ગામવટો/૧૯. ઉદાસ પાવાગઢ અને હું

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૧૯. ઉદાસ પાવાગઢ અને હું

પાવાગઢ મને હંમેશાં મારો પોતાનો લાગ્યો છે. વળી પાવાગઢ મેં, જ્યારે જ્યારે જોયો છે ને જોઉં છું, ત્યારે ત્યારે સાવ એકલો અને ઉદાસ પણ લાગ્યો છે – મારી જેમ સ્તો !! ખબર નહિ કેમ અમારી ઉદાસી વાદળી અને ઘૂંટેલી હોવાનું પણ અનુભવાયું છે. એ ઝટ હટતી નથી. એટલે પાવાગઢ પાસે હોઉં ત્યારે એ મારામાં ને હું એનામાં, કાયમ સાથે વસતા અને શ્વસતા હોઈએ એવી લાગણી છવાયેલી રહે છે. પાવાગઢને મેં દૂરથી, સાવ પાસેથી, એના માથેથી, એનાં ઊંડાણોમાં ઊતરીને આકાશેથી (વિમાનેથી) જોયો છે – ઓળખ્યો છે. ઋતુએ ઋતુએ એ જરાક જુદો – ક્યારેક ખીલેલો, કદીક ખૂલેલો, તો વળી ભીંજાતો – દદડતો – ટપકતો ને ઝરણામાં ધસમસતો જોયો છે – ઝિલ્યો છે. પીળચટાં વસ્ત્રોમાં ફરફરતો, ખરી જતો ને રતુંબડી કાયા તથા ત્રાંબાવરણાં શૃંગોની નોખી માયા દાખવતો પાવાગઢ પણ મને મારો લાગ્યો છે... એકધારો સારો આ પ્હાડ મને ન્યારો લાગ્યો છે. તડકામાં, શિખરે અને કંદરાએ, એનાં ધૂપ–છાયાંનાં અનેક રૂપો કદાચ તમે નહિ જોયાં હોય! તમે, પશ્ચિમોત્તરેથી એને સવારે–બપોરે–સાંજે જોયો છે કદી ?! નારીનાં ઉરોજ જેવાં એનાં નીચલાં શૃંગો... ત્યાં રમતો તડકો અને ભમતો પવન... પડખાં જાણે મહાકાય ભેખડોને કરવતીથી કાપી કાપીને ઘડનારે ઘડ્યાં હોય તેવાં.. ને ત્યાં ઋતુઓની કલગીઓ લ્હેરાવતું ઘાસ... એ ઘાસનાં જાંબલી–રતુંબડા–તાંબા શા રંગોની લીલાઓ... એનું આ રૂપ નીરખતાં હું ધરાતો જ નથી! પાવાગઢની આવી પૂંસકતા યાદ કરતાંય રોમાંચિત થઈ જાઉં છું... સાંજે ને સવારે, આ ઊભાં ને આડાં પડખાંઓ ઉપર અને ત્યાં રચાયેલાં કોતર–કંદરાઓમાં તડકા છાયાંની જે ભાત ઉપર ભાત પડે છે – એનાં એ ભાતીગળ રૂપો જોવા હું વારેવારે પાવાગઢ જાઉં છું. હું અને પાવાગઢ બેઉ સાથે બેસી રહીએ છીએ. કલાકોના કલાકો ક્યારેક ખૂણેશ્વર મહાદેવ પાસેના ધોધને જોતા હોઈએ છીએ તો ક્યારેક ઊંચેરી ટૂંકે બેસીને દૂર દૂર ચળકતાં ને રોમાંચ જગવતાં સરોવર આજવાનાં પાણી જોતાં કે દૂધિયા તળાવને કિનારે થાક ખાતા બેઠા હોઈએ છીએ. દૂધિયું તળાવ અને તેલિયું તળાવ, મરડિયું ને છાસિયું તળાવ બધાંનાં પાણી લીલાંકાચ કે પારદર્શી નથી... એ નથી તો આકાશ ઝીલતાં કે નથી આપણને આપણો ચહેરો દેખાડતાં... એમનાં પાણી મટમેલાં ને ખનીજ/માટીનાં તત્ત્વોથી સઘન તથા કૈંક છેતરામણાં... પાવાગઢને ઉદાસ કરે એવી આ વાત છે.... પણ પહાડ તો સહનશીલ હોય છે ને! જો કે મોટાં સરોવરના સૌન્દર્ય વાસ્તે તો પર્વતો પણ લોભ રાખે જ, ને એમાં કશું અજુગતું નથી... પણ પાવાગઢનું દૂઝવું(ઝમવું)ય હવે તો વર્ષાઋતુ પછી આછું ને ઓછું થઈ જાય છે. એક નાનકડી નદી નામે વિશ્વામિત્રી... ત્યારે તો બારેમાસ ‘સજળા’ રહેતી... હવે તો એય વરસાદી ઝરણાં જેવી... એના મૂળ પાસેની કંદરાને માથેથી હું એનો વ્યતીત કલ્પતો વર્તમાનના સૂનકારને ઝેલવા મથતો રહું છું. પાવાગઢ, મારે ખભે હાથ મૂકીને કહે છે : ‘દોસ્ત ! ચિંતા નહિ કર... એક જ વસ થોડી ગઈ છે ?.... વખત રાજાએ કેટકેટલું ઝૂંટવી લીધું છે !! જળ ગયાં ને ઝાડવાંય ગયાં! હરિયાળી કંદરાઓના વિરૂપ ઢેકા નીકળી આવ્યા છે... એ વનસ્પતિ ગઈ ને પંખીલોક ગયો... એ હાથીઓનાં ઝૂંડ ગયાં ને વાઘ–ચિત્તા–વરુ... કૈં કેટલુંક યાદ કરીએ... અરે... કોટ ગયા ને કિલ્લાય ખંડેર થયા... બૂરજ તૂટ્યા અને દરવાજાય... !’ ચારે બાજુ જાણે કે ઉદાસીનો વાવટો ફરક્યા કરે છે !... ને પાવાગઢ પોતે પણ બધાંથી સાવ ઉદાસીન, એકલો બેસી રહે છે... હું એને કશું આશ્વાસન આપી શકતો નથી... હા, દરેક વખતે હું એની પાસે, સ્થળે સ્થળે, બેસી રહું છું... હું પાવાગઢને છેક મારી ભીતર અનુભવું છું. પહાડોનું મને પારાવાર આકર્ષણ છે. ત્યાં ભયાનક અને અદ્ભુતરસની સૃષ્ટિનો પ્રત્યક્ષ સામનો કરવાની મજા પડે છે. પહાડો ભય પણ પમાડે અને રોમાંચક વિસ્મય પણ જગાડે છે. મારા ગામ પાસેનો નાનકડો કોથળિયો ડુંગર શૈશવમાં અમારાં અનેક સાહસોનું કેન્દ્ર હતો. મુગ્ધતા અને અચરજને અમે ત્યાં ઘૂંટ્યાં હતાં ! પછી શાળાભ્યાસ દરમિયાન સાહેબ પાવાગઢના