કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/ન્યાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૦. ન્યાય

બધી વસ્તુઓની વહેંચણી કરી લીધી. અન્યાય કરવો નહોતો, અને સહેવો પણ નહોતો. પાછળથી શ્યામને એમ ન થાય કે પૈસા લઈને ચાલી ગઈ; તેથી બધો જ હિસાબ કરી કાગળ પર લખ્યો. વહેંચણી કયા આધારે કરી છે, તેયે લખ્યું. રોકડ બચતના દસ હજાર રૂપિયા કબાટમાં હતા. બૅન્કમાં ફિક્સ્ડ ડિપૉઝિટમાં જમા કરાવવાનું વિચારેલું. પણ એ મુકાય તે પહેલાં પોતાને જવાનું આવ્યું. એમાંથી બરોબર ગણીને પાંચ હજાર લીધા. હાસ્તો, એ કમાઈ ભલે શ્યામની રહી, પણ બચતમાં પોતાનો ભાગ હતો. અડધોઅડધ ભાગ. પોતે કમાતી હોત તો પોતાની આથી ક્યાંય વધારે બચત ન થઈ હોત? હાઈસ્કૂલમાં શિક્ષિકા હતી. બેત્રણ ટ્યૂશન મળી રહેતાં. સહેજે હજાર રૂપિયા કમાઈ લેતી. પણ લગ્ન થયાં પછી શ્યામે કહ્યું : ‘મને પૂરતા પૈસા મળી રહે છે. તારે શા માટે કમાવા જવું જોઈએ? એને બદલે તું તને ગમતી બીજી પ્રવૃત્તિ કર.’ એને એ વાત બરોબર લાગી હતી. એક જણ કમાય અને એક જણ ઘર સંભાળે. ડિવિઝન ઑફ લેબર. બંનેની સરખી મહેનત. મહેનતનું સરખું મૂલ્ય. આ મૂલ્યની, સમાનતાની વાત તેનામાં છેક નાનપણથી હતી. લગ્ન વખતે તેણે શ્યામને કહેલું : ‘હું એવા પુરુષને પરણવા માગતી હતી જે સ્ત્રીના સ્વતંત્ર વ્યક્તિત્વનો સ્વીકાર કરે, બધી બાબતમાં તેનો સમાન અધિકાર સ્વીકારે. હું બીજું બધું સહી શકું, સૂકો રોટલો ખાઈને રહી શકું, પણ મારા ગૌરવનો ભંગ થાય તે ન સહી શકું.’ શ્યામે એના હાથમાં પોતાનો હાથ મૂક્યો. ‘હું પણ માનું છું કે સ્ત્રીને પાછળ રાખીને હિંદુ સમાજે ઘણું મોટું પાપ કર્યું છે. જીવનનું સર્જન કરવામાં, જીવનને સંવર્ધવામાં, નિભાવવામાં બંનેની સરખી જરૂર પડે છે, પછી એક કરતાં બીજું ઊંચું કે નીચું એવો સવાલ જ રહેતો નથી.’ આનંદથી રાધિકાએ લગ્નજીવનમાં પ્રવેશ કર્યો. સરસ રીતે ઘર ચલાવ્યું. સંગીત શીખવાનું મન હતું તે માટેના વર્ગો શરૂ કર્યા. રંગોળીની ડિઝાઇન કરવાનું ગમતું. ડિઝાઇનની એક પુસ્તિકાયે છપાઈ. બધું સરસ છે તેમ લાગતું હતું. પણ —  શ્યામની વાત કંઈક જુદી બની. શરૂમાં તો લાગેલું કે તેને ખૂબ આનંદ છે. સાંજે સમયથી વહેલો ઘેર આવી જતો, હજુ રાધિકા તૈયાર પણ ન થઈ હોય કે પાછળથી આવી આંખ દાબતો. એ આંગળાં પકડતી તો હાથ ચૂમી લેતો. સાથે