ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દશરથ પરમાર/ત્રીજું ઘર

From Ekatra Wiki
Jump to navigation Jump to search
ત્રીજું ઘર

દશરથ પરમાર

નેળિયામાં પેસતાં જ નરોત્તમનો પગ પાછો પડ્યો. ડાબી બાજુની વાડમાં કશોક ખખડાટ થતો હતો. વહેલી પરોઢના ઝાકળમાં પલળીને કોકડું વળી ગયેલાં પત્તાનો એ ખખડાટ સાંભળી એની કાયામાંથી કંપારી વછૂટી ગઈ. એણે આંખો ખેંચી ખેંચીને જોયું. વળતી જ પળે એક નોળિયો બરાબર એના પગ આગળથી સરકીને જમણી બાજુની વાડમાં પેઠો. એ બાજુ તાકીને નરોત્તમે જમણો પગ બે-ત્રણ વાર જોરથી જમીન પર ઠપકાર્યો. પછી મોટાં મોટાં ડગલાં ભરતો નેળિયામાં પેઠો.

બબ્બે માથોડાં ઊંચા થૂવરોથી લચી પડેલું નેળિયું નોંધારું બનીને ઘોરતું હતું. વદએકમના ચંદ્રનો ઝાંખોપાંખો ઉજાસ ગે થૂવર વચ્ચેના માર્ગમાંથી જમીન પર પડતો હતો. ને એના લીધે રેત પર અવનવી આકૃતિઓ રચાઈ હતી. નેળિયાની ઠંડી રેત સ્લીપરની સરહદ ઓળંગીને, નરોત્તમના પગની પાનીને પોતાની ઠંડકનો પરચો બતાવતી હતી. આડાંઅવળાં પડતાં પગલાંના અનિયમિતધબ્બ ધબ્બ અવાજ અને વાડમાં ઠેર ઠેર ભરાઈ રહેલા તમરાંના નિરંતર તમતમાટ સિવાય નેળિયું શાંત હતું.

નરોત્તમ એકલોજ ચાલતો હતો. ને તોય વારંવાર મનમાં થતું હતું કે કો’ક એટલે કદાચ પેલી માખ પણ હોઈ શકે. નરોત્તમને યાદ આવ્યું કે એ વાસ વટાવીને બરાબર નીકળ્યો ત્યાં સુધી કશું જ નહોતું. પણ એ પછી પેલી માખ સાથે થઈ ગઈ હતી ને વારંવાર આગળ આવીને નાકપર બેસી જતી હતી. એને ઝાપટો મારી મારીને નરોત્તમના હાથ થાકીગયા હતા, પણ ખાઈખપૂચીને દેવાદાવની પાછળ પડી જતા શાહુકારની પેઠે એય એની પાછળ પડી ગઈ હતી. એકાદ ફેરાહાથમાં આવીગઈ તો…

વીરાંવાળો કૂવો કેટલો આઘો હશે? નરોત્તમને પ્રશ્ન થયો. ને એના ઉત્તરની અપેક્ષાએ એણે મનોમન ગણતરી માંડી, એ નેળિયું પતે પછી પેલો મદમત્ત મહુડો — થોડીક ખુલ્લી સીમ — વચલો બોર — અને એની સામે જ વીરાંવાળો કૂવો. બધુંય પથ્થર પર કોતરેલા શિલાલેખની માફક એના મનમાં અકબંધ પડ્યું હતું. એના પર સમયનો સૂંડલો ઢંકાઈ ગયો હતો એટલું જ, બાકી આ વગડો — વગડાનાં એકેએક તરુવરો — ખુલ્લાં ખેતરો બધુંય એના લોહીના લયમાં આજેય ધબકતું હતું. આ વગડો એનો ભવોભવનો ભાઈબંધ હતો.

એકાદ પળ ઘરનો વિચાર એના મનમાં પેસી ગયો. બધાંય મારાં વા’લાં નિરાંતે ગોદડાં ઓઢીને ઘેરતાં હશે. ને પોતે આમ વહેલી પરોઢે વગડાની વાટ્યો ખૂંદવા નીકળી પડ્યો છે — એવું તે શું નાસી જતું હતું કે… એક આ કમુ ભાભી જ ના માન્યાં. એમના લીધે જ બધી રામાયણ ઊભી થવા પામી હતી. નહિતર એના માટે તો આ બધી બાબતો સાવ હાસ્યાસ્પદ જ હતી ને?

