ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/ભાય

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ભાય

કિરીટ દૂધાત




ભાય • કિરીટ દૂધાત • ઑડિયો પઠન: દર્શના જોશી


પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ.. ગાડી આવી ગઈ. મેં ભોળાને કહ્યું; ચાલ ત્યારે ભોળા, ગાડી આવી ગઈ. ભોળો ગંભીર મોઢું કરી મને સમજાવતો હતો; તું હમજ્ય કાળુ, તું હમજ્ય, આટલો હુશિયાર થઈને નો હમજે તો પછી થઈર્યું ને – એની વાત અડધેથી કપાઈ ગઈ. એકદમ દુઃખી મોઢું કરીને બોલ્યો; ઠીક તંઈ ભાઈબંધ, બીજું શું!

ગાડી સ્ટેશનમાંથી બહાર નીકળી પછી મેં વિચાર્યું કે હજી ગાડી અમરેલીના સ્ટેશને પહોંચે એ પહેલાં ભોળો ગામમાં પહોંચી જવાનો પણ એ સીધો ઘેર નહીં જાય, સૌ પહેલાં ગ્રામપંચાયતઘરના ઉતારે જશે. જો વિનુ બાબર ગામમાં હશે અને એણે ઉતારાનો જાહેર રેડિયો ચાલુ કર્યો હશે તો ભોળો ઉતારાની પાળીએ પલાંઠી વાળી ભક્તિભાવે ભજન સાંભળશે અને પછી જ ઘેર જશે. ગામમાં હતો ત્યારે હું અને ભોળો સાંજે ઉતારાની પાળીએ બેસી રેડિયોમાં આવતાં ભજનો સાંભળતા. વચ્ચે વચ્ચે જબરો હો બાકી, એમ બોલતો જાય. હું અને ભોળો એક જ ધોરણમાં ભણતા, સાથે નિશાળે જતા. નિશાળે જવાના રસ્તે ભોળાની દુકાન વચ્ચે આવતી, હું ટહુકો કરતો; હાલ્ય ભોળા નિહાળ્યં. ભોળો સંચેથી ઊભો થઈ હાથમાં દફતર લઈ એના બાપુને કહેતોઃ હાલો તંઈ બાપુ, હું નિહાળ્યં થાતો આવું.

ગામમાં બધાંને મારી અને ભોળાની દોસ્તીની નવાઈ લાગતી. જેંતી તો કહેતો પણ ખરોઃ આ ટેભાની તે શું ભાઈબંધી! આખા ગામનું કાપડ ચોરે એવા તે કાંઈ આપણા દોસ્ત હોતા હશે! પણ ભોળો માણસ તરીકે સારો હતો એમાં ના નહીં. આમ જુઓ તો એ દુઃખી હતો. ત્રણેય ભાઈઓમાં ભોળો સૌથી નાનો હતો એનાં બા એને ઘોડિયામાં રમતો મૂકીને મરી ગયેલાં. ભોળાના બાપુજી ટપુબાપાએ બીજાં લગ્ન તો નહોતાં કર્યાં પણ એને ભોળા પર એક જાતની નફરત થઈ ગયેલી. કોઈ દી’ હાથમાં લઈને તેડ્યો નહોતો. સમજણો થયો ત્યાં જ ગાજબટન કરતો કરી દીધેલો.

