અછાંદસ કવિતા : (લયમુક્ત અને મુક્તલયની કવિતા) સ્વરૂપ ચર્ચા
નર્મદ-દલપતથી આપણી કવિતા સંસ્કૃત અક્ષરમેળ આદિ તથા માત્રામેળી છંદોમાં પ્રવેશે છે. છેક ૧૯૫૦ સુધી – ૧૯૬૦-૭૦ સુધી (અને છૂટકતૂટક આજલગી) એ છંદોના અને છંદોમાં પ્રયોગો થતા રહ્યા છે. એનાં ઉત્તમ પરિણામો ય સામે છે... ને કવિતાના માધ્યમ તરીકે એની સમસ્યાઓ પણ જાણીતી છે.
કવિતાની વ્યાખ્યામાં છંદને અનિવાર્ય ગણ્યો નથી, પણ એની ઉપકારકતા અજાણી નથી. છંદને માત્ર સ્થૂળ અર્થમાં ઘટાવવાને બદલે એ રચનાપ્રક્રિયાને નિયંત્રિત કરે છે? કાવ્યબંધને બાંધવામાં-આકારિત કરવામાં ઉપકારક છે? ભાવાલેખનને મોકળાશ આપે છે કે અવરોધે છે? ભાવાલેખન-ઊર્મિનિરૂપણ એનાથી સઘન, સૂક્ષ્મ બને છે? મુખરતા ઘટાડવામાં ને ભાવને ઘૂંટવામાં એ ઉપકારક છે? – આવી સૂક્ષ્મતાથી છંદનો વિચાર કરીને કાવ્યત્વમાં એની અનિવાર્યતાને પ્રમાણી શકાય. કાવ્યના સૌંદર્ય રૂપને નિખારવામાં છંદોલયની મદદને હું નકારવાના મતનો નથી. અલબત્ત, કોઈ બીજી જુક્તિથી પણ સૌંદર્ય નિર્માણ કરે – જેમકે પરંપરિત લય, અછાંદસ અને ગદ્યકાવ્યોમાં થાય છે.
છંદ-લય-પ્રાસાનુપ્રાસ-શબ્દાલંકારો ભલે બાહ્ય ઉપકરણો લાગે, પણ કવિતામાં એમની ઉપસ્થિતિથી ભાવાર્થ અને સૌંદર્યરૂપને ફાયદો થાય છે – જો પ્રતિભાશાળી કવિ એવી રીતે એને પ્રયોજે તો : દા.ત., કાન્ત વગેરે.
‘રેટરિક’ – વાગ્મિતાનો પક્ષ લેનારા છે તેમ તેનોે વિરોધ કરનારા ય છે. નોર્થ્રોપ ફ્રાયે અલંકૃત વાણી, પ્રભાવક તથા આર્જવભરી વાણીનો સજાવટ અને સમજાવટના દૃષ્ટિકોણથી વિચાર કરેલો. વર્ડ્ઝવર્થ સ્વાભાવિક-સહજ હોય તે કાવ્યપદાવલિનો પક્ષ લે છે તો કોલરિજ સાધારણ ભાષાથી કાવ્યભાષાને ભિન્ન ગણાવે છે. કૃત્રિમ ભાષા જૂઠી એમ વર્ડ્ઝવર્થ કહે છે. જોકે સાહિત્ય/કળા માત્ર ગોઠવણ છે. પણ એ સહજ લાગે એમ થવું ઘટે. કોલરિજ ચિત્તની પ્રકૃતિ પ્રમાણે પદાવલિ યોજવાની છૂટ આપે છે. ન્હાનાલાલના અપદ્યાગદ્યને આવા પરિપ્રેક્ષ્યમાં જોવું ઘટે છે.
સંસ્કૃતમાં નિરૂપ્ય ભાવ અને કવિની પ્રકૃતિ પ્રમાણે સુકુમાર/વિચિત્રાદિ માર્ગોની ચર્ચા છે. આ બધાનો સંદર્ભ છંદ-લય-ભાષા-વાગ્મિતા સાથે છે. કાવ્યમાં આ બધાં તત્ત્વો ઔચિત્યપૂર્વકનો મહિમા ધરાવે છે એટલું કહેવંા બસ થશે.