બીજી કોઈ વાત હોત તો એ કમુભાભીની સામે એક પણ દલીલ કર્યા વગર એમની વાત સહર્ષ માથે ચઢાવી લેત, પણ આવી રમત? એ અકળાઈ ઊઠ્યો હતો. ને એટલે જ તો બહુ કડક શબ્દોમાં એણે કમુભાભીનેય ઝાટકી નાખેલાં:

‘દેશ આખો આગળ જતો રહ્યો, પણ તમે તો ત્યાંનાં ત્યાં જ રહી ગયાં. લગાર તો સુધરો હવે… ક્યાં સુધી આવી વાહિયાત વાતોને વળગી રહેશો?’આવાં બધાં ધતિંગ…’

અને કમુભાભી વીફર્યાં હતાં:

‘બેહાં સોંનામોંના. તમોંનં હું પાડાના પૂંસડાની ખબેર્ય પડઅ સ? ખાલી નોંકરો કરી જોંણો એટલું જ હમજ્યા? આ બધા નાતના રિવાજોમં તમોંનઅ ગતાગમ ના પડઅ નં, તો ના બોલીયેં… જે વિધિ થતી વોય એ તો કરવી જ પડઅ્ કઅ્?’ ના જોયા વોય મોટા સુધારાવાળા નેંહરી પડ્યા સં તે…’

નરોત્તમને નમી જવું પડ્યું હતું. એ સારી પેઠે જાણતો હતો કે કમુભાભી ઝાલેલી વાત નહિ જ છોડે. તોય એણે નમ્ર સ્વરે એક વિનવણી કરી જોઈઃ

‘ભાભી,આ તો બધી મન મનાવવાની વાતો…’

‘ભલે મન મનાવવાનીરઈ, તમારઅ્ કીધું એટલે કરવાથી કાંમ… બીજી હું ભોડાકૂટ?’

કમુભાભીનું આ બદલાયેલું સ્વરૂપ જોઈને નરોત્તમ તો ડઘાઈ જ ગયેલો. માના મરી ગયા પછી એણે કમુભાભાને માના સ્થાને સ્થાપ્યાં હતાં. એમાંય મોટા ભાઈના અકાળે થયેલા અવસાન પછી તો એની ભાભી પ્રત્યેની લાગણી બેવડાઈ ગઈ હતી. તો સામા પક્ષે કમુભાભીય ક્યાં પાછાં પડે એમ હતાં? પોતાની કૂખે દીવો ન પ્રગટ્યો એનો વસવસો વીસરી જઈને એમણે નરોત્તમને સગા દીકરાની જેમ સાચવેલો. એને કોઈ વાતની ખોટ નહોતી વર્તાવા દીધી. નોકરીએ ગયેલો નરોત્તમ વારતહેવારે ઘેર આવતો ને એમની આંખો છલકાઈ ઊઠતી. એમ તો નરોત્તમેય એમને પોતાની સાથે લઈ જવા ક્યાં તૈયાર નહોતો? પણ કમુભાભી જ સામેથી એના આગ્રહને સાદર નકારતાંઃ

‘ના, ભૈ, આ ઘર હૂનું મેલીનં અમઅ્ મારાથી ચ્યાંય ના નેંહરાય… મું મારઅ્ આંય ભલી સું. આકાયાનો અમઅ્ ચેટલા દા’ડા વશવા રખાય? આ દેઈ આ મારીમં જ…!’

