< કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ
કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/બળતો બપોર
ત્રણ દિવસ સુધી રોજ થોડાં થોડાં કરીને તેણે અભરાઈ પરનાં બધાં વાસણ માંજીને ચકચકિત કરી નાખ્યાં અને અભરાઈને ઝાડીઝૂપટીને પાછાં વ્યવસ્થિત ગોઠવી દીધાં. ઓરડામાંથી બધાં જાળાં પાડ્યાં. ફરસ સાબુના પાણીથી ઘસીને ધોઈને સાફ કરી, ચાદર ને બે ઓછાડ પોતાના હાથે ધોયાં. કોને ખબર, એ લોકો કદાચ રાત રોકાય તો પછી તેમને પાથરવા ને ઓઢવા જોઈએ. અને ત્યારે ઓછાડમાં જરા સરખોયે ડાઘ હોય તો પોતાનું ને ઘરનું ખરાબ લાગે.
સવારના ચાર વાગતામાં તો તે ઊઠી ગઈ હતી, ને ઘરનું ઘણું કામ આટોપી લીધું હતું. એ લોકોએ સમય નહોતો જણાવ્યો, પણ સાડાનવ વાગ્યા પછી કોઈ પણ સમયે તેઓ આવે. એ લોકો આ બાજુ સાતઆઠ વર્ષ પછી આવતાં હતાં, આથી તેમને બસના સમય વગેરે વિશે બહુ માહિતી નહોતી, અને વળી તેમને ઘણી જગ્યાએ જવાનું હતું. આથી બસનો ચોક્કસ સમય તેઓ જણાવી શક્યાં નહોતાં. એ તરફથી પહેલી બસ સવારના સાડા નવે શરૂ થતી અને પછી દર કલાકે, દોઢ કલાકે આવ્યા કરતી. એમાંની કોઈ પણ બસમાં તેઓ આવે. જમવા વિશે કાંઈ લખ્યું નહોતું, પણ આવશે એટલે જમશે તો ખરાં જ ને! એ લોકોને શું ભાવે, તેની તેને ખબર નહોતી. તે તો આજે પહેલી જ વાર તેમને જોવાની હતી. તેણે પતિને અને સાસુને પૂછી જોયું, પણ એ બંને કશું કહી શક્યાં નહીં. એટલે તેણે શીરો ને દહીંવડાં બનાવવાનું નક્કી કર્યું. ઘણીબધી દાળ વાટવાની હતી, તે તેણે સવારમાં ઊઠી જઈ વાટી નાખી. બે શાક, દાળ, ભાત ને ત્રણચાર જાતનાં કચુંબર બનાવ્યાં. નાના નૅપ્કિનને ખૂણે પોતે ભરત ભરેલું, તે કાઢીને હાથ લૂછવા માટે તૈયાર રાખ્યા. હાથ ધોવા માટે નવો આખો સાબુ કાઢ્યો, અને નવેક વાગ્યે ફરી એક વાર ઘરમાં ઝાડુ કાઢ્યું. ઘર ભોંયતળિયે હતું અને પવનને કારણે અંદર ખૂબ ધૂળ ઊડી આવતી હોવાથી વારંવાર સાફ કરવું પડતું. રોજ તો તે બે વાર ઝાડુ કાઢતી, પણ આજે તેણે દસ વાગ્યા સુધીમાં ત્રણ વાર ઝાડુ કાઢી લીધું.
સાડા દસ થવા આવ્યા. તે નાહીધોઈને તૈયાર થઈ ગઈ હતી. ગાઢા કેસરી રંગની, પીળી કિનારવાળી સાડી તેણે પહેરી. તેને એમ ખ્યાલ હતો કે પોતાને એ સાડી ઘણી શોભે છે. પતિને તેણે એક વેળા એ વિશે પૂછેલું. પણ તેને આવી બાબતોમાં બહુ રસ નહોતો. તેણે ‘હં’ કહીને છાપું વાંચ્યા કરેલું. સાસુ એટલાં વૃદ્ધ ને માંદાં હતાં કે તેમની પાસે પોતાને કઈ સાડી શોભે છે તેની વાત કરવી અજુગતી લાગે. તેમની પાસે તો તે બેસીને હંમેશાં રામાયણ વાંચતી, કે પછી ભાગવતની કથાઓ વાંચતી. આ બધું વાંચવાનું પોતાને ગમતું કે નહીં, એ વાત તે ભૂલી ગઈ હતી. રોજ વાંચવું પડતું એટલે તે વાંચતી. કોઈક વાર ભજનો ગાઈ સંભળાવતી. પોતાનો કંઠ કેવો છે, તે કોઈની પાસેથી જાણવાનું તેને બહુ મન થતું. પણ તે બહુ લજ્જાળુ હતી. પતિનેય તે પૂછી શકતી નહીં, કે હું કેવું ગાઉં છું. પતિએ ભાગ્યે જ એ સાંભળ્યું હશે ને સાસુ તો સાંભળતાં સાંભળતાં ઊંઘી જતાં કે પછી રામ રાખે તેમ રહેવાથી કેટલું સારું પડે છે તેની વાત કરતાં.
