ગુજરાતનો જય/૨૮. હરિહર પંડિત

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૨૮. હરિહર પંડિત

સરસ્વતી-મંદિરમાં બેઠેલા સોમેશ્વરદેવ બહાર જે જે બની રહ્યું હતું તેનાથી અલિપ્ત રહ્યા તાડપત્ર પર કાવ્યો ટપકાવ્યે જતા હતા. પાસે પુત્રી રેવતીને બેસાડી પ્રત્યેક કાવ્ય કેવું છે તે પૂછતા હતા ને ચર્ચા કરતા હતા. એ કાવ્યોમાં નવાં દેવાલયોમાં ચોડવાની તકતીઓને શણગારવામાં પ્રભુ-સ્તોત્રો હતાં, પોતાના રાણા અને મંત્રીઓની વીરતાના પ્રશસ્તિ-શ્લોકો હતા, સૈકા સુધી રણકી રહે તેવી સૂક્તિઓ હતી. બહારથી રેવતીની બા આવીને ઉતાવળ કરતાં હતાંઃ “હવે મૂકોને એ પીંજણ પેલા પંડિતજીનો બટુ ક્યારનો વાટ જુએ છે. રાણાજીના દૂત ઉતાવળ કરે છે.” "જાઉં છું, દેવી! જાઉં છું. રેવતી, એક – હવે બસ એક જ – વધુ શ્લોક લખ. આમ તો જો! આ અલંકાર તો જો – લખ, ઝટ લખ, નહીં તો શારદા પછી રિસાઈ જશે.” “પણ રાજાજી રિસાઈ જશે, પેલા પરદેશી પંડિત કોપાશે, ઉજ્જૈન જઈને અપકીર્તિ કરશે આપણી.” ગોરાણી તાકીદ કરી રહ્યાં. “અપકીર્તિ?” સોમેશ્વરદેવ હસીને બોલ્યા, “આપણે ક્યાં ઉજેણીમાં વિજય વર્તાવવા જવું છે? પરને રીઝવીને શું કરવું છે? એથી તો ભલેરી મારા ગુર્જરોની કીર્તિકૌમુદી.” “હેં, બાપુજી!” રેવતીએ સૂચવ્યું: “આ મહાકાવ્યનું નામ જ કીર્તિકૌમુદી રાખીએ તો?” “સુંદર! સુંદર! ડાહી દીકરી. પણ ત્યાં બહાર કોણ બોલે છે?” “પેલો હરિહર પંડિતનો બટુ બબડે છે.” ગોરાણી બોલ્યાં. “નહીં, નહીં, એ નહીં. કાન તો માંડ રેવતી, તારાં સોખુકાકી કંઈક ગાતાં ગાતાં આવતાં લાગે છે.” સરસ્વતી મંદિરની નજીક ને નજીક મંજુલ સ્વરો આવતા હતા: काकः किं वा क्रमेलकः? काकः किं वा क्रमेलकः? काकः किंवा क्रमेलकः । અનુષ્ટુપ છંદના એ ઉત્તરાર્ધ ચરણને લલકારવામાં તલ્લીન બનેલી વસ્તુપાલની નવી પત્ની સોખુ હાથમાં એક પત્ર લઈને દાખલ થઈ. એનું મોં ભર્યું ભર્યું હતું. વર્ષમાં એકાદ વાર વનને શણગારતાં કેસૂડાં જાણે એ વદન પર વિસ્તરતાં હતાં. "શું છે આજે? આવડી બધી ઘેલછા શાની છે, હેં નવાં દેવી?” સોમેશ્વરદેવના હાથમાં લેખણ થંભી રહી. “આ લો, આ ગાથા પૂરો.” સોનુએ શરમાતાં સંકોડાતાં પત્ર આપ્યું. "કોણે મોકલી છે?” “મારી મારફત તો બીજું કોણ મોકલે? સ્તંભતીર્થ ઊતરીને તરત દૂત રવાના કર્યો છે ને મને કહાવ્યું છે કે તરતો તરત આપને ગાથા પૂરી કરીને તૈયાર રાખવા વિનવવું.” "ઓહો! તમારી મારફત! ત્યારે તો જુઓને, તમે જ મારાં પ્રેરણાદાત્રી બની ગયાં. ઓહો! મને સૂઝી પણ આવ્યું, જરીક જ ઊભાં રહેજો હો એમ કહી લેખણ કાન પરથી ઉપાડી તાલપત્ર પર સુંદર અક્ષરે, જરા પણ છેકભૂંસ વગર શબ્દો લખ્યા ને પછી વાંચ્યા –  येनागच्छन्ममाख्यातो येनानीतश्च