એમાં જરાક ભૂલ થાય તો મારી મારીને ચામડી ઉતરડી નાખતા. ભોળાનો સ્વભાવ એવો કે આપણને એક બાજુથી સાલું હસવું આવે. ટપુબાપા પહેલી ધોલ મારે કે તરત રાડારાડી કરી મૂકતો, એ મૂકી દ્યો, જવા દ્યો બાપુ, હવેથી કોઈ દી કરું. આવી ભૂલ્ય નૈ સંચાનું પૈડું પહેલાં ધીમે ફરવાનું શરૂ કરે અને પછીથી ઝડપ પકડી લે તેમ ટપુબાપા પહેલા થોં-થપાટ કરતા હતા. ભોળાના કાલાવાલા સાંભળી ગડદાપાટુ કરવાનું શૂરાતન ચડી જતું. ભોળો સહન થાય ત્યાં સુધી સહન કરે, છેવટે રોતાં રોતાં બોલેઃ મારે મા નૈને અટલે મને મારો છો ને? આ સાંભળી જેમ સીવતાં સીવતાં સોય બટકી જાય અને અચાનક સંચો ઊભો રાખી દે તેમ ટપુબાપા ભોળાને મારવાનું બંધ કરી સંચા પાછળ, ખુરશી પર જઈને બેસી જતા અને ધોતિયું લઈ શકાય તેટલું ઊંચું લઈ ચહેરાનો પરસેવો લૂછતા ભોળા સામે દાઝથી તાકી રહેતા. આ ખાખી બાબત પતી જાય એટલે ભોળો ગમે તેવું અગત્યનું કપડું જેટલું સીવ્યું તેટલું અધૂરું મૂકીને મારી શોધ આદરે. હું મેડી પર કાથી ભરેલા પલંગ પર સૂતો સૂતો વાંચતો હોઉં ત્યાં ધીમેકથી ઈસ પર બેસી જાય. ધ્યાનભંગ થવાથી હું ચમકીને ભોળા સામે જાઉં એટલે એ ઊંધું ઘાલી જાય. આપણા પૂછવાની રાહ જોતો હોય તેમ જરાક પૂછીએ કે શું થયું ભોળા? એટલે તરત એ પોતાનું ખાસ વાક્ય બોલે, મારે મા નૈ ને અટલે. પછી ટપુબાપાએ એને કેવી રીતે માર્યો અને એમાં પોતાનો કોઈ વાંકગુનો નહોતો એ વાત એટલી લંબાણથી કરે કે આપણને કંટાળો આવી જાય. આપણે એને જેમજેમ આશ્વાસન આપતા જઈએ તેમતેમ એ વધારે દુઃખી થતો જાય. વળી થોડા થોડા અંતરે બોલ્યા કરેઃ મારે મા નૈં ને અટલે. એક વાત નક્કી કે ગામમાં ભોળાને મારા સિવાય કોઈ ઠરવા ઠેકાણું નહોતું. બીજાં ગણીએ તો એનાં ફઈ હતાં ખરાં પણ એ તો એના સાસરે હોય, બે-ત્રણ મહિને અમારા ગામમાં એક વાર એ પોતાના ખરજવાવાળા પગની દવા કરાવવા આવતાં, એકાદ અઠવાડિયું રોકાતાં. બસ એટલા દિવસ ભોળાને આરામ મળતો. ફઈને ખબર હતી કે ટપુબાપા ભોળાને ધોંગારે છે એટલે ઘણી વાર એ ઠપકો આપવા બેસતાં, એક તો મારી ભાભીનું મોટું ગામતરુ અને એમાંય તું આ નમાયા બચ્ચાને માર્યા કરે ઈ વાત તને શોભા થોડી દેય છે? અને એની ભાભીયુંની માઉંના સમ છે જો કોઈ દી’ ઊનો રોટલો મારા ભોળિયાના ભાણામાં નાખ્યો હોય તો! બિચારો માર ખાઈને જ ઊઝર્યો છે. આટલું બોલીને ફઈ ખરજવું ખંજવાળવા મંડતાં. આખી વાત ભૂલી જતાં. ટપુબાપા પણ ફઈ બોલવાનું શરૂ કરે એટલે હાથજીભ કાઢી ગયા હોય એવા ભાવથી બોલે; હવે નૈ મારું બસ, હવે નૈં મારું, તારી વાત સાવ સાચી કે તારી ભાભી હોત તો ઘણીય ફેર પડ્યો હોત. આ વાત સાંભળી ભોળો બધાં અગત્યનાં કામ પડતાં મૂકી, તાજો જ માર ખાધો હોય એવા મોઢે મારી પાસે આવતો અને આખી વાત ઝીણવટથી કરતો.

સમય જતાં ટપુબાપા સીવવાના કામમાંથી ફારગ થઈ ગયેલા. હવે તો ‘ભગવાનનું ભજન કરવું છે’ એમ બોલ્યા કરતા. એ રીતે ભોળાને મારવાના કામમાંથી પણ ફારગતી લઈ લીધેલી. ઘરનો બધો વ્યવહાર મોટા નટુભાઈએ સંભાળી લીધેલો. વસ્તેરા બાબુભાઈ અને ભોળો સિલાઈકામ કરતા. એટલે ક્યારેક જરૂર ઊભી થાય તો ભોળાને મારવાનું કામ ટપુબાપા નહીં પણ નટુભાઈ બજાવતા. નટુભાઈ ક્યાંક બહારગામ ગયા હોય તો એ ફરજ બાબુભાઈ બજાવી દેતા! ટપુબાપા ખૂણામાં ખુરશી નાખીને આ બધું સંતોષથી જોયા કરતા. એમની ફરજ એટલી કે દુકાનનું કોઈ કામ માણસની ગેરહાજરીને કારણે અટકી ન જવું જોઈએ. આથી ગામનું કોઈ કપડું સિલાઈ વગર અને ભોળો ધોલાઈ વગર બાકી ન રહેતાં.

