ગુજરાતી એકાંકીસંપદા/ચાલો આપણે બે

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ચાલો આપણે બે
બળદેવ મોલિયા
પાત્રો

ધનેશ
રમેશ
હરીશ
જ્યોતિ
પ્રમોદ
ઘેલુ
સ્થળઃ કલામંદિરની કચેરી
(નાટકની સમયમર્યાદા લગભગ ૪૦ મિનિટ)

(સામી બાજુની દીવાલથી થોડે દૂર જુદી જુદી ઢબની ત્રણ ખુરશીઓ પડેલી છે. વચમાં એક ટિપોય છે. ટિપોય પર સિગારેટના પાકીટ પડેલાં છે. જમણી અને ડાબી બાજુએ બે પ્રવેશદ્વાર છે. ટિપોયથી થોડે દૂર જમણી બાજુ તરફ ગ્યાસતેલનો ખાલી ડબ્બો પડેલો છે. ડાબી બાજુના પ્રવેશદ્વારની નજીક પાણીની માટલી નાની ડોલમાં મૂકેલી છે. એની આજુબાજુ ત્રણચાર પવાલાં અસ્તવ્યસ્ત રીતે પડેલાં છે. પાણીની માટલી ઉપર એક સફેદ ટોપી ઢાંકેલી છે. પડદો ઊઘડે છે ત્યારે ધનેશ નામનો યુવાન એકલો હોય છે અને તે પોતાનો અભિનય કરતો હોય છે.)

