ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/અઝીઝ ટંકારવી/વાવાઝોડું

From Ekatra Wiki
Jump to navigation Jump to search
અઝીઝ ટંકારવી
Aziz Tankarvi 04.png

વાવાઝોડું

અઝીઝ ટંકારવી

થોડીવારમાં તો શાંતાને ત્યાં જઈ આવેલી સર્વ સ્ત્રીઓમાં અંદરોઅંદર ધારણાઓ શરૂ થઈ ગઈ.

‘અલી, તને એમ લાગે છે કે આ ગીતા એની જાતે ચાલી આવી હશે?’

‘હું તો નથી માનતી, આ તો ચોખ્ખું કહેતાં શરમ આવે છે એટલે એમ કહે છે કે, જાતે જ ચાલી આવી.’ સુમતિએ કહ્યું.

‘હું પણ એમ જ માનું છું. નક્કી કાઢી મૂકી લાગે છે. બાકી સામે ચાલીને તે વળી સાહેબી ભોગવવાનું કોઈ છોડી દેતું હોય?’ કૈલાસે કહ્યું.

‘કેમ કાઢી મૂકી હશે? આ લગન વખતે તે કે’તા કે ગીતા સહુને ખૂબ ગમી ગઈ છે. ને હવે છ-સાત મહિનામાં જ…!’

‘એવું થોડું જછે કે ગમે એને સદા બધા રાખી જ મૂકે! નક્કી કંઈ વહેમ બહેમ…’

‘ના… હોં… ગીતા કંઈ એવી નો’તી.’ કૈલાસે કહ્યું.

‘તારી વાત સાચી છે કેએ અહીં એવી ન હતી. પણ આ તો મુંબઈ નગરી કહેવાય! ને તેમાં ય વળી ધનવાન ઘર મળ્યું. પછી બાઈસાહેબનું પૂછવું જ શું?’

‘પણ એ આમ તદ્દન સુકાઈ કેમ ગઈ હશે?’

‘એ તો મોટા ઘરની મોટી વાત. કામકાજમાંથી ઊંચી જ નહીં આવતી હોય કે પછી…’

‘અરે, ત્યાં શે’રમાં આપણા જેવું થોડું હોય! ત્યાં તો નોકર-ચાકરથી કામ લેવાતું હોય, ને તેમાં ય આ તો પૈસાદાર લોકો… જેમને ઘરની તો ટેક્સી!’

આમ ફળિયાનો સ્ત્રીવર્ગ પોતપોતાની રીતે ગીતાના ચાલ્યા આવ્યા વિશે ચર્ચા કરી રહ્યો હતો ત્યારે બીજી તરફ ગીતાનાં માતા-પિતાનો જીવ ગભરાતો હતો, અકળામણ અનુભવતો હતો. એનીમાતા શાંતાએ પટાવીને ય ખૂબ પૂછપરછ કરી કે તને કોઈ લડ્યું? કાઢી મૂકી? શું બન્યું? પણ આ બધાના જવાબમાં ગીતા ફક્ત એટલું જ કહેતી કે; ‘હું મારી જાતે જ ચાલી આવી છું’ ને પછી ડૂસકે ડૂસકે રોઈ પડતી.

ગીતાનું રુદન જોઈ એના પિતા શાંતાને કહેતા! ‘તું હવે માથાકૂટ કરવાનીમેલી દે. મેં તો તને પહેલેથી જ કહ્યું હતું ને કે આપણી બાજુના ગામવાળા ભલે રહ્યા પણ વર્ષોથી શે’રમાં રહ્યા એટલે એમને સમાજ જેવું કશું નહીં. વળી આપણા જેવા ગરીબને મોટા લોકોનો સંબંધ ન પોસાય! પણ મારું ન માન્યું ને આમ ઉપાધિ વહોરી લીધી, જોતી નથી છ-સાત મહિનામાં છોકરીના કેવા હાલ થઈ ગયા છે!’

