ગુજરાતી અંગત નિબંધો/રાત્રિસંસાર : દીવાદાંડી, દરિયો અને..
રાત્રિસંસાર : દીવાદાંડી, દરિયો અને... -- મહેન્દ્રસિંહ પરમાર
◼
ગુજરાતી અંગત નિબંધો • રાત્રિસંસાર : દીવાદાંડી, દરિયો અને... – મહેન્દ્રસિંહ પરમાર • ઑડિયો પઠન: ધૈવત જોશીપુરા
◼
પ્રિય.... ધારું તો મોબાઈલમાંથી સમય જોઈ શકું એમ છું. પણ, ઘડિયાળનો સમય અને મારી આસપાસનો સમય : કોઈ કાળે બેયનો મેળ ન ખાય એવી ક્ષણો વચ્ચે છું. કાલથી શરૂ થનારી વાર્તાશિબિર માટે વાર્તાકારો આવી ગયા છે. અગિયાર વાગ્યા સુધી એમની સાથે ગોષ્ઠી કરી. વીજળી ગુલ થઈ. પછી જનરેટર પણ પ્રકાશ ઓરીને ડૂકી ગયું. એ વાતનેય ખાસ્સા દોઢ-બે કલાક થઈ ગયા છે. ગોપનાથના વિહારધામની ગેલેરીમાં ફાનસના આછા ફરફરતા, અને અંતરના ખાસ્સા અજવાળે આવડે એવા અક્ષર પાડું છું. કાલે વાંચવા માટે વાર્તા નથી નવી.. અત્યારે એ પણ લખી શકાય. પણ બીજી વાર્તા માંડું! તમને લખવાનું મન થઈ જ આવે એવો સમય છે આ. શું છે એવું અત્યારે? ઠંડીનો મીઠો ચમકારો. સામે અંધકારમાં દૂર પાછો જતો રહેલો દરિયો. ડાબે, દૂર અલંગના જહાજવાડે જવાની પ્રતીક્ષામાં ઊભેલાં મહાકાય જહાજોની ઝલમલતી બત્તીઓના પાણીમાં તરતા શેરડા. ઊંચા-નીચા થતા આ શેરડાને ખબર નથી, એનું ભવિષ્ય શું છે! પેલા મદોન્મત્ત જહાજને પણ ખબર નથી કે કાલ સવારે, કે પરમે, એનાં પાટિયાં અહીં-તહીં આથડવાનાં છે! ક્યાંક ટમટમે છે માછીમારોની હોડીના દીવડા. ભૂખ્યા. પવનની હાજરી, કાળી આકૃતિમાં ફેરવાઈ ગયેલી નાળિયેરીનાં પાન ખખડવાથી કળાય છે. બેઠો છું ત્યાંથી પાછળ, અંદર, રૂમમાં, આછું ફાનસ છે. ને સાથે તમે છો! એકદમ જમણી તરફથી દીવાદાંડીના શેરડા. એના સ્ટ્રોક વચ્ચેનો સમય ક્યારનો ગણું છું. નવનાં આવર્તને એક, નવનાં આવર્તને બીજો અને ઓગણત્રીસે ત્રીજો પ્રકાશપુંજ. આ અંતરાલે ફર્યા કરતો પ્રકાશ ક્રમશઃ નાળિયેરીનાં ચમકતાં પાંદડાંની ટોચ, મારો ચહેરો, ડાબા ઝાડ પર ઊંઘતાં પંખીઓ અને દરિયાની કાળી-ધોળી સપાટી ઉપસાવ્યા કરે છે. નવ...