ગુજરાતી એકાંકીસંપદા/રૂમ નંબર નવ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રૂમ નંબર નવ
જયંત પારેખ
પાત્રો

વિવસ્વાન – પ્રવીણ જોશી
અસીમા – તરલા મહેતા
નવનિધ / હુમલાખોર – ચન્દ્રકાન્ત ઠક્કર
રત્ના – હેમાંગિની રાનડે
મૅનેજર – કૃષ્ણકાન્ત વસાવડા

વેરણછેરણ થઈ ગયેલી મારી કાયાને ઉશેટી લઈને હું ઘરમાં પ્રવેશું છું ને મારી સાથે સમસ્ત માનવમેદની ઘરમાં પ્રવેશે છે… જયંત પારેખ (‘તાવ’) જરૂર પડે તે પ્રમાણે અલગ અલગ રસથી શબલિત કરુણરસ નિષ્પન્ન કરતું સંગીત યોજવું.

(કાચ ફૂટવાના અવાજ. એમાંથી જ સંગીત પ્રગટે છે. પડદો ઊઘડે છે. હોટેલનું વિશાળ ફૉયર. વિવાન અને અસીમા આવે છે.)

વિવાન: ફૉયર ખરેખર વિશાળ છે, નહીં?
અસીમા: હં…
વિવાન: અસીમા! થોડા દિવસ પહેલાં મેં તને એક ચિત્રની વાત કરી હતી. યાદ છે ને?
અસીમા: હં…
વિવાન: જો! અહીંયાં એ જ ચિત્ર છે —
અસીમા: એ તેં અનેક વાર જોયું —
વિવાન: છતાં મને ક્યારેય થાક લાગ્યો નથી. એની રેખાએ રેખામાં એટલું બળ છે કે દરેક વખતે નવા ને નવા રહસ્યનો ઉઘાડ થાય છે. આજે એમાંથી ભય અને ઉલ્લાસ બંને એકસાથે પ્રગટે છે. આવો ભય, આવો ઉલ્લાસ મેં ક્યારેય અનુભવ્યા નથી. એ આવકાર પણ આપે છે, જાકાર પણ આપે છે.
અસીમા: (હસતાં હસતાં) મોનાલિસાના સ્મિત જેવું જ, નહીં? અરે પાગલ! એ તો નર્યો જોગાનુજોગ! આ ચિત્ર યાતના આલેખે છે ને બાજુમાં આ પોસ્ટર છે ને, એ આવકાર આપે છે.
વિવાન: અસીમા!

(પોસ્ટર જોતાં જ હસી પડે છે. ત્યાં મૅનેજર આવે છે.)

મૅનેજર: વેલકમ ટુ હોટેલ અનૂરા!
અસીમા: થૅંક યૂ! (બેધ્યાન વિવાનને) વિવાન!
વિવાન: હં… ઓહ, થૅંક યૂ! જુઓ ને, અમારે ત્રણ દિવસ રહેવું છે. અન્ડિસ્ટર્બ્ડ! રૂમ મળશે ને?
મૅનેજર: સર્ટન્લી. લેટ મી સી… કયો રૂમ ખાલી છે? હં… હં… બાય ધ વે, આ પહેલાં તમે ક્યારેય અહીંયાં આવ્યાં હતાં ખરાં?
વિવાન: કેમ?
મૅનેજર: તમારા ચહેરા જાણીતા લાગે છે.
વિવાન: ના. પહેલી જ વાર આવ્યાં છીએ. હા, મારો મિત્ર અહીંયાં આવ્યો હતો. એકાદ વર્ષ પહેલાં. એ રૂમ નંબર નાઇનનાં ખૂબ વખાણ કરતો હતો. અમને એ રૂમ મળે તો…
મૅનેજર: હવે તો મારે તમને રૂમ નંબર નાઇન જ આપવો પડશે. થોડીક ગોઠવણ કરવી પડશે. પણ એ તો હું સંભાળી લઈશ. (રજિસ્ટર બતાવી) આમાં તમારાં નામ–
વિવાન: લખો ને. વિવસ્વાન હકૂમત ઝવેરી. અસીમા વિવસ્વાન ઝવેરી.
મૅનેજર: અડ્રેસ…
અસીમા: ૨૨/૨૩૦, નૅપિયન સી રોડ, મુંબઈ.
મૅનેજર: અહીંયાં સહી કરશો? (વિવાન સહી કરે છે. મૅનેજર ચાવી લે છે.) લક્ષ્મણ! રૂમ નંબર નાઇન…
વિવાન: (ચાવી લઈ લેતાં) જમણે છેડે –
અસીમા: છેલ્લી રૂમ, નહીં? અમે શોધી લઈશું.

(બંને જાય છે.)

અસીમા: વિવાન!
વિવાન: હં…
અસીમા: વિવાન! આમ જો.
વિવાન: હં…
અસીમા: બોલ, રૂમમાં દાખલ થતાંવેંત હું શું કરીશ?
વિવાન: પહેલાં રૂમમાં દાખલ તો થવા દે.
અસીમા: વિવાન!
વિવાન: હં…
અસીમા: કહે ને!
વિવાન: કહું.
અસીમા: હા.
વિવાન: રૂમના શણગાર જોઈશ.
અસીમા: ખોટું.
વિવાન: આરામખુરશીમાં આડી પડીશ.
અસીમા: ખોટું.
વિવાન: ચાદરની ડિઝાઇન જોવા માંડીશ.
અસીમા: (આછું હસતાં) ખોટું… ખોટું…
વિવાન: અરીસા પાસે ઊભી રહી અરીસાની અદેખાઈ કરીશ.
અસીમા: તદ્દન ખોટું. (વિવાન ગલગલિયાં કરે છે.) લે! ગલગલિયાં થાય છે. રહેવા દે ને! હવે કહે —
વિવાન: બારી બહાર નજર કરીશ ને અમસ્તું કોઈક આમતેમ જોતું હશે તો તરત બારી પાસેથી હઠી જઈશ —
અસીમા: રમત કરવાને બદલે સીધેસીધું કહે ને —
વિવાન: એ બહાને પણ મને (અસીમાના ગાલ ચીંધી) આ ગુલાબ ચૂમવા તો મળશે!
અસીમા: બસ ને, વિવાન!
વિવાન: સીધે સીધું કહું…
અસીમા: હં…
વિવાન: હું રૂમને જોઉં ને રૂમ મને જુએ એ પહેલાં તું મને વળગીશ ને મારા અણુએ અણુમાં સમાઈ જઈશ.
અસીમા: છટ્. (બંને રૂમમાં દાખલ થાય છે. રૂમમાં અંધારું છે.) હવે તો હું તારી આંખે આ રૂમ જોઈશ, એમ જ ને? બારીના પડદા ઉઘાડું કે પછી – પ્રિયે, ના દેખાર નિબિડ મિલનકે નષ્ટ કોરોના, એઈ મિનતિ! – વણજોયાનું ગાઢ મિલન અન્ધકારમાં જ થાય છે ને?
વિવાન: ને અન્ધકારમાં જ એક પારાવાર ઘૂઘવે છે.
અસીમા: એ પારાવારમાં એકાકાર પણ અન્ધકારમાં જ થવાય છે.

(વિવાનને દૃઢ આલિંગન આપે છે.)

વિવાન: ચાલ, પડદા ઉઘાડીએ.
અસીમા: તે, પડદા પણ બંનેએ સાથે જ ઉઘાડવાના, એવું તે હોય, હં… (બંને હસી પડે છે. પડદા ઉઘાડે છે.) વિવાન! અહીંયાં બારી પાસે આવ. આ દૃશ્ય કેવું રમણીય છે! સોનેરી આકાશ, ઘટાદાર વૃક્ષ, ઘાટીલું મકાન, મકાનની બારીમાં તલ્લીન યુવતી! સરોવરના શાન્ત જળમાં આ સહુનાં કેટલાં સ્વચ્છ ને સુરેખ પ્રતિબિમ્બ ઝિલાયાં છે.
વિવાન: ને જો તો ખરી! યુવતીને એકાએક થાય છે – સરોવરમાં આ મારા જેવું બીજું કોઈ ક્યાંથી આવ્યું? એ ચમકે છે ને એની સાથે આખુંયે સરોવર ચમકી ઊઠે છે.
અસીમા: વિવાન! (અસીમાને કાંઈક યાદ આવે છે.) આપણે થોડી વાર બહાર ઊભાં હતાં ને, ત્યારે મારી પાસેથી એક માણસ ઝડપથી પસાર થઈ ગયો હતો. તેં એને જોયો હતો?
વિવાન: ના. કેમ?
અસીમા: પળવાર તો હું સ્તબ્ધ થઈ ગઈ. એ અસલ તારા જેવો જ દેખાતો હતો. જાણે તું જ!
વિવાન: હજી એકલાં પડ્યાં ન પડ્યાં ત્યાં જ તેં શરૂ કરી દીધું ને?
અસીમા: ના, વિવાન! હું મજાક નથી કરતી. સાચું જ કહું છું.
વિવાન: ભલે. આપણી કહેવતો તને ખબર છે ને – પાંચે આંગળીઓ સરખી હોતી નથી; તુણ્ડે તુણ્ડે મતિર્ભિન્ના – એ કહેવતો ખોટી છે એમ પુરવાર કરવા માટે પણ કોઈકની તો જરૂર પડશે ને?
અસીમા: વિવાન! હવે તેં શરૂ કર્યું ને?
વિવાન: સહુ કોઈ એમ જ માને છે કે મારા જેવું બીજું કોઈ જ નથી. હું તદ્દન નિરાળો છું, આગવો છું. પણ સાચેસાચ એવું હોય છે ખરું?
અસીમા: તું તો એકદમ સીરિયસ થઈ ગયો. (વૉશ બૅઝિનનો નળ ટપકે છે. વિવાન બંધ કરે છે.) વિવાન! જસ્ટ ફૉર અ ચેઇન્જ. ‘અને ઇન્દ્રજિત’ જોઈ લઈએ? બીજા અંકનો અન્ત સુધારી લીધો ને?
વિવાન: યસ યૉર મૅજેસ્ટી. (ફાઇલ કાઢે છે.) વાંચીએ?

