કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/રંગ તો છે ને!
ધોળા રંગની એક અંતહીન કતાર લાગી ગઈ હતી. એ એક પ્રવાહ હતો, ને છતાં દરેક રંગ એક સ્વતંત્ર વ્યક્તિરૂપ હતો. ધોળાં ધોળાં અસ્તિત્વો, શોક ચિટકાડેલા ચહેરાઓ અને આંસુથી ફુગાયેલી આંખો. ધોળો રંગ કેટલો બધો સોગિયો, કેટલો અપશુકનિયાળ લાગતો હતો! તેને ધોળા રંગમાં કદી કોઈ લાગણી દેખાઈ નહોતી. એના કરતાં તો ગેરુઓ કે કેસરી રંગ સારો. બુદ્ધનાં ચીવરનો રંગ પીળો હશે તો કેવો પીળો હશે? પીળી કરેણનાં ફૂલ જેવો? કે પક્વ થઈ ગયેલાં લીંબુની ચમકતી છાલ જેવો? પીળા રંગને તે વખતે ઘણી પ્રતિષ્ઠા મળી હશે. મૃત્યુ વખતે ધોળા રંગને ધારણ કરવામાં આવે છે તે મૃત્યુની પ્રતિષ્ઠા છે કે ભર્ત્સના? ધોળા રંગના આ પ્રવાહ વડે જો મૃત્યુના કાળા રંગને લૂછી નાખી શકાય! આ બધી, સરખા ચહેરાવાળી લાગતી સ્ત્રીઓ ધોળા સાડલા પહેરીને, એક પછી એક આવીને પસાર થયા કરતી હતી — તે શું એમ સૂચવતી હતી કે, મૃત્યુના કાળા ચહેરાને ધોળાં વસ્ત્રો વડે સાવ ઢાંકી દઈ શકાય છે? તેને યાદ આવ્યું… ગામની બહારનું મોટું કબરસ્તાન; ચૂનો દીધેલી, ધોળી કબર પછી કબરની કતાર. તેને થયું : આ બધી કબરો તો ઊઠીને તેને ત્યાં નથી આવી ને?
અને એ ધોળા રંગથી તો મૃત્યુનો ચહેરો વધુ છતો થઈ જતો હતો. મૃત્યુ તો આવી જ ચૂક્યું હતું. એમાં તો કશો ફેરફાર કરી શકાય તેમ જ નહોતું. એ મહાન… મહાન શું? મૃત્યુને શું કહેવાય? હા, દેવતા. એ મહાન દેવતાને શું તમે કેવા રંગનાં વસ્ત્રો ધારણ કરો છો તેની સાથે રજમાત્રેય સંબંધ છે? તે શું પોતાનું કામ થંભાવે છે? કે પોતાની ધાર જરીકે બુઠ્ઠી બનાવે છે?
મૃત્યુ… હા, યાદ આવ્યું. મૃત્યુ થયું હતું. કોનું? સુકંઠનું. સુકંઠ પોતાનો પતિ હતો. દસ વરસ સુધી તે પોતાની સાથે રહ્યો હતો અને પછી અચાનક જ તે મૃત્યુ પામ્યો હતો. તેણે સુકંઠનું મોં યાદ કરવાનો પ્રયત્ન કર્યો. મોંની બધી રેખા આંખ સામે તરવરી રહી નહીં. તેને જરા નવાઈ લાગી. આટલી બધી વાર જે ચહેરો પોતાની આંખો સાથે જડાયો હતો, તે મૃત્યુ પામતાંવેંત જ ધૂંધળો, અસ્પષ્ટ, ભૂંસાયેલી રેખાવાળો કેમ બની ગયો? આંખોમાંથી બહુ વહી ગયેલાં આંસુ સાથે એની છબી જાણે ધોવાતી ગઈ હતી. હજુ જો પોતે રડતી જ રહે, તો… તો કદાચ એ ચહેરો પોતાની આંખમાંથી સાવ જ ધોવાઈ જાય. પછી પોતાને કાંઈ યાદ ન રહે. એક નામ યાદ રહે. એક ઘટના યાદ રહે, ‘બહુ ખોટું થયું. ૩૩ વરસનો જુવાન આમ ઘડીક વારમાં ચાલ્યો ગયો…’ આવાં વાક્યો સાંભળતાં તે એની સાથે કોઈક ચહેરાનું અનુસંધાન શોધવા મથે, પણ ભાવનું અનુસંધાન તો ન થાય!
