ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/જિતેન્દ્ર પટેલ/ખાડ
જિતેન્દ્ર પટેલ
એ જ્યારે પણ, અઠવાડિયે પંદર દા’ડે નવરો થાતો ત્યારે પાવડો ને તગારું લઈને ખેતરના દખણાદા ખૂણા કોર નીકળી પડતો. માથું ફાડી નાખે એવી ગંધ મારતી એ ખાડ પાસે પહોંચતાંજ એને ઉબકા આવા માંડતા. ઘડીક તો થાતું મરને ગંધાતું પણ પૂર્યા વગર ક્યાં છૂટકો છે? એવું લાગતાં એ ધડાધડ ધૂળનાં તગારાં મઈ ઠાલવવા માંડતો, ખળાવાડે રાજની વહેંચણી થઈ ગયા પછી ભાગમાં આવેલા દાણાને ખેડૂત પોતાના ગાડામાં ભરવા માંડે એ ઝડપે.
કયા અકરમીને કમત્ય સૂઝી હશે તે આવી ઉપજાઉ જમીનમાં અગોચર કર્યું હશે? એ ઘણીવાર અકળાઈ જાતો. એક બે વાર તો એણે ઘરડી માને પણ પૂછેલું. મા કહેઃ ’એ કામ તારા બાપાના બાપનું, એમનો અભરખો તો હતો કૂવો ખોદવાનો પણ ખારાં પાણીનાં એંધાણ દેખાતાં માંડી વાળેલું. થ્યું. ખોદ્યો તો ખોદ્યો પણ મૂવાવને, કાંઠે ગાર પડ્યો’તો તોયે ક્યેં પૂરવાનું મૂરત નોં આવ્યું.’
થોડાક દી’થીએનું મન ઠેકાણે નથી રહેતું. ઘડીક થાય આ કામ કરું ને ઘડીક થાય ઓલ્યું. ક્યાંય મન ને ચોંટે એટલે બાપદાદાને ભાંડતો, એમણે વારસામાં આપેલી ખાડને પૂરવા મંડી પડતો.
કોણ જાણે એના ઉપર કેટલાં ચોમાસાં વયાં ગયાં હશે? ફરતે તો કંબોઈ ને કંકોડાની વાડે વીંટો લઈ લીધો હતો. અંદરેય બાવળનાં ઝરડાં સિવાય બીજું શું દેખાતું હતું? તળિયું તો એનું ક્યાં સુધી છે આજ દી’ લગી નથી કળી શકાયું. બે વરસ પહેલાં ખડની લાલચે કાંઠા સુધી પહોંચી ગયેલી ગાય અંદર પડી ગઈ હતી તે ચાર જણાએ માંડ બારી કાઢેલી.
’આજ તો ઢોર પડ્યું છે કાલ કો’ક છોકરું…’ ઘરડા બાપા મૂવા ત્યાં સુધી બાપને ખાઈ પૂરી કરી દેવાનું કહેતા રહ્યા હતા પણ બાપે કાને ધર્યું જ નહિ, જન્મારો આખો બાધવામાં જ કાઢ્યો.
બબ્બે વરસથી એ આવી રીતે મઉં તાતો હતો. તોયે હજી અડધુંય પૂરું કરી શક્યો નહોતો. એ ઘણીવાર હરકોઈ જાતોઃ પંડે એકલો આટલું કયા ભવે પૂરી શકશે?
તગારાનો ઘા કરતો એ હેઠો બેસી ગયો. હાંફ ચડ્યો હતો. ગઈ કાલની પેટમાં લાય ઊઠી છે. રઘલું સાલું કયા શકનનું કવેણ કાઢી ગયું તે ક્યાંય સખ ન પડે. એની માનું રઘલું કે’ કે ’જણમાં પાણી નહિ, નહિતર બાયું શું બોલી જાય?’ ને ઓલ્યું સનિયું તો ’એની મા ને વહુ બાઘે ને આ નમાલો બેઠો બેઠો રોવે. અરે સાવજની જેમ ત્રાડ નાખી હોય તો બેટના ઘાઘરા નો પલ્લી ગ્યા હોય?’ પારકીવાતું સૌને મીઠી લાગે છે. એકવાર ઘર તો માંડી જુવો, પછી જાઉં છું કે કેટલી વીહે સો થાય છે?
