zoom in zoom out toggle zoom 

< કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ

કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/હું પુકારું તો, સાંભળશે કોણ?

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૨૧. હું પુકારું તો, સાંભળશે કોણ?

તેમના બધા સાથીઓ આગળ ગયા હતા, ને તે બંને અહીં વિશ્રામ લેવા બેઠાં હતાં. મા અને દીકરી. ડુંગરની તળેટીમાં આવેલા આ નાનકડા આદિવાસી ગામમાં તેમની ટુકડી દર રવિવારે આવતી અને થોડુંક કામ કરતી. તે પોતે ને બીજા બે — એમ ત્રણ ડૉક્ટરો હતા. તેઓ દરદીઓને તપાસતા અને નામની ફી લઈને દવા આપતા. એક, આર્કિટેક્ચરમાં તાજો જ પાસ થયેલો જુવાન હતો, તેને ગામનાં જીર્ણ, દરિદ્ર, કઢંગાં મકાનોને થોડીક સામગ્રીથી સુંદર બનાવી દેવાનાં સ્વપ્ન હતાં. થોડાંક બેડોળ મકાનોને તેણે મામૂલી ખર્ચે સુંદર બનાવી દીધાં હતાં. બે શિક્ષિકાઓ હતી, જે ઝાડ નીચે અક્ષરજ્ઞાનનો વર્ગ ચલાવતી. બીજા બે સામાજિક કાર્યકરો હતા. દર રવિવારે સવારે તે બધાં, પોતાનું જમવાનું સાથે લઈને આવતાં, પાંચેક કલાક સખત કામ કરતાં. પછી નદીકાંઠે વૃક્ષ હેઠળ બેસી, ખાવાનું ખાઈ થોડાંક ગીતો ગાતાં અને પછી પાછાં ઊપડી જતાં.

ગામથી એકાદ ફર્લાંગ દૂર ડુંગરાઓની એક દીર્ઘ હારમાળા હતી. અત્યારે ચોમાસામાં તેના ખરબચડા ઢાળઢોળાવ મખમલી હરિયાળીથી ઢંકાઈ ગયા હતા અને મેઘ પાછળ ઢંકાયેલા સૂરજનો છૂટોછવાયો તડકો તેના પર ક્યાંક પડતો ત્યારે તે આખોયે વિસ્તાર એટલો સુંદર લાગતો કે ગમે તેવા રોકાણવાળા માણસને પણ ઘડીભર કામ થંભાવી તે તરફ નજર માંડી રહેવાનું મન થાય. એકાદ પ્રકાશમાન વિશાળ અસ્તિત્વને જાણે સોનેરી વાદળોનું આવરણ વીંટાયું હોય એવું લાગતું. ડુંગરાને મથાળે જંગલ જેવું હતું ને તેમાં જે સૌથી ઊંચું શિખર હતું તે સૌથી આકર્ષક હતું, કારણ કે ત્યાં વૃક્ષની પાછળથી એક ધજા લહેરાતી. મીના ને તેના જૂથે નક્કી કર્યું હતું કે આ વખતે આગલી રાતથી જ ગામડે આવી જવું, વહેલી સવારે ડુંગર ચડી એ મંદિર સુધી પહોંચવું ને નવ વાગતામાં નીચે ઊતરી આવી, કેન્દ્ર પર પહોંચી કામ શરૂ કરી દેવું. જૂથમાં બાળકો નહોતાં પણ મીનાની નવ વરસની દીકરી સીના હઠ કરીને સાથે આવી હતી. તેને રખડવાનો ખૂબ શોખ હતો, ને ડુંગરની ઊંચાઈ એટલી બધી નહોતી કે તે ન ચડી શકે. સીના પોતાના ખાસ વ્યક્તિત્વવાળી બાલિકા હતી. ઘણા લોકો તેનું નામ સરખું સમજતાં નહીં, તેથી સીનાનું સીમા કરી નાખતાં. હકીકતમાં એ સીતાંશુનો ‘સી’ અને મીનાનો ‘ના’ લઈને બનાવવામાં આવેલું. અને એમાં પૅરિસની સીન નદીની યાદ હતી, જેના કાંઠે મીના ને સીતાંશુની પહેલી વાર ઓળખાણ થયેલી.

