ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે/પ્રેક્ષ્ય શિખરો અને ઉપેક્ષ્ય તળેટીઓ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


પ્રેક્ષ્ય શિખરો અને ઉપેક્ષ્ય તળેટીઓ
અર્ધશતાબ્દી(૧૯૬૦-૨૦૧૦)નું ગુજરાતી વિવેચન

ચિંતયામિ મનસાના એક લેખમાં સુરેશ જોષીએ કહેલું : ‘સાહિત્યનો આનંદ સાહિત્યમાં ઓતપ્રોત થવાથી આવે, એની સાથે ઘનિષ્ઠ રીતે સમ્પૃક્ત થવાથી આવે. આ આપણે વિવેચનના માધ્યમ દ્વારા કરી શકીએ.’ વિવેચનની આવશ્યકતાનો ને એની ઉપાદેયતાનો, વિવેચકને માટે અને એ વિવેચન વાંચનાર-સમજનારને માટે અહીં એક ઉત્તર છે. નૉથ્રોપ ફ્રાયનો આધાર આપીને, આ જ લેખમાં, સુરેશભાઈએ સાહિત્યના આનંદનું એક મહત્ત્વનું પરિમાણ ચીંધ્યું છે. કહે છે – ‘આજે કોઈ પણ ભાવકને માટે કેવળ મુગ્ધતાથી કૃતિને જોવાનું શક્ય રહ્યું નથી. પ્રતિભાવમાં આત્મસભાનતા અનિવાર્યપણે રહી જ હોય છે.’ કૃતિની સત્તામાં રહીનેય કૃતિને પકડમાં લેવી, ‘પોતાની’ કરવી – એવી બે સન્નિકટ ચાલતી રેખાઓ પરની ભાવનની આ ગતિ-રીતિ વિવેચનના આવિષ્કારનું કારણ બને. એવી વિવેચનાની ઓળખ આપતાં, આ જ લેખમાં, લાયાનેલ ટ્રિલિંગને એમણે ટાંક્યા છે : ‘સાહિત્યને માટેનો બૌદ્ધિક અનુરાગ એટલે વિવેચન.’૧ અનુરાગ જ કેન્દ્રમાં હોય, પણ એ વાયવ્ય થઈ રહે તે નકામું – એટલે જ ‘બૌદ્ધિક’ અનુરાગ. વિશ્વભરનાં સાહિત્ય, કલા અને વિવેચનના આસ્વાદન-પરિશીલનથી રસાયેલી (ને અલબત્ત, પોતાની સમજનો તંતુ પરોવાયેલો રાખતી) દૃષ્ટિથી થતું વિવેચન એક મહત્ત્વના બિંદુએ આપણને સ્થિર કરે. એ બિંદુ તે વિવેચનનો આનંદ – વિવેચન લખનાર માટે પણ ને એને વાંચવા-સમજવા જનાર માટે પણ. આવી નાન્દી સાથે, છેલ્લા અર્ધશતકના, અનેક તંતુએ વિવિધ દિશાઓમાં પ્રસરેલા, ક્યારે ગૂંચવાયેલા અને દિક્ભ્રાન્ત થયેલા, અને છતાં સંગીન અને સંકુલ પણ બનેલા ગુજરાતી વિવેચન અંગે થોડાક નિર્દેશો કરું છું. ⬜ ઈ. ૧૯૬૦ના વર્ષને આપણે પ્રસ્થાનબિંદુ ગણીને આગળ ચાલવાનું છે, તો યોગાનુયોગ, આ સાતમા દાયકાનો આરંભ ગુજરાતી સાહિત્ય અને વિવેચન માટે એક બહુ જ મહત્ત્વનો વળાંક બતાવનાર, નર્મદ પછી એક બીજું મોટું અસરકારક નવપ્રસ્થાન કરનાર બન્યો છે.૨ એના પ્રવર્તક સુરેશ જોષી દ્વારા એની ભૂમિકા છઠ્ઠા દાયકામાં જ રચાવા પામી હતી – રૂઢ ને પરંપરાગત સામેનો એમનો તીવ્ર વિદ્રોહ અને નવી દિશાઓ તરફના એમના નિર્દેશો ‘નવલકથાનો નાભિશ્વાસ’ (મનીષા, ૧૯૫૫), ‘કિંચિત્’ (ગૃહપ્રવેશ, ૧૯૫૭), ‘પ્રતીકરચના’ (મનીષા, ૧૯૫૮), ‘કાવ્યનો આસ્વાદ’ (ક્ષિતિજ, ૧૯૬૦) જેવા એમના લેખોમાં મળ્યો હતો. [એ લેખો એમનાં પુસ્તકોમાં ૭મા દાયકામાં ગ્રંથસ્થ થયા છે.] પરંપરાગત સાહિત્ય અને વિવેચનવિચારને સ્થાને ‘આધુનિકતા’નાં સંચલનોને વિસ્તારતી તથા એને પ્રતિષ્ઠિત કરતી સુરેશ જોષીની આ કાર્યશીલતા બલકે એક ઝુંબેશ એમણે ‘ક્ષિતિજ’ દ્વારા કરી હતી. એમણે બે મોરચે આ કામ કર્યું  : (૧) યુદ્ધોત્તર વિશ્વનાં પલટાયેલાં જીવનમૂલ્યોએ પશ્ચિમના સાહિત્ય (અને) વિવેચનમાં કલામૂલ્ય તેમજ ટૅકનીક આદિ પરત્વે જે આંદોલન જગવ્યું હતું એને ઝીલીને સુરેશ જોષીએ સ્વતંત્ર લેખો તેમજ અનુવાદો દ્વારા, અને કાવ્ય-વાર્તા આદિ સર્જનાત્મક કૃતિઓના અનુવાદ અને પરિચય દ્વારા ગુજરાતી ભાવક-વિવેચક સામે, એવા જ આંદોલન રૂપે મૂકવા માંડ્યું. (૨) નવીન સર્જકો-વિવચકોને એવા અનુવાદો અને સ્વતંત્ર સર્જન-વિવેચન માટે પ્રેર્યા. પશ્ચિમનો વ્યાપક અને ઊંડો પ્રભાવ ઉપસાવતી આ નવી અભિજ્ઞતા ‘ક્ષિતિજ’ દ્વારા બહુ અસરકારક રીતે દૃઢ થતી ગઈ; સુરેશ જોષીની વિદગ્ધ વિવેચક – અને અગ્રણી પ્રેરક – તરીકેની પ્રતિભા આ નવા, મોટા વળાંક માટે નિર્ણાયક બની.૩ કલાકૃતિ એ સર્જકના સંવેદનવિશેષનો ઉદ્ગારમાત્ર નથી, પણ એ એક સંરચના છે એટલે એનું રૂપનિર્માણ મહત્ત્વનું છે – એને કેન્દ્રમાં લાવીને સુરેશ જોષીએ ‘આકાર’નું રૂપ સ્પષ્ટ કરી આપવાનું માથે લીધું અને કૃતિના આંતરિક ઘટકો તરીકે કલ્પન-પ્રતીક-આયોજન, લય-સંયોજન અને ભાષાકર્મને સ્ફુટ કરી આપ્યાં. આ ચર્ચા સિદ્ધાંતવિવેચનના લેખોમાં તો રસપ્રદ રીતે થઈ જ, પણ એ માત્ર અમૂર્ત ન રહી જતાં કૃતિલક્ષી વિવેચનમાં પરિણમી એ ઘણો મહત્ત્વનો આવિષ્કાર હતો. સુરેશ જોષીએ આપેલા ‘ગુજરાતી કવિતાનો આસ્વાદ’ (૧૯૬૨)માં એનું તાજગીભર્યું, કૃતિનિષ્ઠ રહેતી ભાવક વિવેચકની કલ્પના-પ્રવણતાનું પરિમાણ પ્રગટ્યું. એ પછી ‘સંજ્ઞા’, ‘વિશ્વમાનવ’ આદિમાં પણ આકારલક્ષી દૃષ્ટિકોણથી વાર્તાવિવેચનો થતાં રહ્યાં. નવલકથા-વિવેચનમાં એ, પરિભાષાની ચુસ્તી તજીને મોકળાશથી છતાં ઝીણવટથી કૃતિ-અંતર્ગત લઈ જતા પુસ્તક ચંદ્રકાન્ત બક્ષીથી ફેરો (સુમન શાહ, ૧૯૭૩)માં જોવા મળ્યું. એવાં બીજાં નવલવિવેચનો રાધેશ્યામ શર્મા પાસેથી મળ્યાં. એ સાથે જ, સમકાલીન પરંપરાગત સાહિત્યકૃતિઓની ચિકિત્સક સમીક્ષાઓ પણ આ જ રીતે આકારવાદી દૃષ્ટિથી થતી રહી. સુરેશ જોષીએ કરેલી ગુજરાતીની કેટલીક નવલકથાઓની સમીક્ષાઓ (કથોપકથન, ૧૯૬૯) અને ચંદ્રકાન્ત ટોપીવાળાએ કરેલી કાવ્યગ્રંથોની સમીક્ષાઓ (અપરિચિત અ અપરિચિત બ, ૧૯૭૫) એનાં નિર્દેશક દૃષ્ટાન્તો તરીકે નોંધી શકાય. અન્યોને હાથે પણ આવી વિદગ્ધ ચિકિત્સક સમીક્ષાઓ થતી રહી છે. આ વાતાવરણ રચવામાં સુરેશ જોષીનો ફાળો હતો. પરંતુ, સુરેશ જોષી કેવળ પ્રણેતા કે આંદોલનકાર થઈને અટક્યા નથી. એમની, બહુશ્રુતતાથી કેળવાયેલી વિદગ્ધ રુચિએ ઘણાં પરિમાણો ઉઘાડ્યાં હતાં : એમનું પરિશીલન પશ્ચિમના ઉત્તમ સર્જકોની કૃતિઓની સાથેસાથે જ કાલિદાસ અને રવીન્દ્રનાથની કૃતિઓનું પણ હતું ને પશ્ચિમની સાહિત્યમીમાંસાની સાથે જ એમણે, ભલે ઓછે અંશે, સંસ્કૃત-સાહિત્યમીમાંસામાં પણ રસ લીધો હતો. (વિષ્ણુપદ ભટ્ટાચાર્યના ગ્રંથનો અનુવાદ તો એમણે ઘણો વહેલો ,૧૯૫૭માં આપ્યો હતો.) પશ્ચિમમાં વિકસતા-પરિવર્તન પામતા સાહિત્ય-વિચારના, સિદ્ધાંતવિવેચનના, સતત સંપર્કમાં તેઓ, એમનાં અનુવાદો-દોહનો અને સ્વતંત્ર વિવેચનલેખો દ્વારા રહ્યા. અસ્તિત્વવાદ, સંરચનાવાદ, ચૈતન્યવાદી અભિગમ, ઍબ્સર્ડ, સંકેતવિજ્ઞાન, સાહિત્ય અને ફિલસૂફી તથા એવી અનેક વિચાર-ભૂમિકાઓ એમના રસનો વિષય બની હતી. આ, અને એ પછી પશ્ચિમમાં વિકસતી રહેલી વિચારભૂમિકાઓ હરિવલ્લભ ભાયાણી, રસિક શાહ, અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ, પ્રમોદકુમાર