પ્રવાસે લઈ આવેલા. બસ, ત્યારથી પાવાગઢ સાથે અતૂટ દોસ્તી બંધાઈ ગઈ છે. હિમાલયનું કાંચનજંઘા શૃંગ જોયા પછી, એની ભવ્યતા નથી ભુલાતી એ ખરું, પણ નિત્યનિત્યે સાદ સાંભળું છું એ તો વહાલા પાવાગઢનો જ! પહેલી વાર નાનકડી–૨મકડાં જેવી/જેવડી–રેલગાડીમાં બેસીને શિવરાજપુરનો પહાડી પરિસર જોયેલો ને ગાડી પાવાગઢની તળેટીમાં રોકાયેલી... મોર ને હાથી પણ અહીં જ જોવા મળેલા – સાવ ખુલ્લામાં ફરતા મ્હાલતાં ને આકર્ષણ કરતા! ત્યારે પાવાગઢનાં કરાડ કોતરો અને શિખરોએ પારાવાર વિસ્મય જગાવેલું... અસલામતીનો ભય પણ સાથે જ હતો પરંતુ એ પછી પાવાગઢનાં સ્થળોની માયા લાગી હતી... ચાળીશ ચોરસ કિલોમીટરમાં વિસ્તરેલો અને ૮૩૫ મીટર (૨૭૩૦ ફૂટ) ઊંચા શિખરવાળો આ પ્હાડ પૂર્વેથી જોતાં બેઠા ઘાટના શંકુ જેવો લાગે છે. જો કે જુદી જુદી દિશાએથી જોતાં પાવાગઢનાં રૂપો પ્યારાં ને ન્યારાં લાગે છે. એનાં સ્થાનો ને સ્થાનકો મધ્યકાળની માયા લગાડે છે ને પ્રાચીન કાળમાં ડોકિયું કરવા પ્રેરે છે. છાસિયા તળાવ કાંઠે ભગવાન લકુલેશ–ભૈરવ (પશુપતિનાથ)નું મંદિર આપણને પુરાણકાળની કથા કહે છે... આ ભેખડને માથે જ બેઠાં છે મહાકાળી ! આ ભગ્નમંદિર આપણી ભગ્નાશાઓ વિશે પણ સંકેત કરે છે... આપણો તો વર્તમાન પણ ખંડિત છે – ઉદાસીનાં કારણો ઓછાં નથી! અહીંથી જ હું ચાલ્યો જાઉં છું પહાડની ધારે ને ઢોળાવે ઊંચે... ! આ છે નવલખા કોઠાર! નવલખી ખીણની ધા૨ ૫૨ એમ બાંધ્યા છે કે લૂંટી શકાય નહિ ને લશ્કર માટેનું ખાદ્યાન્ન સરસ સચવાય... ઈંટ ચૂનાનું આ અડીખમ સ્થાપત્ય જોઈને આપણા આજના નવા ઇજનેરોએ શીખવાનું તો ઘણું છે... આજે લાખો લોકો અન્ન વિના ભૂખે મરે છે ને ખેડૂતોએ પરસેવો પાડી પકવેલું લાખો ટન અનાજ – ભંડારો વિના– સડી રહ્યું છે ને શાસકો તો સાવ જ સંવેદનહીન છે... નવલખી ખીણમાં સૂસવાતા વાયરા મને કશુંક કહેવા માગે છે જાણે! આપણું લોહી ધમપખાડા મારે છે... પાવાગઢ વળી વળીને કાળની કથાની જાણે કે યાદ અપાવે છે :

‘જે ઊગે તે આથમે ને ખીલ્યું તે કરમાય
જગત નીમ તો એ જ કે જે જોયું તે જાય...’