થાક લાગ્યો હતો એટલે નહીં, પણ એ જગ્યા અત્યંત સુંદર હતી એટલે મીના ને સીના ત્યાં બેસી ગયાં. ‘તમે બધાં મંદિરે જઈને આવો, ત્યાં સુધી અમે બેઠાં છીએ.’ સવારના સાત વાગ્યા હતા. તે લોકો ઉપર જઈને આવે ત્યાં સુધીમાં કલાક થાય, તોપણ નવ વાગ્યે સહેલાઈથી પાછાં પહોંચી જવાય. મીના - સીનાને છોડી બધાં ઉપર ને ઉપર ચડતાં ગયાં. ઠીક ઠીક વાર સુધી તેઓ દેખાયાં. પછી તેમનાં વસ્ત્રો અદૃશ્ય થતાં થતાં છેલ્લો ફરકતો છેડો દેખાતો બંધ થયો. તે પછી થોડીક વાર તેમનો અવાજ સંભળાતો રહ્યો. છેવટે તે પણ બંધ થયો અને મીના અને સીના સાવ એકલાં પડ્યાં.

એકલાં પડતાં જ મીનાને એક વિચિત્ર મુક્તિની ને આનંદની લાગણી થઈ આવી. એક ઉત્સુકતા અને રોમાંચની — જાણે આ એકાંત તે તેણે દીર્ઘ કાળથી ઝંખેલ પ્રિયતમ હોય અને તે પહેલી વાર એને મળતી હોય. એ મોટા દૂર સુધી ફેલાયેલા વિસ્તારમાં તેમના સિવાય બીજું કોઈ દેખાતું નહોતું. ગામનાં મકાનો નજરથી અદૃશ્ય થઈ ગયાં હતાં. નદીનું વહેણ પણ ક્યાંક દૂર રહી ગયું હતું. રોજ આ ડુંગર પર નજર પડતી હતી પણ આજે સાવ સમીપ આવીને બેસતાં એક અપરિચિત સૃષ્ટિ સામે ઊઘડવા લાગી. ક્યાંય કશો અવાજ નહોતો. મેઘાચ્છન્ન આકાશ ચારે ખૂણેથી નમી પડેલું હતું. પ્રકાશ નહોતો ને એટલે પડછાયા નહોતા. રૂપનું વૈવિધ્ય નહોતું. રંગની રમણા નહોતી. કેવળ ધરતીના પેટાળમાં સૂતેલી નીરવતા આજે જાણે ઘડીક બહાર આવી હતી અને ઘાસના બિછાના પર પોઢી ગઈ હતી. બધું જ સ્થિર હતું; અત્યંત તૃપ્ત, સાર્થક. કશાની જરૂર નહોતી અને એટલે કશી ગતિ નહોતી. મીનાને લાગ્યું કે પોતાનું મન પોતામાંથી બહાર નીકળી આ વિસ્તારમાં ફેલાઈ રહ્યું છે અને આ નીરવતામાં ઓગળી રહ્યું છે. તેને લાગ્યું — પોતે આ કોલાહલના સમુદ્ર વચ્ચે ઊગી આવેલા શાંતિના નીલમદ્વીપની જાણે ચિરવાસિની છે. પોતાનું રોજનું, સેંકડો રોકાણો, સેંકડો વિચારો, સેંકડો ઝંખનાઓનું જીવન તો એક ભ્રાંતિ છે અને જીવનનું સત્ય ને જીવનની સાર્થકતા ક્યાંક અહીં જ રહેલાં છે. — આ એકાંતમાં, જેમાં કશું શોધવાનું નથી તેવી આ શાંતિમાં. ખાસ કશું મેળવીને નહીં, પણ પોતાફરતું રહેલું આવરણ વિખેરી દઈને તેને સંતૃપ્તિનો અનુભવ થયો.