પટેલ, ચંદ્રકાન્ત ટોપીવાળા, સુમન શાહ આદિમાં એવી જ ક્ષમતાથી, ક્યાંક નવી દૃષ્ટિથી, ગુજરાતી વિવેચન-વિચારમાં ઉમેરાતી અને સામેલ થતી રહી છે. અલબત્ત, આ આખા ગાળાનું ગુજરાતી વિવેચન ઘણી સંકુલ રેખાઓથી ગૂંથાયેલું, વિભિન્ન પ્રવાહો પણ દર્શાવતું રહ્યું છે. આધુનિકતાના આંદોલનના પ્રવાહ ઉપરાંત, એની સામન્તરે, બીજા ધ્યાનપાત્ર પ્રવાહો પણ વહેતા રહ્યા છે. પરંપરાગત વિવેચન એના કેટલાક લક્ષણવિશેષો જાળવીને પણ, નવી અભિજ્ઞતા કેળવતું, આધુનિકતાના વાતાવરણનો કેટલોક પ્રભાવ પામીને તેમજ સ્વતંત્ર રીતે પણ વિકસતું રહ્યું. અગાઉના દાયકાના વિવેચકોમાંથી ઉમાશંકર જોશી એમની ઊંચી પ્રજ્ઞાશીલતાને લીધે ને સાતત્યને કારણે સવિશેષ ધ્યાનપાત્ર રહ્યા. સર્જકના વિશિષ્ટ સામાજિક દાયિત્વના અને દર્શનની મૂલ્યવત્તાના તંતુને છોડી દીધા વિના તે વર્ણનનો અને નિર્મિતિનો – એટલે કે ‘વસ્તુનિર્મિતિ’નો – મહિમા કરી શકેલા. સર્જનાત્મક કૃતિમાં સંઘટક તત્ત્વોનું મહત્ત્વ આંકતો ‘કવિકર્મ’ નામનો સુદીર્ઘ ઉત્તમ લેખ; ન્હાનાલાલના ‘શરદપૂનમ’ કાવ્યના સંઘટનસૂત્રની ઝીણી અને સુબદ્ધ રહેતી તપાસ,૪ ગુજરાતી અને કેટલીક ભારતીય કૃતિઓની, છંદ-પ્રાસ-લય આદિની વિશ્લેષક ચર્ચામાં પણ ઊતરતી સમીક્ષાઓમાં ઉમાશંકરનું આ વલણ દેખાય છે. કાવ્યાનુશીલન’(૧૯૯૭)માં ગ્રંથસ્થ ‘વેઇટિંગ ફૉર ગોદો’ વિશેનો, વ્યાપક ભૂમિકા રાખીને કૃતિની અંદર ફરી વળતો, દીર્ઘ લેખ તો આધુનિકોના આ વિશેના લેખોની સાથે એની વિલક્ષણતાથી અડીખમ ઊભો રહીને પૂરક બનેલો લાગશે. (એનું પ્રથમ પ્રકાશન ‘સાયુજ્ય’ વાર્ષિક (સં. સુરેશ જોષી)માં ૧૯૮૫માં થયેલું.) મહાભારત, ભવભૂતિ, કાલિદાસના આસ્વાદ-પરિશીલનથી કેળવાયેલી પૂર્વ-ભૂમિકાથી એમણે ૧૯૬૦ પછીના દાયકાઓમાં ભારતીય સાહિત્યનાં સર્જકો-કૃતિઓ વિશે વાત કરતા રહીને આ સમયના વિવેચનમાં દ્યોતક પૂર્તિ કરી છે એ ‘પ્રતિશબ્દ’ (૧૯૬૭), ‘શબ્દની શક્તિ’ (૧૯૮૨) આદિમાંના લેખો પરથી જોઈ શકાશે. એવું જ મહત્ત્વનું વિવેચનકાર્ય હરિવલ્લભ ભાયાણીનું રહ્યું. એમની વિદ્વત્તાનાં અનેક પરિમાણ : સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ અને મધ્યકાલીન સાહિત્ય; ભાષાશાસ્ત્ર અને શૈલીવિજ્ઞાન; પશ્ચિમના, ભાષાવિજ્ઞાન અને સાહિત્યશાસ્ત્રના, અદ્યતન પ્રવાહો; વગેરે. આવા વ્યાપક પરિપ્રેક્ષ્યે અને ચુસ્ત વૈજ્ઞાનિક દૃષ્ટિએ એમના સાહિત્યવિવેચનનું એક નરવું – અભિનિવેશ કે સંદિગ્ધતામાં સરી ન જતું – રૂપ દેખાડ્યું. રૂપરચનાની, સ્વરૂપવાદ અને સંરચનાવાદની, શૈલીવિજ્ઞાન અને હર્મ્યન્યૂટિક્સની નવી ધારાઓની ચર્ચા કરવાની સાથે સાથે એમણે છંદ, લય, ધ્વનિ, વ્યંજના, કલ્પન, પુરાકલ્પન, આકૃતિ રૂપ, આદિ જેવી, સંજ્ઞા-વિભાવનાઓને સ્પષ્ટ કરી, વિશદ શાસ્ત્રીય રૂપે મૂકી આપવાની એક મહત્ત્વની કામગીરી કરી – એ સાહિત્યના અધ્યેતાઓને જ નહીં, વિવેચન કરનારને પણ માર્ગદર્શક બને એવી હતી. પાશ્ચાત્ય વિચારક કે વિચારધારાના કોઈ એક લખાણથી રોમાંચિત થઈ એને ગુજરાતીમાં લાવનારની સામે એમણે બે તથ્યો મૂકી આપ્યાં : ત્યાંનું બધું જ, બધી વખતે અભિભૂત થવા જેવું હોતું નથી અને બીજું, વિશેષ મહત્ત્વનું એ કે, વિચારધારાને એના મૂળ સંદર્ભોમાં જ જોવી જોઈએ ને એ રીતે પૂર્વપરંપરાનો તંતુ ઝાલવો જોઈએ. પૂર્વપરંપરાની જાણકારીને એમણે મધ્યકાલીન કર્તા-કૃતિના વિવેચનમાં તેમજ અદ્યતન પાશ્ચાત્ય વિચારણાના વિવેચનમાં – બંનેમાં મહત્ત્વની લેખી. એ જ રીતે, પાશ્ચાત્ય વિચારણાનો આદર-સ્વીકાર કરીનેય એમણે, સંસ્કૃત સાહિત્યમીમાંસાની ઉત્તમતાની પણ વારંવાર જિકર કરી અને, એકાંગિતામાંથી બચવા, એના અધ્યયન પર પણ ભાર મૂક્યો. ‘કાવ્યમાં શબ્દ’ (૧૯૬૮), ‘કાવ્યનું સંવેદન’ (૧૯૭૬), તેમજ ‘ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન’ (૧૯૯૪) જેવાં પુસ્તકોમાં એમની આ દાયકાઓની વિચારણા રજૂ થઈ છે. ‘અનુશીલનો’ (૧૯૬૫), ‘અનુસંધાન’ (૧૯૭૨), ‘શોધખોળની પગદંડી પર’ (૧૯૯૭) જેવા એમના સંગ્રહો સંશોધનવિષયક હોવા ઉપરાંત સંશોધન-માર્ગદર્શક પણ રહ્યા છે. સુરેશ જોષીનો આધુનિકતાનો વિચાર પાશ્ચાત્ય વિવેચન-વિચારણાના જે અભ્યાસીઓમાં આંદોલનના સૂર સમેત અનુસંધાન પામ્યો એમાં ચંદ્રકાન્ત ટોપીવાળા અને સુમન શાહ પહેલા અને મુખ્ય છે ને આ જ સુધી, વિવેચનના પાશ્ચાત્ય પ્રવાહોના સતત સંપર્કથી તેમજ પોતાની વિશિષ્ટ સમજ-ભૂમિકાથી એ પ્રવૃત્ત તેમજ પ્રસ્તુત રહ્યા છે. પાશ્ચાત્ય સિદ્ધાંતવિચારણા દરેક સમયે એમણે ઝીલી છે ને ગુજરાતીમાં એને અવતારવાનું કર્યું છે પણ વિશેષ નોંધપાત્ર એ ગણાશે કે એમણે (અને બીજા સમકાલીન આધુનિકતાવાદીઓએ), સુરેશભાઈએ જે ન કર્યું તે, ગુજરાતી સાહિત્યકૃતિઓની તપાસ-સમીક્ષા કરવાનું પણ કારકિર્દીપર્યંત કર્યું છે. ચંદ્રકાન્ત ટોપીવાળાનો વિશેષ રસ ભાષાભિમુખ તરેહો તપાસવાનો રહ્યો ને અનેક વિચારણાઓમાં ફરી વળેલી એમની વિવેચનચેતના બહુસંવાદમાં કંઈક વિશેષ ઠરી છે તો સુમન શાહનો મુખ્ય રસ સંરચનાવાદી (અને ઉત્તરસંરચનાવાદી) વિવેચનભૂમિકાઓને તપાસવામાં રહ્યો ને વિવિધ વિચારભૂમિકાઓમાંથી પસાર થયેલી એમની વિવેચના આ નવી સદીના ઉદયકાળે ‘સાહિત્યિક અર્થનો કોયડો’ રજૂ કરવા સુધી આવી છે. જોકે, પ્રમોદકુમાર પટેલે કહ્યું છે એમ, સુરેશ જોષી સમેતના, ‘આ સર્વ વિદ્વાનોની સાહિત્યચર્ચા બારીક તાત્ત્વિક તપાસ માગે છે.’