કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/કોઈક દિવસ
‘કોઈક દિવસ સમજાશે…’ આ શબ્દો માને મોંએ તેણે કેટલીયે વાર સાંભળ્યા છે; અને પછી તે મનમાં વિચારે છે, એ કોઈક દિવસ ક્યારે આવશે? રવિવાર વારંવાર આવે છે, જ્યારે બાપુ મોડા ઊઠે છે, વરંડામાં આરામખુરસી નાખીને બેસે છે અને પછી છાપું વાંચતાં વાંચતાં મા સાથે વાતો કરે છે. મા ધીમું ધીમું હસ્યા કરે છે. મા એવી રીતે હસે છે ત્યારે બહુ જ સુંદર લાગે છે. આવી રીતે, વરંડામાં પથરાઈ ગયેલી કુમળી સવારે માના હાસ્યનો આ નાનકડો દીવો ઝબક ઝબક થાય, ત્યારે તે સમજી જાય છે કે આજે રવિવાર હોવો જોઈએ. સોમવારે તો ધમાલ. બાપુ સવારમાં દોડધામ કરી મૂકે. મા સ્નેહથી ઠપકો આપે : ‘તમે જરા ધીરજથી બધું કરતા હો તો? આમ રઘવાયા કેમ થઈ જાઓ છો?’ અને બાપુ એકદમ ધીમા પડી જાય. પણ એ તો બે-ચાર મિનિટ જ. વળી પાછા એમની આદત મુજબ હાંફળાફાંફળા થઈ જાય… ‘અરે હજુ નાહવાનું પાણી ગરમ થયું નથી? કાલે ધોબી કપડાં આપી ગયો તે ક્યાં મૂક્યાં છે? ક્યારનો શોધું છું પણ રૂમાલ જડતો નથી. આ ઘડિયાળને ચાવી આપવાની તો રહી જ ગઈ!’… ઇત્યાદિ. ને પોતે ખૂણામાં બેસીને આ જોયા કરે, સાંભળ્યા કરે. એને આ બધું બહુ ગમે. મા વચ્ચે વચ્ચે મલકાઈને બાપુને કહે : ‘જુઓ તો, તમારો લાડલો બાળ તમારા પર હસે છે.’ મંગળવાર તેને બરાબર યાદ. મંગળવારે એક બાવો સવારે ચા લેવા અચૂક આવે. કોને ખબર ક્યારથી આ ક્રમ ચાલ્યો આવતો હતો. પણ આશિષને ભાન આવ્યું ત્યારથી તેણે એને હંમેશાં જોયો છે. એનો ચીપિયો ખખડાટ કરે, એની ટોકરીઓ રણઝણ વાગે. પગની પાનીને ઢાંકતો કાળો વેશ, સવારના સૂરજમાં જાણે કાળા સરોવરની જેમ ઝબકી ઊઠે. મોટાં મોટાં પગલાં ભરતો એ નજીક આવે ત્યારે આશિષ મુગ્ધ થઈને એને જોયા કરે. બાવામાં તેને કોઈક અત્યંત આકર્ષક અદ્ભુત તત્ત્વ લાગે. તેની નજર, એના ગોરા ચહેરામાં જડાયેલી, લીલી લાગતી આંખો પરથી ખસે જ નહીં. બાવો સ્નેહથી તેને માથે એક ટપલી મારે, અને એના ગયા પછી આશિષ પૂછે : ‘મા, આ બાવો આકાશમાંથી આવે છે?’ એને મન જે કાંઈ અગમ્ય, સમજમાં ન ઊતરી શકે તેવું, સુંદર ને આકર્ષક હતું તે બધું આકાશમાં નિવાસ કરતું હતું. બીજી માતાઓ પોતાનાં બાળકોને ‘બાવો આવશે’ કહીને બિવડાવે, પણ આશિષ તોફાને ચડ્યો હોય ને કેમે કર્યો પથારીભેગો ન થતો હોય ત્યારે મા કહેશે : ‘તું સૂઈ નહીં જાય તો બાવાજીને કહી દઈશ કે તે મંગળવારે ચા લેવા ન આવે.’ આ સાંભળીને આશિષની કાળી - ભોળી આંખો પહોળી થઈ જાય. આવું અદ્ભુત આકર્ષણ ગુમાવવાનું તેને પાલવે નહીં. ‘ના હો મા, જો હું સૂઈ જાઉં છું, જો ને, આ ઊંઘી પણ ગયો.’ અને ખરેખર એ ક્ષણવારમાં ઊંઘી જતો. કદાચ બાવાનાં સપનાં જોતો. મા તેના માથા પર હાથ ફેરવી હળવેથી કાનમાં બોલતી : ‘સૂઈ જા વહાલા બાળ, પોઢી જા મારા લાલ.’ અને કશાય કારણ વગર ક્યારેક માની આંખોમાંથી એક બુંદ સરી પડતું. બુધવાર પણ તેને બહુ જ યાદ છે. તે દિવસે દાદાજી સાથે સવારમાં મંદિરે જવાનો કાર્યક્રમ. દાદાજી ઘરડા છે, બહુ જ ઘરડા. એમની દાઢી, ચંદ્રના અજવાળામાં સફેદ બની ગયેલા વાદળ જેવી સફેદ અને નરમ છે. કેવું વિચિત્ર! દાદાજીને જોઈને પણ આશિષને આકાશ જ યાદ આવે છે. દાદાજીની દાઢી સાથે તેને આકાશનાં ધોળાં વાદળ જ યાદ આવે છે. દાદાજી ઘણી વાર કહે : ‘હું હવે કેટલા દિવસ?’ ત્યારે આશિષને એમ જ થાય કે દાદાજી આકાશમાં જતા રહેશે. એક દિવસ તેણે માને પૂછેલું પણ ખરું : ‘હં, મા! દાદાજી આકાશમાં જવાના છે?’ માએ ગભરાઈ જઈને તેના મોંએ હાથ મૂકી દીધેલો : ‘ના, ના, આકાશમાં શું કરવા કોઈ જાય, બેટા? દાદાજી તો આપણી સાથે જ રહેવાના છે.’ દાદાજી પાસે વાતોનો અખૂટ ભંડાર. એમાંયે એક સફેદ હાથીની વાત તો આશિષને બહુ જ પ્રિય. ફરી ફરી તે કહે : ‘દાદાજી, ધોળા હાથીની વાત કહો ને!’ દાદાજી વાત માંડે. આશિષ ઉભડક પગે બેસે. દૂર જંગલમાં, જ્યાં ખરે બપોરે અંધારું ઊતરી આવે છે અને રાતની ચાંદની પાંદડાંના ઝૂલે નિઃશબ્દ ઝૂલ્યા કરે છે, ત્યાં તેનું મન ચાલી જાય. એકની એક વાત. કેટલીયે વાર સાંભળેલી. તોય તેનું આખું હૃદય કાનમાં આવી કેન્દ્રિત થઈ જાય. ધોળા હાથીને શિકારીએ ગોળી મારી જખ્મી કર્યો, એ વાત આવતાં તો આશિષનું હૃદય ધડક ધડક થવા લાગે. પછી શું થયું? દાદાજી, પછી શું થયું? પણ ધોળા હાથીને તો દેવતાનું વરદાન. રૂપ નદીને પેલે પાર, જ્યાં ભૂમિ સદાય હરિયાળી રહે છે, તૃણની લાંબી પત્તી ઝાકળભારે નમી જાય છે, અને ખાખરાનાં ઝાડ પર કેસૂડાંના રંગનો રાસ રચાય છે, ત્યાં ધોળો હાથી એની હાથણીને મળવા જાય છે અને અર્ધ ઊજળી રાતે, નદીકાંઠે બેસી તેઓ પ્રેમનો આસવ પીએ છે ને મૌન રહે છે. ગુરુવારે કશું ખાસ બનતું નથી, પણ શુક્રવાર તો અદ્ભુત આનંદનો દિવસ. તે દિવસે બપોરે બચુમિયાં બંગડીઓ લઈને વેચવા આવે. આજુબાજુ ઘણાં ઘર, પણ તે આશિષના ઘરના ઓટલે જ પેટી ઉતારે. આશિષ તીરવેગે દોડતો આવે — ને પાછો ઘરમાં દોડી જાય. ‘ઓ મા, ઓ મા — બચુમિયાં આવ્યા.’ અને રખે ને આ બે પળમાં બચુમિયાં નારાજ થઈને ચાલી ગયા હોય એવા ડરે પાછો બહાર દોડે. ત્યાં સુધીમાં બચુમિયાંએ પેટી ઉઘાડી હોય ને અંદરથી રંગબેરંગી બંગડીઓ કાઢી હોય. આશિષને આ રંગોનું આકર્ષણ. બપોરના તડકામાં ઝળક ઝળક થઈ ઊઠતા કાચનું આકર્ષણ. એકમેક સાથે જરી અથડાતાં, નાના બાળકની જેમ ખિલખિલાટ હસી પડતા એના અવાજનું આકર્ષણ. બચુમિયાં આશિષનું આકર્ષણ બરાબર સમજે. ક્યારેક તેના હાથમાં બંગડીનું આખું ઝૂમખું આપે. હલકા પીળા, ઘેરા લીલા, ભડકે બળતા લાલ અને ઊંડા વાદળી રંગની બંગડીઓ ઉપર સોનેરી લીટીઓ. એને સૂર્યનાં કિરણો વીંધે. આશિષને થાય — સૂરજમાં ઝબોળેલા રંગના એક વિશાળ દરિયામાં પોતે તરી રહ્યો છે. મા કહે : ‘બચુમિયાં, દર અઠવાડિયે બંગડી શી લેવાની હોય?’ બચુમિયાં કહે : ‘ન લો તો કાંઈ નહીં, જરા જુઓ તો ખરાં… આ બનારસની બંગડી, આ કલકત્તાની શંખની ચૂડી… સાવ નવો જ માલ આવ્યો છે…” શનિવારની એક જુદી જ ઓળખ છે. એ દિવસ એનો ને બાપુનો છે. શનિવારે મા ઘણી વાર મામાને ઘેર જાય. આશિષને કહે : ‘ચાલ આવવું હોય તો,’ પણ આશિષ બાપુની સાથે, આંગણામાં પીલુડીના ઝાડ નીચે બેસે. બાપુ તે દિવસે કામ પરથી વહેલા પાછા આવે. પીલુડીના ઘટાદાર ઝાડ નીચે બાપદીકરો બેસીને ખિસકોલીની રમત જુએ. બાપુ એને કાગડાની, ચકલીની, હોલાની અને એણે નામ ન સાંભળ્યાં હોય એવાં કેટલાંયે પંખીની વાત કરે. દરજીડો ટ્વીટ ટ્વીટ બોલે. અને વ્હિસ્લિંગ બૉય? એ તો એવી સરસ સિસોટી બજાવે કે તમને થાય, કોઈ નટખટ કિશોર ગોવાળિયો જ જાણે તમારી પાછળની ભૂરી પહાડીઓમાં ક્યાંક સીટી બજાવતો ચાલ્યો જાય છે. પછી બાપુ આશિષને જીવડાં બતાવે. ધૂળમાં આમતેમ આરામથી ફરતાં જીવડાં. દરેક જતી કીડી આવતી કીડીને ભેટ્યા વગર આગળ ન વધે. આશિષ મુગ્ધ થઈને જોયા જ કરે. કોઈક નાની કીડી બહુ મોટો કણ ઊંચકીને લઈ જવાનો પ્રયત્ન કરે, પણ એ કામ એના ગજા બહારનું. છેવટ બીજી કીડીઓ આવે ને પછી બધાં સાથે મળીને એ લઈ જાય. આશિષ આશ્ચર્યની એક અદ્ભુત સૃષ્ટિમાં ખોવાઈ જાય. ઘરના દરેક ખૂણે, આંગણાના દરેક કણમાં આશિષ માટે આશ્ચર્યનો મહાન ખજાનો! અઠવાડિયાના પ્રત્યેક વારને તે ભિન્ન ભિન્ન રીતે ઓળખે છે. ઘણી વાર તે માને પૂછે છે : ‘મા, બાપુના વાળ કાળા છે ને દાદાજીના ધોળા કેમ છે? સૂરજ ડૂબી જાય છે ત્યારે ક્યાં જાય છે? બિલાડી ઊંઘી જાય છે ત્યારે તેને સપનાં આવે છે? આકાશને તારાઓનો ભાર નથી લાગતો?’ અને ઘણી વાર તે બહુ જ નિર્દોષતાથી પૂછતો : ‘મા, હું કેમ મોટો નથી?’ મા સમજાવી શકાય તેટલું સમજાવે છે. પણ આશિષ હજુ ઘણો નાનો છે, અને મા કહે છે : ‘કોઈક દિવસ તને સમજાશે.’ આશિષ રવિથી શનિ સુધીના દિવસોને ઓળખે છે પણ આ ‘કોઈક દિવસ’ની તેને ઓળખ નથી. એ કોઈક દિવસ ક્યારે આવશે? કઈ દિશાએથી? કેવાં વસ્ત્રો પહેરીને? એ ઘણા ‘કોઈક દિવસો’માંનો એક ‘કોઈક દિવસ’ આથમણી દિશાએથી એક વાર આવ્યો. એણે કાળાં વસ્ત્રો પહેર્યાં હતાં ને એ આવ્યો ત્યારે દિવસ આથમી ગયો હતો. ધીમે પગલે તે દાદાજીના ખંડમાં પ્રવેશ્યો ને તેમના માથા પાસે બેઠો. બાપુ બેઠા બેઠા ગંભીર સ્વરે ગીતાપાઠ કરતા હતા. મા ઘીનો દીવો પેટાવતી હતી. બીજા થોડાક લોકો પણ બેઠા હતા. દાદાજીની સફેદ દાઢી પોઢી ગઈ હતી, પણ તેમની આંખો હજુ જાગતી હતી. તેમણે ક્ષીણ અવાજે કહ્યું : ‘આશિષને બોલાવો…’ બીજા જે લોકો ત્યાં બેઠા હતા, તેમને થયું કે આશિષ ગભરાઈ જશે. પણ બાપુ બહાર જઈને આશિષને બોલાવી લાવ્યા. આશિષ આશ્ચર્યથી દાદા સામે જોઈ રહ્યો. આજે દાદા કોઈક નવી વાત કહેવાના હતા? તે દાદાજીની નજીક જઈને બેઠો. દાદાજી મલક્યા. તેમણે આશિષને માથે હાથ મૂક્યો, અને પછી તે ઊંઘી ગયા. પછી તે જાગ્યા નહીં. ‘કોઈક દિવસ સમજાશે…’ આશિષનો આ ‘કોઈક દિવસ’ આવ્યો હતો? તેને કેટલું સમજાયું? ખબર નથી. માને તેણે પૂછેલું : ‘દાદાજી ક્યાં ગયા, મા?’ અને માએ ઉદાસ અવાજે કહેલું : ‘દાદાજી ભગવાનને ઘેર ગયા, બેટા! ‘ભગવાનનું ઘર ક્યાં છે, મા?’ ‘ઉપર આકાશમાં…’ … તો ભગવાનનું ઘર ઉપર આકાશમાં છે, જ્યાં બધું જ સુંદર વસે છે ને તારાઓ હસે છે, ત્યાં દાદાજી ગયા છે. ધોળા હાથીને જેનું વરદાન હતું તે દેવતા પણ ઉપર આકાશમાં નિવાસ કરે છે. સાંજટાણે આંગણામાં રમતો આશિષ કોઈ વાર રમવાનું છોડી ફિક્કા નીલ આકાશ તરફ જોઈ રહે છે. આટલી વિશાળ જગ્યામાં દાદાજી ક્યાં હશે? ભગવાનને ઘેરથી તે ક્યારે પાછા ફરશે? તેણે માને આ પ્રશ્ન પૂછ્યો હતો અને ત્યારે માએ, તે ઘણી વાર આપતી તેમ શાંત અવાજે ઉત્તર આપ્યો હતો : ‘એ પણ બેટા, તને કોઈક દિવસ તારી જાતે જ સમજાશે…’ આશિષ ઘણુંબધું સમજવા માગે છે, પણ તેને સમજાતું નથી. ફૂલ કેમ ઊગે છે? અને પછી એ કરમાઈ કેમ જાય છે? આ નિરંતર વહેતી હવા છેવટ ક્યાં જાય છે? ઝાડનાં પાન ખરી કેમ પડે છે? કબૂતરના માળામાં બચ્ચાં ક્યાંથી આવ્યાં? સૂરજનું ઘર કઈ જગ્યાએ છે? આ બધા પ્રશ્નોને તે શબ્દોમાં મૂકી શકતો નથી. માત્ર તેના મનમાં એના અસ્પષ્ટ ધૂંધળા આકારો ઘેરાયા કરે છે. …અને સળગતા તાવમાં આકારો વિશાળ ને વિશાળ થવા લાગ્યા, આખા ઓરડાને ભરી દેવા લાગ્યા. પથારીમાં સૂતાં સૂતાં આશિષ કશુંક પૂછવા માગતો. પણ પછી તે ભૂલી જતો. મા કાચની નાની સરસ પ્યાલીમાં રંગીન ને કડવી દવા આશિષને આપતી ને વહાલથી કહેતી : ‘પી લે, બેટા!’ આશિષ ચુપચાપ દવા પી જતો, ને પછી પૂછતો : ‘દવા કડવી કેમ હોય છે, મા?’ અને ઘણી વાર એ પૂછતો : ‘મને શું થયું છે, મા? મને તમે કેમ બહાર રમવા નથી જવા દેતાં?’ જે માને તેણે સદાય હસતી જોઈ હતી, હળવી પંખિણીની જેમ ઘરમાં ફરતી જોઈ હતી, તે માની આંખમાં તે કદીક આંસુ જુએ છે. મા ઉદાસ કેમ છે? અને પછી આશિષ પોતાને કહે છે : કોઈક દિવસ સમજાશે. સમજવાનો, બધું જ સમજી લેવાનો આ કોઈક દિવસ ક્યારે આવશે? કયે બારણેથી? કેવા ચહેરે? મંગળવારની સવારે લીલી આંખોવાળો બાવો ચા લેવા આવ્યો. આજે તે ચા લઈને ચાલી ગયો નહીં. અંદર આવી, આશિષના નાના ખાટલા પાસે બેઠો. આશિષનું મન રાજી થઈ ગયું. બાવો ક્યાંથી આવ્યો હશે? આકાશમાંથી? તેને યાદ આવ્યું કે દાદાજી પણ આકાશમાં ગયા હતા. તેને અચાનક જ દાદાજી પાસે જવાનું તીવ્ર મન થઈ આવ્યું. ‘મા?’ તેણે હળવા સ્વરે બૂમ મારી. મા તેની પાસે જ હતી. ‘શું બેટા?’ ‘મા, મને આજે નવાં કપડાં પહેરાવીશ ને?’ ‘પહેરાવીશ, દીકરા!’ ‘તને ખબર છે, મા! આજે મને આકાશમાં જવાનું મન થાય છે. દાદાજી પાસે. દાદાજી ભગવાનને ઘેર ગયા છે ને? હું પણ ભગવાનને ઘેર જાઉં, મા?’ માની આંખો ટપ ટપ કરતી ચૂઈ પડી. બાપુએ માના હાથ પર મૃદુતાથી હાથ મૂક્યો. આશિષે અડધી મીંચેલી આંખે કહ્યું : ‘માને કહો ને બાપુ, મને નવાં કપડાં પહેરાવે.’ માથી ઉઠાયું નહીં. એણે આશિષનું માથું ખોળામાં લીધું. બાપુએ પેટીમાંથી આશિષનાં નવાં કપડાં કાઢ્યાં અને પહેરેલાં કપડાં પર જ પહેરાવ્યાં. આશિષ સામે જોઈને, હસીને તેમણે પૂછ્યું : ‘આશિષ, બેટા, તું રાજી છો ને?’ ‘હા, બાપુ — હું બહુ જ રાજી છું. આજે મને ધોળા હાથીની વાત સાંભળવાનું મન થયું છે. દાદાજીએ બહુ વાર લગાડી આવતાં, તો હવે હું જ એમની પાસે જાઉં?’ તે થોડી વાર શાંત રહ્યો. પછી થાકેલા અવાજે બોલ્યો : ‘મા!’ માએ આંખ લૂછી નાખી. હંમેશના જેવું મીઠું, પ્રસન્ન હસીને તે બોલી : ‘શું દીકરા?’ ‘દાદાજીએ આવતાં આટલી બધી વાર કેમ લગાડી હશે?’ આજે માએ કહ્યું નહીં કે ‘કોઈક દિવસ’ તને સમજાશે. કદાચ સમજવાની ઘડી આજે આવી ગઈ હતી. આશિષે બાવાની લીલી આંખો સામે મીટ માંડી. પછી તે સહેજ હસ્યો. એ આંખોમાં એક આકાશ હતું, અને એ આકાશનો અર્થ કદાચ તેને સમજાયો હતો. શબ્દોની પારનો અર્થ. એનો ‘કોઈક દિવસ’ ભભૂતિયો ચહેરો લઈને આવ્યો હતો, લીલી આંખોના આકાશ વાટે આવ્યો હતો. અને હવે આશિષ એ આકાશમાં જવા ઇચ્છતો હતો; જ્યાં બધું જ અસીમ, અનંત, શાશ્વત છે, એવા ધરતી-પારના પ્રદેશમાં જવાની તેની ઘડી આવી હતી. તેણે મા સામે સ્મિત કર્યું, બાપુ સામે સ્મિત કર્યું, અને બાવાની લીલી આંખોના આકાશમાં નેત્રો મીંચ્યાં. અને પછી, જેમાં ઘણુંબધું સમજવાનું વચન રહેલું હતું તે ‘કોઈક દિવસે’ તેના પર ચિરનિદ્રાની ચાદર હળવેથી ઓઢાડી દીધી.
૧૯૬૪ (‘વધુ ને વધુ સુંદર’)