આમ ને આમ બે-ત્રણ દિવસ વહી ગયા.

ગીતાનું પીળું પડી ગયેલું શરીર જોઈ ઘરના દરેકના મનમાં એક જ પ્રશ્ન ઘોળાતો હતો. નક્કી કોઈ મોટું કારણ હોવું જોઈએ. નહીં તો એકીનજરે જ ગમે તેની આંખોને ગમી જાય તેવી હસતી-કૂદતી આ છોકરી, આટલા ટૂંકા ગાળામાં છેક આવી ન થઈ જાય! કેટલીક લાગણીશીલ સ્ત્રીઓએ તો કહ્યું પણ ખરુંઃ ‘શાંતાબહેન કંઈ વળગણ બળગણ હશે. જલદી એનો ઇલાજ કરાવી જુઓ.’

પણ અમૃતલાલ આવી વાતોને નકારી કાઢતા.

આખરે શાંતાએ તથા અમૃતલાલે મળી, રસ્તો ખોળી કાઢ્યો. ભરૂચથી ગીતાની ખાસ બહેનપણી અનસૂયાને કાગળ લખી તેડાવી.

‘ગીતા આ બધું શું છે? કેમ આવતી રહી?’ અનસૂયાએ પૂછ્યું.

‘કેમ ન આવું? આ મારો મા-બાપનું ઘર નથી?’

‘તેની કોણ ના પાડે છે. પણ તું બધાંની રજા લીધા વગર જચાલી આવી છે ને?’

‘હા.’

‘સુનીલની પણ રજા નથી લીધી?’

‘ના.’

‘એક વહુ થઈને આમ કોઈની પણરજા લીધા વગર કે કહ્યા વગર તું આવતી રહી, એનું પરિણામ શું આવે તે તું જાણે છે?’

‘જાણું છું.’

‘છતાંયતું આવતી રહી? તને શું થયું છે શું? શું તારા પતિ કોઈ બીજી છોકરી સાથે…’

‘ના, તેઓ તો મારા પર ખૂબ હેત રાખતા હતા.’

‘તો પછી સાસુ-સસરા નણંદ…!’

‘એ બધાં પણ ચાહતાં તો હતાં. છતાંય…’

‘અરે વાહ! તારા જેવીછોકરી તો મેં કોઈ નથી જોઈ કે જેને બધાં દિલથી ચાહતાં હોય તેમના દિલને ઠોકર મારીને આમ કહ્યા વગર જ આવતી રહે, તારી અહીં આવવાની ઇચ્છા જ હતી તો શું તેઓને પૂછ્યું હોતતો રજા ન આપત?’ પછી થોડીવાર અટકીને અનસૂયા પોતાની મજાકની ભાષાથી મૂળ વાત પર આવી.

‘તો હંઅ… બહેનબા બધાં ચાહે છે. પછી કેમ ઘેરથી રિસાઈને ચાલ્યાં આવ્યાં? તને ખબર છે. તારાં લગ્ન થયાં ત્યારે ગામ આખાના લોકોએ મોઢામાં આંગળાં મૂકી દીધાં હતાં, કે ક્યાં આ ગરીબ ઘર ને ક્યાં મુંબઈના એ પૈસાદાર લોકો.’

આ વખતે જવાબ આપવાને બદલે ગીતાએ અનસૂયાના ખોળામાં માથું ઢાળી દીધું, ને છૂટે મોઢે રડી પડી.

અનસૂયાએ આશ્વાસન આપતાં કહ્યું. ‘ચાલ રડ નહીં. જે હોય તે ખુલ્લા મને મારી આગળ કહી દે. હું બધાંને સમજાવી લઈશ બસ!’ ને એના અશ્રુઓ લૂછી એને પાણી પાયું.

પાણીના બે-ત્રણ ઘૂંટ લઈ ગીતાએ કહ્યું, ‘બહેન, તારી વાત સાચી છે કે મારે કહ્યા વગર ન આવવું જોઈએ પણ હું… નોકર, પૈસા સર્વ સુખ હોવા છતાં… ત્યાં નહીં રહી શકું.’