આ તો દુઃખની વાત થઈ. ભોળો આનંદમાં હોય ત્યારે પણ કંટાળો લાવી દે. એની ટેવ એવી કે એ મનોમન રાજી થયા કરે. સારા સમાચાર હોય તો મોઢું ખોલ્યા વગર બેય હોઠ ભીડીને મલકાયા કરે. એક વાર હું એને એ રીતે રાજી થતાં જોઈ ગયેલો;

 – કેમ ભોળા એવું હસે છે?

 – કેવું? ભોળો બોલ્યો.

 – ઈશુ ખ્રિસ્ત જેવું. એ દિવસે અમારે ઇતિહાસમાં ઈશુ ખ્રિસ્તનો પાઠ ચાલેલો એટલે મેં એનું નામ દઈ દીધું. ઈશુનું નામ સાંભળીને ભોળો ગંભીર થઈ ગયો; એ તો બહુ મોટા માણસ કહેવાય.

ભોળાએ સાતમા ધોરણ પછી અભ્યાસ મૂકી દીધેલો. ટપુબાપાએ એને; હવે ભણ્યે કોનાં ખોવડાં મોટાં થ્યાં છે? કહીને એને ઉઠાવી લીધેલો. દરજીકામમાં ભોળાની સિલાઈ આખા ગામમાં વખણાતી એટલે ઘરાકીનું ભારણ ભોળાના કામ ઉપર વધારે રહેતું. બાબુભાઈ અસ્તર નાખે ને એવું બધું કરે. ભોળો ભણતો ઊઠી ગયો પછી અમારો સત્સંગ ઓછો થઈ ગયેલો. પણ હું દુકાન પાસેથી નીકળું એટલે ભોળો અચૂક સાદ કરે,

 – આવ્ય, આવ્ય, કાળુ.

આપણે જઈને ઊભા રહીએ એટલે એ પોતાનું સ્પેશ્યલ હાસ્ય કરે. પછી ટપુબાપા, નટુભાઈ અને બાબુભાઈ એ ત્રણેને સંભળાવવા જ વાત ઉપાડે,

– આપડે એક જ ધોરણમાં ભણતા નૈં કાળુ?

– હા – આ.

પછી ભોળો ત્રણેયને ઉદ્દેશીને બોલે;

– આ કાળુ ભણ્યે બોવ હુશ્યાર. કાયમ પે’લો ને પે’લો નંબર રાખે.

આપણને થોડો સંકોચ થાય, ઠીક હવે મારા ભાઈ. પણ ભોળાનું આગલું વાક્ય પૂરું ન થયું હોય.

આમ તો મહત્ત્વનું અર્ધું વાક્ય બોલવા જ જાણે અગાઉનું વાક્ય બોલ્યો હોય;

— અને મારો બીજો નંબર આવે, નૈં કાળુ?

એટલે હું ફરીથી, હા…આ…આ… થવા દઉં એટલે ભોળો નિશ્વાસ નાખીને ત્રણેય જણ સામે કરુણ નજર માંડે, તોય આ ઘરમાં આપણી ખાસ કદર નહીં હોં. પછી મારી સામે ગરીબડું જુએ. ત્યાં નટુભાઈ એની પટ્ટી પાડે,

– કેમ વળી, તું આ ઘરમાં ભૂખ્યો ર્યો કોઈ દી?

– હું ક્યાં એવું કંવ છું!

– તો તને કોઈ દી’ ઊતરેલું લૂગડું પે’રાવ્યું?

– લે પણ, હું ક્યાં એવું કઉં છું.

– તો પછી કદર નૈં કદર નૈં એમ શું કીધા કર છ? નટુભાઈ અને બાકીના બન્ને જણ તિરસ્કારથી હસે.

ભોળો આપણા તરફ જોઈને મૂંગો પ્રશ્ન કરે,

– જોયું ને?

મને એક વાર કહે, આ વૈતરું કરીને તો વાંહો ફાટી ગ્યો, તું કાંક્ય ઉપાય બતાવ્ય, સાળું આવી જિંદગીમાં તો કોઈ આનંદ તું આવતો.