પણ આજે, ધારો કે, એ લોકો આવે અને સાંજના બધા આંગણામાં બેઠાં હોય ને પછી રંજના એમ કહે કે, ભાભી, તમને ગાતાં આવડે છે? કંઈક ગાવ ને! અને કદાચ પોતે ગાય; અને રંજના કહે કે વાહ, તમારો કંઠ તો બહુ મીઠો છે! અથવા એમ કહે કે ભાભી, આ સાડી તમે ક્યાંથી લીધી? આનો રંગ તો બહુ સરસ છે! … બારીબારણાં ફરી એક વાર કપડાથી ઝાપટતાં તે હસી. કેવાં દિવાસ્વપ્નો મન જુએ છે!
બાર વાગી ગયા, છતાં એ લોકો આવ્યાં નહીં. તેણે સાસુને ને પતિને જમાડી લીધાં. પોતે જમી નહીં. ખરાબ કહેવાય. મહેમાન આવે, અને ઘરની ગૃહિણીએ જમી લીધું હોય.
ઓ મા! તેને એકદમ ફાળ પડી. સાસુની ઉધરસની દવા લાવવાનું તો ભુલાઈ જ ગયું. શુક્રવારથી જ દવા થઈ રહી હતી. શનિવારે કંઈક કામસર જવાયું નહીં. ગઈ કાલે રવિવારે તો દવા મળે નહીં. કાલે બપોરે તેમને ખૂબ ખાંસી ચડી હતી. આજે બપોરે પણ ચડે — પેલાં લોકો હોય ત્યારે જ ચડે તો બિચારાં સરખી રીતે કાંઈ વાત નહીં કરી શકે. દવા લઈ આવવી જોઈએ. પતિ ઘેર હતો, પણ તેને કહેવા કરતાં જાતે જવું સારું. વળી પેલા લોકો આવે, ને પોતે તો તેમને પહેલાં કદી જોયાં નહોતાં, એટલે પતિએ તો ઘેર રહેવું જોઈએ. પોતે હમણાં જ જઈને લઈ આવશે.
તે તરત જ ચંપલ પહેરીને ઘરમાંથી નીકળી પડી. ચાલતાં ચાલતાં પગ બળ્યા ત્યારે યાદ આવ્યું કે ચંપલ પાનીએથી ખાસ્સાં ઘસાઈ ગયાં હતાં તે સમા કરાવવાનું, અથવા પછી નવા ખરીદવાનું રહી જ ગયું હતું. કામ કાંઈ ઓછું હોય છે? ભૂલી જવાય… તે મનમાં બબડી અને ઉતાવળે ચાલવા લાગી. ઘણો તાપ લાગતો હતો. વૈદરાજ મળી જાય તો સારું. વચ્ચે પીપળા નીચે મોચી બેઠેલો દેખાયો. પણ ચંપલનું સમારકામ કરાવવા રહે તો કદાચ બહુ મોડું થઈ જાય. વૈદરાજ જો કામથી પરવારી કરીને આરામ કરવા ચાલ્યા જાય તો તો પછી કલાક પછી જ મળે. તે થોભી નહીં ને બળતા પગે તેણે ચાલ્યા કર્યું. વૈદરાજના ઘરમાં તે પ્રવેશી ત્યારે તેનાથી ‘હાશ’ થઈ ગયું. તે પરસાળમાં એક બાંકડા પર બેઠી ને તેને બહુ જ સારું લાગ્યું. તેને થયું, વર્ષોનાં વર્ષોથી બપોરના તાપમાં પોતે બળતા પગે બસ, ચાલ ચાલ કર્યું છે, ને હવે છેક છાંયો મળ્યો છે. વૈદરાજના ઘરમાં પરસાળ અને એક રૂમ દવા ને દરદીઓ માટે હતાં. બહાર આંગણ હતું ને ત્યાં લીમડાનાં ઝાડ હતાં. ખરો બપોર હતો, તોયે ત્યાં ઠંડો પવન આવતો હતો. તેને જરાક ઝોકું ખાઈ લેવાનું મન થયું. પણ સારા ઘરની વહુ, આમ વૈદને ઘેર બાંકડે બેસી ઊંઘી જાય તે કેવું લાગે! પીઠ અક્કડ કરીને તે બેઠી ને આંખોને પ્રયત્નપૂર્વક ઉઘાડી રાખી રહી.