मत्पतिः। प्रथमं सखि! क पूज्यः काकः किंवा क्रमेलकः ।। ['સ્વામી આવે' કહ્યું જેણે, સ્વામીને લાવેલ જે; બેમાં પૂજું કિયો, બે'ની કાગડો કે કહેલિયો?] (કેહેલિયો=ઊંટ) એમ ગાતા ગાતા સોમેશ્વરદેવ સોખુના વદન પર કેસૂડાંની કળીઓ પાથરી રહ્યા. રેવતીનો ચહેરો પણ રાતોચોળ રંગાઈ ગયો. ગાથાને ગાતા સોમેશ્વરદેવના દેહ પરથી ઉત્તરીય સરી ગયું. એને રોમાંચ થયો. “બધા સરખા જ મળ્યા છે!” કહેતી સ્મિતભરી સોખુ ચાલી ગઈ; અને આંહીં રેવતીના લજ્જાભારે નમેલા મોં ઉપર, લમણા પરથી ખસેલી એક બંકી કેશ-લટ ઝૂલવા લાગી. “હવે ઊઠો ઊઠો, ગાંડાં કાઢતા!” રેવતીની બા હાથ લાંબો કરીને બોલ્યા: “પેલો બહાર બેઠો બેઠો બબડે છે કે ગુજરાતનો પંડિત બૈરીઓને રિઝાવે છે!” તેટલામાં તો રાણાનું ફરી તેડું આવ્યું: “ઉતાવળે આવો, અને સાથે વીરનારાયણ મંદિરમાં આપણે પ્રતિષ્ઠા કરવાના પ્રશસ્તિ-શ્લોકો લેતા આવો.” રેવતીએ પિતાને એક હસ્તપ્રતની પોથી આપી, તે લઈને સોમેશ્વરદેવ સિંઘણને જીતી આવતા મંત્રીની મોકલેલ ગાથા પર મુગ્ધ બનતા બનતા, મનમાં 'काकः किंवा क्रमेलक:'નું ગુંજન કરતા કશી જ અધીરાઈ વગર રાજસભામાં ચાલ્યા. એ દિવસની સભામાં ઠઠ મળી હતી. ભદ્રેશ્વરના દ્વંદ્ધ-સંગ્રામના જખમોની એંધાણીએ શોભતા રાણા વીરધવલ સિંહાસને બેઠા હતા. એમની જમણી બાજુએ એક જાજરમાન અતિથિ કિનખાબની ગાદી પર આખી સભાને ડારતા બેઠા હતા. એમના મોં પર ધોળકાની આ સભા પ્રત્યે ઉઘાડો તુચ્છકાર હતો. એમના દેહ ઉપર ભારતભૂમિની સંખ્યાબંધ પંડિત-સભાઓને જીત્યાનાં વિજયચિહ્નો હતાં. એમની પછવાડે પાંચસોએક નવા ચહેરા હતા. વિજેતા પંડિતનું એ ભારતવર્ષમાં ઠેર ઠેર હાક બોલાવતું દળકટક હતું. એ ગૌડ દેશના હર્ષવંશી હરિહર પંડિત હતા. ઊંટો, અશ્વો અને હાથીઓ લઈને એ ફરતા ફરતા ધોળકે આવ્યા હતા. એમનો દેખાવ કોઈ ખંડણી ઉઘરાવવા આવેલ રાજરાજેશ્વર જેવો હતો. “તો પછી અમે જઈએ.” એ શબ્દો રાણા પ્રત્યે પંડિતજીએ કહ્યા તે જ વખતે સોમેશ્વરદેવે કિનખાબમાં લપેટેલી એ કાવ્યપોથી સહિત પ્રવેશ કર્યો. એમના હંમેશના સાદા સામાન્ય નમનને મગરૂબ અતિથિએ કેવળ સહેજ હાથ ઊંચો કરીને જ સ્વીકાર્યું. હરિહર પંડિતના પાંચસો જેટલા સાથીઓની વચ્ચે જઈ પહોંચેલો પેલો એનો બટુ કંઈક કહેતો હતો, જે સાંભળીને આ મંડળમાં તોછડો ગણગણાટ ઊઠ્યો હતો: "ઘેર બૈરીઓને રીઝવતા હતા.” રાણા વીરધવલ રણશૂર હતા, સંગ્રામમાં કદી સંકોડાયા નહોતા, પણ વિદ્વાનોની સભામાં તેમનું ચિત્ત વિકલ બનતું. ઉજ્જૈન, અવન્તી કે વારાણસીના વિદ્વાનો ધોળકે ઊતરતા ત્યારે પોતે અંદરથી ધ્રુજતા. રણધીર તરીકે તો તેની અપકીર્તિ કરી શકે તેવો કોઈ માઈનો પૂત રહ્યો નહોતો, પણ ધોળકાના નામ પર વિદ્વત્તાનું મીંડું મુકાય તે એને