‘કંઈ કારણ?’ અનસૂયાએ આતુરતાથી પૂછ્યું.

‘કારણ એ જ કે, ગરીબ ઘરમાં ઊછરેલી છું… મોટા ઘરની રીતરસમમાં ભળી શકતી નથી.’

‘બસ આટલું જ કારણ? આટલા કારણમાં શરીર આમ સુકાઈ ન જાય!’

‘આ કંઈ નાનુંસૂનું કારણ નથી. તને શું ખબર પડે કે, મોઢેથી દર્શાવેલા તિરસ્કાર કરતાં, મૂક રીતે વ્યક્ત થતો તિરસ્કાર મારા જેવો નાજુક સ્વભાવ ધરાવનારીને કેટલો કપરો થઈ પડે છે.’

‘શું થયું છે તે તો કહે? આમ ગોળગોળ વાતોમાં મને સમજ પડતી નથી.’

‘વાત એમ બની કે એકવાર જમવાનું પકાવનાર નોકર ન આવ્યો. એટલેમેં જ બધું રાંધ્યું. તું તો જાણે છે કે મોટાં ઘરોમાં ઊભા રસોડે જ કામ કરવાનું હોય છે. ને જમવાનું પણ ડાઇનિંગ ટેબલ પર જ હોય.’

‘તો તે દિવસે પીરસવાનું પણ મારા શિરે જ હતું. બધાં ડાઇનિંગ ટેબલ પર ગોઠવાયાં. તપેલીમાંનો શીરો મોટી પ્લેટમાં કાઢતાં ભૂલમાં સાણસીથી તપેલી પકડી, હું નીચે બેસી ગઈ, બસ થઈ રહ્યું! સર્વ મારી આ રીતભાત જોઈ, એવું વ્યંગમય હસ્યાં કે હું છોભીલી પડી ગઈ. અનેક વાર આવા નાનામોટા અનુભવો થયા હોવાથી, મને સમજતાં વાર ન લાગી. ને હું ઊભી થઈ ગઈ. બધાંને પીરસવા માંડી.

‘પીરસતાં પીરસતાં મને છીંક આવી એટલે ટેબલ પર શાક મૂકી, ઝડપથી મારો હાથ નાક પર પહોંચી ગયો. ને પછી ચમચા વડે ફરી પીરસવા માંડી. બસ આટલી નાનકડી જ ભૂલ! સર્વ તૈયારજમણ પરથી ખાધા વગર જ ઊઠી ગયાં.’

‘તને ખબર છે તેરાત મારી કેવી વીતી હતી તે? આમ જોવા જઈએ તો કોઈમને એક શબ્દ પણ બોલ્યું નથી. એ વખતે પણ નહીં નેએ આગળની નાની નાની ભૂલે વખતે પણ નહીં. પરંતુ એ મૌન જ મારી વેદનાને વધારવા માટે બસ થઈ પડ્યું. જો કોઈ મને બે કડવા શબ્દો કહી દેત તો મને ન લાગત એથી વધુ આઘાત મારા પરના આ મૂક તિરસ્કારને લઈ મને થયો, હવેતું જ કહે, સતત હિજરાયા કરવાનું હોય ત્યાં ગમે તેવી સુખસાહ્યબી હોય તો ય શરીર સુકાય કે ન સુકાય? અપમાન સહિત આવા ઊંચા ઘરની વહુ તરીકે રહેવું સારું કે…’

એ આગળ બોલવા જતી હતી, પણ અનસૂયાએ જ તેના મોઢા પર હાથ દાબી દીધો ને સાંત્વન આપતાં કહ્યું, ‘તું નકામી આવી નાની બાબતોમાં હિજરાયા કરી! તારા પતિ તને કંઈ કહેતા હતા?’

