ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/દશરથ પરમાર/બે ઇ-મેલ અને સરગવો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
બે ઇ-મેલ અને સરગવો

દશરથ પરમાર

પ્રિય શૈલી, ચોંકી ગઈ ને? કે પછી ગુસ્સે થઈ? ધારી લઉં છું કે તારી પ્રકૃતિ પ્રમાણે પહેલાં તો થોડી ચોંકી જઈશ. હોઠ ભીડી, આંખો ફાડી ત્રાટક કરવા લાગીશ. હું સામે ઊભી હોઉં, સાક્ષાત્ અને મને ખાઈ જવા માગતી હોય એમ ઘૂરકીયાં કરવા લાગીશ. કદાચ એવું પણ બને કે કમ્પ્યુટરના સ્ક્રીન પર મુક્કા મારવા લાગી જાય. પરંતુ આ તો થઈ મારા મારા પક્ષની, ધારણાની વાત. શક્યતા તો એવી પણ ખરી કે આમાંનું કશું જ બને નહીં. ને તું કમરે હાથ ટેકવી, ઊંડા વિચારમાં સરી પડીને આ આખી વાતને તટસ્થતાપૂર્વક જોવા લાગી જાય. એ અપેક્ષિત પણ છે, શૈલી! પણ પ્લીઝ! સાવ એવું ન કરતી. તું ગુસ્સે થાય એ મને તો ગમે, ખૂબ ગમે. તારો એટલો તો અધિકાર છે મારા પર. ને તારી પાસે ગુસ્સે થવાનાં પૂરાં કારણો પણ છે જ ને! તને તો એમ પણ હશે કે હું તને સાવ ભૂલી ગઈ છું. પણ સાવ એવું નથી, બકા! ઘણા સમયથી ગંભીરતાપૂર્વક વિચારું છું કે લાવ, શૈલીનો કોન્ટેક્ટ કરું. પણ એ વિચારનો અમલ કરવામાં એટલી બધી અડચણો આવી પડે છે કે ન પૂછ વાત!

થોડીકવાર પહેલાં મારું ઈ-મેઈલ એકાઉન્ટ ખોલીને જોયું તો બાપ રે બાપ! ધડાધડ કરતા એક સામટા વીસ મેઈલ આવીને ઠલવાયા, ઈનબોક્ષમાં. પહેલાં તો છળી જ મરેલી. આ શું? કોણ નવરું હશે આટલા બધા મેઈલ કરનારું? પછી તારું એડ્રેસ વાંચી અંદર જે હરખ ઉમટ્યો છે એને વર્ણવવા ખરેખર મારી પાસે કોઈ શબ્દો નથી. સોરી હોં, શૈલી! આ નવા ઘરમાં આવ્યા પછી તો સૂરજ ક્યારે ઊગે છે ને ક્યારે આથમી જાય છે એનીય સૂધ રહેતી નથી. પાઈની પેદાશ નહિ ને ઘડીની નવરાશ નહિ જેવો ઘાટ થયો છે. રાત્રે પલંગમાં આડા પડખે થાઉં ને તારું સ્મરણ થઈ આવે. થાય કે લાવ, એકાદ મેઈલ કરી નાખું. તું શું કરી રહી છે એ જાણવા તો મળે. ફટ્ટ કરતી ઉભી થઈ જાઉં. અહીં સુધી આવુંય ખરી. પણ જોઉં તો શૈલેષ એમના કશાક કામની ગડમથલમાં હોય એટલે વાત પાછી બીજા દિવસ પર ઠેલાઈ જાય. દિવસે સમય મળી રહે. પણ આ કમ્પ્યુટર ઝાઝું ફાવે નહિ. ને બીજું શું કહે છે પેલું? યુનિકોડ ફોન્ટ ને એવું બધું આપણું કામ નહિ. એટલે સ્તો જોને, આપણી બોલચાલની ભાષાને અંગ્રેજીમાં જ ઊતારી રહી છું. વાંચવામાં તકલીફ પડે તો માફ કરજે. આ રીતે લખવામાં મનેય થોડું કષ્ટ તો પડી જ રહ્યું છે પણ તારી સાથે વાત કરવાથી ભીતર જે રોમાંચ થઈ રહ્યો છે એની આગળ આવી અડચણો તો સાવ તુચ્છ લાગે છે.

તો, શૈલી! આટલી પૂર્વભૂમિકા પછી મૂળ વાત પર આવું?

