zoom in zoom out toggle zoom 

< કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ

કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/વધુ ને વધુ સુંદર

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૫. વધુ ને વધુ સુંદર

બીજા જુવાનોની જેમ તેમને એકલાં જુદાં રહેવાનો તો વિચાર પણ નહીં આવ્યો હોય. ઊલટાનું તે લોકો તો મકાન મળતાં જ ખુશ થઈને દોડતાં આવશે ને કહેશે : ‘મમ્મી, સરસ ઘર મળ્યું છે. તારે માટે એક જુદો જ મોટો રૂમ. તને ગમશે ને?’

કેટલું સારું હતું કે તેનો પુત્ર ચંચળ, ઊર્મિલ, પોતાના જ ખ્યાલોમાં ડૂબી રહેનાર માણસ નહોતો. બીજી માઓની જેમ તે, પુત્ર પોતાને પાળે એવી અપેક્ષા નહોતી રાખતી. તોપણ, પુત્ર સ્નેહાળ, મુક્ત વિચારવાળો અને પત્ની અને મા બંનેનો આદર કરનાર હતો, તે વાતથી તે ગર્વ અનુભવતી.

જોકે, એક વાર તેણે તીવ્રતાપૂર્વક ઇચ્છેલું કે પોતાને સંતાન ન હોય. તે જીવનને મોકળી રીતે જીવવા માગતી હતી. કશી ફરજિયાત જવાબદારીથી જીવનભર બંધાઈ જવું પડે તે તેને મંજૂર નહોતું. લગ્ન કર્યાં ત્યારે તેણે મનમાં નક્કી કરેલું કે પોતે નોકરી કરીને જાતે જ કમાશે; આર્થિક રીતે સ્વાવલંબી જ રહેશે. અનિલ સાથે લગ્ન કરતાં પહેલાં તેણે આ વસ્તુ સ્પષ્ટ કરી હતી. અનિલ નોકરી કરવાની ના પાડે તો એની સાથે લગ્ન ન કરવાં, તેમ પણ એણે વિચારેલું. પણ અનિલે કશો વાંધો લીધો નહોતો, ઊલટાનું તે ઉત્સાહથી નોકરી શોધી લાવ્યો હતો. તેને ખબર હતી, અનિલ સાંજે ઘેર આવે ત્યારે પોતે ઘેર હોય અને ગરમ ચાનો એક સરસ કપ આપે તો અનિલ બહુ જ પ્રસન્ન થાય. પણ આવા નાના આનંદો કરતાં, સ્ત્રીમાં અસ્મિતાનું ભાન જાગ્રત થાય તે વસ્તુ તેને વધારે મહત્ત્વની લાગતી. અનિલે પોતે કદી કોઈ પ્રકારનો આગ્રહ રાખ્યો નહોતો. તે ભલો, સારો માણસ હતો. પોતાની ઇચ્છાઓ અને રુચિઓ વ્યક્ત કરવાની તેને બહુ આદત નહોતી. જીવન વિશેના તેના કેટલાક ચોક્કસ ખ્યાલો હતા, પણ એને મૂર્ત કરવા માટેની ક્રિયાશક્તિ તેનામાં ઓછી હતી. એક મર્યાદિત માનસિક ભૂમિકા પર તે સરળપણે જીવતો અને તેની પત્નીને બહુ જ ચાહતો.

પણ પુષ્પાનો સ્વભાવ તો એકદમ તેજ, ચંચળ, ગતિશીલ હતો. તે જલદી રાજી ને જલદી નારાજ થઈ જતી, મનના ભાવ તીક્ષ્ણ રીતે વ્યક્ત કરતી, અને જેને ચાહે તેના પર અષાઢના મેઘની જેમ વરસી પડવા ઇચ્છતી. અનિલ તેને એટલો વેગપૂર્ણ ઉત્તર આપી શકતો નહીં, પણ તે તેને ચાહતો અને બધી રીતે સંભાળી લેતો. સાંજે પુષ્પા નોકરી પરથી ઘેર આવે ત્યારે, અનિલ તેની પહેલાં આવી ગયો હોય તો કૉફી કે ચા બનાવી રાખતો; અને પછી તે પીતાં પીતાં બંને મોડી સાંજ સુધી રૂમના જમણી તરફના ખૂણામાં બેસી રહેતાં. ત્યાંથી પશ્ચિમનું આકાશ અને ડૂબતા સૂરજનો આલોક દેખાતાં. અનિલને વાંચવાનો શોખ હતો — તે વાંચતો ને પુષ્પા સાંભળતી — જુદાં જુદાં પુસ્તકો.

