ગુજરાતી કવિતાનો આસ્વાદ/જતો’તો સૂવા ત્યાં –

From Ekatra Wiki
Jump to navigation Jump to search


જતો’તો સૂવા ત્યાં –

સુરેશ જોષી

જતો’તો સૂવા ત્યાં ડસડસ સુણી રોતી સજની,
ગયો; દીઠી ડુસ્કાં ભરતી ઉશીકે મોં ઢબૂરીને;
બિછાને બેઠો જૈ, ઊંચકી મુજ સ્કંધે શિર મૂક્યું.
કપોલે પંપાળી, નયનજલ ભીંજેલ લમણે,
શિરે, પૃષ્ઠે આખે કદલીદલ લીસે, ફરી ફરી
અને અંગે અંગે મૃદુ કરથકી થાબડી બધે.
ન ર્હે તોયે છાની! હિમ શી મુજ એ ગૌર પૂતળી[1]
ગળી જાશે અશ્રુમહીં જ હિમ શું? એવી જ રુએ!

પછી જેવું ઘોડાપૂર વહી જતાં સિન્ધુ નીતરે,
રહે કૈં સંક્ષોભ પ્રતિલહરીમાંહી ધબકતો;
શમ્યું તેવું તેનું રુદન, રહ્યું કૈં શેષ શ્વસને;
સુવાડી ત્યાં ધીમે, શયનતટ બેઠો નજીક હું,
અને એ વીંટાઈ, તરુ ફરતી વેલી સમ, સૂતી
મૂકીને વિશ્રમ્ભે મુજ ઊરુ પરે શ્રાન્ત શિરને!

નિશા આખી જેવું ટમટમ કરી વર્ષતી રહી
કરે ઘેરું વાતાવરણ બધું, ને એ જ જલનાં
કણોથી પો ફાટ્યે, અજબ મધુરું ઉજ્જ્વલ હસે
હસી તેવું, અશ્રુ હજી ક્યહીં ટક્યાં ઉજ્જ્વલ કરી!
રડી શું ને પાછી હસીય શું? ન જાણ્યું સજનીએ,
હું તો શું? ને ભાગ્યે સમજીય શકે મન્મથ સ્વયમ્
– રામનારાયણ વિ. પાઠક (વિશેષકાવ્યો)

પ્રસંગ સાદો છે, ચિરપરિચિત છે. સ્ત્રીની આંખનાં આંસુ એ એક મોટી રહસ્યમય ઘટના છે. એ આંસુ પહેલાં શું હતું અને એની પછી શું હશે, એ વિશે કશું કહી શકાતું નથી. આપણા શરીરને, મનની સ્મૃતિથી આગવી, એની પોતાની સ્મૃતિ હોય છે. પુરુષ કરતાં સ્ત્રીના શરીરને, આ સ્મૃતિ કદાચ વિશેષ હશે. સ્પર્શ દ્વારા શરીર ઘટનાઓમાં ભાગ લે છે ને સ્ત્રીનું શરીર સ્પર્શનો સારી પેઠે ઉપયોગ કરે છે. એના ખોળામાં પોઢેલું બાળક ભાષા તો જાણતું નથી. એ તો કેવળ સ્પર્શની જ ભાષા જાણે છે. એનો પ્રિયતમ પણ વાણીથી કરાયેલા આરાધનથી નહીં, સ્પર્શના આરાધનથી જ તુષ્ટ થાય છે. આથી જ, એના સ્પર્શસંકુલ ભૂતકાળમાંથી, એનું શરીર ક્યારે શું સંભારીને સુખી કે દુ:ખી થશે તે વિશે કશું કહી શકાય નહીં. જેનાં કારણો નથી જાણી શકાતાં તેવી અકારણ ઘટનાનાં કારણ વિશેની જિજ્ઞાસા એ ફિલસૂફીનો વિષય હશે, એ કારણ વિશેની કલ્પના એ કાવ્યનો વિષય છે. તમે મમ્મટને પૂછશો તો કાર્યકારણનો વિપર્યય, કારણનું અનુમાન – આ બધાંને કારણે બનતા અતિશયોક્તિ, કાવ્યલિંગ વગેરે અલંકારોનાં નામ એ તરત દેશે.