એમ તો ગઈ કાલે સાંજે જ એ કેવાં મજાકે ચઢેલાં! નરોત્તમ ખાટલીમાં આડે પડીને ખુલ્લા આભને તાકી રહેલો ત્યાં જ બાજુમાં વાસણ ઘસતાં કમુભાભી બોલેલાંઃ

‘અમઅ્ આજનો દા’ડો ઊંઘી લ્યો, લે’રથી… કાલ્યથી તો મારી હગલી આઈ જહઅ્, પછં ગણજો તારા…’

‘રાતે ગણીએ કે દા’ડે અમારે તો તારા જ ગણવાના છેને. ભૈશાબ, કંટાળી ગયો હું તો તમારી આ બૈરાંની જાતથી…’

‘ઓહોહો…’, નીચલો હોઠ સહેજ ઉપલા હોઠ તરફ ખેંચી એક લટકું કરીને એમણે કહેલુંઃ ‘રે’વા દ્યો, રે’વા દ્યો અમઅ્… બૈરા વના તો હાવ હૂંકઈનં હેંડ્યા સોં નં પાછા ઠૈડ્યમંથી હાથ નહિ કાઢતા…’

‘સાચી વાત છે, ભાભી! આ તો રાંધવા-ખાવાની તકલીફ પડે છે, એટલે બાકી…’

બાકી શું? એ ખાટલીમાં સડપ દઈને બેઠો થઈ ગયો હતો. ને આગળ કશુંય વિચારે એ પૂર્વે તો કમુભાભીએ બીજું બળબળતું બાણ છોડ્યું હતુંઃ

‘તમે બેઉ ભાયગશાળી, હોં ભૈ! જ્યા જલમમં પૈંપળા પૂજ્યા અશીં… નકર લોકનં એક ફેરા પૈણવાના હાંહા પડઅં સં… આખો અવચાર આંઢા રીં સં… નં તમે આ જ જલમમં ત-તઈણ્ય બૈરાં…’

અને નરોત્તમ સાંગોપાંગ ધ્રૂજી ઊઠ્યો હતો.

કમુભાભીના વાક્યમાં રહેલો વ્યંગાર્થ ન પામી શકે એવો અબુધતો એ નહોતો જ. એણે આંખો ઝીણી કરીને કમુભાભી સામું ટગર ટગર તાક્યા કરુયં. એ માત્ર મજાક જ કરતાં હતાં કે પછી? પણ એમના ચહેરા પરથી કશું જ કળી શકાયું નહિ. એ તો હોઠ ભીડીની નીચી નજરે વાસણ ઘસવામાં વ્યસ્ત થઈ ગયેલાં, પણ નરોત્તમના મનમાં રહી રહીને એક પ્રશ્ન ઊઠતો હતોઃ નથી ને કમુભાભીને પણ ક્યાંક…

એ નેળિયાની વચ્ચોવચ ઊભો રહી ગયો.

પેન્ટના ડાબા ખિસ્સામાંથી બીડી કાઢી. દીવાસળીનો આછો ઘસરકો અને થોડીક પળો માટે નેળિયામાં અજવાળું તગતગી ઊઠ્યું. પછી પાછું ઝાંખું અંધારું. બે-ચાર ઊંડા ઊંડા કશ ખેંચ્યા કે તરત જ શરીરમાં થોડો ગરમાવો ફેલાઈ વળ્યો. ઠૂંઠું વાડમાં ફેંકીને આગળ ચાલતાં પહેલાં એણે જમણા ખિસ્સામાં હાથ ઘાલીને પેલી પોચી પોચી ઢીંગલીને આંગળીઓથી ફંફોસી લીધી.

આમ જોઈએ તો જીવતર ઢીંગલા-ઢીંગલીની રમતથી આગળ ક્યાં વધી શક્યું હતું? ઘડી બે ઘડીનો ખેલ અને… એને કમુભાભાની પેલી ત્રણ બૈરાંવાળી વાત યાદ આવતી હતી.

બિચારાં કમુભાભીનો એમાં ક્યાં વાંક હતો? પોતે પેલાં પરાક્રમોની પસંપરા ઊભી કરી છે ત્યારે લોકો માંડે ને? ને કમુભાભીનું તો ઠીક, ઘરનું માણસ છે તે બે કડવાં વેણ બોલે તો ખમી ખાઈએ, પણ વાસ આખામાં બૈરાંનાં મોઢે એ થોડો જ હાથ ઢાંકવા જવાનો હતો?

પુષ્પાની વાત જવા દો!