“રોજેરોજ, ક્ષણે ક્ષણે હું પ્રકૃતિમાં વધુ ને વધુ ડૂબતો જાઉં છું. ‘કંઈ ન હોવાનો’ આનંદ અનુભવી શકવાની અમૂલ્ય ભેટ મને મળી છે. કવિની શક્તિ તે તો નિરંતર કશુંક નવું શોધી કાઢવાની શક્તિ છે. કોઈક વાર મારો આનંદ એટલો તીવ્ર બની જાય છે કે હું તે વિશે બીજાઓને કહેવા તલસું છું. મારા આનંદને હું શી રીતે સદા હરિયાળો રાખી શકું છું તે કહેવા તલસું છું…”

અનિલનો અવાજ અને બીજા કોઈ લેખકના શબ્દોનો એક અદ્ભુત મેળ થતો. સમય વીતી જતો તેની ખબર પડતી નહીં. માત્ર આકાશ સોનેરી, ગાઢ લાલ ને પછી જાંબલી રંગોમાં સરતું સરતું શ્યામ બની જતું.

કોઈક વાર સાંભળતાં સાંભળતાં પુષ્પાની આંખો બંધ થઈ જતી. અનિલ વાંચવાનું બંધ કરીને પૂછતો, ‘ઊંઘી ગઈ પુષ્પવેણી?’ તે પુષ્પાને ઘણી વાર પુષ્પવેણી કહેતો, કદીક પુષ્પ અને ક્યારેક માત્ર ફૂલ, તેના પ્રેમની અભિવ્યક્તિ મંદ છતાં સ્નિગ્ધ હતી અને પુષ્પાને થતું કે પોતાના તેજ વ્યક્તિત્વને આ સ્નિગ્ધતા એક રક્ષણાત્મકતામાં લપેટી લે છે. તેનું હૃદય ભીનું થઈ જતું અને પરસ્પર સ્વભાવનો મેળ ઓછો હોવા છતાં તેનું સહજીવન આટલું સ્નેહપૂર્ણ હતું તે માટે તે ઈશ્વરનો આભાર માનતી.

હવે આ… દીપ અને વાસવી. તેમના સહજીવનની રીત તદ્દન જુદી હતી. અથવા એક પેઢી પછી આવતાં પરિવર્તનોને તે સ્વાભાવિક રીતે ઝીલી રહ્યાં હતાં. તેઓ હજુ ઊગતા પ્રભાત જેવાં તરુણ હતાં ને ઘણી વાર, છત્રી હોવા છતાં જાણીને ભીંજાઈને તેઓ તોફાન કરતાં ઘરમાં દોડી આવતાં, ને વાસવી લાડથી પુષ્પાને વળગી પડીને કહેતી : ‘કૉફી નહીં પિવડાવો?’ પુષ્પાને તે મા કે મમ્મી કહેતી નહીં. તે એને પુષ્પાબહેન જ કહેતી. દીપને તેણે કહેલું : ‘મારાં તારી સાથે લગ્ન ન થયાં હોત ને પુષ્પાબહેન સાથે મારે ઓળખાણ થઈ હોત તો તે મારાં વડીલ મિત્ર બનત.’ ઘણી વાર તે પુષ્પાને કહેતી : ‘તમારી સાથે મારો કાંઈ સાસુવહુનો સંબંધ નથી. દીપ વગર પણ આપણો સંબંધ છે. મને તમે ગમો છો.’