ખીણની ધારે; ઘડીક ત્રિવેણીકુંડ – ગંગા જમના સરસ્વતી–ને અવલોકતો બેસી રહું છું. પાછાં વળતાં ઝરણાંને રમતાં જોઉં છું... ઘડીકમાં વાદળ વરસે છે તો ઘડીકમાં વળી તડકો! આખો પાવાગઢ જીવતો જાગતો અનુભવું છું. કણકણમાં પ્રાણ છે તે તૃણ તૃણ થઈને ડોલે છે... વૃક્ષો, વેલીઓ, કૂંપળ–પાંદડાં બધું નીતરે છે... જીવતર જાણે ધોવાતું ને અજવાળાતું જાય છે... માથા પરનું આકાશ અત્યંત નીલ નીલ ઝળહળે છે... ને પેલાં ઝરણાંને, બાળક માની ગોદમાં પડતું મૂકે એમ, કંદરાઓમાં ઝંપલાવતાં જોઈ રહું છું... મનેય થાય છે કે ઊતરી જાઉં આ ઊંડેરી ખીણોમાં... ઓઢી લઉં આદિમતા ને ખોવાઈ જાઉં... પાવાગઢમાં! પાવાગઢ જાણે મારો અને મારા પૂર્વજોનો સગો થતો રહ્યો છે. હા; આ માટી અને એ માટીની ઉર્વતાથી જ આપણી હયાતી હોય છે. પાવાગઢની વંશવેલીમાંય મને કલ્પના કરવાનું મન થાય છે– ને એને ભૂગોળનો સાથ છે. પાવાગઢના પૂર્વજો વિન્ધ્યચળવાસી છે. પાવાગઢ ક્યારેક સાતપુડાના હાડોનો સંગાથી હશે... હા, આ અગ્નિકૃત પહાડ ક્યારેક ભૂકંપમાં અન્યોથી છૂટો પડી આમ અહીં ઊપસી આવ્યો હશે! સહયાદ્રીની ગિરિમાળા પણ એનાથી બહુ દૂર નથી. પેલી ક્ષિતિજમાં ડુંગરમાળા દેખાય છે તે છે રાજપીપળા પાસેની પહાડીઓ... ને આ અગ્નિખૂણે જાંબુઘોડા–નારુકોટનાં જંગલો એ તો પાવાગઢનાં જ સહવાસી છે... કહે છે કે પાંડવો તો અહીં પણ વિહર્યા હતા... જંડના હનુમાનવાળી પહાડીઓમાં એનાં સ્થાનકો ઓળખાવાયાં છે... આ રમણીય પરિસરમાં કડા ડેમનું સુન્દર સરોવર છે. એને કાંઠે બેસી રહીએ તો ઋષિકુળો યાદ આવે ! જાંબુઘોડાની પૂર્વે સુખી ડેમનું સરોવર... રળિયામણી પહાડીઓ... લીલાં કાચ પાણી... જાણે કે કુદરતે પોતાનું હૈયું અહીં ખુલ્લું મૂકેલું છે... ધરતીએ ધાવણની ધારાઓ છોડી છે જાણે! ને કરડ નદી પરનો ડેમ – ઘોંઘબાની પેલે પાર ઊભો છે... વનાંચલનો એ પ્રદેશ કવિ જયંત પાઠકનો વતનપ્રદેશ છે. પાવાગઢ આ બધાં વિના અધૂરો રહી જાય... હું તો આ ભોમકામાં ભમી વળું બધે... આમ વહેતી ઓરસંગ સુધી ને ક્યાંક કરજણ નદીના કાંઠાઓ ખૂંદતો નીકળી જાઉં છેક ડેડિયાપાડા ને સાગબારાનાં જંગલોમાં !? બધે જ પાવાગઢ સાથેની નિત્યની પ્રીતિ મને ભીંજવતી રહે છે. કુંજડીઓની હાર જેવો સાદ પાડતી ક્ષિતિજો મને બોલાવતી રહે છે. ‘આવ... આમ, ચાલ્યો