ગુજરાતી કવિતામાં છંદોના અને છંદમુક્તિના, નવા અનુકૂળ છંદોની શોધના પ્રયોગો-પ્રયાસો સતત ચાલતા રહ્યા છે. નર્મદને પણ મહાકાવ્યાનુરૂપ છંદની જરૂર પડેલી. સંસ્કૃત વૃત્તો એ માટે અર્વાચીન કવિઓને દરેક યુગમાં વધારે ચુસ્ત કે બંધનરૂપ લાગ્યા છે. ખાસ તો વિષયવસ્તુ – એની પ્રકૃતિ, ચિંતન-દર્શન, ભાવોર્મિઓ-છટાઓ, ગહન-રહસ્યો કે ચિત્તક્ષોભ, ઘટનાઓની ગલીકૂચીઓ કે પ્રસંગોની ગતિ... કૈં કેટલુંય આલેખન મહાકાવ્ય, દીર્ઘકાવ્ય કે અન્ય કાવ્યમાં કવિને આણવું હોય છે. સંસ્કૃત છંદોમાં એની તાવણી થવા દઈને ય એ મથે છે. પણ ઉક્ત વિગતો રજૂ કરવા છંદો હંમેશાં મોકળાશ નથી આપતા.
છંદોનો પક્ષ લઈને હંમેશાં એવું નહીં કહી શકાય કે કવિશક્તિ જ ઊણી ઊતરે છે. આપણે છંદોની પ્રકૃતિને જાણીએ તો તરત ખ્યાલ આવશે કે એ જેમ ભાવોની અભિવ્યક્તિને ઉપકારક છે એમ અક્ષરગણના-માત્રા-તાલ ઇત્યાદિ સાચવવાના આગ્રહોમાં અવરોધક પણ બને છે. કવિએ છંદ સાચવવા શબ્દ – ઉત્તમ શબ્દ, ભાવાર્થ માટે યોગ્ય શબ્દ જવા દેવો પડે એવું બને, તો નબળો શબ્દ પ્રયોજવો પડે – એવું કાન્ત માટે ય બન્યું છે. (દા.ત., ‘ધોળાં’ અનેક ગમથી ઝરણાં દડે છે... વગેરે..)
કવિતામાં છંદોલયનું કાર્ય બતાવવા આપણે (બ.ક.ઠા.)/સુ.જો.ની જેમ) ઘણાં ઉદાહરણો લઈ શકીએ. વર્ણ, શબ્દ, યતિ સ્થાન, ખંડ વગેરે દ્વારા, એવા સ્વરભાર કે કાકૂ દ્વારા અર્થને થતો લાભ કે ભાવની ઉપસતી છટાઓ કે સ્પર્શ્ય અનુભૂતિ દર્શાવી શકીએ. એ દરેકમાં માત્ર છંદની જ કે માત્ર લયની જ કરામત નથી હોતી ત્યાં સૌ ઘટકોનો કવિપ્રતિભાએ સહજ રીતે સાધેલો યોગ પણ મહત્ત્વનો છે. (દા.ત., ‘નજર ભરીને’ – કરીને નહીં, ‘ઊપાડેલા ડગ ઉપર’ – પગ ઉપર નહીં... વગેરે.)
છંદ મુક્તિના ધ્યાનપાત્ર પ્રયોગો પંડિતયુગમાં વધારે થયા છે. સંસ્કૃત છંદોને ખંડ કે અભ્યસ્ત (શ્લોકો તોડો/ચરણ તોડો) કરવાના પ્રયોગો તો ઠીક છે પણ ન્હાનાલાલની ડોલનશૈલીનો પ્રયોગ અને બ. ક. ઠાકોરની અગેયતાની – પ્રવાહિતા – અર્થાનુસારી યતિની વિગતો મહત્ત્વ ધરાવે છે. સ્વરયોજના-કાલમાન-તાલ-યતિ ગેયતા માટે જરૂરી છે. એમાં તોડફોડ કરવાથી અગેયતા આવે છે. ગેયતા માટે નિયત સૂરો ને નિયત ગોઠવણી પૂરતાં છે. બ. ક. ઠાકોરને વિચારઘન કવિતામાં આ બંધનરૂપ લાગતાં એમણે પ્રમાણમાં અગેય એવા (પ્રવાહી રૂપ કરીને) પૃથ્વીનો પ્રયોગ કરેલો.
બળવંતરાયના આવા પ્રયત્નોને લીધે આપણે કવિતાનો ‘પાઠ’ કરતા થયા. એમાં અંગ્રેજી કવિતાની રજૂઆતનો પણ પ્રભાવ છે. પછી તો કવિતા ગાવા/રાગડા તાણવા માટે નથી પણ ભાવાનુસારી-અર્થાનુસારી પઠન સારુ છે એમ માનતા થયા. (અછાંદસમાં આ વધુ પ્રભાવક લાગે છે.) (ગેયતા અને પાઠ્યતાના ભેદ માટે ‘ભાવન-વિભાવન’, ડૉ. ભાયાણી, પૃ. ૧૭૭ જોશો.)
