< કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ
કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/સંબંધનો એક ચહેરો
પહેલાં તો એ એક ઘોડો જ હતો, કોઈ પણ ઘોડા જેવો ઘોડો, બીજા કરતાં જરા વધુ કે ઓછી તાકાતવાળો, વધુ સશક્ત કે પછી વધુ મુડદાલ, એનો તપખીરી રંગ બીજા ઘોડાઓ કરતાં જરા વધુ ગાઢ કે પછી કંઈક વધુ આછો. ગમે એમ, પણ એક ઘોડો જ. પણ રસૂલ પાસે આવ્યા પછી તે માત્ર ઘોડો ન રહ્યો, તે ‘બહાદુર’ બની ગયો. રસૂલના શબ્દોમાં કહીએ તો બા’દર. તેનો તપખીરી રંગ સૂરજના તડકામાં ચળકતો સોનેરી રંગ બની ગયો. રસૂલે નાનપણમાં જેની વાર્તાઓ સાંભળી હતી તે સુવર્ણ દેશની રાજકુમારીની આંખોનો રંગ પણ આવો તેજસ્વી કથ્થઈ તો નહોતો. ‘કાં બા’દર’ કહી રસૂલ તેની પીઠે હાથ મૂકતો ત્યારે એ બે વચ્ચેનો સંબંધ છતો થતો. એ માણસ અને પ્રાણી વચ્ચેનો સંબંધ હતો; એક એવા પ્રાણીનો, જેને નામ હતું અને જેનો ચહેરો ખોવાઈ નહોતો ગયો. ચહેરા વગરના માણસોની દુનિયામાં આ એક એવો સંબંધ હતો, જેને ચહેરો હતો — ઊંડા વિશ્વાસ અને પરમ આત્મીયતાનો — સુરેખ સુંદર ચહેરો.
રસૂલ પાસે આવ્યા પછી બા’દર સમૂળો બદલાઈ ગયો. આ સંબંધમાંથી જ પોષણ મળતું હોય તેમ ધીમે ધીમે તેનું અપૂર્વ શક્તિમય સ્વરૂપ પ્રગટ થતું ગયું. તેનો વાન એકદમ ચમકીલો બની ગયો. તે દોડતો ત્યારે એવું લાગતું, જાણે કથ્થઈ રંગનો એક લિસોટો વીજળીની જેમ હવામાં અંકાઈને અદૃશ્ય બની ગયો છે. સ્ટેશનેથી ગામ જતા રસ્તા પર વળીને, આંબલીની ઘટાવાળા રસ્તાને પાર કરીને નદીનો સુક્કો રેતીપટ વટાવીને, સામે કાંઠે આવેલી પીરની દરગાહ પાછળના રસ્તા પરથી એ દોડી જતો ત્યારે એમ લાગતું, જાણે પવન ને વીજળીનો પુત્ર આ ઘોડાનું રૂપ લઈને આવ્યો છે. તેના પગ તળે પૃથ્વીની વાટ નાની પડે છે. રસૂલ તેના પડખામાં એડી મારીને કહે ‘ચલ બા’દર’ તો બા’દર સાત સમંદર અને સિત્તેર પહાડ ઓળંગી જાય. એક વખત ગામમાં ડાકુઓ આવ્યા ને લૂંટ કરીને ભાગ્યા, ત્યારે રસૂલે આ ઘોડા પર બેસીને તેમનો પીછો પકડ્યો હતો. ઘોડાની ખરીના સડક પર થતા અવાજમાં જ એક એવી ભીષણતા રહેલી હતી કે ડાકુઓ એ સાંભળતાં જ લૂંટનો માલ ફેંકી દઈ ભાગી છૂટ્યા હતા. જોનારાઓએ કહેલું કે બા’દર દોડતો હતો ત્યારે જાણે કથ્થઈ રંગની એક આગ દોડી રહી હોય એમ લાગતું હતું. અને એનો હણહણાટ! દુશ્મનો જ્યાંથી રાતોરાત નાસી છૂટ્યા છે તેવા વિશાળ રણમેદાનમાં ઊભેલા વિજયી સેનાપતિનું જાણે અટ્ટહાસ્ય!