માણસ એકલો, સાવ એકલો પડે, આજુબાજુ ક્યાંય દૂર સુધી અવાજનું ધીમું આંદોલન પણ ન હોય, મનુષ્ય - પ્રાણીનો સંચાર ન હોય, કેવળ તે હોય ને ધરતી ને આકાશ ને વૃક્ષો હોય, ત્યારે તેને શા વિચાર આવે? ખબર નહોતી, પણ મીનાને લાગ્યું કે તેનું મન નિર્વિચાર બની ગયું છે. માત્ર સપાટીનું મૌન નહીં પણ છેક અંદર, ભીતરના તળમાં, બધાં સ્મરણો ને અનુભવોની હેઠળ જે સાવ શિશુ - અવસ્થાની આંતરિક શાંતિ વસેલી હોય છે — શિશુ – અવસ્થા કે પછી ગર્ભ – અવસ્થા — તે નિર્વિચાર સ્થિતિ આજે જન્મ પછી પહેલી વાર પાછી મળી છે. એમાં નરી પ્રસન્નતા છે, નરી વર્તમાનતા છે. આ જ સ્થિતિમાં સદાકાળ જો વસી શકાય… સમયની કેદમાંથી સદા માટે જો ઊડી જઈ શકાય… અચાનક તેને ઝાટકો લાગ્યો, તે ઝબકી ને તેણે આંખો ચોળી. કોઈ પણ સ્થિતિમાં શું સદાકાળ ટકી શકાય? તેણે સીના સામે જોયું. તે આંખો બંધ કરીને ઘાસમાં આળોટી પડી હતી. ના, પોતાનું મન તો વિચારોથી ભરપૂર હતું. નિર્વિચાર તો હતી સીના. તે ક્યારની કશું બોલી નહોતી. સમયનું ભાન ભૂંસાઈ ગયું હોય, તેમ તેણે ક્યારની આંખો ખોલી નહોતી કે હલનચલન કર્યું નહોતું.

મીનાએ ઘડિયાળ ભણી જોયું, અને એકીવારે આખીય સૃષ્ટિ ભાંગી ગઈ. સમયનું ત્રીજું નેત્ર ખૂલ્યું અને કાળની પાર રહેલી અવિચ્છિન્ન શાંતિના કિલ્લાકાંગરા કડડડભૂસ થઈ ગયા. ચારે તરફ વ્યાપેલી મેઘશ્યામ સજલસુંદર નીરવતા સંકેલાઈ ગઈ ને મીનાના મનમાં સહસા પ્રશ્ન થયો — આઠ વાગી ગયા. આ લોકો હજુ આવ્યાં કેમ નહીં?

તેણે સીનાને હળવેથી આંગળી અડાડી. ‘ઊંઘી ગઈ, બેટા?’ સીનાએ આંખ ખોલી ને તે આનંદથી હસી. ‘ના મા, હું તો મનમાં મનમાં સૂરજ સાથે વાતો કરતી હતી. આવી ગયાં બધાં?’ તે ઊઠીને બેઠી થઈ.

‘ના, આવ્યાં નથી, પણ હવે આવવાં જ જોઈએ. આપણે નવ વાગ્યે તો પાછું પહોંચી જવાનું છે.’ તેણે ફરી ઘડિયાળ સામે જોયું ને પછી સાથીઓ જે માર્ગેથી ઉપર ગયાં હતાં તે માર્ગ ભણી નજર માંડી. દૂર દૂરથી તેમનો કાંઈ અવાજ સંભળાય, તે માટે કાન માંડ્યા. નિઃસીમના પ્રદેશમાં ઊડી ગયેલું પંખી પાછું સમયના સળિયા પાછળ આવી બેઠું.

સવા આઠ થયા. હજુ કોઈ દેખાતું નહોતું. ઉપર જઈને એ લોકો આનંદમાં પડી ગયાં કે શું? પાછાં આવવાનો સમય ખ્યાલમાં નહીં હોય? આઠ ને પચીસ… સાડા આઠ. તેને જરા ચિંતા થઈ. ‘ચાલ સીના, આપણે ઉપર જઈશું? કદાચ એ લોકો સામાં મળી જાય.’

‘ચાલ, મા!’ સીના કૂદકો મારીને ઊભી થઈ, અને બંનેએ એકમેકનો હાથ પકડી ઉપર ચડવા માંડ્યું. ચડાણ આકરું નહોતું, તોપણ મીનાને જાણે સહેજ હાંફ ચડી. અને પેલા લોકોનો તો કોઈ જ અણસાર નહોતો. તેણે સ્વસ્થતા રાખીને પૂછ્યું ને છતાં તેના અવાજમાંથી વ્યાકુળતા ડોકાઈ રહી: ‘સીના, તને કાંઈ અવાજ સંભળાય છે?’