છંદમુક્તિના પ્રયોગો તરફ આપણને અંગ્રેજી કવિતાએ, એનાં ‘બ્લેંકવર્સ’ (છંદોલયરહિત) કાવ્યો-નાટકોએ વાળ્યા, એ પણ હકીકત છે. ન્હાનાલાલની રંગદર્શી પ્રતિભા તથા નિતાંત ભાવનાદર્શશિલતાને છંદો સાંકડા પડ્યા – બંધન ભાસ્યા... એમણે અનિયમિત લયના ડોલનવાળી શૈલી પ્રયોજી. એ ગદ્યની વધુ નજીક છે – પણ ચુસ્ત ગદ્ય નથી. એમાં છંદો નથી, એની પરંપરિત લઢણો ય નથી, એમાં છૂટકતૂટક આરોહ-અવરોહ હોવા છતાં એમાં તારવી શકાય એવો નિયમિત આવર્તનનો લય નથી – માટે એ ‘પદ્ય’ નથી. આમ અપદ્ય-અગદ્ય એટલે અપદ્યાગદ્ય = ડોલનશૈલી! ભાવાવેગ, ભાવના પ્રધાનતા અને વાગ્મિતાના પ્રાગટ્ય માટે આ શૈલી વધુ માફક આવી. પદ્ય અને ગદ્યની વચ્ચે અનેક કોટિઓ છે – ગદ્યની, એમાંની એક તે ડોલનશૈલી. એને કાવ્યવસ્તુને ઉપકારકતાની ભૂમિકાએ જ મૂલવી શકાય. બાકી એનો ઘણો ભાગ ગદ્યની નજીક છે... (જયંત પાઠકના મતને આધારે) મહત્ત્વનું એ છે કે ન્હાનાલાલની એ છંદશોધ છંદમુક્તિની દિશામાં ભરાયેલું મૂલ્યવાન પગલું બની રહે છે.
બ. ક. ઠાકોર અને ન્હાનાલાલના સમયમાં જે થયું તે દબાવો વચ્ચે, કૈંક ટીકાઓને ભયે અરધું-પરધું બીતાંબીતાં થયાનું નોંધાયું છે.
છંદમુક્તિના કે શિથિલ છંદના આ પ્રયોગો નવી પેઢીઓને માર્ગ સૂઝાડે છે.
(૧) શ્લોક/ચરણ તોડવાં, અગેયતા આણવી, – ના પ્રયોગોએ આપણને પરંપરિત છંદો તરફ વાળ્યા... ને પરંપરિત છંદોએ આપણને આધુનિક મિજાજ છટાઓ ઝીલવા તરફ પ્રેર્યા... ને એમાંથી અછાંદસ તરફ સરવાનું સરળ બન્યું એમ મને લાગે છે.
(૨) ન્હાનાલાલની છંદમુક્તિની દિશા નવા કવિઓને (છેક ૧૯૫૫માં) અછાંદસ માટે પ્રેરક બની એવું જોખમી વિધાન હું નહીં કરું પણ, કવિઓના મનોનેપથ્યમાં ‘અપદ્યાગદ્ય’નો પ્રયોગ પડેલો હતો – એ દિશામાં જવાનું સાહસ એને એટલું નવું નહીં લાગ્યું હોય તો એ ન્હાનાલાલને લીધે.
(૩) ઠાકોર-ન્હાનાલાલ અને એમના અનુગામીઓના છંદમુક્તિના, અગેયતાને, પરંપરિત છંદોને અનુસરવાના, નવાં-ઓછીવધતી માત્રાનાં લયાવર્તનો (ચતુષ્કલ-પંચકલ-ષટ્કલ...વગેરે)થી કાવ્ય કરવાના પ્રયોગો આપણને આધુનિક ભાવસંવેદનને અનુરૂપ અછાંદસની દિશામાં પ્રેરનારાં મહત્ત્વનાં પરિબળો છે.
(૪) ૧૯૪૦ પછી અંગ્રેજી તથા અન્ય ભાષાના કાવ્યાનુવાદો ગુજરાતીમાં થવા માંડેલા. અનુવાદો સમશ્લોકી ન હતા. બલકે એ માટે ગદ્યનો, વિશિષ્ટ લઢણોવાળા ગદ્યનો, સર્જનાત્મકતા ઝીલી શકે એવા ગદ્યનો પ્રયોગ થયો. આનાથી અછાંદસના ઉદ્ભવની દિશા મોકળી થઈ ગઈ હતી.
