ગુજરાતી એકાંકીસંપદા/જૂના જોડા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
જૂના જોડા
દુર્ગેશ શુક્લ
પાત્રો

લાધો
સુખરામદાદા
રૂખી
ફુલીકાકી
દિવાળી

(સમી સાંજનો વખત છે. મોચીવાડમાં શાન્તિનું સામ્રાજ્ય છવાયું છે. પરસાળમાં લાધો મોચી અંધારે આતમજ્ઞાનનાં અજવાળાં પાથરતાં ભજનિયાં લલકારતો બેઠો છે.)

લાધોઃ આ રે કાયા રે હંસા, ડોલવાને લાગી રે.
ઊડી ગયો હંસ પિંજર પડી તો રિયું;મારો હંસલો નાનો ને દેવળ જૂનું તો થિયું.બાઈ મીરાં કહે છે પરભુ…

(સુખરામદાદા આવે છે.)

દાદાઃ એલા લાધા, છો કે?
લાધોઃ એ હા બાપા, હા. કોણ સુખરામદાદા કે? ભલાં ભાગ્ય! ચ્યાંથી અત્યારે આ દશે?
દાદાઃ (ઓસરી ઉપર બેસતાં) કામ વિના કોઈ આવે છે, ભાઈ? જરા જોડાને ટાંકો દેવરાવવા આવ્યો હતો.
લાધોઃ એ દઈ દઉં બાપા, લાવો જોડો. અબઘડી દઈ દઉં. એમાં શી ભલીશાત હતી!
દાદાઃ (જોડા ઉતારી આપતાં) લે ભાઈ, જરા ઘસરકો ખમે એવું થીગડું મારજે. ઓલ્યા વખતે દીધું હતું ત્યાંથી જ ફાટ્યું છે.
લાધોઃ ફકર નહિ દાદા. આ વખતે એથીયે મજબૂત મારી દઉં. (જોડો હાથમાં લઈ) ઓહોહો, આ જોડો! મારે સગે હાથે મેં બનાવ્યો હતો હોં! આજકાલ કરતાં દસ વરસ થિયાં. ટાઢ, તડકો, ચોમાસાં કૈંક વીતી ગયાં માથે.
દાદાઃ હજી બીજાં દસ કાઢશે, લાધા. (હસતાં) ને જઈશ ત્યારે કહેતો જઈશ કે મારી પાછળ સજ્જામાં બામણને આપજો.
લાધોઃ મોર્યનાં માણાંની સાચવણ ભારે, દાદા. પણ આજનાં જવાનિયાંને એની કદર નઈ. આપણે થાગડથીગડ કરી ઉપયોગમાં લઈએ. ઈમને તો ફાવ્યું તો નાખ્ય ઉકરડે.
દાદાઃ વહેલા પસ્તાશે દીકરા મારા. હવે તું ઉતાવળ રાખ. મારે વાળુ બાકી છે.
લાધોઃ એ આ કરું ને! (બૂમ મારી) અલી એ અમથાની બા, જરા ફાનસ લાવજે બહાર.
રૂખીઃ (અંદરથી) ફાનસે તો વાંચે છે તમારો પાટવી.
લાધોઃ તો કોડિયું લાવ.
રૂખીઃ પછી હું રસોડામાં આંખો ફોડું? હમણાં તમારા દીકરાની વહુને રોટલા ખાવા જોઈશે.
લાધોઃ પણ આંગણે ઘરાક ખોટી થાય ઈ?
રૂખીઃ કાલ દી’એ આવવા કહો.
લાધોઃ તું ય સમજે નહિ તો અમથાની બા. દાદા આવ્યા છે.
દાદાઃ એ હા, રૂખી વહુ, જરા ટાંકો દેવરાવવા આવ્યો છું.

(ઘૂમટો કાઢી હાથમાં કોડિયું લઈ રૂખી મોચણ બહાર આવે છે.)

