ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/ગીત ગોત્યું ગોત્યું

From Ekatra Foundation
Jump to navigation Jump to search

ગીત ગોત્યું ગોત્યું

અમે સૂતા ઝરણાને જગાડ્યું,
ઉછીનું ગીત માગ્યું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે વન વનનાં પારણાંની દોરે,
શોધ્યું ફૂલોની ફોરે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું વસંતની પાંખે,
ને વીજળીની આંખે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે શોધ્યું સાગરની છોળે,
વાદળને હિંડોળે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ગોત્યું કંઈ સેંથીની વાટે,
લોચનને ઘાટે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે ખોળ્યું શૈશવને ગાલે,
કે નેહ-નમી ચાલે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોયું જ્યાં સ્વર્ગંગા ઘૂમે,
ને તારલાની લૂમે,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

અમે જોઈ વળ્યાં દિશ દિશની બારી,
વિરાટની અટારી,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ઉરે આંસુ પછવાડે હીંચંતું,
ને સપનાં સીંચંતું,
કે ગીત અમે ગોત્યું ગોત્યું ને ક્યાંય ના જડ્યું.

ડિસેમ્બર ૧૯૩૪
(સમગ્ર કવિતા, બીજી આ., ૧૯૯૮, પૃ. ૧૩૬)