(૫) સંસ્કૃત ભાષાને અક્ષરમેળ છંદોની ચુસ્તી નડતી નથી – કેમકે એની રૂપરચના વિશિષ્ટ ભાષા છે. આપણું વિભક્તિ પ્રત્યયો ને વાક્યનું અલગ તંત્ર મળેલું છે. વળી સંસ્કૃત તત્સમ શબ્દપ્રધાન ભાષા છે – છંદોલય સાચવવાનું એને સરળ છે. જોકે સંસ્કૃતવૃત્તોનાં નિયંત્રણો એટલાં દૃઢ હતાં કે એમણે કવિઓ માટે ‘અમરકોશ’ જેવો પર્યાયકોશ કરવો પડ્યો... આ સગવડે કવિ યાંત્રિક રીતે છંદ અનુરૂપ શબ્દ પસંદગી કરવા લાગ્યો – આથી કૃતકતા આવી. વળી એમાં કસબ, કરામત દેખાવા લાગેલાં.. જાણે તૈયાર છંદોલય માટે તૈયાર શબ્દોનો માલ!
(૬) છંદ અને કાવ્યભાષા-નો મેળ બેસાડવા જતાં આપણને લાગ્યું કે નિયત માત્રા કે વર્ણ (લઘુગુરુ)વાળા શબ્દોની પસંદગી કરવી અનિવાર્ય બને ત્યાં ઘણીવાર કવિએ ઉચિત શબ્દને જવા દેવો પડે છે... શબ્દગુચ્છોનું કાર્યક્ષેત્ર અને અર્થજગત પણ આથી મર્યાદિત લાગે છે. સંસ્કૃતવૃત્તોવાળી આપણી કેટલીય કાવ્યપદાવલિ કૃતક પણ લાગે છે. એની બદ્ધ ભાત પણ નવા રચનાકારને પજવે છે – વગેરે. આમ છંદો જાણે કે અઘરા લાગતાં મુક્તિનો પડકાર રચાતો આવે છે.
(૭) આઝાદી પછી આપણા જીવનમાં, જીવનવિચારમાં પરિવર્તનો તારસ્વરે સંભળાય છે. વિજ્ઞાન-ટેક્નોલોજી-યંત્રીકરણ-મૂલ્યહ્રાસ ઇત્યાદિએ આધુનિકતાવાદી વિચારધારા પ્રવર્તાવી. આપણો સર્જક એનાથી અળગો નથી રહ્યો. છિન્નભિન્ન જીવન માટે નિશ્ચિત આકાર જાણે અસામાન્ય બને છે. એટલે છિન્ન જીવન માટે છિન્ન છંદ-વાળો ઘાટ રચાયો. વિષાદ, હતાશા, શૂન્યતા, એકલતા, એકવિધતા, વિડંબના, ઉપહાસ, બર્બરતા, આદિમતા, અરાજકતા, વિ-રૂપતા, અ-માનુષતા ઇત્યાદિ ભાવો-સ્થિતિઓ માટે છંદોે કે પરંપરિત લયોનાં ચોકઠાં સાવ જ અપ્રસ્તુત બની જાય છે ને એ ભાવોની આક્રમકતા જાતે જ પોતાને અનુરૂપ એવા અછાંદસનો આધાર લઈને પ્રગટી ઊઠે છે.
અછાંદસની કેટલીક લાક્ષણિકતાઓ :
* ‘અછાંદસ’ એટલે છંદોહીન, છંદો વગરનું, નિશ્છંદ. રૂઢ થયેલી સંજ્ઞા ‘અછાંદસ’. ‘છાંદસ’ એટલે ‘પદ્યબદ્ધ’ અને ‘અછાંદસ’ એટલે ‘ગદ્યબદ્ધ’ – એવાં સમીકરણો બંધાયાં છે. છાંદસ એટલે પદ્યબદ્ધ તો સાચું પણ ‘અછાંદસ’ એટલે ‘ગદ્યબદ્ધ’ એવું નહીં કહેવાય.