પાછો બેઠો થયો. મીઠી ખંજવાળ આવે ને ઝાલી રાખવા છતાં હાથ ગુમડા ઉપર વયો જાય, એમ જીવ વારે વારે ત્યાં જાતો રે’તો હતો… બેમાંથી એકેય ને સમજાવવાની ક્યાં મણા રાખી છે? નાના છોકરાની જેમ મનામણાં કર્યાં છે. ઠેઠ મામા પાંહે જઈ આવ્યો પણ માને તો એ મા શેની? ને ઓલીને તો એના બાપને બોલાવી લાવ્યો. બાપ ર્યો એટલા દી’ ડાહીડમરી, ગ્યો કે પછી… કૂતરાંની પૂછડી ભોંમાંથી બારી કાઢો કે વાંકી એ વાંકી?
દી’ આથમવા આવ્યો હતો. એણે જોયું તો હજી બે ઢગલીયે ખાલી નહોતી થઈ. ઉહેડી ઉહેડીને તગારાં ભરવા માંડ્યાં ને જોર કરીને મંઈ ઠાલવતો રહ્યો. લ્યો તમારી માને તમેય તે…આટ આટલું કરવા છતાં ગામેય મારો વાંક કાઢ્યો. ’બહુ ઢીલો, લઈ દઈને ઢીલો’ને હરામનું રઘલું તો ’આનાથી કાંઈ નો થાય, નહિતર બેયને અવળા હાથની એકેકી ચોડી નો દીધી હોય?’ કહેવું છે નવરીનાવને, એક વાર પડી તો જોવો?
મૂઈ મા. મરતીને નથી. કહી કહીનેય કેટલું કહેવું? અનેએ તો કીધા ભેગી મારો જ વાંક કાઢે. વાતવાતમાંઃ ’આના કરતાં પાણો જણ્યો હોત તો લોક માથે લૂગડાં ધોઈને દુવા તો દે…’
‘જણવો’તોને!’ ઘણીવાર કહેવાનું મન થઈ જાય. તોયે તે દી’ ન રહેવાયું તે કહી બેઠોઃ ‘માડી હવે હાઉં કર્ય. તારી આ લીલા સંકેલ તો સારી વાત છે.’
‘હાઉં કર્યું હોત તો આ દી’ જોવા નો પડ્યા હોત. કપાતર, તારા જનમ સારુ તો પાણા એટલા દેવ કર્યા’તા, પણ તયેં એવી નો’તી ખબર કે એક દાડો તું તારી રાંડનો થઈને મારા મોંઢામાં મૂતરીશ.’
લ્યો આને હવે શું કહેવું? તોય કહે છેઃ ‘તારા બાપના સાંભળતાં તારી ઘરડી માને તું નો’તું કહે’વાતું. તયેં તુંય ક્યાં નાનો મૂવો’તો? ને તારી રાંડ તો મને ગૂમાં નાખે ને મૂતરમાં કાઢે. તોય તું તાણી કાઢેલનો…’
‘નરકમાં તો તમે મને નાખ્યો છે.’ એનાથી બબડી જવાયું. જોવે તો પોતે પાવડાથી ધૂળ તગારાને બદલે હેઠે નાખે! બળ્યું મગજેય ભપતિયાની જેમ… પરમ દા’ડે પાવડો ઢેફાંને બદલે દે પગ ઉપર તે અંગૂઠો તો ફૂલીને દડા જેવો!
હાથ પાછો ગુમડા ઉપર વયો ગયો… ઓલી કૂતરીને તો કંઈ કીધું નો થાય. સીધી ઝાવું નાખવા દોડે. તે દા’ડે જીવ નો ર્યો એટલે વળી… ‘જો એ આપણાં બા કે’વાય, બાધ્યા-બોલ્યા વળી…’
‘શેની બા? નુગરી ધરાઈને ધાન નથી ખાવા દેતી.’
‘પણ તું આમ… તારી જીભને મોંમાં રાખીશ તો એ બચાડી…’
‘તેં અંતે મારો જ વાંક કાઢ્યો? હું જ ભૂંડી લાગી? જોજે તયેં એને પડખે ભરાવા.’
‘મારી મા જનેતા વિશે તું આવું બોલે?’ એનો હાથ હવામાં સનસનાટી બોલાવીને અટકી ગયો.
