ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/કવિતા ન કરવા વિશે કવિતા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કવિતા ન કરવા વિશે કવિતા
જયન્ત પાઠક

કવિતા કરવાનું બંધ કરીએ તો શું થાય?
સરોવરો સુકાઈ જાય?
નદીઓ વહેતી થંભી જાય?
ડુંગરા ડોલી ઊઠે?
ઘાસ ઊગતું બંધ થઈ જાય?
પૃથ્વી પાતાળમાં ચંપાઈ જાય?
ના, ના, એવું એવું તો ના થાય—
પણ....પછી
જલપરીઓ છાનીમાની
ઝીણાં પવનવસ્ત્રો ઉતારી
જલક્રીડા કરવા ના આવે;
ડુંગરા વાદળની પાંખો પહેરીને
ઊડી ના શકે;
ઘાસને આંસુનાં ફૂલ ના ફૂટે,
પૃથ્વી ગોળ ગોળ ફરે
પણ ઠેરની ઠેર રહે
અવકાશમાં;
આકાશ ભણી ઊંચે ના જાય.
કવિતા કરવાનુ બંધ કરીએ તો
આમ તો કશું ના થાય
—એટલે કે કશું થાય જ નહીં!