ગુજરાતી અંગત નિબંધો/ખોવાઈ ગયેલો હું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૨
ખોવાઈ ગયેલો હું – અજય સોની



ગુજરાતી અંગત નિબંધો • ખોવાઈ ગયેલો હું – અજય સોની • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા


પોતાની જાતને તાકીતાકીને જોયા કરવી એ પણ એક અનુભવ છે. કોઈ ક્ષણ કે અનુભવમાંથી જાતને પસાર થતી જોઈને એવું લાગ્યા કરે છે કે હું નહીં પણ કોઈ બીજું છે જે મને દૂરથી જોયા કરે છે. જાતથી અળગા થઈને જાતને જોવાનો આવો અનુભવ પહેલાં ક્યારેય નથી થયો. જ્યારેજ્યારે એકાંતમાં કે મારી જાતથી નજીક હોઉં છું ત્યારે એવું લાગ્યા કરે છે કે કોઈ છે જે મને, મારા અનુભવોને, ચેતનાને, વિચારોને, દશ્યાવલીને અને મારી આંખોમાંથી હમણાં જ ખરી પડ્યું એ વિસ્મયને જોઈ રહ્યું છે. ના, ફક્ત જોઈ નથી રહ્યું. બલ્કે એકીટસે તાકી રહ્યું છે. એ શા માટે મને આમ અજાણ્યાની જેમ તાકી રહ્યું છે. એ હું નથી જાણતો પણ મન મુંઝાયા કરે છે. એ ભાવ ગોરંભાની જેમ વીંટળાઈ વળ્યો છેકે કોઈ મને જોઈ રહ્યું છે. મારી દિનચર્યાને પણ અંકે કરી રહ્યું છે. મારી ભાવસૃષ્ટિને પણ નોંધી રહ્યું છે. ને ક્યારેક ક્યારેક તો મારી સામે જ આયનો લઈને ઊભેલા મારા જેવા એક જણને હું જોઉં છું. ના, એ હું નથી. પણ મારા જેવું જ કોઈ છે, જે મને સમયના પટ પરથી પસાર થતું જોઈ રહ્યું છે. વાંચતાં, લખતાં રોજિંદાં કામો કરતાં પણ એવું લાગે કે કોઈ પાસે બેઠું છે. ના, મારા વિચારો કે દિનચર્યા પર કોઈ દબાણ નથી આવતું કે નથી અવરોધ પેદા થતો. પણ વારંવાર ધ્યાન ખેંચાયા. કરે. કોઈ અજાણ્યાની હાજરીને આપણે અવગણી કેમ શકીએ...! હવાના આછા ઝોકા સાથે આમતેમ થતાં પડદા પણ એનું હોવું પામી ગયા હોય તેમ ઘડીક અટકી જાય છે. તડકાનાં બદલાતાં પોત અને વૃક્ષોની ડોલતી ઘટા. બધું જ હું અનુભવી રહ્યો છું. અને મારી સાથે અને મારી પાસે રહીને મારો જ કોઈ અંશ મારાથી જુદો થઈને એ બધું નોંધી રહ્યો છે. કેમ જાણે એ બધાં સ્પંદનોને ઝીલીને ડાયરીમાં ટપકાવી રહ્યો હોય. જાણે ભવિષ્યમાં કામ આવવાના હોય. પણ મને ખબર છે કે જે નોંધી રહ્યો છે એ કાંઈ મને આપી નથી દેવાનો. એ તો બધું સંઘરતો રહે છે. એ તો જ્યારે મારી ચેતના ઝળહળે ત્યારે બંધ મુઠ્ઠીમાં એને આપવું હોય એટલું માંગણિયાતની જેમ મને આપી દે. હું યાચક નથી બની જતો પણ એ આપવા ઉતાવળો થતો હોય એવું લાગે છે. તેમ છતાં એ બધું ઠાલવી નથી દેતો. એનું વર્તન સમજાતું નથી. એ શું ઇચ્છે છે અને શું પામવા મથે છે એ મારી સમજબહારનું છે. પણ એની હયાતીનો અહેસાસ કે ભાર મને સતત લાગ્યા કરે છે. મારી એકાંતની પળો કે જેમાં માત્ર હું જ હોઉં છું. માત્ર હું. ત્યારે પણ એ બારીબહારની હવામાં વહેતો કે પછી ફર્શ પર લપસી પડતા તડકા સાથે ચળકતો કે પુસ્તકોની ગંધ વચ્ચે સમાઈને મને જોઈ રહ્યો હોય છે. જાણે મારી જ હાજરીથી હું ડિસ્ટર્બ થઈ જતો હોઉં એવું લાગે છે. એવી કેટલીયે પળો છે જે મેં એકલાએ જ માણી છે. અને મને એનો આનંદ છે. પણ આપણા ભીતરી આનંદને પણ કોઈ માપી રહ્યું હોય અથવા અંકે કરી રહ્યું હોય ત્યારે? અને એ આપણી જ ભીતરનો અંશ હોય ત્યારે? હમણાંથી એવું થયા કરે છે કે કોઈ ઓબ્ઝર્વ કરે છે, પણ એ કોઈ નથી હું જ છું. મારું જ અસ્તિત્વ મને જુદું પાડીને જોઈ રહ્યું છે. મારી દૃષ્ટિ, સંવેદન, સ્પર્શ, ચેતના બધે જ. હા, બધે જ એનો પગપેસારો થઈ ગયો છે. અરે, ગઈ સાંજે વરસેલો એ વરસાદને પણ મેં એકલાએ નથી