‘તમારા કરતાં તો વાઘરણુંય સારી કે’વાય એય કૂબા મઈ…’ ખારમાં આવીને એણે જોરથી પાવડો પછાડ્યો. ધૂળથી નાની એવી ડમરી ઊડી.
પડોશેય બચાડું કેટલું વેઠે? તોય એવડા એસારા કે’વાય. રાત હોય કે દી’ સાંભળે એટલે સૌ દોડાદોડ નોખા પાડવા આવી જાય. એક દી’ સો સૌ ભેગા થઈને આવ્યાઃ ‘બહુ થાય છે હોં! આ તમારી મા ને વહુ કાનેથી કીડા ખરે એવી ગાળ્યું બોલે, અમારે ઘરમાં જુવાન છોકરાં — મેમાન આવતું-જાતું હોય.’
‘આ ઘરમાં જ કૈંક નડતર છે.’ કો’ક લાગલું બોલી ઊઠ્યુંઃ ‘ત્રણ પેઢીતી મેં આય સાસુ-વહુને વેલણાં ઉલાળતી જોઈ છે.’
‘તો પછી નોખું કરી નાખો. એના જેવું એકેય રૂડું નહિ. નકામું બેમાંથી કો’ક…’
‘એ બેયને તો કંઈ નથી થવાનું. બચાડો આ છોરો જોને બળતરામાં ગળીને કેવો સાવ સાંઠીકડા જેવો થઈ ગયો છે.’
નોખું કરવું તો કેમનું કરવું?
‘ઘર મારું છે. આડી આવતી હોવ તો નીકળી જાવ બેય ટાણે ને અટાણે બારાં’ માને તો કીધા ભેગી વીફરી ને ઓલી રાંડ તોઃ ‘ખોરડું મારું નથી તો ડોશી ક્યાં એના બાપને ત્યાંથી લાવી છે? એય પારકા ઘરેથી આવી છે.’
ધૂળ પડી આ જીવતરમાં! ક્યાંય એની માને… અરે, ઓલ્યા અહલેલ કૂતરાનેય ક્યાંક ટાઢળ મળતી હશે. દાઝમાં ને દાઝમાં જોરકરીને તગારું ઠાલવવા ગ્યો તે ધૂળ ભેગું તગારુંય…
વજશી ફુવાએ તો બચાડે બાપને કીધું’તું કે તમે બેઉં તો જીવતર આખું ગંધાતા ર્યાં. હવેઆ છોરાને? એના કરતાં બે વરહ મોડો જોતરો… પણ માને હરખપદુડીને પાદ ના’તુંમાતું તે મારી વહુ, જ્યાં જ્યાં જાય ત્યાં મારી વહુ… લે ઘેલહાઘરી, તયેં તુંય હવે કાઢી લે કાંદા.’
વાંકો વળીને એ તગારું કાઢવા ખાડ કોર નમ્યો પણ ત્યાં તો આગળનો પગ… સારું થયું કે લહરીને માંઈ પડે તે પહેલાં કંબોઈનું થડ એના હાથમાં આવી ગયું ‘કોઈ કાઢો’ એનાથી જોરથી રાડ પડાઈ ગઈ પણ વગડામાં કોણ સાંભળે? અંતે એની મેળે જ… ‘નથી પૂરવું, મરને ગંધાતું હોય.’ દોડીને એ ઢગલા ઉપર ચડી ગયો. શ્વાસ ભરાઈ ગયો હતો.
સરગમાંય સારું નો થાજો છેલકાકા તમારું! એનાથી નિસાસો નંખાઈ ગયો… હજુ તો મરનારીની વરસી નો’તી વળી ત્યાં છેલકાકો કાળમુખો ક્યાંથી આવ્યો તે કે’, ‘જીવાપરમાં હમણાં જ એક છોડી…’ ‘બે હાથ જોડું છું કાકા. માંડ આમાંથી બા’રો નીકળ્યો છું.’ એ રોવું રોવું થઈ ગયો હતો. તોય અભાગિયે કાકે ધક્કો દઈને પાછો…
તે દી’ તો એ પીરસેલે ભાણેથી ઊભો થઈ ગયો હતો. ‘હાલો છેલકાકા ભેગા, ગળામાં ગાળિયો પોરવી દીધો છે તે.’