બાકી લલિતામાં શું કહેવાપણું હતું? શું ખોડ હતી એનામાં? લહેરાતી-લીલીછમ્મ બાજરી જેવી એકવડી કાયા, ભલભલાને ભૂ પાઈ દેતેવી આંખો, ને એના ખુલ્લા કોરા વાળ ને તે વાળ કે’વા કે નેંબળેલો નાગ? ગમે તેમ તોયે એ કમુભાભાની પસંદગી હતી, પણ દેવ રૂઠે ત્યાં…

એનેય છૂટકો આલ્યો ત્યારેવાસ આખાને વાતો કરવાનો વજનદાર વિષય વણમાગ્યો જ સાંપડી ગયો હતો. પહેલે આણે આવેલી જુવાન વહવારુઓય લાજના આવરણ તળે હોઠ મરડીને વાતો કરતાં થાકતી નહોતીઃ

— અલી, હાંભળ્યું કાંય? આ નટિયાની બીજી બાયડીનંય છૂટકો આલ્યો.

—ઈનં હું, મારી બૈ? નાગાકૂલઅ્ નગારોંન ફાવઅ્ ઇમ વગાડોં… પાંચ અજારનો પગારદારી સ… તે બે હું બાર બૈરાં લાઇનં બગલમં બેહાડઅ્ તોય કુણ કે’નાર સ, ક્યોં?

—ચ્યમ, લોંબા હાથ હોય એટલઅ્ કાંય વાડ્યમં થોડા ઘલાંય?

—હાસ્તો, વળી! આ તો કીડીના મૂઢામં કાળંગડું આઈ જ્યું, પછં હેી હાધી રે’?

—પણ ના, ના… બેય બાયડીઓ ખરાબ? ભૈનો કાંય વાંક જ નૈં હોય?

આવાં કાળજાફાડ વેણ સાંભળીને કમુભાભી તો બિચારાં અડધાં અડધાં થઈ જતાં. નરોત્તમને શું? એ તો ભાઈસાહેબ ‘છૂટાછેડા’નો નિર્ણય લઈને પાછા નોકરીએ ઊપડી જતા, પણ પૂછનારને ઉત્તર આલતાં કમુભાભી થાકી જતાં. એમનેય ઊંડે ઊંડે થતું કે નરોત્તમની ક્યાંક તો ભૂલ થતી જ હશે. બૈરામાં એકાદ પાયો ઓછો હોય નેએને નભાવી લેએ જ ખરો આદમી. બાકી ડાહ્યાંને તો સૌ નભાવે જ છે ને? પોતે પરણીને આ ઘરમાં આવ્યાં ત્યારે માંડ દસ-બાર વરસનાં હતાં. આણાની પેટીમાં કૂકા ભરી લાવેલાં — રમવા સારુ જ સ્તો! પણ નરોત્તમના ભાઈ ખુશાલે એમને અવેરીને બેત્રણ વરસમાં તો જાજરમાન બનાવી દીધેલાં. ને એમને અડધા મારગે મેલીને એ મોટી જાતરાએ ઊપડી ગયા તોય કમુભાભી એ ઘર છોડીને એક ડગલુંય આગળ ન વધ્યાં એ વાત તો નરોત્તમથીય ક્યાં અજાણી છે? એમના જીવતરમાં હવે એક જ ઓરતો બાકી રહ્યો’તોઃ નરોત્તમનાં છોકરાંને રમાડવાનો.

પણ એવો ઓરતો અધૂરો જ રહી જશે કે શું? એવી બીકથી એ ઘણી વાર ધ્રૂજી ઊઠતાં. ને એટલે જ તો આ વખતે એ નરોત્તમનું ત્રીજું ઘર મંડાય એની ઉતાવળ કરતાં હતાં અને સાવ નામક્કર ગયેલા નરોત્તમને સદ્ગત સાસુના સમ ઘાલીને એમણે મનાવી લીધેલો.

નેળિયું પૂરું થયું.