વૈદરાજ ગંભીર માંદગીવાળા એક દરદીને જોવા ગયા હતા. ઘડીભર તેને થયું કે પાછી જાઉં, કદાચ મહેમાન આવી ગયા હોય. પછી થયું, દવા વગર જઈશ તો બિચારાં માજી બહુ હેરાન થશે. મહેમાન સાથે સરખી રીતે વાત નહીં કરી શકે અને મહેમાનને પણ જોઈએ તેવો આનંદ નહીં આવે, ઘરમાં શાંતિ નહીં લાગે. એટલે પછી તે, મીંચાઈ જતી આંખોને મક્કમતાથી ઉઘાડી રાખતી ત્યાં જ બેસી રહી.
છેવટ દોઢ કલાકે વૈદરાજ આવ્યા. દરમિયાન, ગઈ કાલે રવિવાર હતો, એટલે આજે ઠીક ઠીક દરદીઓ ભેગાં થઈ ગયાં હતાં. તેનો વારો આવતાં ખાસ્સી વાર થઈ. છેવટ તે દવા લઈને નીકળી ને છાંયામાંથી પાછી બળતા રસ્તા પર, બળતા પગે ચાલવા લાગી. હવે ભૂખ પણ લાગી હતી. જાઉં ને તરત બધાં આવી પહોંચે તો કેવું સારું! તો પછી જલદી જમવા બેસી શકાય — !
અડધે સુધી તે પહોંચી હશે ત્યાં તેને પાડોશણ સામે મળી. ‘અલી, તું ક્યાં ગઈ હતી?’ પાડોશણે તેને વિસ્મયથી પૂછ્યું.
‘વૈદરાજને ત્યાં, માજીની ઉધરસની દવા લેવા.’
‘પણ તારે ત્યાં મહેમાન આવ્યાં હતાં તે?’
‘આવી ગયા?’ તેણે ફાળ સાથે પૂછ્યું.
‘આવ્યાં ને જતાં પણ રહ્યાં.’ પાડોશણે કહ્યું : ‘એ લોકો કોઈની ગાડી લઈને આવેલાં એટલે એમને બહુ વખત નહોતો. તોયે કલાકેક તો બેઠાં હતાં.’
‘અને જમવાનું?’ તેણે નિરાશ થઈ જઈને પૂછ્યું, ‘જમ્યાં નહીં એ લોકો?’
‘જમ્યાં નહીં, નાસ્તા જેવું કર્યું. બરોબર એ વખતે જ હું ત્યાં જઈ ચડી હતી. મારે ચણાનો લોટ થઈ રહ્યો હતો એટલે હું તારે ત્યાં લેવા ગઈ તો માજીએ મને રોકી. પછી મેં જ એમને શીરો ને દહીંવડાંનો નાસ્તો આપ્યો.’
‘એમને ભાવ્યાં દહીંવડાં?’ તેણે ઉત્સુકતાથી પૂછ્યું.
‘હા રે, બીજી વાર માગીને લીધાં.’ પાડોશણે ઉત્સાહથી કહ્યું, ‘કહે, દહીંવડાં બહુ સરસ થયાં છે.’
‘એમ? અને માજીએ શું કહ્યું?’ તેણે પૂછ્યું. ગઈ કાલે રવિવાર હતો ને દુકાનો બંધ હતી, એટલે તેણે ઓળખીતા વાણિયાને ઘેર જઈ, દુકાન ઉઘાડાવી પોતાને અડદની દાળ આપવાની ખાસ વિનંતી કરી હતી. રાતોરાત દાળ પલાળી હતી ને સવારે ઝીણી વાટી વાટીને તેના હાથ દુઃખી ગયા હતા.
‘માજીએ શું કહ્યું?’ તેનો અવાજ જરા ગરમાઈ ગયો.
‘કહે કે રોજ તો દૂધવાળો સારું દૂધ નથી આપતો, પણ કાલે ખાસ સારું આપવાનું કહેલું એટલે દહીં સરસ જામેલું. નહીં તો આટલાં સારાં દહીંવડાં ન થાત.’
‘બીજું કાંઈ ન કહ્યું?’
‘બીજું શું કહે?’ પાડોશણે નિખાલસતાથી પૂછ્યું.
— અને એ લોકોએ ઘર ન જોયું? અંદરના રૂમમાં ગયાં નહોતાં?