થોડા સમયથી જીવ સખત મૂંઝાય છે. કશી વાતે જંપ નથી થતો. પૂર્વે ક્યારેય ન અનુભવી હોય એવી મૂંઝવણ અનુભવાય છે. કશુંક અનપેક્ષિત બનવાનું હોય એવી ફડક રહ્યા કરે છે, સતત! આખો દિવસ ઘરમાં એકલી-અટૂલી વાતેય કોની સાથે કરવી? આ ઘરમાં રહેવા આવ્યા પછી થોડાક દિવસોથી તો શિવાકાકા પણ ડોકાયા નથી. ન ઓળખ્યા એમને? લે, હુંય કેવી મૂરખ છું! તને શિવાકાકા વિશે કશી વાત કરી નથી પછી તું એમને ક્યાંથી ઓળખવાની? ગજબના માણસ છે શિવાકાકા! એ કંઈ અમારા સગા કાકા નથી. ના, કુટુંબીય નહિ. દૂરના કે નજીકના સગામાંય નહિ.ને તોય એ જેટલા પારકા છે એટલા જ, બલ્કે એથીય વધુ પોતીકા છે. એમના માટે નોકર કે ચાકર કે એવા કોઈ શબ્દો પણ પ્રયોજી નહીં શકાય. પણ જવા દે ને એ બધી લપ્પન છપ્પન! એવાં વિશેષણો કે સંબોધનોના ગૂંચવાડામાં પડ્યા વગર તને એમની ઓળખાણ કરાવું એ જ અગત્યનું છે. આમ તો એ ગામડાગામના માણસ પણ એવું એક્કેય લક્ષણ તમને એમના વ્યક્તિત્વમાંથી શોધ્યું ન જડે! એ અમારા ઘરના સદસ્ય કઈ રીતે બન્યા એનો ય એક ઈતિહાસ છે. અલબત, શૈલેષ દ્વારા જ જાણવા મળેલો.

વાત એમ હતી કે ગામડાઓમાં પહેલાં તો ઘરાકપ્રથા ચાલતી. શિવાકાકા અમારા ઘરાકના એકના એક દીકરા. મારા સસરાને શહેરમાં સબમર્સિબલ પંપ બનાવવાની ફેક્ટરી. શિવાકાકાના બાપુજીએ એકવાર વાત કરી હશે.

— શેઠ! અમે તો આખું આયખું તમારા હેતરોમાં ઢહેડા કરી ખાધા પણ આ એક છોકરુ છઅ ઈનં ચ્યોંક થાળઅ પાડી આલોં.!

સસરાજીને વાતમાં માલ લાગેલો. એમને એમ કે એ બહાને છોકરું તૈયાર થશે ને ઘરાકવટી જાળવ્યાનો જશ મળશે એ નફામાં. થોડાક જ સમયમાં શિવાકાકા તો અવ્વલ દરજ્જાના કારીગર બની ગયા. એમના હુન્નર આગળ ભલભલા એન્જિનીયરો પણ પાણી ભરે! એમના લીધે જ પ્રોડકશન કોસ્ટ ઘટી, પંપની ક્વોલિટી સુધરી અને દેશભરમાં ડિમાન્ડ પણ વધી.

હવે થયું એવું કે એકવાર રાજસ્થાનના કોઈ ડીલર તરફથી પંપનો મોટો ઑર્ડર મળ્યો. શિવાકાકાએ રાત-દિવસ જોયા વગર મહેનત કરીને નિયત સમયમાં માલ તૈયાર કરી દીધો. પણ જેવી ડિલીવરીની વાત આવી કે પેલો ડીલર ફરી ગયો. હવે શું કરવું? આટલા બધા પંપને ક્યાં સાચવવા? ઓછામાં પૂરાં ત્રણ ચોમાસાં ફેઈલ ગયાં. પાણી તળિયે જઈ બેઠાં. બોર ફેઈલ થવા લાગ્યા. ગોડાઉનમાં ભરી રાખેલા પંપ કાટ ખાવા લાગ્યા. ફેક્ટરી વેચવાની વાત આવી પણ શિવાકાકા નામક્કર ગયેલા. સસરાજીએ ગામની બધી જમીન વેચી નાખી તોય દેવું ભરપાઈ ન થયું. એવામાં શિવાકાકા વહારે આવી ચડ્યા. એમનાં પત્નીના દાગીના વેચી ખૂટતી રકમ લઈ આવ્યા ને એમ ફેક્ટરી બચી ગઈ. હવે તું જ કહે, શૈલી! આ હળાહળ કળિયુગમાં કોઈ સગા ભાઈ માટેય આટલું કરે કે?

ઉંમર હશે પંચોતેર આસપાસની પણ લાગે નહિ. એમના માથામાંથી એક સફેદ વાળ શોધવો મુશ્કેલ. ને દાંત તો બધાય એવાને એવા, સલામત અને મજબૂત. થાકવાનું નામ નહિ. ને તોય શૈલેષ એમની ઉંમર વિશે વિચારીને કહે.

— બહુ કામ કર્યું, કાકા! હવે થાક્યા હશો. આરામ કરો. તમારો પગાર ઘેર પહોંચાડી દઈશ!

તો જવાબમાં શું કહે, ખબર છે?