પણ જુવાન અને રમતિયાળ તેમ જ આનંદી આ લોકો ગંભીર પણ હતાં. તેઓ ઊંડા વિષયોમાં પરોવાયેલાં હતાં, ને પોતાના કામ પ્રત્યે તેમને નિષ્ઠા હતી. દીપ ‘ઇલેક્ટ્રૉનિક્સ લિમિટેડ’માં વૈજ્ઞાનિક હતો. વાસવી મૅથેમૅટિક્સમાં પીએચ.ડી. કરે છે. વાસવીના ટેબલ પર પુષ્પા ઘણી વાર વિખરાયેલાં કાગળિયાંમાં તરેહ તરેહની ફૉર્મ્યુલા અને સમીકરણો જુએ છે, તેને એમાંનું કશું જ સમજાતું નથી — તે બી.એ. સુધી ભણી છે તોપણ. તેના વખતમાં એ તો ઘણું કહેવાતું. અનિલ એને પરણીને પોતાને ગામ લઈ ગયો ત્યારે પાડોશીઓ બી.એ. ભણેલી વહુને જોવા આવેલા અને તે નોકરી કરે છે જાણી ઘણાં સગાંઓ નારાજ પણ થયેલાં.

પણ દીપ ને વાસવીની વાત જુદી છે. તેમની જીવવાની રીત પણ જુદી છે. પોતે ને અનિલ તો હંમેશાં બધે સાથે જ જતાં. તેને ફિલ્મ જોવાનું મન હોય ને અનિલ ન આવે તો તે પણ જતી નહીં. બધા જ કાર્યક્રમોમાં, બધા જ સંબંધીઓને ઘેર તેઓ સાથે જતાં. પણ દીપ તો ઘણી વાર વેસ્ટર્ન ક્લાસિકલ મ્યુઝિક સાંભળવા જાય છે ત્યારે વાસવી ઘેર હોય છે, અને વાસવી હાઈકર્સ ક્લબના સભ્યો સાથે પહાડ ચડવા જાય છે ત્યારે દીપ તેની સાથે નથી હોતો. પહેલાં પહેલાં તો પુષ્પાને મનમાં શંકા થયેલી કે તેઓ શું એકબીજાને ઊંડાણથી ચાહતાં નહીં હોય? પણ તે જોતી કે બંને સાથે હોય ત્યારે તેમનાં નાનાં બાલિશ તોફાનોમાં પ્રેમની પ્રસન્નતાનો એક ધોધ ફૂટી પડતો. પછી પુષ્પા સમજી હતી કે દાંપત્યજીવનના પોતાના ખ્યાલ કરતાં જુદા ખ્યાલો દુનિયામાં હોય છે, પોતાની જીવનરીતિ કરતાં જુદી જીવનરીતિ હોય છે, પોતાના આનંદ કરતાં જુદા પ્રકારનો આનંદ હોય છે.

ઘણી વાર તે દીપ ને વાસવીના ખંડ પાસેથી પસાર થતાં તેમને સાંભળતી. વાસવી કહેતી : ‘દીપ, તું મને ખૂબ ગમે છે!’

દીપ કહેતો : ‘તું મને જરા પણ ગમતી નથી.’ વાસવી બોલતી : ‘ઓ દીપ, તું તદ્દન મૂરખ છે.’

‘મારા કરતાં તું વધારે.’

પછી આનંદના અસ્ફુટ અવાજો સંભળાતા. તેઓ એકબીજા સાથે કેવી રીતે લડતાં હશે ને એકબીજાને કેમ મનાવતાં હશે તેની કલ્પના તે કરી શકતી. તેને એ ગમતું. તેણે પોતે પણ નાની વસ્તુઓમાં રહેલા માધુર્યની એ પ્યાલી પીધી હતી. નાનાં નાનાં તોફાનો, રુદન વચ્ચે અચાનક જ ફૂટી પડતું હાસ્ય, મનામણાં… હજારો વાર ઉચ્ચારાતું ને છતાં સદાયે તાજી આકર્ષકતાથી ફોરતું વાક્ય : ‘તું મને બહુ જ વહાલી છો, ફૂલ!’