પણ કશે જ અવાજ નહોતો. જે ધજાને નજરમાં રાખી તેમણે ચડવાનું શરૂ કર્યું હતું તે ધજા પણ હવે દેખાતી નહોતી. પોતે સાચા માર્ગે જ હતાં? આ સિવાય ઉપર જવાનો બીજો કોઈ માર્ગ હતો? આ મખમલી બિછાતમાં આમેય કેડીઓ તો હતી જ નહીં. છૂટાંછવાયાં વૃક્ષો હતાં, જે આગળ ઉપર જતાં વધારે ગાઢ થતાં જતાં હતાં. થોડુંક ચાલતાંમાં તો તેઓ લગભગ જંગલની વચ્ચે હોય એવી જગ્યાએ આવી પહોંચ્યાં.

‘સીના, આપણે ઊંધા માર્ગે આવ્યાં હોઈએ એવું તને લાગે છે?’ મીનાના અવાજમાં ગભરાટ હતો. તેણે પોતાના અવાજની ધ્રુજારી દાબવા પ્રયત્ન કર્યો જેથી સીના ડરી ન જાય. હિંમત આપવાનો દેખાવ કરતાં તે ફરી બોલી : ‘મને લાગે છે, આપણે આ ડાબી બાજુ વળ્યાં, તે ખોટો રસ્તો હતો. જમણી બાજુએ જ વળવું જોઈતું હતું.’ ને વળી એક ભયે તેને ધ્રુજાવી દીધી. પેલા લોકોએ ઉપર જતાં પોતાના માર્ગની નિશાની અંકિત કરી હોય એમ ન બને? પણ એમને ક્યાં ખબર હતી કે અમે બે ઉપર ચડીશું? કદાચ હવે તે લોકો પાછાં ઊતરીયે આવ્યાં હોય ને પોતે જ્યાં બેઠી હતી, ત્યાં શોધ કરતાં ઊભાં હોય.

તેણે સીનાનો હાથ મજબૂતીથી પકડ્યો ને જ્યાંથી આવ્યાં હતાં ત્યાં પાછું ચાલવા માંડ્યું. હજુયે એ જ મેઘાચ્છન્ન આકાશ હતું, પડછાયા વિનાનું અજવાળું હતું, સંચાર વગરની નીરવતા હતી. પણ તે એક અજાણ્યા ભયના સાણસામાં જકડાતી જતી હતી. ઘડિયાળમાં ફરી તેની નજર પડી ને તેના હૃદયમાં ભયનો એક મોટો જુવાળ આવ્યો. ઘડિયાળના કાંટા સવા નવથી આગળ દોડતા હતા. સમય શું છે? ભય શું છે? એકાંત શું છે? — તેણે પોતાની જાતને પૂછ્યું. ને કોઈ જવાબ અંદરથી મળે તે પહેલાં તેણે સીનાનો હાથ પકડી લગભગ દોડવા માંડ્યું. પેલાં લોકો ત્યાં કદાચ ઊભાં હોય!

પણ એ જગ્યા ક્યાં હતી? ચારે બાજુ બસ લીલા લીલા સુંદર ઢોળાવો જ હતા. બધું સરખું લાગતું હતું. વૃક્ષો પણ સરખાં જ લાગતાં હતાં. ક્યાંય કશી નિશાની નહોતી, જેના આધારે માર્ગ શોધી શકાય. તેણે હોઠ ભીડીને ચાલવા જ માંડ્યું. ક્યાંક તો માર્ગ મળી જશે. ધજા દેખાશે, કે નદી દેખાશે કે પછી ગામનાં મકાનો દેખાશે, અથવા પોતાના સાથીઓ.

દસ વાગ્યા.

ધબ દઈને તે બેસી પડી. હવે થાક લાગ્યો હતો. તરસ લાગી હતી. ભૂખ લાગી હતી, અને સાચેસાચો ભય લાગ્યો હતો. અને સૌથી વધુ તો — સીનાને થાક - ભૂખ - તરસ -ભયમાંથી રક્ષવાની ચિંતા લાગી હતી.

‘મા, આપણે ભૂલાં પડ્યાં છીએ, નહીં?’ સીનાએ કહ્યું. મીનાએ તેને એકદમ હૈયે વળગાડી દીધી. ‘ના બેટા, હમણાં જ આપણે નીચે પહોંચી જઈશું. જંગલ જેવું છે ને, એટલે રસ્તો સમજાતો નથી. પણ હવે આપણે એ લોકોની વાટ જોયા વિના કેન્દ્ર પર જ ચાલ, પહોંચી જઈએ.’

