ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/કર્તા-પરિચય
(જ. 21 જુલાઈ, 1911 — અવ. 19 ડિસેમ્બર, 1988)
ગુજરાતી સાહિત્યના સમયપટમાં ઉમાશંકરને સૌથી વધુ બહુશ્રુત ને બહુપરિમાણી સારસ્વત લેખી શકાય. સંવેદ્ય કવિતાના સર્જકથી માનવ્ય-પ્રતિબદ્ધ સક્રિય વિચારક સુધીનું એમનું પ્રતિભાફલક. એ એક સંવેદનશીલ પ્રાજ્ઞ પુરુષ હતા.
પહેલી અને મુખ્ય ઓળખ ‘કવિ’ લેખેની. ‘વિશ્વશાંતિ’ (1931)થી ‘સપ્તપદી’ (1981) સુધીનો એમનો કાવ્યપ્રવાહ ‘સમગ્ર કવિતા’ (1981)માં સંચિત થયો એમાં અનેક વિષયે-રૂપે-પ્રકારે એમનું કાવ્યોર્મિ-સંવેદન ને નાટ્યોર્મિ-સંવેદન સ્મરણીય ને વિચારણીય બન્યું છે. છ દાયકાની એમની કાવ્યયાત્રા નિજી તેજસ્વી મુદ્રા જાળવીને બદલાતા સાહિત્યસંદર્ભોમાં પણ પ્રસ્તુત રહી છે.
‘સાપના ભારા’ (1936) આદિ એેકાંકીઓમાં, ‘શ્રાવણી મેળો’ (1937) આદિ ટૂંકી વાર્તાઓમાં, ‘ગોષ્ઠિ’ (1951) આદિ નિબંધોમાં ને ચરિત્રોમાં એમની સર્જકતાના વિશેષો, ક્યાંક ક્યાંક તો એમના કવિત્વની પણ સ્પર્ધા કરે એવી ઊર્જા અને સજ્જતાથી પ્રગટતા રહ્યા.
એમનું વિવેચન બૌદ્ધિક દ્યુતિવાળું ઉપરાંત સર્જન-સમભાવી, માર્મિક તેમજ મર્મગ્રાહી — ‘સમસંવેદન’ (1948)થી ‘કવિની શ્રદ્ધા’ (1972) સુધીનું એનું ફલક. સર્જનશીલ ભાવક, રસદર્શી વિવેચક અને સન્નદ્ધ સંશોધક ત્રણેની સક્રિયતાવાળું ‘અખો એક અધ્યયન’ (1941) એમનું એક ઉત્તમ દાખલારૂપ સંશોધન છે. ‘શાકુન્તલ’ (1955) આદિ અનુવાદો (એમાંના સર્વાશ્લેષી પ્રસ્તાવના-લેખો સમેત) એક વિદગ્ધ સમસંવેદકના અનુવાદો છે. એમણે કરેલાં અનેક સંપાદનો પણ જેટલાં કર્તવ્યનિષ્ઠાવાળાં એટલાં જ વિદ્યાનિષ્ઠાવાળાં પણ છે.
‘સંસ્કૃતિ’ (1947થી 1984)ના સંપાદક તરીકે ઉમાશંકરે મુખ્યત્વે પોતાના સમયમાં પ્રવર્તતા સાહિત્યપ્રવાહો — સર્જન, વિવેચન, અનુવાદોની સમૃદ્ધિ — ઉપરાંત અનેક ક્ષેત્રોનાં પ્રબુદ્ધજનોના વિચારપ્રવાહોને પણ અંકિત કરી આપ્યા અને એ રીતે એના ‘સંસ્કૃતિ’ નામને અન્વર્થક કર્યું. વિશ્વકવિતાના અનુવાદો-આસ્વાદોને પણ સમાવતા બહુમૂલ્ય વિશેષાંકો આપ્યા. સંપાદક તરીકે ‘સમય સાથેના ગાઢ અનુસંધાનપૂર્વક’ જે લખવાનું થયું એના ‘ઉઘાડી બારી’ સમેત ત્રણ ગ્રંથો કર્યા.
ગુજરાતીના અધ્યાપક તરીકે, ગુજરાત યુનિવસિર્ટીના ને પછી ‘વિશ્વભારતી’ના કુલપતિ તરીકે, ‘સાહિત્ય અકાદમી’ના પ્રમુખ તરીકે, રાજ્યસભામાં (ભારતીય લેખક તરીકે) નિયુક્ત સભ્ય તરીકે ઉમાશંકર પ્રતિષ્ઠિત થયા એટલા જ કાર્યશીલ રહ્યા, ને ખરા અર્થમાં ‘હું ગુર્જર ભારતવાસી’ એ એમનો કાવ્યોદ્ગાર ચરિતાર્થ થયો. વિશ્વભરનો પ્રવાસ કરીને સંવેદનજગતની ને વિચારજગતની ક્ષિતિજોને વિસ્તારી, એ એમનાં પ્રવાસપુસ્તકોમાં પણ પ્રતિબિંબિત થયું. ‘વ્યક્તિ મટીને બનું વિશ્વમાનવી’ એ એમનો કાવ્યસંકલ્પ જાણે એમની વ્યક્તિમત્તાની ઓળખ પણ બની રહ્યો.
અનેક પ્રતિષ્ઠિત પારિતોષિકો ઉપરાંત એમને મળેલું યશસ્વી જ્ઞાનપીઠ પારિતોષિક ગુજરાતી ભાષાનું ગૌરવ બન્યું.
આવી ઊંચાઈઓને આંબનાર આ કવિએ તો પ્રસન્નતાથી એમ જ ગાયું છે કે ‘નામ મારું ભાષામાં ઓગળી ગયું છે’
— રમણ સોની