‘ના, એ જ તો મારી પીડાને વધારવા બસ થઈ પડ્યું ને! તેઓ આવા બનાવો વખતે સદા તેમના પક્ષે જ રહ્યા અને છેલ્લા પ્રસંગ વખતે પણ… તેઓએ મારું ઊતરી ગયેલું મોઢું જોયું છતાંય… મને સાંત્વન ન આપ્યું. પછી બીજાઓની તો વાત જ શું કરવી?’

‘સારું, બધું થઈ રહેશે. તું મન પર સહેજ પણ બોજ રાખ્યા સિવાય નિરાંતે રહે, જોયું જશે.’

ને ચા પીને બંને છૂટાં પડ્યાં. જતી વખતે અનસૂયાએ શાંતાબહેનને વિગતે વાત કરી. ને કહ્યું, ‘પ્રાર્થના કરજો બધું ઠીક થઈ જશે.’

ગીતાના ચાલ્યા જવાના સમાચાર, એની લખેલી નાનકડી ચિઠ્ઠીથી બધાં સ્તબ્ધ થઈ ગયાં. સુનિલના પિતાએ કહ્યું, ‘આપણી વહુ થઈને એ આટલો મિજાજ રાખે એ કેમ ચાલે? ભૂલ કરવી ને ઉપરથી…! મેં તો મારા દોસ્ત ત્રિકમલાલને તે વખતે જ કહ્યું’તું કે ત્રિકમલાલ એ ભલે એસ.એસ.સી. સુધી ભણેલી છોકરી હોય, પણ આ ઘરની રીતરસમમાં એ ગામડાની છોકરીને શું ગતાગમ પડવાની! તોય તેઓએ જ જીદ કરીને મને સમજાવેલું કે છોકરી હોશિયાર ને દેખાવડી છે. વળી ડાહ્યી પણ છે. રીતરસમ તો ધીમે ધીમે શીખી જશે. — પણ આખરે મારી વાત સાચી પડી.’

આમ સર્વ પોતપોતાનો મત દર્શાવતાં હતાં.

સુનિલને પણ વેપાર અંગે બહાર ટૂર પર જવાનું હતું તે રોકાઈને ફેંસલો જ કરી નાંખવા માંગતો હતો. પણ એની માતાએ કહ્યું કે ‘તારા આવ્યા પછી પતાવીશું’ એટલે વાત અટકી પડી.

પોરબંદર ઊતરતાં જ સુનિલને ખબર પડી કે પશ્ચિમ તરફથી ભારે વાવાઝોડું થોડા કલાકોમાં જ ફૂંકવાનું છે જેથી એણે શહેરમાં જવાનું પડતું મૂકી, સ્ટેશન પાસેની એક હોટેલમાં જ રૂમ રિઝર્વ કરાવી લીધો.

તે હોટલમાં જજમીને હજી તો આડે પડખે થાય છે ત્યાં જ પવન ફૂંકાયો શરૂ થયો. મુસીબતમાંથી ઊગરી જવા પ્રાર્થના કરવા લાગ્યો. રૂમની એક એક બારી બરાબર બંધ કરેલી હોવા છતાં પણ બંદૂકની ગોળી વછૂટે તેમ સન્‌ન્‌ન્ કરતો પવન રૂમમાં બેઠાં બેઠાં પણ સુનિલને સંભળાતો હતો.

ઘડીકમાં કોઈ મકાન કડ્‌ડ્ભૂસ્મ્… થવાનો તો ઘડીકમાં કોઈની કારમી કિકિયારીઓનો અવાજ કાળજાનો કંપાવી દેતો હતો. જેમ તેમ કરી ઊંઘ-જાગમાં એણે રાત પસાર કરી. સવારમાં ઝડપથી ચાની વિધિ પતાવી એ શહેરમાં નીકળ્યો. ને પાયમાલી જોઈ એનું હૃદય દ્રવી ગયું.