તોપણ દીપ-વાસવાની વાત જરા જુદી હતી. તેઓ વધારે ખુલ્લાં હતાં. બહારથી આવતાં ત્યારે જાણે વંટોળથી ઘરને ભરી મૂકતાં. પોતાની સામે જ એકબીજાને નેહથી નવડાવી રહેતાં, ને કદીક બે વચ્ચે ઝઘડો થાય ત્યારે વાસવી લાડથી પોતાને પૂછવા આવતી. પોતે આર્થિક રીતે સ્વાવલંબી બની હતી, પણ વાસવીમાં કશુંક વધારે હતું. તે આત્મનિર્ભર હતી. તે સ્વતંત્રપણે સંબંધ બાંધી શકતી. પોતે અનિલનાં કોઈ સગાં સાથે સ્વતંત્ર રીતે આત્મીયતાનો સંબંધ બાંધ્યો નહોતો. અનિલની મા તેને માટે માત્ર સાસુ જ બની રહી હતી.

સાસુની યાદ ઘણી વાર આવે છે. દેહ દુર્બળ, સદાયે ખાંસતી રહેતી અત્યંત જર્જર એ વૃદ્ધ સ્ત્રી મોટા ભાગનો વખત પથારીમાં સૂઈ રહેતી. પહેલાં તો તે એકલી તેમના નાના ગામમાં રહેતી, પણ તબિયત બગડવા માંડી ત્યારે અનિલ તેને લઈ આવેલો. પુષ્પાને એ જરા પણ ગમેલું નહીં. વૃદ્ધ માંદા લોકો સહાનુભૂતિને પાત્ર છે, તેમ તેની બુદ્ધિ કહેતી. પણ તેને હંમેશાં પોતાને માથે લદાયેલી વધુ જવાબદારીનો જ ખ્યાલ આવતો. વૃદ્ધ ને બીમાર માણસ! સ્વભાવ કેવોયે ચીડિયો થઈ ગયેલો. જમવામાં કેટલી આળપંપાળ! હવે પોતાથી મોકળી રીતે હરીફરી શકાય નહીં. રાતના અગિયાર વાગ્યે અચાનક જ તરંગ ઊઠે તો દરિયાકિનારે ફરવા જઈ શકાય નહીં. કાચુંકોરું ખાઈને ચલાવી લેવાય નહીં. સાસુને વળી આ ઉંમરેય કેટલાં વ્રત-ધરમ! એમને માટે જુદી રસોઈ બનાવવી પડે; કાંદા - લસણ ચાલે નહીં.

નાનકડા એ ઘરમાં મુખ્ય ખંડમાં જ સાસુની પથારી પાથરેલી રહે. ઉપર ઊપટી ગયેલા લીલા રંગની મેલી ચાદર. ઘરમાં પ્રવેશ કરતાં દર વેળા પુષ્પાને થતું : કેટલું ખરાબ લાગે છે! દીવાલ પરના સુંદર ‘ડવ ગ્રે’ રંગ સાથે ગંદી ચાદરનો કેમે કરી મેળ મળતો નથી. તેને ઘર સજાવવું ગમતું, પણ સાસુની એ મેલી પથારી, નજીકમાં પડેલી દવાની શીશીઓ, થૂંકવાનો વાટકો — બધું જોઈને તેનું મન કડવું થઈ જતું. તેની સખીઓ તેને બહાર જવા માટે બોલાવવા આવે ત્યારે કદીક કટાક્ષથી, તો ક્યારેક નિશ્વાસ નાખીને તે કહેતી : ‘શી રીતે આવું? આખો દિવસ નોકરીમાં ગયો, હવે બા પાસે બેસવું જોઈએ ને?’