૫ એ મહત્ત્વાકાંક્ષી કાર્ય કોઈએ એક વિસ્તૃત પ્રકલ્પ રૂપે ઉપાડવું રહે. પ્રમોદકુમાર પટેલ કશા અભિનિવેશ વિના, પાશ્ચાત્ય સાહિત્યવિચારણાને તેમજ ગુજરાતી વિવેચનવિચારણાને, એની ભીતર ઊતરીને ઝીણવટથી તેમજ સ્વસ્થતાથી અવલોકતા-તપાસતા રહ્યા. એક વિદ્વાન પ્રોફેસરની હેસિયતથી તે, સાતત્યભર્યા વિદ્યાતપથી, પાશ્ચાત્ય અને સંસ્કૃત વિભાવનાઓનાં તપાસ-સ્પષ્ટીકરણથી લઈને ગુજરાતી કૃતિઓ અને સાહિત્યપ્રવાહોને અવલોકવા સુધીની વ્યાપક ભૂમિકાએ હંમેશાં રહ્યા. સંકુલ કઠિન તત્ત્વવિચારણાના, ‘રીતિવિચાર’થી ‘સંવિદલક્ષી વિવેચન’ સુધીના વિષયોના અંગ્રેજી લેખોના અનુવાદો (‘તત્ત્વસંદર્ભ’, ૧૯૯૪) તેમજ ગુજરાતી ‘કાવ્યતત્ત્વવિચાર’ અને ‘વિવેચનતત્ત્વવિચાર’, ઐતિહાસિક સંદર્ભોમાંય, એમનું મહત્ત્વનું પ્રદાન છે. સુરેશ જોષી પાસે આધુનિકતાની દીક્ષા પામેલા શિરીષ પંચાલે રૂપરચનાથી વિઘટન સુધીના પાશ્ચાત્ય સાહિત્યવિચારનાં ગૃહીતો, કશા તારસ્વર વિના, મૂકી આપવા ઉપરાંત પશ્ચિમની સાહિત્ય-વિચારણાના તેમજ ગુજરાતીના કેટલાક મહત્ત્વના વિવેચકોની વિવેચન-વિચારણાના ઐતિહાસિક આલેખો આપીને એક સ્થિર, સ્વસ્થ ભૂમિકા ગ્રહી છે. પાશ્ચાત્ય વિવેચન-ચિંતનને ગુજરાતીમાં મૂકી આપવાના, મુખ્યત્વે આઠમા-નવમા દાયકામાં જે પ્રયાસો થયા એમાં મધુસૂદન બક્ષીના સાર્ત્ર, કાન્ટ અને દેરિદા વિશેના, વિશદતાથી આલેખાયેલા, લઘુગ્રંથોનો નિર્દેશ પણ કરવો જોઈએ. ⬜ સાતમાથી નવમા દાયકા વચ્ચેનો સમયગાળો વિવિધક્ષેત્રીય વિવેચનપરિમાણો પ્રગટાવે છે ને કેટલાક સમર્થ વિવેચકોનું એ વિવિધ ક્ષેત્રોને અર્પણ રહે છે એ સંગીન બહુ-વિધતા ઘણી નોંધપાત્ર છે. તુલનાત્મક સાહિત્ય-અધ્યયન, સંસ્કૃત સાહિત્યશાસ્ત્રની પરંપરાનો પરિચય, મધ્યકાલીન સાહિત્યનું સંશોધન-અધ્યયન, સમકાલીન/તત્કાલીન સર્જન-વિવેચનના ગ્રંથોનું સમીક્ષણ-પરીક્ષણ – એવો સર્વાશ્લેષ, નવી અભિજ્ઞતાથી રચાય છે. સુરેશ જોષીએ ‘ક્ષિતિજ’માં પાશ્ચાત્ય સર્જન-વિવેચનના નમૂના, અનુવાદથી રજૂ કરીને તુલનાની એક ભૂમિકા પૂરી પાડી હતી. એ પ્રત્યક્ષભાવે, સીધા જ તુલનાત્મક અધ્યયન રૂપે પછી મળવા લાગે છે. હિંદી, બંગાળી, ઓડિયા આદિ ભારતીય; અને અંગ્રેજી, જર્મન એ પાશ્ચાત્ય ભાષાઓની જાણકારી કેળવાયેલી તુલનાત્મક રુચિ-દૃષ્ટિથી ભોળાભાઈ પટેલે વિદેશી-ભારતીય સર્જકો અને કૃતિઓ વિશેના સ્વતંત્ર અને ક્યાંક બે ભાષાની કૃતિઓની તુલના કરતા લેખો દ્વારા તુલનાત્મક અધ્યયનને મહત્ત્વનું પરિમાણ આપ્યું છે. વિવેચનાત્મક લેખો ઉપરાંત, ‘ભારતીય ટૂંકી વાર્તા’ (૧૯૭૩)માંના ભારતીય ભાષાઓની વિવિધ વાર્તાઓના આસ્વાદોમાં પણ એમની તુલના-દૃષ્ટિ મહોરી છે. એવું જ, બંગાળી અને અંગ્રેજીના સઘન પરિચયથી અનિલા દલાલના વિવેચનગ્રંથો (‘દેશાન્તર’, ‘દર્પણનું નગર’, ‘અન્વેષણ’ આદિ)માં એક સાતત્યથી, બંગાળીના રવીન્દ્રનાથ, જીવનાનંદદાસ આદિની કૃતિઓ વિશેના તેમજ પશ્ચિમના અંગ્રેજી, ફ્રેન્ચ, સ્પૅનિશ, જર્મન, રશિયન ભાષાના સર્જકો ને એમની કૃતિઓ વિશેના ઝીણા ને ચોકસાઈવાળા અભ્યાસો તુલનાત્મક અધ્યયનને પોષક બન્યા છે. નારીવિમર્શને કેન્દ્રમાં લાવતાં એમનાં વિવેચન-લખાણોમાં પણ અંગ્રેજી-બંગાળી આદિથી કેળવાયેલી એમની અભિજ્ઞતાનો પરિચય મળે છે. (જેમકે, ‘માનુષી : સાહિત્યમાં નારી’, ૧૯૯૩). અંગ્રેજીના અધ્યાપકો અને ગુજરાતીના સર્જકો એવા નિરંજન ભગત, દિગીશ મહેતા, નલિન રાવળ આદિ પાસેથી પણ તુલનાત્મક દૃષ્ટિવાળા ને એવી રુચિને પોષનારા અભ્યાસો મળ્યા છે. નિરંજન ભગતે અંગ્રેજી, અમેરિકન, ફ્રેન્ચ, ગ્રીક સર્જકો-વિવેચકો વિશે ને એમની કૃતિઓ વિશે લાંબા, વિશ્લેષક ને વિગતપ્રચુર લેખો આપ્યા છે. (એમના ‘સ્વાધ્યાયલોક’ના ૮ ગ્રંથોમાં એ ઉપરાંત ગુજરાતીના – મુખ્યત્વે અનુગાંધીયુગ સુધીના – સર્જકો અને એમની કૃતિઓ વિશેના, કેટલાક મધ્યકાલીન સર્જકો વિશેના, એમની સમગ્ર કારકિર્દીના સ્વાધ્યાયો એમણે આપ્યા છે.) દિગીશ મહેતામાં અંગ્રેજીના અધ્યયનની શિસ્ત અને ગુજરાતી માટેના અનુરાગ સાથેનાં વિશિષ્ટ અને વિચક્ષણ અભ્યાસલખાણો મળે છે. વિદેશી સર્જકોની ઉત્તમ કૃતિઓ વિશેના, ઇમેજનું સ્વરૂપ આદિ સૈદ્ધાંતિક મુદ્દાઓ વિશેના એમના લેખોમાં લાક્ષણિક તુલનાદૃષ્ટિનો પરિચય મળે છે. સિતાંશુ યશશ્ચંદ્રમાં આરંભે ઉમાશંકર જોશી અને એલન ગિન્સબર્ગની કવિતાનો તુલનાત્મક અભ્યાસ છે અને પછી એમના શોધનિબંધ ‘રમણીયતાનો વાગ્વિકલ્પ’ (૧૯૭૯)માં તુલનાત્મક સૌંદર્યમીમાંસાનું દ્યોતક અધ્યયન છે. પશ્ચિમની આકારની વિભાવનાની સાથે સંસ્કૃત કાવ્યશાસ્ત્રની રમણીયતાની વિભાવનાને એમણે તુલનાત્મક રીતે ચર્ચી છે. ‘અસ્યાઃ સર્ગવિધૌ’ (૨૦૦૨)માં કાવ્યભાષાકેન્દ્રી તુલનાત્મક અભ્યાસ છે. યુનિવર્સિટીઓમાં તુલનાત્મક સાહિત્ય-અધ્યયન અભ્યાસવિષય બન્યું એ નિમિત્તે ધીરુ પરીખ પાસેથી ‘તુલનાત્મક સાહિત્ય’ (૧૯૮૪) નામે પાઠ્યપુસ્તક મળે છે. અર્વાચીન કાળના આરંભથી આપણા વિવેચનવિચારનો ઝોક જેટલો અંગ્રેજી સાહિત્યમીમાંસા તરફ રહ્યો એટલો સંસ્કૃતની સાહિત્યમીમાંસા તરફ ન રહ્યો ત્યારે આ એકાંગિતા અંગે રામનારાયણ પાઠકે વિવેચકોને ચેતવ્યા હતા.૬ આધુનિકતાના દિવસોમાં સંસ્કૃતમીમાંસા ક્યારેક ઉપેક્ષિત કે અપ્રસ્તુત કે કાલબાહ્ય ગણાવા માંડી હતી ત્યારે, સંસ્કૃત સાહિત્ય અને મીમાંસાના અધ્યયનના થોડાક પણ સંગીન પ્રયાસો થયા હતા. હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃતની પ્રસ્તુતતા ચીંધી આપી;૭ અભિનવ, ભોજ, ક્ષેમેન્દ્ર આદિ સંસ્કૃત આચાર્યોની વિચારણાની, વિશદ ને નિજી દૃષ્ટિકોણથી ચર્ચા કરી અને પાશ્ચાત્ય વિવેચનવિચારનો આદર કરીને પણ, ક્યાંક ઊહાપોહના સ્તરે, બતાવ્યું કે સંસ્કૃત મીમાંસાની કેટલીક વિભાવનાઓ વધુ સૂૂક્ષ્મ સ્તરે લઈ જનારી, સક્ષમ છે ને સમકાલીન સાહિત્યને તપાસવામાં એ વિચારણાનો વિનિયોગ શક્ય છે. જયંત કોઠારીએ તો ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રની આધુનિક કૃતિવિવેચનમાં પ્રસ્તુતતા’ (૧૯૯૮)નો તર્કનિષ્ઠ ને સાધાર પ્રયોગ પણ કર્યો. નગીનદાસ પારેખે ‘ધ્વન્યાલોક’, ‘વક્રોક્તિજીવિત’, આદિ ગ્રંથોનાં ખૂબ વિશદ અનુવાદ-સમજૂતી આપવા ઉપરાંત અભિનવના રસવિચાર આદિના સમીક્ષાત્મક અધ્યયનલેખો આપ્યા, તેમજ ઑબ્જેક્ટિવ કો-રિલેટિવ અને વિભાવાદિનો તુલનાત્મક અભ્યાસ આપ્યો. યુનિવર્સિટીઓમાં સંસ્કૃતનું અધ્યયન-અધ્યાપન રૂઢ રીતિનું, અનુવાદ-સારાનુવાદના સ્તરે સ્થગિત જેવું હતું ત્યારે રાજેન્દ્ર નાણાવટી (રીતિવિચાર, ૧૯૭૪; વક્રોક્તિવિચાર, ૧૯૮૯), વિજય પંડ્યા (અનુનય, ૨૦૦૪); અજિત ઠાકોર (સ્થિત્યંતર,૧૯૯૫) જેવાએ નિજી દૃષ્ટિ અને લેખનરીતિની તાજગીથી એમાં નવો સંચાર કર્યો. આ વિવેચકોનો ગુજરાતીની તેમજ અંગ્રેજીની વિવેચનપરંપરાઓ સાથેનો પરિચય રહ્યો હોવાથી એમની સંસ્કૃત સાહિત્ય અને મીમાંસાની વિવેચનાને વિશેષ પરિમાણ મળ્યાં. આધુનિકતાના – પાશ્ચાત્ય વિવેચનવિચારના – વેગીલા પ્રવાહે મધ્યકાલીન સાહિત્યના અભ્યાસને પણ કંઈક બાજુએ રાખ્યો હતો એ વખતે, આરંભના દાયકામાં, સંસ્કૃત-પ્રાકૃતની જાણકારીનો વિનિયોગ કરીને ભોગીલાલ સાંડેસરા, કાન્તિલાલ બ. વ્યાસ વગેરે જેવા પોતાની રીતે મધ્યકાલીન કૃતિઓમાં સંશોધિત સંપાદનો આપતા હતા તો હરિવલ્લભ ભાયાણીએ નવા યુગની શાસ્ત્રીય અભિજ્ઞતા સાથે