ગઈકાલે સાંજે જ જોયેલાં રસ્તા પરનાં ઘટાદાર વૃશ્રો, ટેલિફોન-લાઇટના થાંભલા ને માણસોને પણ આ ભયંકર ઝંઝાવાતમાં સપડાયેલા જોઈ, એનું મન ‘હાસમશેઠનું શું થયું હશે?’ એ જાણવા ઉત્સુક બન્યું.

ને એ વેપાર માટે જેમની પાસે આવ્યો હતો એ હાસમશેઠના મહોલ્લામાં પહોંચ્યો. પણ આ શું?

હાસમશેઠ તેમની પત્ની, પુત્રીઓ, વહુઓ, પુત્રો તો એમના પડી ગયેલા મકાનની સામે રોકકળ કરતાં બેઠાં હતાં. થોડીવાર તો એ કોઈ બિહામણું સ્વપ્ન જોતો હોય એમ જ લાગ્યું.

એ તેમની પાસે પહોંચ્યો. એને જોઈને સર્વ જોરથી રડી પડ્યાં. એણે બધાંને સાંત્વન આપ્યું.

હાસમશેઠે રડી પડતાં કહ્યું; ‘સુનિલ, અમે તો બરબાદ થઈ ગયાં. અમારી બંને મિલો… મકાન… બધું જ…’

‘ચાચા, ભગવાનને મંજૂર. આપણે પામર ઇન્સાન તેની આગળ લાચાર છીએ. આમાં કોઈનું કંઈ ચાલી શકે એવું થોડું હતું.’

ને જેમતેમ સાંત્વન આપી ચા પીવા સમજાવ્યાં.

નજીકની હોટેલમાંથી ચા આવી ત્યાં જ એની સમક્ષ એક વરસ પહેલાં અહીં આવેલો ત્યારનું દૃશ્ય ખડું થયું. આ પડી ગયેલા મકાનને બીજે માળે કેવી મજાથી વચેટ પુત્રવધૂ ડાઇનિંગ ટેબલ પર સવારનો ચા-નાસ્તો આપી રહી હતી!

ક્યાં ડાઇનિંગ ટેબલ પર જ ચા-નાસ્તો લેતું આ કુટુંબ! ને ક્યાં… જમીન પર બેસીને… હોટલના બહારવાળાના ગંદા હાથથી ભરાતી ચા પીતું આ કુટુંબ! કુદરતની કેવી બલિહારી?

ને તેની સામે થોડા દિવસો પર બનેલો પોતાના ઘરનો પ્રસંગ ખડો થઈ ગયો, એ વિચાર આવતાં જ એના દિલનાં ગીતાને આઘાત પહોંચાડવા બદલ પસ્તાવો શરૂ થઈ ગયો. ને એનું આંતરમન કહેવા લાગ્યુંઃ સુનિલ જો! આ જ રીતે ગમે તેટલા ધનવાન માણસના જીવનમાં પણ કુદરત પલટો લાવી શકે છે. ધનના મદમાં માનવીએ અભિમાની ન બનવું જોઈએ. વિચાર તો કર, ગઈ કાલ સુધીના હાસમશેઠ આજે…?!

કુદરત ગમે તેને ઘડીના છઠ્ઠા ભાગમાં હતો ન હતો કરી શકે છે. તો તું…?! ગીતાની નાનકડી ભૂલ ખાતર જીવન બરબાદ કરવા તૈયાર થયો છે?

ને એની આંખમાં અશ્રુઓ ધસી આવ્યાં.

હાસમ શેઠને મદદ મોકલવાની ધરપત આપી એ સીધો ગીતાને ગામ જવા ઊપડી ગયો. એ પાછો ફર્યો ત્યારે રસ્તા પરથી ઝાડો ખસેડાઈ રહ્યાં હતાં, કાટમાળ વગેરે પણ વ્યવસ્થિત થઈ રહ્યું હતું. (‘લીલોછમ સ્પર્શ’માંથી)