આકસ્મિકતા ને અકારણતા રસની જનની છે. અહીં એવી જ સુખદ આકસ્મિકતા ને અકારણતા કવિ રજૂ કરે છે. એ આરમ્ભમાં દુ:ખદ હોવાનો આભાસ ઉત્પન્ન કરે છે પણ બીજી જ પળથી પોતાના દુ:ખનો છદ્મવેશ એ ધીમે ધીમે અળગો કરે છે ને અન્તમાં તો આરમ્ભમાં દુ:ખનો આભાસ પણ હતો કે નહીં, તેય યાદ ન આવે એવી, તુષ્ટિની આબોહવામાં આપણે રમતા હોઈએ છીએ.

પ્રિયતમ અને ઉશીકું – શૃંગારમાં બંને ઘણી વાર પ્રતિસ્પર્ધી બની જવાની અણી પર હોય છે! પણ અહીં કાવ્યની નાયિકા પાસેના પ્રિયતમનો ખોળો કે ખભો (ખોળાનું અને ખભાનું આ બાબતમાં જુદું જુદું કાર્ય હોય છે; ખભો આંસુ સારવાના આધાર રૂપ, ને એ પૂરું થયા પછી વિશ્રાન્તિની સુખદ સ્થિતિને અધિકારપૂર્વક માણવાને ખોળો? ન જાને!) ખપમાં લેતી નથી. ઉશીકાની વધુ અનુકૂળ મૃદુતા જ એને આ વખતે ખપમાં આવે છે. ને ઘણી વાર આથી જ ઉશીકા સરખું ઉશીકું પુરુષના પૌરુષને પડકાર ફેંકે છે! કાવ્યના પ્રારમ્ભમાં નાયક સજનીને ‘રોતી સુણી’ એમ કહે છે, ‘રોતી દીઠી’ એમ નહીં; આથી બે વચ્ચે અન્તર હોય એમ અનુમાન કરવા આપણે પ્રેરાઈએ, ને કદાચ આ અન્તર જ નાયિકાનાં આંસુનું કારણ હોય. પુરુષો ઘણી વાર સ્ત્રી સાથેના વ્યવહારમાં યથાર્થ માત્રામાં સૂક્ષ્મતા કે ચતુરાઈ બતાવી શકતા નથી. આ પરત્વેની સ્ત્રીની સહજપટુતા આગળ પુરુષો સદા હાર ખાતા આવ્યા છે તે સુવિદિત છે.

અહીં કાવ્યના નાયક સામે આપણી પણ એ જ ફરિયાદ છે. આ પંક્તિ વાંચો:

બિછાને બેઠો જૈ, ઊંચકી મુજ સ્કંધે શિર મૂક્યું ,…

અહીં શય્યાભેદનું સૂચન ‘બિછાને બેઠો જૈ’માં છે ને શય્યાભેદ જેવું દુ:ખ સહજીવનમાં બીજું શું હોઈ શકે? ને આ ‘બિછાનું’ શબ્દ જ મને તો નથી ગમતો. ‘બિછાનું’ની સાથે માંદગી યાદ આવે છે. શૃંગારની આબોહવામાં આવો શબ્દ જરા ખૂંચે છે. સૂવા જવાની ક્રિયાને અટકાવીને, એમાંથી પાછા વળીને નાયક નાયિકાને બિછાને જઈ બેસે છે. આ પછી શિરને ‘ઊંચકી’ને પોતાને ખભે મૂકે છે. મને અહીં ‘ઊંચકી’ શબ્દ પણ ખૂંચે છે. એમાં આ પરિસ્થિતિને અનુરૂપ નાજુકાઈ કે મૃદુતા નથી. આપણે બોજો ઊંચકીએ છીએ. આથી કવિએ અહીં બીજા કોઈ ક્રિયાપદની શોધ કરવી જોઈતી હતી. દુષ્યન્ત શકુન્તલાની ચિબુક પકડીને ચુમ્બન કરવાના આશયથી ઊંચી કરે છે ત્યારે એ ક્રિયાસૂચક જે શબ્દ વાપરે છે તે યાદ કરી જુઓ.