અનુસંધાનનો તાર તો મૃત્યુએ તોડી નાખ્યો હતો. હજુ આંખમાંથી આંસુ વહ્યા જ કરે છે. દરેક નવું માણસ મળવા આવે કે યાદ તાજી થઈ જાય છે ને આંસુ વહેવા માંડે છે. સામેની વ્યક્તિ પણ રહે છે. આંસુ લૂછતાં, લાલ લાલ નાકને લૂછતાં તે કહે છે : ‘મને તો ખબર જ નહોતી. હું તો એમ વિચાર કરતો હતો કે આવતા રવિવારે તમને બંનેને જમવા બોલાવવાં…’ પછી તે એકદમ ચૂપ થઈ જાય છે. હજુ હમણાં જ કોઈનું મૃત્યુ થયું હોય ત્યારે જમવાના આમંત્રણની વાત ન કરાય. પછી તે નજર નીચી ઢાળી દે છે. એ બધો વખત, મૃત્યુ સિવાયના પણ કેવા જાત જાતના વિચારો તેના મનમાં ચાલ્યા કરતા હોય છે! નીચે ભોંય પર એક કીડી ચાલી જાય છે. અકસ્માતના સમાચાર આવ્યા ત્યારે પોતે એક બરણીમાંથી વાટકીમાં મુરબ્બો કાઢી રહી હતી. બરણી એમ ને એમ મૂકીને દોડી હતી. ત્યાર પછી તે રસોડામાં ગઈ જ નહોતી. મુરબ્બામાં કદાચ કીડીઓ ચડી ગઈ હશે… કોઈએ બરણી બંધ કરી હશે કે નહીં?
તેને હાથ ફેલાવી આળસ મરડવાનું મન થયું. એકની એક સ્થિતિમાં તે કલાકોથી બેસી રહી હતી, થાક લાગ્યો હતો. પગમાં ખાલી ચડતી હતી. પગ લાંબો કરી, આંગળાં પર મુક્કી મારવાથી ખાલી ઊતરી જાય. પણ આ બધા ધોળા રંગો તેને મળવા આવ્યા હોય, તેની આસપાસ ગોળાકારે બેસી ભાવ સાથેના અનુસંધાન વિનાના શબ્દો ઘૂંટતા હોય, ત્યારે પગ લાંબા કરી આંગળાં પર મુક્કી કેમ મરાય?
તેણે જરા હલચલ કરી. બ્લાઉઝ ક્યાંક ખેંચાતું હતું, તેથી જરા તકલીફ થતી હતી. આ બ્લાઉઝ તેને જરા ટૂંકું પડતું હતું. એ તો તેણે કાઢી નાખેલું બ્લાઉઝ હતું. ધોળો રંગ તેને ગમતો નહોતો… ને આ એક જ ધોળા રંગનું બ્લાઉઝ તેની પાસે હતું, જે તેણે કબાટમાં ક્યાંક ખૂણે મૂકી રાખ્યું હતું. કોણે એ કાઢીને એને પહેરાવ્યું? કબાટમાંથી એ સહેલાઈથી નહીં મળ્યું હોય. શોધાશોધ કરવી પડી હશે. સાડલો તો ઘરમાંથી કોઈનો પણ ચાલે, પણ બ્લાઉઝ ન ચાલે. પોતે કાઢી નાખેલા એક જૂના બ્લાઉઝ માટે ઘરમાં થતી શોધાશોધ તે બંધ આંખે સાંભળી રહેલી. આટલી બધી શી માથાકૂટ એક રંગને ખાતર? નર્યા અમથા ધોળા રંગ માટે, ઘરમાં ભાભી, બહેન, મા, માસી દોડાદોડ કરી રહ્યાં હતાં. એક રંગ ખાતર… જીવન જાણે બે રંગોમાં વહેંચાયેલું હતું. એક તરફ ધોળો રંગ, બીજી તરફ બાકીના બધા રંગો. એ બધા રંગો સાથે મળીને એક ધોળા રંગની તોલે શું આવી શકે?