મધ્યકાલીન સાહિત્યના આસ્વાદ, વિવેચન અને સંશોધનની મહત્ત્વની ભૂમિકાઓ એમના લેખોથી સ્પષ્ટ કરી; સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશના અભ્યાસની સજ્જતાને કામે લગાડીને શ્રદ્ધેય સંશોધિત-સંપાદનો આપ્યાં; ને નવા અભ્યાસીઓને આ દિશાના અધ્યયનમાં પ્રેર્યા-જોતર્યા. એમાંથી હસુ યાજ્ઞિક (‘મધ્યકાલીન કથાસાહિત્ય’, ૧૯૮૮), બળવંત જાની (‘સ્વાધ્યાય અને સંશોધન’, ૨૦૦૦) જેવા અભ્યાસીઓએ મધ્યકાલીન સાહિત્ય-અધ્યયનમાં વિવેચન-કારકિર્દી વિકસાવી. ચિમનલાલ ત્રિવેદી ‘નાકર’ ઉપરના નમૂનેદાર સંશોધન-અધ્યયન (૧૯૬૬)થી શરૂ કરીને, મુખ્યત્વે, મધ્યકાલીન અધ્યયન-સંપાદનમાં એક પીઢ અભ્યાસી તરીકે પ્રવૃત્ત રહ્યા. શાસ્ત્રીય ચીવટવાળાં એમનાં સંશોધિત સંપાદનો તથા વિશદ અને સુબદ્ધ રહેતા, કૃતિ અને કર્તા વિશેના ઝીણવટભર્યા અભ્યાસલેખો મધ્યકાલીન સાહિત્યવિવેચનમાં એમનું વિશેષ પ્રદાન આંકે છે. ઇતિહાસ અને પરંપરાની જાણકારીથી નરોત્તમ પલાણ (‘લોચન’, ૧૯૮૬) તથા લોકપરંપરા તથા જૂની પદ્યપરંપરાનાં રસ અને જાણકારીને કારણે લાભશંકર પુરોહિત (‘ફલશ્રુતિ’, ૧૯૯૯) મધ્યકાળના, કંઈક જુદા પડી આવતા, અભ્યાસીઓ છે. પરંતુ મધ્યકાળના અધ્યયન-સંપાદન-સંશોધનને ક્ષેત્રે સૌથી મોટું ને સંગીન કામ જયંત કોઠારીનું છે. વિવેચનકારકિર્દીના આરંભે જ ‘પ્રેમાનંદ – તત્કાલે અને આજે’ જેવો, પ્રેમાનંદના સામર્થ્યને આજે એની પ્રસ્તુતતાના સંદર્ભે જોતો, નવેસર તપાસતો, લેખ આપ્યા પછી સતત તે મધ્યકાળનાં સર્જકો ને કૃતિઓને ઝીણી, સંશોધક દૃષ્ટિએ તપાસતા – ક્યારેક એનાં પૂર્વવિવેચનોને ચકાસતા – રહ્યા; ‘આરામશોભા રાસમાળા’ જેવાં તુલનાત્મક સંપાદનો આપ્યાં; મધ્યકાલીન સાહિત્યકોશના સંપાદન નિમિત્તે સમગ્ર મધ્યકાળનું તથ્યોની રીતે પરીક્ષણ-સંમાર્જન કર્યું તથા ‘મધ્યકાલીન ગુજરાતી શબ્દકોશ’ (૧૯૯૫)એ એક મહત્ત્વના સંકલન-સંપાદનમાં ‘ન વીસરવા જેવો વારસો’ એવો લેખ મૂકીને મધ્યકાલીન સાહિત્ય (અને અધ્યયન)ને કંઈક શુષ્ક, ઉપેક્ષાપાત્ર લેખતાં અદ્યતન સાહિત્યરુચિવલણો સામે, એનાં સાંસ્કૃતિક તેમજ આસ્વાદયોગ્ય તત્ત્વોનું પ્રતીતિકર સમર્થન કરતો સબળ પ્રતિવાદ કર્યો. આસ્વાદ-સંપાદન-સમીક્ષા-અધ્યયન-સંશોધનના લાંબા ફલક પર એમણે મધ્યકાળનું સેવન ને વિવેચન કર્યું ને ઊંડી સૂઝભરી મથામણોથી શ્રદ્ધેય, ને ખાસ તો ખૂબ જ વિશદ પરિણામો આપ્યાં. ચિકિત્સા અને વિશદતા એમનાં સર્વ વિવેચનોની – ભારતીય કાવ્યસિદ્ધાંત, પ્લેટો-એરિસ્ટોટલ-લૉન્જાઇનસની વિચારણા, સમકાલીન અદ્યતન ને પરંપરાગત વિવેચનની સમીક્ષા-પરીક્ષા આપતી એમની વ્યાપક વિવેચનપ્રવૃત્તિની પ્રમુખ વિશેષતા રહી છે. વિવેચનની ઉપાદેયતાના સંદર્ભે એમણે વિશદતા, સંક્રમણ-શીલતાનો આગ્રહ રાખીને સુરેશ જોષી સમેતની અદ્યતન વિવેચનાની પણ, જરૂર લાગી ત્યાં, આકરી ચિકિત્સા કરેલી.૮ સમકાલીન સાહિત્યકૃતિઓની સતત ચાલેલી એમની સમીક્ષાપ્રવૃત્તિ પાછળ પણ, વિવેચનની પ્રસ્તુતતા ને ઉપાદેયતા અંગેનાં એમનાં આગ્રહો અને સમજ અગ્રસ્થાને રહેલાં. સમકાલીન (સરજાતા જતા) સાહિત્યની સમીક્ષા, કોઈ પણ તબક્કે એમ આ સમયગાળામાં પણ સતત ચાલી છે અને પીઢ તેમજ નવદીક્ષિત સર્વ વિવેચકોએ સમીક્ષાપ્રવૃત્તિ કરી છે. એના જમે-ઉધાર હિસાબની વાત તો બહુ લાંબી છે. અહીં એક-બે નિર્દેશો કરી શકાય. રાધેશ્યામ શર્મા આપણા નિત્ય સમીક્ષક છે. પાશ્ચાત્ય સાહિત્ય અને વિવેચનના ઠીકઠીક પરિશીલનથી એમની અદ્યતનતાની રુચિ કેળવાયેલી હોવા છતાં, સૈદ્ધાંતિક ચર્ચામાં ગયા વિના, સ્મરણમાં પડેલા (ને હાથવગા રહેતા) એ સર્વ સંસ્કારોને તે સતત સમીક્ષામાં જ પ્રયોજતા રહ્યા છે. ‘વાચના’ (૧૯૭૨) થી શરૂ કરીને આજ સુધીમાં પ્રગટ એમના સર્વ વિવેચનસંગ્રહોમાં એમણે લગભગ બધાં જ સ્વરૂપોની અનેક ઉત્તમ-મધ્યમ કૃતિઓને અવલોકી છે એનું મહત્ત્વ ઓછું નથી, જોકે એમની ઉદારતમ ગુણાનુરાગી રુચિ-રીતિ એમની માર્મિક સૂઝના પ્રશંસકોને પણ ક્યારેક મૂંઝવી જતી હોય છે. વિવેચનની મુખ્ય ધારામાં ન હોવા છતાં રઘુવીર ચૌધરીએ અદ્યતન સાહિત્ય અને પૂર્વ-આધુનિક સાહિત્યની કેટલીક કૃતિઓનું (અને કર્તાના કે પ્રવાહ વિશેના લેખમાં પણ કૃતિ-કેન્દ્રી રહેતું), કૃતિની ભીતર જતું તેમજ વાચકને લઈ જતું, સૂઝભર્યું માર્મિક વિવેચન આપ્યું છે. વિશદથી આગળ વધી એ રસપ્રદ પણ બને છે – ને જરૂર પડ્યે નિર્ભીક રીતે ચિકિત્સા પણ કરે છે – એ વિશિષ્ટ વિલક્ષણ આસ્વાદલક્ષિતાની નોંધ લેવી જોઈએ. ‘અદ્યતન કવિતા’ (૧૯૭૫) એ રીતે ગુજરાતીનો એક ધ્યાનપાત્ર વિવેચનસંગ્રહ છે. એમણે અને રાધેશ્યામ શર્માએ ‘ગુજરાતી નવલકથા’ (૧૯૭૭, ૧૯૯૧)માં ઇતિહાસલક્ષી પ્રવાહદર્શનના તંતુએ ગુજરાતીની મહત્ત્વની નવલકૃતિઓની સઘન-સક્ષમ સમીક્ષાઓ આપી છે. મુખ્યત્વે કાવ્યવિવેચનમાં, આ અર્ધશતાબ્દીના આરંભથી ચિનુ મોદી, ચંદ્રકાન્ત શેઠ, આદિનું તથા કથાસાહિત્યના વિવેચનમાં અગાઉ ઉલ્લેખ્યા એ ઉપરાંત જશવંત શેખડીવાળા (‘ગુજરાતી નવલકથા ફેરવિચાર’, ૨૦૦૫), જયંત ગાડીત (‘આ આપણી કથા’, ૨૦૦૦), કનુભાઈ જાની (‘શબ્દનિમિત્ત’, ૧૯૭૯) આદિનું પણ મહત્ત્વનું કાર્ય રહ્યું છે. ‘ટૂંકી વાર્તાની કલામીમાંસા’ (૧૯૯૮) એ સળંગ ગ્રંથમાં કિશોર જાદવે અદ્યતન મીમાંસાનો તેમજ કૃતિતપાસનો વિશેષ દૃષ્ટિકોણ ઉપસાવ્યો છે એ પણ નોંધપાત્ર છે. ⬜ ૨૦મી સદીના ૯મા દાયકાની આસપાસ, આધુનિકતાના ઠરેલા (કંઈક અંશે ઠરવા લાગેલા) સ્થિર, વ્યાપક પ્રવાહ ઉપર થોડાક નવા સંચારો સંભળાવા લાગે છે ને એ ધીરે ધીરે મુખર બનતા જાય છે. સર્જકો-વિવેચકોની એક નવી પેઢી ઉદય પામે છે. ટૂંકી વાર્તામાં તળપદ ભાષા અને વાતાવરણને નિરૂપવાના પ્રયોગો પાછળ કંઈક ખુલ્લા, અસંદિગ્ધ વાર્તારૂપ તરફ જવાની આકાંક્ષા હતી એણે વિવેચનમાં, તત્કાલે, ‘પરિષ્કૃતિ’ જેવો નવો સંપ્રત્યય રચવાની તેમજ દેશીવાદ (નેટિવિઝમ)ની વિચારણાનો અંગીકાર કરવાની સ્થિતિ કંઈક અંશે ઊભી કરી. દલિત ચેતના અને નારીઆંદોલન વિભાવના-વિચારણા રૂપે તેમજ એવી કૃતિઓની ચર્ચા રૂપે વિવેચનમાં ઉમેરાતાં, દૃઢ થતાં ગયાં. આધુનિકતાની સમરેખ એક આધુનિકોત્તર સમયરેખા ઊપસવા લાગી. તથા આ સૌ પરિવર્તન-વિવર્તોએ અનુઆધુનિકતાવાદી વિચાર-પુદ્ગલોને, કંઈક એના ધૂંધળા રૂપમાં પણ મંચ ઉપર મૂકી આપવાનું કર્યું. અલબત્ત, એથી થોડાંક આયામો ઉમેરતી નવી વળાંકરેખા ઊપસી આવી. જોકે વ્યાપક વિવેચનપટમાં