હવે એ ખુલ્લા વગડામાં આવી ગયો હતો. ઝાકળભીના વગડાએ એને આંખો ભરી ભરીને પીધો. કેટલાં વરસે એને આમ રેત ખૂંદવાનો આ અવસર મળ્યો હતો અને સામે રહ્યો મદમત્ત મહુડો. પરોઢના આછા ઉજાસમાં નરોત્તમને એ હમણાં જ સુવાવડમાંથી ઊભી થયેલી સ્ત્રી જેવો લાગ્યો. વચવા બોરના ધાબા પર ઊભા કરેલા વાંસ પર લાઇટનો ગોળો બળતો હતો. એ ધીમા પગલે મહુડા પાસે ગયો. એના થડને અઢેલીને ઊભો રહ્યો. આંખો બળતી હતી. એકાર્ધપળ પૂરતી મીંચી ત્યાં તો એક સોળ-સત્તર વર્ષની છોકરી સાેમ આવી ઊભી. એણે ઘાઘરી ને કબજો પહેરેલાં. તાજી જ ખૂંદેલી ચીકણી માટીના લોયા જેવી, વરસાદમાં પલળેલી એની કાયા… હાંફ હાંફતી છાતી… કબજાનું બંધન તોડીને બહાર આવવા મથતો ઉન્નત વક્ષવિસ્તાર નરોત્તમથી અનાયાસે બબડી જવાયુંઃ રમી, તું?

—તે દા’ડે સમી સાંજે એંધરા વીણવા નીકળ્યાં ત્યારે તો આષાઢી આભ કોરુંકટ્ટ હતું. પણ ભોંયબાવળીના બબ્બે મણના ભારા ઉપાડીને વળતાં થયાં ત્યાં જ મારગમાં મે મંડી પડેલો. વીજળી લબૂકા લેતી હતી. પાછળ બે જણ રહી ગયેલાંઃ એ ને રમીલા. આ જ મહુડા નીચે ભારા નાખી ઊભાં. એક જોરદાર કડાકો થયો ને રમીલા એને બાઝી પડેલી. એ હકબક થઈ ગયેલો. રમીલાની કઠણ છાતી એની છાતી સાથે ચંપાઈ હતી. એણે જોરથી એને ભીંસી નાખેલી. એના ફફડતા હોઠ પર પોતાના ગરમલાહ્ય હોઠ ચાંપી દીધેલા. આગળ કશુંય આદરે એ પહેલાં તો… ને એણે ધક્કો મારીને રમીલાને અળગી કરી નાખેલી.

એક સારસ પક્ષીની જોડ એના માથા પરથી પસાર થઈ ગઈ. એણે માથા પર હાથ ફેરવ્યો. પેલી માખ હવે ક્યાંક પાછળ રહી ગઈ હતી. વિવિધ પક્ષીઓના અવાજો એની આસપાસ આંટા મારવા લાગ્યા. પૂર્વ દિશા થોડીક ચોખ્ખી થતી ભળાઈ ને ચંદ્ર-તારાઓનું સામ્રાજ્ય સલેવલે થઈ ગયું. એક ઊંડો શ્વાસ ખેંચીને એ ચાલવા માંડ્યો. ચાલતાં ચાલતાં શેઈડાની ઠંડીહેમ રેતમાં પગ પાની લગી ખૂંપી જતા હતા. પગ ઉપાડ્યા પછી સ્લીપરમાંથી રેત ઊડતી હતી. એ સહેજ આગળ વધ્યો ત્યાં જ સ્લીપરનું આવરણ ભેદીને એક શૂળ પગમાં ભોંકાઈ. વેદનાની હળવી ચીસ એના મોઢેથી સરી પડી. વાંકા નમીને એણે શૂળ ખેંચી કાઢી. પગના તળિયે હાથ ફેરવ્યો. ગરમ ગરમ સ્પર્શ થયો. વહેલી પરોઢના આછા ઉજાસમાં એણે આંગળીએ વળગેલું ગરમ — ફળફળતું લોહી ભાળ્યું. વળગણી પર સુકાતાં પત્નીઓનાં લૂગડાં પર દર મહિને દેખાતો એક આછો-ભૂરો ડાઘ એની આંખોમાં વિસ્તરવા લાગ્યો. એનાથી આંખો મીંચાઈ ગઈ. મન કો’ક વનવાસી કુંવારી કન્યાની તંગ ચોળીની જેમ ફાટું ફાટું થઈ રહ્યું.

વચલો બોર પાછળ રહી ગયો.

અને સામે જ દેખાણો વીરાંવાળો કૂવો.