મેં કહેલું; ‘જો ભોળા, તારું સગપણ તો થઈ ગ્યું. એકાદ-દોઢ વરહમાં તારાં લગનેય થઈ જાહે, પછી બધુંય રાગે આવી જાહે. વળી મને બીજો વિચાર આવ્યો; ભોળા, કાંઈ લવલેટર-બેટર આવે છે કે નૈં?

– હેં? ભોળો અચરજથી પૂછતો.

– વિમળાભાભીના લવલેટર આવે છે કે નૈં એલા?

ભોળો ગભરાઈ જતો, વાત કર્ય મા કાળુ, નટુભાઈના હાથમાં એકાદોય કાગળ ચડી જાય ને તો પીંછડાં ખેરી નાખે સમજ્યો? ઈ ધંધો જ નો કરાય.

એક વાર બપોરે મેડી ઉપર ખાટલીમાં આડો પડી રામદેવ પીરનો હેલો ગણગણતો હતો ત્યાં ભોળો આવ્યો. એનું મોં લાલચોળ થઈ ગયેલું. હાથ ધ્રૂજતા હતા. કપાળે પરસેવો વળી ગયેલો. કાળુ! એટલું બોલ્યો ત્યાં એનો અવાજ ફાટી ગયો. એના દેખાવ પરથી હમણાં જ એ નટુભાઈનો માર ખાઈને આવ્યો હોય એવું લાગતું હતું. મને કંટાળો આવ્યો, હવે અરધા કલાક સુધી આ કેડો નહીં મૂકે. છતાંય આપણે પૂછવું તો પડે, શું થ્યું ભોળા?

– આવ્યો… એટલું બોલી એ ગૂંચવાઈ ગયો.

 – આવ્યો?

એ તરત જ ખાટલીની પાંગતે બેસી ગયો.

 – વિમુનો લવલેટર આવ્યો છે, એટલું બોલી એ હસ્યો, ઈશુ ખ્રિસ્તની જેમ.

હું અર્ધો ઊભો થઈ ગયો, અરે તારી ભલી થાય, લાવ્ય લાવ્ય વાંચઈં, પણ તારા હાથમાં કઈ રીતે આવ્યો?

 – ઉપર લખેલું છે કે માલિક સિવાય કોઈને આપવો નહીં અને અંદરથી અત્તરની આછી સુવાસ આવતી’તી એટલે કકુ મા’રાજે મને ખાનગીમાં બોલાવીને આપ્યો કે આ તારી વોવનો લેટર આવ્યો હોય એમ લાગે છે. એને દિવાળીની બોણીના પાંચ રૂપિયા ઠેરાવ્યા છે.

 – પાંચ રૂપિયા તે કાંઈ અપાતા હશે!

 – સંઈ તું કકુ મા’રાજને નથી ઓળખતો, બોવ ડેન્જર માણહ છે. શામજી મગને એને બે રૂપિયા આપવાની ના પાડેલી તે એણે શામલાની વોવનો લવલેટર શામલાના બાપાના હાથમાં પકડાવી દીધો. ઈ વાંચીને મગનબાપાએ શામલાને સરપટે સરપટ મારેલો, આવું કરો છો હાળાવ?

– શું કરેલું?

– અરે શામલો એક દી એના સાસરાના ગામે જઈને આખો દી અવેડાની પાળીએ બેઠો રે’લો. એની વોવ કૂવે પાણી ભરવા આ અને દર્શન થઈ જાય! એણે તો રોંઢા સુધી તપ કર્યું તોય ઓલી નો દેખાણી. પછી એના સાસરાને ખબર પડી એટલે શું કરે બિચારા. કાંઈ જમાઈને તો હડ્ય દઈને કાઢી થોડા મુકાય છે? એની વોવને ખાલી અમથી પાણી ભરવા મોકલી. તે એની વોવેય ગાલાવેલી તે એણે આ વાતનો લેટરમાં હરખ કરેલો. પછી તો મગનબાપાનો પિત્તો જાય જ ને?

– ઠીક લાવ્ય તંઈ હવે તારો લેટર વાંચઈં. જોઈં તો તારી વોવે શેનો હરખ કર્યો છે?

