ગાતાં ઝરણાં/મહાલેખકને

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મહાલેખકને



અતિશય આ કથાપટને ન ગ્લાનિમય બનાવી દે,
નીરસ વાતાવરણ વિકસાવતાં પહેલાં શમાવી દે,
જગતના મંચ પર પડદો જ તું પડતો બતાવી દે,
                     ખતમ કર આ તમાશો, મંત્ર ‘અચ્યુતમ્’ સુણાવી દે;
             મહાલેખક! હવે આ વારતાનો અંત લાવી દો!

હતા સદ્ભાગી જે વાંચી ગયા પ્રારંભનાં પ્રકરણ,
યુવાવસ્થા હતી શું એ સમે તારી કલમની પણ,
કદી પાછળ ફરીને જોઉં છું ભૂતકાળનું દર્પણ,
                       હૃદયથી સાદ એ આવે છે : કર્તાને સુણાવી દે;
             ‘મહાલેખક! હવે આ વારતાનો અંત લાવી દે!’

કથામાં કેઈ દૈવી પાત્ર તું આલેખતો જ્યારે,
સકળ વાતાવરણમાં સ્વર્ગ પથરાઈ જતું ત્યારે,
ન અથડાતો કોઈ વાચક-વિચારક ઘોર અંધારે,
                  હવે ધીમી થતી એ જ્યોતને સત્વર બુઝાવી દે;
             મહાલેખક! હવે આ વારતાનો અંત લાવી દે!

હવે ખલનાયકોને ખૂબ ઝળકાવી રહ્યો છે તું,
અસંગત વારતાને, પાત્ર સર્જાવી રહ્યો છે તું,
પ્રતિ પૃષ્ઠે નરી ઘૃણું જ જન્માવી રહ્યો છે તું,
                  પ્રતિ દૃશ્યે જે વાચકના હૃદયને કમકમાવી દે;
             મહાલેખક! હવે આ વારતાનો અંત લાવી દે!

બધું જોયું તો એેવો પણ સમય જોવા ચહું છું હું,
પિશાચી-પાશવી લીલાનો લય જોવા ચહું છું હું,
કહી દઉં સાફ શબ્દોમાં? પ્રલય જોવા ચહું છું હું!
                   કુશળ કર્તા! કલમનું આખરી પાણી બતાવી દે;
             મહાલેખક! હવે આ વારતાનો અંત લાવી દે.

૧-૯-૧૯૫૦