છાતી પરના જખમ જેવું લાગતું. “સોમેશ્વરદેવ!” રાણાએ કહ્યું, “પંડિતજીને તો આંહીં સૂનું સૂનું લાગે છે.” “સ્વાભાવિક છે, પ્રભુ!” સોમેશ્વરે ભોળા ભાવે જવાબ વાળ્યો, “મંત્રીજીની હાજરી હોત તો તો રંગ જામી જાત.” "હે-હે-” હરિહર પંડિત હસ્યા, “સાંભળ્યું છે કે બડા વિદ્વાન છે. રસિક છે ને કવિ છે. પણ નવાઈ છે કે હજુ પોતે ઉજ્જૈનમાં કે અમારા ગૌડ તરફ આવ્યા જ નથી. ગાથાયે મોકલી નથી.” “એમને સ્પર્ધા પસંદ નથી.” સોમેશ્વરે કહ્યું. “સ્પર્ધા તો પછી, પ્રથમ તો પરીક્ષા.” હરિહર પંડિતના મોં પર તુચ્છકાર દાબ્યો દબાતો નહોતો. તેનો પ્રત્યુત્તર આપ્યા વગર સોમેશ્વર ન રહી શક્યા: “મંત્રીજીનો તો આપણી માફક આ વ્યવસાય નહીં ખરોને, પંડિતજી, એટલે પોતે કેવળ નિજાનંદ ખાતર જ સરસ્વતીને સેવે છે.” “ખરું છે, વાગ્દેવીની એ રીતની ક્રીડા વડે નિજાનંદ, મિત્રાનંદ, નારીરંજન વગેરે અનેક અર્થ સરે છે. સ્પર્ધા અને પરીક્ષામાં તો માથાકૂટનો પાર નથી, પંડિતજી!” હરિહર પંડિતનો પિત્તો ફાટતો હતો. એ દેખી રાણાજીએ વાતને વધુ આગળ જતી અટકાવીને કહ્યું: “પંડિતવર્ય! આપને એક પરિશ્રમ આપવા જેવું છે. અહીં અમે વરનારાયણ મંદિર કરાવ્યું છે. તેમાં કોતરાવવાના એકસો ને આઠ શ્લોકો અમારા સોમેશ્વરદેવે રચેલ છે. આપ સાંભળો ને કહો કે એ કેવાક છે.” "સુખેથી.” સોમેશ્વરદેવે શ્લોક-પાઠ શરૂ કર્યા ત્યારે આખી રાજસભાની સામટી આંખો હરિહર પંડિતના ચહેરા પર ચોંટી. એ ચહેરો જાણે કે ધોળકાની કીર્તિ-અપકીર્તિનું ત્રાજવું બની રહ્યો. શરૂમાં તો સોમેશ્વરદેવના પગ ધ્રુજતા હતા. જેમ જેમ શ્લોકો ગવાતા ગયા તેમ તેમ હરિહર પંડિતનું ધ્યાન પ્રત્યેક શબ્દ પર એકાગ્ર બન્યું. એના ચહેરા પર પ્રફુલ્લિતતા પ્રસરી. એનું શિર ડોલવા લાગ્યું. એની આંગળીઓ તાલ દેતી થઈ. આખી રાજસભાના નિષ્પ્રાણ ખોળિયામાં નવો જીવ આવ્યો. સોમેશ્વરદેવ પણ ચગી ગયા. રાણા વીરધવલને પોતાની જતી પ્રતિષ્ઠા પાછી વળી લાગી. શ્લોક-પાઠ પૂરો થયો, સભા એક્શ્વાસ બની, વીરધવલનું મોં મહાન પરોણાની પરીક્ષાનું પરિણામ સાંભળવા તલપાપડ થયું, કરગરી રહ્યું. અને પછી હરિહર પંડિત ચોમેર નજર કરીને રાણાને કહ્યું: “વાહ! શ્લોકો તો અતિ સુંદર છે.” “કાંઈ ક્ષતિ? કાંઈ દોષ?” રાણાએ મહેમાનને વધુ ચકાસ્યા. “એકપણ નહીં લેશમાત્ર નહીં પરંતુ –"એટલો બોલ પડતો મૂકીને હરિહર પંડિતે હોઠને ખૂણે કુટિલ હાસ્ય ફરકાવ્યું. "કેમ અટક્યા?” સોમેશ્વરદેવે હિંમતમાં આવીને પૂછ્યું, “જે કહેવા જેવું હોય તે સુખેથી કહો, હું તો વિદ્વાનોની ચરણરજ છું, હજુ તો શિષ્ય થવા લાયક છું, કહેશો તે શિર પર ચડાવીશ.” "ના, કંઈ નહીં જવા દો, કાવ્ય અદ્ભુત છે, પણ – કંઈ નહીં હવે.” હરિહર પંડિત જે કહેવું