મારી જીવનનૈયાના સુકાની,

તમારો લેટર આવશે એની રાહ જોઈને ત્રણ મૈના કાઢી નાખ્યા. પણ તમે તો શંકર ભગવાનની જેમ શું તપ કરવા મંડ્યા છો કે પછી અમે તમને ધ્યાનમાં નથી આવતાં? એકાદ નાનો લેટર તો લખતા હો. હું તો નહોતી લખવાની પણ આજ મારી બેનપણી ઉષાએ અંબામાના સમ દઈને આ લખાવ્યું છે. મને મનમાં તો ઘણું થતું હતું કે કાગળ લખું પણ અમારા ગામમાં એવું બનેલું, છોકરાનો કાગળ આવે એ પહેલાં એક છોકરીએ સામે ચડીને લેટર લખ્યો તો છોકરાએ તો આ છોકરી ખરાબ ચાલની છે એવું માનીને સંબંધ તોડી નાખ્યો. નાત્યમાંય બહુ વગોવણી કરેલી તે હજી હમણાં માંડ ઠેકાણું પડ્યું છે. અટલે આ કાગળથી તમને ખીજ ચડે તો ફાડીને ફેંકી દેજો પણ મે’રબાની કરીને તમારા બાપુજીને વાત કરતા નૈં. માતાજીના સમ ખાઈને કવ છું કે તમે મને રોજ્ય સપનામાં આવો છો પણ તમને અમારી કિંમત ક્યાંથી હોય! કે પછી તમારી ઇચ્છા વિરુદ્ધનું સગપણ છે? અને હા, વળતી ટપાલે તમારો ફોટો મોકલજ્યો, ચોક્કસ ને ચોક્કસ. ઘરમાં વાતું થાય છે કે તમારી સિલાઈ ગામમાં બોવ વખણાય છે તે સાચું? મારી બેનપણી ઉષાએ તમને જેશી કૃષ્ણ કેવરાવ્યા છે ને કીધું છે કે જાન લઈને આવો તંઈ તમારી વાત છે.

લિ. તમારી ભવોભવની (પત્ની) થવા ઇચ્છતી વિમળાનાં વંદન

 – વાહ! તું તો ટેભામાંથી જીવનનૈયાનો સુકાની થઈ ગ્યો ને કઈ!

પણ ભોળો એટલો બધો ગંભીર થઈ ગયેલો કે મને લાગ્યું હમણા બોલશે, મારે મા નૈ ને અટલે. પણ એ બોલ્યો,

 – આ તો આપડીય ગુર નીકળી, હવે આપડા તરફથી કાંઈક જવાબ જાવો જોશે ને? આમાં તું મદદ કરે તો થાય એવું છે.

પછી મેં અને ભોળાએ વળતો લવ-લેટર કેવી રીતે લખવો એ વિચાર્યું. અમારી યોજના મુજબ ભોળો બીજા દિવસે અમરેલી જઈને પાસપૉર્ટ સાઇઝના ફોટા પડાવી આવ્યો. સાથોસાથ અત્તરની એક શીશી અને શાયરીની એક ચોપડી પણ લાવ્યો. ચોથા દિવસે અર્જન્ટ વરધીવાળા ફોટા આવી ગયા એટલે અમે બન્નેએ બેસીને ભોળાના નામે એક પત્ર લખીને રવાના કર્યો. પછી તો બન્ને બાજુથી સારું એવું ચાલ્યું. હું અને ભોળો કકુ મા’રાજની દુકાન પાસેથી નીકળીએ એટલે કકુ મા’રાજ ભોળાને પૂછે;

 – કેમ ભોળા, ઘરનાં મજામાં ને?

 – તુંય શું કકુ મા’રાજ, મશ્કરી નો કરતો હો તો ભલા માણસ. પછી કકુ મા’રાજ ડાબા હાથની પહેલી આંગળી ઉપર બીજી આંગળી ચઢાવી એને ધનુષ્યની પણછ જેમ ખેંચીને ભોળાને બતાવીને બોલે;

ભોળા, ગીલી ગીલી. ભોળો શરમાઈ જાય, આ કકુ મા’રાજેય માળો જાહેરમાં પટ્ટી પાડે એવો છે.

એકાદ વરસ પછી ભોળાનાં લગ્ન ગોઠવાયાં. લગ્ન લખાયાં પહેલાં જ ભોળાએ મને સખત તાકીદ કરી દીધેલી; તારે લગનમાં ચોક્કસ ને ચોક્કસ આવવાનું જ છે, સોળ વાલ ને એક રતી, સમજ્યો તારા વગર જાન નૈં જુતે હોં.

