< કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ
કુન્દનિકા કાપડીઆની શ્રેષ્ઠ વાર્તાઓ/એક વેળાનું ચાહેલું શહેર
ટ્રેન ઊપડી ત્યારે તો બધું સમુંસૂતરું હતું. પાટાની બંને બાજુએ રાઈનાં પીળાં ફૂલોથી ગીચ ભરેલાં ખેતરોની જેમ સ્મરણોનાં ઝૂમખાં લચી રહ્યાં હતાં. હું તો ફક્ત ભૂતકાળને જોવા જતો હતો, અને કશી દુર્ઘટના બનવાની મને સહેજ પણ આશંકા નહોતી. શિયાળાના દિવસો હતા, અને હું ગાડીમાંથી સ્ટેશન પર ઊતર્યો ત્યારે મોડી સાંજ થઈ ગઈ હતી. મારી પાસે ખાસ સામાન હતો નહીં, અને નજીકમાં જ રહેવાની કોઈક જગ્યા મળી જશે એ ખ્યાલથી ઘોડાગાડી કે રિક્ષા કરવાને બદલે હું ચાલવા લાગ્યો. વર્ષો પહેલાં હું આ શહેરમાં રહ્યો હતો, એના રસ્તાઓ પર ઘૂમ્યો હતો અને અહીંની હવા સાથે મારી એક આત્મીયતા બંધાઈ હતી. એ આત્મીયતાના આધારે જ હું અહીં આવ્યો હતો. પણ કોને ખબર કેમ, મેં ચાલવાનું શરૂ કર્યું કે આ શહેર મને સાવ અજાણ્યું, સાવ જ પરાયું લાગવા માંડ્યું. મારા સ્મરણમાં તો એના ચોખ્ખા પહોળા રસ્તા ઝૂલતા હતા, એને બદલે મેં સાંકડા, બત્તી વિનાના, અંધારામાં ખોવાઈ જતા રસ્તા જોયા. ગાડીમાંથી બેત્રણ ઉતારુઓ મારી સાથે ઊતરેલા, ને સ્ટેશન પરથી જે કોઈ વાહન મળ્યું તેમાં બેસી ચાલ્યા ગયા, અને એ ઝાંખા રસ્તા પર હું એકલો જ ચાલી રહ્યો. મને તો કંઈક એમ પણ યાદ હતું કે સ્ટેશન અને શહેર વચ્ચે એક બસ પણ દોડે છે, પણ એવી બસ મને કોઈ દેખાઈ નહીં. વધતા જતા અંધારામાં રસ્તાની બંને બાજુનાં વૃક્ષો ઓળા જેવા થવા લાગ્યાં ને એમની હેઠળ કોઈ છે કે કેમ, તે કળવાનું મુશ્કેલ થઈ ગયું.
હું ધીમે ધીમે ચાલતો હતો. પછી રાત પડ્યે તો ચાર દીવાલો વચ્ચે પુરાઈ જ જવાનું હતું, એટલે બને તેટલો સમય ખુલ્લામાં પસાર કરવાનો મારો ઇરાદો હતો. હું તો કેવળ આ શહેરને ફરી એક વાર શ્વાસમાં ભરી લેવા જ આવ્યો હતો. માણસને પુરાણી વસ્તુઓ તરફ એક ખાસ પ્રકારની મમતા હોય છે, એમ મને જ્યાં મેં મારી યુવાનીનાં થોડાં સ્વપ્નો સેવ્યાં, એવા આ શહેર પ્રત્યે મમતા હતી. પણ અત્યારે આ રસ્તા પર ચાલતાં મને કોઈક અજાણપણું ઘેરી વળવા લાગ્યું. મને પ્રશ્ન થયો કે એ મમતા આ શહેર ને તેના પવનો માટે હતી કે શહેરમાં રહી ગયેલા પેલા સમય માટે હતી?