જમતાં. સાથે ફરવા જતાં. આખા દિવસની નાનીમોટી વાતો એકબીજાને માંડીને કહેતાં. શ્યામ ઑફિસની વાત કરે તો રાધિકા ધ્યાનથી સાંભળતી. રાધિકા, એકાદ નવી ડિઝાઇન ફરી ફરી સુધારા કરીને બનાવી હોય, તે તેને સમજાવે ત્યારે શ્યામ તલ્લીન થઈ તે નીરખતો. પણ હવે —  પૈસા બૅગમાં સરખી રીતે મૂકતાં તે વિચારી રહી. પછી ધીમે ધીમે બધું કેવું બદલાતું ગયું! સમાન પગલે થતી આ મધુયાત્રામાં શ્યામે ક્યારે પોતાનું વર્ચસ્વ ખોળવા માંડ્યું તેની ખબર પણ પડી નહીં. ધીમે ધીમે તે કહેવા લાગ્યો : ‘હું આવું ત્યારે તારે ઘરમાં જ રહેવું જોઈએ.’ રાધિકાએ માનેલું કે પોતાના વગર ગમતું નથી, અથવા આખો દિવસ દૂર રહ્યા પછી મળવાની અધીરતાને કારણે તે આવું કહે છે. તેણે સંગીતના વર્ગનો સમય બદલી નાખ્યો. પણ તોયે કોઈક વાર મોડું થઈ જતું. એક દિવસ શ્યામ ચિડાઈને બોલ્યો : ‘હું આવું ત્યારે તે ઘરમાં ન હોય તે મને જરા પણ પસંદ નથી.’ રાધિકાએ નવાઈ પામીને કહ્યું : ‘તે કોઈક દિવસ મોડુંયે થાય. તારે ઑફિસમાં કોઈ વાર મોડું નથી થતું?’ શ્યામ બોલ્યો : ‘મારી વાત જુદી છે.’ રાધિકા છેડાઈ પડી. ‘તારી વાત જુદી શા માટે?’ શ્યામ ચૂપ રહ્યો. મિલનના સુઘટ્ટ લાગતા બંધમાં પહેલી નાનકડી તિરાડ ત્યારે પડી હતી. પહેલાં પહેલાં તો રાધિકાથી મનાયું જ નહીં કે શ્યામ આ રીતે વર્તી શકે. પણ પછી તો વારંવાર એને પ્રમાણ મળવા લાગ્યાં. એક વેળા રાધિકાનાં મિત્રો આવેલાં. ગપ્પાં મારી, આનંદ કરી બધાં ગયાં ત્યારે સાંજ પડી ગઈ હતી. શ્યામ ઘેર આવ્યો ત્યારે રસોઈ હજી થઈ નહોતી. ચિડાઈને કહ્યું : ‘હજુ સુધી રાંધ્યું નથી?’ ભૂખને કારણે ગુસ્સો આવ્યો છે માની રાધિકાએ સહજપણે કહ્યું : ‘હમણાં થઈ જશે. આજે બધાં મળવા આવ્યાં હતાં તેથી મોડું થયું.’ શ્યામે પહેલાં જેવા જ ઊંચા સૂરે કહ્યું : ‘મળવા આવ્યાં હતાં એટલે? તારાં મિત્રોને કારણે મારે ભૂખ્યા રહેવાનું? તને કહું છું, હું આવું ત્યારે રસોઈ તૈયાર હોવી જ જોઈએ.’ રાધિકા સહેજમાં નમતું આપી દે તેમ નહોતી. તેણે કહ્યું : ‘તારા મિત્રો સાથે તું ફરવા જાય, ત્યારે તનેય ઘેર આવતાં મોડું નથી થતું?’ શ્યામ બોલ્યો : ‘મને ભલે મોડું થાય. મારી વાત જુદી છે.’ જુદી વાત… શ્યામની વાત જુદી હતી. કારણ? … બૅગમાં સામાન ભરતાં ભરતાં કંઈ કેટલીયે વાતો યાદ આવવા માંડી. રંગોળીની ડિઝાઇન કરવા બેઠી હોય. પેન્સિલની અણી તૂટી જાય તેની બહુ ચીડ. બે વાર તૂટી જાય તો પેન્સિલ પછાડીને ઊભી થઈ જાય. બીજા કામમાં પરોવાઈ જાય. પછી આવે ત્યારે સરસ મજાની અણી કાઢેલી પેન્સિલ કાગળ પર ગોઠવીને મુકાયેલી હોય. અને હવે —  એક દિવસ ક્યાંક જવું હતું. ઝટપટ નાહવા ગઈ. બ્લાઉઝ જડ્યું નહીં. ‘ઓ શ્યામ, જરા મારું બ્લાઉઝ શોધી આપ ને!’ છાપું વાંચતા શ્યામે માથુંયે ઊંચું કર્યા વગર કહ્યું : ‘તે તારું બ્લાઉઝ ક્યાં છે તે મારે શોધી આપવાનું?’ ‘મારે’ શબ્દ પર એટલો ભાર હતો કે બાથરૂમનું બારણું ખોલવા જતી રાધિકા એક પળ, સ્ટૉપર પકડી સ્તંભિત થઈ ગઈ. એ એક સ્તબ્ધ ક્ષણની નોંધ શ્યામે નહોતી લીધી તે સમજાયું. અને બીજે જ દિવસે ઑફિસે જતાં શ્યામે હંમેશની ટેવ મુજબ કહ્યું : ‘મારો રૂમાલ ક્યાં છે? અને ગૉગલ્સ પણ આપજે. અને જો તો, કાલે હું ફાઈલ લાવેલો તે મેં ક્યાં મૂકી છે? તે પણ જરા આપજે ને!’ ત્યારેય રાધિકા એક પળ સ્તંભિત થઈને ઊભી રહી ગઈ હતી. અને એક બીજી સ્તબ્ધ ક્ષણ શ્યામના ધ્યાન બહાર પસાર થઈ ગઈ. શ્યામની વાત ‘જુદી’ હતી. શા માટે? …પડોશીની છોકરીને શાળાના સમારંભમાં ગાવા માટે રાધિકા પાસેથી ગીત શીખવું હતું, રાધિકાએ કહેલું : ‘રાતે આઠ વાગ્યે હું આવીશ.’ તે દિવસે જ શ્યામ નાટકની બે ટિકિટો લઈને આવ્યો. રાધિકાને માટે, પોતે આપેલા વચનનું મહત્ત્વ હતું. ‘મેં એને કહ્યું છે, મારે જવું જોઈએ.’ પણ શ્યામે ‘વાહ, બહુ મોટું વચન!’ કહી એ વાતને તુચ્છ ગણી કાઢી અને નાટક જોવા રાધિકાને ઘસડી જ ગયો. મોટો ઝઘડો ન થઈ પડે તે હેતુથી રાધિકા બોલી નહીં. પણ મનમાં તે ખૂબ ઘવાઈ. એની કર્તવ્યનિષ્ઠા, એનું વચન — એ કશાનું શ્યામને મૂલ્ય નહોતું. હા, રાધિકાએ કર્તવ્યનિષ્ઠ રહેવું જોઈએ. પણ તે માત્ર શ્યામના સંબંધમાં. બીજે ક્યાંય તેની નિષ્ઠા ન હોવી જોઈએ. પોતાની જાત પ્રત્યેય નહીં. આ કેવળ ગુસ્સો નહોતો, કેવળ રાધિકાના સાથની ઇચ્છા નહોતી. આ તો ચોખ્ખી જ શ્યામની ઇચ્છાના આધિપત્યની બાબત હતી. નાની ભલે હતી, પણ કાંટો નાનો હોય તેથી શું ખૂંચતો નથી? તેને ચોખ્ખાઈ, વ્યવસ્થા ગમતાં. શ્યામને બધું જ્યાંત્યાં ઠેકાણા વિના રખડતું મૂકવાની ટેવ હતી, શરૂના સુંદર દિવસોમાં તે સહજભાવે એ ઊંચકી લેતી. ક્યારેક શ્યામને ટકોર કરતી ને શ્યામ લજ્જાથી હસી, કપડાં ખુરસી પરથી ઊંચકી ખીંટીએ ભેરવતો. અને પછી —  ‘શ્યામ, તું આમ બધું ફગાવીને જાય છે, તેને બદલે બધું ઠેકાણે મૂકતો હો તો?’ ‘તું મૂકી દેજે ને, તારે બીજું શું કામ છે?’ ‘મારે બીજું કાંઈ કામ નથી, એમ કે?’ ‘છે?’ એક ટૂંકો શબ્દ. એ રમત હતી કે મજાક હતી કે પછી પોતાના કામની તેની નજરે જે કિંમત હતી તે? તે માનતી હતી કે શ્યામનું કમાવું જેટલું મહત્ત્વનું છે તેટલું જ મહત્ત્વનું છે પોતાનું ઘર સંભાળવું. બંનેની બંનેને સરખી જ જરૂર છે. અને શ્યામે એક ટૂંકા શબ્દ વડે તેને સમજાવી દીધું કે તેના કામનું શું મૂલ્ય છે. ઘરનું કામ એટલે રસોઈ. એ તે કાંઈ કામ કહેવાય? એમાં કાંઈ વિશેષ આવડતની જરૂર પડે છે? એ તો કોઈ પણ કરી શકે. … મોરબીમાં બંધ તૂટ્યો ને મોટું પૂર આવ્યું. રાધિકાને રાહતસંસ્થાઓ પર બહુ વિશ્વાસ નહોતો. તેને જાતે જઈને ભલે બે તો બે, કે એક તો એક કુટુંબને સંપૂર્ણપણે ફરી ઘર વસાવી આપવાની મદદ કરવાની ઇચ્છા હતી. શ્યામે ચોખ્ખી ના પાડી અને તેણે મદદ તરીકે ચેકથી પૈસા મોકલી દીધા. … ખુલ્લો ઝઘડો નહોતો થયો. માત્ર ધીમે ધીમે, પરોક્ષ રીતે, ગૌરવની આસનની કણીઓ ખરતી જતી હતી, ખેરવવામાં આવી રહી હતી. જાણતાં કે અજાણપણે? લગ્ન વખતે સ્પષ્ટ કર્યું હતું. પણ શ્યામ એ ભૂલી ગયો હતો, અથવા એને યાદ હતું પણ એણે એનું મૂલ્ય તુચ્છ ગણ્યું હતું. પોતે એ સહન કરી લેવું જોઈએ? શા માટે હંમેશાં પોતે જ બધું કબૂલ કરી લેવું જોઈએ? શા માટે પોતાની ઇચ્છા, માન્યતા, મૂલ્ય, નિષ્ઠા હંમેશાં શ્યામની ઇચ્છા, માન્યતા, મૂલ્ય, નિષ્ઠા કરતાં ઊતરતાં ગણાવાં જોઈએ? અને કોઈ ગણે તો, પોતે શા માટે તે મંજૂર રાખવું જોઈએ? ઘરનાં સુખ - શાંતિ - સલામતી માટે? એ સાચવવાની જવાબદારી કેવળ પોતાની જ છે? સ્ત્રીને ભોગ આપવાની ફરજ પાડીને તેની ત્યાગમૂર્તિ તરીકે પ્રશંસા કરવામાં આવી છે. પણ ક્ષમાશીલતાની આ વરમાળ સદા સ્ત્રીના ગળે જ શા માટે ઝૂલ્યા કરવી જોઈએ? અને કાલે રાતે —  પડોશી આવેલા. ચૂંટણીની વાતો ચાલતી હતી. શ્યામે ઇંદિરાનું સમર્થન કર્યું. રાધિકાએ તેનો જોરથી વિરોધ કર્યો. શ્યામ અચાનક ગુસ્સે થઈ ગયો. ‘તું ચૂપ રહે, તું રાજકારણમાં શું સમજે?’ રાધિકા છંછેડાઈ ગઈ. ‘અને તું બધી વાતમાં સમજે, કેમ? પુરુષ છે એટલે?’ ધડ… કોઈ કાંઈ સમજે તે પહેલાં શ્યામે રાધિકાને તમાચો મારી દીધો હતો. માર્યા પછી તે પોતેય સ્તબ્ધ, ક્ષુબ્ધ થઈ ગયો. ખંડમાં મૌન વ્યાપી ગયું. પડોશી એક-બે અસ્ફુટ શબ્દો બોલી ચાલ્યા ગયા.