કેડેથી વાંકા વળી ગયેલા વૃદ્ધની અદાથી કૂવાકાંઠે ઝૂકેલો પીપળો મસ્તીમાં આવીને પાંદડાં હલાવવા માંડ્યો. નરોત્તમને છાતીમાં હાંફ ભરાઈ આવી હોય એમ લાગ્યું. એક ઊંડો શ્વાસ ખેંચીને એણે ખિસ્સામાંથી પેલી ઢીંગલીકાઢી અને પીપળાના થડ પાસે ઊભા પગે બેસી પડ્યો.

એને યાદ આવ્યું.

રાત્રે બે ભરઊંઘમાં હતો ત્યાં જ કમુભાભીએ એને હાથ હલાવીને જગાડેલો. ઊંઘરેટી આંખે એ પ્રશ્નાર્થનજરે એમને તાકી રહેલો. ને ખાટલાપાસે નીચે બેરી એના માથે હાથ ફેરવતાં ફેરવતાં એ હળવા અવાજે બોલેલાંઃ

‘જોવાં, નરોત્તમ ભૈ, મારી વાતનું માઠું ના લગાડતા. ભગવોં જે કરઅ્ સ એ હારા માટઅ્ જ કરઅ્ સ. આપડે હૌ તો એના હાથનાં રમતિયાં કે’વાઈએ. એ રમાડઅ્ ઇમ રબ્બાનું. તમે નં મું બેંય જોંણીયેં છીયેં કઆગલ્યી બેય નઠારી અતી, પણ આવનારી નં હાચવજોં. બચારી બાળોત્યાંની બળેલી સ. ઈનં ઠારશ્યોં તો તમેય ઠરશ્યોં… તો તમેય ઠરશ્યોં… બૈરામં એકાદ પાયો ઓછો હોય તો નભાઈ લેતઅ્ શીખીયેં, મારા વીરા. મારીંઅ અમઅ ઉંમર થઈ. જતઅ્ જતઅ્ તમારાં…’ બોલતાં બોલતાં એમનો સાદ પલળી ગયો હતો. નરોત્તમ કશુંય બોલ્યા વગર એમની ભીની ભીની આંખો સામું ટગર ટગર તાકી રહેલો. આંખ તો એનીય ક્યાં નહોતી પલળી ગઈ?

એનેય ઊંડે ઊંડે થતું હતું કે ભાભીની વાત સાચી જ હતી.હા-ના કરતાં અડધા વાળ ધોળા થઈ ગયા હતા. એની સાથે પરણનારા બબ્બે છોકરાંના બાપ બની બેઠા હતા. ને પોતે… પણ એમાં પોતાનોય શો વાંક હતો? જ્યાં કુદરત રૂઠે ત્યાં…

ખાટલા પાસેથી ઊભા થતાં થતાં કમુભાભીએ એના હાથમાં એક લૂગડાની નાનકડી ઢીંગલી મૂકી હતી. ને માંદલું હસીને કહેલુંઃ ‘લ્યોં, આજની રાત્ય આ તમારી વઉ…’

‘તમારું ફટકી તો નથી ગ્યુંને, ભાભી?’

‘મારું હું કા’ ફટકી જાય? આ તો નાતનો રિવાજ સ. આજની રાત્ય તમારઅ્ આ ઢેંગલી હંગાથ્ય કાઢવાની.’

‘પણ કારણ?’

‘અડધા ઘૈડા થ્યા. ચ્યાણં હમજશો આ બધું? આ તમારઅ્ તીજું ઘર મોંડવાનું સ કે નૈં? આ આપડાં ઘૈડાં કેૈ જ્યાં સ ક’ તઈણ્યે તરઘટ થાય. નં ચોથઅ્ ચોક પુરાય. એકઅ્ આ ઢીંગલી તમારી તીજી વઉ, મારી તીજી દેરાંણી…! ઈની જોડે આજની રાત્ય કાઢોં. ન કાલ્ય હવારે સાંનામાંના અંધારામં જઈનં વીરાંવાળા કૂવામંનાશી આબ્બાની.નં ઈમ હમજવાનું કઅ્ તીજી અતી એ કૂવો પૂરીનં મરી જૈ. નં આ આબ્બાની સ એ ચોથી… પડી રમજણ્ય, અમંઅ્?’

