ગાતાં ઝરણાં/પ્યાલીનું છલકાઈ જવું!

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્યાલીનું છલકાઈ જવું!


વિકસેલ કળી, શું યાદ નથી? તે શર્મથી સંકોચાઈ જવું,
બે ચાર દિવસના યૌવન પર ના ફૂલ બની ફૂલાઈ જવું.

આ વિરહ-મિલન, આ હર્ષ-રુદન, કહેવાતી વસંતો પાનખરો,
છે એક તમારી દૃષ્ટિનું સામે રહેવું, પલટાઈ જવું.

આ ચંદ્ર છે કુદરતના કરમાં એક જામ મદિરાનો જાણે,
આ ચાંદની જાણે મસ્તીમાં એક પ્યાલીનું છલકાઈ જવું!

તોફાની યુવાનો ઝંઝાનિલ, કોમળ ઊર્મિનો મંદ સમીર,
ક્યાં ધોધથી જઈ ટકરાઈ જવું, ક્યાં ઝરણમાં ખેંચાઈ જવું!

મજબૂરીની એ અંતિમ સીમા દુશ્મનને ખુદા ના દેખાડે,
આવેશમાં દિલ સરખા દિલને ના કહેવાનું કહેવાઈ જવું.

બુધ્ધિનું ડહાપણ પૂર્ણ થયું, ત્યાં લાગણીએ વિપ્લવ સર્જ્યો,
પડખેના હજી લીરા સીવું, ત્યાં પાલવનું ચિરાઈ જવું.

હંમેશ ‘ગની’, આ ઉપવનમાં એક દૃશ્ય સગી આંખે જોયું,
હર પુષ્પનું પાલવમાં રહેવું, હર પથ્થરનું ફેંકાઈ જવું.

૧-૯-૧૯૫૦