આવ... આવ...' પાવાગઢની કૂખમાં – અડધે રસ્તે માંચી ગામ આવે છે. ત્યારે શાંત – હતું આજે ગંદું ને ઘોંઘાટિયું છે એ. પ્રકૃતિને સંહારી લોકો બજારો રચે છે – આજે! સગવડને નામે લૂંટાલૂંટ ચાલે છે. પણ હું તો માંચીથી જરાક નીચ – પશ્ચિમ કેડી પર ઊતરીને લાલીનો વિશાલ દરવાજો જોઉં છું... મને પેલી રજવાડી જાહોજલાલી યાદ આવે છે – કોઈ જન્મારે મેં પણ એ જોઈ હશે – એવું કેમ થયા કરે છે!? ગઈ–બીજી–સહસ્રાબ્દિના મધ્યાંતર ગાળામાં અહીં રજપૂત–ચૌહાણ–રાવલ રાજાઓનું રાજ્ય હતું. એની સરહદોય વિશાળ હતી. પૂર્વે માળવા ને માંડવગઢને અડતી... પશ્ચિમે જૂનાગઢ ને ઉત્તરે ઈડરિયું રાજ્ય ! પાવાગઢ– ચાંપાનેરની ઊંચી શાખ હતી... બાવન બજાર અને ચોર્યાશી ચૌટાંનું આ શહેર આજે તો એક ગરીબડું ગામ બનીને જીવવા મથે છે. ‘ચૌટું ચોટું રે ચૌટું ચાંપાનેરનું...’ ગીતનાં લયતાલ સાંભળતો જરાક પશ્ચિમે કેડીનો દોરવ્યો દોરવાઉં છું... ઓહ, ઊંડી ખીણમાં એ જ વિશ્વામિત્રીની સજલ ધારા... કાન માંડીએ તો સાંભળી શકાય કદાચ... પણ ખીણનું ભયાવહ સૌંદર્ય રોકી રાખે છે... વાયરો ડોલતો ડોલાવતો વાય છે ને પંખીઓ વ્યતીતને ગાય છે... ‘મા-એ વસાવ્યું ચાંપાનેર રે મહાકાળી રે... મા પાવા તે ગઢથી ઊતર્યાં રે મહાકાળી રે....’ કંદરાની ધાર પર ‘સાત મજલી મહેલ' ખંડેર હાલતમાં ઊભો છે. આ પુરાણું સ્થાપત્ય એ જ ખાપરા ઝવેરીનો મહેલ. ઊંડી ખીણ – (વિશ્વામિત્રી)ની ધા૨ ૫૨ એની રચનાનું સાહસ આજેય વિચલિત કરે છે. ઝરૂખા મહેલ તરીકે જાણીતી આ ઇમારતને સુલતાન બેગડાએ સુધારી વધારીને બેગમો માટે ‘હવામહેલ’માં રૂપાંતરિત કરેલી એમ ઇતિહાસ કહે છે. રાજા પતાઈ રાવલની માનીતી રાણી ચંપાવતી અહીં રહેતી હતી – એટલે એને ‘ચંપારાણીનો મહેલ’ પણ કહે છે... પણ આજે તો તળિયું ને થોડાં ભીંતો દરવાજા ઊભાં છે... પગથિયાં સૂનાં મૂકીને પેલો રૂમઝૂમતો સમય ખીણોમાં ખોવાઈ ગયો છે. આ ધાર પર વાતો પવન મને પણ જાણે વ્યતીતમાં ઉરાડી જવા માગતો ન હોય ! એના સુસવાટા ઉદાસીને સન્નાટામાં બદલી રહ્યા છે... મન વિષાદથી ભરાઈ જાય છે. હું અન્ય સ્થાપત્યો જોતો આગળ–પાછળ– ઉપર–નીચે ભમતો ફરું છું. પહાડ પરનાં નમૂનેદાર શિલ્પસ્થાપત્યો રાજપૂત રાજાઓના વખતનાં છે. માંચીથી કાલી માતાજીના શૃંગે જતી પગદંડીથી