એક પછી એક પછી એક… ધોળા રંગો આવ્યા કરતા હતા, બોલતા હતા, રડતા હતા ને પગે લાગતા હતા. પોતે બધાંનું કેન્દ્ર હતી. બધાં લોકોની બધી ક્રિયાઓનું કેન્દ્ર. તેને એક બહુ જ નિરંકુશ વિચાર આવ્યો. બધી જાતના રંગો એકઠા કરી આ ધોળાં કપડાં પર રેડી દેવાનો. લાલ, લીલી, વાદળી શાહી તો ઘરમાં હોય. લીલી શાહી સુકંઠ ખાસ વાપરતો…
સુકંઠ! ધોળા રંગના આ કોલાહલમાં એ તો સાવ ભુલાઈ જ ગયો હતો. હજુ હમણાં જ તે મૃત્યુ પામ્યો હતો, પણ તે પછીની એક એક ક્ષણ મૃત્યુની સઘન અનુભૂતિથી એટલી ગાઢપણે જિવાઈ હતી કે સુકંઠ એક વાર જીવતો હતો, એ વાત તો જાણે બહુ જ દૂરના ભૂતકાળની બની ગઈ હતી. મૃત્યુની ઘટના યાદ રહી હતી, પણ જેનું મૃત્યુ થયું તે તો જાણે ઘણા સમયથી હતો જ નહીં. તેને નવાઈ લાગી. તેનું હૃદય હજુ શોકથી સંપૂર્ણપણે ગ્રસ્ત હતું, તેની આંખો હજુ લગાતાર આંસુ વહાવ્યા કરતી હતી, પણ તેનું મન તો બીજા ઘણા વિચારો કરી શકતું હતું. કોણ કોણ પોતાને મળવા આવ્યું છે ને કોણ નથી આવ્યું તેની નોંધ લેતું હતું ને એ વિશે પ્રતિભાવો અનુભવતું હતું. અને એમાં સુકંઠ તો બહુ જ દૂર રહી ગયો હતો; લગભગ ભુલાઈ જ ગયો હતો. તેને યાદ રાખવો જોઈએ કે ભૂલી જવો જોઈએ? તેને થયું… પોતે કાંઈ પણ કરી શકે. એનું નામ લઈ લઈને એને યાદ રાખી શકે અથવા ધોળા રંગથી નજર ધોઈ ધોઈને, એને ભૂલી જઈ શકે. અરે, પોતે તો કાંઈ પણ કરી શકે તેમ હતી. એક બહુ જ મહાન, અપૂર્વ ઘટના બની હતી, ને પોતે એનો બહુ જ ઊંડાણથી પ્રત્યુત્તર વાળી શકે તેમ હતી… આ મૃત્યુ શું પૂર્વનિર્મિત જ હશે? બધું જ શું નક્કી થયેલું હશે? આ અચાનક વિદાય, આ અકસ્માત… બાઇબલમાં ઈસુએ શું કહેલું? ‘તમારા તો વાળ પણ ગણાયેલા હોય છે.’ અહા, આટલી બારીકાઈથી, આટલી ચોક્કસ ને સંપૂર્ણ રીતે બધું પહેલેથી ગોઠવાયેલું હોય છે? આ બધું તો સમજવું જોઈએ. એને જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ…
પણ આ ધોળા રંગો તો રડવા સિવાય કશું જ નહોતા કરતા. એ તો તદ્દન યાંત્રિક હતા ને ચાવી દીધેલા પૂતળાની જેમ આવતા હતા, બેસતા હતા ને ઊઠીને ચાલ્યા જતા હતા. મૃત્યુ જેવી એક મહાન ઘટના બની હતી! તે પોતે મૃત્યુ વિશે, જીવન વિશે, ઈશ્વર વિશે વિચાર કરતી હતી, ને આ બધા તો કશું જ કરી શકતા નહોતા. માત્ર પોતે જ જીવંત હતી ને આ બધા તો નિર્જીવ હતા. બધા ધોળા રંગો જાણે કબરમાંથી ઊઠી ઊઠીને આવ્યા હતા ને પ્રેતની સૃષ્ટિ રચતા હતા. આમાંથી જલદી બહાર નીકળવું જોઈએ, નીકળી જ જવું જોઈએ. હજુ આકાશ સાવ ધોળું નથી બની ગયું! સૂરજનો રંગ હજુ બુદ્ધના ચીવરના રંગ જેવો પીળો છે… ને એકાએક તે બોલી પડી… હજુ કોઈક કહેતું હતું : ‘બહુ ખોટું થયું. ન કલ્પી શકાય, ન ધારી શકાય એવું અસહ્ય દુઃખ આવી પડ્યું…’ હજુ તો બોલનારનું વાક્ય પૂરું નહોતું થયું ને તે બોલી ઊઠી : ‘રંગ, સૂરજને રંગ તો છે ને?’
બધા ધોળા રંગો બાઘાની જેમ તેની સામે તાકી રહ્યા ને પછી ટપોટપ મરી ગયા, ને તે એકલી જીવતી રહી સૂરજના ધબકતા રંગમાં.
૧૯૬૯ (‘કાગળની હોડી’)