(માનસી આવીને ઇન્દ્રજિતની બાજુમાં બેસે છે. બંને વાતો કરે છે.)}}

વિવાન: લેખક બાજુ પર સરી જાય છે… (ઇન્દ્રજિતની ભૂમિકામાં પ્રવેશે છે.) હવે તો કદાચ ઘણા દિવસ સુધી તને મળી શકાશે નહીં.
અસીમા: (માનસીની ભૂમિકામાં પ્રવેશે છે.) કેમ?
ઇન્દ્ર: : થાય છે કે ક્યાંક દૂર ચાલી જાઉં?
માનસી: દૂર એટલે? કલકત્તાથી દૂર તો છો!
ઇન્દ્ર: હજીયે વધારે દૂર.
માનસી: ક્યાં?
ઇન્દ્ર: લંડન.
માનસી: લંડન! નોકરી મળી છે?
ઇન્દ્ર: મળી નથી. પણ ત્યાં જવા જેટલા પૈસા ભેગા થઈ ગયા છે. એક ઇવનિંગ કૉર્સમાં ઍડમિશન લીધું છે. પાસપૉર્ટ વગેરેની ગોઠવણી થઈ ગઈ છે. ત્યાં ગયા પછી એકાદ નોકરી શોધી લઈશ.
માનસી: નહીં મળે તો?
ઇન્દ્ર: મળી જશે.
માનસી: ન મળી તો?
ઇન્દ્ર: કાંઈક તો જરૂર મળશે. પેટ પૂરવા જેટલું મળે એટલે બસ.
માનસી: આમ ને આમ કેટલા દિવસ ભટક્યા કરીશ?
ઇન્દ્ર: ભટકાય એટલા દિવસ.
માનસી: એમ સારું લાગે છે?
ઇન્દ્ર: ના.
માનસી: તો?
ઇન્દ્ર: તો શું?
માનસી: એક ઠેકાણે જંપીને કેમ બેસતો નથી?
ઇન્દ્ર: એમ સારું લાગશે?
માનસી: ખબર નથી.
ઇન્દ્ર: મને પણ ખબર નથી. ખરેખર તો સારું લાગવાની વાતનો કોઈ જ અર્થ નથી. આ સારું લાગવાની વાત નથી.
માનસી: (જરા વાર રહીને) ઇન્દ્ર!
ઇન્દ્ર: શું?
માનસી: મારી સાથે તારાં લગ્ન થયાં હોત તો તું જંપીને બેઠો હોત ને?
ઇન્દ્ર: કોણ જાણે! અત્યારે બેસું કે નહીં, કોણ જાણે! ત્યારે જરૂર બેઠો હોત.
માનસી: તને મારા પર ગુસ્સો આવે છે ને?
ઇન્દ્ર: ના. પહેલાં આવતો હતો, હવે આવતો નથી. લગ્ન થયાં હોત તો શું થયું હોત, કોણ કહી શકે? આપણી આ મૈત્રી કદાચ નાશ પામી હોત.
માનસી: કદાચ બીજી મૈત્રી જન્મી હોત. વધારે સારી મૈત્રી.
ઇન્દ્ર: કોણ જાણે? મેં ખૂબ વિચાર કર્યા છે, ખૂબ તર્કવિતર્ક કર્યા છે. બધાયનો જવાબ – કોણ જાણે? હવે હું થાકી ગયો છું. વિચાર કરવાનું, તર્કવિતર્ક કરવાનું હવે ગમતું નથી. ને બીજું કાંઈ કરી શકતો નથી. કેવળ થાક લાગ્યો છે. થાય છે – બસ, ઊંઘી જ જાઉં.

(થોડી વાર મૌન.)

માનસી: ચાલ, જરા ફરીએ.
ઇન્દ્ર: ચાલ.
અસીમા: સરસ. ખૂબ અસરકારક.
વિવાન: પછી લેખક જે કહે છે એ ખૂબ મહત્ત્વનું છે –
‘હું થાકી ગયો છું.
નિરર્થક સવાલો ઉપર સવાલો પૂછવાનું બંધ કરો.
હવે મને ઊંઘવા દો
અન્ધકારના અતલમાં.
નર્યા શબ્દોથી શું વળશે?
હવામાં બી વેરવાથી શું ફળશે?
અન્ધકારના અતલમાં
મને સાવ એકલો ઊંઘવા દો.
હજી તો જગતની ઓળખ સાવ અધૂરી;
મારી શોધનેય લાગ્યો છે થાક.
હવે કોઈ પ્રતીક્ષા કરવી નથી
મરણને તીર.
સવાલો લઈને ચાલી જાઓ,
વિચારો લઈને, તર્કવિતર્ક લઈને જાઓ ચાલી,
મને ઊંઘવા દો
નર્યા અન્ધકારના અતલમાં
મને ઊંઘવા દો…’
આ શબ્દો મારો કેડો છોડતા નથી. એમાંથી સતત કાંઈક ટપકે છે ને એમાં મારો ચહેરો ઊપસી આવે છે.

(સંગીત, અસીમા ને વિવાને ચા–નાસ્તો કરી લીધો છે.)

અસીમા: વિવાન, થોડુંક રિહર્સલ કરવાનું મન છે.
વિવાન: બીજું કાંઈ સૂઝતું જ નથી તને? (નળ પાછો ટપકવા માંડે છે. વિવાન બંધ કરવા જાય છે.) આ ટપટપ બંધ થતી નથી. મૅનેજરને કહી આવું.
અસીમા: પહેલાં રિહર્સલ. પછી કહી આવજે.
વિવાન: ઑલ રાઇટ. રેડી? ઘટાદાર વૃક્ષની છાયામાં સતીશ ઊભો છે. અમિતા એકાએક આંધળી કેવી રીતે થઈ ગઈ એની એને હજી સુધી ખબર પડી નથી. એ ક્યારનો રાહ જુએ છે, આંટા મારે છે. ત્યાં અમિતા આવે છે –
અમિતા: સતીશ! સતીશ! હું આવી ગઈ.
સતીશ: કેટલી વાર લગાડી? મને તો એમ જ થતું હતું કે હવે તારો મેળાપ નહીં જ થાય.
અમિતા: ના, સતીશ, ના. એવું કોઈ દી નહીં થાય.
સતીશ: હું પણ કેવો છું? મારી અધીરપમાં ને અધીરપમાં હું તારો વિચાર સરખોયે કરતો નથી.
અમિતા: એવું ન બોલ. મને દુઃખ થાય છે. મારે કારણે તને શા માટે અપરાધી ગણે છે?
સતીશ: અમિતા! તું અમિતા જ છે. એવી ને એવી. પોતાના દુઃખની છાયા કોઈના પર પડવા દે એ બીજા, અમિતા નહીં. મારા જેટલું બડભાગી કોણ હશે?
અમિતા: કેમ, હું બડભાગી નથી?
સતીશ: તું ને હું – આપણે ક્યાં જુદાં છીએ!
અમિતા: સતીશ! અહીંયાં આવ. મારી તદ્દન પાસે. તારા સ્પર્શના આસવથી મારાં રોમેરોમ સભર ભરી દે. તારાં આ સંવનન-સુંવાળાં ટેરવાં મારા હોઠ પર રમવા દે. તારી આંખનાં કાળાં ગુલાબની મૃદુતામાં મને વિરાજવા દે.
સતીશ: અમિતા! અમિતા! તારો આ અંધાપો મારાથી સહેવાતો નથી. તારી નજર કોણ ઉતરડી ગયું?
અમિતા: તું કેમ સમજતો નથી? આમેય આ આંખો જોવાનું જોઈ શકી નહોતી. એ રહી તોય શું ને ન રહી તોય શું? મારો અંધાપો મારે મન શાપ નથી, વરદાન છે. હવે તો હું તારી ગન્ધને સાંભળી શકું છું, તારા શબ્દોને માળાના મણકાની જેમ ફેરવી શકું છું…

(ધીમું ગુંજન કરે છે.)

હે પ્રિયતમ! અનુભવસુંદર,
શીતલ શાંત સમીરે
હો મન ડૂબત ધીરે ધીરે!
સતીશ: તું ભલે ને અથાક પ્રયત્ન કરે, મારું મન એમ માનવાનું નથી. હું તને પૂછીપૂછીને થાકી ગયો છું પણ તું તો કાંઈ કહેતી જ નથી. મને એક વાર તો કહે કે તારી આ દશા કોણે કરી?
અમિતા: એ જાણીનેય શું?
સતીશ: ના, મારે જાણવું છે. જાણ્યા વિના મને જરાય ચેન નહીં પડે. તું મને નહીં કહે ત્યાં સુધી, ખબર છે, તું જેને જેને ઓળખે છે એ સહુમાં મને અપરાધીનો ચહેરો દેખાશે?
અમિતા: આ સતીશ બોલે છે? મારો સતીશ? શું એ મને ઓળખતો નથી? મારે કોઈની સાથે વેર નથી, મને કોઈને માટે ડંખ નથી એટલું જાણવું પૂરતું નથી. સતીશ? અપમાન, તિરસ્કાર, ઘૃણા, વેદના – બધું મારું છે. તને બેચેન થતો જોઈને મારું હૈયું ચિરાઈ જાય છે. સતીશ! હું જીવું છું એ તારે માટે પૂરતું નથી?
સતીશ: તને પણ મારી વાત નહીં જ સમજાય? જ્યાં સુધી અપરાધી કોણ છે એ હું નહીં જાણું ત્યાં સુધી મને પોતાને પણ અપરાધી માન્યા કરીશ –

(નળની ટપટપ. રિહર્સલ અટકે છે.)

વિવાન: અસીમા! આ ટપટપ ખૂબ હેરાન કરે છે.
અસીમા: ફરીથી બંધ કરી જો. ત્યાં સુધી હું જરા આરામ કરું છું. (વિવાન વૉશબૅઝિન પાસે જાય છે.) આ અમિતા કરતાંય સતીશની વેદના મને થકવી નાખે છે. હાશ, આ પલંગ ખરેખર મુલાયમ લાગે છે.
વિવાન: મારાથી આ બંધ થતો નથી. મૅનેજરને કહી આવું ને? (નળની ટપટપ ધીમે ધીમે એક ચિત્કાર બની જાય છે.) અરે, આ વળી શાનો અવાજ? કોનો ચિત્કાર? અસીમા, તને કાંઈ સંભળાય છે? અસીમા! એટલી વારમાં ઊંઘી ગઈ? સારું થયું. નહીં તો અત્યારે મને શું શું થાય છે એ હું એને કેવી રીતે સમજાવી શકત?