ધનેશઃ (અભિનય સાથે – ડાબી બાજુએ જોતાં) ના, ના એવું ના બોલ. પ્રિયે હું તને કેટલો ચાહું છું? તું છેક નિષ્ઠુર ન બન, પ્રિયે યાદ છે? એ ચાંદની રાત, નદીનો કાંઠો, તું… અને હું. આ મારું દિલ, એ દિલમાનું દર્દ… એ દર્દને તું ઊભરાવ ના, આવ… પાછી ફર, એક શબ્દ તો બોલ… જતાં જતાં બસ એટલું કહેતી જા… કે હું તને ચાહતી હતી. એટલું યે નહિ કહે…? પ્રિયે જાય છે? ક્યાં… ક્યાં… ક્યાં.
રમેશઃ (દોડતો આવીને જૂની રંગભૂમિના અભિનેતાની જબાનમાં) ક્યાં, ક્યાં છે એ મારી ટોપી? કોની માએ સવાશેર સૂંઠ ખાધી છે કે મારી ટોપી સંતાડે?
ધનેશઃ અલ્યા રમેશ, બાબરા ભૂત જેવો ક્યાંથી ટપકી પડ્યો. ટોપી ટોપીની બૂમો મારી મારા જામેલા સીનને મારી નાંખ્યો.
રમેશઃ સીન જામતો તો…? તારો કયો લવ સીન જામ્યો છે? તેં જ તારી જાતે બધા લવ સીન લવ લવ કરીને બગાડ્યા છે. કોની સાથે વાત કરતો હતો…? બબૂચક એ ખૂણામાં તો સાવરણી પડી છે.
ધનેશઃ સ્ત્રી પાત્ર ન હોય તો શું થાય? સાવરણી મૂકીને ચલાવું પડે. આજનો દિવસ સારો છે. આજે તો જરૂર કોઈ સ્ત્રીપાત્ર જડી આવશે.
રમેશઃ શું ધૂળ મળશે? આ મારી ટોપી જ જડતી નથી ને?
ધનેશઃ તને તો તારી ટોપીની પડી છે.
રમેશઃ અને તને તારા સ્ત્રીપાત્રની… (રમેશની નજર એકાએક માટલી પર ઢાંકેલી ટોપી પર પડે છે) જડી… જડી…
ધનેશઃ હેં હેં કોણ? કેવી છે દેખાવડી છે?
રમેશઃ અલ્યા છે શું? કેવી છે. દેખાવડી છે, એ બધાંનું તારે શું કામ? ના, ના તું જ કહે કેવી હોય? તું જાણતો નથી કે કેવી હોય? પણ તું ક્યાંથી જાણે…? તું ક્યારે ટોપી પહેરે છે?
ધનેશઃ પાછી ટોપીની મોંકાણ માંડી.
રમેશઃ મોંકાણ નહિ… મારી ટોપી એ માટલી પર કોણે મૂકી? (જૂની રંગભૂમિના અભિનેતાની જબાનમાં) કાયરો પીઠ પાછળ ઘા કરતાં શરમાતા નથી? આવો, તાકાત હોય તો મેદાનમાં આવો, છઠ્ઠીનું ધાવણ નીકળી જશે.
ધનેશઃ આ તો તારો જૂનો સંવાદ છે. એ નાટક તો પહેલી નાઇટે જ ઊડી ગયો હતો. પથરા પડ્યા હતા તે ભૂલી ગયો?
રમેશઃ હં! પથરા? આજના લોકોને પથરા મારવા સિવાય બીજું આવડેય છે શું? જૂના જમાનાના લોકો-પ્રેક્ષકો ગમે તેવા તોય દિલના ઉદાર. નાટક ન ગમે તો ગંડેરી મારે… પણ પથરા તો ન જ મારે. એમની રસવૃત્તિ પણ કેવી?!… રસ વગરના નાટક વેળા તખ્તા પર રસ ભરેલી ગુલાબ ગંડેરી જ્યારે પડે ત્યારે ઍક્ટરનેય એમ થાય કે નાટક ભલે નબળો ગયો પણ પડવા દો ગંડેરી ખાવા તો મળશે! એક વાર મારા કાકા નાટકમાં મુંજનું પાત્ર કરતા હતા અને એકાએક ગંડેરીનો મારો શરૂ થયો.
ધનેશઃ તો તો તારા કાકાની ટાલ તૂટી…
રમેશઃ ટાલ તો સલામત રહી… એ તો વ્હીગ નીચે દબાયેલી હતી. પણ ધનેશ તું માનશે નહિ, એ નાટકના એક એક ઍક્ટરને ભાગે બશેર બશેર ગુલાબ ગંડેરી આવી… બધાએ ધરાઈ ધરાઈને ખાધી અને મારા કાકા…
ધનેશઃ તારા કાકાને ભાગે કદાચ શેર બશેર વધારે આવી હશે…!
