ગુજરાતી એકાંકીસંપદા/કૅનવાસનો એક ખુણો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
કૅનવાસનો એક ખુણો
લવકુમાર દેસાઈ
પાત્રો

ગગન – ૩૨ વર્ષનો યુવાન, દેખાવમાં તેમ જ
બોલવેચાલવે સ્રેણ પ્રકૃતિનો
નિહારિકા – ૩૦ વર્ષની અલ્ટ્રા મૉડર્ન યુવતી, ગગનની
પત્ની.
રવિ – ૩૧ વર્ષનો અપટુડેટ યુવાન, ગગનનો મિત્ર
ડૉક્ટર
ડાયરેક્ટર.
અને अ, ब, क

(પડદો ખૂલે છે ત્યારે ગગનનો ડ્રૉઇંગરૂમ દેખાય છે. સોફાસેટ વચ્ચે ટિપોય, ટિપોય પર કૉફીનાં સાધનો, રવિ કૉફી બનાવી રહ્યો છે. ગગન ઉદાસ ઉદાસ જણાય છે.)

રવિઃ ગગન, કૉફી માઇલ્ડ કરું કે સ્ટ્રૉંગ?
ગગનઃ તને જે ઠીક લાગે તે.
રવિઃ સ્ટ્રૉંગ જ ઠીક રહેશે. તું અત્યારે માનસિક તણાવમાં ડૂબેલો છે. તારા મગજની એકેએક નસ સ્પ્રિંગની માફક કૂદાકૂદ કરી રહી છે. પ્લીઝ રિલેક્સ, તારા માટે હું સ્ટ્રૉંગ કૉફી બનાવું છું.
ગગનઃ રવિ, એથી શો ફેર પડવાનો છે? આ બધાં કેફી તત્ત્વો થોડીક ક્ષણો માટે રાહત આપશે, કેફ ઊતરી જશે એટલે પાછી જખ્મોની ગુફા ભયંકર ભૂતાવળ બનીને ઊગી નીકળશે.
રવિઃ (સમજાવતો હોય તે રીતે) ગગન, આ બધું…
ગગનઃ (આવેશમાં) … સાઇકોલૉજિકલ છે એમ ને? તમે બધા જ મિત્રો મારા ઊંડા જખ્મોને સમજવાનો કદી પ્રયત્ન કરતા નથી. હું બૂડથલ હોઉં, બબૂચક હોઉં તેમ તમે બધા મને નાના બાળકની માફક પટાવો છો.
રવિઃ ગગન, હું તને વર્ષોથી ઓળખું છું.
ગગનઃ (એ જ આવેશમાં) ના રવિ, ના, તું મને કદી ઓળખતો નથી. તું ઓળખે છે પેલા ઑફિસર ગગન કાનાબારને, તું ઓળખે છે શોકેસની ફૅશનેબલ પરી જેવી નમણી રૂપાળી નિહારિકાના પતિ ગગને, તું ઓળખે છે…
રવિઃ (ગગનું વાક્ય તોડતાં) શાંત થા ગગન, શાંત થા. (થોડી વાર રહીને) કૉફી લે. ઠંડી થઈ જશે.
ગગનઃ (કૉફી લેતાં) થૅન્ક યૂ.
રવિઃ (પાકીટમાંથી સિગરેટ આપતાં) લે, એકાદ સિગરેટ ફૂંકી માર.
ગગનઃ લાવ. (ગગન સિગરેટ સળગાવે છે.)
રવિઃ અને હવે ટેન્શન ફ્રી થઈ જા. પ્લીઝ રિલેક્સ. સોફા પર પગ લંબાવ. માથું ઢાળી દે, ચહેરા પર સ્મિતની બે લહેરખી પસાર થવા દે. (તેને એમ કરતો જઈને) ફાઇન, એક્સલન્ટ.
ગગનઃ (થોડીક વાર પછી) રવિ…
રવિઃ (હકારમાં) હમ્
ગગનઃ આ ઘર કોનું છે?
રવિઃ ઑફ કોર્સ, તારું.
ગગનઃ તો પછી તું મારા ઘરમાં ફટાકડાની લૂમ ફૂટે તેમ ફટાફટ ફટાફટ ઑર્ડરો કેમ આપતો જાય છે? તું મને બાટલીનું દૂધ પીતો નાનો બાબો સમજે છે?
રવિઃ બાબો! દૂધ પીતો બાબો!! ગાંડા, તને બાટલીનું દૂધ પીતો નહીં, પણ બાટલી પર ચોંટેલા બિલ્લાને ચાટીચાટીને સાફ કરતો પુખ્ત ઉંમરનો બાબો સમજું છું, અન્ડરસ્ટૅન્ડ?
ગગનઃ (કટાક્ષમાં) પુખ્ત ઉંમરનો બાબો! સારો જોક છે. હસું?
રવિઃ ના, હસવાનું જગતને છે, રોવાનું તારે છે.
ગગનઃ (રોષમાં) કારણ કે મારે બિલ્લો ચાટવાનો છે, દૂધની બાટલીનો બિલ્લો, બિલાડીની જેમ.
રવિઃ હા, તારા માટે બીજો કોઈ વિકલ્પ નથી. તું પૂર્વગ્રહોનાં ખંડિયેરમાં જીવી રહ્યો છે. તારું મન અકાળે ક્ષયગ્રસ્ત બન્યું છે.
ગગનઃ મારી જગ્યાએ તું હોય તો રવિ, તું શું કરે?
રવિઃ હું નાચું, કૂદું, ભર્યાભાદર્યા ઘરને સંભોગું, નિહારિકાને ખુશખુશાલ કરી દઉં. તારી માફક લંગડાતા અહમ્ને લઈને પ્રશ્નો અને સમસ્યાની ભેખડ ઊભી કરી દુઃખી ના થઉં.
ગગનઃ તો શું મને દુઃખી થવાનો હડકવા લાગ્યો છે?
રવિઃ ગગન, તેં યોગ્ય શબ્દ વાપર્યો. તને દુઃખી થવાનો ‘હડકવા’ લાગ્યો છે. (ભસવાનો અવાજ કાઢે છે.) હાઉં…હાઉં…હાઉં… તું તો દુઃખી થાય છે, પણ બિચારી નિહારિકાને ચેનથી જીવવા નથી દેતો.
ગગનઃ રવિ, આપણે તો કૉલેજકાળના જૂના મિત્રો છીએ. મારા જીવનના ચઢાવ-ઉતરાવને તું સારી રીતે જાણે છે. નિહારિકા સાથે મેં સમજી-વિચારી પ્રેમલગ્ન કર્યું છે, પછી હું શા માટે એને દુઃખી કરું?