(એકાએક કોઈક ઘટનાએ જાણે એને વશ કરી લીધો છે. બારણે ટકોરા. બારણું ઊઘડે છે એવો અવાજ.)

તેજના સ્પર્શે અન્ધકાર ઓગળે છે
ને ઓગળે છે અહીંયાં થીજેલો સકળ પારાવાર.
દીવાલો બધી ઊભી થાય છે
ને એકદમ ધસી આવે છે
મારા દેહમાં.
ખુરશી ખાલી છે
છતાં લાગે છે એમાં કોઈક બેઠું છે;
પલંગ ખાલી છે
છતાં લાગે છે એમાં કોઈક કણસી રહ્યું છે…
રત્ના: સમયસર આવી ગઈ ને?
નવનિધ : નિયમિતતાનું બીજું નામ રત્ના. તારામાં મને જરાય શંકા નથી.
રત્ના: તો શામાં શંકા છે?
નવનિધ : તારી લાગણીમાં શંકા નથી, તારી મુગ્ધતામાં શંકા નથી, તારી બુદ્ધિમાં શંકા નથી, તારી ભક્તિમાં શંકા નથી –
રત્ના: તો?
નવનિધ : છતાં કોઈક વાર સવાલ થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય? વ્હાય?
રત્ના: તમે બોલાવો છો એટલે. તમારી શક્તિ માટે મને માન છે; તમારી કદર થાય એની મને ખેવના છે એટલે મારાથી જે કાંઈ થઈ શકે તે કરવા તૈયાર રહું છું. તમને સિદ્ધિ મળશે તો એને હું મારું ધન્ય ભાગ્ય માનીશ.
નવનિધ : તને ખબર છે ને, સ્વભાવે હું ચંચળ છું, અરાજક છું, પાશવી છું.
રત્ના: આજે એકાએક તમે મને આમ શા માટે કહો છે એ સમજવા જેટલી મારામાં શક્તિ નથી. મને ખરેખર કાંઈ જ સમજાતું નથી. ચાલો હવે, મશ્કરી પડતી મૂકો, નાટ્યકાર મહાશય! યાદ છે ને, તમારે આવતી કાલે નાટક આપી દેવાનું છે? તમે જેટલું લખ્યું છે એટલાની તો નકલ કરી લાવી છું. પૂરું કર્યું કે નહીં?
નવનિધ : આમ તો પૂરું થઈ ગયું છે. એક જ મુશ્કેલી છે. અન્ત કેવો લાવવો એ કેમેય સમજાતું નથી. બેચાર વિકલ્પ સૂઝે છે. પણ કાંઈ જ નક્કી કરી શકતો નથી. આઈ ઍમ ઍટ ધ ક્રૉસરોડ્ઝ…
રત્ના: પહેલાં એ પૂરું કરવું છે કે પછી મેં એક અનુવાદ કર્યા છે એ જોઈ જઈએ?
નવનિધ : લેડિઝ ફર્સ્ટ. વાંચ.
રત્ના: સાચું કહું તો જગતમાં કેટકેટલી જાતના ચહેરા હોય છે એ વિચાર મને આજ સુધીમાં ક્યારેય આવ્યો જ નહોતો. લોકોની સંખ્યા મોટી છે તો ચહેરાઓની સંખ્યા એનાથીયે મોટી છે. એક માનવીને અનેક ચહેરા હોય છે. કેટલાક એક ને એક ચહેરો વર્ષો સુધી પહેરી રાખે છે. સ્વાભાવિક રીતે જ એ ઘસાઈ જાય છે, મલિન થઈ જાય છે, સળ પાસેથી ચિરાઈ જાય છે, મુસાફરીમાં પહેરેલાં મોજાંની જેમ તસતસ થવા માંડે છે. આ લોકો ભોળા હોય છે, કરકસરિયા હોય છે. પોતાનો ચહેરો એ બદલતા નથી; ક્યારેક સાફ પણ કરતા નથી. કહી દે છે કે હજી તો ચાલે એવો છે ને એમની વાત સાચી નથી એ પુરવાર પણ કોણ કરી શકે? પણ એક સવાલ બેશક થાય છે કે એમની પાસે તો અનેક ચહેરા હોય છે. તો પછી બીજા બધા ચહેરાઓનું એ લોકો શું કરે છે? સંઘરી રાખે છે. એમનાં દીકરાદીકરી એ પહેરે છે. પણ ક્યારેક તો એવું પણ બને છે કે એમના કૂતરાઓ એ પહેરીને બહાર જાય છે. ને એમાં ખોટું પણ શું છે? ચહેરા એટલે ચહેરા.નવનિધ કાંઈ બોલે છે – ચમકી ઊઠેલા પશુના અવાજ જેવો અવાજ.) તમે કાંઈ કહ્યું?
નવનિધ : ના. તું વાંચ ને.
રત્ના: કેટલાક તો વળી પોતાના ચહેરા અકલ્પ્ય વેગથી બદલ્યા જ કરે છે ને ઘસી નાખે છે. પહેલાં તો એમને એમ જ લાગે છે કે એમની પાસે કદીયે ખૂટે નહીં એટલા બધા ચહેરા છે. પણ હજી તો ચાલીસ થાય ન થાય ત્યાં જ એમને ભાન થાય છે કે હવે છેલ્લો ચહેરો જ રહ્યો છે. એમાંથી આપોઆપ કરુણ ઘટના સર્જાય છે. ચહેરાની કરકસર કરવાની એમને ટેવ જ નથી હોતી. એમનો છેલ્લો ચહેરો તો એક અઠવાડિયામાં જ ઘસાઈ જાય છે, એમાં કાણાં પડી જાય છે ને ઠેકઠેકાણે એ કાગળ જેટલો પાતળો થઈ જાય છે. ધીમે ધીમે નીચેનું ચહેરાહીનતાનું અસ્તર દેખાવા માંડે છે ને પછી એ લોકો આ અસ્તરમાં જ હરેફરે છે.નવનિધ કાંઈ બોલે છે. ગુસ્સે થતા પશુના અવાજ જેવો અવાજ.) હં…નવનિધ જવાબ નથી આપતો.) પણ આ સ્ત્રી, આ સ્ત્રી તો બંને હાથે માથું પકડીને એકદમ ઊંડી પોતાના અન્તરતમમાં ઊતરી ગઈ હતી. એને જોતાંવેંત હું મીનીપગે ચાલવા માંડ્યો. દીન જન વિચારમાં લીન થઈ ગયા હોય ત્યારે એમાં ભંગ ન પાડવો જોઈએ. એ લોકો જેની શોધ કરતા હોય એ કદાચ એમને જડી આવે. રસ્તો સાવ સૂનો હતો. એનો સૂનકાર ખુદ પોતાનાથી જ કંટાળી ગયો હતો. મારા પગ નીચેથી એણે મારાં પગલાં ઝડપી લીધાં ને એને લઈને, ચાખડીએ ચડીને જતો હોય એમ પટાક પટાક કરતો આ બાજુએ ચાલી ગયો. સ્ત્રી એકાએક ભયથી ચમકી ગઈ ને એટલી ઝડપથી, એટલા ઝનૂનથી પોતાના અન્તરતમથી ઉતરડાઈ ગઈ કે એનો ચહેરો એના હાથમાં જ રહી ગયો. એ હાથમાં મેં ચહેરાનું ખાલીખમ ખોળિયું પડેલું જોયું, એના બંને હાથ પર નજર માંડવી ને છતાં એમાં જે ઉતરડાઈ આવ્યું હતું એને જોવું નહીં એ માટે મારે અકથ્ય પરિશ્રમ કરવો પડ્યો. ચહેરાને આમ અંદરની બાજુએથી નિહાળતાં હું કમકમી ગયો. પરંતુ ચહેરા વિનાનું નગ્ન ઉતરડાયેલું મુખ જોઈને તો હું એથીય વધુ કમકમી ગયો. — નવનિધ તે દિવસે તમે રાઇનર મારિયા રિલ્કેની ‘નોટબુક’ આપી હતી ને? એમાંથી અનુવાદ કર્યો છે. કેવોક લાગે છે?

(હિંસક પશુની ગર્જના સાથે નવનિધ નો અવાજ જોડાઈ જાય છે.)

નવનિધ : ધૂળ કેવું લાગે છે! આ તો અનુવાદનો અનુવાદ! દોઢડાહી નહીં તો! રિલ્કેનો અનુવાદ જર્મન ભાષા જાણ્યા વિના? ધૃષ્ટતા! નરી ધૃષ્ટતા! એકદમ રિલ્કે સુધી પહોંચી ગયા! રિલ્કેને હાથ લગાડતાં પહેલાં ડાચું તો જોવું હતું દર્પણમાં!
રત્ના: મને ખૂબ ગમ્યું એટલે અનુવાદ કર્યો. ગમ્યું ન હોય તો કહો ને કે ગમ્યું નથી. ભૂલ થઈ હોય તો સુધારી આપો.
નવનિધ : (ચાળા પાડતાં) ભૂલ હોય તો સુધારી આપો.
રત્ના: આપણે અહીંયાં શા માટે આવીએ છીએ? એકબીજાને મદદ કરવા જ ને?
નવનિધ : શું ફાવે તેમ બોલવા માંડી છે? આંગળી આપી એટલે પહોંચો પકડવા મળી ગયો એમ? મને પૂછવું પણ નહીં, મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો?
રત્ના: કેમ, મેં ખોટું કર્યું છે?
નવનિધ : મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો? (રત્ના રડી પડે છે.) તારાં આંસુ તારી પાસે રાખ. બીજે ક્યાંક કામ લાગશે. બોલ, મને પૂછ્યા વિના રિલ્કે શા માટે પસંદ કર્યો?
રત્ના: આજે આમ કેમ કરો છો? મેં પૂછ્યું હતું એટલે?
નવનિધ : શું પૂછ્યું હતું?
રત્ના: ભૂલી ગયા એટલા દિવસમાં?
નવનિધ : શું પૂછ્યું હતું? (પળવાર મૌન.) શું પૂછ્યું હતું?
રત્ના: એ જ કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે?
નવનિધ : ખબરદાર, ફરી વાર પૂછ્યું છે તો! ગળું જ દાબી દઈશ.

