ગુજરાતી અંગત નિબંધો/ગાડી, હું અને ખારોપાટ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
૩૧
ગાડી, હું અને ખારોપાટ – અજયસિંહ ચૌહાણ



ગુજરાતી અંગત નિબંધો • ગાડી, હું અને ખારોપાટ – અજયસિંહ ચૌહાણ • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા


માઈલોના માઈલ ગાડી ચલાવ્યા કરું છું. નજર પહોંચે ત્યાં સુધી માત્ર વેરાન ખારોપાટ છે. ક્યાંકક્યાંક ધૂળની ડમરીઓ જન્મી થોડી વાર ઘૂમર લઈને ધરતીમાં વિલીન થઈ જાય છે. ચૈત્ર મહિનાની ઉકાળી નાખતી ગરમીમાં હું ને મારી ગાડી પીપળી-ભાવનગરના રસ્તા પર જઈ રહ્યાં છીએ પાલીતાણા. સુધાને હવે ઉનાળુ રજાઓ પડવાની છે એટલે એને લેવા. શિયાળાની થથરાવતી ઠંડીમાં કે ચોમાસાની રાત્રિઓમાં ધોધમાર વરસતા વરસાદમાં પણ હું અનેક વાર અહીંથી પસાર થયો છું. મને હંમેશાં આ વેરાન પટ પોતીકો લાગ્યો છે. પાણીથી છલછલ હોવા છતાં એકલો-અટૂલો. ગાડી ચલાવતાં-ચલાવતાં એને જોઈ રહેવો ગમે છે. ક્યારેક સાંજ ઊતારવાની તૈયારી કરતી હોય. સૂરજ રતુંબલ રેશમી કિરણો વરસાવતો ક્ષિતિજ નીચે સરકતો હોય ને જિપ્સી વણજાર પસાર થતી હોય. એનો રખેવાળ ડાંગને ખભે નાખી મસ્તીમાં ચાલતો હોય. એને પગલેપગલે વણજાર પણ ચાલતી રહે. ઘણાં ઊંટો પર ખાટલો બાંધેલો હોય. બેચાર ભરત ભરેલા થેલા. એની ઉપર જિપ્સી સ્રી અને બાળકો. બસ આ જ પોતાનું ઘર. ક્યાંથી આવતાં હશે ને ક્યાં જતાં હશે. ગાડી-ગીતો-હું અને એ જિપ્સી વણજાર ક્યારે એકાકાર થઈ જઈએ છીએ ને ક્યારે પાછાં જુદાં – કંઈ જ ખબર પડતી નથી.

‘માઈલોના માઈલોના મારી અંદર પસાર થાય છે.
દોડતી ગાડીમાં હું સ્થિર, અચલ [...]
વિશ્વોનાં વિશ્વો મારી આરપાર પસાર થાય છે.
ઘૂમતી પૃથ્વી ઉપર હું માટીની શ્રૃંખલાથી બદ્ધ.
એકમેકની આસપાસ ચકરાતા ક્વાસાર, નિહારિકાઓ,
આકાશગંગાઓ, નક્ષત્રોનાં ધણ, - ચાલ્યાં આવે.’