સ્કન્ધે શિર મૂક્યા પછીથી નાયક વાણીનો નહીં પણ સ્પર્શનો ઉપયોગ કરે છે, તે જોઈને આપણને કરાર વળ્યો. આવી નાજુક પરિસ્થિતિમાં વાણીની કૃત્રિમતાને આણવા કરતાં સ્પર્શની સાહજિકતાને ખપમાં લેવી જ વધુ હિતાવહ હોય છે. હવે પછીનું વર્ણન જેટલું શૃંગારનું નહીં તેટલું વાત્સલ્યનું સૂચન કરે છે. અહીં પણ ‘લમણે’ જેવો શબ્દ એની સાથે સંકળાયેલા, આ પરિસ્થિતિમાં પ્રતિકૂળ અધ્યાસોને કારણે વર્જ્ય લાગે છે. શરીરરચનાશાસ્ત્રમાં આવતાં અવયવોનાં નામ શૃંગારની કવિતામાં ઠીક નહીં લાગે. ‘કદલીદલ લીસે’માં શૃંગારનું ઇષત્ દર્શન થાય છે ખરું. આ ગાઢ પરિરમ્ભનો સમય નથી (નાયક જો કુશળ હોય તો આ સ્થિતિને એવા પરિરમ્ભની પૂર્વાવસ્થા બનાવી દઈ શકે) માટે ‘મૃદુ’નો ઉપયોગ તો ઉચિત ગણાય પણ ‘થાબડી’ એ શૃંગાર કરતાં વાત્સલ્યની વધુ નજીક છે. કવિએ વાપરેલા ‘પૂતળી’ શબ્દમાં અબોધતા ને લઘુતાનું સૂચન છે. એકસરખી અજસ્ર આંસુધારા ને નરી હિમમાંથી ઘડી હોય એવી, ઉષ્ણતાની આંચ સરખી લાગતાં પીગળી જાય એવી એની કાયા – આથી નાયકના હૃદયમાં ભયની ફડક પેસી જાય છે.

ગળી જાશે અશ્રુ મહીં જ હિમ શું!…

પોતાનાં આંસુમાં જ પોતે ઓગળી જાય એવી એની ભંગુરતા ને એની પડખે અકારણ હોવાને કારણે જ વારી નહીં શકાય, એવા દુ:ખની ઉત્કટ માત્રા – આ પરિસ્થિતિનું આલેખન કવિએ યથોચિત કર્યું છે.

આવાં આંસુનો ઉદ્ગમ અકારણ, તો એનો અન્ત પણ એવો જ અકારણ. માટે જ કવિ એ આંસુ શી રીતે થંભી ગયાં તેનું કારણ સમજાવવા બેસતા નથી, પણ આંસુ થંભી ગયાં પછીની સુખદ સ્થિતિનું વર્ણન કરે છે. અહીં ‘સિન્ધુ’ એટલે નદી એમ જ સમજવાનું છે કારણ કે સમુદ્ર સાથે ‘નીતરે’નો સમ્બન્ધ જોડી શકાય નહીં, ને ઘોડાપૂર સાથે વિશેષત: નદીનો, જ સમ્બન્ધ. અશ્રુ થંભી ગયાં પછી આછાં હીબકાં રહીરહીને આવે એનું વર્ણન સુરેખ છે. રુદનનો આછોતરો કમ્પ માત્ર શ્વસનમાં જ જળવાઈ રહે છે. હવે ‘બિછાનું’ રહેતું નથી, નદીની વાત કરી છે માટે ‘શયનતટ’ શબ્દ કવિ પ્રયોજે છે પણ આપણને એક મુશ્કેલી નડે છે: નાયક હજુ તટસ્થ છે; પણ સદ્ભાગ્યે, એ મુશ્કેલી નાયિકાને નડતી નથી. એ તો નાયકને વીંટળાઈ વળે છે. અહીં ‘તરુ ફરતી વેલી સમ’નો રૂઢ પ્રયોગ સમર્પક નીવડતો નથી. નાયકને શિર ઊંચકવું પડેલું, હવે તો નાયિકા સ્વાધિકારના વિશ્રમ્ભથી નાયકના ખોળામાં એના શ્રાન્ત શિરને મૂકી દે છે. અબળા નારી પ્રેમના અધિકાર પરત્વે પુરુષની અપેક્ષાએ વધુ સબળ હશે.