તેનો આ તીવ્ર અણગમો અનિલ સમજતો, પણ તે કશું બોલતો નહીં. હવે ઘણી વાર સાંજે પુષ્પાને પુસ્તક વાંચી સંભળાવવાને બદલે તે મા પાસે બેસતો, અલકમલકની વાતો કરતો, ને તેના અસંખ્ય કરચલી પડેલા સાવ સુક્કા લાકડા જેવા હાથ પર વહાલથી હાથ ફેરવતો. લાકડા જેવા આ હાથ કોઈક વાર કોમળ હશે. એ નાનકડા હાથોએ પાટીમાં કક્કો ઘૂંટ્યો હશે, ઢીંગલીનું ઘર સજાવ્યું હશે, યુવાન થયે કોઈક પુરુષના હૃદયને વિશ્વાસ અર્પ્યો હશે. મોટા થયેલા, ઘણું કામ કરતા, એ ભરાવદાર નરમ હાથોએ સ્નેહપૂર્વક રસોઈ બનાવી પતિને જમાડી હશે, પતિ અસ્વસ્થ હોય ત્યારે તેણે એના કપાળ પર, વાળમાં આંગળાં ફેરવ્યાં હશે, તે વખતે એમાંથી અસીમ સ્નેહ ટપકતો હશે. પોતાનાં બાળકોને હાથમાં લેતી ને હુલાવતી વખતે તે હાથ માખણ જેવા સ્નિગ્ધ રહ્યા હશે. પણ હવે એ હાથ બરછટ, શક્તિહીન, કાળા પડી ગયેલા છે. પુષ્પાને શું એ હાથના ઇતિહાસની ખબર હતી? તે તો એટલું જ જાણતી કે — ‘માના હાથ ધ્રૂજ્યા કરે છે. વાસણ બરોબર પકડી શકતાં નથી. આજે કાચનો વાટકો તેમના હાથમાંથી પડીને ફૂટી ગયો.’

અનિલ પુષ્પાને કશું કહેતો નહીં. એનામાં કોઈ દિવસ કોઈને ઠપકો આપવાની વૃત્તિ જ નહોતી. માત્ર એક વાર તેણે પુષ્પાને કહેલું : ‘આપણે એમ માનીએ છીએ કે સ્વતંત્ર રીતે હરીફરી શકવું, મિત્રો સાથે મોજમજામાં ભાગ લેવો, મનમાં જે ઇચ્છા ઊઠે તે પ્રમાણે કરવું — તે આપણી સમૃદ્ધિ છે. પણ જેઓ દુઃખી, ઉપેક્ષિત, નિરાધાર છે, તેમના પ્રત્યે હૃદયમાં સ્નેહ ને અનુકંપા હોવાં એ આપણી વધારે સાચી સમૃદ્ધિ છે.’ પુષ્પા આ સમજતી, પણ તેનાથી તેની અણગમાની લાગણી પર કાબૂ મેળવી શકાતો નહીં. સાસુનો જ શા માટે, નાનકડા દીપનોયે તેને બોજ લાગતો. માતૃત્વને આટલું બધું ગૌરવ કેમ અર્પવામાં આવ્યું હશે, તેની તેને નવાઈ લાગતી. માતા બનવામાં પોતાની ભૂલ થઈ છે તેમ લાગતું. તેના હૃદયને બીજા પ્રકારની તૃપ્તિ જોઈતી હતી. નિર્બંધ રીતે દેશદેશાવર ઘૂમવાની ઝંખનાથી તેનું રોમેરોમ તલસતું. એકાંત, મુક્તિ, નીરવતા માટે તેનું મન ઝંખ્યા કરતું. નાના દીપની ચીસો ને રુદનથી તે અતિશય અકળાઈ જતી.

પછી એકદમ જ પરિવર્તન આવ્યું. તેના પર એક વજ્રાઘાત થયો.

શનિવારે અડધો દિવસ કામ કરી તે ઘેર આવી ગઈ હતી ને અનિલની રાહ જોતી હતી. તેઓ બંને એક ફિલ્મ જોવા જવાનાં હતાં. તેમને જતાં જોઈને દીપ રડે નહીં તે સારુ થઈને તે એને પડોશીને ઘેર મૂકી આવી હતી.

અનિલ બે વાગ્યે આવવાનું કહી ગયો હતો, પણ ચાર વાગ્યા સુધી આવ્યો નહીં. પુષ્પાનું મન વ્યગ્ર થઈ ઊઠ્યું. તેણે મન પરોવવા એક પુસ્તક હાથમાં લીધું.

તે વખતે અનિલના એક મિત્રે આવીને કહ્યું : ‘અનિલને અકસ્માત થયો છે. એક મિત્રની સાથે તે સ્કૂટર પર આવતો હતો, ને ઝડપથી વળાંક વળવા જતાં સ્કૂટર ઊથલી પડ્યું.’

પુષ્પાનું હૃદય જાણે ધડકતું અટકી ગયું. ‘અકસ્માત? અનિલને? પણ તેને બહુ તો નહીં જ વાગ્યું હોય. નથી જ વાગ્યું ને?’ તેણે પૂછ્યું.