બંનેએ નીચે ઊતરવા માંડ્યું, પણ હવે મીનાના હૃદયમાં ભય વજનદાર બનતો જતો હતો. હા, માર્ગ ભૂલી જ ગયાં હતાં. આટલો વખત ચાલ્યા પછી ગામનાં મકાન તો દેખાવાં જોઈએ, પણ તેય કાંઈ દેખાતાં નહોતાં. ઊલટાનાં બંને તળેટીમાં ને તળેટીમાં, ઊંડી ખીણમાં જાણે ઊતરી રહ્યાં હોય તેવો ભાસ થયો.

થાકીને બંને ઘડીભર ઊભાં રહ્યાં. સીના કંઈક બોલવા ગઈ ને મીનાને ભય લાગ્યો કે તે હમણાં કહેશે કે હું થાકી ગઈ છું ને મને ભૂખ લાગી છે, તો પોતે શું કરશે? હંમેશાં વહાલથી રક્ષેલી આ હૃદયના ટુકડા જેવી દીકરીને અત્યારે પોતે કયું આશ્વાસન આપી શકશે?

પણ સીનાએ કહ્યું, શાંતિથી, ગભરાટ વિના — ‘મા, મને લાગે છે આપણે ખરેખર રસ્તો ભૂલી ગયાં છીએ. વાર્તામાં આવે છે તેમ હવે તો કોઈ રાજા ઘોડો દોડાવતો આવે તો આપણને બહાર લઈ જાય, નહીં?’ તે હસી. પણ મીનાના મનમાં એક ચિરાડો પડ્યો. અહીં પોતાને કોણ શોધી શકે? આ નિર્જન એકાંતમાં, અંતહીન લાગતી ખીણમાં — 

પોતે ચીસ પાડે, તો તે કોણ સાંભળે? હૂ, ઇફ આઈ ક્રાય્ડ વુડ હિયર મી? — એક અંગ્રેજી કાવ્યની પંક્તિ તેને સાંભરી.

દિવ્ય અસ્તિત્વો.

સાચે જ પોતે બૂમ પાડે તો શું દિવ્ય અસ્તિત્વો તે સાંભળે ખરાં? ભગવાન સાંભળે ખરો? અને તે આવીને ઉગારે?

ભગવાન છે ખરો?

મેડિકલ કૉલેજમાં મૃતદેહોની ચીરફાડ કરતી વખતે ખૂબ શોધ્યું હતું — કોઈ રહસ્યનું કેન્દ્ર, જે મનુષ્યની દેહેતર ચેતનાની સાક્ષી આપી શકે. કશું મળ્યું નહોતું. ‘અંગુષ્ઠમાત્ર પુરુષ’ની કોઈ નિશાની મળી નહોતી. આત્મા ને પરમાત્મા શબ્દોની ત્યારે ખૂબ ઠેકડી ઉડાવી હતી. ખૂબ હસ્યાં હતાં. આ ભૌતિકતાથી પર, અભૌતિક કશું હોય તેમ માનવાનો ચોખ્ખો ઇનકાર કરેલો. અને છતાં, કોઈક ખેંચાણ થયા કરેલું. કોઈક જરૂરત અનુભવાયા કરી હતી. એક પ્રેમની, સમર્પણની… આનંદમય, રૂઢિથી પર એવા સ્વૈચ્છિક સમર્પણની. જીવનમાં પ્રેમ ઓછો નહોતો કર્યો. સીતાંશુને પૂરા હૃદયથી ચાહ્યો હતો. વહાલી દીકરી સીનાને, માતાને, પિતાને, મિત્રોને — બધાંને જ પ્રેમ કર્યો હતો, બધાંનો પ્રેમ મળ્યો હતો. છતાં એક જુદા પ્રેમની ક્યારેક જરૂર અનુભવાતી. કોઈક શાંત, ઉદાસ, જાત સાથેની એકાકી પળોમાં એક અતિ મહાન સમર્થ પ્રેમની ઝંખના અનુભવાતી, જે મનુષ્યના મનુષ્ય માટેના પ્રેમ કરતાં જુદો હતો. એ જ શું ભગવાન માટેના પ્રેમનો પુકાર હતો?

અચાનક સીના બોલી : ‘મા, મારાં ટીચરે કહેલું કે રસ્તો ભૂલી જઈએ ત્યારે ભગવાનને પ્રાર્થના કરવી. તે રસ્તો બતાવે. આપણે પ્રાર્થના કરીશું, મા?’

