ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/તને મેં અહીં ન જોઈ હોત તો

From Ekatra Wiki
Jump to navigation Jump to search


તને મેં અહીં ન જોઈ હોત તો
ઉશનસ્

તને મેં અહીં આટલે દૂર આવીને ન જોઈ હોત તો—
–તો મારો તો જન્મારાનો ફેરો જ એળે જાત હોં પૃથ્વી!
અને આવતા ચોર્યાર્શી લાખ જન્મોમાં ય
આ ખોટ કેમેય ના પુરાત, મારી માડી!
તને એક ખાનગી વાત કહું?
તું મને ત્યાં હતી તેથીય વધુ ને વધુ વ્હાલી લાગે છે;
આ આખી યાત્રા જ તારા
વ્હાલસોયા મુખની રેખાએ રેખાએ ચાલી છે જાણે!
તારા ચ્હેરાની રેખાના ઉઘાડ ઉપર જ
જાણે આ પ્રેમયાત્રાની પગલીઓ ઊઘડી છે, પ્રતિક્ષણે સ્પંદમાન;
તને કહું?
એક ધાવણા ડિમ્ભની માફક
તારા પ્હાડોને ધાવ્યો છું, બચબચાવ્યા છે અધીરા વાછરડાની જેમ જ;
અને મને જોઈને તારા પ્હાનો ચઢેલો પ્હાડીસ્તનોને
જાણે દૂધની શેઢ જેવી નદીઓ ફૂટી છે, તેનીય મને ખબર છે,
ધાવતાંધાવતાં મેં તો તારી આંખો સામે જ તાક્યા કર્યું છે;
હું અહીં આવ્યો તે સારું થયું :
નહીં તો તારા આવા વિશાળ ખાનગી પ્હાડી
પ્રેમના પ્હાનાનું શું થાત, મારી માડી?
૨૯-૧૦-૭૬. બાલ્ટિમોર, મેરીલૅન્ડ, યુ.એસ.એ.