પણ તેનું આ સ્વરૂપ તો કોઈ કટોકટી વખતે જ પ્રગટ થતું. બીજા દિવસોએ તો તે એક નરમાશભર્યો સ્નેહસિક્ત મિત્ર જેવો બની રહેતો. રસૂલ એની નાળ તપાસતો. એના શરીરે ક્યાંય કાંઈ વાગ્યું નથી તે તપાસી જોતો અને પછી રાતે તેની પાસે ખાટલો ઢાળી ખાટલામાં પડ્યો પડ્યો કાળા આકાશમાં સળગતા શ્વેત તારાઓ સામે જોતો જોતો બા’દર સાથે વાતો કરતો. ‘તું વાતો કરે એમાં ઘોડો શું સમજે?’ લોકો પૂછતા. રસૂલ હસીને કહેતો : ‘શું કરવાને ન સમજે? એ કાંઈ માણસ થોડો છે કે ન સમજે?’
છોકરાઓ — જેમને ઘોડાના પેલા અગ્નિરૂપનો પરિચય નહોતો થયો, તેઓ કહેતા : ‘રસૂલ તો સાવ ગાંડો છે. જાનવર જોડે વાતો કરે છે.’ પણ રસૂલ બા’દરને પાણી પાવા નદીએ લઈ જતો હોય ત્યારે એ છોકરાઓ તેની જોડે જતા ને અદબભેર તેની વાતો સાંભળતા. રસૂલ ઘોડાને નવડાવતો, એની કેશવાળી સમારતો અને છોકરાઓને કહેતો : ‘બા’દરના પગ તળે હજારો માઈલ ઘસાઈ ગયા છે, અને તમે તો હજી ગામની બારોય પગ નથી મેલ્યો, ટાબરિયાંઓ! આ ઘોડાએ તમારા કરતાં વધારે દુનિયા જોઈ છે. તમારા કરતાં એ વધારે શાણો ને સમજુ છે.’ છોકરાઓ કુતૂહલ અને માનથી ઘોડા તરફ તાકી રહેતા. ઘોડો જોરથી કાન હલાવી પાણી ખંખેરતો અને પછી હણહણતો. એ હણહણાટ રસૂલને કોઈ સરદારે કરેલી હાકલ જેવો લાગતો. તેની કલ્પનામાં કોઈ પહાડી રસ્તાનું ચિત્ર ઊભું થતું. ખડકના રસ્તા પરથી ઊજળા કથ્થઈ રંગનો એક ઘોડો છલાંગ મારતો, ઠેકતો દોડી આવે છે — જાણે એ ખડકનો જ છૂટો પડેલો એક અંશ! એની પીઠ પર બેઠેલા સરદારના વણબોલાયેલા આદેશોને એ સાંભળે છે. એની પીઠ પર ચાબુક ફટકારવાની જરૂર નથી. પોતાનો રસ્તો ને પોતાનું ગંતવ્ય તે જાણે છે. એ રસ્તો, જે હજારો ફાંટાઓમાં વહેંચાયેલો છે, હજારો કેડીઓ અને પગવાટોની ભુલભુલામણીમાં ફસાયેલો છે, તેમાંથી પોતાનો માર્ગ કયો, તે એ બરાબર જાણે છે, કારણ કે તેનું મન તેના સરદારના મન સાથે એકરૂપ થયેલું છે.