હવે રસ્તા પર થોડા દીવાઓ દેખાવા લાગ્યા, પણ તે બધા પૂરતા પ્રકાશ વિનાના, મેશથી આવરાયેલા, હોલવાઈ જવાની આશંકાવાળા હતા. ખુલ્લી હવામાં ઠંડીનો સ્પર્શ વધવા લાગ્યો. મારી અંદર કંઈક બેચેની જાગી અને નજીકમાં જે કાંઈ સ્થાન મળે ત્યાં જઈ વિશ્રામ કરવા માટે હું વ્યાકુળ થઈ ગયો. પગમાં મને એકાએક થાક વરતાવા લાગ્યો અને મેં ચાલ ઉતાવળી કરી.
એટલામાં મેં રસ્તાની વચ્ચોવચ ચાર-પાંચ જણાને બેઠેલા જોયા. ડામરના કાળા રસ્તા પર, ઝાંખી બત્તીના પ્રકાશમાં જેવાં-તેવાં કપડાં પહેરીને એ જુવાનિયાઓ બેઠા હતા. તેઓ થોડીક વાત કરતા હતા ને વધારે તો હસતા હતા. એમાંના એકે દૂરથી મને જોયો ને કંઈક બોલી મારી તરફ આંગળી ચીંધી, એટલે બાકીના બધાએ પણ મારી તરફ જોવા માંડ્યું. એ અંધારછાયા અજવાળામાં મને એમના મોં પરના ભાવ દેખાયા નહીં, પણ એમની મારી તરફ જોવાની સાવ સાદી ક્રિયામાં મને ભય ઝળૂંબી રહેલો અનુભવાયો. અનાયાસ મેં મારા પૅન્ટના ખીસા પર હાથ મૂક્યો. પાકીટમાં કાંઈ બહુ પૈસા હતા નહીં, પણ લૂંટનારને લૂંટ કર્યા પહેલાં તેની ખબર કેમ પડે?
એ લોકો બરોબર વચ્ચે બેઠા હતા, એટલે એમને ચાતરીને જવા માટે હું રસ્તાની ધાર તરફ ચાલ્યો. કશા કારણ વગર હું અંદરથી ભય પામવા લાગ્યો. મને થયું કે વાહન ન કરવામાં મેં મૂર્ખાઈ કરી હતી. આ લોકો સંતલસ કરીને મને પટકી પાડે ને મારું પાકીટ આંચકી લે, તો એ પાંચ જણ સામે હું એકલો શું કરી શકવાનો હતો? વળી રસ્તા પર અમારા સિવાય કોઈ હતું પણ નહીં.
આમ છતાં, મારા પગમાં ભયનો જરા પણ થડકાટ આવવા દીધા વિના, હું સહજ રીતે લહેરાતો ચાલ્યો, જાણે મેં તેમને જોયા જ ન હોય! અને છતાં તેઓ જાણતા હતા કે મેં તેમને જોયા છે, અને એટલે મારી બહાદુરીના સ્વાંગની જાણ પણ તેમને થઈ જ જવાની.
પણ એ સિવાય બીજો કોઈ ઉપાય પણ નહોતો. કોઈક ક્ષણિક છલનામાં એ લોકો ભૂલથાપ ખાઈ જાય ને મારા પૅન્ટના ખીસામાં રિવૉલ્વર હોઈ શકે, એમ પણ માની લે.
હું તેમની સાવ નજીક પહોંચ્યો ને તેમની બાજુમાંથી પસાર થઈ જવામાં જ હતો કે એક જણે કહ્યું : ‘ઊભા રહો મિસ્ટર, આમ ક્યાં જાઓ છો?’
મેં અવાજને બને તેટલો સ્વસ્થ રાખીને કહ્યું : ‘અહીં નજીકમાં એક હોટેલ હતી, તે કેમ દેખાતી નથી?’