રમેશઃ મારા કાકા મુંજ હતા. મુંજ રાજાને ભાગે ગંડેરી તો વધારે આવી પણ પ્રેક્ષકોએ સ્ટેજ પર જોડા અને ચંપલોનો પણ મારો ચલાવ્યો, મારા કાકાના હાથમાં બરાબર એમના માપનાં જ ત્રણ જોડ ચંપલ અને બે જોડ બુટ આવ્યાં. ભાઈ વાહ! શું એ જમાનો અને કેવા ઉદાર પ્રેક્ષકો? ખીજવાય તોયે ઉદાર દિલે ઍક્ટરને કંઈ ને કંઈ આપતા જાય! અને આજના આ પ્રેક્ષકો… બિલકુલ છોકરમત… વહેવારમાં શૂન્ય. પથરા મારે અને ખુરશી ભાંગે.
ધનેશઃ હજી આપણો ડાયરેક્ટર હરીશ કેમ આવ્યો નહિ?
રમેશઃ સ્ત્રીપાત્રની શોધમાં ઊપડ્યો હશે!
ધનેશઃ મૂરખ… પહેલા નંબરનો ઢ. બગલામાં છોકરું અને આખા ગામમાં શોધે.
રમેશઃ એટલે?
ધનેશઃ પાત્ર તો એના ઘરમાં જ છે… એના કાકીની છોકરી… અહા… અ…હા…!
રમેશઃ પણ તને ખેંચ કેમ આવી…?
ધનેશઃ શું સુંદર છે, શી એની ચાલ… શું અવાજ અને અભિનય…! રમેશ… એ વાત જ ના પૂછ.
રમેશઃ હું તો તને પૂછતો જ નથી. તું તો તારી જાતે ન્યૂમોનિયાની અસર નીચે આવી ગયો.
ધનેશઃ આવવા દે હરીશને, એ આવે એટલે એને કહી જ નાખું કે નાટક કરવા હોય તો ઘરમાંનાં સ્ત્રીપાત્રોને સ્ટેજ પર લાવો…
હરીશઃ (પ્રવેશે છે.) એક અદકું, અનેરું, અજોડ અને અદ્‌ભુત સ્ત્રીપાત્ર મળ્યું છે…
ધનેશઃ મળ્યું છે તો ઝટ ભસી મર ને. એ છે કોણ?
હરીશઃ સૌ કોઈ એને ઓળખે છે. હું ઓળખું છું એના કરતાં તું વધારે ઓળખે છે. એને લાવવાનું તારા હાથમાં છે. વચન આપ કે તું લઈ આવશે.
ધનેશઃ (તાળી આપતાં) મારા બધા પ્રયત્ન કરીશ.
હરીશઃ તો બસ, કરો કંકુના. ધનેશ, તારી ધર્મપત્ની એ જ ઉત્તમ પાત્ર.
રમેશઃ હાઉ સ્વીટ!
ધનેશઃ પણ તેમાં તું કેમ કૂદી પડે છે?
રમેશઃ તારી પત્નીના અભિનયનો હું પ્રશંસક છું.
ધનેશઃ હરીશ, મેં બે વાર તો એને સ્ટેજ પર ઉતારી. આ નાટકમાં એ ઊતરી શકે એમ હોત તો તો૦ આ બંદાને કહેવું ન પડત. પણ આ વેળા એ બને એમ નથી.
રમેશઃ કંઈ કારણ?
ધનેશઃ વાત જાણે એમ છે કે… એ એક એવા સ્ટેજ પર…
હરીશઃ આપણા મંડળનું સ્ટેજ છોડી બીજા મંડળમાં…?!
રમેશઃ તારી પત્ની અને એ બીજે નાટક કરે? શિવ શિવ… આનું નામ તે કળજુગ. અલ્યા! તારી પત્ની પર તારો જ કાબૂ નહિ?
ધનેશઃ કાબૂ… કાબૂ. તો બહુ જ રાખ્યો પણ…
હરીશઃ છતાં એ ગઈ… તેં જવા દીધી?
ધનેશઃ દોસ્ત હરીશ!… કાબૂ રાખ્યો અને ગુમાવ્યો પણ… છૂટકો ન હતો… જવા દીધી…
હરીશઃ શરમ છે તને…! ઘરના જ માણસો બહાર બીજા મંડળમાં ભટકે… બીજા મંડળના સ્ટેજ પર દોડી જાય… મને લાગે છે કે આ મંડળની કોઈને પડી નથી.
ધનેશઃ મંડળની લાગણી તને છે તેના કરતાં મને વધારે છે. ખૂબ વિચાર કરીને, દીર્ઘ દૃષ્ટિથી મેં મારી પત્નીને મોકલી છે. એ નવું પાત્ર લઈને આવશે… આપણે માટે… આપણા મંડળને માટે.
રમેશઃ નવું પાત્ર?
હરીશઃ એ નવું પાત્ર શું આજે આવશે? કેવું છે એ?
રમેશઃ તેં જોયું છે?
ધનેશઃ જોયું નથી છતાં ખાતરી છે કે નવું પાત્ર આવશે જ. છોકરો આવે છે કે છોકરી એની ખબર નથી.
હરીશઃ એટલે? તારી પત્નીએ તને વાત પણ કરી નથી?
ધનેશઃ એ શું જાણે? હજી તો આજે સવારે જ સૂતિકાગૃહમાં ગઈ છે. શું જન્મ્યું…
રમેશઃ અલ્યા અમારી મશ્કરી?
ધનેશઃ તમારી મશ્કરી કરવાનો મને અધિકાર પ્રાપ્ત થયો છે. આ મંડળમાં હજી સુધી કોઈ પિતા થયો છે? હું એકલો જ પિતા થઈશ, તમે બધા ગમે તેવા તોય છોકરા, નાદાન છોકરા.