બા’દર એક ઘોડો જ છે, પણ તે રસૂલનો ઘોડો છે. સૂરજમુખીનું એક ફૂલ, જે વાન ગૉગનું ફૂલ હતું; કાળી પાંખોવાળું એક નામહીન પક્ષી, જે કેવળ રવીન્દ્રનાથનું પક્ષી હતું; એક લાલ રંગ, જે માત્ર રેન્વારનો લાલ રંગ હતો; એક તેજોમય ઉમા, જે કેવળ નંદલાલ બસુની ઉમા હતી; તેમ આ એક બા’દર તે કેવળ રસૂલનો બા’દર હતો. બીજા કોઈની પાસે તે ગયો હોત તો તે ઘોડો જરૂર હોત, પણ બા’દર ન હોત. ઘોડાને લપેટાઈ રહેલું બા’દરનું વ્યક્તિત્વ તે તો રસૂલનું જ સર્જન હતું. ઘણી વાર તેની પીઠ પર માથું મૂકીને રસૂલ કહેતો : ‘સારું થયું, આપણે મળી ગયા તે!’ દુનિયામાં જેમ કેટલાંક સ્ત્રીપુરુષો એકબીજા માટે જ સર્જાયાં હોય છે તેવી રીતે કેટલાંક પ્રાણીઓ અને માણસો પણ એકમેક માટે સર્જાયાં હોય છે. અને તેમનો જ્યારે મિલાપ થઈ જાય છે, ત્યારે એમાંથી આકર્ષણનો એક એવો મોહિનીસૂર ઊઠે છે કે તે જોનારને કુતૂહલ અને શ્રદ્ધા પ્રેરે. બા’દર રસૂલની હાજરીને ઓળખતો, તેના સ્પર્શને ઓળખતો, એ સ્પર્શમાંથી ઝરતા સંબંધને ઓળખતો અને સામે ઉત્તર આપતો હોય એમ વિવિધ રીતે ખરીને જમીન સાથે ઘસતો. તેને મન હતું કે નહીં, અને હોય તો તેને મન રસૂલ શું હતો, તે તો કોણ કહી શકે? પણ એટલું ખરું કે એક વખત રસૂલ કામ અંગે દૂરના શહેરમાં ગયો ને બે દિવસ રોકાયો, ત્યારે તેની પત્નીએ નીરેલું ઘાસ બા’દરે ખાધું નહોતું અને તેના તોબરામાં મૂકેલા ચણા તેણે જોરથી માથું આમતેમ હલાવી વેરી નાખેલા.
પણ જીવનના સંગીતનો સૂર સદાય ઉલ્લાસના લયમાં વાગ્યા કરતો નથી. બા’દર અને રસૂલનો પૃથ્વી પર જે ‘સ્નેહયોગ’ થયો હતો તેથી બરોબર ઊલટો જ, આકાશમાં શનિ ને મંગળનો અંગારયોગ થયો હોવો જોઈએ. રસૂલે એક પછી એક સુખ ગુમાવવા માંડ્યાં. પહેલાં તેની પત્ની મૃત્યુ પામી. પછી દસ વરસનો પુત્ર. તેણે ઘાસ ખરીદીને ભર્યું હતું તે વખાર બળી ગઈ. એક પછી એક ચોમાસાં નબળાં આવ્યાં અને ઘાસ મોંઘું થતું ગયું. ભૂખરા વંટોળની જેમ હવામાં ઊડતા બા’દરની ગાડી હવે ધીમે ધીમે પાછળ રહી જવા લાગી. બીજી કોઈ ઘોડાગાડી ખાલી ન હોય ત્યારે જ ઉતારુઓ હવે રસૂલની ગાડીમાં બેસતા. બીજી ગાડીઓ ગામ વચાળે પહોંચી ગઈ હોય ત્યારે રસૂલની ગાડી હજુ સ્ટેશન પછીના પહેલા વળાંકે માંડ પહોંચી હોય — જાણે રસ્તામાં તે ગીત ગાવા ઊભી રહી ગઈ હોય. અને ઘણુંખરું તો તે ખાલી જ હોય. રસૂલ બા’દરને આશ્વાસન આપતો હોય એમ કહેતો : ચિંતા કરીશ નહીં, હો! દી તો હાલ્યા જશે. દીને થોડા કોઈએ બાંધી રાખ્યા છે? દી થોડા ખીંટીએ ટિંગાઈ રહ્યા છે? એ તો હાલ્યા જાય. નાનપણથી આજ સુધીમાં કેટલાયે હાલ્યા ગયા. આ પણ જશે. શું કે’છ બા’દર?’