એકાએક એ પાંચ જણ ઊભા થઈ ગયા. બીજા એકે ગુસ્સાથી કહ્યું : ‘કેમ સાહેબ, જૂઠું શા માટે બોલો છો? અહીં કોઈ દિવસ હોટેલ હતી જ ક્યાં?’
ત્રીજો બોલ્યો : ‘તમારે અમારા જેવા સાવ અજાણ્યા માણસો સાથે જૂઠું શા માટે બોલવું જોઈએ?’
મને થયું કે જીભાજોડીમાં ઊતરવામાં કંઈ સાર નથી. આ લોકો મારી સાથે લડવાનું બહાનું શોધે છે, જેથી તેઓ છેવટે મને લૂંટીને રસ્તાની ધારે ખાડામાં નાખી દઈ શકે.
મેં નમ્રતાથી કહ્યું : ‘હું મુસાફર છું. મારે અહીં એક રાત રોકાવું છે. અહીં કોઈ ધર્મશાળા કે હોટેલ જેવી જગ્યા છે?’
ચોથો ફૂંફાડતા અવાજે બોલ્યો : ‘જોયું ને? પહેલાં એણે એવી રીતે વાત કરી કે જાણે અહીં બધું શું છે ને ક્યાં આવેલું છે તેની તેને ખબર હોય. અને હવે ધર્મશાળા ક્યાં છે તેમ પૂછે છે. તે દેખાવ કરે છે, તે જૂઠું બોલે છે.’
હવે હું પણ વિમાસણમાં પડી ગયો હતો કે અહીં શું છે ને ક્યાં છે, તેની મને ખબર હતી કે નહોતી? મને થયું કે એક વાર જો હું અહીંથી પસાર થઈ જાઉં ને આ લોકોના પંજાથી છૂટી જાઉં પછી હું કોઈ પણ જગ્યા શોધી શકીશ. એટલે મેં એમને જવાબ આપ્યા વિના ઝડપથી ચાલવા માંડ્યું. પણ એક જણે મારું ખમીસ પાછળથી પકડીને મને અટકાવ્યો. તે બોલ્યો : ‘એમ તું નહીં જઈ શકે. અમને શી ખબર, તું ગામમાં કોઈને ત્યાં લૂંટ કરવા નથી જતો?’
એ ઠંડી રાતે હું પરસેવાથી રેબઝેબ થઈ ગયો. કોઈ પણ માણસને આપણી નિર્દોષતાની પ્રતીતિ શી રીતે કરાવવી?
પહેલો બોલ્યો : ‘જોવા દે તારાં ખીસાં. એમાં કદાચ રિવૉલ્વર સંતાડી હશે.’
ઓહ… તો આ લોકો મારાં ખીસાં તપાસી મારું પાકીટ પડાવી લેવા માગતા હતા!
મારામાં એકદમ જોર આવ્યું અને એક આંચકો મારી પેલા માણસના હાથમાંથી ખમીસનો છેડો છોડાવી મેં રસ્તા પર દોટ મૂકી. મને પૂરી ખાતરી હતી કે એ બધા મારી પાછળ દોડશે અને મને પલક વારમાં પકડી પાડશે. પણ દોડી ગયા પછી એમનાં પગલાંના અવાજ મને સંભળાયા નહીં ત્યારે હું ઊભો રહ્યો ને મેં બીતાં બીતાં પાછળ જોયું. એ લોકો પાછા બેસી ગયા હતા ને મોટે મોટેથી હસતા હતા.
હું ઝડપથી ચાલીને વળાંક વળી ગયો. એ લોકો દેખાતા બંધ થઈ ગયા.
વધી ગયેલા શ્વાસને સરખો કરવા હું જરા વાર ઊભો રહ્યો. હવે મને નવાઈ લાગવા માંડી કે હું અહીં શા માટે આવ્યો હતો, અને અહીંની શેરી - ગલીઓમાં એવું તે મારે શું ખોળવું હતું? કઈ ગંધે દોરવાઈને હું આવ્યો, જ્યારે અહીં તો ઘડીક રાતવાસો કરી શકાય એવી જગ્યા મેળવવામાં સુધ્ધાં આટલું જોખમ હતું!