દસ ગાડાં જોડીને ટપુબાપાએ જાડી જાન કાઢી. ભોળો ગેલમાં આવી ગયેલો. મને કહે, તું મારી હાર્યે ને હાર્યે રેહુંયે. રોઢે હું અને ભોળો જમી કારવીને અણવર સાથે વાડામાં પગ છૂટો કરવા, લટાર મારવા ગયા હતા ત્યાં વિમળાભાભીની બેનપણી ઉષા આવીને મને એક બાજુ બોલાવી ગઈ;

– તું ભોળાકુમારનો પાકો ભાઈબંધ છો ને?

– હા.

– વરઘોડો માંડવે આવે તંઈ ભોળાકુમારને વિમુનાં બા પોંખે પે’લાં વિમુ જાત્યે આવીને ભોળાકુમારને હાર પે’રાવી જાય એવી વિમુની ઇચ્છા છે. આમાં વિમુના મોટા ભાઈને કાંઈ વાંધો નથી. વિમુના બાપુજી બાર્ય તમારી બધાયની સરભરામાં હશે. વિમુનાં બા કે’ય છે કે’ ભોળાજમાઈ કે એમ કરો.

ભોળો રાજી થઈ ગયો, હા, હા, થાવા દ્યો. એ મારી સામે જોઈને હસી પડ્યો. પણ તરત અણવરે ટપાર્યો; આમાં તો તારા બાપુજીને પૂછીને જ આગળ વધાય.

ટપુબાપાએ આવા ફંદ કરવાની ચોખ્ખી ના પાડી; જાન લીલા તોરણે પાછી લઈ જવી પડે તો ભલે, પણ આવી આછકલાઈ જોવે જ નૈં.

ભોળો સાવ લેવાઈ ગયો. મને કહે; આનો શું અરથ બોલ્ય, જ લગન અને મારું જ ધાર્યું નો થાય! મેં ક્યાં એવું કીધું છે કે ખુલ્લા મોઢે લગન કરવાં છે; આનો શું અરથ હેં?

મેં કહ્યું, જાવા દે હવે.

ભોળાએ કહ્યું, ના ના, પણ, આનો શું અરથ? કહીને ફરીથી મારી પાસે અરથ જાણવાનો આગ્રહ રાખ્યો.

વિમળાભાભી પહેલી જ રાતે ભોળાથી રિસાયાંઃ કે’ હારની બાબતમાં કેમ ના પાડી? તે ભોળાએ માંડ માંડ મનાવ્યાં. પછી ભોળો એના સંસારમાં પડી ગયો. હું ન્યૂ એસ.એસ.સી.ની પરીક્ષાની તૈયારીમાં લાગી ગયો. અમારે મળવાનું ઓછું થઈ ગયેલું. પણ લગ્ન પછી ભોળાની કઠણાઈ બેઠેલી. ટપુબાપાએ ભોળાને ઠપકો આપવાનું બંધ કરેલું તે ફરીથી ચાલુ કરેલું. હાર પહેરાવવાની વાતમાં પારકા ગામમાં જઈને ભોળાએ જે ફંદ કરેલો એનાથી પોતાની આબરૂને ધક્કો લાગ્યો છે એવું એમના મનમાં ઠસી ગયેલું. વળી રાતે દુકાને સૂઈ રહેતા તેને બદલે ઘેર ઢોલિયો ઢળાવતા થયેલા. દુકાને ઘામ બહુ થાય છે, એમ કહેતા. ઘેર ભોળાને નહીં જેવી બાબતમાં ઠપકા આપ્યા કરતા. પહેલાંના માર કરતાં ભોળાને આ ઠપકા વધુ આકરા લાગતા. એક વાર મને અચાનક કહે; બાપુએ એટલું તો વિચારવું જોઈએ કે નૈં કે હું હવે પવણ્યો. વિમળાની હાજરીમાં મને નૈં જેવી વાતમાં પાણીથી પાતળો કરી નાખે તે ઓલ્યી નવી આવનારીના મનમાં આપડી શું છાપ પડે, બોલ્ય?

વિમળાભાભીના મનમાં પણ ભોળો મૂરખ છે એવું બેસવા મંડ્યું હતું.

હું ભોળાને કહેતો, બાપા હોય તે ઠપકો આપે, કોકનાં મગજ તેજ હોય.

ભોળો માનતો નહીં; પણ સાવ આવું, રાત્યના બાર બાર વાગ્યા સુધી સંચા તાણું છું, તોય આ ઘરમાં આપડી કદર નો થઈ. મગજ તેજ હોય તો મોટા ભાયુંને કાં ધખતા નથી?

