ગુજરાતી ગઝલસંપદા/મધુકર રાંદેરિયા

From Ekatra Wiki
Jump to navigation Jump to search


મધુકર રાંદેરિયા

લાગે છે અવાચક થૈ ગઈ છે કલબલતી કાબર બ્હાર બધે,
ન્હૈં તો અહીં એકી સાથે આ શાયરના અવાજો શા માટે?

આકાશી વાદળને નામે આ વાત તમોને કહી દઉં છું,
કાં વરસી લો, કાં વિખરાઓ, આ અમથાં ગાજો શા માટે?

મારો તો ઇરાદો છે ખાલી કવિતામાં કામણ પૂરવાનો,
ત્યાં રૂપની આડે ઘૂંઘટના બેઢંગ રિવાજો શા માટે?

આ જલતી શમાને ઠારો ના આ પરવાનાને વારો ના,
એ પ્રેમની પાગલ દુનિયામાં વહેવારુ ઇલાજો શા માટે?

કોઈ કહેશો કે મયખાનાની શી હાલત છે સાચેસાચી,
‘પી’ ‘પી’ કહીનારા બોલે છે આ ‘પાજો’ ‘પાજો’ શા માટે?

દફનાઈ જવા દો ગૌરવથી એ જ્યાં જનમે છે ત્યાં ને ત્યાં,
આંસુ ને નિસાસાની કાંધે મહોબતનો જનાજો શા માટે?

નમન નમનમાં હોય છે કૈં વધતો ઓછો ફેર નકી,
ન્હૈં તો આ નમેલી નજરે અમને આપ નવાજો શા માટે?

આ દિલને તમારે માટે તો બચપણથી અનામત રાખ્યું છે.
આ સ્હેજ ઉમરમાં આવ્યાં કે આ રોજ તકાજો શા માટે?

આ વાત નથી છાનીછપની ચર્ચાઈ છે જાહેરમાં સઘળે,
શરમાળ કુસુમને કહી દો કે—‘મધુકર’નો મલાજો શા માટે?