રવિઃ તારા ભીતરી મનનું હું પૃથક્કરણ કરીશ તો તને ગમશે? વેલ, તને ગમે કે ન ગમે, પણ આજે તારા ઘરમાં અનાયાસે એકાંત મળ્યું છે તો હું એકે એક પ્રશ્નને છેડીશ, છંછેડીશ અને તારા મનમાં સવાર થયેલા ગેરસમજના ભૂતને દૂર કરીશ.
ગગનઃ બોલ, તારે શું પૂછવું છે?
રવિઃ પહેલાં એ કહે કે નિહારિકા ક્યાં છે?
ગગનઃ નાટકના રિહર્સલમાં.
રવિઃ તું કેમ નથી ગયો?
ગગનઃ મારો નાટકમાં કોઈ રોલ નથી માટે.
રવિઃ પણ નિહારિકાને એટલિસ્ટ કંપની આપવા માટે તો તારે હાજર રહેવું જોઈએ ને? અત્યારે તો તું ફ્રી છે.
ગગનઃ નિહારિકા હીરોઇન તરીકે કામ કરતી હોય અને તેની આંખના ઇશારે પૂંછડી પટપટાવતા પેલા સાલા એક્સ્ટ્રાઓ નિહારિકાની આજુબાજુ ગરબા ગાતા હોય ત્યારે તારી એવી ઇચ્છા છે કે હું પણ એ કૉરસમાં જોડાઉં? ડેમ ઇટ.
રવિઃ પણ દોસ્ત, આ તબક્કે નિહારિકા તારી હાજરીને ઝંખે છે. એક પતિ તરીકે પણ તારે સહકાર આપવો જોઈએ.
ગગનઃ (ગુસ્સામાં) મને એ વેવલાવેડા નથી ગમતા.
રવિઃ ગગન, તને જોડો ક્યાં ડંખે છે એ હું સારી રીતે જાણું છું. તમે બંને કૉલેજમાં પાસે આવ્યાં નાટકોના માધ્યમથી, તમે બંને પરણવાના કોલ આપી દીધા નાટક કરતાં કરતાં, અને તમે વાસ્તવિક જીવનમાં પતિ-પત્ની બન્યાં પણ નાટક કરતાં કરતાં.
ગગનઃ એમાં મેં ખોટું શું કર્યું? સાલા તું તો કૂદીકૂદીને મુબારકબાદી આપતો હતો. રિસેપ્શનમાં અમારી સાથે સૌથી વધુ ફોટા તારા છે રવિ, તારા.
રવિઃ (હળવાશથી) તે હોય જ ને. ચાંલ્લો, ભેટ-સોગાદ ઉઘરાવવાનું કામ તેં મારા માથે નાખેલું. બંદા તો મિયાં-બીબીની ખુરશી સાથે જ ખુરશી નખાવીને જામી પડેલા. (મુક્ત રીતે હસે છે.) એટલે જેટલા ફ્લૅશ થયા એટલા બધા ફોટામાં આપણે બંદા હાજર.
ગગનઃ (ઉદાસ થઈને) તો પછી આજે તું મને પરાયો પરાયો કેમ લાગે છે? નિહારિકા પણ આ ગગનથી દૂર-સુદૂર સરી જતી હોય તેવો ભાસ કેમ થાય છે?
રવિઃ (આશ્વાસન આપતાં) નિહારિકા તારી છે, ગગન તારી જ છે. આ તો બધી તેં અને તારા મને ઊભી કરેલી માયાવી લીલા છે.
ગગનઃ એટલે?
રવિનઃ એટલે એ જ કે લગ્ન બાદ પણ નાટ્યસંસ્થાઓએ નાટકો કરવા તમને આમંત્રણ આપ્યાં, નિહારિકાને હીરોઇન બનાવી. પણ તને ખૂંચ્યું, એપેન્ડિક્સના દર્દની માફક ખૂચ્યું. તું કણસતો રહ્યો, કણસતો રહ્યો. તેં ક્યારેય તારી ઘૂંટાતી વેદાનાને ચીસ દ્વારા બહાર ના પાડી. પણ તું અંદરથી તૂટતો ગયો, તૂટતો ગયો.
ગગનઃ સાચી વાત છે. સાલું મનમાં થાય કે પત્ની મારી ને મારો કોઈ ભાવ ના પૂછે! કેટલીક વાર તો દોસ્ત એવું થાય, એવું થાય…
રવિઃ શું થાય, ગગન?
ગગનઃ કે એને નાટક-ચેટકમાં જતી બંધ કરી દઉં. ભાડમાં જાય તેની સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ.
રવિઃ તારી પત્ની તારી વેદનાને સમજે છે. તું નિહારિકાને વિશ્વાસમાં લે.
ગગનઃ (રિસાઈને, મોઢું ફેરવીને) ઊંહું હુ…
રવિઃ યાર, તું તો નસીબદાર છે કે તને આવી સુશીલ સમજુ પત્ની મળી નહીં તો મહિને બે હજારનો પગાર લાવતી બૈરીનો રુઆબ જોયો છે, રુઆબ?
ગગનઃ (મૂંઝાતો હોય તેમ) હું… હું… તેના પ્રેમથી ઉબાઈ ગયો છું, અકળાઈ ગયો છું. હું તેને બદલામાં કશું કશું… જ… આપી શકતો નથી.
રવિઃ આ તારું પ્રેજ્યુડાઇસ માઇન્ડ છે. નિહારિકામાં તને શી ઊણપ લાગી? તું એનાથી નાસતો કેમ ફરે છે? ભાગેડુવૃત્તિ છોડી દે, એક મરદની માફક વર્ત.
ગગનઃ તું મને ઉશ્કેરીશ નહીં.
રવિઃ આ ઉશ્કેરણી નથી. Talk about yourself.
ગગનઃ હું તેની સાથે કોઈ પણ પ્રકારનું ઍડ્જસ્ટમેન્ટ કરી શકતો નથી. તે મને સમજતી નથી. સવારે પથારીમાંથી ઊઠું તો નિહારિકા ઘરમાંથી ગાયબ ઑન ડ્યૂટી. તેની મૉર્નિંગ સ્કૂલ છે ને? પછી તો મારો આખો દિવસ ઑફિસની ઊથલ-પાથલમાં વીતે. ઘેરે પાછો આવું તો નિહારિકા કાં તો નાટકના રિહર્સલમાં ગઈ હોય કે પછી તેના મિત્રો આગળ ખાખાખીખી કરતી હોય.