રૂખીઃ મને વાલામૂઈને શી ખબર કે દાદા આવ્યા હશે! તમારો ભણેશરી દીકરો ‘સદેવંત સાવળંગા’ની વારતા વાંચે છે, ને એમનાં વહુરાણી લાંબા ટાંટિયા કરી પડ્યાં પડ્યાં સાંભળે છે. હું કંઈ કહું છું તો સામે જોઈ ખાખાખીખી કરે છે!
લાધોઃ (દોરો પરોવવા મથતાં) સોયના નાકામાં દોરો પરોવતાંય હવે તો હાથ ધ્રૂજે છે, દાદા.
રૂખીઃ લાવો મારી કને. હું પરોવી આલું. (પરોવી) લો.
લાધોઃ લાવ, તારો જ પાડ. દાદા, આંખ્યુંનાં તેજ ઓછાં થયાં હવે. બરાબર ભળાતું નથી.
દાદાઃ ભૂંડી થઈ, લાધા. ઘડપણમાં આંખ્ય ખોવી ઈ ઓછા દુઃખની વાત નથી. બીજું ઠીક પણ પછી આમ પંદર દા’ડે મને થીગડાં કોણ મારી દેશે? તારી ખોટ તો મને પડવાની?
લાધોઃ ખોટ તો તમ જેવાને લાગે, દાદા. બાકી બીજાને મન ઘરડું મૂઉ, તે જૂતું ફાટ્યું બરાબર. મારા અમથાને તો એમ જ છે કે ક્યારે બાપો મરે અને અમે હુતો-હુતી તાગડધિન્ના કરીએ.
રૂખીઃ (હાથ લાંબો કરી) હા કરશે. હું બેઠી હઈશ તો.
લાધોઃ તો કંઈ વાંધો નહીં આવે. મને તારા પડની ખાતરી છે. પણ શરીરનો કંઈ ભરૉંસો છે, અમથાની બા?
રૂખીઃ (લહેકો કરતી) એ ચિંતા ન કરજો. આ કાયાને કંઈ થવાનું નથી.
લાધોઃ તો વળી ધનભાગ. (નિસાસો નાખી) જુવાની આખી મેં રાતે દીવા બાળી બાળી વૈતરું કરવામાં કાઢી નાખી. મનમાં હતું કે કંઈ નહિ. હંસલા, આંખ્યું જાશે તો દીકરાની આંખે દેખશું. હોય. આશા કોઈની ફળી છે કે મારી ફળે?
રૂખીઃ દીકરાની આંખો તો ઓડે ગઈ છે. જુએ છે જ બૈરીની આંખે. એ જ મૂઓ આંધળો છે, ત્યાં તમારું મારું દળદર ક્યાંથી ફીટવાનું હતું!
લાધોઃ (કચવાતો) પેટના દીકરાને આંધળો ન કહીએ. જરા…
રૂખીઃ ન કેમ કહીએ? પેટનાને કહેવાય, કંઈ પારકાનાને કહેવાય છે? ને મારે કીધે કંઈ ઓછો આંધળો થઈ ગયો? મૂઆની બે આંખો છે! જોઈ હોય તો મોટી કોડા જેવી!
લાધોઃ આંખો તો ઘણીય સારી છે. પણ આ સનેમાનું ભૂત વળગ્યું છે ને અઠવાડિયામાં બે-ત્રણ વાર જોવા જવા માંડ્યું છે. બગાડશે.
રૂખીઃ ઓલીનો ચઢાવ્યો જાય છે. પાછળથી ઘોંચ પરોણો ઓછો નથી કરતી વાલામૂઈ. એને ય ક્યાં જોવા જવાનો ઓછો ચડસ છે.
લાધોઃ હોય, જુવાન છે બચાડાં. એ ઉંમરે માણ્યું એટલું માણ્યું. એ તું ક્યાં નથી જાણતી, અમથાની બા?
રૂખીઃ (લમણે હાથ પછાડી) અમથાની બાનાં તો પરણી તે દી’નાં ફૂટેલાં છે. મારે કયે ભવ સુખના દા’ડા હતા કે માણવાનું હતું? પિયરમાં પામબાઈ ને સાસરે શામબાઈ. ક્યાંય કોઈ ટાંટિયો વાળીને બેસવા દેતું નો’તું.
લાધોઃ હશે, હરિ ઇચ્છા. હવે તો શાંતિ છે!
રૂખીઃ હા, છે શાન્તિ! ઘરમાં જ્યારથી તમારા દીકરાની વહુએ પગ મૂક્યો છે, ત્યારથી એકેએક ચીજને પાંખો આવી છે. જોતા નથી? બધું તળિયાઝાટક થઈ ગયું ઈ!
લાધોઃ વહુવારુને વગોવીએ નહિ, અમથાની બા. ગમે તેવી તોય આપણા ઘરની લક્ષ્મી. એને પગલે આપણે પનોતાં.
રૂખીઃ (તાડૂકતી) શું બોલ્યા? દીકરાની વહુનાં આમ ફાટ્યે મોંએ વખાણ કરતાં શરમાવ જરા. હવે તો ઉંમર થઈ.
લાધોઃ (ઢીલો થઈ) પણ… તે… હું…
રૂખીઃ તમારી ટેવ હું જાણું છું તો. મૂગા રહો હવે. ભૂંડા લાગો છો.