* સર્જનાત્મક ગદ્યની પણ અનેક કોટિઓ છે – જેમકે નવલિકાનું ગદ્ય (‘ચામડીને બાળીને ચામડું કરે એવો તાપ હતો.’) નવલકથાનું ગદ્ય (મળેલા જીવ + છિન્નપત્ર) નાટક કે લલિત નિબંધનું ગદ્ય. સર્જનાત્મક ગદ્યમાં સંઘટના, સંગતિ, સાતત્યપૂર્વકતા, શૃંખલાબદ્ધતા હોવાથી એ બોલાતી ભાષાથી-વાણીથી જુદું પડે છે. ‘અછાંદસ’નું ભાષારૂપ પણ એની વિશેષતાઓને લઈને કથાસાહિત્યના કે સર્જક નિબંધના ગદ્યથી જુદું છે. અરે, ‘ગદ્યકાવ્ય’થી પણ એ નોખું છે.
* જેમ દરેક ‘પદ્ય’ કાવ્ય નથી એમ દરેક ગદ્ય કોટિનું લેખન પણ કાવ્ય નથી. કાવ્યત્વને એની જે જે શરતો છે તે બધી જ અછાંદસને પણ લાગુ પડે છે. વિલક્ષણ કથન, વ્યંજનાપૂર્ણતા કે લાક્ષણિક વર્ણન, સંકેત, વક્રોક્તિ, રમ્યતા – રસાર્દ્રતા વગેરે.
* ‘અછાંદસ’માં ઘણીવાર વ્યાકરણચુસ્ત વાક્યરચનાઓ મળે પણ ખરી, છતાં એ ‘ગદ્યકાવ્ય’થી જુદું છે – કેમકે એ વાક્યના રચનાતંત્રને વશવર્તતું નથી, એ એમાં મૂડ-મિજાજ-ભાવ-વિભાવ પ્રમાણે પરિવર્તનો આણી નવી ભાત રચે છે. (દા.ત., ‘જેસલમેર’ કાવ્યો) ‘ગદ્યકાવ્ય’માં વ્યાકરણીય દૃષ્ટિએ વાક્યો સંપૂર્ણ હોય – એમાં કાવ્યત્ત્વ – એની શરતોમાંથી પ્રગટે – એ સમાન મુદ્દો છે... મણિલાલ દેસાઈનું ‘અમદાવાદ’ ગદ્યકાવ્યનો નમૂનો છે.
* ‘અછાંદસ’ને એના પોતીકા લય-મરોડ હોય છે. (આ ‘લય’નું તત્ત્વ અનેક રૂપે-કોટિએ ગદ્ય-પદ્ય-વાણી બધાંમાં છે. અરે ચિત્ર-સંગીત-સ્થાપત્યમાં પણ – શિલ્પાદિમાં પણ ‘લયાત્મકતા’ કે ‘લય’ છટાઓની વાત આવે જ છે.)
* ‘લય’-મરોડ ઉપરાંત ભાષારચનાગત કાકૂ/સ્વરભાર, આરોહ-અવરોહ, ઉદ્બોધન, સ્વગતોક્તિની લઢણો, કથન-નિરૂપણ-સંકેત કરતી ભાતઃ ઇત્યાદિ ‘અછાંદસ’ને એની આગવી ઓળખ આપે છે. – આ બધું પ્રાસ-વર્ણપ્રાસ-વર્ણપ્રયોગોની ભાતથી લઈને વાક્યો/પંક્તિઓની યોજનાઓમાંથી કવિ પ્રગટાવે છે ને એમ કાવ્યસિદ્ધ કરે છે. દા.ત. રોમેન્ટિક કવિનું દુઃસ્વપ્ન/ કવિનું વસિયતનામું (સુ.જો.) કે પ્રિયકાન્ત મણિયારનું ‘એ લોકો’ કાવ્ય જુઓ.
* ‘અછાંદસ’ લઘુકાવ્ય-ઊર્મિકાવ્યથી માંડીને સુદીર્ઘ કાવ્યો સુધી ભાવાર્થ-નિરૂપણ માટે ગુંજાશ ધરાવે છે. એમાં ક્યારેક બોલચાલની ભાષા લય-લહેકા-મરોડો આવે છે; તો ક્યારેક વળી પરંપરિત લયના ટુકડા પણ આવી જાય છે. આપણાં દીર્ઘકાવ્યો (૧૯૫૦ પછીનાં) આને લીધે શુદ્ધ ‘અછાંદસ’ નથી પણ મુક્તલયનાં કાવ્યો કહેવાયાં છે.