રવિઃ વેલ, આગળની વાત હું સમજી શકું છું. આ જોઈને તારામાં રહેલો પુરુષ ઘવાય, છંછેડાય. તને કંઈ ને કંઈ કરી નાખવાનું મન થાય. પણ પાછું યાદ આવે કે તું કોણ? ગગન કાનાબાર. સમાજનો પ્રતિષ્ઠિત નાગરિક. તારો બધો ગુસ્સો સડસડાટ પાછો ઠલવાય, ખરું ને?
ગગનઃ ઍક્ઝેક્ટલી. અને રાત્રે શું થાય ખબર છે?
રવિઃ એ તો તું કાંઈ કહે તો ખબર પડે ને? (મજાકમાં) ભલા આદમી, રાતની વાત હું તે શું જાણું?
ગગનઃ નિહારિકાદેવી, તમારાં લાડલાં ભાભી, ઘસઘસાટ ઊંઘે. (નસકોરાં બોલાવે) ઘરર.. ઘરર. ઘરરર… ઘડિયાળના ટકોરા અને નિહારિકાનાં નસકોરાંની વચ્ચે રવિ, હું સૅન્ડવિચ થઈ જાઉં સૅન્ડવિચ.
રવિઃ બિચારી થાકીને લોથપોથ થઈ જાય એટલે ઊંઘી જ જાય ને? પણ તારે એને મુલાયમ મુલાયમ પ્રેમથી ઉઠાડવાની, વહાલથી બુચકારો બોલાવીને, કપાળ પર હળવે હળવે હાથ ફેરવીને, થોડુંક (અભિનયનો ચાળો કરતાં) અડપલું કરીને.
ગગનઃ અરે યાર, એક વાર તો અકળાઈને મેં એને આખી ને આખી હલાવી નાખી, મજબૂત થાંભલો હલાવતો હોય તેમસ્તો!
રવિઃ વેરી ઇન્ટરેસ્ટિંગ.
ગગનઃ આપણે પણ બંદા ફુલ મૂડમાં હતા. આપણામાં કામદેવ સોળે કલાએ ખીલ્યા હતા. પણ તે તો સફાળી જાગી ને બોલી ઊઠી, ‘અડધી રાતે શું કામ ડિસ્ટર્બ કરો છો? રસોડામાં જાવ. તમારું ખાવાનું ઢાંકી રાખ્યું છે.’ અને પછી તો તેનું નસકોરાં-સંગીત શરૂ થઈ ગયું ઘરરર… ઘરર…
રવિઃ પછી?
ગગનઃ પછી શું? એક વાર તો એમ થયું કે મૂઈ કાળમુખીનો ટોટો પીસી નાખું. તું જ કહે, સાલી આ તો કંઈ લાઇફ છે?
રવિઃ મને એક યુક્તિ સૂઝે છે. તું એક કામ કર.
ગગનઃ બોલી નાખ.
રવિઃ તું એને જલદી જલદી મા બનાવી દે. ગોદમાં છોકરું હશે એટલે આપોઆપ તેના પગ બંધાઈ જશે. નાટકનું રિહર્સલ બંધ. મિત્રો સાથે ખાખાખીખી બંધ અને તમારાં નિહારિકાદેવી ઘોડિયાને દોરી ખેંચતાં હશે અને હાલરડું ગાતાં હશે:
મારો ભઈલો ડાહ્યો,
પાટલે બેસીને નાહ્યો,
પાટલો ગયો ખસી
મારો ભઈ ઊઠ્યો હસી…
હા…આ આ…લા…
ગગનઃ રવિ, અહીં મારો જીવ જાય છે અને તને હાલરડું ગાવાનું સૂઝે છે!
રવિઃ ગગન, હું તને સિરિયસલી કહું છું. કેડમાં છોકરું હોય એટલે ભલભલું બૈરું સીધું દોર થઈ જાય. આ તો બાવા આદમના વખતથી ચાલતો આવેલો કીમિયો છે. (ગગનને ચૂપ જોઈ) કેમ કશું બોલતો નથી? તારું મોં કેમ વિલાઈ ગયું! મારી સામું તો જો…
ગગનઃ (રવિની સામે હતાશાથી જોતાં) રવિ…
રવિઃ યસ, ગો ઑન માય ફ્રૅન્ડ. તારાં બધાં જ બંધનને તોડી નાખ. તારી વેદનાને સડસડાટ વહેવા દે.
ગગનઃ દોસ્ત, નિહારિકા કદી મા થઈ શકે તેમ નથી.
રવિઃ શું કહે છે ગગન?
ગગનઃ હા, આ નક્કર વાસ્તવિકતા છે.
રવિઃ તારાં લગ્નને તો છ વર્ષ થઈ ગયાં, નહીં?
ગગનઃ ના, સાત વર્ષ થયાં, છતાંય નિહારિકાની કૂખ ખાલી છે.
રવિઃ તેં ડૉક્ટરને બતાવ્યું? તેની પાસે બરાબર ચેક કરાવી લે.
ગગનઃ મને વિચાર આવેલો. એક વાર નિહારિકાને પણ વાત કરેલી પણ તેનો રિસ્પોન્સ સાવ ઠંડો જોઈને મેં વાત આગળ ના વધારી.
રવિઃ એવું શા માટે કર્યું? મનમાંથી વહેમ તો નીકળી જાય.
ગગનઃ રવિ, કુદરતને મંજૂર હશે તો અમારો વંશવેલો આગળ વધશે. પણ ડૉક્ટર પાસે ચેક કરાવવા જઈએ અને નિહારિકા મા બની શકે તેમ ન હોય તો તેને કેટલો મોટો આઘાત લાગે? એટલે મેં એ વિચાર માંડી વાળ્યો.
રવિઃ આઈ સી. જો દોસ્ત, જીવનમાં આ બધું ચાલ્યા જ કરે, પૈસા, પ્રતિષ્ઠા, બૈરી, છોકરાં, છોકરાં હોય તો પાછાં કહ્યાગરાં… આ બધો કુદરતનો ખેલ છે. એમાં આટલા બધા દુઃખી થવાની જરૂર નથી.
ગગનઃ આઈ અન્ડરસ્ટૅન્ડ. હું બરાબર સમજું છું.
રવિઃ રાઇટ, માટે આવી નાજુક પળોએ તું નિહારિકાને સંભાળી લે. તેને આશ્વાસનની વિશેષ જરૂર છે.
ગગનઃ એને મારી સામે જોવાની ફુરસદ જ ક્યાં છે કે એને હું સંભાળું? એ તો દિવસે દિવસે સોશિયલ અને અલ્ટ્રામૉડર્ન થતી જાય છે અને હું મારા ઘરમાં ગંધાતી લાશ બની સડી રહ્યો છું.