(લાધો ઢીલોઢફ થઈ મૂંગો બની જાય છે.)

દાદાઃ હેં એલી, વહુ નથી ઠીક?
રૂખીઃ ડોબું છે ડોબું, દાદા. દીકરાને ઝોડ વળગાડ્યું છે. નથી બે માણસમાં બેસતાં આવડતું કે નથી રાંધતાં શીખી. ન મળે લાજ કે શરમ. ચોવીસે કલાક મોંએ તોબરો ને કેડમાંથી ભાંગેલી. કંઈ કહીએ, તો મારી માની કાણ કાઢવા બેહે.
દાદાઃ અરે રામ! આ તો દુઃખની વાત.
રૂખીઃ દુઃખની તે કેવા. (નસકોરું બોલાવી) મારું મન જાણે છે કોઈને કહેવાય નહિ ને સહેવાય નહિ. એ વાત છે, દાદા.

(રૂખી નિસાસો નાખે છે. લાધો વાત બીજે વાળે છે.)

લાધોઃ દાદા, જોડો ભારે કડક થઈ ગયો છે.
દાદાઃ તે તું આટલું કામ કર ને. તેલનું પોતું લગાવી રાખ. ભલે રહ્યો આજની રાત અહીં. કાલે સવારે લઈ જઈશ.
લાધોઃ ભલે, દાદા.
દાદાઃ લે આ પૈસા.
લાધોઃ ના દાદા, તમારા પૈસા ન હોય.
દાદાઃ લે ને હવે મારા ભાઈ!
લાધોઃ ના દાદા, બ્રાહ્મણને દેવું તો બાજુએ રિયું. લેવાની ક્યાં વાત કરો છો?
દાદાઃ ઠીક ત્યારે, લે આવજે.
લાધોઃ આવજો, દાદા.

(સુખરામદાદા જાય છે. લાધો પાણીના ઢીબામાં જોડા બોળી બાજુએ મૂકે છે.)