*

આખી રાત રાધિકા જાગતી પડી રહી. સમર્પણ, પતિના અસ્તિત્વમાં અસ્તિત્વ ઓગાળી દેવું — વગેરે વગેરે બાબતો તેને હંમેશાં સમજ વગરની લાગી હતી. પણ આગ્રહ - અપેક્ષા - માગણી ઓછાંમાં ઓછાં રાખી, વિશ્વાસ ને આદરથી રહેવું, લેવા કરતાં આપવાનો વિચાર કરવો, ઉદારતા ને ધૈર્ય રાખવાં — એ બધી બાબતો તેને પ્રેમની સ્વાભાવિક પરિણતિરૂપ લાગતી હતી. પણ આ બધું માત્ર મારા જ માટે? સાથે રહેવા માટે શ્યામે કશું જ કરવાનું નહીં? આ એકાદ ક્ષણનો ગુસ્સો જ માત્ર હોત, તો એ ક્ષણને એણે પોતાના સ્નેહ વડે સાચવી લીધી હોત. પણ આ માત્ર એક ઘટના નથી. આ તો પરંપરા છે. સદીઓની પરંપરા છે. આ પરંપરા કોઈયે રીતે સ્વીકાર્ય નથી. પ્રેમના નામે, કુટુંબજીવનને નામે, સ્વસ્થ સમાજના નામે — એમ બહુ નામે ભોગ માગવામાં આવ્યો સ્ત્રી પાસેથી. હવે એ નિભાવી લેવાની જરૂર નથી. … નિઃશ્વાસ નાખી રાધિકા ઊભી થઈ. કપડાંલત્તાં — પોતાનાં લાગ્યાં-માન્યાં તે ઘરેણાં, રોકડ પૈસા, ચીજવસ્તુ — બધું હકનું ગણીને લીધું, બૅગમાં ભર્યું. કેટલા રસથી-શોખથી બધું સાથે ફરીને ખરીદ્યું હતું! પોતાનો કબાટ હવે ખાલી થઈ ગયો. આ ખાલીપો હવે કોના ભાગે? પોતાના કે શ્યામના? વિદાયનો પત્ર લખવા તેણે કાગળ લીધો. બધું કહીને, સ્પષ્ટ કરીને જવું છે. અધિકારપૂર્વક આવી હતી, અધિકારપૂર્વક જઈશ. શ્યામ ઇચ્છતો નથી એટલે નહીં, પોતે ઇચ્છતી નથી એટલે. જીવનમાં બધું જ બીજાની ઇચ્છાથી ન કરાય, એ બીજી વ્યક્તિ પતિ હોય તોપણ નહીં. આવા માણસ સાથે રહેવાનું —  આવો માણસ! શબ્દ એને વાગ્યો અને જરાક લોહી નીકળ્યું. તે બેસી પડી. પોતે વિદાય ક્યારની લઈ લીધી હોય, એમ ઘર એને સૂનું લાગવા માંડ્યું. શરૂના સુંદર દિવસો અચાનક માંડીને વાતો કહેવા બાજુમાં આવીને બેસી ગયા. ચિઠ્ઠી લખવા લીધેલો કાગળ — સુંદર હલકા રંગોથી ચિત્રિત પૅડ. શ્યામ એ પોતાને માટે લઈ આવેલો. ‘આના પર રંગોળી કરજે.’ ‘આવો સરસ કાગળ બગાડવાનો?’ ‘બગડતું કશું નથી. તું જેને અડે તે બધું સુંદર બની જાય છે.’ તેણે કાગળ હાથમાં લઈ આમતેમ ફેરવ્યો. જરાક સૂંઘ્યો. હજી તેમાં સહેજ સુગંધ હતી. શ્યામની એક ખાસ રીત હતી. કોઈ પણ ભેટ લાવે, એમાં સેન્ટનો ફાયો મૂકી દેતો. દરેક ચીજ મહેકતી. એક વાર રાધિકાએ કહેલું : ‘મોરપિચ્છ મૂકતો હો તો?’ ‘શ્યામ તો રાધાને છોડીને ગયા હતા. આપણો પ્રેમ સદાકાળ રહેશે.’ ‘સદાકાળ?’ ‘હા, આ તારાની જેમ, આ આકાશની જેમ, આ રાતની જેમ, આ સૂરજની જેમ.’ શ્યામની કેટલી બધી ખાસ રીતો હતી! ખાસ રીતે રાધિકાના વાળમાં હાથ પરોવતો. પછી કહેતો : ‘આ અંબારમાંથી મારી ટચલી આંગળી શોધી કાઢ જોઈએ.’ માંદો પડે ત્યારે સાવ દુર્બળ થઈ જતો, સાધારણ આંખ-માથું દુઃખે તોયે હાસ્ય સુકાઈ જતું. રાધિકા હિંમત આપતી. એના ટેકે તે બેઠો થઈ શકતો. ઑફિસમાં એક વાર તેને મળવું જોઈતું પ્રમોશન બીજાને મળેલું. તેનું અભિમાન ઘવાયું હતું. દુઃખી થઈ ગયેલો. રાધિકાએ સાચવી લીધો હતો. હવે તેને કોણ સાચવશે? પોતાના જતાં શ્યામ દુઃખી થઈ જશે એમાં તો જરાયે શંકા નહોતી. કોણ એને શાતા આપશે? એનો અહંકાર એ એની અધૂરપ છે. સંપૂર્ણ તો કોઈ નથી હોતું. મારે એની ઊણપો ધીરજથી દૂર ન કરવી જોઈએ? પોતાનો માણસ ગમે તેવો હોય, એને સંભાળી ન લેવો જોઈએ? ગુસ્સો કરવાની તો એને હમણાંથી ટેવ પડી હતી. હૃદયથી એ સારો છે. મારા સિવાય બીજી કોઈ સ્ત્રીને એણે હૃદયમાં કદી જગ્યા આપી નથી. મારા વિના એકલો કેમ કરીને રહેશે? કોણ એની રઝળતી ચીજવસ્તુઓ એકઠી કરી, સંભાળીને ગોઠવી આપશે? કોના પર એ ગુસ્સો ઠાલવશે અને કોનો હાથ હાથમાં લઈ ચાંદની રાતે ચૂપચાપ બેસી રહેશે? આ કદાચ સારું નહોતું. આમ ચાલ્યા જવું. શ્યામને સમજાવી શકાય. કદાચ તેને ખ્યાલ પણ ન આવ્યો હોય કે તેના વર્તનમાં માલિકીની રૂઢિગત માન્યતા અજાણપણે ભળી ગઈ છે… કાગળ ને પેન પકડી તે ઊભી રહી. તૈયાર કરેલી બે બૅગ તરફ જોયું. તેના હૃદયે ધ્રુસકું ખાધું. શ્યામ — આઈ હૅડ લવ્ડ યૂ વેરી વેરી મચ… ઘંટી વાગી. ઓહ — તે ભૂલી ગઈ હતી કે શ્યામના આવવાનો વખત થઈ ગયો છે. તેણે કાગળ – પેન મૂકી દઈ ઝડપથી બારણું ઉઘાડ્યું. શ્યામ અંદર દાખલ થયો. તૈયાર થયેલી રાધિકા તરફ જોઈ હસ્યા વિના બોલ્યો : ‘કેમ, બહાર જવાની તૈયારી છે? મેં તને કેટલી વાર કહ્યું છે કે, તારે બહાર જવા - કરવાનું મારા આવતાં પહેલાં પતાવી દેવું! અને તે અંદરના ખંડમાં ચાલ્યો ગયો. તો આગલી રાતની વાત તો તેને યાદ પણ નહોતી. રાધિકાએ હતાશાભરી એક નજર તેની પાછળ નાખી. ‘કેટલાક લોકો ક્ષમાને અને પ્રેમને લાયક નથી હોતા…’ તેણે શોકથી વિચાર્યું અને પછી ખુલ્લા બારણામાંથી બહાર નીકળી તેણે બૂમ મારી : ‘ટૅક્સી!’

૧૯૭૯ (‘જવા દઈશું તમને’)