ઉમેરાયેલો આ એક નવો પણ નાનો અંશ જ હતો. વિવેચનનાં અન્ય ક્ષેત્રો એની રીતે – આસન્ન પૂર્વપરંપરાથી પોષાતાં, એની સામે ક્યારેક પ્રશ્નો કરીને સંમાર્જિત થતાં – વિકસતાં જતાં હતાં. કોઈ પણ ક્ષેત્રમાં, અધ્યયનરુચિથી અને મથામણપૂર્વક ઊંડે ઊતરવાને બદલે સપાટી પર જ, સ્થગિત રહેવાના વલણથી આવતો વિદ્યાહ્રાસ વિવેચનહ્રાસ તરફ પણ દોરી જાય. એવી વ્યાપક થતી જતી સ્થિતિમાં, આ નવી પેઢીના કેટલાક વિવેચકોએ નિષ્ઠા અને નિસબતથી પોતાની શક્તિઓનો હિસાબ આપ્યો ને થોડીક નવી રેખાઓ પણ આલેખી. નરેશ વેદે નૅરેટોલૉજી (કથનશાસ્ત્ર)ના અભ્યાસસંદર્ભે નવલકથાના સ્વરૂપ પર કામ કર્યું ને કૃતિસમીક્ષાઓ આપી (‘નવલકથા : શિલ્પ અને સર્જન’, ૧૯૮૨); પ્રવીણ દરજીએ નિબંધના સ્વરૂપથી આરંભીને કવિતા આદિ સ્વરૂપો વિશે પણ કામ કર્યું ને થોડાક પાશ્ચાત્ય લેખકો વિશે અભ્યાસ આપ્યો (‘પશ્ચાત્’, ૧૯૮૩), સતીશ વ્યાસે કવિતાના ભાષાકર્મની તપાસ હાથ ધરી ને પછી વિશેષે નાટક અને રંગભૂમિના સ્વરૂપ, કૃતિસમીક્ષા ને ઐતિહાસિક આલેખોની દિશા ગ્રહી (‘ગુજરાતી નાટક’, ૨૦૦૯); રમણ સોનીએ મુખ્યત્વે વિવેચનની કૃતિઓને તપાસવાની (‘વિવેચનસંદર્ભ’, ૧૯૯૪) તથા, ‘સાહિત્યકોશ’ના અનુભવે, સંશોધનના વલણથી સાહિત્યકારો, સાહિત્યપ્રવાહો, કૃતિઓને જોવાની દિશા ગ્રહી; ધીરેન્દ્ર મહેતાએ નવલકથાના સંશોધનમૂલક અભ્યાસો આપ્યા (‘નિસબત’, ૧૯૯૦); પ્રસાદ બ્રહ્મભટ્ટે બંગાળીની જાણકારીને મુખ્યત્વે કથામૂલક કૃતિઓના અભ્યાસમાં પ્રયોજી; બાબુ દાવલપુરા, રમેશ દવે, ઇલા નાયક આદિએ કથાસાહિત્યમાં સંશોધન ને પછી કૃતિસમીક્ષાની દિશા લીધી; એમાં માય ડિયર જયુ (જયંતિ ગોહેલ), આદિનાં સમીક્ષાકાર્યો ઉમેરીએ તો, આ સમયગાળામાં ઠીક ઠીક વિવેચકોએ કથાસાહિત્યને વધુ લક્ષ્ય કર્યું છે; અને એમાં મણિલાલ પટેલે એ ઉપરાંત કવિતા-વિવેચન આપ્યું છે. (‘સર્જક રાવજી પટેલ’, ૨૦૦૪). આ નવી પેઢીમાં, સિદ્ધાંતવિચારણા એકમાત્ર નીતિન મહેતામાં જોવા મળે છે. સાહિત્યપ્રવાહો ને સમકાલીન કૃતિઓ વિશે એમણે લખ્યું છે પણ એમના રસ-અધ્યયનનું મુખ્ય ક્ષેત્ર સિદ્ધાન્તચર્ચાનું રહ્યું છે. મહત્ત્વના પાશ્ચાત્ય વિચારકોના, – વિશેષે જોનાથન કલર અને દેરિદાના સિદ્ધાન્તવિચારોનો પ્રભાવ ઝીલીને તથા એમાં પોતાની સમજનું પ્રવર્તન કરીને એમણે ભાવકકેન્દ્રી અભિગમ, આંતર્કૃતિત્વ, અનુઆધુનિકતા સંદર્ભે લોકપ્રિય સાહિત્યની વિભાવના જેવા વિચારઘટકોની અભ્યાસભરી છણાવટ કરી છે તેમજ, કોઠાસૂઝ પર જ તરતા સ્વૈર વિવેચનવલણની સામે સિદ્ધાંતની આધારભૂમિની આવશ્યકતાની જિકર કરી છે. (‘અપૂર્ણ’, ૨૦૦૪; ‘નિરંતર’, ૨૦૦૭). સાવ મધ્યમબરના ને નિકૃષ્ટ વિવેચનના સંગ્રહોના ઉભરા અને ભરાવાની વાત તો નવમા અને દસમા બંને દાયકાઓના વિવેચનનાં સર્વેક્ષણો આપનારા અભ્યાસીઓએ કરી છે (એવા નિકૃષ્ટની વાત આ લેખમાં સળંગ ગેરહાજર જ રાખી છે), પરંતુ દસમા દાયકામાં પ્રગટ થયેલાં વિવેચન-પુસ્તકો પર નજર કરતાં એક સુખદ આશ્ચર્યનો આંચકો પણ લાગે છે – જાણે કે ઇયત્તા સાથે ગુણવત્તાનું સંતુલન થયું છે. આવું એક સર્વેક્ષણ૯ તારવે છે કે આ એક દાયકામાં જ જયંત કોઠારી અને પ્રમોદકુમાર પટેલ જેવાનાં, પ્રત્યેકનાં સાત-સાત પુસ્તકો પ્રગટ થયાં છે! એમાંનાં સવિશેષ મહત્ત્વનાં તારવીએ તો, જયંત કોઠારીનાં ‘વાંકદેખાં વિવેચનો’ (૧૯૯૩), ‘સંશોધન અને પરીક્ષણ’ (૧૯૯૮), ‘સંસ્કૃત કાવ્યશાસ્ત્રની.... પ્રસ્તુતતા’ (૧૯૯૮) તથા પ્રમોદકુમાર પટેલના ‘પ્રતીતિ’ (૧૯૯૧), ‘કથાવિચાર’ (૧૯૯૯), ‘કળા, સાહિત્ય અને વિવેચન’ (મરણોત્તર, ૨૦૦૦)ને નોંધી શકાય. એ જ રીતે, ચંદ્રકાન્ત ટોપીવાળાનાં તથા સુમન શાહનાં પણ એકાધિક પુસ્તકો થયાં છે એમાંના ‘સાહિત્યના ઇતિહાસની અભિધારણા’ (ચંદ્રકાન્ત ટોપીવાળા, ૨૦૦૦) અને ‘સાહિત્યિક અર્થનો કોયડો’ (સુમન શાહ, ૨૦૦૦) જેવાં લાક્ષણિક સંશોધનકેન્દ્રી પુસ્તકો નોંધપાત્ર, અને ચર્ચાપાત્ર ઠરે છે. વિષયો અને પ્રમાણના વ્યાપની રીતે ‘સ્વાધ્યાયલોક’ના ૮ ગ્રંથો(નિરંજન ભગત, ૧૯૯૭); તુલનાત્મક સાહિત્યસંદર્ભે મહત્ત્વનાં ‘માનુષી : સાહિત્યમાં નારી’ (અનિલા દલાલ, ૧૯૯૨) અને ‘સાહિત્યિક પરંપરાનો વિસ્તાર’ (ભોળાભાઈ પટેલ, ૧૯૯૬) મહત્ત્વનાં ઠરે તો નાટક અને રંગભૂમિના અભ્યાસો અને કૃતિસમીક્ષાઓ આપતાં હસમુખ બારાડી, મહેશ ચંપકલાલ, સતીશ વ્યાસ, ઉત્પલ ભાયાણી, લવકુમાર દેસાઈનાં નોંધપાત્ર પુસ્તકો આ દાયકામાં મળ્યાં છે. સૌથી મહત્ત્વનું એ છે કે આ દાયકામાં સિદ્ધાન્તવિચાર અને એનો ઇતિહાસ આપતાં કેટલાંક અધ્યયન-સંશોધન-મૂલક પુસ્તકો મળ્યાં છે. ‘વિગ્રથન, અનુઆધુનિકતાવાદ, દિશાહીનતા’ (હરિવલ્લભ ભાયાણી, ૧૯૯૨), ‘પશ્ચિમનું કાવ્યવિવેચન’ (શિરીષ પંચાલ, ૧૯૯૩ અને ૧૯૯૯), ‘ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાવાદ’ (પ્રમોદકુમાર પટેલ, ૧૯૯૩), ‘અનુઆધુનિકતાવાદ’ (સંપા. ભોળાભાઈ પટેલ, ચંદ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૩), ‘અનુઆધુનિકતાવાદ’ (ચંદ્રકાન્ત ટોપીવાળા, ૧૯૯૯), ‘ગુજરાતી સાહિત્યમાં કાવ્યતત્ત્વવિચારણા’ (પ્રમોદકુમાર પટેલ, ૧૯૯૫ અને ૧૯૯૮), વગેરે. અલબત્ત, આ બધું જ, આ દાયકામાં ગ્રંથ-સંચિત થયેલો, અગાઉના દાયકાઓની કામગીરી પણ ઉમેરતો, આધુનિકકાળની પહેલી પેઢીના વરિષ્ઠ વિવેચકોએ આપેલા વિવેચનનો, એક વિશેષ હિસાબ છે. ⬜ ગયા દાયકામાં ઉદય પામેલી નવી પેઢીના વિવેચકોના તેમજ એ પછીના સમયસ્તરે વિવેચનપ્રવૃત્ત થયેલા વિવેચકોના (એમને નવીનતર પેઢીના કહીશું ને?) વિવેચનકાર્યનો હિસાબ પણ આ દાયકામાં મળ્યો છે – ને પછીના દાયકા સુધી વિસ્તરતો રહ્યો છે. નવીનતરોમાં, નવમા દાયકામાં જેમણે આશાસ્પદ તેજસ્વિતાથી ધ્યાન ખેંચેલું ને એ પછીના આ બે દાયકામાં જેમણે સાતત્યથી ને સજ્જતાથી ઘણું કામ કર્યું છે એ ભરત મહેતા, જયેશ ભોગાયતા અને શરીફા વીજળીવાળા મુખ્યત્વે તો કથાસાહિત્યનાં અભ્યાસીઓ છે ને વિશેષ ધ્યાનપાત્ર રીતે – કારકિર્દી-લોભના આ લપસણા કાળમાં પણ – એમણે પૂરી સજ્જતાથી નિર્ભીક વિવેચના આપી છે. એમના વિશેષો એ છે કે ભરત મહેતાની ગતિ સામાજિક પ્રતિબદ્ધતા (જુઓ ‘પ્રતિબદ્ધ’, ૨૦૦૫) તેમજ સંસ્કૃતિ અને ઇતિહાસના (જુઓ, ‘કળાકારનો ઇતિહાસબોધ’, ૨૦૦૯) સંદર્ભો તરફ રહી છે; જયેશ ભોગાયતા નિરૂપણરીતિની અને રચનાગતિની દૃષ્ટિએ વાર્તા આદિ કથાસાહિત્યને