એના મિત્રે ડોકું ધુણાવ્યું : ‘ના ના, ખોટું બોલવાનો કાંઈ અર્થ નથી. અનિલ મૃત્યુ પામ્યો છે.’

જે દુર્ભાગ્ય માટે પુષ્પા જરાય તૈયાર નહોતી, તે તેના પર અચાનક જ તૂટી પડ્યું હતું. દિવસો ને રાતો અંતહીન રુદનમાં એકાકાર બની ગયાં. આકાશમાંથી બધા તારા જાણે એકીસાથે આથમી ગયા.

અનિલનો મૃતદેહ ઘેર આવ્યો ત્યારે એ માની જ શકી નહોતી કે સેંકડો વાર જેણે પોતાના હળવા - શા સ્પર્શનો પણ સજીવ પ્રત્યુત્તર વાળ્યો હતો તેનું આજે, ગાઢપણે વળગી પડવા છતાં, રોમ સુધ્ધાં નહીં ફરકે.

‘એવું શી રીતે બને? એવું બને જ શી રીતે?’ દિવસો સુધી તેણે આ પ્રશ્ન નિયતિને પૂછ્યા કર્યો હતો.

અનિલના મૃત્યુ પછી એક મહિને તેની મા પણ મૃત્યુ પામી, ત્યારે પુષ્પા વળી વધુ એકલવાઈ બની ગઈ. તેને ખ્યાલ આવ્યો કે પોતે જેને હાડચામનું માળખું કહીને અવગણતી હતી તેની હાજરીમાં પણ એક પ્રકારનું આશ્વાસન રહેલું હતું.

હવે દીવાનખંડની દીવાલોના સુંદર રંગની પડછે ગંદી લાગતી, ઊપટી ગયેલા લીલા રંગની ચાદરવાળી પથારી નહોતી. વાતાવરણને ભરી દેતો ખોં ખોંનો અવાજ નહોતો. દવાની બાટલીઓ અને થૂંકવાનો વાટકો નહોતાં. કશું જ બંધન હવે તેને નહોતું. હવે તે ઠીક લાગે ત્યાં ફરી શકે, મન પડે તે પ્રવૃત્તિ કરી શકે, દૂર સુધી પ્રવાસે જઈ શકે, ઇચ્છે તેટલાં પુસ્તકો વાંચી શકે. હવે બધી જ સ્વતંત્રતા હતી.

પણ હવે તેને કશું કરવાનું મન થતું નહીં. અનિલના પ્રેમની યાદમાં તે જીવ્યા કરતી. તેણે દીપને મોટો કરવા પાછળ પોતાનું સર્વસ્વ રેડી દીધું. આ આઘાતે કદાચ તેને સમજાવ્યું હતું કે પોતે જેને સ્વતંત્રતા માનતી હતી તેના કરતાં બીજી એક વસ્તુ ઘણી મોટી હતી — અને તે સ્નેહ; જેમને ચાહતાં હોઈએ તેમની હયાતીની એક હૂંફ. તે હવે આ વસ્તુ સમજી હતી, પણ એ સમજણ પ્રાપ્ત કરવા તેને ઘણો મોટો ભોગ આપવો પડ્યો હતો. તે હવે પ્રૌઢ થઈ હતી. યુવાવસ્થામાં ઉદ્દામ આંદોલનો અનુભવતું તેનું હૃદય શાંત અને આવેગરહિત બન્યું હતું. દુઃખના તીવ્રતમ ઝાટકાઓ હવે શમી ગયા હતા. જીવન વિશે તેને એક ઊંડી સમજ મળી હતી. તેણે જાણ્યું હતું કે દેહ તો જીવનની એક અભિવ્યક્તિ છે, અને બધા સંજોગોમાં શ્રેષ્ઠ રીતે જીવવું તે જ જીવનનો સાચો અર્થ છે. લોકો દુઃખી થાય છે, કારણ કે જુદી જુદી દિશાએથી તેઓ એક જ કેન્દ્ર ભણી દોડે છે — આત્મસંતોષના કેન્દ્ર ભણી. આ કેન્દ્રમાંથી જો બહાર નીકળી શકાય, સ્નેહ વડે પોતાનો વિસ્તાર કરી શકાય, તો જીવન એકાકી ન બની રહે.