દસમાનું પરિણામ લઈને અમદાવાદ જવાના આગલા દિવસે હું ભોળાને મળવા એના ઘેર ગયો. મેં વિમુભાભીને કહ્યુંઃ ઠીક તંઈ હવે, તમે બેય જણાં આવજો અમદાવાદ ફરવા, જરૂર ને જરૂર. વિમુભાભીએ હસીને કહેલું; હવે શે’રમાં જાવ છો તે ભણીગણીને હુયાર થાજ્યો, તમારા ભાઈબંધ જેવા બાઘા નો રે’તા.

– હેં, હેં, ભાભી તમેય શું મશ્કરી કરતાં હશો? – કહીને મેં વાત વાળી લેવાનો પેંતરો કર્યો પણ ભોળાનું મોઢું પડી ગયું. અમે ઘરમાંથી નીકળ્યા એટલે તરત બોલ્યો; જોયું ને કાળુ, ઘરનું બૈરું આપડને બુડથલ માને પછી બીજાની શું વાત કરવી?

અમદાવાદ જતાં પહેલાં ભોળાને છેલ્લી વાર મનાવવો પડ્યો.

વચ્ચે વચ્ચે ભોળાના પત્રો આવી જતા. એક પત્રમાં ખુશખબર હતા કે વિમળાભાભીને સારા દિવસો છે. પછી એને ઘેર દીકરાનો જન્મ થયો ત્યારે મેં ઝભલાના પૈસા મોકલાવ્યા એમાં પોતાના તરફથી થોડા પૈસા ઉમેરીને ભોળાએ પોતે બહુ સરસ ઝભલું સીવેલું અને ઝભલાના બધા પૈસા કાળુએ મોકલ્યા છે એવું એના ઘરમાં કહીને મારો ડંકો વગાડી દીધેલો. ગામમાંથી ગયા પછી અઢી-ત્રણ વરસે આ વખતે વેકેશનમાં ફરવા આવ્યો ત્યારે જેંતી અને ભોળો દોઢ ગાઉ દૂર રેલવેના પાટિયે સામા લેવા આવ્યા જેંતી વાતવાતમાં ભોળા સામે જોઈને કટાક્ષમાં હસતો હતો. ભોળાનું મોઢું ગંભીર હતું. જેંતીને મેં ઇશારાથી શું વાત છે? એમ પૂછવું તો એણે પછી, એવો જવાબ આપેલો.

ગામમાં મારા આગમનનો ભોળાએ ઉત્સવ મનાવ્યો. એની દુકાને લઈ જઈને મને પેલો સંવાદ ત્રણ-ચાર વાર કરાવ્યો,

– હું ને કાળુ હાર્યે ભણતા નૈં કાળુ?

– હા આ.. આ.

– કાળુ ભણવામાં બોવ હુશ્યાર – કાયમ પે’લો નંબર રાખે.

– ઠીક હવે ભાઈ.

– અને મારો બીજો નંબર બરાબર ને?

ભોળાએ ખાસ આગ્રહ કરીને મને એના ઘેર જમવા નોતરેલો. જમવા જતો હતો ત્યારે રસ્તામાં જેંતી મળી ગયો,

– ક્યાં જાય છે, દોસ્ત?

– ભોળાને ત્યાં, આજે જમવાનું છે.

– એના છોકરાને જોયો? કોના ઉપર ગ્યો છે?

– ઈ તો ભોળા ઉપર જ ગ્યો હોય ને! પણ કેમ? મને શંકા ગઈ. કેમ કે જેંતી આખા ગામની ડાયરી રાખતો.

– ભોળા ઉપર? ચોક્કસ ખાતરી કરી લેજે.

 – કેમ? ભોળો ટપુબાપા ઉપર અને ભોળાનો છોકરો ભોળા ઉપર્ય. ત્રણેયનાં મોઢાં એકસરખાં તો લાગે છે.

– ઈ વાત છે તંઈ, કહીને જંતી ચાલતો થયો.

નટુભાઈ, બાબુભાઈ અને ટપુબાપા ત્રણેય હજી દુકાને હતા. હું અને ભોળો જમવા બેઠા. ભોળાએ થનારી કોઈ અજાણી સાસુ અને એની દીકરીના સમ દઈને, ધરવ કરાવી દીધો. જમીને ઓસરીમાં બેઠા બેઠા પાન ખાતાં ભોળાના દીકરાને હું રમાડતો હતો. ત્યાં નટુભાઈ, બાબુભાઈ અને ટપુબાપા જમવા આવ્યા. નટુભાઈની દીકરી ટીકુ બાજુમાં રમતી હતી. ભોળાએ એના દીકરાને મારી પાસેથી લઈ લીધો અને ટીકુને સંબોધીને બોલ્યો,

– જો ટીકુ, ભાય.