મેં વાસણો બધાં ચકચકિત કરેલાં. ભોંય પણ સાબુના પાણીથી ધોયેલી. એમણે એ કશા વિશે કાંઈ ન કહ્યું? કહ્યું નહીં કે વાહ, ભાભી ઘર તો ચોખ્ખું રાખે છે! — તેના મનમાં અનેક પ્રશ્નો ઊભરાયા પણ તે પૂછી શકી નહીં. મંદ સ્વરે તે બોલી : ‘બીજી શું વાતો કરી એ લોકોએ?’
‘અરે, ઘણી વાતો કરી. એ લોકો હમણાં સુધી જ્યાં રહેતાં હતાં તે દેશની જાત જાતની વાતો. હું તો સાંભળી જ રહી. માજીયે ખુશ થઈ ગયાં.’
તે ચુપચાપ ઊભી રહી…
‘અને હા,’ પાડોશણ બોલી : ‘છોકરી — શું નામ એનું? રંજના! ઘણી વિવેકી. ને માજીને માટે કેટલો પ્રેમ! એની પાસે જુદી જ જાતનો નાનો નાજુક પંખો હતો, તેના વડે તેણે માજીને જરા પંખો નાખ્યો, ને એમનું માથુંયે થોડી વાર દાબી આપ્યું. કેટલા સુંવાળા એના હાથ હતા! માથે અમથું અડે તોયે મીઠું લાગે. એના ગયા પછી માજી એનાં શું વખાણ કરતાં હતાં! ઘરમાં ઘડીક વાર આવીને જાણે દીવો કરી ગઈ.’
તેણે વાસણ માંજીને ખરબચડા થઈ ગયેલા પોતાના હાથ તરફ જોયું. આવા હાથથી સાસુનું માથું દાબતાં તેમને તકલીફ થતી હશે. તેને જરા શરમ લાગી. ફિક્કું હસીને તે બોલી : ‘અને મારે માટે કોઈએ કંઈ પૂછ્યું નહીં?’
‘પૂછ્યું ને! રંજનાએ પૂછ્યું કે ભાભી ક્યાં છે? માજીએ કહ્યું કે હજુ હમણાં જ અહીં હતી, આટલામાં ક્યાંક ગઈ લાગે છે.’
‘બસ, એટલું જ?’
‘બીજું શું પૂછવાનું હોય?’ પાડોશણે સરળતાથી કહ્યું, ‘ખરું જુઓ તો એ લોકોને બહુ વખત જ નહોતો. કલાક ક્યાં જતો રહ્યો તેની ખબર ન પડી. એ લોકો ગયા ને હું મારા સુનીલિયાને શોધવા નીકળી. ક્યારનોય પતંગ લેવા ગયો છે, હજી આવ્યો નથી.’
તેની આંખમાં અચાનક એટલાં બધાં આંસુ ઊભરાયાં કે તેને થયું, આ આંસુ પોતે બહાર વહેવા દે તો તેનું એક પૂર થઈ જાય, ને પોતે તેમાં તણાઈ જાય. તેણે આંસુ પાછાં ધકેલ્યાં, નાક સાફ કર્યું ને તેને અચાનક યાદ આવ્યું કે સાસુને પગે ખરજવું થયું છે. તે માટે કોઈકે કહેલું કે ચોક્કસ જાતની મેંદી બાળી તેની રાખ દહીંમાં કાલવી ખરજવા પર લગાડે તો તે મટી જાય. મેંદી વૈદરાજના કમ્પાઉન્ડમાં હોવી જોઈએ. પોતાને યાદ ન આવ્યું. તાપ અને ભૂખને કારણે તે થાકી ગઈ હતી. પણ સાંજે ફરી છેક સુધી આંટો ખાવો એને બદલે અત્યારે અડધે રસ્તે પોતે છે ત્યાં જ પાછાં જઈ ભેગાભેગું કામ પતાવી દેવું સારું. તે પાછી વળી ને તેણે કહ્યું : ‘પતંગ લેવા સુનીલ મણિભાઈની દુકાને ગયો હશે તે ત્યાં જ બેઠો હશે. તું ઘેર જા. નકામી તડકામાં શું કામ હેરાન થાય છે? હું પાછા વળતાં તેને બોલાવતી આવીશ.’ અને તે વૈદરાજના ઘર ભણી ચાલી. તેને થયું, આજે બપોરથી કંઈક વધારે પડતી ગરમ છે. ચંપલ પણ આટલે જઈને આવવામાં જરા વધારે ઘસાઈ ગઈ હોય તેમ લાગ્યું. એક ક્ષણ તેને લાગ્યું કે આ રસ્તા પર જાણે કોઈએ સળગતા કોલસા પાથરી દીધા છે. વૈદરાજને ઘેર છાંયો મળશે એ વિચારે તેને જરા ટાઢક મળી, ને તે ઝડપભેર ચાલતી જ ગઈ.
૧૯૭૦ (‘કાગળની હોડી’)