‘ક્યાં?’ છેલકાકા વધુ કાંઈ પૂછે એ પહેલાં તો એમને મોટરસાઇકલ વાંહે બેસાડી દીધા. જીવાપર જઈને સસરા પાસે શાકભાજીની યાદી વાંચતો હોય એમ એકધારો બોલી ગયેલોઃ ‘જોવો તમારી છોકરી, આમ જીભે ચડાવીને નો મોકલાય. મારી માતો એને દેખી નો થાય. છોકરાને તો કયેં અડવા જ નો દયે. એ રોવે કે સીધો મારી માનો વાંક, ગાય દોવા ના દયે તો મારી માની નજર લાગે. શું મારી મા ડાકણ છે?’
‘સાંભળો જીવણલાલ,સસરો હરામનો કેવું બોલેલોઃ તમારી બાએ હવે સભાવ સુધારવો જોઈ. અગાઉ તમારી પેલી ઘરવાળીએ ગળે ફાંહો…’
‘એને તો છોકરાં નો’તાં થાતાં એટલે… એ વચ્ચે બોલી પડ્યો હતોઃ તમે એનું જરાય આડું લાવો મા, તમારી છોકરી કેમ પાછી આવી’તી એની વાત કરોને!’
‘ભૈ અમારી છોકરી તો એક નહિ; ત્રણ ઘર ભટકીને આવી છે. તારી ગરજ હતી તે…’
‘એના કરતાં જીવણલાલ ત્યાં તો ચિબાવલી સાસુ વચ્ચે ટપકી પડીઃ તમારા ઘરમાં ઘાસલેટનો કૂપો તો હશેને? છાંટી દેજો એના ઉપર કોઈને ખબર તો પડે એમ ને પછી અમારા ઉપર મેલો લખી નાખજો. અમે નાઈ નાખશું એના નામનું. બાકી વાતવાતમાં આંય દોડી આવીને અમને ધજાગરે ચડાવશો મા.’
જેવી બેટી એવાં નપાવટ માવતર; નહિતર જાતવાળાં હોય તો બે વેળ કે’ય ખરાં. દાંત કચકચાવતાં એણે ઉપર જોયું. દી’ આથમવા આવ્યો હતો તોય એ ત્યાંનો ત્યાં બેઠો રહ્યો. સહેજે ઊઠવાની ઇચ્છા ન થઈ. નજર વારંવાર ભેંકાર દેખાતી ખાડ તરફ જતી રહેતી હતી… નથી જાવું ઘરે મરને લમણાં લેતી હોય બેય. એકેય સાંજ એવી નહીં નીકળી હોય; રાંડ્યું ઝાલર ટાણે તો…
ત્યાં વળી કૈંક યાદ આવ્યું ને ઊભો થયો. પાછો બેસી ગયો. પણ પાપી પેટે ઠરીને ઠામ ન થવા દીધો. ‘નહિ જાઉં તો થોડું કોઈ ભાળ કાઢવા આવશે? રાત રોકાવાના હશે એમ જાણી કોઈ ભાત લઈને આવનારુંય ખરું?’ બબડતાં એણે બળદને ગાડે જોતર્યા.
રસ્તેય ક્યાંય સખ ન પડે. આટલો તો તે દાડે દરબારે મુદતે બોલાવ્યો હતો તયેં ય ઉચાટ નહોતો. શેરીના નાકા પાસે પહોંચ્યો ત્યાં જ વધામણી મળી ગઈઃ ‘જીવાકાકા, તમારી બા ને સાકુકાકી…’
એનો જીવ તાળવે વયો ગયો. ઉતાવળે ઘરે આવ્યો. જોવે તો ક્યાંય માસો માય નહિ. મા લમણે હાથ દઈને ઓસરીના પગથિયે બેઠી હતી. ઘોડિયામાં છોકરો ઊંવા ઊંવા રોતો હતો. વહુને તો જાણે કોઈની હાજરી વરતાતી જ ન હોય એમ ટાઢા કોઠે ગાય દોવે. એને થયું, પાછો વયો જાઉં પણ ત્યાં તો મણીબા બોલી ઊઠ્યાંઃ ‘લ્યો આ આયો જીવણ.’
‘ભૈ તમારી મા ને વહુથી તો આડો આંક. આ છોરો ક્યારનો રોવેછે. ઠેઠ ઓલ્યા ઝાંપેથી લોક સાંભળીને દોડી આવ્યા પણ આ બેયને છે કંઈ? સામુંય જોવે છે!’