(જોરથી તમાચો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પરની ચીજો નીચે પડે છે.)

વિવાન: (એકદમ ચીસ પાડે છે.) અસીમા!
અસીમા: (ઝબકીને) શું થયું, વિવાન? વિવાન?
વિવાન: અસીમા! તું ઊંઘી ગઈ ત્યારે–
અસીમા: હું ઊંઘી ગઈ નહોતી, વિવાન! તું નળ બરાબર બંધ કરતો હતો. હજી તો હું આડી પડી ન પડી ત્યાં તો તેં મારા નામની ચીસ પાડી.
વિવાન: અસીમા! તું ઊંઘી ગઈ ત્યારે અહીંયાં
નવનિધ રત્નાને મારી –
અસીમા: વિવાન! મારી વાત તો સાંભળ –
વિવાન: રત્નાએ શું પૂછ્યું હતું, ખબર છે? હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે? અસીમા! તું જ કહે કે એણે આવું શા માટે પૂછ્યું?
અસીમા: કોણ
નવનિધ ? કોણ રત્ના? અહીંયાં કોણ છે?
વિવાન: હું, અસીમા! હું. ચાલ, હમણાં ને હમણાં મૅનેજર પાસે જઈએ. આપણે અહીંયાં નથી રહેવું. આ તે રૂમ છે કે સ્મશાન! જોને, અહીંયાં કેટલી ભયંકર નિઃસ્તબ્ધતા છવાઈ ગઈ છે!

(અસીમાને લઈને દોડી જાય છે. બારણું અથડાય છે.) મૅનેજર! મૅનેજર!

વિવાન: રૂમ નંબર નવ! કેવાં વખાણ સાંભળ્યાં હતાં એનાં. ને નીકળ્યો સ્મશાન જેવો! વૉશબૅઝિનનો નળ અટકતો જ નહોતો; ટપટપ કર્યા જ કરતો હતો. ટપટપ પણ કેવી! સરતાં આંસુ જેવી! હિંસક ત્રાડ જેવી! તમાચાના ચમચમાટ જેવી! ચીજોના પછડાટ જેવી! ઓહ! સારું થયું ટપટપ બંધ થઈ ગઈ ને હાશ, અસીમા આખરે જંપી ગઈ. મેં નાહકની એને આકુળવ્યાકુળ કરી મૂકી. એ ઊંઘતી હોય છે ત્યારે કેટલી સરળ ને નિર્દોષ દેખાય છે. એનું નિર્વ્યાજ સૌન્દર્ય નિહાળતાં ભલભલા ભ્રમ શમી જાય છે. મૅનેજર કદાચ સાચું જ કહે છે. અહીંયાં તો એવું કાંઈ જ નથી. અસીમા કહેતી હતી કે પલંગ પર આડી પડી ન પડી ત્યાં જ મેં એના નામની ચીસ પાડી. મને સાચેસાચ ભ્રમ જ થયો હતો કે શું? તો ટેબલ, પુસ્તકો, પાણીનો ગ્લાસ – આ બધાં ક્યાંથી ગબડી પડ્યાં? ને આ નિસ્તબ્ધતામાં શાની ગન્ધ ભરી છે?
ચારેકોર નરી નિસ્તબધતા!
કોલાહલ ભાગી ગયા
ને ઉતરડી ગયા ચહેરા.
અહીંયાં
આ ચહેરાહીન હવામાં ધૂસરતાની ગન્ધ.
હજીયે કોણ ઝઝૂમી રહ્યું છે
ચહેરાની શોધમાં.
હું, અશોક! અસીમા, સોનલ!

(સંગીત)

સોનલ: અશોક!
અશોક: હં…

(પળવાર મૌન.)

સોનલ: કેમ કાંઈ બોલતો નથી? ક્યારે આવ્યો?
અશોક: આજે સવારે.
સોનલ: અશોક, તારા અવાજમાં હંમેશનો રણકો નથી; તારી આંખમાં હંમેશની ચમક નથી. કાંઈ થયું છે?
અશોક: ના.
સોનલ: હું ભારરૂપ લાગું છું?
અશોક: શું તું પણ!
સોનલ: તો ચાલ, વાત કર.
અશોક: શું વાત કરું?
સોનલ: કોઈ પણ. તું મૂંગો રહે છે ત્યારે મારી અકળામણનો પાર નથી રહેતો.
અશોક: પ્રતિષ્ઠા, પ્રતિષ્ઠા. સહુ કોઈ મને પ્રતિષ્ઠાની યાદ અપાવે છે. કહે છે કે પ્રતિષ્ઠા તો કોઈ પણ ભોગે જાળવવી જોઈએ. પણ કોઈ કહેતું નથી કે પ્રતિષ્ઠા કોને કહેવાય. સોનલ! તને ખબર છે, પ્રતિષ્ઠા એટલે શું? હું કાંઈક કરું છું, એમાં લોકો મારો એક ચહેરો જુએ છે. હું એ ચહેરો પહેરીને ફરું છું, લોકોને સંતોષ થાય છે. એ ને એ જ ચહેરો પહેરીને ફરવું એનું નામ પ્રતિષ્ઠા?
સોનલ: તું કાંઈક કરે છે એમાં જ લોકો ચહેરો જુએ છે ને?
અશોક: એમણે જોયેલો ચહેરો જડ ચોકઠું નથી એમ કોણ કહી શકશે? એમણે જોયેલો ચહેરો દેખાતો બંધ થાય એનું એમને દુઃખ છે. હું ગૂંગળાઈ જાઉં એનું એમને દુઃખ નથી. મને બદલાવાનો અધિકાર નથી? મારા પ્રત્યે પણ મારી એક નિષ્ઠા હોય છે. પ્રતિષ્ઠાને નિષ્ઠા સાથે કોઈ જ સમ્બન્ધ નથી, એમ?
સોનલ: અશોક! તને મારો કેવો ચહેરો દેખાય છે?
અશોક: (ઉત્કટ વેદનાની ચીસ) સોનલ! હું અટવાઈ ગયો છું – અડાબીડ જંગલમાં. મારી ચારેકોર હિંસ્ર પશુઓ ટોળે વળ્યાં છે. હું જરાક પગલું ભરું એટલી જ વાર છે.
સોનલ: તારી મૂંઝવણ મારાથી સહેવાતી નથી, અશોક! બીજી વાત કર.

(પળવાન મૌન.)

અશોક: સોનલ! હું ઘરમાં બેઠો છું. ચારેકોરથી દીવાલો ધસી આવે છે. હું ઘરની બહાર નીકળું છું. પૃથ્વી ને આકાશની ચૂડ મને ભીંસી નાખે છે. આગળ ચાલું છું એટલી વાર એ ચૂડ ઊઘડતી લાગે છે. પરંતુ એ પણ એક છટકું નથી એની શી ખાતરી? ચાલું છું તો પણ ભીંસાઈ જઈશ એમ લાગે છે. બેસું છું તો પણ ભીંસાઈ જઈશ એમ લાગે છે.
સોનલ: શું કરવું છે? ચાલવું છે કે બેસવું છે?
અશોક: થાય છે કે બેસી જ જાઉં.
સોનલ: ચાલવાનું મન થતું નથી? હું સાથે રહું છું છતાં?
અશોક: એનો કોઈ જ અર્થ નથી.
સોનલ: ચાલવાનો અર્થ ક્યારે?
અશોક: ક્ષિતિજ પર કાંઈક દેખાતું હોય ત્યારે.
સોનલ: તને કાંઈ જ દેખાતું નથી?
અશોક: દેખાય છે.
સોનલ: શું?
અશોક: સોનલ!
સોનલ: તો કેમ કહે છે કે કોઈ જ અર્થ નથી?
અશોક: તારી આસપાસ પણ હિંસ્ર પશુઓનો કિલ્લો રચાવા માંડ્યો છે.

(એના શબ્દોના પડઘા ધીમે ધીમે શમી જાય છે. એમાંથી તાળીઓના ગડગડાટ, એમાંથી જ સમુદ્રનો ઘુઘવાટ ઊપસે છે.)

(અસીમા જાગે છે.)

અસીમા: કેટલી સરસ ઊંઘ આવી ગઈ! હું નદીની જેમ લહેરાતી હતી, વિવાન! તું નહોતો ઊંઘી ગયો?
વિવાન: ના, બાગમાં બેઠેલાં અશોક ને સોનલ યાદ આવી ગયાં. એમના શબ્દોમાં કોઈક બીજાના શબ્દોના પડઘા પડતા હતા. ઘણાં વરસથી આપણે એમને રજૂ કર્યાં નથી, નહીં?
અસીમા: ભૂતકાળને યાદ કર્યા કરવાનો શો અર્થ, વિવાન?
વિવાન: કોણ જાણે! મારામાં બીજા કોઈકને વસેલા જોઈને હું ચમકી ઊઠું છું.
અસીમા: આજે અહીંયાં પગ મૂકતાંવેંત તને થયું છે શું? તારું રમતિયાળ મસ્તીખોર રૂપ કોણે ઉતરડી લીધું છે?
વિવાન: અસીમા! એક વાત કહું?
અસીમા: હં…
વિવાન: અસીમા!
અસીમા: ચાલ, આપણે આપણી હંમેશની રમત રમીએ.
વિવાન: ચાલ.
અસીમા: વન, ટુ, થ્રી–
વિવાન: ક્યારેક તું લીના હશે–
અસીમા: તે તું હશે ચન્દ્ર–
બંને: ને આપણે બંને દરિયે ફરવા આવ્યાં હઈશું.

(સમુદ્રનો અવિરત ઘુઘવાટ. સંગીત.)

