< કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ
કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/સૂર
પશ્ચિમ બાજુએથી એક જોરદાર ઝાપટું આવ્યું. તેણે ઊઠીને એ તરફની બારી ઝટપટ બંધ કરી, તોપણ થોડા છાંટા તો અંદર આવ્યા જ, અને અંદરની બંધ ગૂંચવાયેલી ઘટ્ટ હવાને ભીની કરી ગયા. હવે ફક્ત દક્ષિણ તરફની મોટી બારી ઉઘાડી હતી, અને તેમાંથી વરસતા વરસાદનો ધૂંધળો, અર્ધપારદર્શક પડદો દેખાતો હતો. આજુબાજુની બધી વસ્તુઓની અલગ ઓળખ રોળાઈ ગઈ હતી, એકમેકમાં મળી ગઈ હતી. આકાશ ને ક્ષિતિજ જુદાં ઓળખાતાં નહોતાં. બધું જ એક વિશાળ, રંગહીન ઠંડા આવરણમાં લપેટાઈ ગયું હતું.
પોતાના જીવનની જેમ જ.
સાંજ હજુ આથમી નહોતી, પણ વરસાદને લીધે અંધારું લાગતું હતું. તેણે બત્તી કરી. ખુરસીમાં બેસી સ્ટૂલ પર પગ લાંબા કરી તેણે હાથમાં કૉફીનો કપ લીધો અને એક ઘૂંટડો ભર્યો. કેટલા દિવસ થયા? આજે સિત્તેરમો દિવસ છે. સિત્તેર દિવસ પહેલાં તેણે વિદાય લીધી. એ પહેલાંના દિવસો માંદગીના, કષ્ટના દિવસો હતા, તોપણ તેમાં જીવંતતા હતી. તેની પાસેથી કોઈક શક્તિની અપેક્ષા રાખવામાં આવતી હતી, અને એ પડકારને ઝીલવામાં તેને જીવનની સાર્થકતા લાગી હતી. ઉજાગરા, ચિંતા, સવારથી રાત સુધી કામનો બોજ… અને એના ફિક્કા પડી ગયેલા હોઠ પર ગણગણ્યા કરતો કોઈ સૂર… જો હું સાજો થઈશ તો સૌથી પહેલાં મારવા રાગ વગાડીશ — તે કોઈ વાર કહેતો. તેને ઘણા રાગો ગમતા, પણ મારવા વિશેષ ગમતો. મારવા વગાડતી વખતે, સૂરજ હજી સાવ આથમી ન ગયો હોય એવી પીળી ચમકભરી સાંજ માટે, એક વ્યાકુળ ઝંખનાની અનુભૂતિ થતી. એ માધુર્યની તીવ્રતા તેને ગમતી. પોતાનું જીવન તે એવી રીતે જીવ્યો હતો, એટલે કદાચ…
કૉફી પૂરી કરીને તેણે કપ ટેબલ પર મૂક્યો અને દિલરુબા ભણી જોઈ રહી. એના પર ઘણી ધૂળ ચડી ગઈ હતી. ધીમે ધીમે કરતાં ધૂળનું ખાસ્સું એક પડ ચડી ગયું હતું. સ્મૃતિનું પણ એવું હોય છે — તેણે કંઈક શોકથી, કંઈક ડહાપણથી વિચાર્યું. પહેલા દિવસની તીવ્રતા હવે આજે નથી. ધીમે ધીમે કરતાં ધૂળ ચડતી જાય છે — મહાકાળની ધૂળ. પછી એક દિવસ શું એવું બનશે કે ધૂળનું એક ઘટ્ટ પડ સ્મૃતિને સાવ ઢાંકી દેશે અને કોઈક દિવસ જોરદાર વાયરો આવીને એ ઉડાડી મૂકે અથવા આજના જેવો વરસાદ આવી એ ધૂળને ધોઈ નાખે ત્યારે જ ફરી એની નીચે…
ચમકભરી પીળી સાંજની તીવ્ર મધુરતા ફરી એકદમ દેખા દઈ એના તારને રણઝણાવી મૂકે?
