કાંઈ ભરવાડ નહોતો. તે પોતે જ કદાચ પવન હતો, અથવા દરિયો અથવા અંધકાર.

આટલા ભારપૂર્વક મને નીચે જવાનું કહેવા પાછળ તેનો શો સંકેત હતો?

ટંડેલ દીવા પાસે બેસી ગયો હતો. હું ચૂપચાપ મારા કોથળા પર ડુંગળીની ગૂણને અઢેલીને બેઠો અને વિચાર કરવા લાગ્યો…

થોડો સમય વીતી ગયો.

અચાનક ચારે બાજુએ ખંજરી વાગી ઊઠી હોય એવો અવાજ આવ્યો. એ અવાજની સાથે જ ખલાસીઓ જાગી પડ્યા, ને સફાળા ઊભા થઈ સઢ ચડાવવા લાગ્યા. ચારે તરફ હલચલ મચી ગઈ. દરિયામાં સૂતેલો પવન આળસ મરડીને જાગ્યો અને વહાણને તેણે જોરથી ઠેલો માર્યો. અંધારાએ વહાણનાં પાટિયાં ભીંસ્યાં અને હવાએ મૌનની છાતી ચીરી નાખી. તૂતક પર ઘણાં પગલાંના અવાજ સંભળાયા. ધબધબ અવાજ. ધાંધલધમાલ, કંઈક કોલાહલ, કંઈક વિચિત્ર રૂંધામણ, ને કદાચ એક ચીસ — સાંભળી કે ન સાંભળી એવી શંકા થાય એવી ચીસ, ને વહાણ આગળ સર્યું. માલમને ખુશ થઈને બોલતો મેં સાંભળ્યો : ‘હવે હમણાં પોગી જઈશું.’

સવારમાં પાંચ વાગ્યે દહેજ આવ્યું. કાંઠાથી થોડે દૂર ભરૂચ જતી બસ ઊભી હતી. બધાએ ઝડપથી ઊતરીને ચાલવા માંડ્યું. કાંઠા પર એક નાનકડું ધોળા રંગે રંગેલું મકાન શાનું છે, એમ હું માલમને પૂછવા જતો હતો, ત્યાં ભરવાડનું આખું ટોળું મારી પાસેથી નીકળ્યું. તેઓ તદ્દન ચૂપ હતા, ને આમતેમ નજર કર્યા વિના સીધા ચાલવા લાગ્યા હતા. સૌથી છેલ્લે હતો પેલો તપખીરી આંખોવાળો માણસ. તે પણ મારી તરફ નજર નાખ્યા વિના ચાલી ગયો.

હું સ્તબ્ધ થઈ ઊભો રહી ગયો. રાતના અંધારા સાથે મળીને તેણે જે ભય સર્જ્યો હતો, એનો અણસાર હવે ક્યાં છે?

અરે — હું આશ્ચર્ય પામ્યો. આ લોકો… મેં તેમને પાછળથી જતા જોયા. એક - બે - ત્રણ - ચાર… અરે, આ લોકોને મેં વહાણ પર ગણ્યા ત્યારે તો દસ હતા. અત્યારે એક ઓછો કેમ?

ટંડેલ અને ખલાસીઓ એ ધોળા મકાન તરફ વળ્યા. પેલા ખલાસીએ એના કર્કશ સ્વરમાં ગીત ઉપાડ્યું ને બીજા બધા એમના થાકેલા ભારે સ્વરમાં સાથે ગાવા લાગ્યા — દરિયે ઊપડતા વહાણના થાકેલા જર્જર માલમનું ગીત, જેને કાંઠા પર ઊભેલી એની પત્ની પૂછતી હતી : ‘તમે પાછા ક્યારે આવશો?’

૧૯૭૫ (‘કાગળની હોડી’)