બા’દરનો સોના જેવો કથ્થાઈ રંગ મેલી માટી જેવો નિસ્તેજ થવા લાગ્યો. પહેલાં રસૂલ બા’દરનું આખું શરીર સૂંઘતો અને તેને લાગતું કે બા’દરને રોમેરોમે સુગંધ ઊગી રહી છે. હવે તે શરીર પર હાથ ફેરવતો અને તેને લાગતું, તેના રોમેરોમમાંથી એક તીવ્ર પુકારના કાંટા ઊગી રહ્યા છે — ઘાસ માટેની પુકારના. અને રસૂલને સમજાતું નહીં કે બા’દર બોલી શકતો હોત તો વધુ સારું થાત કે નથી બોલી શકતો તે જ સારું છે.
ચાબુક ન ફટકારતા આ ગાડીવાનની ઘોડાગાડીની ગતિ ઘટવા લાગી. બા’દર ધીમે ધીમે દોડતો. લાંબું અંતર કાપવાનું હોત તો કદાચ, પેલો કાચબો જેમ સસલાથી આગળ નીકળી ગયો હતો, તેમ બા’દર બીજા ઘોડાઓથી આગળ નીકળી જાત. જીવનમાં જો એક જ વાર સ્પર્ધા કરવાની હોત, તો પોતાનો બધો હોર્સપાવર તે એમાં વાપરી નાખત. જીવન જો એક જ વાર ખેલી લેવાની સ્પર્ધા હોત, એક વાર મેળવી લીધેલો વિજય પછી સદાકાળ ચાલતો હોત, તો જીવનમાં દરેક જણ વિજયી બનત અને ખુમારીનો તોરો તેના માથે અંત સુધી ઝૂલ્યા કરત.
પણ જીવન એટલે રોજ રોજની સ્પર્ધા. એ સ્પર્ધાની ઝોળીને તળિયે કાણું હોય છે. એક પળે ગમે તેવા વજનદાર વિજયથી એને ભરો, બીજી પળે એ ખાલી ને ખાલી. રસૂલ જોતો રહ્યો અને એની નજર સામે જ એનો બા’દર, જે દોડતો ત્યારે વીજળી જેવો દેખાતો, અગનગોળા જેવો દેખાતો, જેના પગની ખરીના અવાજથી દિશાઓ ગાજી ઊઠતી અને જેના હણહણાટનો વન - જંગલોમાં પડઘો પડતો, તે હવે નીચે ડોક રાખીને પગ ઘસડતો થઈ ગયો. રસૂલ એની પાસે ઊભો રહી ધીમે ધીમે એને કહેતો : ‘ઘાસની ચિંતા કરીશ નહીં. ઘાસ તો મળી રહેશે. જો, કાલે કેટલું બધું પાણી વરસેલું! માણસ ઊંધે માથે ઊભો રહે તો ગળા સમાણું આવે.’ પછી પોતાની આ રમૂજ પર રસૂલ હસતો અને બા’દરના મોંએ વળગેલાં ફીણ પોતાના ખમીસની ચાળથી લૂછી નાખતો.
આ દુર્દિનોની વચ્ચે પણ રસૂલનું હાસ્ય સુકાયું નહોતું. અંતરના કોઈક ખૂણે ખબર નથી, કયું વાદળ નિરંતર વરસ્યા કરતું હતું કે એના હાસ્યનો ઝરો ગમે તેવા દુકાળમાં પણ વહેતો જ રહેતો. કોઈકે એક દિવસ એને કહેલું : ‘તું બહુ હસે છે રસૂલ, તારી એક પાંસળીનું ઑપરેશન કરાવી નાખ.’