દખણાદે પતાઈ રાજાનો હવામહેલ સાવ ખંડેર થઈ ગયેલો જાઉં છું. ત્રણે બાજુ ઊંડી ખીણો ને વચ્ચેની ગિરિટૂક પર આ મહેલ – અત્યંત સુરક્ષિત નિવાસ ગણાતો. કુદરત પણ કિલ્લેબંદીમાં મદદગાર થયાનું અહીં બધે જ જોવા મળે છે... ને તોય કાળનું... વિકરાળ... આક્રમણ ટાળી શકાતું નથી. ખંડેરોનું ઘાસ કાળની કલગી ફરકાવતું એ જ જીવનચક્રની કથા કહે છે. ગિરિદુર્ગોને રક્ષતો કોટ ને વચ્ચે આવતા દરવાજાઓ... લાલી દરવાજા જેવો જ અભેદ્ય હતો બુઠિયા દરવાજો... એ વીંધતો અને અજાણ્યાં તથા એકલદોકલ વૃક્ષોની ઓળખાણ કરતો હું સાત કમાનો પાસે અટકું છું. ભવ્ય રચના છે આ. હયાત છ કમાનો તથા વચ્ચેનો પરિસર... શાન્ત એકાન્તની આ જગ્યા! ત્યારે પણ હશે ખાનગી ગુફ્તગૂ માટે! અહીં થોડા પલાશ અને શીમળાનાં ઝાડ છે... વસંતે એને ફૂલો બેસતાં હશે... ને ત્યારે પણ લાગતું હશે કે સમયે પેલા જૂના જખમોને ફરીથી ઉખેળી દીધા છે શું?! પહાડોય વળાંકે વળાંકે નવાં દૃશ્યો લઈને ઊભા હોય છે. પાવાગઢ પણ આપણને ચકિત ને વિસ્મિત કરતો રહે છે. કેટકેટલા વળવળાંકોથી હું એને જોઉં છું... ભૂખંડો અને ક્ષિતિજરેખ દૃષ્ટિ–સીમામાં સમાતાં નથી... સ્થળે સ્થળે બેસું છું ને ભૂદૃશ્યોને ભીતરે ભરતો રહું છું... આ ભૂમિ આટલી વ્હાલસોઈ કેમ લાગે છે?! આ પહાડીભૂમિ અનેક રહસ્યો સંતાડીને મૂંગી થઈ ગઈ છે – કેમ? છેલ્લી ટૂક પર બિરજતાં મહાકાલીના નાનકડા મંદિરની ધ્વજા ફરફરતી જોઉં છું – છેક અડધે ડુંગરે ઊભો રહીને! ત્યાં જવા માટે મારું મન ને શરીર બેઉ સંમત નથી. ચંડ–મુંડ જેવા અનેક આસુરી યોદ્ધાઓને સંહારતાં ક્રોધે કોપાયમાન થતાં મુખમંડલ કૃષ્ણ થઈ ગયું છે તેવાં આ વિકરાળ દક્ષિણા કાલી... મુંડ માળાધારી અને સંહારક શસ્ત્રોથી સજ્જ આ મહાશક્તિને, આંખ મીંચતાં જ સમ્મુખ અનુભવ એવાં તપસાધના મારા વશની વાત નથી... ને અંધશ્રદ્ધાથી હું અળગો રહેવા પ્રયત્નશીલ છું... ક્ષમસ્ય દેવી! ચરણમાં થાક છે ને સાંજ ઊતરવાને હજી વાર છે... તળેટીમાં કિલ્લેબંદ પરિસરમાં પ્રવેશું છું... મુસ્લિમ શાસનકાળમાં રચાયેલાં સ્થાપત્યો પણ નમૂનેદાર છે. અહીંનો મસ્જિદ પરિસર રમણીય છે. ‘વર્લ્ડ હેરિટેજ’ – ‘વિશ્વવારસો'–નો દરજ્જો મળ્યા પછી આ શિલ્પસ્થાપત્યોનો રખરખાવ સુધર્યો છે ને બેસવા જેવાં સ્થળો–બાગ બગીચા