(એટલામાં જ્યોતિ, શાંતિ અને પ્રમોદ નામના ત્રણ યુવકો પ્રવેશે છે. દરેકના હાથમાં કાગળિયાં છે. જ્યોતિ પ્રવેશતાં જ પોતાના હાથમાંના કાગળો હરીશને રોષથી સોંપે છે.)

જ્યોતિઃ (કાગળો આપતાં) લો આ કાગળિયાં, આપણે આ નાટકમાં ઊતરવાના નથી.
હરીશઃ કેમ, શું થયું?
જ્યોતિઃ એક વાત ચોખ્ખી કરો કે મારી સાથે કયું સ્ત્રીપાત્ર છે?
શાંતિઃ ત્રણ ત્રણ સ્ત્રીપાત્રનું નાટક. એમાંથી બે તો મળ્યાં છે. એ બેમાંથી કયું પાત્ર કોની સાથે…
રમેશઃ હજી પાત્રવરણી ક્યાં થઈ છે?
જ્યોતિઃ રંધાઈ ગયું છે. ગંધ આવ્યા વગર રહે? આ પ્રમોદ અને શાંતિ પણ નહિ ઊતરે.
હરીશઃ પ્રમોદ ને શાંતિને શું છે? જાણે એક માના કહ્યાગરા દીકરા હોય તેમ.
પ્રમોદઃ અમને આ મંડળમાં પૂછે છે કોણ? મારી અને શાંતિની જીભનો તો કૂચો વળી ગયો.
હરીશઃ નાટક કરવો હોય તો કરો. ચસકો તમને છે, મને નથી. મંડળને તાળું મારવું હોય તો તાળું મારો. મને દબાવી ન મારો.
શાંતિઃ દબાયલા તો અમે છીએ. અલ્યા! તને ડાયરેક્ટર કોણે બનાવ્યો?
જ્યોતિઃ અમારા જૂથે તને ડાયરેક્ટર બનાવ્યો. તું ઍક્ટર થયા વિના ડાયરેક્ટર થયો છે એ ભૂલી ન જા.
શાંતિઃ અને એટલે જ આજે અમે તારી સાથે બિલકુલ ડાયરેક્ટ વાત કરવા માંગીએ છીએ. જવાબ આપ! આટઆટલાં નાટકમાં તેં મને ક્યારેય કોઈ પ્રેમીની ભૂમિકા આપી છે?
પ્રમોદઃ અને મને ક્યારેય થોડોઘણો પ્રેમ કરવાની તક આપી છે? એક નાટકમાં તેં મને હિરોઇનનો ભાઈ બનાવ્યો, બીજા નાટકમાં મને એનો બાપ બનાવ્યો. શું હું બાપ જેવો લાગું છું?
શાંતિઃ તને તો એટલીયે તક મળી પણ…
પ્રમોદઃ શું ધૂળ મળી? પેલી મને ભાઈ ભાઈ અને પિતાજી પિતાજી કહીને બોલાવે અને મારું તો શેર લોહી ઊડી જાય.
જ્યોતિઃ મને ડૉક્ટર બનાવ્યો… પણ માંદી પડેલી હિરોઇનની નાડ હાથમાં લઉં એ પહેલાં પડદો પાડી દીધો… જરા સરખો સ્પર્શ પણ ન કરવા દીધો… શું કમાલ ડાયરેક્ટર છે?!
શાંતિઃ અને મને તો સ્ત્રીપાત્રની સામે જરીયે આવવા જ ન દીધો. દરેક નાટકમાં પહેલા અંકના આરંભમાં જ મને મારી નાખ્યો.
હરીશઃ એટલે એમ કે તમારે બધાએ પ્રેમી બનવું છે?
જ્યોતિઃ અલ્યા હજી પૂછે છે? અમે તો પ્રેમીઓ જ છીએ… આજન્મ પ્રેમી.
પ્રમોદઃ પ્રણયત્રિકોણનાં નાટક લખાવો… પછી જોઈ લો પ્રેમ સીન… આવી જાય એક બાજુ આ ધનેશ અને બીજી બાજુ હું અને જરૂર પડે તો આ પ્રમોદ.
રમેશઃ તો તો ચોરસ થાય.
શાંતિઃ ચોરસ થાય, લંબચોરસ થાય કે સમચોરસ થાય… ગમે તે ચોરસ લો પણ ચોરસમાં રસ તો આવવાનો જ. ચો…રસ.
ધનેશઃ તો એમ કરો, સૌ સૌની પસંદગીનું પાત્ર લઈ આવે… અને પછી કરે નાટક એની સાથે.
હરીશઃ બરાબર છે અલ્યા પ્રમોદ! પેલા આફ્રિકાવાળા રામભાઈની દીકરી…
પ્રમોદઃ કોણ તરલા?
શાંતિઃ (બાજુ પર જઈ) તરલા! હાઉ સ્વીટ! દોસ્ત પ્રમોદ લઈ આવ. આપણે એની સાથે ઊતરીશું.
પ્રમોદઃ હું લઈ આવું અને તું ઊતરે …? ગાંડો મા થા!
જ્યોતિઃ તમે બેઉ રહ્યા! હું ઊતરીશ… શું એનો અવાજ, શી છટા!
હરીશઃ (જ્યોતિ પ્રત્યે) પ્રમોદને એની સાથે ઓળખાણ છે.
શાંતિઃ પ્રમોદને ઓળખાણ છે? જરા એને પૂછ તો ખરો કે ઓળખાણ કોણે કરાવી? હું કહીશ તો જ એ આવશે.
જ્યોતિઃ એ આવે તો શરત, તમારા બેના કહેવાથી આવે તો તો થઈ જ રહ્યું. તમારા બેઉની ઓળખાણ કાચી, પાકી ઓળખાણ મારે છે.
પ્રમોદઃ હવે ફેંકછાપ ન કર. હું કહું ને ન આવે? ખાંડ ખા ખાંડ. આ પ્રમોદને હજી તમે ઓળખ્યો નથી! એ શું, એની મા પણ આવે.
શાંતિઃ બિચારો બાપ ઘરમાં એકલો રહી જશે… દયા ખાઈને એનેય લઈ આવજે.
રમેશઃ મંડળમાં મા અને બાપનું કામ નથી. કામ છે છોકરીનું (એકાએક ગળગળો થઈ માથે હાથ મૂકી નિરાશ થઈને બાજુ પર જઈ) મા… મા… તને તો બધા તરછોડી ચાલ્યા. કોઈને તારી પડી નથી. તારી ગોદમાં ઊછર્યા, તેં પેટે પાટા બાંધી સૌનું જતન કર્યું. મા… મા… મને માફ કર… મારો શો ગુનો…? મા… મા… મા બોલ તો ખરી.
શાંતિઃ એ નહિ બોલે… ભાઈ રમેશ આપણે એ જૂનો નાટક નથી કરવાનો… માતૃભૂમિ આઝાદ થઈ ગઈ અને માતૃભૂમિ નાટક મરી ગયો.
રમેશઃ અય માતૃભૂમિ તેરે ચરણોં મે શિશ નમાઉં.