રાતોની રાત જાગીને તે આકાશ સામે જોઈ રહેતી. સપ્ટેમ્બર મહિનામાં સાંજ આથમતાં જ પશ્ચિમના આકાશમાં જે તારો સહુથી વધુ ઝળકી ઊઠે છે તે સ્વાતિનો તારો છે. તેણે ને અનિલે આ તારાઓ ઘણી વાર સાથે જોયા હતા. લગ્ન પછી શરૂના દિવસોમાં તેઓ રૂમની બત્તી બુઝાવી મોડે સુધી જાગીને વાતો કર્યા કરતાં અને તારાઓથી ભરેલું સુંદર આકાશ અંધારા ખંડમાં ઊતરી આવતું, ત્યારે પોતે સ્વર્ગમાં છે એમ લાગતું.

હવે તારાઓ એ જ હતા, અને આકાશ પણ એ જ હતું, પણ પોતાના જીવનનો એક અધ્યાય પૂરો થયો હતો. છતાં બીજા સ્વરૂપે, દીપ અને વાસવીના સ્વરૂપે એ જ જીવન ચાલુ રહેશે. તે જોઈ શકતી હતી કે વાસવી પોતાના કરતાં વધારે સારી હતી. પોતે અનિલની મા માટે અણગમો સેવ્યો હતો, પણ વાસવી પોતાનો એવો અનાદર નહીં કરે.

આમ જ થવું જોઈએ. જીવન ચાલુ રહેવું જોઈએ — વધારે સારા રૂપે ચાલુ રહેવું જોઈએ. એકાએક તેને માતૃત્વના ગૌરવનો અર્થ સમજાયો. એ માત્ર માના બાળક માટેના નિઃસ્વાર્થ કહેવાતા સ્નેહનું ગૌરવ નહોતું. પોતાના કરતાં વધુ સારા જીવનના સર્જન માટેના પ્રયત્નનું ગૌરવ હતું.

હવે કોઈ પણ દિવસે દીપ ને વાસવી આવીને કહેશે : ‘મકાન મળી ગયું છે, મોટું છે, આપણે તેમાં રહેવા જઈશું ને?’

ના, જૂના લોકોએ નવા લોકોના માર્ગ પર ઘસડાઈને નહીં ચાલવું જોઈએ, તેના પર માત્ર વૃક્ષની છાયા પાથરવી જોઈએ. કોઈક દિવસ પોતાની સ્થિતિ પોતાની સાસુ જેવી કદાચ થશે. હાથ નિર્જીવ અને લાકડા જેવા સખ્ત બની જશે. આંગળાં કદાચ આખો વખત ધ્રૂજ્યા કરશે. એક ક્ષણ પુષ્પા કંપી ગઈ. પછી તે હસી. તેની સાસુ કરતાં તેનામાં વધારે સ્વસ્થતા હતી, એકલાં ને આનંદથી કેમ રહી શકાય એ તેને આવડ્યું હતું.

પોતાના કરતાં વાસવીમાં વધુ માનવભાવ છે. બુઢ્ઢાં બીમાર લોકો સાથે કેમ સહજ સ્નેહભાવથી રહી શકવું એ તે જાણે છે.

વળી વળીને તે આ જ વાત પર પહોંચતી હતી. દરેક પેઢીએ જીવન વધુ ને વધુ સુંદર બનતું જવું જોઈએ. એ જ માનવજાતની દિશા છે, એ જ એની ગતિ છે. વિશ્વઆત્માનો આ નિગૂઢ સત્ય સંકલ્પ જાગ્રત થાઓ, ક્રિયાવાન થાઓ, પૂર્ણ થાઓ.

ગાઢ દુઃખ વેઠીને તે આ સમાજ પર પહોંચી હતી. દીપ અને વાસવી તેમના સહજ ઉલ્લાસમાં આ સમજને પામો — એથી વધુ હવે પુષ્પાને કશી જ ઇચ્છા નથી.

૧૯૬૪ (‘વધુ ને વધુ સુંદર’)