લાધોઃ હે રામ! હે અંતરયામી! તારો આશરો છે, મારા નાથ!
રૂખીઃ (હળવે સાદે, મીઠાશ) સાંભળ્યું કે? જરા વાત કરવી છે.
લાધોઃ ઓહોહોહોહો.
રૂખીઃ શું ઓહોહોહો?
લાધોઃ આમ હળવે સાદે હાકલ દેતી હોય, તો આ હંસલો બિચારો સુખે ટહુકા કરે હોં, અમથાની બા. આ રે કાયા રે હંસા…
રૂખીઃ (છણકો કરતી) કીધું સાંભળો, સાંભળો, ત્યાં રાગોટા તાણવા બેઠા!
લાધોઃ બોલો શું હુકમ છે?
રૂખીઃ પેલો મૂવા કાલેખાં… સપાઈ…
લાધોઃ હાં… તે…
રૂખીઃ બે ટિકટ દઈ ગયો છે અમથાને!
લાધોઃ હં! ઠીક વાત છે! ચાલ, ચાલવા માંડીએ.
રૂખીઃ ક્યાં જવાની વાત છે એ સમજ્યા! કે પછી મારી જાણે બલા?
લાધોઃ અમરાપુરી જવાની વાત ને! એ વિના આપણે બીજી ટિકિટ હોય હવે?
રૂખીઃ કરમેય ભલા મળ્યા છો! તમારે બધી વાતમાં મને આગળ કરવી છે પણ હું યે ખરી તો તમને…
લાધોઃ (હસતાં) આગળ કરું… હે! સારી વાત છે. આપણે રામ તો બચકી બાંધીને બેઠા છીએ.
રૂખીઃ (આંખમાં આંગળી ફેરવતી) મને શીદને ખીજવો છો? મારી મૂઈની જીભ જ કુહાડે વાઢવા જેવી છે. આડુંઅવળું બોલી જવાય છે.
લાધોઃ હશે. દિલમાં કંઈ ન રાખીએ. જીભ તો વળે. એમાં ઓછું હાડકું છે.
રૂખીઃ આ… જરા હું એમ કેતી’તી…
લાધોઃ હાં.
રૂખીઃ કે તમે હા પાડો તો અમથા જોડે હું સનેમા જોવા જાઉં.
લાધોઃ હેં! પણ… અમથો એની વહુને નથી લઈ જવાનો?
રૂખીઃ એ ટિકિટ લાવ્યો છે જ એને માટે. પણ હું ખરી કે એને ન જવા દઉં. આજ કાળા મોંનીને ઘરમાં પૂરીને જાઉં.
લાધોઃ આ ઉંમરે આપણે જઈએ એ ન શોભે, અમથાની બા. છોકરાં જેવાં આપણાથી થવાય છે? ભલે જાય બચારાં.
રૂખીઃ (ધૂરકતી) જાય જ તો. ચામડી ઉતરડી લઉં. (ઊભાં થઈ) આજ તો અમથા જોડે હું જાઉં ને એને ઘરમાં રાખું હા!
લાધોઃ પણ જરા ઊભી તો રહે!
રૂખીઃ મારે મોડું થાય છે. હજી ઢાંકોઢૂંબો કરવો બાકી છે.
લાધોઃ ઠીક ત્યારે… જાવ… રામ, રામ, રામ. (ગાતો) હે હંસલો નાનો ને દેવળ જૂનું રે થયું.

(અમથો બહાર આવે છે. મોં પર રોષ છે.)}}

અમથોઃ બાપા, બાપા તમે કંઈ કહો ને? નથી માનતી મા.
લાધોઃ તારું ન માન્યું ઈ મારું માનશે, અમથા?
અમથોઃ પણ આ તે કેવી હઠ, બાપા? કંઈ વચારે કરતી નથી. લોક દેખે તો કેવું ખરાબ કે’વાયે.
લાધોઃ હં! (ઉતાવળે સાદે) શાનું ખરાબ કેવાય? બૈરીને લઈને જતાં શરમ આવે છે? તમારે જીવ છે અને એને નથી? (હળવેથી) લઈ જા ને એક વાર. લપ ટળે. લીધી વાત મેલવાની નથી તારી મા.
અમથોઃ સારાખોટાનો વિચાર જ કરતી નથી મા!
લાધોઃ રામ, રામ, રામ!

(રૂખી બનીઠનીને બહાર આવે છે.)