નાનકડી છોકરીને મોંએ આ ક્ષણે આવી વાત સાંભળી મીનાનું હૃદય એકદમ દ્રવી ગયું. તેને લાગ્યું કે પોતે મા થઈને રડી પડશે. તેણે બળપૂર્વક આંસુ પાછાં ધકેલ્યાં. ‘સીના, ચાલ બેટા, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે તે આપણને રસ્તો બતાવે.’ તેણે શાંત થવાનો પ્રયત્ન કરી કહ્યું ને અચાનક તેને ખરેખર જ શાંતિ લાગી. ઘડી વાર ભય દૂર થઈ ગયો. અંતરમાં એક વિશ્વાસ ઊગ્યો — આજુબાજુની હરિયાળી જેવો શાંત લીલો વિશાળ વિશ્વાસ. તે નીચે બેઠી ને તેણે સીનાને માથે હાથ મૂક્યો. ‘ચાલ બેટા સીના, આપણે ભગવાનને પ્રાર્થના કરીએ.’

તેણે આંખો બંધ કરી. આજ પહેલાં ક્યારેય ભગવાનને હૃદયના ઊંડાણથી પ્રાર્થના કરી નહોતી. ભગવાનમાં માનવું કે ન માનવું, તેની બહુ ખબર નહોતી. અમસ્તું ક્યારેક ભજનો ગાયાં હશે ને મંદિરમાં માથું નમાવ્યું હશે કે અનંત બ્રહ્માંડનાં રહસ્યો પર વિચાર કરતી વખતે પરમપિતા જેવા કોઈક અસ્તિત્વનો ઝબકારો મનમાં થયો હશે.

પણ ભગવાન સાથે હૃદયનો સીધો સંબંધ તો ક્યારેય જોડ્યો નહોતો.

અને આજે તે એને, વિશ્વની પરમ સંચાલક શક્તિને સમગ્ર હૃદયથી પ્રાર્થી રહી. ‘અમારા માનુષી અપરાધોને ક્ષમા કરો પિતા, અમને તમારા રક્ષણમાં લો. અમને માર્ગ બતાવો.’

થોડી વારે બંનેએ આંખો ખોલી. મીનાનું હૃદય કશાક વિશ્વાસથી હળવું થઈ ગયું હતું. ‘સીના બેટા, તારા પપ્પાના નામની બૂમ માર તો. કદાચ એ લોકો આપણને શોધતાં હશે… તો કદાચ આપણી બૂમો તે સાંભળશે…’ અને સીના બૂમ મારે તે પહેલાં તેણે મોટેથી સ્પષ્ટ સ્વચ્છ અવાજે તેની એક સાથીદારના નામની બૂમ મારી — ‘વાસંતી…’ થોડીક વાર તે શાંત રહી. અને તેણે ફરી બૂમ મારી : ‘સીતાંશુ!’… અને આ વખતે સીના પણ મોટેથી બોલી : ‘પપ્પા… ’

બંનેએ કાન માંડ્યા. કંઈક અવાજ આવતો હતો. કોઈ બોલાવતું હતું? કે ભ્રમ હતો? ના, કદાચ ખરેખર જ કોઈ અવાજ આવતો હતો. બંને શ્વાસ રોકીને સાંભળી રહ્યાં, અને બાર વાગ્યાના સૂર્યને ચીરતો એક સ્પષ્ટ રણકતો અવાજ આવ્યો : ‘મીના - સીના, તમે ક્યાં છો?’

સીના આનંદથી ચીસો પાડી રહી : ‘પપ્પા, પપ્પા, અમે અહીં છીએ. અમે ભૂલાં પડી ગયાં છીએ. પપ્પા, તમે અહીં આવો — મારો અવાજ પકડીને આવો… ’

મીનાની આંખમાંથી આંસુની ધારા વહી નીકળી. જરાક વારમાં જ સીતાંશુ ને તુષાર મથાળેથી ઊતરતા દેખાયા. સીના આનંદથી નાચવા માંડી. અચાનક તેની નજર મીના પર પડી ને તે આશ્ચર્યથી બોલી : ‘મા, હવે તો પપ્પા આવી ગયા. હવે તું કેમ રડે છે?’

એ કેમ રડતી હતી તેની એને ખબર નહોતી. કદાચ ભગવાનને ખબર હોય!

૧૯૭૮ (‘જવા દઈશું તમને’)