ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ/માનવીનું હૈયું
Jump to navigation
Jump to search
માનવીનું હૈયું
માનવીના હૈયાને નંદવામાં વાર શી?
અધબોલ્યા બોલડે,
થોડે અબોલડે,
પોચાશા હૈયાને પીંજવામાં વાર શી?
સ્મિતની જ્યાં વીજળી,
જરીશી કરી વળી,
એના એ હૈયાને રંજવામાં વાર શી?
એવા તે હૈયાને નંદવામાં વાર શી?
માનવીના હૈયાને રંજવામાં વાર શી?
એના એ હૈયાને નંદવામાં વાર શી?