જીવન હવે સપાટ, એકધારું બની ગયું હતું. મૃત્યુને સ્વીકારી લીધું હતું, અને ધીમે ધીમે એને મંદ બનાવી દેનારી ધૂળને પણ સ્વીકારી લીધી હતી.
નહીં તો શરૂઆતમાં તો કેવું કેવું હતું!
તે રસોડામાં ઊભીને રસોઈ કરતી હોય ને એવું લાગતું — જાણે એ બાજુમાં આવીને ઊભો છે. જીવતો હતો ત્યારે આવીને ઊભો રહેતો એમ જ. જરાક હાસ્ય, જરાક મજાક, વાળ સાથે અમસ્તું અડપલું. ‘બધાંને તો રોજ ઝઘડા થાય છે, આપણે કેમ આટલાં વરસોમાં એક્કે વાર ઝઘડ્યાં જ નહીં હોઈએ?’ તે ઘણી વાર તોફાની સ્વરે પૂછતો.
અને પોતે કહેતી — એટલા માટે કે હું મૂરખ છું ને તારામાં અક્કલ ઓછી છે. બસ, મોંએ જે ચડે તે જવાબ આપવાનો, કોઈ નિષેધ નહીં, પૂર્વ વિચાર નહીં, પરિણામની આશંકા નહીં, વિશ્વાસની ભોંય પર, વિશ્વાસની સદા લીલી હરિયાળી પર ઝળૂંબતું વિશ્વાસનું સદાનીલ આકાશ…
શરૂ શરૂમાં તો રાતે ઘણી વાર ઝબકીને જાગી જતી. ભય લાગતો, ઝંખના જાગતી, રડી પડાતું. શરૂના કેટલા દિવસો, કેટલી રાત્રિઓ રડવું જ આવ્યા કરતું. પછી ધીમે ધીમે ઓછું થઈ ગયું. કાળનાં કિરણોએ પૂરને સૂકવી નાખ્યાં.
તોયે હજુ ભણકારા વાગતા. એની ખાસ છટાઓ, ડોક વાંકી કરી દૂર સુધી ધ્યાનપૂર્વક જોઈ રહેવાની ટેવ, હોઠ પર હંમેશાં ગણગણ્યા કરતો સૂર… બધું જાણે આકાર ધરીને આવતું. તેને લાગતું — એ અહીં ઊભો છે. બાજુમાં કંઈક અનુભવાતું. સ્પર્શતું. ધૂંધળી રેખાઓ હવામય દેહ રચતી. પછી ખબર પડતી કે એ તો અમસ્તું. ખાલી આભાસ.
એક દિવસ તો દાદર પર બરાબર એનાં જેવાં જ પગલાંનો અવાજ સંભળાયેલો. એ એટલો બધો આબેહૂબ હતો! — પગલાંનો ભાર, જોડાનો કિચૂડ અવાજ, છત્રીનો ઠપકાર, અરે ખોંખારો સુધ્ધાં — અને તેણે પહેલાંની રોજની ટેવ મુજબ એકદમ ધસી જઈને, બારણે ટકોરા પડે તે પહેલાં જ બારણું ઉઘાડી નાખી સ્મિત કરેલું. પણ ત્યાં તો કોઈ નહોતું. દાદર ખાલી હતો.
સિત્તેર દિવસોમાં કેટલા બધા અજાણ્યા અનુભવોના માર્ગ પરથી તે ચાલી! હવે આજે આ ડહાપણ પ્રેરતી વરસાદભરી સાંજે ઉદાસ હવામાં કૉફી પીતાં પીતાં તે વિચાર કરી રહી હતી કે મૃત્યુ એ સત્ય છે, અને એના પર ધીમે ધીમે ચડતી જતી ધૂળ પણ સત્ય છે…
… અચાનક બારણા પર કંઈક આવેગભર્યા ટકોરા પડ્યા. તે જરા ચમકી. આટલા વરસાદમાં કોણ આવ્યું હશે? આજે કોઈ આવે એવી સંભાવના તો નહોતી!