રૂખીઃ વહુ, તારા સસરાને જમાડી લેજે. ને પછી બધું ઢાંકીને મેલજે. જોજે ઉઘાડું ન રહી જાય. તારી મા બિલાડી આવીને ચાટી જશે.
દિવાળીઃ (તિરસ્કારપૂર્ણ સ્વરે) મા તમારી બિલાડી.
રૂખીઃ (તાડૂકતી) મારી માને ગાળ બોલી! જીભડી જ ખેંચી કાઢીશ. જોઈ શું રિયો છું અમથા? મેલને એક જૂતું ડાચામાં.
અમથોઃ (અકળાતો) તારે આવવું હોય તો આવ, મા. મારે મોડું થાય છે. હું તો આ ચાલ્યો.
રૂખીઃ એ આ આવી. (લાડમાં) સાંભળ્યું? ઘર સંભાળજો. વહુને કે’જો ખાવા આલશે.
લાધોઃ હા ભલે. સાચવીને જજો. હે રામ! તારો આશરો છે.

(અમથાની પાછળ પાછળ રૂખી ચાલતી થાય છે. ફુલીકાકી એમની પરસાળમાં આવી બૂમ મારે છે.)

ફુલીઃ એલી, દિવાળી વહુ છે કે?
દિવાળીઃ એ હા ફુલીકાકી, શું છે?
ફુલીઃ જરા મેળવણ દેજે. તારી સાસુ નથી ઘેર?
દિવાળીઃ એ તો ગયાં.
ફુલીઃ ક્યાં?
દિવાળીઃ સનેમા જોવા.
ફુલીઃ હેં! શું જોવા અલી? સનેમા!
દિવાળીઃ એમના દીકરા જોડે. સજોડે.
ફુલીઃ ને તું.
દિવાળીઃ હું રહી ઘેર. શું કરું?
ફુલીઃ અરરર! માડી! આ ઉંમરે ય લાજશરમ નથી મૂઈને? અમથો તને કેમ ન લઈ ગયો?
દિવાળીઃ બે જ ટિકિટ હતી. પછી એ ય શું કરે? અમારાં સાસુજી નાની વહુ થઈને આગળ થાય ત્યાં? લ્યો, મેળવણ લાવી દઉં.

(વાટકીમાં મેળવણ લાવી, ફુલીને આપી આવી દિવાળી વહુ ઘરમાં જાય છે.)

લાધોઃ (બબડતો) નાની વહુ ખરી જ તો. દીકરાની જુવાનજોધ વહુ બિચારી ઘરે કોથળા ઉપર ટૂંટિયું વાળી પડી રહે! ને ઘરડીખખ સાસુ સનેમા જોવા જાય. અવળી ગતિ નહીં તો શું? (નિર્ણય કરી) વહુ બેટા, ચાલો તૈયાર થાવ.
દિવાળીઃ (બહાર ડોકિયું કરી) ખાવા કાઢું બાપા!
લાધોઃ ખાવું નથી બેટા. તમે ઊઠો. કપડાં પે’રો.
દિવાળીઃ શીદ જાવું છે?
લાધોઃ સનેમા જોવા.
દિવાળીઃ પ…ણ…
લાધોઃ પણ ને બણ પછી કરજો વહુ, નહિ તો મોડા પડશું. ચાલો જલદી. આજ તમારાં સાસુને ય બતાવીએ કે એ કંઈ એકલાં રાજપાટ લખાવીને નથી આવ્યાં, હા. (દિવાળી તૈયાર થઈને બહાર આવે છે.) તમે ચાલતાં થાવ આગળ હું આ આવ્યો તાળું મારીને. (તાળામાં ચાવી ફેરવતાં) ફુલીબેન, જરા જોતાં રહેજો ઘર.
ફુલીઃ શીદ હેંડ્યા લાધાભાઈ?
લાધોઃ સનેમા દેખાડવા વહુને. એની સાસુ ગયાં ને એને મૂકી ગયાં.
ફુલીઃ એમ જવાય? લોકોમાં કેવું ખરાબ કહેવાય?
લાધોઃ એની એને ક્યાં પડી છે? જેણે મૂકી લાજ એને નાનું સરખું રાજ.
ફુલીઃ એ કંઈ ચાલે? કાલ વાત છે એની! ઊધડી લઈ નાખું બધાંની વચ્ચે!
લાધોઃ બચારી નાની બાળ! રોતી’તી. તે થયું, લાવ જીવ, મેલી આવું. હું તો ફિલમ ચાલશે ત્યાં લગી બા’ર ઝોકાં ખાતો બેસી રહીશ. આપણને તે શું એમાં સમજ પડે?
ફુલીઃ હા હા, તમ તમારે લઈ જાવ. લાધાભાઈ, એને બાપડીને આ પહેલું પરણેતર તે હરખ ન હોય? લઈ જાવ.

