ગાતાં ઝરણાં/જીવન-ગીત

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જીવન-ગીત



ગાવું જીવન-ગીત, મારે ગાવું જીવન-ગીત,
તુજ વિણ ગાઈ શકું શી રીત?
           મારે ગાવું જીવન-ગીત.
                           આવ, મધુરા બોલ બનીને,
                           પંખીનો કલ્લોલ બનીને.
લય મેળવજે કોકિલ દ્વારા,
તાલ સ્વયં છે ઝાંઝર તારાં;
            લાવ અધર પર સ્મિત!
            મારે ગાવું જીવન-ગીત.
                           હોય ન ગાણું સાજ વિનાનું,
                           દર્દ ન દીઠું દાઝ વિનાનું.
દુનિયા તુજને કહેશે દ્રોહી,
નહિ આવે તો ઓ નિર્મોહી!
       લઈને તારી પ્રીત-
            મારે ગાવું જીવન-ગીત.
                          યજ્ઞ મહીં હોમાઈ જવું છે.
                          કોઈ પ્રકારે ગાઈ જવું છે.
ક્રૂર ભલે, નિશ્ચય દુનિયાનો,
લેશ ન રાખું ભય દુનિયાનો,
     જે વીતે તે વીત!
           મારે ગાવું જીવન-ગીત.

૧૩-૭-૧૯૫૩