હતું તે જાણે કે ગળી જતા હતા. “કહોને, પંડિતજી!” રાણાએ આગ્રહ રાખ્યો. “કહીશ તો એ હતોત્સાહ થશે.” પંડિતે વીરધવલને કહ્યું: “પડતી જ મૂકીએ વાતને.” એના પ્રત્યેક શબ્દે રાજસભા વધુ શંકિત અને તલપાપડ બનતી ગઈ. “નહીં, પંડિતજી!” સોમેશ્વરદેવે હરિહરને ચીંથરાં ફાડતો સમજી લઈ, આગ્રહપૂર્વક માગણી કરી, “આપ મારી દયા ખાધા વગર કહી નાખો, મનની મનમાં ન રાખો.” "જો એમ જ આગ્રહ હોય તો કહું, રાણાજી! આ શ્લોકો નવા રચેલા નથી.” "અરે વાત છે કંઈ?” સોમેશ્વર લડાઈના રંગમાં આવી ગયા, “નવા; તદ્દન નવા છે. અનુકરણ માત્ર પણ નથી, કૃપાળુ!” "ના, અનુકરણ નથી, પણ અપહરણ છે. શબ્દેશબ્દ પારકો ઉઠાવેલો છે.” હરિહર પંડિત બિલકુલ ઠંડે કલેજે, સોમેશ્વરની સામું જોયા પણ વગર, કેવળ રાણા પ્રત્યે જ નજર રાખીને લહેરથી બોલ્યા. “અપહરણ! ઉઠાવેલા!” સોમેશ્વરદેવનું રોમ રોમ આક્રમણ કરી ઊઠ્યું. “શામાંથી – ક્યાંથી ઉઠાવેલ? – ઉઠાવેલ કહો છો? આ શું કહો છો, મહારાજ? ઉઠાવેલા!” “ઉઠાવેલા ને ચોરેલા.” “ક્યાંથી? શામાંથી?” "ઉજ્જૈનમાંથી, સરસ્વતી-કંઠાભરણના મંદિરની અંદર કોતરેલી પ્રશસ્તિમાંથી. એ રહ્યા ત્યાં આ બધા જ શ્લોકો. એ તો છે ભોજ મહારાજના વર્ણનના.” હરિહરના પેટનું પાણી, આ બોલતે બોલતે જરાક હલતું નહોતું. જેમ જેમ સોમેશ્વરદેવ ઉત્તેજિત થતા હતા તેમ તેમ પરોણો ટાઢોબોળ બનતો હતો. “શી સાબિતી?” સોમેશ્વરની સહનશક્તિ તૂટવા લાગી. “સાબિતી તો બીજી શી? હું ત્યાં ગયેલો છું. મેં એ શ્લોક ત્યાં વાંચ્યા છે. એટલું જ નહીં પણ મને સુંદર લાગવાથી મેં એ કંઠસ્થ પણ કરેલા છે. જુઓને હું બોલી બતાવું.” એમ કહીને હરિહર પંડિતે એ એકસો ને આઠ પૂરા શ્લોક ધોળકાની રાજસભાને કડકડાટ સંભળાવી આપ્યા, જેને અંતે ગૌડના પાંચસો શિષ્યોના વૃંદ વિજયની ઘોષણા કરી. રાજસભાના ઘુમ્મટને તેમ જ શ્રોતાઓનાં હૃદયોને વિદારતી એ ઘોષણા રાણા વીરધવલને ઝાંખાઝપટ કરી રહી. સોમેશ્વરદેવની સ્થિતિ તો વર્ણવી ન જાય તેવી થઈ. પોતાનું મોં લૂછીને હરિહર પંડિતે છેલ્લો પ્રહાર કર્યો: “આથી કંઈ કોઈએ હતાશ થવાનું ન હોય, હો પ્રભુ! અમે સૌ સમજીએ છીએ કે ધોળકા તો હજુ બાર-તેર વર્ષનું બચ્ચું છે. અમે કંઈ ઉજ્જૈન-ધોળકાની સરખામણી કરીને ધોળકાને ઉતારી પાડીએ તેવા મૂર્ખ નથી. ઉજેણીને તો તેર સૈકાનો ઇતિહાસ અને સંસ્કાર છે. અમારી તો એક જ ભાવના છે કે બાળક ધોળકા કેમ વૃદ્ધિને અને ખ્યાતિને પામે; પણ અપહરણ એ તો એક મહારોગ છે. સરસ્વતીની ચોરીનો રોગ આ તેર વર્ષના શિશુને ઉજરવા નહીં આપે. ચોરેલી વિદ્યાના કરતાં વિદ્યાનો અભાવ જ વધુ ઠીક છે.” તે પછી સભાના કાર્યક્રમનો બધો જ કબજો હરિહર પંડિતે લઈ લીધો. સોમેશ્વરદેવ નિર્જીવ પાષાણ જેવા બેસી રહ્યા.