આત્મીયતાના મારા બધા અનુરાગો વીખરાઈ જવા લાગ્યા. મને પાછા સ્ટેશને જઈ વળતી ગાડી પકડી લેવાનું મન થયું, પણ રસ્તામાં હજી પેલા લોકો બેઠા હશે એ ખ્યાલે પાછા જવાનું સાહસ થયું નહીં. હવે તો રાત અહીં જ ગાળવી પડશે. શિયાળો હતો, નહીં તો કોઈક ઝાડ નીચે પણ સૂઈ રહેત, કોઈ કૂવાના પથ્થરના થાળા પર લંબી તાણત! પણ આ ઠંડી ફૂંકાતી હવામાં એમ કરવા જાઉં તો થીજી જ જાઉં.
હું કાંઈ આ પુરાણા પ્રેમમાં જીવતા શહેરમાં મરવા નહોતો આવ્યો.
કે પછી મને મારું મરણ જ આ શહેરમાં ખેંચી લાવ્યું હતું?
હું ગભરાઈ ગયો. મનની એવી અવસ્થામાં જે પહેલું મકાન મને દેખાયું ત્યાં જઈને મેં સાંકળ ખખડાવી, ને બારણું ખોલનાર માણસ જે પ્રશ્નો ઝીંકે તેને કેમ ઝીલવા તેનો વિચાર કરી રહ્યો.
અંદરથી થોડાં ભારે પગલાં સંભળાયાં અને પછી એક ઊંચા પહોળા કાળા કદાવર માણસે બારણું ઉઘાડ્યું. આવો માણસ રસ્તામાં મળ્યો હોય તો હું એનાથી સો ગજ છેટો રહીને ચાલું, ને આખી જિંદગીમાં આવા માણસ સાથે પનારો પડવાની કલ્પના પણ ન કરું. પણ એવા માણસ પાસે અત્યારે હું ગરીબડો થઈને ઊભો હતો ફક્ત એક રાતના આશ્રય માટે.
તે કાંઈ બોલે તે પહેલાં જ મેં કહ્યું : ‘અહીં એક રાત રોકાવા માટે કોઈ જગ્યા મળશે?’
‘આ શહેરમાં પહેલી વાર આવો છો?’ તેણે નરમાશથી પૂછ્યું. એના પ્રચંડ દેહમાંથી આટલો પોચો અવાજ નીકળેલો જોઈ મને નવાઈ લાગી.
હા કે ના — બેમાંથી કશું મારાથી બોલી શકાય તેમ નહોતું, એટલે મેં અર્થ વગરનું ડોકું ધુણાવ્યું. ‘ફક્ત આજની રાત અહીં રહેવું છે.’
તે હાથમાંનું ફાનસ ઝુલાવતો બોલ્યો : ‘આ કાંઈ હોટેલ કે ધર્મશાળા નથી, આ તો વખતચંદ શેઠનું મકાન છે. શેઠ પરદેશ રહે છે, મને મકાન સાચવવા માટે સોંપી ગયા છે. તમારે અહીં રોકાવું હોય તો રાત અહીં ખાટલા પર પડ્યા રહો.’ તે બાજુ પર ખસ્યો ને મને અંદર જવા જગ્યા આપી.
એ એક મોટો, ઊંચી છતવાળો, કશા પણ સામાન વગરનો ખંડ હતો. ફાનસના ઝૂલતા અજવાળામાં માત્ર એનો થોડોક થોડોક ભાગ પ્રકાશિત થયા કરતો હતો. એક ખૂણામાં મેં એક ખાટલો પડેલો જોયો. તેના પર તો આ માણસ સૂતો હશે, મેં અનુમાન કર્યું; ત્યાં એણે કહ્યું : ‘જાઓ, ત્યાં જઈને સૂઈ જાઓ.’