ટીકુ હસી.

પછી ભોળાએ એના પગ પકડીને ઊંધો કર્યો;

– જો ટીકુ, ભાય.

પછી એને હવામાં ઉલાળીને બોલ્યો;

– જો ટીકુ, ભાય હવામાં ઊડે.

પછી ગલગલિયાં કરીને બોલ્યો;

– જો ટીકુ, ભાય દાંત કાઢે.

ફરીથી એને ઉલાળીને બોલ્યો, ભાય.

એમ ભોળાએ એના દીકરાને ઉલાળી, ઊંધો કરી, ગલગલિયાં કરી કરીને બોલ્યા કર્યું, ભાય – ભાય – ભાય.

વિમુભાભી રસોડામાંથી દોડતાં આવ્યાં. ભોળાના હાથમાંથી છોકરો ઝૂંટવી લીધો, મૂકો હવે, આવ્યા મોટા રમાડવાવાળા. ટપુબાપા જમીને અંદરના રૂમમાંથી બહાર આવ્યાઃ દુકાને જા. મોટો ભાયવાળો ભાળ્યો નો હોય, ઘડીક તો જંપવા દે, બુડથલ.

અમે બહાર નીકળ્યા. ભોળાએ નિસાસો નાખ્યો, ઘેરે દીકરો અવતર્યો પછીયે આ જ કઠણાઈ રહી હો.

હું ચુપ રહ્યો. અચાનક ભોળો બોલ્યો, આ તે કેવું કહેવાય હેં, ઘરનાં માણસો જ ઘરમાં ખાતર પાડે?

મને કમકમાં આવ્યાં. એકાદ બહાનું કાઢી હું ભોળા પાસેથી ખસી ગયો. પછી જેટલા દિવસ ગામમાં રહ્યો એટલા દિવસ ભોળાને મળવાનું ટાળ્યું. બે-ત્રણ વાર ભોળો જાણે ખાસ મળવા આવ્યો હોય એમ સમય કાઢીને આવ્યો, પણ મેં એને જલ્દી વળાવી દીધો.

છતાંય મારા નીકળવાની સાંજે એણે કેડો ન છોડ્યો. કાળને વળાયાવું, કહીને એણે દુકાનમાં બપોર પછી રજા રાખી. મેં એને પાદરથી પાછો વળાવવાનો કારસો કર્યો પણ એણે ઠેઠ પાટિયા સુધી આવવાની રઢ લીધી. રસ્તામાં; એણે એ જ વાત ઉખેળી સાલું કેવું કે’વાય? ઘરનાં માણસો થઈને ઘરમાં જ ખાતર – પણ મેં વાત ટાળી દીધી.

પાટિયે પહોંચીને મેં પાટા ઉપર કાન માંડીને સૂતેલા છોકરાને જોયા કર્યો. મનમાં થયું, ગાડી જલદી આવે તો સારું.

ભોળો બોલ્યे જતો હતો; તું સમજ કાળુ, તું સમજ્ય; તારા જેવો ભણેલો માણસ નો સમજે તો પછી થઈ ર્યું ને! ત્યાં ગાડી આવી. ભોળાએ નિસાસો નાખીને કહ્યું, ઠીક તંઈ ભાય, બીજું શું?

ગાડી ઊપડ્યા પછી મેં વિચાર્યું કે ગાડી અમરેલીના સ્ટેશને પહોંચે એ પહેલાં ભોળો ગામમાં પહોંચી જશે. પણ એ ઘેર કે દુકાને નહીં જાય. ઉતારાની પાળીએ જ્યાં અમે દરરોજ સાંજે જતા ત્યાં જ જશે. જો ગામમાં વિનુ બાબર હાજર હશે અને જો એણે ઉતારાનો રેડિયો ચાલુ કર્યો હશે તો ભોળો પાળી પર પલાંઠી મારી ભક્તિભાવે ભજનો સાંભળશે. પાળી પર બેઠો બેઠો એ માથું ધુણાવશે, હાથથી પાળી ઉપર તબલાં વગાડશે અને ભજન સાંભળશે…

સાધુડાના ઘરમાં રે માલદે, ચોરી નવ કરીએ હો જી.