નવ... ઓગણત્રીસ : ખૂલતી, બિડાતી, ફરતી-ચકરાતી આ દુનિયા. પાંચ-સાત કૂતરાં એકધારાં કોઈ વાતે ઝઘડી રહ્યાં છે. એમનું ભસવું વાતાવરણને વધુ રંગીન બનાવે છે. દૂર પાણીમાં પંખીઓના આછા ચળાઈને આવતા અવાજ. તમરાં. એકધારાં. નાળિયેરી પર કે ક્યાંક અદીઠ જગ્યાએ કોઈ મોટા પંખીનો પાંખો ઘસવાનો અવાજ. પાણીની તીવ્ર-સાન્દ્ર ગંધમાં ભળતી ફાનસના કેરોસીનની ગંધ. ઉપર તારાખચિત અપૂર્વ આકાશ – જે રોજ અપૂર્વ હોય છે! નક્ષત્રોનો નાટારંભ. સૃષ્ટિ સમસ્તની આ રાસલીલા! નરસિંહે તલ્લીન બનીને જોઈ તે આ હશે કે કોઈ બીજી? દીવાદાંડીના પ્રકાશપંથે આખી ચકરડી ખાઈને પાછો ફરું છું. કાગળમાં વળી તરું છું. વાર્તા લખવાને બદલે આ માંડી બેઠો. તમારી સાથે વાત કરવાની સહજ તીવ્ર ઇચ્છા, ‘મારા પત્રો વાંચવાનું તમે હવે બંધ કર્યું’ કે ‘મારા પત્રોની વિસંગતિઓ’એ મને ખુલ્લો પાડ્યો કે... જે હોય તે. એ બધું અત્યારે વચ્ચે લાવ્યા વિના – ‘એ’ સંસારની ક્ષુલ્લક ધમાલોને વચ્ચે લાવ્યા વિના – ‘આ’ સંસારની મોજ જે હું માણું છું એની ઝાંખી તમને ન કરાવું? રાત્રિસંસારની આ રમણા પેલી જવનિકાનું છેદન કરશે કે નહીં, ખબર નથી. ‘વિશુદ્ધિનું શોધન’ જરૂર કરી લેશે. તમે બહુ આકરા પરીક્ષક છો. ભલે. તોય તમારી પરીક્ષામાં વારંવાર બેસવું ગમે. નાપાસ થઈએ તો થઈએ. પણ બેસીએ ચોક્કસ. અગાઉ કહ્યું તેમ બહુ જ ઓછા પ્રકાશમાં આ લખું છું. ફાનસનું એકધારું આછું અજવાળું કાગળના ઉપલા અરધા હિસ્સામાં પડે છે. બાકી ચક્રાકાર દીવાદાંડી. એટલામાં અક્ષરોની ઉબડખાબડ ગતિ. એવી જ ચિત્તની. ને તોય ગાડું ચાલે છે. આ સંસારનો બહુસુખિયો જીવ હું છું એવી પ્રતીતિએ આ લખતાં સવાર પડે તોય વાંધો નથી. ‘આ બધું પણ છે’-નું આશ્વાસન કેટલું મોટું છે! દરિયો હવે નજીક આવી રહ્યો લાગે છે. ઝબકારે-ઝબકારે એનું ઘટતું અંતર ભાળું છું. ‘આવું છું. આવું છું’ કરતાં મોજાંનો અવાજ અને ફેનિલ મોજાંની સફેદ દંતપંક્તિ અદ્ભુત ભાત રચે છે. અંધકારને પહેરાવેલી રજતમાળ જેવી એ રેખા ચમકચમક ચમકી રહી છે. સવારે, ‘ભલે ઊગા ભાણ!’ થશે ત્યારે આખ્ખો દરિયો સામે હાજર હશે. દરિયાના ભાષ્યની જેમ આકાશનું ભાષ્ય પણ બદલાતું રહે છે. નક્ષત્રમંડળ મુખર થઈ-થઈને નવાં ચિત્રો રચતું ચાલે છે. શુક્ર જ્યાં સાંજે હતો ત્યાં અત્યારે નથી. વૃશ્ચિકની પૂંછડી ક્યાં ગઈ તે ક્યારનો ખોળું છું. મળી જાય તો એના વળાંકે ટિંગાઈને મૃગશીર્ષના શિંગડે બેસી જઈશ. ત્યાંથી શું લઈને આવીશ તેની ખબર નથી. પણ, તમને લખીશ તો ખરો જ. હું ને મારી વિસંગતિઓ ભલે તમારા માઈક્રોસ્કોપ હેઠળ ફરી એકવાર ખુલ્લાં પડો. અધમધરાતે એકલો મ. ગોપનાથ; ૨૩ જાન્યુ. ૨૦૦૪
[‘રખડુનો કાગળ’, ૨૦૧૬]