ચન્દ્ર: જઈશું ને, લીના?
લીના: અંહં…
ચન્દ્ર: તારે જ મોડું થાય છે.
લીના: અંહં…
ચન્દ્ર: ચાલ, ઊઠ.
લીના: ચન્દ્ર!
ચન્દ્ર: હં…
લીના: ચન્દ્ર! (ચન્દ્રને ખેંચીને નીચે બેસાડે છે, ગલગલિયાં કરે છે. ચન્દ્ર અટકાવવા મથે છે.) થોડી જ વાર. આ દરિયો મને છોડતો નથી.
ચન્દ્ર: ભલે. (ચન્દ્ર લીનાને ગલગલિયાં કરે છે. લીના એકદમ હસી પડે છે.) લીના!
લીના: હં… હં…
ચન્દ્ર: દરિયા પાસેથી ચાલી જવાનું જરાય મન થતું નથી, નહીં?
લીના: અંહં… દરિયા પાસેથી ચાલી જાઉં છું ત્યારે મને કોઈક ઉતરડી નાખે છે ને પીડાનો પાર રહેતો નથી. આપણે પહેલી વાર અહીંયાં જ મળ્યાં હતાં. આમ તો આપણે એકબીજાને અનેક વાર જોયાં હશે, સાંભળ્યાં હશે. પણ એની તો યાદ સરખીયે રહી નથી. મેં તો તને દરિયાની સાક્ષીએ જ ઓળખ્યો છે. એક દિવસ અહીંયાં તારો સ્પર્શ થયો ને લોક-લોકાન્તરની, જન્મ-જન્માન્તરની સ્મૃતિ જાગી ઊઠી.
ચન્દ્ર: ને તારે સ્પર્શે મારામાં થીજવા માંડેલું સઘળું ગતિમાન બન્યું. હિમને સૂર્યના કિરણનો સ્પર્શ થાય ત્યારે કોણ કહી શકે કે એને બળતરા થતી નથી. ને છતાં એના અણુએ અણુને તો ગતિમાન બન્યાનો જ આનન્દ થાય છે ને? જો જો લીના, ક્ષિતિજની ધારે પેલી હોડી દેખાય છે ને?
લીના: કેવી અકળ ગતિએ સરી રહી છે – જાણે કાલિદાસની ઇન્દુમતી!
ચન્દ્ર: લીના, મારી પાસે તું પણ આવી જ ગતિએ આવી છે.
લીના: ચન્દ્ર! એક દિવસ હું આ દરિયામાં સમાઈ જવા અધીરી બની હતી. આજે તારું સર્વસ્વ મને એમ કરતાં રોકી રહ્યું છે ને હું તારામાં સમાઈ જવા અધીરી બની છું. તું આવ્યો ત્યારે હું તો આ રેતીની જેમ કણકણ બનીને વેરાઈ ગઈ હતી. તારા સ્પર્શે એ બેઠી થઈ ગઈ ને ફરી પાછી લીના બની ગઈ.
ચન્દ્ર: (આર્દ્રતાથી) લીના!
લીના: હવે તો મારામાં સતત વિસ્ફોટ થયા કરે છે છતાં હું કણકણ થઈને વેરાઈ જતી નથી. એટલું જ નહીં, એક એક વિસ્ફોટે મારામાં નવી નવી શક્તિનો સંચાર થાય છે.
ચન્દ્ર: તારે માટે હવે હું દરિયો બની ગયો છું, નહીં? સતત ઘૂઘવ્યા કરું છું ને તને સતત ઘેરી વળું છું, નહીં?
લીના: ચાલો દરિયારાજા. હવે ચાલતાં ચાલતાં ઘૂઘવજો. ચન્દ્ર, હજી તો છ જ વાગ્યા છે. છતાં કેમ કોઈ દેખાતું નથી?
ચન્દ્ર: વહેલાં ચાલી ગયાં હશે. વરસાદના દિવસો છે ને? ગોરંભો પણ છવાયો છે. એમને ક્યાં કોઈ દરિયો રોકી રાખે છે.
લીના: જો જો, દૂર દૂર આપણાં જેવાં જ કોઈક છે. એવું લાગે છે જાણે છીપ ઉઘાડીને અંદરનાં મોતી જોઈએ છીએ.
ચન્દ્ર: The sweet moist wafer of your tongue I taste, and find right meanings in your silent mouth.
લીના: (વળગી પડતાં) ચન્દ્ર!
ચન્દ્ર: ના, ના. મને અડ નહીં, લીના!
લીના: શા માટે ન અડું? તું ક્યાં મીણ છે તે જોતજોતાંમાં ઓગળી જવાનો?

ન એનાં અંગ સાથે અંગ મળ્યું, ન તો અધરે અધર પહોંચ્યો. પ્રિયતમનું મુખકમળ જોતાં જોતાં અમારી — (ચન્દ્ર લીનાને એકદમ અટકાવે છે.) તો તો ધરાર અડીશ, જા. (લીના ચન્દ્રને અડવા જાય છે.)

ચન્દ્ર: તોફાન બંધ કરીશ હવે.
લીના: પણ આમ અચાનક –

(મોઢું ફેરવી લે છે.)

ચન્દ્ર: લીના! લીના!… લીના!… કોણ જાણે પણ અત્યારે આ સ્પર્શ મારાથી સહેવાતો નથી.
લીના: પણ શા માટે?
ચન્દ્ર: રહીરહીને મને એક જ વાત યાદ આવે છે. બપોરે પ્રિન્સેસ સ્ટ્રીટ ગયો હતો. પોલીસ સ્ટેશને. હંમેશ મુજબ સમાચાર લેવા. એક કિસ્સો સાંભળ્યો ત્યારથી આકુળવ્યાકુળ બની ગયો છું.
લીના: કિસ્સો? કેવો કિસ્સો?
ચન્દ્ર: બળાત્કારનો. મોતી નામની એક સોળ વર્ષની છોકરી પર કોઈએ બળાત્કાર કર્યો છે. એ એકદમ જડ થઈ ગઈ છે. સામે જે ઊભા છે એમને એ જોતી પણ નથી. એની શોધ જાણે અધવચ્ચે સુકાઈ ગઈ છે. છતાં ઇન્સ્પેક્ટર સવાલ પર સવાલ પૂછ્યે જ જાય છે. એને પોતાનું કામ કરવું છે. એ ભૂલી જાય છે કે અત્યારે એ પણ બળાત્કાર કરે જ છે.
લીના: મોતીના શબ્દોમાંથી એને કોઈકનો ચહેરો શોધી કાઢવો હશે.
ચન્દ્ર: મોતી કાંઈ બોલે ત્યારે ને? એ ચહેરો જોઈને એને મારા જેવો આઘાત લાગશે ખરો?
લીના: પણ જે ચહેરાહીનતાના અસ્તરમાં જ હરેફરે છે એનો ચહેરો ક્યાંથી દેખાવાનો? (પળવાર મૌન.) પણ જવા દે એ વાત.
ચન્દ્ર: મોતીની આંખમાં એક વેરાન શૂન્યતા હતી. એને હું કેમેય ભૂલી શકતો નથી. આમ જોઈએ તો એ આખાયે કિસ્સામાં હું ક્યાંય સંડાવાયો નથી. છતાં હું કહી શકું ખરો કે હું ખરેખર સંડોવાયો નથી; જે કાંઈ બન્યું છે એ માટે હું જરાય જવાબદાર નથી?
લીના: આપણે તો આપણા કૉટેજ પાસે આવી ગયાં. પણ ચન્દ્ર! બારણું તો ઉઘાડું છે!
ચન્દ્ર: ઊભી રહે. જોઉં તો ખરો.

(અંદર જાય છે. થોડી વાર રાહ જોયા પછી લીના અંદર જાય છે.)

લીના: અરે ચન્દ્ર! ક્યાં સંતાઈ ગયો? બત્તી કર ને હવે. મને મોડું થાય છે ને તને મશ્કરી સૂઝે છે! (ખુરસી પછડાય છે.) કોણ છે? (બત્તી થાય છે.) તમે – તમે – કોણ છો? અહીંયાં શું કરો છો?
હુમલાખોર: કામે આવ્યો છું.
લીના: અમે કોઈને બોલાવ્યા નથી. હું તમને ઓળખતી નથી. ચન્દ્ર પણ તમને ઓળખતો નથી. ચન્દ્ર!… ચન્દ્ર!
હુમલાખોર: હું તમને બંનેને ઓળખું છું. મારી જરાય ઓળખાણ પડતી નથી?
લીના: પહેલાં એ કહો કે ચન્દ્ર ક્યાં છે? શું કર્યું છે તમે એને? ચન્દ્ર!

(બૂમ પાડતાં આગળ જાય છે.)

હુમલાખોર: ખબરદાર, ત્યાં જ ઊભી રહે. મારે એનું કામ નથી, તારું કામ છે.
લીના: કામ? મારું?
હુમલાખોર: ગ્લાસ લાવ. (રાડ પાડતાં) ગ્લાસ લાવ. (લીના ન છૂટકે ગ્લાસ લાવે છે. હુમલાખોર એમાં વ્હિસ્કી રેડે છે.) લે, પી.
લીના: શા માટે?
હુમલાખોર: વ્હિસ્કી છે. લહેજત આવશે.
લીના: હું પીતી નથી. તમારે પીવી હોય તો પીઓ. પણ બહાર જઈને.
હુમલાખોર: મારે પીવાની જરૂર નથી, ચાલ. પી જા. પી જા.
લીના: ના.(હુમલાખોર લીનાને તમાચો મારે છે.)
હુમલાખોર: પી જા, કહું છું. (લીના ભાગવા જાય છે.) એમ?

(લીનાને પકડે છે.)

લીના: છોડ… છોડ… છોડી દે…

(હુમલાખોર લીનાને પરાણે વ્હિસ્કી પાય છે.)

હુમલાખોર: ગભરાતી નહીં. બેહોશ થાય એટલી જ પાઈ છે. હવે મને જલસો રહેશે. આ ભરાવદાર મોહક અંગોને હું નિરાંતે જોઈશ, અડીશ, ચૂસીશ, કચડીશ. ને પછી…

(‘ને પછી’ના પડઘા પડે છે. બત્તી બંધ કરે છે. અટ્ટહાસ્ય કરે છે. ઊંહકાર સંભળાય છે. સંગીત. લીના ધીમે ધીમે હોશમાં આવે છે. માંડ માંડ ઊભી થઈ બત્તી કરે છે. આમતેમ જુએ છે. ચન્દ્ર દેખાતો નથી. અંદર નજરે છે.)