* વિસંગત, આધુનિક, છિન્ન જીવનની લાગણીઓ કે ભાવો માટે ‘અછાંદસ’નો પ્રયોગ આપણે ત્યાં સફળ રીતે થયો છે. લોકબોલીમાં ‘અછાંદસ’ રચનાઓ કરવાના પ્રયોગો સુધી આપણો કવિ ગયો છે. આમ ક્યાંક અનિયમિત લયાભાસી ટુકડાઓથી લઈને અર્થયુક્ત ગદ્ય સુધીની સીમાઓ વચ્ચે અછાંદસ રહ્યું છે.
* છંદમાં જે શબ્દચયનમાં અવરોધો હતા, તે અછાંદસમાં નથી, એનાથી વધુ પડતી સ્વૈરતા આવી જવાનો ભય પણ છે. અહીં કાવ્યકેન્દ્રી ભાવસંવેદનને ઉપકારક હોય એટલું જ આગળ વધી શકાય. કોઈ એ કેન્દ્ર છોડી દે તો અરાજકતા આવે – જોકે આ મુદ્દો કોઈ પણ સર્જક કૃતિ માટે કહી શકાય એવો છે.
[આપણા અનેક વિદ્વાનોનાં મંતવ્યોનો અભ્યાસ કરીને લેખ તૈયાર કર્યો છે... એ સૌનો આભાર. સંપા.]
ગુજરાતી અછાંદસ (લયમુક્ત અને મુક્તલયની) કવિતા : વિકાસરેખા
* અહીં અછાંદસ કવિતાનું કોઈ અંતિમ મૂલ્યાંકન આપવાનો આશય નથી. અહીં આપણાં નવાં સવાં અધ્યાપકભાઈબેનોેને ધ્યાનમાં રાખીને – વર્ગમાં અછાંદસ શીખવવા જનારે ઓછામાં ઓછું શું જાણવું ને વર્ગમાં શું શું કહેવું અનિવાર્ય ગણાય તેની – વાતો કરવા ધાર્યું છે.
* માનવનો એ સ્વભાવ રહ્યો છે કે એ જે ઘડીએ ‘બંધન’ – ‘નિયમન’ સ્વીકારે છે એ જ ઘડીથી એ નિયમનને હળવું કરવા કે બંધનમુક્ત થવા ચાહે છે. આ માનવચિત્તનું સૂક્ષ્મ વલણ કળાઓમાં પ્રયોગશીલતાને આણે છે.
અર્વાચીન કાળને આરંભે ગુજરાતી કવિતાએ છંદો-સંસ્કૃત છંદો તથા માત્રામેળ વૃત્તોનો સ્વીકાર કરેલો... એની સાથે સાથે જ મોકળાશવાળી અભિવ્યક્તિ માટે વધુ સરળ/સહજ છંદ-લય-વૃત્તની શોધ પણ શરૂ થયેલી. નર્મદ-ન્હાનાલાલ-બ.ક.ઠા.માં એવા વલણો છે ને અન્યોએ પણ છંદોમાં પ્રયોગો કર્યા છે... એ ઇતિહાસ અહીં ચર્ચાનો વિષય નથી.
* પણ છંદોથી છૂટવાના કે એની સીમામાં રહીને મુક્ત અભિવ્યક્તિના પ્રયોગો કરવાનાં વલણો ખાસ્સાં રહ્યાં છે. અછાંદસને પ્રેરનારાં બળો તારવી શકાય.
૧. અન્ય (દેશી-વિદેશી) ભાષાના કાવ્યાનુવાદો (૧૯૪૦ પછી વધુ) છંદમુક્ત રીતે થાય છે. ૨. અંગ્રેજી ફ્રીવર્સ કવિતા (નાટકો પણ – બ્લેંકવર્સવાળાં)નો પ્રભાવ ૩. પરંપરિત છંદોલયના પ્રયોગોએ પણ અછાંદસની દિશામાં ભૂમિકા બાંધી. (દા.ત., ઉ.જો. ‘છિન્નભિન્ન છું’/ ‘શોધ’-માં પરંપરિત લય સાથે અછાંદસના ટુકડાઓ છે.)
* ૧૯૪૦–૪૫ પછીની નિરંજન/પ્રિયકાન્તની પરંપરિત લયની રચનાઓ વિદ્યાર્થીઓ સામે વર્ગમાં વાંચવી જોઈએ. એમાં પંક્તિ રચના – બાહ્ય સાદૃશની રીતે – છંદોબદ્ધ રચનાથી જુદી છે – પરંપરા તૂટે છે... દા.ત., નક્કી અહીં આ હું રહું છું?/ કો’ શબ્દના અક્ષર સમા અથવા નિરંજનનાં પાત્રોનો પરંપરિત લય... વગેરે.)
