ગુજરાતી અછાંદસ કવિતા-સંપદા/ધૂલિ

From Ekatra Wiki
Jump to navigation Jump to search


ધૂલિ
રાજેન્દ્ર શાહ

ગતિમાન છે રથચક્ર.
પથરાઈને પડી રહે છે માર્ગની ધૂલિ અચલા.
ચક્રને કિંચિત્ સ્પર્શ
સહસા ઊઠીને જાગી
પડે છે પાછળ.

અક્ષુણ્ણ છે રથનું ભ્રમણ.
કોઈ ને ય કાજ નહીં રોકાય બે ક્ષણ.
ધૂલિ રહી જાય સંગહીન.
આકાશમાં ઊછળેલી, નિરાધાર
નિઃસત્ત્વની જેમ લથડતી
પથરાઈને પડે છે પાછી ભોંય પર...દીન.
યદિ અંતરીક્ષ થકી ઝરી ઝરી જાય કદી કંઈ ઝરમર,
અણુઅણુ આલિંગને બને રજબિંદુ,
સીમે સીમ હેલે ચડે રે આનંદ,
વહે વાસનાને પૂર પરિમલ.
અષાઢની આવે જલબાઢ.
પરિપ્લાવને ચિક્લિદ
એકમય ને અગાધ.
કણકણની અંતરતમ ઈહા ધરી રહે મોહિની સ્વરૂપ.
જરી જરી વિનયને ઝૂકી મંદ
મલકંત નીલિમ સુષમા,
રંગનો ઊડી રે’ કલરવ,
કંઈનહીંનો ધરાઅંબર મહીં
અનુપમ વિલસે વિભવ.
ફરી ફરી જાય રથચક્ર.