(કૉલબેલ વાગે છે; ફરી વાગે છે. બંનેમાંથી કોઈ ઊઠતું નથી. થોડીક વાર પછી…)

રવિઃ નિહારિકા આવી લાગે છે. બારણું ખોલ ગગન.
ગગનઃ અમ્, તું જ ખોલ ને.

(રવિ ઊભો થાય છે. બારણું ખોલે છે. અલ્ટ્રામૉડર્ન નિહારિકા પ્રવેશે છે.)

નિહારિકાઃ હલ્લો, રવિ, ક્યારનો આવ્યો છે?
રવિઃ અડધો-પોણો કલાક થયો હશે.
નિહારિકાઃ બંને મિત્રો વાતોમાં ખોવાયા લાગો છો! જુઓ ને, હું ક્યારનીય બેલ મારું છું, પણ કોઈ ચસકે છે? (આજુબાજુ જોતાં) છોટુ ક્યાં ગયો! (બૂમ પાડે છે.) છોટુ… છોટુ… એય છોટુ…
ગગનઃ છોટુ તેના કોઈ સગાના મૅરેજમાં ગયો છે. મોડી રાતે આવશે.
નિહારિકાઃ ત્યારે તો તમે બંને મિત્રો ભૂખ્યા પેટે વાતોના તડાકા મારતા હશો, બીજું શું?
રવિઃ ના, આમ તો અમે કૉફી પીધી, અને તે પણ પાછી મગજને તરબતર કરી નાખે તેવી સ્ટ્રૉંગ કૉફી.
નિહારિકાઃ કૉફી એકલાથી શું દહાડો વળે? થોડી વારમાં તમારા માટે ગરમાગરમ નાસ્તો બનાવી લાવું છું. જુઓ પછી આપણી કંપની કેવી જામે છે!
ગગનઃ (હળવાશથી) આ રવિ એટલા જ માટે ગુંદરની જેમ ચોંટ્યો છે. એને અહીંથી તગેડવા માટે પણ તારે નાસ્તો બનાવવો પડશે. કેમ ખરું ને રવિ?
રવિઃ (હસતાં હસતાં, નાટકીય ઢબે) આપણે કોઈ પણ સારી પ્રપોઝલને નકારતા નથી. તમારા બધાના પ્રેમાગ્રહને વશ થઈ તમારો મિત્ર રવિ સહર્ષ જાહેર કરે છે કે રવિ નાસ્તો કર્યા વગર અહીંથી નહીં જાય. (બધાં હસી પડે છે.)
નિહારિકાઃ નાસ્તો તો મળશે, પણ સાથે સાથે તારે અમારી પ્રપોઝલ પર પૂરતો વિચાર કરવો પડશે.
રવિઃ કેવી પ્રપોઝલ.
નિહારિકાઃ (પ્રપોઝલ મૂકતી હોય તે રીતે) અમારા મિત્ર રવિની પૂરેપૂરી કાળજી રાખી શકે અને સવાર-સાંજ ચટાકેદાર નાસ્તો બનાવી શકે તે માટે રવિએ બનતી ત્વરાએ કોઈ સુંદર સુશિક્ષિત અન્નપૂર્ણાને પરણી જવું.
ગગનઃ (એ જ લયમાં) આ ઠરાવને મારો સંપૂર્ણ હાર્દિક ટેકો છે.
રવિઃ તમને બંનેને આ મસ્તરામ એકલરામની અદેખાઈ આવતી લાગે છે. એટલે જ તમે આવું કાવતરું કરી રહ્યાં છો.
નિહારિકાઃ (કશુંક યાદ આવતાં) અરે હાં ગગન, તને એક ખુશાલીના સમાચાર આપવાના છે. આમ ચીમળાયેલું મોઢું લઈને શું ફરે છે? જરા હસ તો ખરો.
ગગનઃ પણ તું સમાચાર કહે પછી વિચારું ને કે હસું કે રડું?
રવિઃ સાલા, તું જિંદગીભર હેમ્લેટ દશામાં જ જીવવાનો. નિહારિકા કહે એટલે આનંદના સમાચાર જ હોય.
ગગનઃ ઘેટ ઇઝ સબ્જેક્ટિવ. તારા માટે આનંદના સમાચાર હોય, કદાચ મારા માટે દુઃખના.