‘તમે બધી મારો જીવ લેવા કેમ આવી છો? બહુ દાઝતું હોય તો છોરાને લઈ જાવ તમારી ઘરે.’ વહુએ કહેનારી સામે દાંતિયાં કરવા માંડ્યાં પછી મોઢું ફેરવીને કહેઃ ‘રાખે છાનો જેણે રોવડાવ્યો હોય એ; રાંડ બે ઘડીયે નિરાંતે સૂવા નથી દેતી.’
‘તેં જણ્યો છે તે તું છનો રાખ. નગરી મારી વાંહે કેમ પડી ગઈ છો?’ ડોસી હવે ફળિયા વચ્ચે આવી ગઈ.
‘મેં જણ્યો છે તેતું નકટી શું કામ એને રમાડવા દોડી આવશ?’
‘હવે જો તારા જગ્ધાને અડું તો મારો બાપ બીજો. હું મૂરખી એ કેમ ભૂલી જાઉં કે મારું પેટ જ્યાં મારું નો થ્યું હોય ત્યાં પેટનું પેટ મારું ક્યાંથી થવાનું?’
‘આવું તો તું હજારવાર બોલી ને તોય બીજી જ ઘડીએ કૂતરાની જેમ પૂંછડી પટપટાવતી દોડી આવશ.’ વહુ હવે બોઘણુ મૂકીને હાથ લાંબા કરતી સાસુ સામે આવી ગઈ.
‘નશરમીયું કૈંક લાજો, આ તમારો બાપ ક્યારનો રોવે છે. બેમાંથી એકેયના પેટનું પાણીયે હલે છે? બાઈ જણ વગરના ઘરમાં…’
‘ઉઠાવો છો કે નહિ? નહિતર આંય ને આંય રેંશી નાખું છું.’ મણીબાના છેલ્લા વેણે એ ઊકળ્યો.
સૌ ફફડ્યાંઃ ‘જીવણમાં હવે જોમ આવ્યું. નક્કી આજ વહુ કે મા…’
‘ઉઠાવો છો કે નહિ?’ એણે પાછી રાડ પાડી. એ સાથે જ ગાડામાંથી આડું કાઢીને રમરમાવતું ઘોડિયા તરફ ફેંક્યું. ખોપાયમાંથી સંભળાતો ઝીણો અવાજ ચિત્કારમાં ફેરવાઈ ગયો. જોનારાં ધ્રૂજી ઊઠ્યાં.
‘મર્ય નમાલા તું દીવાની દાઝે કોડિયા ઉપર ભડ થ્યો?’ ઘોડિયા તરફ દોડતાં મણિબાએ એને હલબલાવી નાખ્યો. એમના એ વેણે એને એકાએક યાદ આવી ગયુંઃ તે દા’ડે પોતાને હાથ પાણી લઈ દેવડાવવા માટે મા ને ઘરડી મા આવી રીતે જ બાખડી પડેલાં. બાપ ખારમાં આવીને પોતાને કુહાડો લઈને મારવા ફરી વળેલો પણ છેલકાકાને આડો એરુ ન ઊતર્યો તે…
એ જડવત્ ઊભો રહ્યો. જાણે લાંબો હાશકારો ન અનુભવતો હોય! ‘ભલેને લોકોને જે કે’વું હોય એ કે;’ હું તો જીવતર આખું ખદબદતો યોં, પણ મારા છોકરાને તો…’
‘રો’ રો’ ખોયામાંથી લોહીનાં ટીપાં પડવા માંડ્યાં. ત્યાં આ રાંડુને તો…’ મણીબાએ છોકરાને ખોયામાંથી તેડી લીધો. ‘હાશ, રામ બહુ વાગ્યું નથી. કપાળે અમથી ફૂટ્ય જ થૈ સે… સારું થ્યું કે આડું પાયા હાર્યે અથડાઈને…’
‘લાવ જોઈ એલી ચાની ભૂકી દાબી આપું.’ એ બાઘાની જેમ પડોશણે તેડેલા પોતાના છોકરાને જોઈ રહ્યો.
‘શું મારો છોકરોય મારી જેમ જ!’ એનાથી હૈયાફાટ પોક મુકાઈ ગઈ. (‘પરબ’ જુલાઈ ’૯૮ માંથી)