લીના: (હોશબેહોશ) ચન્દ્ર! ચન્દ્ર! હજી તું એમ ને એમ — (એની કમ્મર દુખે છે.) ઓહ! — આવી હાલતમાં જ છે? (લથડતી ચાલે અંદર જાય છે. થોડી વાર પછી ચન્દ્ર સાથે આવે છે.) પેલો પાગલ ક્યાં ગયો? આપણને બંનેને આમ — ઓહ!
ચન્દ્ર: ક્યાંય દેખાતો નથી. ભાગી ગયો લાગે છે.
લીના: ખૂબ પીડા થાય છે, નહીં? (ચન્દ્ર મૂંગો રહે છે.) કેમ કાંઈ બોલતો નથી? બોલ ને, ચન્દ્ર! કાંઈક તો બોલ. હું – ઓહ! બેહોશ બની. પછી શું થયું?
ચન્દ્ર: એ વાત રહેવા દે. હોશમાં આવતાંવેંત તેં મારું નામ લીધું. એથી મારામાં પણ હોશ આવ્યા છે. પળવાર તો તારી આંખમાં એક વેરાન શૂન્યતા સળગી ઊઠી હતી. પણ લીના! તું જરાય ગભરાતી નહીં.
લીના: તારા શબ્દ આજે ધ્રૂજે છે કેમ, ચન્દ્ર! ઓહ…

(વિવાન ક્યાંય સુધી બોલતો જ નથી. સંગીત.)

અસીમા: કેમ અટકી ગયો? (વિવાન હજી કાંઈ બોલતો નથી.) વિવાન!
વિવાન: આકુળવ્યાકુળ બની ગયો છું. શબ્દોમાં વિશ્વાસ બેસતો નથી. એના સૂનકારથી મારા શ્વાસ રૂંધાય છે. (અસીમા વિચારમાં લીન થઈ જાય છે.) તું પણ બોલતી નથી હવે.
અસીમા: શું બોલું?
વિવાન: કાંઈ પણ. પણ બોલ.
અસીમા: એક વાત પૂછું?
વિવાન: પૂછ.
અસીમા: આપણી રમતમાં – આ પાગલ – ક્યાંથી આવ્યો?
વિવાન: પૂછવાની જરૂર છે ખરી, અસીમા!
અસીમા: એટલે?
વિવાન: આ પાગલને હું લઈ આવ્યો.
અસીમા: એમ? તો હોશમાં આવેલી લીના શું બોલે એ મેં નક્કી કર્યું ને?
વિવાન: ઓફ કોર્સ. દિવસે દિવસે તારી કુશળતા વધતી જાય છે.
અસીમા: હં… એવું જ છે.
વિવાન: ચાલ, હવે તું તૈયાર થઈ જા. આપણે દરિયે ફરવા જઈએ.

(અસીમા જાય છે.) બહાર અનેક અવાજ ઘૂમતા હશે. પરંતુ અહીંયાં એનાથીયે વધુ ભયાનક એવું કાંઈક છે. ને એ છે મૌન. પ્રચંડ આગ લાગી હોય ત્યારે એક પળ એવી આવે છે કે જ્યારે મૌનની અસહ્ય ભીંસ વરતાય છે. પાણીની ધાર થંભી જાય છે. બંબાવાળા સીડીનાં પગથિયાં ચડવાનું માંડી વાળે છે, સહુ કોઈ નિશ્ચલ બની જાય છે, કાળોમેશ ઝરૂખો અવાક્ બનીને એકાએક માથા પર ઝળૂંબી રહે છે ને જે ગગનચુંબી દીવાલની પાછળ જ્વાળાઓ ભભૂકતી હોય છે એ દીવાલ પણ નિઃશબ્દ બનીને ઝળૂંબી રહે છે, સહુ કોઈ સ્તબ્ધ બનીને ઊભા રહે છે. ખભા ઊંચા કરીને તેમ જ ભવાં સંકોચીને પ્રચણ્ડ ધડાકાની રાહ જુએ છે. અહીંયાંનું મૌન પણ એવું જ છે… પાગલ હુમલાખોરમાં કોનો અણસાર વરતાતો હતો?

નવનિધ નો? ચન્દ્રનો? મારો?

(અસીમા તૈયાર થઈને આવે છે.)

અસીમા: વિવાન? જો, તૈયાર!
વિવાન: ઊભી રહે, અસીમા! એમ ને એમ. ધરાઈધરાઈને જોઈ લેવા દે પહેલાં. (અસીમા છટાથી એક પછી એક મુદ્રા ધારણ કરે છે.) હં…! અસીમા, ફરવા નથી જવું.
અસીમા: ના, જવું છે.
વિવાન: નથી જવું.
અસીમા: કેમ?
વિવાન: કહ્યું ને કે નથી જવું?
અસીમા: પણ કેમ?
વિવાન: મારે દરેક વખતે જવાબ આપવો પડશે? નથી જવું એટલે નથી જવું. (પળવાર મૌન.) સૉરી, અસીમા, સૉરી. હું તો સાવ ભૂલી જ ગયો. આપણે તો બહારનું બધું જ ભૂલી જવું છે ને?
અસીમા: યથા આજ્ઞા, મહારાજ! પુનશ્ચ ક્રીડયૈ!
વિવાન: અસીમા! હવે તારો દાવ.

(અસીમા પળવાર વિચાર કરે છે.)

વિવાન: ચાલ, જલદી કર. શું રમવું છે?
અસીમા: જરા વિચાર તો કરવા દે. હં… મને તો આજે કાંઈ જ સૂઝતું નથી. તું જ કહે ને, વિવાન! શું રમવું છે?
વિવાન: દાવ તારો છે. હું શા માટે કહું?
અસીમા: (તોફાની અવાજે) સૂઝતું નથી કહું છું તો પણ મદદ કરતો નથી.
વિવાન: બસ, એટલામાં હારી ગઈ?
અસીમા: ભેરુ આ રીતે બનવાનું, એમ?
વિવાન: ચાલ, એક કામ કર. વિષય, વસ્તુ, પાત્ર, ઘટના, પ્રતીક – આમાંથી પહેલાં કોઈ પણ એક પસંદ કર, ને પછી તારી કલ્પનાને એનું કામ કરવા દે.

(પળવાર મૌન.)

અસીમા: વિષય પસંદ કરું તો કેમ?
વિવાન: ચાલે.
અસીમા: શું પસંદ કરું? વિરહ? એકલતા? બળાત્કાર —
વિવાન: તું જ કર ને.
અસીમા: કે આપઘાત?
વિવાન: કરી શકાય! એટલું જ કે એવી કટોકટી ઊભી થવી જોઈએ. બોલ, કોઈ પણ માનવી આપઘાત ક્યારે કરે? કઈ પરિસ્થિતિમાં કરે?
અસીમા: એ તો એ માનવી કયા પ્રકારનો છે એના પર આધાર.
વિવાન: તું કયા પ્રકારના માનવીનો આપઘાત નિરૂપવા તૈયાર થાય?
અસીમા: હું? કોઈ પણ. અન્તે તો કોઈનોયે આપઘાત અસહ્ય આઘાતનું જ, અદમ્ય વેદનાનું જ પરિણામ હોય ને?
વિવાન: બોલ. રાજપુરુષ? વિજ્ઞાની? કવિ? કોનો?
અસીમા: મારામાં એટલી ગુંજાયશ નથી. કોણ જાણે, આજે મારી કલ્પના જોઈએ તેટલી સક્રિય બનતી જ નથી. મને નાટકની સૃષ્ટિનો નિકટમાં પરિચય છે. કોઈક નાટકનો અભિનેતા આપઘાત કરે છે એવી ઘટના ઊભી કરીએ?
વિવાન: હં.
અસીમા: અભિનેતા ને દિગ્દર્શક વચ્ચે વેર છે. અભિનેતા શક્તિશાળી છે. પરંતુ દિગ્દર્શક એની શક્તિને ખીલવા દે એવું પાત્ર એને સોંપતો જ નથી.
વિવાન: આમાંથી તો વેર વધે ને ખૂનની શક્યતા પણ ઊભી થાય.
અસીમા: બરાબર. પણ આ અભિનેતા દુઃખી દુઃખી થઈ જાય છે, પોતાની શક્તિમાંથી વિશ્વાસ ગુમાવી બેસે છે, હતાશ થઈ જાય છે ને અન્તે આપઘાત કરી લે છે.
વિવાન: આવી હતાશા નાટકની સૃષ્ટિની બહાર પણ ક્યાં નથી થતી? આ ઘટનામાં નાટકની સૃષ્ટિનો આગવો અનુભવ ક્યાં પ્રગટ થાય છે?
અસીમા: નાટકની સૃષ્ટિનો આગવો અનુભવ? કયો?
વિવાન: તું જ કહે ને.
અસીમા: પરકાયાપ્રવેશ? બરાબર. નાટકે નાટકે અભિનેતાને જુદા જુદા માનવી બનવું પડે છે. પોતે જે નથી એ બનવું પડે છે. આજે એક તો કાલે બીજો. કેટલીક વાર તો સવારે એક, બપોરે બીજો ને સાંજે વળી ત્રીજો.
વિવાન: બસ. તો આવા કોઈ અભિનેતાની કલ્પના કર. એને આપઘાત કરવાની કટોકટી ઊભી કર. એટલે આપણી રમત શરૂ.
અસીમા: એક અભિનેતા છે. પ્રતિભાશાળી. એના પ્રાણના સ્પર્શથી અસંખ્ય પાત્ર જીવતાં થાય છે. પોતાના પાત્રમાં એ એવો તો ઓતપ્રોત થઈ જાય છે કે અસલ કોણ છે એ સવાલ જ થાય નહીં. નાટકની સૃષ્ટિમાં પ્રવેશ કર્યા પછી એને જંપ જ નથી. એક પછી એક પાત્રને સજીવ કર્યે જ જાય છે.
વિવાન: પેલી જાદુઈ મોજડી પહેરનાર નૃત્યાંગનાની જેમ જ, નહીં? મોજડી પહેરી હોય ત્યાં સુધી પગ નૃત્ય કરતા અટકે જ નહીં. મોજડી ઉતારે તોય મૃત્યુ. મોજડી ન ઉતારે તોય મૃત્યુ. કોઈને તો એમ જ થાય કે પાત્રના જીવનની બહાર એનું પોતાનું કોઈ જીવન છે ખરું?
અસીમા: હા. એક દિવસ એને પોતાને જ એમ થાય છે. પોતાનામાં બીજા અનેકને વસેલા જોઈને એ ચમકી ઊઠે છે. અનેકથી ભર્યો ભર્યો હોવા છતાં એને થાય છે કે હું તો નર્યો શૂન્ય છું. આમ ને આમ હું બીજાનું જીવન ક્યાં સુધી જીવ્યા કરીશ?
વિવાન: પાત્રનું જીવન એ એનું પોતાનું જીવન ન કહેવાય?
અસીમા: કેવી રીતે? એક દિવસ એ અરીસામાં પોતાનો ચહેરો જોઈ જ રહે છે. મનોમન એને સવાલ થાય છે – આ ચહેરો તો પાત્રનો છે, મારો ચહેરો ક્યાં છે? ને જે પાત્રમાં વેરાઈ જાય છે એ તો કણકણ થઈ ગયો કહેવાય ને? એને વિષાદ એકસરખો કોરી ખાય છે ને એ આપઘાત કરી બેસે છે.
વિવાન: આ ચહેરો મારો નથી એવું એને ભાન થાય છે એ શું ઓછું મહત્ત્વનું છે? એ પોતાના ચહેરાની શોધ શા માટે નથી કરતો? આપઘાત જ શા માટે કરે છે?
અસીમા: કોણ જાણે! (પળવાર મૌન.) હું તો તારા આ એકસામટા સવાલોથી એકદમ મૂંઝાઈ જાઉં છું. હવે આપઘાતની રમત રમવાનું મને નહીં ફાવે.
વિવાન: તો બીજું કાંઈક વિચાર.
અસીમા: હં… (થોડી વાર વિચાર કરી) યસ! સવારે તેં