માણ્યો. અને આજે વહેલી સવારે અચાનક જાગી જતાં ઘેરી વળેલો ડર પણ મેં એકલાએ નથી અનુભવ્યો. દૂર ક્ષિતિજને જોઈને આવેલો વિચાર પણ મેં એકલાએ નથી કર્યો. મારી પત્નીએ મારા હાથને કરેલો સ્પર્શ પણ મેં એકલાએ નથી અનુભવ્યો. કોઈ સાવ પાસે જ હતું. જે આ બધું જોઈ, અનુભવી રહ્યું હતું. ત્યારે જાતને કેમ કરીને સમજાવવી? કેમ આશ્વસ્ત કરવી કે ના, તું એકલો નથી. કે પછી તું એકલો જ નથી. ઘટનાઓમાંથી મારી જાત પસાર થઈ રહી છે અને અનુભવ કોઈ બીજું કરી રહ્યું છે. એ મારો જ અંશ મારી જ છાયા છે. એટલે તો દરેક ક્ષણે એ મારી પાસે, સાવ લગોલગ હોય છે. પવન મારી ત્વચાને પસવારતો હોય કે પછી મારી આંખો વરસાદની રાહ જોતી હોય કે પછી નાક જૂનાં પુસ્તકોની ગંધ પીવા આતુર હોય કે પછી વરસીને થાકેલું આકાશ ઝૂકી ગયું હોય કે પછી તડકો રંગ બદલ્યા કરતો હોય કે પછી તાજા ખીલેલા ગુલાબને મેં સ્પર્શ્યું હોય કે પછી હથેળીમાં વરસાદને ઝીલ્યો હોય કે પછી શિયાળુ રાતે બારીની તડમાંથી ઠંડીને અનુભવી હોય કે પછી મધરાતનું આકાશ આંખોમાં સમાવવાનો યત્ન કર્યો હોય. હા, દરેક વખતે કોઈ સાવ પાસે રહીને મારી સાથેસાથે જ મારી જેમ એ બધા જ અનુભવોને, સંવેદનોને અંકે કરી રહ્યું હતું. હું ઘણીવાર ભૂલી પણ જાઉં. પરંતુ એ અજાણી છાયા મને ઘણીવાર ઢંઢોળી મૂકે છે કે તું ચિંતા ન કર. તને યાદ ન હોય તો હું અપાવું. મધરાતે શિવમંદિરે થતાં ભજનો સાંભળતો તું બેઠો હતો ત્યારે તારી અંદર પણ ઝાલર વાગતી હતી. મંજીરા રણકતા હતા. તેેં ફક્ત ભજનના શબ્દો નહોતા ઝીલ્યા, તું એના મર્મ સુધી પહોંચી ગયો હતો. એ રાતે તેં ફક્ત ચોખ્ખું આકાશ નહોતું જોયું. બ્રહ્માંડને તારા ઉપર ઊતરી પડતું અનુભવ્યું હતું. પછી તું પણ જાણે બ્રહ્માંડનો એક અંશ હો એમ તારી અંદરથી પણ એક પ્રકાશપૂંજ આકાશ તરફ રેલાયો હતો. આકાશગંગાના એક અંશને તેં એ રીતે અનુભવ્યો હતો કે ઠંડી રાતના પણ તું કશાયની પરવા કર્યા વિના ચેતનાના એ પ્રવાહમાં ખેંચાઈને વહી ગયો હતો. શિયાળુ બપોરે તડકામાં બેઠાંબેઠાં તેેં માત્ર ક્ષણો પસાર નહોતી કરી. તારી છેક અંદર સુધી શિયાળાની હૂંફ પહોંચી ગઈ હતી. ત્યારે હું પણ તારી સાથે હતો. તને જોઈ રહ્યો હતો. તારા શરીર અને મનને તે ભલે શાંત રખાવી, સમજાવીને ખૂણે બેસાડી દીધું હતું પણ હું દરેક ક્ષણે તને અને તારી ચેતનાને જોયા કરું છું. મારી અંદર છુપાવી લઉં છું. કોણ જાણે ક્યારે કઈ ઘડીએ તને જરુર પડે! કોઈ ગંધની, કોઈ સ્પર્શની, અવાજની કે પછી ભીતર સુધી ઊતરી ગયેલા દશ્યની અને એ દશ્યે જગવેલા સંવેદનની અને એ સંવેદનમાં ખેંચાઈને અનુભવેલી લાગણીની કે કોઈ સ્વરે જગવેલા ભાવની. મારી પાસે બધું જ સચવાયેલું છે. પણ તું કહીશ ત્યારે તને નહીં આપું. તું બસ જીવ્યા કર, વહ્યા કર. તારી અંદર અફાટ સાગર છે. એ વલોવ્યા કર. કશુંક મળી આવશે ને હું સાચવી લઈશ. ફરી તને ક્યારેક કોઈ ટાણે આપીશ એવી નાનકડી એક ક્ષણ. જે તે વરસો પહેલાં મુગ્ધતાથી માણી હતી. તારી અંદર એ મુગ્ધતા તો રહી નથી પણ હું તને એ ક્ષણ પાછી આપીશ. જેથી તને એ ક્ષણપૂરતો થયેલો ચેતનાનો અનુભવ ફરી મળશે. કોઈ છે જે મને જોયા કરે છે. પણ હું ચલિત થયા વિના મારી જ જાતને દૂરથી જોયા કરું છું. કેમ કે મને ખબર છે કે હું તો માત્ર ક્ષણને જોઉં છું. અનુભવ કરીને મારી ભીતર સુધી સંઘરી રાખવાનું કામ એ અજાણ્યો જણ કરે છે. હવે, તેને કેમ કરીને અળગો કરવો કે પછી એનાથી શા માટે અળગા થવું?

[એતદ્‌, જુલાઈ-સપ્ટે. ૨૦૨૨]