જોવાનું વલણ દાખવે છે (‘કથાનુસંધાન’ ૨૦૦૪, ‘આવિર્ભાવ’ ૨૦૦૬) અને શરીફા વીજળીવાળાને ગુજરાતીની જ નહીં, ભારતીય કથાસાહિત્યના, સામાજિક-રાજકીય સંદર્ભોમાં જીવનસંઘર્ષને આલેખતી કૃતિઓમાંની મનુષ્યવેદનાને વિશદ-અસરકારક રીતે આલેખી આપવામાં વિશેષ રસ છે. (‘નવલવિશ્વ’ ૨૦૦૬) સર્જન અને વિવેચનની વિશદતા-સંક્રમણશીલતા અંગેના એમના આગ્રહો પણ તારસ્વરે રજૂ થતા રહે છે. ત્રણેની આવી વૈયક્તિક ક્ષમતાઓ તથા સામ્પ્રત સાહિત્યકૃતિઓને અવલોકતા રહેવાની તત્પરતા ગુજરાતી વિવેચનના ઊતરતા ગ્રાફનાં સંદેહ-ચિંતાઓને જરીક છેટે રાખે છે. આ જ સમયમાં કિશોર વ્યાસ (‘પુનર્લબ્ધિ’, ૨૦૦૪), રાજેશ પંડ્યા (‘નિમિત્ત’, ૨૦૦૪), જગદીશ ગૂર્જર (‘કવિતાનો સૌંદર્યલોક’, ૨૦૦૪), બિપિન આશર (‘વિવેચનક્ષેપ’, ૨૦૦૦), વગેરે પણ એમનાં નિષ્ઠા-સમજથી ધ્યાન ખેંચે છે. કવિતા (સંગ્રહ)ને તપાસવાની ઉદ્યુક્તતા ને ઝીણવટ નવીનતરોમાંથી બહુ ઓછી છે એ જોતાં જગદીશ ગૂર્જરનું, ને વિશેષે રાજેશ પંડ્યાનું એ દિશાનું કામ વધુ ધ્યાનાર્હ છે. લેખનના સાતત્યનો અભાવ અને પ્રકાશન અંગેની ઉદાસીનતાને લીધે જેમનાં ઉત્તમ વિવેચનકાર્યો છેક ૨૧મી સદીના પહેલા દાયકામાં પ્રગટ થયાં એવાં આધુનિકકાળના આપણા બે વરિષ્ઠ વિવેચકોની વાત, આથી, અહીં આવતાં કરવાની થાય છે : હર્ષદ મ. ત્રિવેદી (‘શબ્દગંધા’, ૨૦૦૫)માં સિદ્ધાન્તની સમજ વિશદ ને ટકોરાબંધ છે. રૂપરચનાવાદની, અસ્તિત્વવાદની ચર્ચા એમણે વિધાયક રીતે પણ ચિકિત્સાથી કરી છે એ; અને એમનામાં ભાષાવિજ્ઞાન અને સાહિત્યવિવેચનની, આપણે ત્યાં કંઈક વિરલ રહી ગયેલી, ચર્ચા પણ ક્ષમતાપૂર્વક આવી છે એ એમનું મહત્ત્વનું પ્રદાન છે. રસિક શાહની રુચિ-સજ્જતાનું ફલક મોટું છે – સાહિત્યમીમાંસા ને કલામીમાંસા જ નહીં; વિજ્ઞાનો, તત્ત્વજ્ઞાન, ગણિત, મનોવિજ્ઞાન. મૂળ આધારો સાથેની, તર્કપકડવાળી પદ્ધતિકેન્દ્રી અને વિશદતાના આગ્રહવાળી વિચારણા આપતા ‘અંતે આરંભ’ (૨૦૦૯)ના બે ખંડોના એમના લેખો, આપણા સાહિત્ય-વિદ્યા-ક્ષેત્રેની સમૃદ્ધિમાં નવાં પરિમાણ ઉમેરનારા છે. વર્ષોથી પાશ્ચાત્ય વિવેચન-ચિંતનના બહોળા વાચન-સંપર્કમાં રહેતા હોવા છતાં જેમણે એક પણ વિવેચનપુસ્તક આપ્યું નથી એ બાબુ સુથારની વાત કરવી પણ આવશ્યક છે – કેમકે એમણે ‘સાહિત્યસિદ્ધાંતો અને પ્રત્યયનશાસ્ત્ર’, ‘અનુઆધુનિકતા – પૂર્વપંથ’ જેવા કેટલાક સિદ્ધાંત-લેખોમાં, અને વિવેચનગ્રંથોની કેટલીક સમીક્ષાઓમાં એમની જાણકારીની તેમજ પદ્ધતિ-સમજની ક્ષમતા બતાવી છે. એટલે, એમના હમણાં દેખાવા લાગેલા વિસ્તારિત લેખ-સમીક્ષા-વિવાદોમાં શક્તિ-સમય રોકવાને બદલે એમના ઉત્તમ વાચન/વાતાવરણને પ્રયોજીને થોડાક વિશદ-સબળ સિદ્ધાંત-વિચાર-લેખો એ આપતા થાય તો, નવા વિવેચનપ્રવાહોમાં અદૃશ્ય થતો જતો સિદ્ધાંતવિચાર થોડોક દૃશ્યમાન રહે. ૨૧મી સદીએ, આ ઉપરાંત, આ પછી, થોડાક – થોડાક જ – નવા વિવેચન-અવાજોની ઝલક આપી છે : રાજેન્દ્ર મહેતા વાચનસજ્જતા અને લેખનની સમજથી મુખ્યત્વે નાટ્યવિવેચન કરે છે. (નાટ્યરાગ, ૨૦૦૪); મહેન્દ્રસિંહ પરમાર ઝીણી સંવેદનશીલ સાહિત્ય-ગ્રાહ્યતા ધરાવે છે (‘પ્રથમ’, ૨૦૦૯); ગુણવંત વ્યાસ સન્નિષ્ઠાવાળી સંપાદન-સૂઝમાંથી હવે વાચન અને સમજપ્રેરી, લેખનની પ્રૌઢિવાળાં સમીક્ષા, પ્રવાહદર્શન તરફ વળ્યા છે (‘શબ્દબોધ’, ૨૦૦૯). વિવેચનલેખનની શિસ્તની લઘુતમ આવશ્યકતા જ નહીં, ગુજરાતી સાહિત્ય ને વિવેચનની પરંપરાનો ખ્યાલ ને સરજાતા સાહિત્યના સંપર્કની રુચિ વિનાની દિશાહીન ને નરી વ્યવસાય-લોભ પ્રેરી લખાપટ્ટી વધી રહી છે એમાં આવા થોડાકનો વિકાસ પણ આવશ્યક અને ઉપકારક બનશે. આ ઉપરાંત, અંગ્રેજીના વાચનસંસ્કારોથી ઘડાયેલી રુચિથી જ નહીં, વિવેચનલેખનની શાસ્ત્રીય પદ્ધતિની જાણકારીથી લખાયેલા હેમંત દવે તથા હર્ષવદન ત્રિવેદીના કેટલાક સમીક્ષાલેખો દ્યોતક અને ધ્યાનાર્હ બનેલા છે. ઇતિહાસના અભ્યાસી હેમંત દવે સાહિત્યવિવેચનને પણ વધારે સમય આપે તો આવતાં વર્ષોના ગુજરાતી વિવેચનને લાભ થશે. સંશોધનની વાત અલગ ચર્ચા માગી લેનારી, લાંબી વાત છે, વિદ્યાવ્યવસાયી (ઍકેડેમિક) સંશોધન-દીક્ષિતો વધતા જ રહે છે ને ખરેખરું સંશોધન તો થતું જ નથી (થાય છે તે ન - જેવું), એવો ઘાટ છે. અને એ વિશે એટલી બધી ટીકાઓ થઈ/થતી રહી છે કે એમાં કશું જ હવે ઉમેરવાની ઇચ્છા થતી નથી. આ અર્ધશતાબ્દીના પહેલા ત્રણ દાયકાઓમાં કેટલાક નમૂનેદાર સંશોધનગ્રંથો મળ્યા છે; પણ એ જાણીતા છે. એટલે છેલ્લા બે દાયકામાં પ્રગટ થયેલા, આ અભ્યાસીઓએ પદવી-નિમિત્તે કરેલા સંશોધન-વિવેચનગ્રંથોમાંથી કેટલાક મહત્ત્વનાનો નિર્દેશ, વિવિધ ક્ષેત્રોમાં થયેલા ધ્યાનપાત્ર ઉમેરણ રૂપે, પર્યાપ્ત લેખાશે : [ગુજરાતી નવલકથામાં] ‘મેલોડ્રામાની રૂપરચના’ (ભરત નાયક, ૧૯૯૩). ‘ભરત નાટ્યશાસ્ત્ર : આધુનિક સંદર્ભે’ (મહેશ ચંપકલાલ, ૧૯૯૭), [આધુનિક ગુજરાતી કવિતામાં] ‘કાવ્યબાની’ (નીતિન મહેતા, ૨૦૦૦), ‘આધુનિક ગુજરાતી વાર્તામાં કપોલકલ્પનાનો વિનિયોગ’ (ઇલા નાયક, ૧૯૯૬), ‘ગાંધીયુગનું ગદ્ય’ (દલપત પઢિયાર, ૧૯૯૦), ‘મધ્યકાલીન ગુજરાતી જ્ઞાનમાર્ગી કવિતા’ (બળવંત જાની, ૧૯૯૦), ‘સહજસુંદરકૃત ગુણરત્નાકર છંદ [સંશોધિત વાચના અને અભ્યાસ] (કાન્તિભાઈ શાહ, ૧૯૯૮), ‘નરસિંહચરિત્રવિમર્શ’ (દર્શના ધોળકિયા, ૧૯૯૨); ‘સમૂહ માધ્યમો અને સાહિત્ય’ (પ્રીતિ શાહ, ૧૯૮૯), ‘ટૂંકી વાર્તામાં કથનકેન્દ્ર’ (શરીફા વીજળીવાળા, ૨૦૦૦), ‘સંવિવાદનાં તેજવલયો[સામયિક-અધ્યયન] (કિશોર વ્યાસ, ૨૦૦૦),‘ભંગુરતાનાં ચાર સર્જક પરિમાણ’ (પારુલ દેસાઈ, ૧૯૯૮), ‘આધુનિક ગુજરાતી ટૂંકીવાર્તામાં ઘટનાતત્ત્વનું નિરૂપણ’ (જયેશ ભોગાયતા, ૨૦૦૧), ‘બાળકથા : સ્વરૂપ અને પ્રકાર’ (શ્રદ્ધા ત્રિવેદી, ૧૯૯૧) ‘નંદબત્રીસી-પરંપરામાં શામળની નંદબત્રીસીનું તુલનાત્મક અધ્યયન’ (કૌશી ચાવડા, ૨૦૦૯), વગેરે. ગ્રંથ રૂપે હજુ અપ્રગટ એવાં બે, મહત્ત્વનાં ઉમેરણરૂપ, શોધકાર્યો છે : મધ્યકાળમાં વિરાટપર્વ-વિષયક કૃતિઓની સંશોધનાત્મક તપાસ (રાજેશ પંડ્યા) અને સંપાદનશાસ્ત્ર સંદર્ભે મધ્યકાલીન-અર્વાચીન સંપાદનોની તપાસ (રતિલાલ બોરીસાગર). પદવીકેન્દ્રી ન હોય એવાં, હરિવલ્લભ ભાયાણી, કનુભાઈ જાની, હસુ યાજ્ઞિક, ભગવાનદાસ પટેલનાં લોકસાહિત્યવિષયક અધ્યયનો; રમેશ શુક્લનાં મુખ્યત્વે નર્મદકેન્દ્રી અધ્યયનો; નાટ્ય-રંગભૂમિક્ષેત્રે વિનોદ અધ્વર્યુ, હસમુખ બારાડીનાં અધ્યયનો દિશાનિર્દેશક છે. બાકી તો, એક સમીક્ષાનિમિત્તે નરોત્તમ પલાણે, ‘ગુજરાતી સાહિત્યક્ષેત્રે સંશોધનનો મૃત્યુઘંટ વાગી રહ્યો છે કે શું?’