ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/એક
એક
ભૂપેન ખખ્ખર
રંભા....રંભા...
તું મનોજની કંપની છોડી દે.
મંજરીની જિંદગી એણે જ બગાડી,
ગોધરાથી એ જ નાસી છૂટેલો.
એ સ્માર્ટ દેખાય છે ચોકડીવાળા બુશશર્ટમાં
દેવાનંદ જ લાગે.
એ ભ્રમર છે.
સ્ત્રી સંભોગમાં જ એને રસ છે.
પણ
એને ખબર નથી
સરુનાં વન
બનારસના ઘાટમાં ધક્કેલાતાં શબો,
અવિરત રિક્ષાની ઘંટડીનો અવાજ
જેસલમેરની પીળી ધરતીનો પ્રકાશ
શિશિરના તડકાની હૂંફ
અને તારા સ્પર્શની ભીનાશ,
તું જોમેસ્ત્રી વાપરે છે ખરી?
ખરું શોધ્યું છે વિજ્ઞાને
સાબુ લગાવો કે વાળ સફાચટ
વાત સાચી કે મીનાકુમારી એ જ સાબુ વાપરે છે?
પણ
તારા વિષાદે મારો ચહેરો તરડાય છે
તારા સ્નેહે હું ભીંજાઉં છું.
પણ
તું મનોજની કંપની છોડી શકતી નથી
હતોત્સાહ થઈ હું ક્રીમ કૉફી પીઉં છું
કારણ
આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરવાનો સમય પાકી ગયો છે.
કિન્નરોનાં ગાન, દેવદૂતની પાંખોના ફફડાટ સંભળાય છે
ધીમે ધીમે વિમાન તારા માથા પર ચકરાવો લે છે
તું સ્માર્ટ દેખાય છે.
તારા મોં પર અવિરત કોલિનસ હાસ્ય
એના પડઘા સંભળાય છે ફતેહપુરસિક્રીમાં
લાલ પથ્થરની ઇમારતમાં સંભળાય છે સવારની નમાજ
તારા વાળમાં મરુભૂમિની બળતરા
તારી આંખોમાં મહાબલીપુરનાં ઘેઘૂર પાણી
તું ટી ટેબલે ટૉક કરી શકે છે?
તને હું સાચ્ચે ગમું છું?
મને યાદ આવે છે દિલ્હીના કિલ્લાનો વૈભવ
સંગેમરમરના રસ્તા, આરસની દીવાલે, એમાં
નાજુક વેલ, પાંદડે પાંદડે ખચિત મોતી જવાહર,
નીલમ, માણેક
અને
ગુલાબી શાલમાં બળતું શબ,
પણ તું મનોજને છોડી શકતી નથી.