(રમેશ ઘૂંટણિયે પડે છે. એની નજીક જઈ શાંતિ એને ઉઠાડતાં.)

શાંતિઃ (પીઠ પર હાથ મૂકી) ચરણે ન પડ… માને ચરણે ન પડ, કોઈ સ્ત્રીપાત્ર આવે એને ચરણે જો પડીશ તો તારો ઝટ ઉદ્ધાર થશે.
હરીશઃ હવે એક નિર્ણય પર આવી જાવ. નાટક કરવો છે કે નહિ?
રમેશઃ નાટક તો કરવો જ છે.
ધનેશઃ નાટક પર તો હું ટકી રહ્યો છું.
પ્રમોદઃ નાટક એ તો મારું જીવન છે.
શાંતિઃ વિના નાટક નહિ ઉદ્ધાર.
જ્યોતિઃ નાટક મારો જન્મસિદ્ધ હક્ક છે. ગમે તેટલી ટક ટક નાટક માટે થાય તો પણ નાટક તો થશે જ.
હરીશઃ અરે યાર શું મારું ભેજું છે! બધી વાત ભૂલમાં ગઈ. દોસ્તો નાટક તો થશે જ. એક સુંદર સ્ત્રીપાત્ર મળી ગયું છે. આજ સુધી ક્યારેય સંસ્થામાં આવ્યું ન હોય એવું સુંદર, ચપળ અને ચબરાક.
ધનેશઃ કોણ છે? એનું નામ?
ધનેશઃ કયા મોઢે હું એનું નામ દઉં? આપણી અને આપણા મંડળની આબરૂ પર પાણી ફરી વળતું હોય એમ લાગે છે. આપણા રંગઢંગ, આપણી પ્રેમચેષ્ટા, આપણી વેવલાઈ, સ્ત્રીપાત્રો સાથેનો આપણો વર્તાવ, ખુશામત કરી એને ખુશ રાખવાની આપણી વૃત્તિ, અને આપણી પોકળતા… ખુદ આપણે જ આપણા ચારિત્ર્યથી ડરીએ છીએ. આપણને આપણમાં વિશ્વાસ નથી એટલે જ આપણે આપણી બહેન, ભાણેજ, ભત્રીજીને સ્ટેજ પર લાવતા નથી.
જ્યોતિઃ અમે ભાષણ સાંભળવા નથી આવ્યા.
હરીશઃ મને ખબર છે કે કોઈને કશું સાંભળવું નથી. કલાકાર પોતાની પ્રશંસા સિવાય કંઈ જ સાંભળવા તૈયાર નથી. એના કાન પોતાની પ્રશંસા સાંભળવા અને એની જીભ બીજા કલાકારની ટીકા કરવાને જ સર્જાયા હોય છે. એક જ નાટકમાં અદા કરી એટલે એ પોતાને મહાન કલાકાર માની બેસે છે. બે-પાંચ વખાણ કરનારા મળ્યા, એક-બે વાર છાપામાં નામ આવ્યું કે બસ થઈ રહ્યું. ગરદન ઊંચી થઈ જાય અને આખા શરીરે જાણે ડબલ-કડક અસ્તરી થઈ હોય એમ એ અકડાઈ જાય.
રમેશઃ કલાકારને વગોવ નહિ. દોષ એનો નથી. કલાનું સ્થાન ઊંચું છે એટલે કલાકાર બિચારો ખેંચાઈ ખેંચાઈને અક્કડ થઈ જાય છે અને એનું ડોકું ઊંચું થાય છે.
ધનેશઃ ચર્ચા આડા પાટે જાય છે. ભાઈ હરીશ તું પેલા સ્ત્રીપાત્રની વાત કર.
હરીશઃ સ્ત્રીપાત્ર તૈયાર છે. કદાચ બાજુના લેડીઝ રૂમમાં આવીને બેઠું હશે. હું બોલાવી લાવું પણ તમે બધા મને ખાતરી આપો કે એની સાથે સૌ સારી રીતે વર્તશે.
પ્રમોદઃ અમે પ્રતિજ્ઞા લઈએ છીએ કે અમે સૌ…
શાંતિઃ એની સાથે પ્રેમથી વર્તીશું.
હરીશઃ પ્રેમથી?
જ્યોતિઃ પ્રેમથી એટલે કે માનથી.
પ્રમોદઃ પણ એનું નામ?
હરીશઃ નામ તો છે મિસ સૂરજ.
જ્યોતિઃ મિસ સૂરજ! બિલકુલ જૂના જમાનાનું.
પ્રમોદઃ ચંદા નહિ, ચંદ્રિકા નહિ ને સૂરજ!
શાંતિઃ પાછળ બા નથી એટલે વાંધો નહિ.. આગળ મિસ છે… પછી નામ ગમે તે હોય.
જ્યોતિઃ દોસ્ત હરીશ, નામ તો ફેરવવું પડશે. નામમાં પણ એટ્રૅક્શન જોઈએ. વારુ પણ ઉમ્મર, દેખાવ એ બધું બરાબર છે ને…?
હરીશઃ બિલકુલ મૉડર્ન. હમણાં જ લઈ આવું…

(હરીશ જાય છે.)

શાંતિઃ અલ્યા આમ લાઇનમાં ઊભા રહો… આધેથી જ આવતું દેખાય.
જ્યોતિઃ પણ તું એન્જિન બની મોખરે શાનો મરે છે? ચાલ હટ, આગળ મને રહેવા દે.

(શાંતિ સૌની આગળ ઊભો રહે છે અને બધા એક એકની પાછળ ઊભા રહે છે.)}}

પ્રમોદઃ એમ કરો બે લાઇન બનાવો.
શાંતિઃ જુઓ… એ સાડીનો છેડો દેખાયો. અરે પાછો ટેબ્લો, બહુ શરમાળ લાગે છે.
પ્રમોદઃ (જ્યોતિનો ખભો ઝાલી ઊંચો થઈ) અરે… આવી… આ… હા… અહા… શું ચાલ છે?
જ્યોતિઃ અલ્યા એઈ મને તો જોવા દે… શાંતિ તું જરા બાજુએ હઠ… હઠો, હઠો.

(મિસ સૂરજ અને હરીશ પ્રવેશે છે.)

શાંતિઃ નમસ્તે.

(મિસ સૂરજ નમસ્તે ઝીલી ઊભી રહે છે.)}}

પ્રમોદઃ ઓહ તમે? … કંઈ જોયા છે… નમસ્તે.

(મિસ સૂરજ પુનઃ નમસ્તે ઝીલે છે.)

જ્યોતિઃ હલ્લો! મિસ સૂરજ!

(શૅકહૅન્ડ કરવા જાય છે પણ મિસ સૂરજ તો નમસ્તે કરે છે.)

ધનેશઃ આવો, અહીં આવો. આ ખુરશી પર…
હરીશઃ હા, ચાલો.
જ્યોતિઃ અલ્યા શાંતિ! ખુરશી લૂછી નાંખ.
શાંતિઃ બધું સાફ છે… ક્યારનીયે લૂછી કાઢી…
ધનેશઃ આવો તમે આવ્યાં તે ઠીક થયું. હવે નાટક આગળ ચાલશે.