તેણે બારણું ઉઘાડ્યું. એક અજાણ્યો જુવાન ઊભો હતો. પાણીથી તેનાં કપડાં સાવ નીતરી ગયેલાં. દેખીતું હતું કે તેની પાસે છત્રી નહોતી અને તે સાવ ભીંજાઈ ગયો હતો.
અનાયાસ તે બે ડગલાં પાછી ખસી ગઈ. જુવાન અંદર આવ્યો. જરા હસીને બોલ્યો : ‘નજીકમાં જ મારું ઘર છે, પણ પહોંચું તે પહેલાં ભીંજાઈ ગયો. તમારી બત્તી બળતી જોઈ એટલે મને થયું, જરા વાર થોભીને વરસાદ ધીમો પડે પછી જાઉં.’ તે થર થર ધ્રૂજી રહ્યો હતો. ‘કાલે મને તાવ હતો ને આજે આખો ભીંજાઈ ગયો એટલે…’
તે ઝડપથી બોલી : ‘આવો, અંદર આવો, ટુવાલથી શરીર લૂછી નાખો.’ તે અંદર ગઈ અને ઉતાવળે ટુવાલ લઈ આવી. તેના પતિની માંદગીની શરૂઆત આ રીતે જ થયેલી. વરસાદમાં ખૂબ ભીંજાઈને નીતરતે કપડે ઘેર આવેલો. ધગધગતું શરીર. પછી એ માંદગીમાંથી બહાર નીકળાયું જ નહીં.
તેણે કહ્યું : ‘તમારાં કપડાંયે સાવ લથપથ થઈ ગયાં છે. તમને વાંધો ન હોય તો બદલી લો.’ અને તેણે અંદર જઈ કબાટ ખોલ્યો. સિત્તેર દિવસથી એ કબાટ ખોલવાની તેની હિંમત નહોતી ચાલી, પણ આજે તેણે ઝડપથી એક ખમીસ અને પૅન્ટ કાઢ્યાં. કોને ખબર, આ જુવાન… તે પણ કોઈ સ્ત્રીનો પતિ હશે! તે આની રાહ જોતી હશે…
‘આ કપડાં કદાચ તમને આવી રહેશે. બદલી લો. હું તમારે માટે ગરમ મસાલો નાખીને ચા બનાવી લાવું.’ તે રસોડામાં ગઈ અને તેણે ચૂલો પેટાવી તપેલીમાં પાણી મૂક્યું. રસોડામાં પશ્ચિમ તરફ પડતી એક બારી હતી. જરાક ઉઘાડી તેણે જોયું. વરસાદ હવે ધીમો પડ્યો હતો, છતાં ચાલુ તો હતો જ. એનો અવાજ એક ઝરમરતા ઝાંઝરની જેમ ઘરની ચારે બાજુએ વીંટળાઈ વળ્યો હતો.
તે બહાર દીવાનખંડમાં ગઈ. પેલા જુવાને કપડાં બદલી લીધાં હતાં. પોતાનાં પતિનાં કપડાં એને એટલાં બધાં બંધબેસતાં હતાં કે એક ક્ષણ એને ભ્રમ થયો કે દીપન તો પાછો નથી આવ્યો! બરોબર એટલી જ ઊંચાઈ, પહોળાઈ. ખભા પણ એ જ રીતે સહેજ આગળ નમેલા. તે ઊંધો ફરીને ઊભો હતો અને અભરાઈ પર પડેલી દિલરુબાની પેટી જોતો હતો.
તે અંદર ગઈ કે તરત જુવાન ફર્યો. જરાક હસીને બોલ્યો : ‘દિલરુબા છે ને? કોણ વગાડે છે? તમે? કે તમારા પતિ? હમણાંથી વગાડી નથી લાગતી. ખૂબ ધૂળ ચડી ગઈ છે.’