ખાટલા પર થોડા ગાભા પડ્યા હતા. દિવસરાત એના કદાવર સ્પર્શથી ચંપાઈ ચંપાઈને લીરા જેવા થઈ ગયેલા આ ગાભા પર સૂવાના વિચારથી મને કમકમાં આવ્યાં. એમાં કેટલી વાસ, કેટલો પસીનો, કેટલાં સપનાં, કેટલી ઊંઘ સંઘરાયાં હશે!
ઓ ભગવાન, હું અહીં શા માટે આવ્યો? શા માટે?
‘તમે ક્યાં સૂશો?’ પૂછ્યું.
‘હું?’ તેણે એક વિરૂપ હાસ્ય કર્યું. હું હવે નહીં સૂઉં. સૂઈ સૂઈને હું કંટાળી ગયો છું. આખો દિવસ ને આખી રાત મારે સૂતા જ રહેવાનું હોય છે. એટલે આજે તો હું જાગતો બેસીશ બહાર દરવાજે, ને ચોકી કરીશ. વખતચંદ શેઠ મને ચોકી કરવાનું કહી ગયા છે. આજે પહેલી વાર મને ચોકી કરવાની તક મળી છે. અહીં બહાર પગથિયે બેઠો છું. તમે તમારે સૂઈ જાઓ, બીવાની કંઈ જરૂર નથી. કહો તો બારણું બહારથી બંધ કરી તાળું મારી દઉં, એટલે અંદર તમને કાંઈ ભય જ નહીં!…’
‘અને ધારો કે તાળું માર્યા પછી ચાવી ખોવાઈ જાય તો?’ મારા કંઠમાંથી શબ્દો નીકળી પડ્યા, જે મેં સહેજે વિચારેલા નહોતા. આખી જિંદગીમાં મેં કોઈ દિવસ જાણી - કલ્પી ન હોય એવી સ્થિતિમાં હું મુકાઈ ગયો હતો. બહાર ચાંદનીની ડાળીઓએ અંધારું લટકી પડ્યું હતું. ઠંડીથી આખું ગામ ભીંસાઈ ગયું હોય એમ લાગતું હતું. દૂર ક્યાંકથી સડી ગયેલ ગુલાબની વાસ આવતી હતી, અને હું મારી જાતને સાવ મૂર્ખ સાબિત કરી રહ્યો હતો.
ધારો કે રાતે આ ચોકીદાર જ મારું ખૂન કરી મારું પાકીટ લઈ લે તો? મારું ખૂન કરીને તે આ ખંડની પાછળના બંધ અંધારા ભૂખ્યા ઓરડામાં ભોંય ખોદીને મને દાટી દે તો?
‘ચાવી ખોવાઈ જાય — એવું બને ખરું.’ તે હાથમાં ઝૂડો રમાડતો બોલ્યો : ‘પણ તો ભય શો છે?’
ભય શો છે? મને ખબર નહોતી, પણ હું સાવ અસહાય, અવશ બની ગયો. હું ઓરડાની બહાર નીકળી જઈ પગથિયાં પર બેસી ગયો ને અંદર - બહાર ઠંડીથી નીતરી રહ્યો.
ચોકીદારે કાંઈ બોલ્યા વિના, મને પગથિયા પર બેઠેલો રહેવા દઈને બારણાં અંદરથી વાસી દીધાં. મને લાગ્યું કે તે પેલા ગાભા પર જઈને સૂઈ ગયો હશે.
હું અવાજ ન થાય તેમ સાવ ધીમું ધીમું રડવા લાગ્યો. આ મારું એક વેળાનું ચાહેલું શહેર હવે પડખું ફેરવી ગયું હતું અને તેની આ અંધારી બાજુએ હું ને મારો આખો ભૂતકાળ ગરક થઈ રહ્યાં હતાં.
૧૯૭૪ (‘જવા દઈશું તમને’)