રસૂલ લાગલો જ બોલી ઊઠ્યો : ‘એના કરતાં બાપા, મારી ભૂખનું જ ઑપરેશન કરાવી નાખો ને! રોજ રોજ એ ખાવા માગે તેને ક્યાંથી પોગાય? આખા મલકમાં એવો કોઈ સર્જન નથી જે મારું પેટ ચીરીને એમાંથી ભૂખને સમૂળગી બહાર કાઢી નાખે?’
ગામથી જરા દૂર દક્ષિણ દિશામાં ગાઢ જંગલ શરૂ થતું હતું. રસૂલ એક વાર ડાકુની પાછળ પડ્યો ત્યારે એ જંગલનાં અંધારાં ઊંડાણોની તેને જરાક ઝાંખી મળેલી. ઊંચાં ઊંચાં ને ફેલાયેલાં વૃક્ષો એકમેકમાં ડાળીઓ પરોવી અજવાળા આડે પડદો રચી દેતાં હતાં. એ જંગલમાં ઘણાં વન્ય પ્રાણીઓ વસતાં હતાં. દૂરથી શિકારીઓ ત્યાં શિકાર માટે આવતા. વાઘ અને દીપડા માટે એ જંગલ પ્રખ્યાત હતું.
એક દિવસ, ન્યૂઝીલૅન્ડથી આવેલા થોડા ગોરા શિકારીઓ માટે ત્યાં માંચડા વગેરેની વ્યવસ્થા કરવા બે-ત્રણ દેશી શિકારીઓ આગળથી આવ્યા. મારણ તરીકે બાંધવા માટે તેમને પ્રાણી જોઈતું હતું. કોઈએ કહ્યું : ‘રસૂલનો ઘોડો સાવ ટારડા જેવો થઈ ગયો છે, એને ખરીદી લો. સસ્તામાં મળી જશે.’
ત્રણે દેશી શિકારીઓ રસૂલને ઘેર આવ્યા. રસૂલ તે વખતે ઘોડાને પગે હાથ ફેરવતો, તેની નાળ તપાસતો હતો. શિકારીએ કહ્યું : ‘ગામમાં એક્કેય પાડો મળ્યો નહીં, રસૂલ, અને બીજે ગામ પાડો શોધવા જવાનો સમય નથી. એટલે અમે તારી પાસે આવ્યા છીએ. તારો આ ઘોડો તો આમેય મરેલા જેવો છે, અમને આપી દે.’
રસૂલ હસીને બોલ્યો : ‘મરેલા જેવો છે ને બાપા, પણ મરેલો નથી. ઘોડો ન અપાય.’
શિકારીએ કહ્યું : ‘બીજો ખરીદી લેજે. હમણાં તો ઘાસ પણ મોંઘું છે. આ ઘોડો કાંઈ તારી ગાડી ખેંચી શકે એવો નથી. એને રાખવામાં તો ઊલટાનું તને ગાંઠનું ખર્ચ થશે.’
રસૂલે ડોકું ધુણાવ્યું : ‘એ કાંઈ ખર્ચની વાત થોડી છે, બાપજી? એ તો સંબંધની વાત છે.’
‘અમે એ જ કહીએ છીએ. અમારી સાથે સંબંધ રાખવામાં તને ફાયદો છે.’
‘હું તમારી સાથેના સંબંધની વાત નથી કરતો. ઘોડા સાથેના સંબંધની વાત કરું છું.’
ત્રણ શિકારીમાંના સૌથી નાના શિકારીએ કહ્યું : ‘તારો ને ઘોડાનો સંબંધ તો ગાડી વડે છે, રસૂલ! અને આ ઘોડો કાંઈ ગાડી ખેંચે તેમ નથી. અમે તને ઘણા પૈસા આપીશું. તું નવો જાતવંત ઘોડો લઈ શકીશ. પણ અત્યારે અમને આ ટારડું આપ. અમારે બહુ જ તાકીદની જરૂર છે. સરકારી મહેમાનો માટે અમારે જલદી વ્યવસ્થા કરવાની છે.’