તે કશું બોલી શકી નહીં. માત્ર ડોકું હલાવી ‘ચાનું પાણી ઊકળી ગયું હશે’ એવું અસ્પષ્ટ બોલી રસોડામાં લગભગ દોડી જ ગઈ. તેનું હૃદય વેગથી ધબકી રહ્યું. કેટલા બધા દિવસ પછી કોઈ અજાણ્યા માણસે દિલરુબા વિશે વાત કરી. એને ક્યાંથી ખબર હોય કે આ ઘરમાં શું બની ગયું છે!
ઓહ — શુંનું શું બની ગયું! તેણે દીવાલને ટેકે ઊભા રહી આંખ મીંચીને સ્થિર થવાનો પ્રયત્ન કર્યો.
અચાનક તેણે સાંભળ્યું, જાણે કોઈ દિલરુબા વગાડે છે. હા, આ તો એ જ જુવાન વગાડતો લાગે છે. અરે, એણે તો મારવાના સૂરો વગાડ્યા. મારવાનો તીવ્ર મધ્યમ તેના હૃદયને ઊંડેથી કોરવા લાગ્યો. તે ચુપચાપ સાંભળી રહી. એ સૂરોમાં તેના મૃત્યુ પામેલા દિવસો ફરી જીવતા થઈ એક પછી એક સામે આવવા લાગ્યા. વરસાદમાં જેમ આકાશ - ક્ષિતિજનો ભેદ નહોતો રહ્યો, તેમ સૂરના આ અણધાર્યા વરસાદમાં જીવન ને મૃત્યુનો, સ્મૃતિ ને વિસ્મૃતિનો, ભૂતકાળ - વર્તમાનનો ભેદ ન રહ્યો. એક ઝરમરતા ઝાંઝરની જેમ બધું ઝંકારી રહ્યું.
કેટલી ક્ષણો વીતી — ખ્યાલ ન રહ્યો. અચાનક એનું ચૂલા તરફ ધ્યાન ગયું. પાણી ક્યારનું ખૂબ ઊકળી રહ્યું હતું. તેણે ઉતાવળે એમાં દૂધ - ચા - ખાંડ - મસાલો નાખ્યાં ને તપેલી થોડી વાર ઢાંકી રાખી. પછી કપ તૈયાર કરી તે ધ્રૂજતા પગે દીવાનખંડ તરફ ચાલી. ઓહ, આ કોણે આવીને સાવ પોતાના જ સૂર વગાડ્યા?
ધીમા પગલે તે બહારના ખંડમાં ગઈ, અને તે અત્યંત ચમકી ગઈ. ત્યાં કોઈ નહોતું. કોઈ જ નહોતું. અરે, પેલો હમણાં અહીં હતો તે ક્યાં ગયો? તેનાં ભીનાં કપડાંનું પોટકું વાળીને તેણે ખૂણામાં મૂકેલું તે પણ નહોતું. તેના પતિનાં કપડાં ગડીબંધ ખુરસી પર પડ્યાં હતાં. તે આશ્ચર્યથી બારણાની નજીક ગઈ. બારણાની કડી અંદરથી દીધેલી હતી. તેણે દિલરુબાની પેટી તપાસી. એના પર એવી જ ધૂળ હતી… સિત્તેર દિવસથી સાફ ન થઈ હોય તેવી ધૂળ. આખો રૂમ જેમનો તેમ હતો, સુંદર રીતે સજાવેલો ને ઝાંખો પડી ગયેલો, સુઘડ ગોઠવેલો, એક પણ વસ્તુ આઘીપાછી થયા વગરનો.
ગાંડાની જેમ દોડીને તેણે પશ્ચિમ તરફની બારી ઉઘાડી નાખી. મુખ્ય રસ્તો ત્યાંથી દેખાતો હતો. રસ્તા પર પણ કોઈ નહોતું. વરસાદ હવે લગભગ બંધ પડી ગયો હતો અને આકાશમાં સૂરજ આથમ્યા પહેલાંની પીળી ચમકવાળી સાંજ ફરી ફેલાઈ ગઈ હતી.
૧૯૭૬ (‘જવા દઈશું તમને’)