(મિસ સૂરજ બેસે છે. બીજા આજુબાજુ ગમે તેમ બેસી જાય છે. કોઈ ડબ્બા પર બેસે છે, કોઈ ટિપોય પર અને એક ખુરશી પર બબ્બે જણ પણ બેસે છે. માત્ર હરીશ ઊભો રહે છે.)

હરીશઃ જુઓ મિસ સૂરજ, હું પહેલાં આપને કલાકારોનો પરિચય કરાવી લઉં. આ છે મિસ્ટર ધનેશ (ધનેશ નમસ્તે કરે છે.) અમારી સંસ્થાના પ્રાણ…
સૂરજઃ એમની તો ઘણી તારીફ સાંભળી છે.
હરીશઃ અને આ છે મિસ્ટર રમેશ, સંસ્થાના મંત્રી (રમેશ નમસ્તે કરે છે.) કોઈ વાર એ નાટકમાં ઊતરે છે અને આ છે મિ. જ્યોતિ (જ્યોતિ નમસ્તે કરે છે.) સારા કલાકાર છે… એમણે…
જ્યોતિઃ પાંચસાત નાટકમાં કામ કર્યું છે. એકાંકીઓ પણ લખી છે.
સૂરજઃ એમ? તમારાં નાટકો મેં કાલે જ વાંચ્યાં?
જ્યોતિઃ તમને કેવાં લાગ્યાં?
સૂરજઃ ખોટાં નહિ. તમારાં પાત્રો ખૂબ રસિક હોય છે.
હરીશઃ અને આ પ્રમોદ (નમસ્તે કરે છે.) સંસ્થામાં એ મૂળથી જ અને આ શાંતિ (શાંતિ નમસ્તે કરે છે.) ઊગતા કળાકાર છે… ત્યારે મિત્રો મિસ સૂરજ અહીં બેસે છે. તેઓ નાટકની સ્ક્રીપ્ટ વાંચશે, આપણે બધા બાજુના ઓરડામાં જઈ પાત્ર વરણી કરી લઈએ.

(બધા જાય છે. જતાં જતાં જ્યોતિ સહુની પછવાડે રહી જાય છે ને બારણા આગળથી જ પાછો ફરે છે. મિસ સૂરજ વાંચવામાં મશગૂલ છે. જ્યોતિ ઊભો રહી… બારણાથી બહાર જતાં જતાં ધીમે પગલે મિસ સૂરજ નજીક જાય છે.)

જ્યોતિઃ માફ કરજો, મિસ સૂરજ તમને ડિસ્ટર્બ કર્યાં. તમે તો “સ્નેહકુંજ”માં રહો છો ને?
સૂરજઃ ના “પ્રેમકુંજ”માં.
જ્યોતિઃ બરાબર “પ્રેમકુંજ”. મારો “પ્રેમનો દોર” નાટક મેં તમને જોયાં એ પછી જ લખ્યો હતો. વારુ એ નાટક તમને કેવો લાગ્યો?
સૂરજઃ પ્રેમનો દોર? એ દોર તો અડધેથી જ તૂટી ગયો. હું વાંચતી હતી ત્યાં પિતાજીએ બૂમ મારી અને પછી તો ફુરસદ જ ન મળી.
જ્યોતિઃ હશે, જાણે વાત એમ છે કે તમને જોયાં કે તરત જ મને એમ થયું કે મેં તમને ક્યાંય જોયાં છે.
સૂરજઃ મને પણ એમ જ થયું… જાણે કોઈ જૂની ઓળખાણ તાજી થતી હોય… એ ઓળખાણ ક્યારની તે યાદ ન આવ્યું.
જ્યોતિઃ હશે… એ ઓળખાણ.. આ ભવની હોય કે પરભવની હોય… પણ ઓળખાણ ખરી.
સૂરજઃ વાહ… રે મિ. જ્યોતિ, તમે તો આંગળી આપતાં જ…
જ્યોતિઃ ખોટું લાગ્યું? ખેર… ખરી વાત તો રહી ગઈ. આ તમારું નામ સૂરજ છે તે મને નથી ગમતું.. હું તો તમને સુરૂ કહીશ અને મિસ સુરૂ.
સૂરજઃ તમે તો શરૂઆત પણ કરી દીધી… બહુ ઉતાવળા.
જ્યોતિઃ જુઓ ને મિસ સુરૂ… શુભ કામમાં ઢીલ ન કરવી. વાત જાણે એમ છે કે આ મંડળમાં નાટકનું કોઈ જ જાણકાર નથી.
સૂરજઃ અને તમે એકલા જ છો.
જ્યોતિઃ એક્ઝેટલી… તમે મને ઓળખી ગયાં ખરાં! એટલે હવે તમને ખાનગીમાં કહી રાખું છું કે તમારી સાથે મુખ્ય પુરુષપાત્ર તરીકે મને જ પસંદ કરજો.

(પ્રમોદ આવે છે અને બારણા પાસે થંભી જાય છે.)