૧૦ એવો જે ચિંતા-સંદેહ વ્યક્ત કર્યો છે એ યુનિવર્સિટી-સંશોધનો વિશે તો વાજબી ઠરે એવી સ્થિતિ છે. સાહિત્યના ઇતિહાસો અને સાહિત્યકોશો પણ અભ્યાસ-સહાયક હોવા ઉપરાંત વિવેચનની સંપૂર્તિરૂપ હોવાથી એનું પ્રદાનમૂલ્ય મહત્ત્વનું ઠરે. દરેક સંસ્કરણે સંમાર્જિત તેમજ સંવર્ધિત થતો રહેલો મધ્યકાળથી અદ્યાવધિ સમયને આવરતો ધીરુભાઈ ઠાકરનો ‘અર્વાચીન ગુજરાતીની વિકાસરેખા’ (પાંચ ખંડો) પાઠ્યગ્રંથ હોવા સાથે, એથી અધિક સામર્થ્ય ધરાવતો, એક હાથે થયેલો, મહત્ત્વનો ઇતિહાસગ્રંથ છે. સાહિત્ય પરિષદે વિવિધ વિદ્વાનોની સહાયથી કરેલો – ૧૯૭૩થી પ્રકાશન-આરંભ પામીને, આજ સુધી ચાલતો રહેલો સંકલિત ઇતિહાસ પણ લાક્ષણિક ઇતિહાસ / વિવેચનમૂલ્ય ધરાવે છે. પરિષદના જ ‘સાહિત્યકોશ’ને સંદર્ભે આ ઇતિહાસ શોધિત-વર્ધિત રૂપ પામ્યો છે. સર્જકઅધ્યયનો, સ્વરૂપવિકાસના અભ્યાસો, સર્વેક્ષણો-પ્રવાહદર્શનો પણ ઇતિહાસના જ અંશો ગણાય. આવાં કેટલાંક કામ મુખ્યત્વે પીએચ.ડી. નિમિત્તે થતાં રહ્યાં છે એટલે ગૉળખૉળના ભેદની સભાનતા રાખીએ તો એમાંનું કેટલુંક મૂલ્યવાન પ્રદાન રૂપે ઊપસી રહે એવું એમાંથી તારવી શકાય એમ છે. કર્તા-કૃતિ-સંજ્ઞા-સ્વરૂપ, પ્રવાહ ઇતિહાસનાં ઘટકો સમાવતો, પરિષદ-પ્રકાશિત ‘ગુજરાતી સાહિત્યકોશ’ (૩ ખંડ : ૧૯૮૯, ૯૦, ૯૧); સાહિત્ય અને સાહિત્યસંલગ્ન અધિકરણોને લીધે; ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટનો ‘ગુજરાતી વિશ્વકોશ’ (૨૫ ખંડ : ૧૯૮૭ થી ૨૦૦૭) બૃહત્ સંદર્ભગ્રંથો તરીકે ગુજરાતી વિવેચનને સદ્યસંદર્ભ આપીને પ્રેરક બનેલા છે. એવો જ મહત્ત્વનો વિવેચનસંદર્ભ ‘આધુનિક સાહિત્યસંજ્ઞાકોશ’ (સંપા. ચંદ્રકાન્ત ટોપીવાળા, પરેશ નાયક, હર્ષવદન ત્રિવેદી ૧૯૮૬); અનુઆધુનિક સાહિત્યસંજ્ઞાકોશ‘ (સંપા. જયંત ગાડીત, ૧૯૯૯) દ્વારા રચાયેલો છે. એ જ રીતે કેટલાક મહત્ત્વના સૂચિ-સંદર્ભગ્રંથો – પ્રકાશ વેગડે કરી આપેલો ’ગુજરાતી સાહિત્યસૂચિ : મધ્યકાળ’ (૧૯૮૪), ‘નવલકથા સંદર્ભકોશ’ (૧૯૯૯) વગેર તથા સામયિકલેખસૂચિઓનાં સંપાદનો (કનુભાઈ શાહ, કિરીટ ભાવસાર, ૧૯૭૫-૭૬; રમણ સોની, ૨૦૦૪; કિશોર વ્યાસ, ૨૦૦૯, ૨૦૧૧; વગેરે ) એ અધ્યયન-લેખનમાં સાધાર સહાયક ભૂમિકા ભજવી છે. ⬜ આ અર્ધશતાબ્દીના વિવેચનમાં સામયિકોની ભૂમિકા પણ ઘણી મહત્ત્વની, ક્યાંક તો નિર્ણાયક, રહી છે. આમ પણ, સાહિત્યલેખન (‘સરજાતું’ સર્જન-વિવેચન) ગ્રંથરૂપ પામે એ પહેલાં, નવા ફૂટતા પ્રવાહો ને આંદોલનો રૂપે; પરિવર્તનની પણ પહેલી, પ્રચ્છન્ન, રેખાઓ રૂપે સામયિકોમાં ઝિલાતું હોય છે. વળી, ગતિસંચારક (ડાયનેમિક) સામયિકો નવાં આંદોલનો-પરિવર્તનોનાં ચાલકોય બને છે. ‘ક્ષિતિજ’થી આરંભીને આજ સુધીનાં વિવિધ સૂર/મુદ્રાવાળાં કેટલાંક પ્રમુખ સામયિકોની આવી ભૂમિકાનો એક આગવો, લાંબો, ઇતિહાસ છે. (એનો અભ્યાસ આરંભાઈ ગયો છે). ખરેખર તો, લેખસૂચિઓની સાથે જ (સર્જનાત્મક સ્વરૂપોની કૃતિઓ વિશે થાય છે એવાં), સામયિકોમાંની વિવેચન-કૃતિઓનાં સંપાદિત સંચયો તથા સર્વેક્ષણો દર પાંચેક વર્ષે પણ થતાં રહે તો સમાન્તર ચાલેલા તેમજ પલટાતા જતા પ્રવાહોના પ્રથમ સ્રોતોનો, એના ચોક્કસ કાળસંદર્ભનો સાચો ઇતિહાસ સાંપડે. અનુઆધુનિકતા અને અનુઆધુનિકતાવાદની ચર્ચા, એના કંઈક ધૂંધળા ને અસ્પષ્ટ રૂપે પણ, છેલ્લા દાયકાઓમાં થતી રહે છે. એય પશ્ચિમપ્રેરિત તો છે જ, પરંતુ – સાંસ્કૃતિ વિવેચનની જિકરમાં; શોષણ અને અસ્મિતાના સંદર્ભે દલિતચેતના અને નારીચેતનાના મુખર થતા જતા સર્જન-વિવેચનમાં; ચરિત્રસાહિત્યના અભ્યાસની અભિમુખતામાં; તથા કેટલીક ગુજરાતી-ભારતીય કૃતિઓની, એમાંના માનવયાતનાના સામાજિક સંદર્ભોને લઈને થતી, વિષય-વસ્તુલક્ષી સમીક્ષાઓમાં – આપણા સ્થિતિ-વિશેષોના રંગ પણ ઊઘડતા રહ્યા છે. અનુઆધુનિકમાં કશાનો, પૂર્વપરંપરાઓનો (એટલે આધુનિકતાનો પણ) પરિહાર નથી. એથી, સામાજિક ચેતનાની વાત પણ આધુનિકતાએ બક્ષેલી અભિજ્ઞતાથી થાય એ જ ઇષ્ટ – અને ઉત્તમ વિવેચનમાં એમ બન્યું પણ છે. ચંદ્રકાન્ત ટોપીવાળાના, દસમા દાયકાને અંતે મળતા પુસ્તક ‘અનુઆધુનિકતાવાદ’ (૧૯૯૯)માં, આ વાદ અંગે થયેલી વિચારણામાં રહેલી કેટલીક અસ્પષ્ટતાઓ ચીંધવાનો તથા અનુઆધુનિકતાનાં કેટલાંક લક્ષણો સ્ફુટ કરી આપવાનો એક નોંધપાત્ર પ્રયાસ થયેલો છે. સિદ્ધાંતવાદનો તાત્ત્વિક વિરોધ; અને સિદ્ધાંતની તમા કે જાણકારી વિનાની અને પોતાની કોઈ તત્ત્વનિષ્ઠ સમજ વિનાની વિવેચનચેષ્ટાઓ – એ બે અલગ વસ્તુઓ છે. ને એવી સ્વૈર પ્રતિભાવાત્મકતા પર પસ્તાળ પડેલી પણ છે.૧૧ પરંતુ પશ્ચિમમાં, સિદ્ધાંતના પક્ષકારો અને વિરોધીઓની, ‘કેવળ સિદ્ધાન્ત’ની પરાકાષ્ઠાએ સિદ્ધાંતની સ્થગિતતાની, સિદ્ધાંતના અંતની – ચર્ચાઓ આપણે ત્યાં, અન્ય વિચારણાઓની જેમ જ, ઊતરતી રહી છે. જો કે આપણે તો આમેય સિદ્ધાન્તપરસ્ત ઓછા છીએ, આપણે મહદંશે કૃતિચર્ચા-વાદીઓ છીએ. પરંતુ પશ્ચિમની સિદ્ધાન્તવિચારણાના ચાહક અભ્યાસીઓએ પણ – વિવેચકની બૌદ્ધિક સમજનું તંત્ર રચવામાં સિદ્ધાન્તની ઉપકારકતા આંકીનેય – આપણા સાહિત્ય-પરિશીલનના એક સહાયક તત્ત્વ તરીકે જ એની ભૂમિકા સ્વીકારી છે.૧૨ આમ છતાં, આપણા વિવેચકોએ પશ્ચિમના સિદ્ધાન્તવિચારોનો, તે તે સમયે ‘સ્વીકૃત’ રૂપે જેટલા પ્રમાણમાં સ્વીકાર કર્યો છે તેટલા પ્રમાણમાં, એના મૂળને પામવાની કે એની ‘સ્વીકાર્યતા’ અંગે ચિકિત્સક ધીરજ રાખનારી પોતીકી પર્યેષક સમજ ઓછી દાખવી છે. આ સંદર્ભમાં, જયંત પારેખે કરેલી વાત વિચારણીય છે કે, પશ્ચિમના ‘સાહિત્યવિચારમાં અનેક પરિવર્તનો થયાં છે એનાથી રોમાંચિત થવું એ એક વાત છે, એને સમજી-પચાવીને પોતાની સ્પષ્ટ નિષ્ઠા કેળવવી એ એક બીજી વાત છે.’૧૩ આમાંથી જ પ્રતીતિકારતાના ને વિશદતાના પ્રશ્નો સામે આવ્યા છે. પશ્ચિમના ‘અદ્યતન’ વિવેચનવિચારોના અભ્યાસીઓનો બહોળો સ્વાધ્યાય પણ, પારદર્શી લેખનને અભાવે, પૂરેપૂરો ફળ્યો નથી – એમાંનું ઠીક ઠીક વિવેચન વાચક/અધ્યેતાની સમજમાં પરોવાવામાં, સંક્રમિત થવામાં, નિષ્ફળ ગયું છે. નવા સંદર્ભો સાથેની સંકુલ શાસ્ત્રીય વિચારણા પકડવી ક્યારેક કઠિન કે દુષ્કર રહે – એ આગવી સજ્જતા પણ માગે – એ ખરું; પણ તે છતાં, વિવેચકની સમજમાં ઠરેલો ને સ્પષ્ટ થયેલો હોય તો સંકુલમાં સંકુલ વિચાર પણ શા માટે પાર-દર્શક ન બને ને અટપટો, દુર્ગમ રહે એ વિચારવું રહે – બલકે વિવેચકે એ માટે મથવું ઘટે. આવી પારદર્શી વિવેચનાના અભાવની ફરિયાદ પણ, છેલ્લા બે દાયકામાં થઈ છે.