(લાધો તાળું મારી ચાલતો થાય છે. થોડી વાર દૃશ્ય ઉપર અંધકાર છવાય છે. પુનઃ પ્રકાશ છવાય છે ત્યારે – પરસાળમાં સૂર્યના કુમળા તડકામાં બેઠો બેઠો લાધો મોચી સુખરામદાદાના જોડાને થીગડું મારતો ભજનિયું લલકારતો હોય છે.)

લાધોઃ વૈષ્ણવજન તો એને રે કહીએ
જે પીડ પરાઈ જાણે રે –
પરદુઃખે ઉપકાર કરે તોયે
મન અભિમાન ન આણે રે – હે.

(ચાનો પ્યાલા લઈ રૂખી આવે છે. પતિ પાસે ચા મૂકી સામે ઉભડક બેસે છે. મોં ચડેલું છે અને આંખમાં રોષ છે.)

લાધોઃ ઓહોહોહો, આજે તો કંઈ તમે આવ્યાં ચા દેવા?
રૂખીઃ દીકરાની વહુ જોડે સનેમા જોવા જતાં શરમ ન આવી? ઉંમરનો ય વચાર ન આવ્યો?
લાધોઃ તને ‘નાની વહુ’ થઈને દીકરા જોડે જતાં શરમ ન આવી? હેં, કેમ બોલી નહીં?

(રૂખી ઊભી થઈ ગુસ્સામાં અંદર ચાલી જાય છે. અમથો બહાર આવે છે. એનું મોં ખુશખુશાલ છે.)