નિહારિકાઃ એક રીતે દુઃખના સમાચાર કહેવાય. પણ આપણા માટે શક્યતાની નવી દિશા ચીંધનારા છે, માટે આનંદના કહેવાય.
ગગનઃ તું ફોડ પાડીને વાત કરે તો સમજ પડે.
નિહારિકાઃ ગગન, તને ખબર છે કે અમારું નવું નાટક આવતા અઠવાડિયે ભજવવાનું છે. તેનો મુખ્ય હીરો કેતુ તેમાં પાર્ટિસિપેટ નહિ કરી શકે. તેના ફાધર સિરિયસ છે. તે તેના ગામે ગયો છે. આજે જ ટેલિગ્રામ આવ્યો.
ગગનઃ આઈ સી.
નિહારિકાઃ અમારી ટીમના બધા જ કલાકારોએ એકીઅવાજે તારું નામ સૂચવ્યું. ગગન, તારે આ નાટકમાં હીરોનો રોલ ભજવવાનો છે.
રવિઃ (ઉત્સાહમાં) ફાઇન. કૉન્ગ્રેચ્યુલેશન્સ ગગન.
ગગનઃ થૅન્ક યૂ રવિ. થૅન્ક યૂ.
નિહારિકાઃ આમે ય તું લગ્ન પછી હીરોનો રોલ ભજવવા ઝંખતો હતો. આ એક સોનેરી તક છે. આ નાટકમાં તારી ઍક્ટિંગનો બધો જ અસબાબ રેડી દે અને તું અભિનયજગતમાં છવાઈ જા, ફેલાઈ જા.
ગગનઃ પણ… પણ… આટલા લાંબા સમય પછી મને સ્ટેજ પર ફાવશે? એમ કરો, આ રોલ બીજાને આપી દો.
રવિઃ ગાંડો થઈ ગયો છે કે શું! સાવ બાબા જેવો નાદાન છે. લક્ષ્મી ચાંલ્લો કરવા આવે અને તું…
નિહારિકાઃ ગગન, આ ઑફરને ઠુકરાવીશ નહીં. હું તારી સાથે છું. એક વાર પ્રેક્ષકોમાં આપણે જામી પડીએ પછી તો આપણાં નામ પર સિક્કા પડશે સિક્કા.
ગગનઃ તું કહે છે એટલે હા પાડું છું.
નિહારિકાઃ ફાઇન. નાટકનું નામ છે ‘વેરના ઝેર, કાળો કેર’. તારે મનહર થવાનું છે અને મારે તારી પત્ની મનીષા. હા, મનીષા. મનહર સીધોસાદો લાગણીશીલ યુવાન છે. પત્ની મનીષા મદઘેલી સ્વચ્છંદ નારી છે. લે આ સ્ક્રિપ્ટ. રાત્રે રિહર્સલ છે, ત્યાં સુધી તું આ જોઈ જજે.

(લાઇટ ઑફ. સ્ટેજ પર પ્રકાશ પથરાય ત્યારે નાટકનું રિહર્સલ ચાલે છે. ખૂણામાં ત્રણચાર કલાકારો બેઠા છે. એક પ્રૉમ્પ્ટર સ્ક્રિપ્ટ લઈને ઊભો છે.)

ડાયરેક્ટરઃ નાટકની શરૂઆત આ રીતે થાય છે. દીવાનખંડમાં મનહર આમથી તેમ આંટા મારે છે. મોડી રાત થઈ ગઈ પણ હજુ મનીષા નથી આવી. એટલે તે ધૂંધવાયેલો છે. ત્યાં કૉલબેલ વાગે છે. (મોટેથી) કૉલબેલ? કૉલબેલ કોણ વગાડે છે? ચાલો મારા બાપ, તમે બધા તમારી પોઝિશન લઈ લો. સાઇલન્સ. લાઇટ. કૉલબેલ.

(કૉલબેલ વાગે છે)

સાયલન્સ. ગગન, શરૂ કર.
ગગનઃ (સ્ક્રિપ્ટ વાંચતાં, બાબા જેવો અવાજ) મનીષા, કેટલા વાગ્યા તેની ખબર પડે છે?

(સ્ટેજ પરના કલાકારો મશ્કરીમાં હસી પડે છે.)