૧૪ પારદર્શકતાનો આ અભાવ નર્યા અસજ્જ વિવેચનમાં પણ છે ને એ વધુ ચિંતાજનક છે. સંશોધન-વિવેચનના પશ્ચિમના પ્રવાહોના સંપર્કની વાત તો દૂર રહી, ગુજરાતીની આખી પરંપરાના સર્જન-વિવેચનના પણ પર્યાપ્ત, કે ક્યારેક તો લઘુતમ પરિચય વિના, વ્યવસાય-ધકેલ્યાં લાચારી કે લોભથી લેખન-પ્રવૃત્ત થઈ ગયેલો એક મોટો સમુદાય માંગ વગરના બજારમાં વિવેચનગ્રંથો(!)નું ઉત્પાદન ખડકી રહ્યો છે – ને ખોટાં ધોરણો અને બૂરી અસરો ઊભાં કરી રહ્યો છે. પરંતુ સાહિત્ય માટેના પ્રેમ કે તાત્ત્વિક સમજ વિનાની આ સ્થિતિની ઉપેક્ષા જ કરવી રહી – કેમકે થોડાંક પણ સંગીન વિદ્યાકાર્યોથીય, ને એથી જ, વિવેચનજગત ઊજળું રહેવાનું છે. સામ્પ્રત સાહિત્યને અવલોકવા-સમીક્ષવાની પ્રવૃત્તિ, અધૂરી કે પૂરી સમજ-સજ્જતા સાથે પણ, થઈ રહી છે એ એક સુચિહ્ન છે. તણખાવાળા ને તેજસ્વી નવા વિવેચકો મુખ્યત્વે એ જ માર્ગે વિવેચનપ્રદેશમાં પ્રવેશતા રહ્યા છે ને જૂના પ્રૌઢ ઉત્તમ વિવેચકોએ આંકેલી કે એમના દ્વારા અંકાતી જતી પરંપરાને ઊંચાં ધોરણો રૂપે અંતર્હિત રાખતા રહ્યા છે. કેમકે આખરે તો સાહિત્યપ્રીતિ એ જ વિવેચકનું ચાલક-ધારક બળ છે – પછી એ શાસ્ત્ર અને સિદ્ધાંતની પુષ્ટિ પામીને નવાં પરિમાણો ઉઘાડે એ એની વિશેષ પ્રાપ્તિ છે. આ અર્ધશતાબ્દીના ગુજરાતી વિવેચને, ક્યાંક ધોરણોનો હ્રાસ દેખાડતી મર્યાદાઓ બતાવી છે તેમ છતાં, એમાં જે (તે તે ક્ષેત્રોમાં) ઉત્તમ છે એ વિવેચને એની શક્તિ-સજ્જતાથી કેટલીક નવી ક્ષિતિજો જરૂર આંકી છે. ⬜ સાહિત્યનું વિવેચન એ એની પદ્ધતિએ કરીને શાસ્ત્ર છે. પરંતુ, તાત્ત્વિકતાના અમૂર્તમાંય ઊતરતું ને સંલગ્ન શાસ્ત્રો/જ્ઞાનશાખાઓના સંપર્કથી સમૃદ્ધ થયું હોવા છતાં સાહિત્યવિવેચન નરી વસ્તુલક્ષિતા ધરાવતું વિજ્ઞાન નથી; એની બૌદ્ધિક પ્રતીતિકરતાના મૂળમાં પણ સાહિત્યકલાએ સંપડાવેલો રોમાંચ હોય છે. આ હકીકતને જેમાંથી સમર્થન મળી શકે એવા, ઉમાશંકર જોશીના એક ઉદ્ગારથી મારી વાત પૂરી કરું : વિવેચન એ વિજ્ઞાન-પ્રયોગશાળાની નીપજ નથી જ, કેમકે એને પ્રમાણભૂત બતાવનાર પાયાનું તત્ત્વ છે વિવેચકને થયેલો કલાકૃતિનો અંગત આનંદાનુભવ, અને એની કિંમત છે વિવેચકે વ્યક્તિ તરીકે કરેલું એ મૂલ્યાંકન છે એમાં.૧૫

સંદર્ભનોંધ :

૧. આ બધાં અવતરણો અને ચર્ચા માટે જુઓ : ‘કાવ્યવિવેચનનો એક નવો અભિગમ?’ લેખ (સષ્ટે., ૧૯૭૭) – ચિંતયામિ મનસા (૧૯૮૨), પૃ. ૭૫થી ૮૪.
૨. ચંદ્રકાન્ત ટોપીવાળા : ‘ગુજરાતી મધ્યકાલીન યુગથી છૂટો પડતો અર્વાચીન નર્મદ-પ્રમુખ યુગ આ જ રીતે પ્રયોગકારક હતો [...] ૧૯૬૦ પછી ફરીને જૂના અને નવા સાહિત્ય વચ્ચેનો વળાંક ઉગ્ર બન્યો અને સુરેશ-પ્રમુખ આધુનિક-કાળ-યુગ શરૂ થયો.’ કંકાવટી, જાન્યુ. ૧૯૭૭.
૩ . જુઓ આ માટેનાં સમર્થક મંતવ્યો :
        (૧) યુદ્ધોત્તર પશ્ચિમમાં પ્રગટેલાં આ આંદોલનો સુરેશ જોષી સજગતાથી ઝીલે છે ને ગુજરાતી સાહિત્ય અને વિવેચનને એક નવી દિશા ચીંધવાનું પુણ્યકર્મ કરે છે.’ : જયંત કોઠારી, વિવેચનનું વિવેચન (૧૯૭૬), પૃ. ૬૬
        ( ૨) પશ્ચિમના સર્જન-વિવેચનનો આટલો સીધો, આટલો વ્યાપક અને આટલો ઘેરો પ્રભાવ, મને લાગે છે કે, આ પૂર્વેના આપણા અર્વાચીન સાહિત્યમાં અગાઉ ક્યારેય પડ્યો નથી.’ – પ્રમોદકુમાર પટેલ, ‘સ્વાતંત્ર્યોત્તર ગુજરાતી વિવેચન’, વિવેચનની ભૂમિકા (૧૯૯૦), પૃ. ૧૫૧
૪. આ બે લેખો પૈકી ‘કવિકર્મ’ સાહિત્યમીમાંસા (સંપા. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વ., ૧૯૬૨)માં તથા ‘શરદપૂનમ કાવ્યનું સંઘટન’ લેખ ‘સંસ્કૃતિ’ ઑગસ્ટ ૧૯૬૩માં પહેલાં પ્રકાશિત થયા. તે, ઉમાશંકર જોશીના કવિતાવિવેક (મરણોત્તર ૧૯૯૭)માં, ‘કાવ્યવિવેચનના પ્રશ્નો’ એ લેખ (ઠક્કર વસનજી વ્યાખ્યાનો)માં સમાવેલા છે.
૫. જુઓ : પ્રમોદકુમાર પટેલ, વિવેચનની ભૂમિકા, પૃ. ૧૫૨
૬. કાવ્યની શક્તિ (૧૯૩૯, બીજી આ. ૧૯૫૯), પૃ. ૧
૭. જુઓ : ‘સંસ્કૃતની પ્રસ્તુતતા’ વ્યાખ્યાનલેખ, ‘ભારતીય સંસ્કારપરંપરા અને આપણો વર્તમાન’ (૧૯૯૪); તેમજ ‘કેટલીક બાબતોમાં તો સંસ્કૃત વિવેચનની સૈદ્ધાન્તિક વિચારણા વધુ ચોક્કસ, વધુ સ્પષ્ટ, ને વધુ તર્કસંગત કે વધુ વ્યવસ્થિત છે’, રચના અને સંરચના, ૧૯૮૦, પૃ. ૧૨૬
૮. જુઓ ‘વાંકદેખાં વિવેચનો’ (૧૯૯૩)માં ‘ખરેખરી ઉપયોગિતા ને ખરેખરી અગવડો’ એ આખો લેખ. એમાં એમણે સ્પષ્ટપણે કહ્યું છે કે ‘અરુણ અડાલજા અને સુરેશ જોશીના [લેખો] સંક્રમણક્ષમતાના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. [...] મને થાય છે કે ગુજરાતીમાં આધુનિક પ્રવાહો વિશેના પ્રસન્નકર લેખો ક્યારે મળશે?’ (પૃ. ૧૧૧)
૯. ગુજરાતી સાહિત્યનો દસમો દાયકો (સંપા. રમેશ દવે, વગેરે ૨૦૦૩)માં પારુલ કંદર્પ દેસાઈનો લેખ [દાયકાનું] ‘વિવેચન’, પૃ. ૯૬થી ૧૦૮.
૧૦. જુઓ ‘પ્રત્યક્ષ’, એપ્રિલ-જૂન ૨૦૧૦, પૃ. ૨૦
૧૧. ‘...આંતરરાષ્ટ્રીય વિવેચનની વિવિધ શૈલીઓના નિષ્કર્ષની જાણ વગર, ઘેર બેઠાં જે પ્રતિભાવમૂલક અભણ વિવેચન થાય છે એનાથી વધુ ગેરજવાબદાર બીજી કોઈ પ્રવૃત્તિ હોઈ ન શકે. વિવેચનનો વિભાજિત પટ’ (૧૯૯૦, ચંદ્રકાન્ત ટોપીવાળા)
૧૨. જુઓ ‘નાનાવિધ’ (૧૯૯૯, ચંદ્રકાન્ત ટોપીવાળા)માં સિદ્ધાંત-સંદર્ભી ૩ લેખો, પૃ. ૧૧૯થી ૧૨૭માની ચર્ચા.
૧૩. અધીત : પ્રમુખીય પ્રવચનો-૨ (સંપા. ચંદ્રકાન્ત શેઠ, વ.૧૯૯૭)માં જયંત પારેખનો વક્તવ્યલેખ : ‘ગુજરાતી વિવેચનને એક દિશાસૂચન’.
૧૪. ‘અઢીસો જેટલાં વિવેચનનાં પુસ્તકો એક દાયકામાં જરાય ઓછાં ન ગણાય તેમ છતાં પારદર્શી વિવેચના આપી શકનારા વિવેચકો આંગળીને વેઢે ગણાય એટલા જ.’ – ભરત મહેતા, રેખાંકિત (૨૦૦૯)માં ‘દસમા દાયકાનું વિવેચન’ લેખ, પૃ. ૫૫. સંદર્ભનોંધ-૮માં ઉલ્લેખેલો જયંત કોઠારીનો લેખ પણ અહીં સંભારી શકાય. આપણા સિદ્ધાંત-વિવેચનમાં વિશદતા-પારદર્શકતા-સમજના પ્રશ્નોની વિગતે ચર્ચા મેં મારા આ પૂર્વેના લેખ ‘ગિરિધરો અને પિચ્છધરોની વચ્ચે’માં કરી છે.
૧૫. ‘વિવેચનના પ્રશ્નો’, પ્રતિશબ્દ, પૃ. ૧૨૬.

● ‘શબ્દસૃષ્ટિ’, ઑક્ટો.-નવે. ૨૦૧૦ (પાંચ દાયકાનું સાહિત્ય સ્વર્ણિમઃ વિશેષાંક)