પ્રમોદઃ અલ્યા… એઈ ગુંદરિયા… અહીં શું કરે છે? જા, ત્યાં રંગ જામ્યો છે ને પાત્ર વહેંચણીનો જંગ જામ્યો છે. તને બોલાવે છે.
જ્યોતિઃ આ ચાલ્યો. બધાને જ હીરો થવું છે હીરો.
પ્રમોદઃ જા, દોડ (જ્યોતિ જાય છે એટલે પ્રમોદ સૂરજ નજીક જઈ) સૉરી મિસ સૂરજ… અહીં જરા નવું નવું લાગતું હશે. નવાં એટલે વાત પણ કોની સાથે કરો! આ જ્યોતિઓ તો માથું ખાઈ ગયો હશે… જોજો એનો વિશ્વાસ કરતાં… બિલકુલ ફેંકછાપ… ત્યાં નાટકના હીરો થવા માટે તકરાર પડી છે… તમને એક વાત પૂછું?
સૂરજઃ પૂછો… એક શું હજાર.
પ્રમોદઃ તમને નથી લાગતું કે આપણા બેની પેર બરાબર જામે? સ્ટેઇજ પર બરાબર મૅચ થઈએ… તમારે માત્ર ડાયરેક્ટર હરીશને જરા મારે માટે પ્રેસ કરવાનો… હું

(અંદરથી જ ઓ પ્રમોદ, ઓ પ્રમોદ એવી બૂમો મારતો શાંતિ પ્રવેશે છે.)

શાંતિઃ ઓ ગુરુઘંટાલ… જા તને હરીશ બોલાવે છે.
પ્રમોદઃ જાઉં છું… મિસ સૂરજ જોડે વાત કરતો હતો, એ શું અહીં એકલાં બેસી રહે?
શાંતિઃ હવે જા… એકલાં શાને… હવે હું છું ને?
પ્રમોદઃ (જાય છે. જતાં જતાં સામે જુએ છે. એ વેળા શાંતિ પ્રમોદ સામે જુએ છે અને શાંતિ મુક્કો બતાવે છે.) સારું થયું એ ગયો.મિસ સૂરજ એ શું લવારો કરતો હતો? એની વાતમાં ફસાતાં નહિ… જાળ નાખવામાં એ ઉસ્તાદ છે…
સૂરજઃ એ તો એમ કહેતો હતો…
શાંતિઃ કહ્યું એણે! એના કરતાં મેં વધારે નાટકમાં કામ કર્યું છે. મેં લોકોને પેટ પકડીને હસાવ્યા છે ને આંખ મીંચીને રડાવ્યા છે. પણ તમે? આમ રડવા જેવાં કેમ થઈ ગયાં? હું બોલું છું તે તમને નથી ગમતું? શું તમને રીસ ચઢી? તમને સ્ત્રીને રીસ ચઢતાં વાર નહિ…
સૂરજઃ ના, ના. મને તો તમારો જ વિચાર આવ્યા કરે…
શાંતિઃ આવે જ… મારો વિચાર આવે જ. મને કોઈ બસ એક વાર જોઈ લે કે પછી મારો વિચાર આવ્યા જ કરે.. (બાજુએ જઈ) દિલમાં રમી રહું… આંખમાં વસી જાઉં. (સૂરજ નજીક જઈ) આપણે તો સીધી જ વાત કહેવાવાળા… તમારે તમારું પાત્ર દીપાવવું હો તો તમારી સાથે હું આવું એમ કરજો…

(ધનેશ દોડતો દોડતો આવે છે.)

ધનેશઃ ઓ શાંતિયા… જા તારા નામની ત્યાં બધા પોક મૂકે છે. જા… જા… તને પટાવાળાનું પાત્ર મળ્યું છે. (શાંતિ ટાંટિયા પછાડતો “પટાવાળો” “પટાવાળો” એમ બબડતો બબડતો ચાલ્યો જાય છે.) મને… મિસ સૂરજ, મને મુખ્ય ભૂમિકા મળી. યૂ આર ટૅલન્ટેડ એટલે મારે તમને ખાસ શીખવવું નહિ પડે.
સૂરજઃ મને લાગે છે કે મારે બદલે તમારાં પત્ની હોત તો?
ધનેશઃ અરે વાહ! તમે મારાં પત્નીને પણ ઓળખતાં લાગો છો.
સૂરજઃ બહુ સારી પેઠે. તમે ખરેખર ભદ્ર પુરુષ છો. તમારે બદલે બીજો પુરુષ હોય તો…
ધનેશઃ જવા દો ને એ વાત…
સૂરજઃ કેમ તમને દુઃખ થયું? તમારી સાથે નાટકમાં ઊતરે એટલે મેં જાણ્યું કે તમારાં પત્ની લીબરલ વ્યૂઝનાં હશે… પણ બહુ કોન્ઝરવેટિવ નીકળ્યાં. સ્ત્રી પુરુષ ગમે તેની સાથે ફરે.
ધનેશઃ જે છે તે એ. રમકડું ઓછું છે કે બજારમાંથી બીજું લઈ આવીએ.
સૂરજઃ લઈ તો ન આવીએ પણ બીજું રમકડું મળે તો રમી લઈએ.
ધનેશઃ તમે તો બિલકુલ વેસ્ટર્ન છો… આપણે બે…

(અંદર ખૂબ શોરબકોર થાય છે. ધનેશ સૂરજ કનેથી દરવાજા તરફ જતો હોય છે ત્યાં હરીશ, પ્રમોદ, જ્યોતિ, શાંતિ, રમેશ વગેરે પ્રવેશે છે. પ્રવેશતાં જ બોલે છે.)