રસૂલના મોં પર અત્યાર સુધી રમી રહેલું હળવાશનું હાસ્ય ઓલવાઈ ગયું. તે કાંઈ બોલ્યો નહીં.
સૌથી મોટો શિકારી જરા બુઝુર્ગ હતો. રસૂલના ખભે હાથ મૂકી તેણે કહ્યું : ‘શું કામ જિદ્દ કરે છે? આ તારું શરીર જો. પાંસળીઓ દેખાય છે. અને આ ઘોડો તો આજ નહીં ને પંદર દિવસ પછી મરવાનો જ છે. તને તો ખબર છે, ઘાસ કેટલું મોંઘું છે! અને પાણી એટલું ઓછું વરસ્યું છે કે ઘાસ દિવસે દિવસે વધુ મોંઘું થતું જવાનું.’
રસૂલના મોં પરથી હાસ્યનો દીવો સાવ ઓલવાઈ ગયો. તે મૂંગો મૂંગો શિકારી સામે તાકી રહ્યો.
પેલાએ ફરી કહ્યું : ‘સરકારી મહેમાન છે, એટલે અમારે વ્યવસ્થા કર્યા વિના ચાલે તેમ નથી, નહીં તો તારી પાસે ન આવત. સાંભળ, તને કેટલા પૈસા જોઈએ? અમે તને ગાડી ને ઘોડો બંને નવાં લાવી શકે એટલા પૈસા આપીશું. અમે સાંભળ્યું છે, તારી બૈરી મરી ગઈ છે. તારું આ ખોરડું જો, તારા ઘરની ભોંય જો. તું ગાડી ફેરવી શકીશ તો તને બે પૈસા મળશે, તું કદાચ ફરી લગ્ન કરી શકીશ.’
રસૂલની આંખના ખૂણે આંસુ ધસી આવ્યાં. તે ત્યાંથી ઊઠીને અંદર ચાલી ગયો ને તેણે ઘરનાં બારણાં બંધ કરી દીધાં.
એ આખી રાત રસૂલ ઊંઘ્યો નહીં. એક પછી એક તારાનાં પગથિયાં ચડીને પૂર્વના દરવાજે પહોંચતી રાતને તેણે જોયા કરી, ઘરની વળીઓ ગણ્યા કરી, ઘોડાનો ઉચ્છ્વાસ સાંભળ્યા કર્યો.
બીજા દિવસે વહેલી સવારે તે બા’દરને લઈને શિકારીઓ ઊતર્યા હતા ત્યાં ગયો. બોલ્યો : ‘ઘોડો આપવા આવ્યો છું.’
શિકારીઓ બહુ જ રાજી થયા. ‘બહુ સારું કર્યું રસૂલ, અમે તને હમણાં જ પૈસા આપીશું.’
રસૂલે કહ્યું : ‘પણ ઘોડો આપવા સાથે મારી એક શરત છે. એ પાળો તો ઘોડો આપું.’
‘શી શરત?’
‘પાળશો?’
‘જરૂર જરૂર.’
‘તો — મને પૈસાની જરૂર નથી. એકે પૈસો નહીં આપો તો ચાલશે. માત્ર…’
‘માત્ર શું?’
‘મને પણ સાથે લઈ જાઓ. ઘોડાની ભેગો મનેય ઝાડ સાથે બાંધી દેજો.’
શિકારીઓ સ્તંભિત થઈ ગયા. જે મજાકિયા હાસ્ય માટે રસૂલ જાણીતો હતો તે હાસ્ય શોધવા તેમણે રસૂલના ચહેરાની રેખાએ રેખા ધારીને જોઈ. ના, ત્યાં સહેજ પણ હાસ્ય નહોતું. ત્યાં માત્ર એક ચહેરો હતો, એક માણસનો ચહેરો, જે તેના ઘોડાના ચહેરા સાથે એકરૂપ થઈ ગયો હતો.
૧૯૭૨ (‘કાગળની હોડી’)