અમથોઃ લાવો બાપા, હું થીગડું મારી દઉં.
લાધોઃ (જોડા આપતાં) બહુ દા’ડે ઘરડા બાપની દયા ખાધી, અમથા?
અમથોઃ રંગ રાખ્યો હો બાપા! બચારી જોયા વનાની રહી જાત. કાલ છેલ્લો દા’ડો હતો. આજ ફિલમ બદલાઈ ગઈ. મહામહેનતે ટિકટ મેળવી ત્યારે મા આડી થઈ. એની આગળ મારું કંઈ ચાલે છે બાપા? વાતવાતમાં તરછોડીને તણખલું કરી નાખે છે. રોયા પીટ્યા વિના વાત નહિ.
લાધોઃ શું કરું બેટા. બચારી રોતી’તી. મારાથી શે જોયું જાય. એનો ય જીવ છે ને.
અમથોઃ મને માંડીને બધી ય વાત કરી, બાપા. તમે તો રંગ રાખ્યો.
લાધોઃ તારી મા ખિજાણી તો હશે?
અમથોઃ હોવે. ધૂંવાંપૂંવાં થઈ ગઈ’તી. પણ કરે શું? ને વળી વધારામાં ફુલીકાકીએ સવારમાં સંભળાવી.
લાધોઃ ભલું થજો એમનું. શું કીધું?
અમથોઃ કહે, નાની વહુ થઈને જતાં શરમ ન આવી વાલામૂઈ?
લાધોઃ ઠેક સંભળાવી. તારી મા એ જ દાવની છે.
અમથોઃ તે હેં બાપા, તમે ફુલીકાકીને એમ કહ્યું હતું કે વહુને સનેમામાં બેસાડી તમે બહાર બેઠા રે’શો?
લાધોઃ હા, મારાથી કંઈ અંદર વહુ જોડે બેસાય?
અમથોઃ પણ તમે તો એની જોડે જ બેઠા’તા!
લાધોઃ હા, પછી મને થયું નાની બાળ વહુ. એકલી કેમ મુકાય?
અમથોઃ સારું કર્યું બાપા. ત્યાં તો ગામનો ઉતાર આવે. એમનાં વચ્ચે બૈરાને રેઢું ન મેલાય.
લાધોઃ તેં અમને ક્યારે જોયાં’તાં?
અમથોઃ કહું! તમે બેય શકોરું મોઢે માંડીને ચા પીતાં’તાંને ત્યારે.
લાધોઃ તે ન પાઉં? ઓરતો રહી જાય બાપડીને કે મોટે ઉપાડે સનેમામાં તેડી ગયા ને સાયે ન પાઈ બાપાએ.
અમથોઃ ના કોણે પાડી બાપા. તમે તો જલસો કરાવ્યો. પાછા લાવ્યા તેમ ઘોડાગાડીમાં બેસાડીને!
લાધોઃ હા, તમારા પહેલાં ઘેર પહોંચી જવામાં સાર. તારી મા તો ગામ ગજાવત, પણ શેરીમાં માણાં સાંભળશે એ બીકે મૂંગી રહી.
અમથોઃ રંગ રાખ્યો તમે તો બાપા, રંગ રાખ્યો.

(સુખરામદાદા આવે છે.)

લાધોઃ એ આવો સુખરામદાદા, આવો.
દાદાઃ કેમ લાધાભાઈ, જોડા તૈયાર?
લાધોઃ લ્યો. જોઈ લ્યો. દાદા.
દાદાઃ (ઉપર તળિયે તપાસી) થીગડું બરાબર માર્યું છે ને?
લાધોઃ હા દાદા, હા. અમથે માર્યું છે. જુવાનિયાને હાથે. જાય તો કહેજો. બીજો દસકો કાઢી નાખશે હવે. અમથોયે મારો કારીગર છે હોં.} (થોડી વાર અટકી ગંભીર સ્વરે) મારે આટલું જ કહેવું છે દાદા, કે ભાઈ, આમ જૂના જોડાને ખૂણે ન નાખી મેલો. જરા થીગડાં મારો. પાણીમાં ઝબોળી કૂણા બનાવો ને કામમાં લ્યો. તો એય કંઈક કામમાં આવશે. થીગડું મારવામાં કારીગરી હશે તો તમારું કામ થશે ને અમારો મનખાદેહ સુધરશે. ખરું કહું છું ને દાદા?
લાધોઃ હા દાદા, હા. અમથે માર્યું છે. જુવાનિયાને હાથે. જાય તો કહેજો. બીજો દસકો કાઢી નાખશે હવે. અમથોયે મારો કારીગર છે હોં.(થોડી વાર અટકી ગંભીર સ્વરે) મારે આટલું જ કહેવું છે દાદા, કે ભાઈ, આમ જૂના જોડાને ખૂણે ન નાખી મેલો. જરા થીગડાં મારો. પાણીમાં ઝબોળી કૂણા બનાવો ને કામમાં લ્યો. તો એય કંઈક કામમાં આવશે. થીગડું મારવામાં કારીગરી હશે તો તમારું કામ થશે ને અમારો મનખાદેહ સુધરશે. ખરું કહું છું ને દાદા?
(પડદો હળવેકથી દૃશ્યને આવરી લે છે.)