વિકસાવ્યાં છે. ઊંચા મિનારાઓથી અને કલાત્મક મહેરાબોથી આકર્ષણ કરતી જુમ્મામસ્જિદ, વહોરા–નગીના–કેવડા મસ્જિદ... અંદરના થાંભલાઓ અને કોતરણી હિન્દુ મંદિરો–જૈન મંદિરોને મળતી આવે એવી સંરચના સાથે હજી અડીખમ ઊભી છે. પાંચસો વર્ષ જૂનાં આ સ્થાપત્યો વચ્ચે સીમ–વગડો વિસ્તરી ગયેલાં હોવાથી સૌન્દર્યની છાપ થોડી વિચ્છિન્ન થઈ જાય છે. મેળો વિખરાઈ ગયાનો અનુભવ કરાવતું, બેચાર શેરીઓમાં સમેટાઈ ગયેલું નાનકડું ને ગરીબડું લાગતું ચાંપાનેર ગામ પણ વિષાદની લકીરમાં લપેટાયેલું લાગે છે. બકરાં– કૂતરાંનો સંચાર છે એટલોય જનસંચાર વર્તાતો નથી! મસ્જિદોના મિનારેથી ને બારીઓમાંથી પાવાગઢનાં રૂપો જોતો જોતો હું હવે વડાતળાવે ને ખંડેર જળમહેલને ઝરૂખે પહોંચી ગયો છું... જળમાં ઝિલાતી પાવાગઢની છબી જાણે જાદુઈ લાગે છે... પેલા તપસ્વી ઋષિ વિશ્વામિત્ર જ જાણે આડેપડખે થયા છે! સૂરજ પાવાગઢની પશ્ચિમ પછીત તરફ ઢળી ચૂક્યો છે... બપોરે આડેપડખે થયેલો પ્હાડ પાછો જાગીને જોવા લાગ્યો છે... તડકો કૂંણો પડ્યો છે ને પવનનું પોત પણ મખમલી થયું છે... પાવાગઢની પૂર્વ બાજુ આખી ડાર્કબ્લ્યૂ– શ્યામવાદળી–બની ગઈ છે... સૂરજ વરસે છે તે વૃક્ષોમાં ઝિલાય છે ને ધીમે ધીમે બધું દ્રવતું દ્રવતું વહી રહ્યું છે. પાવાગઢ આ ક્ષણે વધુ ને વધુ રહસ્યમય લાગે છે. દૂર દૂર સુધીના ગ્રામીણ પ્રદેશ માટે રતુંબડી સાંજ કન્યાના ગવન જેવી ફરફરી ઊઠે છે... ત્યારે ચાંપાનેરની વતની અને બહાદુર તથા શીલવાન નારી મેના ગુર્જરી ન સાંભરે તો જ નવાઈ! કહે છે કે બૈજુ બાવરા (નાગર બ્રાહ્મણ બૈજનાથ) પણ આ જ ગામના હતા! સમયનો પણ એક દબદબો હોય છે... પૃથ્વીરાજ ચૌહાણના વંશજોથી પળાયેલી આ ભૂમિ પર સુલતાનો આવ્યા તેય સાલસ અને સંતોષી બની રહેલા... સૌનો સાક્ષી રહેલો પાવાગઢ કેટકેટલી કથાઓ તથા વેદનાઓનો ડૂમો પોતાનામાં ધરબીને ચૂપચાપ જોયા કરે છે... હા વરસાદમાં એ કેટલુંક નિતારી દે છે... ક્યારેક બાંધી મુઠ્ઠી જરાક ખોલે છે... મધરાત થાય છે... ચન્દ્ર માથે આવ્યો છે... ચાંદનીનું રેશમી વસ્ત્ર જરા જરા ફરફરી રહ્યું છે... ઝીણા અવાજોની સિમ્ફની આંખોમાં ઘેન ઘૂંટે છે... આડેપડખે થયેલા પાવાગઢના પડખામાં, હુંય એની જેમ, જંપી જાઉં છું...

તા. ૨૬–૦૭–૧૦ થી ૦૧–૦૮–૨૦૧૦
વલ્લભવિદ્યાનગર