૪. આધુનિક યંત્રચેતનાના પ્રસાર સાથે જીવનચેતના ય મરોડાય છે. બદ્ધ ઘરેડો તરડાય છે. છિન્ન જીવનસંવેદના માટે છિન્નલયની કવિતા. નૂતન સંવેદનાની અભિવ્યક્તિ માટે અછાંદસની નવી ભાત – જેમાં રચનાભાતો (આરોહ-અવરોહ, ઉદ્બોધન, કથન... વગેરે.) પણ ઘણી પ્રગટે છે. દા.ત., કવિનું વસિયનામું.../ જેસલમેર/ તથા અન્ય.
* ગુજરાતી કવિતામાં અછાંદસ આધુનિક સંવેદનાનું વાહક બને છે. જાણે કે આધુનિકતા પ્રગટવા માટે અછાંદસને પોતાનું માધ્યમ બનાવે છે.
* અછાંદસ કવિતાના તબક્કામાં કવિતારચનામાં જે પરિવર્તનો આવ્યાં તે સંવેદનલક્ષી, સંરચનાલક્ષી તથા ભાષાલક્ષી રહ્યાં છે. આમ, અછાંદસમાં કવિતાની સમગ્ર ઈબારત (આંતર્બહિર)માં પરિવર્તનો આવ્યાં છે.
* કવિતાને, વાક્યોેની જેમ સીધા પદવિન્યાસથી વાંચીને અર્થો પામી લેવાતા હતા; અછાંદસ એવા વાક્યવિન્યાસોને ફગાવી દે છે ને તદ્દન અપરિચિત, તથા ભાષાની શક્તિને તાગતા, નૂતન ભાષા રચી આપતા નવા જ પદવિન્યાસો યોજે છે. દા.ત.,
૧. ‘ભાંગેલા રોટલા જેવા કિલ્લા પર/ કાચા મૂળાના સ્વાદ જેવો તડકો’ – શેખ.
૨. એને જાણે કે ખાસ/ લીલું ભાવે છે ઘાસ. ઘાસ તો મળે ક્યાંથી?/ તેથી આ શહેર/ ખાતું નથી. આ શહેર પીતું નથી/ આ શહેર પવનોની પાળે. આ શહેર મરણોની ડાળે/ મરી ગયેલા સસલાવાળો ચાંદો ઊગ્યો છે એના ચોકમાં જી લોલ/ તેથી ગંધ તો મારે જ ને મારા ભાઈયું!/ (ઑ. પૃ. ૯૦) – સિતાંશુ
૩. ‘અવાજને ખોદી શકાતો નથી’/ ‘ને ઊંચકી શકાતું નથી મૌન’ – લા. ઠા.
૪. થિયેટરોની નિયોન લાઇટનો કામુક ઘોંઘાટ
ગંદી અફવાની જેમ પ્રસરતો પવન
વારાંગનાના મેલા દર્પણ જેવી નદી
જાહેરખબરના પોસ્ટર જેવું ચોંટાડેલું આકાશ
સાત લંગડા ઘોડાને શોધતો સૂરજ
ભૂવાની ડાકલીના ફિક્કા પડઘા જેવો ચન્દ્ર – સુ. જો.
* સામગ્રીને, બહુધા રોજની વ્યવહાર ભાષામાં – હૉરીઝેન્ટલ – સમાન્તર ભાષામાં મૂકી સીધાં અર્થઘટનો આપી દેતી પરંપરાગત કવિતાથી આધુનિક કવિતાની ભાષા જુદી પડીને (પાઝને ટાંકીને ઘણાંએ – The poem is the langauge standing errect – કહ્યું છે તેમ) vertical બને છે.
* નિશ્ચિત અર્થ આપતાં પ્રતીકો-પ્રતિરૂપો ત્યજીને અર્થઘટનોના એકાધિક વિકલ્પોમાં તરત નહીં પકડાતી અછાંદસ કવિતા; ડૉ. ટોપીવાળા નોંધે છે તેમ ભાવવિકાસ/ તર્કવિકાસની અનુક્રમિકતાને અતિક્રમીને અનેક અર્થચ્છાયાઓ રેલાવતી કોઈ એક મિજાજ-મૂડને છતી કરે છે – ને કાલગત પરિમાણમાંથી સ્થલગત પરિમાણો રચવા તરફ ધસે છે. શેખ, સુ.જો. વગેરેમાં એનાં ભરપૂર ઉદાહરણો છે.