ડાયરેક્ટરઃ અરે મારા બાપ, આ રીતે નહીં. ગર્જના કરતાં, ત્રાટકતા સિંહની જેમ તૂટી પડો. મનીષા તમારી પત્ની છે. તમે એના પતિ છો, એકમાત્ર પતિ. એક પુરુષ તરીકે તમારો અધિકાર સ્થાપો. જુઓ, આ રીતે બોલો: “મનીષા, કેટલા લાગ્યા તેની ખબર પડે છે?”
ગગનઃ (ખોંખારો ખાઈને) મનીષા, કેટલા વાગ્યા તેની ખબર પડે છે! (ખૂણામાંથી મશ્કરીભર્યું હાસ્ય)
ડાયરેક્ટરઃ હે રામ, કહી કહીને થાક્યો, આ રીતે નહીં. ક્યારે ઠેકાણું પડશે? ચાલો આગળ ચાલો.
નિહારિકાઃ (સ્ક્રિપ્ટ વાંચતાં) ડિયર, હજુ તો રાત્રીના સાડા અગિયાર વાગ્યા છે.
ગગનઃ (સ્ક્રિપ્ટ વાંચતાં) સાડા અગિયાર એટલે તને રાત્રીની શરૂઆત લાગે છે? (ખૂણામાંથી વિડંબનાયુક્ત હાસ્ય – હી હી હી હી – કલાકારો સામું જોઈને) એમ ખૂણામાં બેસીને બાયલાઓ, હીજડાની જેમ હી હી હી હી શું કરો છો?
નિહારિકાઃ કૅરેક્ટરમાં ખોવાઈ જા ગગન, તું એમના તરફ ધ્યાન ના આપ.
ડાયરેક્ટરઃ (ગુસ્સાથી) આગળ વાંચો, આગળ નિહારિકા, તમે શરૂ કરો.
નિહારિકાઃ (સ્ક્રિપ્ટ વાંચતાં) મનહર, મદઘેલી રાત્રી તો હવે જામશે. જામ છલોછલ છલકાશે. એકબીજા સાથે ટકરાશે. મ્યુઝિકના તાલ સાથે થનગનતું યૌવન નાચશે.
ડાયરેક્ટરઃ ટા ટા, ચા ચા, ટા ટા, ચા ચા ચા.

(નિહારિકા તે પ્રમાણે સ્ટેપ લે છે.)

ગગનઃ (સ્ક્રિપ્ટ વાંચતાં) બંધ કર. તારો લવારો બંધ કર. રોજની માફક પૅગ ચઢાવીને આવી છે કે શું? કુલટા, આ નાઇટક્લબ નથી, આ તારા પતિ મનહરનું ઘર છે સમજી? હવે હું નહીં ચલાવી લઉં.
ડાયરેક્ટરઃ ઉપરથી, મારા બાપ ઉપરથી, ‘સમજી? હવે નહીં ચલાવી લઉં’ વાક્યો ઉપરથી આવવાં જોઈએ. ઉપરથી એટલે હાઈ પીચ ઉપરથી પિરામિડની માફક વાક્યો ગોઠવાતાં જાય. આ રીતે: ‘સમજી? હવે હું નહીં ચલાવી લઉં.’ મારા બાપ, કૅરેક્ટર તો સમજો. આગળ વાંચો.
નિહારિકાઃ (સ્ક્રિપ્ટ વાંચતાં) ડિયર, મનહર હોય કે મહંમદ? જગદીશ હોય કે નવનીત? કુમાર હોય કે તુષાર? આપણે તો કંપની જોઈએ, કોઈ પણ ગરમ કંપની.
ડાયરેક્ટરઃ અહીં આ હસવાનું છે. નિહારિકા, હસો. ઘેલછાભર્યું હસો.

(નિહારિકા હસે છે.)

હમ્, આગળ ચાલો.
નિહારિકાઃ (સ્ક્રિપ્ટ વાંચતાં) આવ, મારી પાસે આવ.
નિહારિકા – ડાયરેક્ટરઃ ટા ટા ટા, ચા ચા ચા, ટા ટા ટા, ચા ચા ચા
ગગનઃ (સ્ક્રિપ્ટ વાંચતાં) મારી પાસે ના આવ. મનીષા, મારી પાસે ના આવ. મારા શરીરમાં અનેક આદમોનું લોહી ઊછળી રહ્યું છે, હું તને મારી નાખીશ. કુલટા, વેશ્યા, વિશ્વાસઘાતી, દૂર હઠ, કહું છું દૂર હઠ.
લે, તારો ટોટો પીસી નાખું છું.

(ખૂણામાંથી મશ્કરીભર્યું હાસ્ય)

ડાયરેક્ટરઃ ટોટો તો શું, તમારાથી ફુગ્ગાની ટોટી પણ પિસાશે નહીં. ગુસ્સો લાવો, પુરુષત્વ લાવો.
રવિઃ ગગન, અહીં તમને ઍક્ટિંગનો પૂરો સ્કોપ છે. આ દૃશ્ય ક્લાઇમેક્સનું છે. બાપુ, જમાવી દે. આવી તક વારંવાર નથી આવતી.
ડાયરેક્ટરઃ સાયલન્સ, સાયલન્સ, મિત્રો, આપણી પાસે માત્ર પાંચ દિવસ છે. ૨૫મી ડિસેમ્બરે નાટકનો શો છે. તમે બધાં ઘરે જઈ સ્ક્રિપ્ટ મોઢે કરી નાખો. કૅરેક્ટરને સમજો. નાટ્યક્ષેત્રે ડંકો જગાડવા તમારા માટે આ ગોલ્ડન ઑપર્ચ્યુનિટી છે.

(ડાયરેક્ટરની સ્પીચ ચાલુ છે એ દરમ્યાન ગગન સ્ટેજના એક ખૂણા પર પહોંચી જાય છે. તેના પર જ સ્પૉટલાઇટ. તે પોતાનામાં ખોવાયેલો છે.)

ગગનઃ (સ્વગત) ગોલ્ડન ઑપર્ચ્યુનિટી. ગગન, તારા માટે આ સુંદર તક છે. આવી તક વારંવાર નથી આવતી. નાટકમાં તું મનહર બન, નાટકનો હીરો બન. અને… (દાંત. કચકચાવીને) તું નાટક કરતો હોય એમ મનીષા ઉર્ફે તારી પત્ની નિહારિકાનો ટોટો પીસી નાખ. હા, હા, ટોટો પીસી નાખ. ન રહેગા બાંસ, ન બજેગી બંસરી.