જ્યોતિઃ મુખ્ય ભૂમિકા તો મને જ મળવી જોઈએ.
પ્રમોદઃ હું… હું શું ખોટો છું?
શાંતિઃ તમે બેઉ તમારાં મોઢાં પહેલાં હૅર કટિંગ સલૂનના આરસામાં જોઈ આવો. મારા સિવાય આ નાટકમાં મુખ્ય ભૂમિકામાં કોઈ શોભે એમ નથી.
રમેશઃ બધાને જ જો હીરો થવું હોય તો હું પણ કોહિનૂર છું. હું યે જૂનો ને જાણીતો છું.
જ્યોતિઃ આપણે તો એક જ નિર્ધાર. ક્યાં તો મુખ્ય ભૂમિકા, નહિ તો આ સંસ્થાને છેલ્લા પ્રણામ.
હરીશઃ એક નાટકમાં બધાને જ હીરો કેવી રીતે બનાવવા?
શાંતિઃ તો પછી અમને બધાં જ નાટકમાં પોખરાજ ગણી કાઢી કેમ નાંખ્યા?
હરીશઃ મિત્રો શાંતિથી વાત કરો. નાટકને સફળ કરવું હોય તો જે ભૂમિકા મળી છે તેને દીપાવો. થોડો થોડો ભોગ બધા આપે.
પ્રમોદઃ જેણે આજ સુધી ભોગવ્યું હોય તે ભોગ આપે.
શાંતિઃ બરાબર છે. અમે તો પહેલેથી જ ત્યાગ કરતા આવ્યા છીએ.
હરીશઃ તો તો એક કામ કરો. મિસ સૂરજને જ પોતાની સાથે કામ કરનાર હીરો પસંદ કરી લેવા દો.
જ્યોતિઃ મિસ સૂરજ અમારા અભિનય વિષે શું જાણે? એમણે આપણી સંસ્થાનાં નાટકો જોયાં નથી.
હરીશઃ તો નાટકનો છેલ્લો સીન ભજવીએ…
પ્રમોદઃ એ છેલ્લા સીનમાં હું નથી.
સૂરજઃ નાટક નહિ થાય. મને લાગે છે કે આ સંસ્થામાં કોઈ હીરો નથી.
જ્યોતિઃ તમે અમારું અપમાન કરો છો. તમે નાટકો અને અભિનય વિષે શું જાણો?
સૂરજઃ તમારા કરતાં હું કંઈ વધારે જાણું છું.
શાંતિઃ પહેલી વાત તો એ કે તમને હિરોઇન બનાવી કોણે?
સૂરજઃ તમે બનાવી નથી… તમારામાં કલાની દૃષ્ટિ નથી… મારો અભિનય જોતાં જ તમારી સૂધબૂધ ઊડી જશે.. મિ. જ્યોતિ તમે જરા અહીં આવો.
જ્યોતિઃ હું… હું?
સૂરજઃ હા, તમે, આમ મારી નજીકમાં (સૂરજ પોતાની લટમાંનું એક ફૂલ લઈ તીરછી નજરે જ્યોતિને આપે છે. લો આ ફૂલ કેવું સુંગધીદાર છે…
જ્યોતિઃ (ફૂલ જોતાં જોતાં) અરે… આ તો કાગળનું છે…
સૂરજઃ શું આ તમારી હીરો થવાની લાયકાત? એ ફૂલ સૂંઘી… સૂંઘવાનો અભિનય કરી, કોઈ પ્રેમીની અદાથી અંગુલી પર રમાડવાને બદલે…
જ્યોતિઃ મને શું ખબર કે તમે મારી ટ્રાયલ લો છો?
સૂરજઃ અને મિ. શાંતિ… જરા આમ આવો.. આ લટ પકડીને ખેંચો તો.
શાંતિઃ શાંતિઃ લટ ખેંચું?
સૂરજઃ એક નિર્દય પતિ તરીકે ચોટલો ખેંચીને મને ઘરની બહાર કાઢો, જોઉં તમારો અભિનય?
(શાંતિ ગભરાતો ગભરાતો ચોટલો પકડીને ખેંચે છે ને વ્હીગ નીકળી જાય છે. એટલે તરત જ મિસ સૂરજ સાડી કાઢીને… અને મિ. પ્રમોદ આ મારી સાડી લો… એમ કહે છે. સાડી નીકળતાં પાટલૂન પહેરેલો ઘેલો ઓળખાઈ જાય છે.)
જ્યોતિઃ કોણ અલ્યા ઘેલું… અમને બનાવ્યા?
ઘેલું: અભિનય મારો કે તમારો? અભિનય એટલે જે ન હોય તે લાગે અને જે જણાય તે ન હોય. હવે કહો ને કે ચાલો આપણે બે… ચાલો, આવી જાવ… પ્રેમી બનો… બધા જ હીરો! લો ચાલો, આપણે બે…

(ઘેલું આ બોલતો બોલતો અવારનવાર કોઈ ને કોઈના હાથ પકડે છે, પકડવા જાય છે, અને દોડાદોડી થાય છે. ઘેલું “ચાલો આપણે બે” બોલી ધનેશનો હાથ ખેંચે છે અને ધનેશ ગબડી નીચે પડે છે ત્યારે પડદો પડે છે.) (આટાપાટા)