ઉમાશંકર જોશીના કાવ્યની પંક્તિઓ રટ્યા કરું છું. હું પસાર થતો નથી, માઈલોના માઈલો મારામાં પસાર થાય છે. સ્થિર અચલ હોવા છતાં આપણી અંતહીન યાત્રાઓ ચાલ્યા કરે છે. જીવન અને બ્રહ્માંડ બંને જાણે કે એક અચળ નિયમથી બંધાયેલાં છે. આકાશગંગાઓ દરેક ક્ષણે એકબીજાથી લાખો માઈલો દૂર ને દૂર અવરિત દોડ્યા કરે છે. એમને નથી રહેવું એકબીજાના આકર્ષણમાં. પણ આ જ આકાશગંગાઓમાં સમયના કોઈ પડાવે નહીં રહે આકર્ષણ અને ફરી પાછી એકબીજામાં મળવા વ્યાકુળ બની બમણા વેગથી દોડવા લાગશે અને થશે એકાકાર. પ્રિયજનની નજીક જવાની સ્થૂળ ઘટના ખરેખર તો દૂરતાની શરૂઆત છે, એમ ભૌગોલિક દૂરતા નજીક આવવાનો પ્રવાસ. પ્રવાસ ચાલ્યા કરે છે ને આપણાંમાંથી પસાર થાય છે સ્થળો, ઘટનાઓ અને વ્યક્તિઓ. આ ખારાપાટમાંથી પહેલી વાર પસાર થયો હતો એમ.એ.માં ભણતો ત્યારે. ભાવનગર યુનિવર્સિટીના ગુજરાતી વિભાગ અને અમારી સરદાર પટેલ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગે એક વિદ્યાર્થી-આદાન-પ્રદાન કાર્યક્રમ યોજ્યો હતો. એેમાં અમારે પાંચ દિવસ ભાવનગર જવાનું હતું ને ભાવનગરનાં વિદ્યાર્થીઓ વિદ્યાનગર આવવાનાં હતાં. અમારે રોકાવાનું હતું વિદ્યાર્થીઓના ઘરે એમના કુટુંબ સાથે. મૂળ ઉદ્દેશ હતો વિદ્યાર્થીઓ એ રીતે એક જુદા પ્રદેશને જુએ-જાણે. વસંતની એક મધુર સવારે તારાપુરથી એક બસમાં ડ્રાઈવર પાસે બેસીને અપાર કુતૂહલ સાથે પ્રવાસ શરૂ કર્યો હતો. પ્રથમ દર્શને જ આ ખારાપાટ સાથે એક તંતુ જોડાઈ ગયો હતો. ત્યારે ખબર નહોતી કે આ રસ્તા સાથે એવો સંબંધ બંધાશે કે એ મારી માઈલો લાંબી અનેક સફરોનો સાથી બની જશે. બીજા વર્ષે એ જ કાર્યક્રમ હેઠળ ભાવનગર ગયો હતો. ત્યારે તો સુધા પણ સાથે હતી. વિનોદ જોશી અને મહેન્દ્રસિંહ પરમારના પરિવાર-વિદ્યાર્થીઓ સાથે ખાધેલા ઓળો અને રોટલાના સ્વાદ હજી દોઢ દશક પછી પણ દાઢમાં એવા ને એવા છે. પછી તો વર્ષમાં એકાદ વાર મહુવા જતાં એ ખારાપાટમાંથી પસાર થતો. પણ નિયતિ ફરીફરીને ત્યાં લઈ ગઈ. સુધાને પાલીતાણા કૉલેજમાં અધ્યાપક તરીકે નોકરી મળી અને એને પાલીતાણા મૂકવા-લેવા જવાનો અંતહીન ભાસતો ક્રમ શરૂ થઈ ગયો. એને પહેલી વાર પાલીતાણા મૂકવા જતો હતો ત્યારે હંમેશાં રમ્ય લાગેલો ખારોપાટ એ દિવસે અનેક વિચારવમળોનું કારણ બનેલો. એક અજાણ્યા પ્રદેશમાં, અજાણ્યા લોકોની વચ્ચે હું એને મૂકવા જઈ રહ્યો હતો. અમારાં બંનેની વાતો વચ્ચેના મૌનમાં એ ખારોપાટ વિસ્તરતો જતો હતો. મૂકીને પાછા વળતાં અત્યાર સુધી સાચવી રાખેલા બંધ તૂટી ગયા. વરસાદના આછા ઝાપટાની સાથે આંખો ધોધમાર વરસતી હતી. ગાડી ચૂપ હતી અને ખારોપાટ સૂમસામ. પાલીતાણાથી પીપળી વચ્ચેનું આખું જગત વરસતી આંખો સાથે નીરવ હતું. મારી અંદર એક ખારોપાટ સર્જાઈ ચૂક્યો હતો. એ સાંજ ભવિષ્યના ગર્ભમાં રહેલાં અનેક સ્વપ્નો-દુઃસ્વપ્નો સાથે ડૂબેલી. પછી તો અનેક ઊગતી સવારો ને આથમતી સાંજોમાં એ પટ પસાર કર્યો. એક રાત્રે મુશળધાર વરસતા વરસાદમાં ત્યાંથી પસાર થયો. રાત્રે સફર કરવી મને ગમે છે. એમાં પણ અજાણ્યા રસ્તાઓ પર દોડતી ગાડી. ચારે બાજુ છલકાતાં નક્ષત્રો, અંદરનું વાતાનુકૂલિત વાતાવરણ અને પ્રેમ-ઉલ્લાસને વ્યક્ત કરતાં મધુર ગીતો. પણ ‘તે રૌદ્ર રાત્રે’ અચાનક જ મારી ગાડીની હેડ લાઇટ બંધ થઈ ગઈ. શિકારીની જેમ શેરડા ફેંકતા ટ્રક્સની પાછળપાછળ એના અજવાળેઅજવાળે પાર્કિંગ ઇન્ડિકેટર ચાલુ રાખીને આણંદ આવ્યો. એ મારા માટે નવી રોમાંચક પરિસ્થિતિ હતી. ખારાપાટની સવારો કરતાં સાંજો મને વધારે ગમી છે. આથમતા સૂરજની સાથે ખારાપાટના કાળા-પીળા-સફેદ-કથ્થાઈ રંગોનું મિશ્રણ થતું. એક એવી જ સાંજે ધોલેરામાં ગાડી વાળી. ગામમાં પ્રવેશતાં જ લાગે સમય જાણે કે અહીંથી પસાર થયો જ નથી. અનેક સદીનો ભૂતકાળ મારી આગળ આવીને ઊભો રહે છે. જૂની હિન્દી ફિલ્મોમાં, ડાકુઓ ધાડ પાડવા આવવાના હોય, બૅકગ્રાઉન્ડમાં ડંકા વાગ્યા કરતા હોય ને ડરીને જંપી ગયેલું ગામ હોય... એેવું જ આ ગામ. લાકડાનાં મકાનો, ઉપર દેશી નળિયાં. કોઈ ચિત્રકારનું કૅનવાસ જ જોઈ લ્યો. આમ તો ખારોપાટ પોતે જ કુદરતનું એક મોટું કૅનવાસ છે. એમાં છે શિયાળામાં ઊડતાં ફ્લેમિન્ગોની હાર ને ઉનાળામાં પાણી માટે દોડતા વ્યાકુળ કાળિયાર. અંધારી રાતોમાં કાળા ચંદરવામાં ચમકતા તારા. અદ્દલ બરફના ઢગલા જેવા મીઠાના ઢગલાઓની પાછળથી થતો ચંદ્રોદય. ભરતી-ઓટના પાણીએ પાડેલા ચીલા, એકલુંઅટૂલું ઝાડ કે પછી કોઈ અંતરિયાળ ગામમાં લઈ જતી નાનીનાની સડકો. કોઈ એકલપંથી. એ બધું જ સમેટાઈ ગયું છે મારામાં ને હું એ ખારાપાટમાં...

[‘શબ્દસૃષ્ટિ’, ઑગસ્ટ ૨૦૧૭]