(ધીમે ધીમે લાઇટ ઑફ. લાઇટ ઑન થાય છે ત્યારે સ્ટેજ પર જે નાટક ભજવવાનું છે તે નાટક પૂર્વેની ધમાલ. તેને અનુરૂપ સંગીત. હાઉસ ભરાઈ ગયું છે. સ્ટેજ પર એક ખૂણામાં સ્પૉટલાઇટ પડે છે ત્યાં આ દૃશ્ય.)

નિહારિકાઃ મારો આનંદ હૈયામાં સમાતો નથી. આપણે કેટલાં બધાં વર્ષે હીરો-હીરોઇન તરીકે સ્ટેજ પર ઝળકીશું. તું એવો લાજવાબ અભિનય આપ કે લોકો રાહુ-કેતુને ભૂલી જાય. માત્ર ગગન-નિહારિકાને યાદ કરે.
ગગનઃ નિહારિકા, આજે લોકો મારા જીવનનો સર્વોત્તમ અભિનય જોશે.
નિહારિકાઃ મારા ગગનની આજે કસોટી છે. હે પ્રભુ, તું આ કસોટીમાંથી અમને પાર પાડજે.
ગગનઃ તારી બીજી કોઈ મનીષા?
નિહારિકાઃ અત્યારે હું મનીષા નથી, નિહારિકા છું, ગગનની નિહારિકા છું.
ગગનઃ તેમ છતાં તારી કોઈ ઇચ્છા? મનીષા?
નિહારિકાઃ (ભાવવિભોર બની) મનીષા! એ જ મનીષા, નિહારિકા સદા ગગનની રહે, પછી તે વાસ્તવિક જીવન હોય કે આભાસી તખ્તો. જો, પેલી ચંદ્રિકા બેટરીથી ઇશારા કરે છે. આપણી એન્ટ્રી આવશે. ઑલ ધી બેસ્ટ ગગન.

(લાઇટ ઑફ. સ્ટેજ પર અંધારું. નાટકની શરૂઆત થાય છે ત્યારે તેનો કૉલબેલ, માઇક પરથી જૂની રંગભૂમિ પર થાય તે પ્રકારની મ્યુઝિક સાથે એનાઉન્સમેન્ટ: ‘દેશી રંગભૂમિ આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. આપ સૌ કદરદાન પ્રેક્ષકો સમક્ષ રજૂ કરે છે નાટક ‘વેરના ઝેર, કાળો કેર’, ‘વેરના ઝેર, કાળો કેર’. – સ્ટેજ પર ધીમે ધીમે પ્રકાશ થાય છે. હવે આંતરનાટક ચાલુ થાય છે. મકાનનો કૉલબેલ વાગે છે. મનહર બારણું ખોલે છે. મનીષા નશામાં ચકચૂર બનીને પ્રવેશે છે.)

મનહરઃ (ગુસ્સાથી) મનીષા, કેટલા વાગ્યા તેની ખબર પડે છે?
મનીષાઃ ડિયર, હજુ તો રાત્રિના સાડા અગિયાર વાગ્યા છે.
મનહરઃ સાડા અગિયાર એટલે તને હજી રાત્રીની શરૂઆત લાગે છે?
મનીષાઃ (નશામાં) મનહર, મદઘેલી રાત્રી તો હવે જામશે. (નાઇટ-ક્લબને અનુરૂપ સંગીત પશ્ચાદ્ભૂમાં ધીમે ધીમે વાગે છે.) જામ છલોછલ છલકાશે. એકબીજા સાથે ટકરાશે. મ્યુઝિકના તાલ સાથે થનગનતું યૌવન નાચશે. (સંગીતના તાલ સાથે લયબદ્ધ રીતે તાલ મેળવતાં) ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા.
મનહરઃ (ગુસ્સામાં) બંધ કર, તારો લવારો બંધ કર. રોજની માફક પૅગ ચઢાવીને આવી છે કે શું? કુલટા, આ નાઇટક્લબ નથી, આ તારા પતિ મનહરનું ઘર છે, સમજી? હવે હું નહિ ચલાવી લઉં. (ઑડિયન્સમાંથી મશ્કરીભર્યું હાસ્ય, લયબદ્ધ અવાજ, બાબો બાબો…બાબો, બાબો, બાબો…બાબો, બાબો, બાબો…)
મનીષાઃ (નશામાં, લાડ કરતી હોય તેમ) ડિયર, મનહર હોય કે મહંમદ, જગદીશ હોય કે નવનીત? કુમાર હોય કે તુષાર, આપણે તો કંપની જોઈએ, કોઈ પણ ગરમ કંપની. (ઘેલછાભર્યું હસે છે.)

હા હા હા… આવ, મારી પાસે આવ, ટા ટા ચા ચા ચા, ટા ટા…

મનહરઃ (ગુસ્સાથી) મારી પાસે ના આવ, મનીષા, મારી પાસે ના આવ.
મનીષાઃ (ડાન્સ વેગમાં આગળ ધપે છે.) ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા…
મનહરઃ મારા શરીરમાં અનેક આદમોનું લોહી ઊછળી રહ્યું છે. હું તને મારી નાખીશ. મનીષા, મારી પાસે ના આવ.
મનીષાઃ (ત્વરિત ગતિએ) ટા ટા ચા ચા ચા, ટા ટા ચા ચા ચા.
મનહરઃ કુલટા, વેશ્યા, વિશ્વાસઘાતી, દૂર હઠ, કહું છું દૂર હઠ. લે, તારો ટોટો પીસી નાખું છું.

(મનીષાને ગળે ભીંસ વધતાં મોટી ચીસ પાડી ઊઠે છે. મનીષા સ્ટેજ પર ઢળી પડે છે. પ્રેક્ષકો આને સ્વાભાવિક અભિનય માની તાળીઓથી વધાવી લે છે.)