* કવિતાનાં પ્રતિરૂપોને કાર્યકારણની પરંપરાગત શૃંખલાથી છોડાવીને અછાંદસના કવિઓ એને અણધાર્યાં સાહચર્યો તરફ લઈ જાય છે – સિતાંશુ યશશ્ચન્દ્ર, પ્રબોધ પરીખ, મનહર મોદી, રાવજી વગેરેમાં ભાષામાં બધું સમાવી, ભાષાની અનેકવિધ નૂતન શક્યતાઓ તાગવાના પ્રયોગો વધારે બળવાન છે. વળી આ કવિઓ
ફ્રોઇડના અચેતન મનને કવિતામાં વધુ મહત્ત્વ આપતા થાય છે.
* વિષય/ સંવેદના તથા અભિવ્યક્તિની રીતિને ધ્યાનમાં રાખીને અછાંદસનો ઇતિહાસ તપાસનારને એમાં ઓછામાંઓછા બે તબક્કાઓ તો દેખાશે. ૧૯૬૦ની આસપાસથી (શેખ એના પ્રથમ વૈતાલિક) આરંભાયેલો અછાંદસનો પ્રથમ તબક્કો વધારે પ્રયોગશીલતાનો છે. નખશિખ આધુનિક વલણો શેખમાં છે. આધુનિકતાવાદી અનેક કળા આંદોલનોનો પ્રભાવ ઝીલતી આ કવિતા દુર્બોધની આરાધક છે. શેખ/પ્રબોધ/ લા.ઠા./ સિતાંશુ એના પ્રમુખ કવિઓ. મુક્ત દીર્ઘકવિતા – આ ગાળાનું મહત્ત્વનું અર્પણ છે. એની અલગ તપાસ કરવી પડે. બીજો તબક્કો ૧૯૭૫ પછી કમલ/ નીતિન/ જયદેવ/ હરીશ – પક્ષીતીર્થના ‘ટોપીવાળા’ વગેરેનો. જેમાં નિજી/ વ્યક્તિચેતનાની સંકુલ છતાં ગમ્ય અભિવ્યક્તિની રીતિ મળશે. યજ્ઞેશ વગેરેના સમકાલીનો પણ અહીં છે. આ બંને તબક્કાઓ દરમ્યાન આધુનિક સંવેદનાને ભાષાદૃષ્ટિએ ‘સમાન્તર’ રાખી વધુ સરળ રીતે અર્થ સંપ્રેષિત કરતા કવિઓ વિપિન પરીખ, સુરેશ દલાલ, જયંત પાઠક વગેરે મળે છે.
વિપિન પરીખ, જયંત પાઠક, શિવ પંડ્યા, હરીન્દ્ર દવે, પન્ના નાયક, જગદીશ જોષી, સુરેશ દલાલ, જયા મહેતા, મેઘનાદ, અનિરુદ્ધ – જેવા અનેકોનું અછાંદસ પરંપરાગત કવિતાની જેમ ઘણીવાર સીધું અર્થઘટન આપે છે... એમાં વિધાનાત્મકતા વધારે છે. વક્રતા/વ્યંજકતા જયંત પાઠક વગેરેમાં છે ખરી... પણ આ જાણે કે ત્રીજી રીતેભાતે લખાતું અછાંદસ લાગે છે.
પહેલા ને બીજા તબક્કામાં કેટલાક અછાંદસકારો બીજા તબક્કામાં પણ ભળતા દેખાશે. દા.ત., ‘ઓડિસ્યૂસ.’ના સિતાંશુ અને ‘સરસ્વતીને સિંહ પર ચઢ’ કહેનાર સિતાંશુની કાવ્યરચનારીતિમાં બદલાવ આવેલો છે. ‘કાન્ત તારી રાણી’ના ચન્દ્રકાન્ત ટોપીવાળા અને ‘પક્ષીતીર્થ’ના ટોપીવાળા પણ પ્રથમ અને બીજા બંને તબક્કાઓમાં દેખાશે.
આ બંને તબક્કાઓમાં બે, ત્રણ કે તેથી વધુ જૂથો વડે (રચનાસંદર્ભે વિભાજિત કરી જોતાં –) સર્જાતી અછાંદસ કવિતાના કવિઓની યાદી કરીએ તો ૧૦૦થી ય વધુ થાય. જેમાં તમારે પચીસથી વધુ કવિઓની ધ્યાનપાત્ર રચનાઓ ઉલ્લેખવી જ પડે.