એટલું બોલીને એમણે ઢીંગલી નરોત્તમની સોડમાં સાચવીને સુવાડી દીધેલી. ને જતાં જતાં પાછાં મજાકેય કરતાં ગયેલાંઃ ‘જોજો,પાછા બઉ એરાંન ના કરતા બાપડીનં.’

નરોત્તમ ઊભો થઈ ગયો.

કૂવા પાસે ગયો.એના ભાંગ્યા-તૂટ્યા થાળામાં ઊભો રહ્યો. અંદર નમીને જોયું. લીલું કાચ જેવું પાણી, ઠેર ઠેરથી ખવાઈ ગયેલી દીવાલો, કબૂતરોના ઘટર-ઘૂં અવાજ — ઝાકળભીના સુગરીોના માળા — દીવાલ તોડીને ઊગી નીકળેલો પીપળાનો નાનો છોડ, સડી ગયેલાં માછલાંની જેમ ગંધાતો કાદવ, ઠેકડા ભરતાં દેડકાં.

એણે ફરી એક વાર આંખો ખેંચીને પેલી ઢીંગલી સામું જોયું. એના ચહેરામાં એને ઘડીકમાં પુષ્પાનો તો ઘડીકમાં લલિતાનો ચહેરો દેખાવા લાગ્યો. બેયની ઓશિયાળી આંખોમાં ભારોભાર ઠપકાનો ભાવ ભરેલો હતોઃ

—હું કા’ ઓંમ કરોં સોં, નાથ? તમારા ગુનાની સજાય અમારા માંથઅ્ ઓઢાડી દેવાની? અમારઅ્ તમારી પાહેંથી બીજું કોંઈ નથી જોવતું. બશ્ય, તમારી દાસી બનીનં રે’વા દ્યો. તમારી ચાકરી કરીનં આ આયખું ખુટાડી દઈશું. અમોનં ના તરછોડોં. ના…

નરોત્તમ જિવાઈ ગયેલા જીવતરનાં જટિલ સમીકરણોમાં સરી પડ્યો. એની આંખેથી, મહા મહિનાની વહેલી પરોઢે પાક્કાં મહુડાં ખરી પડે એમ ટપ્પ્ ટપ્પ્ આંસુ ખરવા લાગ્યાં. એ આંસુને લૂછ્યા કે રોક્યા વગરએ એકીટશે કૂવાના લીલછોયા જળ સામું તાકી રહ્યો. ને એની ભીની આંખ સાેમ ડૉક્ટર દેસાઈનો ચશ્માંધારી ચહેરો આવી ઊભો. એમની આંખોમાં આશ્ચર્ય છલકતું હતું. એની હયાતીને નકારતા હોય એમ માથું ધુણાવીને ડૉક્ટરે કહેલુંઃ

‘જુઓ, મિ. પરમાર, તમારા બધાય રિપૉર્ટ્સ મેં તપાસ્યા છે. તમને એ જાણીને આઘાત લાગશે કે બધાય રિપોર્ટ્સ નૅગેટિવ છે. તમારા શરીરમાંથી પુરુષનાં હોર્મોન્સ ઘટતાં જાય છે. ને તમે ધીરે ધીરે ન…’

‘હા, હા, હું નપુંસક છું — હું બાયલો છું!’ નરોત્તમ જોરથી કરાંજી ઊઠ્યો. સૂના વગડાને ચીરતા એના શબ્દો સાર્થક ઠેરવતો હોય એમ અવાવરુકૂવોય પડઘાઈ ઊઠ્યો. દૂર ખેતરમાં દામું વાળતા કો’ક પાણતિયાએ મોટો ધબાકો સાંભળ્યો. પાવડો પડતો મેલીને એ હૅડી કાઢતો કૂવા પાસે આવ્યો. નમીને જોયું તો—

—નરોત્તમનો દેહ કૂવાના લીલછોયા પામીમાં તરતો હતો. ને જમણા હાથની ખૂલી ગયેલી મુઠ્ઠીમાં પડેલી પેલી લાલ-લીલી ઢીંગલી હવામાં આમતેમ ડોલતી હતી. (‘ઇન્ડિયા ટુડે’ — સાહિત્ય વિશેષાંક માર્ચ ૧૯૯૭,માંથી)