નવનિધને રત્નાનાં નામ લીધાં હતાં. રાઇટ? એ બંને વિશે હું માત્ર આટલું જ જાણું છું. રત્નાએ પૂછ્યું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુઃખે છે. ને નવનિધ રત્નાને મારી. લેટ્સ ઇમ્પ્રોવાઇઝ ધેમ. રાઇટ?

વિવાન: રાઇટ. સ્ટાર્ટ.

(બારણે ટકોરા.

નવનિધ બારણું ઉઘાડે છે. રત્ના હાંફતી હાંફતી આવે છે.)
નવનિધ : હલો રત્ના! હાઉ આર યૂ? મઝામાં ને?
રત્ના: હા… હજી… જીવું છું…
નવનિધ : સ્ટિલ અલાઇવ! ધેટ્સ અ ગૂડ વન.
રત્ના: કહ્યા પ્રમાણે આવી ગઈ ને?
નવનિધ : હવે તો ઘડિયાળને પણ તારી ઈર્ષ્યા થાય છે. બેસ. (થોડી વાર પછી) વાર્તાની નકલ કરી?
રત્ના: રત્ના તમારું કામ કરે એમાં કાંઈ કહેવાપણું ન હોય, હા! તમે કહ્યું હતું તેમ બધું જ બરાબર કરી લાવી છું. આ તમારી વાર્તા. (પાનાં આપે છે.) એકાદ-બે નાના સરખા ફેરફાર કરવા પડ્યા છે. પણ એનાથી વાર્તાનો ચહેરોમહોરો બદલાઈ ગયો છે. હવે નખશિખ સુંદર લાગે છે.
નવનિધ : (કઠોરતાથી) એમ? એ તો હું જોઈશ ત્યારે ખાતરી થશે.
રત્ના: કેમ, હમણાં નથી જોઈ લેવી?
નવનિધ : ના, બીજા કોઈની હાજરીમાં મને એ ફાવતું નથી.
રત્ના: બીજા કોઈ? હું?
નવનિધ : યૂ ડોન્ટ અન્ડરસ્ટૅન્ડ, રત્ના! વૉટ આઇ મેન્ટ વૉઝ —
રત્ના: મેં તો મારા ગણીને ફેરફાર કર્યા. પણ તમને તો એમાં અપમાન લાગ્યું ને?
નવનિધ : પાછી નાના બાળકની જેમ રિસાઈ ને?
રત્ના: નાના બાળકની જેમ? હવે હું આવી ભૂલ ક્યારેય નહીં કરું.
નવનિધ : રત્ના! આઇ ડિડન્ટ મીન ધૅટ. મારો સ્વભાવ જ એવો છે. મારું બોલવું તારે મન પર લેવું જ નહીં.
રત્ના: તમારે એમ તો નથી કહેવું ને કે તમારા શબ્દોના રણકાને રત્ના પારખી શકતી નથી? (પળવાર મૌન.) અરે,નવનિધ ! આજે એક સરપ્રાઇઝ લાવી છું.
નવનિધ : લેટ્સ હેવ ઇટ રાઇટ ફ્રોમ ધ હોર્સિઝ માઉથ – આઇ મીન, ધ મેર્સ માઉથ.
રત્ના: મને એક વાર્તા સૂઝી છે.
નવનિધ : વસ્તુ —
રત્ના: વિશ્વાસઘાત.
નવનિધ : વિશ્વાસઘાત! શા માટે? વિશ્વાસઘાતનો તને ક્યાં કોઈ અનુભવ છે?
રત્ના: અનુભવ હોવો જરૂરી છે? હું તો આટલું જાણું છું: હું બીજું કાંઈ પણ સહન કરી શકું, વિશ્વાસઘાત તો કેમેય નહીં. નહીં, નહીં ને નહીં. એમાં માનવીના માનવી સાથેના સમ્બન્ધની ભૂમિકા જ સમૂળી નાશ પામે છે.
નવનિધ : આજકાલ તને વિશ્વાસઘાત, બળાત્કાર, આપઘાત વગેરેની વાતમાં જ કેમ રસ પડે છે?
રત્ના: તમને એવું લાગે છે? કેમ?
નવનિધ : એમ! તો મારે પુરાવો પણ આપવો પડશે?
રત્ના: આજે તમે હુમલો કરવાના મૂડમાં છો?
નવનિધ : ફર્ગેટ ઇટ, ફર્ગેટ ઇટ… રત્ના! હમણાં હમણાં તને આટલી હાંફ કેમ ચડે છે? મેં કહ્યું છે ને કે તારે વિટામિન્સની ખૂબ જરૂર છે? મેં ટૅબ્લેટ આપી છે તે તું બરાબર નથી લેતી?
રત્ના: તમારી વાત મેં ક્યારે નથી માની?
નવનિધ : પણ જો તો ખરી. તારો ચહેરો કેટલો ઊતરી ગયો છે. હં… એમ કર. (ટૅબ્લેટ આપતાં) આ હમણાં ને હમણાં લઈ લે.
રત્ના: ના, નવનિધ ! આ મારે અત્યારે નથી લેવી. વાર્તા લખવી છે. આ લઉં છું ને મને ઘેન ચડે છે ને પછી કોઈ જાતનું ભાન જ રહેતું નથી.
નવનિધ : થાકને લીધે, નબળાઈને લીધે એની તરત અસર થાય છે ને તને ઘસઘસાટ ઊંઘ આવી જાય છે. ધૅટ્સ ગૂડ ફોર યૂ. ચાલ, લઈ લે જોઉં.
રત્ના: ના, આજે તો નહીં જ.
નવનિધ : તું નાહકની ચિંતા કરે છે. હું બેઠો છું ને અહીંયાં.
રત્ના: ભલે. થોડી વાર પછી.
નવનિધ : હવે રત્ના ખરી. (પળવાર મૌન.) રત્ના! મને અવારનવાર થાય છે કે તું અહીંયાં શા માટે આવે છે? વ્હાય! વ્હાય!
રત્ના: વિવાન બોલાવે ને અસીમા – (અસીમા ભૂલ સુધારે છે.) નવનિધ બોલાવે ને રત્ના ન આવે?
નવનિધ : આટલી સરળતાથી? જરાય આનાકાની વિના? હું શા માટે બોલાવું છું, ખબર છે?
રત્ના: એની ચિંતા બોલાવનારે કરવાની. મને તમારી પ્રતિભામાં શ્રદ્ધા છે. એક જ વાતનું દુઃખ છે – જગત તમારી પૂરી કદર કરતું નથી. તમારી પ્રતિભાનો પ્રચાર કરવામાં હું ધન્યતા માનું છું. મને તો પૂરેપૂરી ખાતરી છે કે એક દિવસ તમારી પ્રતિભાની જરૂર કદર થશે.
નવનિધ : પણ હું ખીલે બંધાઈ ગયો છું. શેરડીના કૂચા જેવો થઈ ગયો છું. હું ચંચળ છું, અરાજક છું, હેવાન છું.
રત્ના: ના, ના, ના. આ જરાય સહન થતું નથી. ક્યાં શ્રદ્ધા ને ક્યાં વંચના? આ રીતે તો સિદ્ધિ મળવાની હશે તો પણ નહીં મળે. તમે પોતે પોતાનું અપમાન શા માટે કરો છો? પોતાને જ અધમ–
નવનિધ : (ગુસ્સામાં) રત્ના!
રત્ના: મને કહો તો ખરા કે તમને શાની ઊણપ સાલે છે? શાનો અસંતોષ કોરી ખાય છે? હું અહીંયાં આવું છું છતાં બધું જ વ્યર્થ, વ્યર્થ… કાંઈ જ ફેર પડ્યો નથી.
નવનિધ : આઇ સી. તો તમે મારામાં ફેર પાડવા અહીંયાં પધારો છો, એમ? મારા પર ઉપકાર કરવા પધારો છો, એમ?
રત્ના: (એકાએક આક્રોશથી) નવનિધ ! હું કોઈનાંયે વિના કારણ કડવાં વેણ સાંખી લેતી નથી. આજ સુધી કાંઈ બોલી નથી એટલે એવું તો નહીં–
નવનિધ : (પાગલની જેમ) રત્ના!
રત્ના: એવું તો નહીં જ માનતા કે મારું ગમે ત્યારે, ગમે તેવું અપમાન કરવાનો મેં તમને પરવાનો ફાડી દીધો છે.
નવનિધ : રત્ના! તું આવેશમાં આવી ગઈ છે. જરા શાન્ત થા. લે, જરા પાણી પી.
રત્ના: મારી લાગણીનું, મારી મૈત્રીનું, મારી શ્રદ્ધાનું આવું અપમાન? મેં તમને મારા જેવા ગણ્યા, મારા પોતાના ગણ્યા એમાં કોઈ ગુનો કર્યો છે?
નવનિધ : શું મન ફાવે તેમ બોલે છે! આંગળી આપી એટલે હાથ આખો ગળી જવો છે?
રત્ના: મન ફાવે તેમ તમે બોલો છો કે હું? આજે અહીંયાં આવી ત્યારથી તમે આમ જ કરો છો. તમને થયું છે શું? મેં પૂછ્યું હતું એટલે?
નવનિધ : શું પૂછ્યું હતું?
રત્ના: એટલી વારમાં ભૂલીયે ગયાં?
નવનિધ : શું પૂછ્યું હતું? (પળવાર મૌન) હમણાં તો એકસરખી લવલવ કરતી હતી. હવે એકદમ મૂંગી કેમ થઈ ગઈ? શું પૂછ્યું હતું? ભસી મર.
રત્ના: મેં પૂછ્યું હતું કે હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે?
નવનિધ : કોણે તને ભંભેરી છે? કાલે કોને મળવા ગઈ હતી?
રત્ના: તમને તો ખબર છે. પણ વાત કેમ ટાળો છો? મેં પૂછ્યું હતું ને? હું અહીંયાં ઊંઘીને ઊઠું છું ત્યારે મારી કમ્મર કેમ દુખે છે?
નવનિધ : ખબરદાર, ફરી વાર પૂછ્યું છે તો ગળું જ દાબી દઈશ.