હવે કવિ આપણને એક સુન્દર ઉપમાચિત્ર આપે છે. કાવ્યનું એ શિખર છે, પરિણતિનું શિરોબિન્દુ છે. અહીં જો કવિ ચૂક્યા હોત તો આપણે એમને માફ ન કરી શક્યા હોત. પણ ‘શેષ’ની ખૂબી આવાં ઉપમાચિત્રો યોજવામાં છે. સ્વભાવથી ફિલસૂફ હોઈ એઓ ચહચર્નયેીજ શોધવામાં પાવરધા છે. એ સાદૃશ્ય એવી રીતે યોજે છે કે રહસ્યનો મોટો ખણ્ડ એમાં સમાઈ જાય છે. અહીં અશ્રુથી જ ઉજ્જ્વળ બનતા આનન્દનું ચિત્ર કવિ આપે છે. આખી રાત વરસીને ઘેરું વાતાવરણ થાય, પણ આ વર્ષાથી જ કાળાં વાદળ ઝરી જાય, બીજા દિવસના પ્રભાતના સૂર્યને ઢાંકતું આવરણ દૂર થાય ને એ ઝરી જઈને નિ:શેષ થયેલાં વાદળના કણ સૂર્યના તેજને વધુ ઉજ્જ્વળ બનાવવા પૂરતાં જ ટકી રહે. અહીં પણ આ અશ્રુ તો આનન્દના ઉદયને વધુ ઉજ્જ્વળ બનાવવાની સામગ્રી જ બની રહ્યાં. આમ આપણાં કહેવાતાં દુ:ખ ઘણી વાર આનન્દની જ પૂર્વાવસ્થા હોય છે. દુ:ખની જ સુખમાં થતી સંક્રાન્તિ ભારે આસ્વાદ્ય ઘટના છે, ને કાવ્યનો વિહાર ભાવકના આવા સંક્રાન્તિબિન્દુએ જ થતો હોય છે. કવિએ આવું સંક્રાન્તિબિન્દુ અહીં ઝડપી લીધું છે, એ આપણા કાવ્યસાહિત્યની એક સુખદ ઘટના છે. કવિ સમુચિત રીતે જ ‘એ જ જલના / કણોથી પો ફાટ્યે’ એમ કહે છે. અહીં પ્રભાત આકાશમાં નથી ઊગતું, પણ એ કણમાંથી પ્રકટે છે, ને તેથી જ બીજા પ્રભાત કરતાં એમાં કશુંક ‘અજબ’ ઉમેરાય છે. આ ‘અજબ’ જ, એક રીતે કહીએ તો, કાવ્યસમસ્તનો વિષય છે. કવિની નિમિર્તિને જોઈને આખરે તો એક જ ઉદ્ગાર નીકળે: અજબ! કવિ પણ વિધાતાની નિમિર્તિને આપણને એવી રીતે બતાવે કે આપણે પણ બોલી ઊઠીએ: અજબ!

આ નવનવોન્મેષશાલી વિસ્મય ઉત્પન્ન કરવો એ જ કવિની પ્રતિભાનું મુખ્ય કર્મ છે. એને માટે કવિએ અત્યન્ત સુપરિચિત, અસાધારણ નહીં એવો, છતાં પૂરેપૂરો સમર્થ એવો સન્દર્ભ યોજ્યો છે, તે કાવ્યગુણને પૂરી માત્રામાં ઉપકારક નીવડે છે.

અન્તમાં આ ધન્યતાથી ઉદ્ભવેલી પુલકિતતા કવિએ પ્રકટ કરી છે. પોતે શા માટે રડી ને શા માટે હસી, એની સજનીને તો, અબોધ હોવાને કારણે ખબર ન પડી; પણ આપણે નાયકને પૂછીએ કે તને ખબર પડી ખરી? તો નાયક જવાબમાં આ અનુભૂતિની ધન્યતાની અનેરી ખુમારીથી જવાબ વાળે છે:

હું તો શું? ને ભાગ્યે સમજીય શકે મન્મથ સ્વયમ્.

મનને મથી નાખનાર મન્મથને માટે પણ એનો ઉત્તર ઘણું મથવા છતાં મળવો મુશ્કેલ છે. મન્મથ પણ એ જાણતો નથી. જેનો પ્રેરક મન્મથ છે તે જ મન્મથ એનું રહસ્ય જાણે નહીં એવી ‘અજબ’ આ ઘટના છે.

પ્રસન્ન પ્રણયનાં આપણી પાસે જે વિરલ કાવ્યો છે તે પૈકીનું આ કાવ્ય ખરે જ ‘શેષ’ના વિશેષને પ્રકટ કરીને આપણને તુષ્ટ કરે છે.


1.કવિએ ‘ગાર પૂતળી’ પ્રયોગ કર્યો નથી, ‘ગૌર પૂતળી’ કહ્યું છે. અહીં પાઠ સુધાર્યો છે. ↵