ઑડિયન્સમાંથી अ: અલા, આણે તો સાચું જ ગળું દાબી દીધું લાગે છે!
ઑડિયન્સમાંથી ब: બિચારી કેવી બેશુદ્ધ થઈને પડી છે!
ઑડિયન્સમાંથી क: ડૉક્ટરને બોલાવો…
અનેક અવાજો: હા, હા, ડૉક્ટરને બોલાવો.
ઑડિયન્સમાંથી क: રવિભાઈ, ડૉક્ટરને બોલાવી લાવો, ડૉક્ટરને.

(ડાયરેક્ટર હાંફળો-હાંફળો બૅક સ્ટેજ પરથી સ્ટેજ પર આવે છે.)

ડાયરેક્ટરઃ (પ્રેક્ષકોને સંબોધતાં) પ્રેક્ષકમિત્રો અમારા નાટકની નાયિકા અચાનક બેશુદ્ધ થઈ ગઈ છે. પ્રેક્ષકોમાંથી કોઈ ડૉક્ટર હાજર હોય તો પ્લીઝ જલદીથી સ્ટેજ પર આવી જાય. અહીં કોઈ ડૉક્ટર હાજર છે કે?

(ઑડિયન્સમાંથી એક વ્યક્તિને સ્ટેજ તરફ આવતી જોઈને) આવો સાહેબ, આવો. પ્લીઝ (હાથ આપીને ડૉક્ટરને સ્ટેજ પર ચઢાવે છે.) જુઓ ડૉક્ટરસાહેબ, અમારી હીરોઇનને શું થઈ ગયું છે? (સ્ટેજ પરના કલાકારો હીરોઇનને ઊંચકીને બૅક સ્ટેજમાં લઈ જાય છે. ડૉક્ટર પણ તેની પાછળ પાછળ ચાલ્યા જાય છે.)

ડાયરેક્ટરઃ (પ્રેક્ષકોને સંબોધતાં) મહેરબાન કદરદાન પ્રેક્ષકમિત્રો, આજે અમારી પહેલી જ નાઇટમાં આપને જે તકલીફ પડી છે તે માટે અમે દિલગીર છીએ. કલાકારની તબિયત અચાનક બગડી જાય એમાં આપણે શું કરી શકીએ? પણ આપની પાસેનું ટિકિટનું અડધિયું આપ સાચવીને રાખશો. અમે ટૂંક સમયમાં નવા શોની જાહેરાત કરીશું. તેમાં આપ જરૂરથી પધારશો. આપને તકલીફ પડી તે બદલ હું ફરીથી દિલગીરી વ્યક્ત કરું છું. (બૅક સ્ટેજમાંથી ડૉક્ટરને આવતા જોઈ) ઓહ, ડૉક્ટરસાહેબ, આવી ગયા છે. (ડૉક્ટરને) કેવું છે સાહેબ?
ડૉક્ટરઃ ચિંતા કરવાની જરૂર નથી. મેં બહેનને પૂરેપૂરાં ચેક કરી લીધાં છે.
રવિઃ ડૉક્ટરસાહેબ, નિહારિકા ભાનમાં ક્યારે આવશે?
ડૉક્ટરઃ હમણાં ભાનમાં આવશે. શારીરિક અને માનસિક તનાવને કારણે ક્યારેક વ્યક્તિ બેશુદ્ધ બની જાય છે. ડૉન્ટ વરી. શી ઇઝ ઑલરાઇટ. આમનું કોઈ નજીકનું રિલેટિવ નથી?
રવિઃ છે ને. આ ભાઈ તેમના પતિદેવ છે. હી ઇઝ મિ. ગગન કાનાબાર.
ડૉક્ટરઃ ગગનભાઈ, મારે તમને એક ખુશાલીના સમાચાર આપવાના છે. યૉર વાઇફ ઇઝ પ્રેગનન્ટ. તમે નજીકના ભવિષ્યમાં પિતા થવાના છો.
ગગનઃ (આશ્ચર્યથી) શું કહો છો સાહેબ?
રવિઃ ના હોય ડૉક્ટર! ગગન, મારાં તને અભિનંદન. હવે સાલા, તું બિલ્લો ચાટતો પુખ્ત ઉંમરનો બાબો નથી રહેવાનો. તું હવે બાટલીનું દૂધ પીતા બાબાનો બાપ થવાનો બાપ. યૂ વિલ બી એ ફાધર. (આનંદમાં, મોટેથી) થ્રી ચીયર્સ ફૉર ગગન કાનાબાર હિપ્પી…
સ્ટેજ પરના કલાકારોઃ હુર્ર્રે
રવિઃ હિપ્પી…
સ્ટેજ પરના કલાકારોઃ હુર્ર્રે…
अ: મારાં પણ અભિનંદન, કાનાબાર સાહેબ.
ब: પ્લીઝ એક્સેપ્ટ માય કૉન્ગ્રેચ્યુલેશન્સ.
क: બાપુ. ગગનને ત્યાં ઘોડિયું બંધાશે. (મુક્ત હાસ્ય) હાહાહાહાહા…

(ગગન સ્ટેજ પર ધસી આવેલા ટોળાથી સરકતો સરકતો એક ખૂણામાં જાય છે. સ્પૉટલાઇટ તેના પર.)}}

ગગનઃ (સ્વગત) શું નિહારિકા બાળકની માતા થવાની? શું હું બાપ થવાનો? પણ… પણ… શું ખાતરી કે એ બાળક મારું જ હશે? મારું એટલે માત્ર નિહારિકાનું નહીં. મારું એટલે નિહારિકા અને ગગન કાનાબારનું? … ઓહ, મને મને કંઈ સમજાતું નથી.
(ધીરે ધીરે પડદો પડે છે.)

(કૅનવાસનો એક ખૂણો)