(રત્નાનું ગળું દાબે છે.)

રત્ના: (મૂંઝાતાં) દાબી દો, દાબી દો. હવે બાકીયે શું રહ્યું છે! છતાં સાફ સાફ સાંભળી લો. હું મરીશ તો પણ એ મારો નિર્ણય હશે. હું જીવીશ તો પણ એ મારો નિર્ણય હશે.

(‘નિર્ણય હશે’ના પડઘા. નવનિધ રત્નાને ધક્કો મારે છે. રત્ના ટેબલ સાથે અથડાય છે. ટેબલ પછડાય છે.)

(પળવાર મૌન. અસીમા નીચે પડ્યા પડ્યા જ મોકળે મને હસે છે, તાળી પાડે છે.)

અસીમા: વન્સ મોર, વિવાન! વન્સ મોર.
વિવાન: ખૂબ લહેજત આવી, નહીં અસીમા?
અસીમા: હા, વિવાન! યૂ વેર સિમ્પ્લી માર્વેલસ; સુપર્બ!
વિવાન: તું જરાય ઊણી ઊતરી નથી. રત્નાની પળેપળને તેં આબેહૂબ જીવતી કરી! સંઘેડાઉતાર! એના શબ્દો હજીયે મારો કેડો છોડતા નથી.

(‘તો પણ એ મારો નિર્ણય હશે’ના આછા પડઘા.)

અસીમા: તેં પણ અજબ પરકાયાપ્રવેશ કર્યો હતો. નખશિખ નવનિધ ! એકાદ પળ તો હું સાચેસાચ કમ્પી ઊઠી હતી.
વિવાન: (વિહ્વળતાથી) અસીમા! અસીમા!

(બેસી જાય છે.)

અસીમા: વિવાન! બેસી કેમ ગયો? મારે તો હજી રમવું છે.
વિવાન: ના, હું થાકી ગયો છું.
અસીમા: કમાલ છે! વિવાન રમવાથી થાકી ગયો?
વિવાન: (આવેશમાં) અસીમા! (શાન્ત થઈ) ના, અસીમા! ના.
અસીમા: પાત્રની વેદના ઉઝરડા પાડતી નથી એમ તો કેમ કહેવાય? પણ તો પછી કુશળતાનું શું? તાટસ્થ્યનું શું? (પળવાર મૌન) એક વાત પૂછું? (પોતાને ગળે હાથ ફેરવતાં) વિવાન! પાત્રમાંથી બહાર આવતાં આજે તને આટલી વાર કેમ લાગી?
વિવાન: મને પણ સમજાતું નથી. એટલે જ હું ખૂબ બેચેન બની ગયો છું.
અસીમા: (વિવાનને પંપાળે છે.) વિવાન! તું જરા આરામ કર, ચેન વળશે. હું ફોન કરીને આ આવી.

(જાય છે.)

(સંગીત)

વિવાન: અસીમાને કેમ સમજાવું કે આ ઉઝરડાની વાત નથી, કુશળતાની વાત નથી, પાત્રમાંથી બહાર આવવાની વાત નથી. મારી એકેએક વાત એ તરત માની લે છે. એને શંકા આવતી જ નથી. આટલી શક્તિ એનામાં ક્યાંથી આવે છે? આજે મને જોઈને એને જરૂર ભય લાગ્યો હશે. મારી બેચેની એને અચૂક સતાવતી હશે. છતાં એને કેમ જરા જેટલોયે વહેમ આવતો નથી? કે પછી એ મને જણાવા દેતી નથી? એટલા માટે જ એ ફોન કરવા ચાલી ગઈ? મારા હાથ કેમ એનું ગળું છોડતા નહોતા? આ નવનિધ કોણ છે? એ કેમ મારો કેડો છોડતો નથી? આપઘાતની વાત કરતાં મેં શું કહ્યું હતું? મોજડી ઉતારી શકાય નહીં ને છતાં નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું? મારે પણ એ જ કરવું પડશે? ઓહ… આ સવાલ પર સવાલનો અન્ત નહીં જ આવે? સવાલમાંથી વેદના જન્મે છે કે વેદનામાંથી સવાલ? સવાલનો અન્ત આવશે ત્યારે વેદનાનું શું થશે? (અદમ્ય બેચેનીથી) અસીમા! અસીમા!

(અસીમા દોડતી આવે છે.)

અસીમા: વિવાન! વિવાન! શું થાય છે, વિવાન?

(વિવાનને માથે હાથ ફેરવે છે.)

વિવાન: કાંઈ નહીં… કાંઈ નહીં… અસીમા! કાંઈ નહીં… (પળવાર મૌન) અસીમા! નૃત્ય અટકાવવું હોય તો નૃત્યાંગનાએ શું કરવું?
અસીમા: વિવાન! આપણે અહીંયાં શા માટે આવ્યાં છીએ? સવાલ ભૂલવા કે સવાલ પૂછવા?
વિવાન: આપણે હમણાં ને હમણાં અહીંયાંથી ચાલી જવું છે. આઇ હૅવ ડિસાઇડેડ ટુ લીવ ધ સ્ટેઇજ!
અસીમા: (સ્તબ્ધ બનીને) શું? લીવ ધ સ્ટેઇજ! વિવાન! પણ… શા માટે… આટલી વારમાં શું…
વિવાન: હું પાત્રમાં ખોવાઈ જાઉં છું, કણકણ બની જાઉં છું. મારે કણકણ બની જવું નથી.
અસીમા: મેઘધનુષને જોઈને સૂરજ ભય પામે ખરો?
વિવાન: ના… હા…
અસીમા: પણ… મેઘધનુષ સૂરજનું જ એક રૂપ છે ને? રંગીન. ભાતીગળ. એકેએક રંગ સંકળાયેલો, એકમાંથી જ બીજો પ્રગટતો –
વિવાન: ક્યારેક એક રંગ બીજા બધા રંગને ખાઈ જાય છે. ક્યારેય ઊખડે નહીં એવું મહોરી બનીને ચોંટી જાય છે. (ઝડપથી બૅગમાં કપડાં ભરે છે. અસીમાને હાથ પકડીને બહાર જવા માંડે છે.) મૅનેજર! મૅનેજર!
મૅનેજર: યસ.
વિવાન: ટૅક્સી… કોઈને જલદી ટૅક્સી લેવા મોકલો. વી આર લીવિંગ.
મૅનેજર: સો સૂન? ત્રણ દિવસ રહેવાનાં હતાં ને? કોઈ તકલીફ, કોઈ ફરિયાદ –
વિવાન: નો, નો, નો. ફરિયાદનું કોઈ કારણ નથી. હોટેલ, રૂમ – કોઈ વિશે કાંઈ નહીં. નૉટ ઍટ ઑલ! નૉટ ઍટ ઑલ!
મૅનેજર: (સૂચના આપતાં) બહાદુર, જલદી ટૅક્સી લઈ આવ. (વિવાનને) કાંઈ ચિન્તા કરવા જેવું તો –
વિવાન: નો, નો. કામ યાદ આવ્યું છે. ખૂબ મહત્ત્વનું. અહીંયાંની રમત સંકેલી લેવી પડે છે.
મૅનેજર: રમત? શું –
વિવાન: ફર્ગેટ ઇટ. કાંઈ નહીં, કાંઈ નહીં.
અસીમા: એવું છે કે – વિવાન કદાચ રંગભૂમિ છોડી દે. હંમેશને માટે.
મૅનેજર: ઓહ! લૂકિંગ ફૉર ન્યૂ એક્સાઇટમેન્ટ્સ! નવી ગિલ્લી, નવો દાવ!
અસીમા: કાંઈક એવું જ. સહુથી પહેલાં તમને જ કહ્યું છે.
વિવાન: ટુ પુટ ઇટ લાઇટલી – તમારો રૂમ નંબર નવ હવે પ્રતીક બની જશે. સિગ્નિફિકન્ટ સિમ્બલ! પાવરફુલ સિમ્બલ!
મૅનેજર: સિમ્બલ…
વિવાન: બાય!
અસીમા: બાય!
મૅનેજર: બાય! બાય! (વિચારમાં) પ્રતીક! સિમ્બલ!

(આછું હસે છે.)

વિવાન: અસીમા! ફાઇલ તો – ઊભી રહે. લઈ આવું છું.

(અંદર જાય છે.) (વિવાનને આવતાં વાર લાગે છે. અસીમા ચિંતાતુર બને છે. વિવાનને બોલાવવા અંદર જવા માંડે છે, ત્યાં જ — અંદરથી બંદૂક ફૂટવાનો અવાજ આવે છે.)

અસીમા: (ચીસ પાડતાં) વિવાન! (દોડતાં દોડતાં) વિવાન!

(મૅનેજર પાછળ દોડે છે. બંદૂક ફૂટવાના અવાજના પડઘા પડે છે. એમાંથી સંગીત પ્રગટે છે.)

(પડદો)

(રૂમ નંબર નવ)