— અરરર! એ હું બોલ્યા શેઠીયા? હરાંમની કમાંણી ઉપરવાળો હજમ ના થવા દ્યે! મારા કાંમમં કાંય ખાંમી આઈ હોય તો ક્યો, બાચી…

કોઈની વાત માને નહિ. મારાથી રહેવાય નહિ તે સસરાજીના સમ નાખું તો કહે..

— મારી ચાંમડીના જોડા સિવડાઈનં તમોનં બધાંનં પેરાવું તોય આ ભવમં તો છૂટું ઈમ નહિ. મારા મોટા શેઠ વોય નંઈ નં મારો મનખો શુધરઅ નંઈ! એ અતા તો આજે આ છાતી કાઢીનં ફરીયેં છીયેં. નકર ગાંમમાં ચ્યાંય માટી હંગાથ્ય બાથોડાં ભરતા વોત ક પછં ઊકેડોંમં આળોટતા વોત! આ તો બધી ઋણાનુબંધની વાતો છં,ભા!

એ હંમેશા મને ‘ભા’ કહીને બોલાવે. હું પૂછું: કાકા! આ તે કેવું સંબોધન? તો હસીને કહે.

— અમારામં નેંની વઉ નં ‘ભા’ કઈનં બોલાવવાનો રિવાજ છઅ. તમાંનં કાંય વાંધો તો નહિ નં, ભા?

હવે મને તો શો વાંધો હોય શૈલી? પણ તને તો કંટાળો નથી આવતો ને? ને આવશે તોય કોને કહીશ? માઉસ પર દાઝ કાઢીશ કે પછી કમ્પ્યુટર શટ ડાઉન કરી દઈશ, બીજું શું? પણ મને પાક્કી ખાતરી છે કે તું એવું કશું જ નહીં કરે. તને યાદ હશે જ કે આપણે કોલેજમાં સાથે હતાં. એક જ શેરીમાં રહેતાં ને તોય વિચારોના આદાન-પ્રદાન માટે કેવા લાંબા-લાંબા પત્રો લખ્યા કરતાં! મારી નાનામાં નાની સમસ્યા વાંચીને પણ તું કેવી સીરિયસ થઈ જતી? તને હંમેશા મારી ફિકર રહ્યા કરતી એટલે તો અત્યારે પણ હું વિશ્વાસપૂર્વક કહી શકું છું કે આ ઈ-મેઈલ વાંચતાં-વાંચતાં, હજારો કિલોમીટર દૂર રહીને પણ તું ચિંતામાં પડી જવાની

એમ તો, શિવાકાકાનેય મારી ચિંતા ઓછી નથી, હોં કે!

સાંભળવામાં આવે કે ફલાણા ઠેકાણે સારો ડૉક્ટર આવ્યો છે તો બધુંય કામ પડતું મૂકી તપાસ કરી આવે. પછી દોડતા અહીં આવી પહોંચે. સાવ લગોલગ આવી, શૈલેષને સંભળાય નહિ એમ કાનમાં ફૂંક મારી જાય. પાછા દાખલાય આપી બતાવે. આ ડૉક્ટરની દવા ફલાણાની વહુએ લીધી તો ત્રણ જ મહિનામાં…

હું થોડું હસવામાં કાઢી નાખું. પણ લીધી વાતનો તંત મૂકે તો એ શિવાકાકા શાના? ડૉક્ટરની વાતમાં રસ ન લઉં તો ભૂવાના દોરા-ધાગા ને બાધા-આખડીની પ્રપોઝલ પણ લઈ આવે. શૈલેષને વાત કરતાં મારી જીભ ન ઉપડે. મૂળે પાછા એ સાયન્સના માણસ. આવી બધી બાબતોમાં જરીકેય વિશ્વાસ ન કરે. ઉલટાના તતડાવી નાખે. પણ મને તો, શૈલી! બધુંય જાણતી હોવા છતાં આ બધી વાતોમાં રસ પડે. ડૂબતો માણસ તણખલાના સહારે તરી જવાની કોશિશ નથી કરતો, એવું જ કશુંક લાગે.

એકવાર તો શિવાકાકા કોઈ ત્રણ-સવા ત્રણ ફૂટના બાવાને ક્યાંકથી પકડી લાવેલા. કહે:

— બાવજી હડમાંનદાદાના ઉપાસક છં! હેમાળામાં વરસોથી રે’તા’તા. ઈમની કૃપા થઈ જાય તો…

પણ એમનીય કશી કૃપાદ્રષ્ટિ ન થઈ તો ઉનાળાના એક ખરા બપોરે મેલાંઘાણ કપડાંવાળા આદિવાસી જેવા એક માણસને પકડીને હાજર થયા. દેખાવે જ જંગલી જેવો લાગતો પેલો માણસ વિચિત્ર લાગતો હતો. માથે જીંથરાળા વાળ, પગમાં કાણાં પડેલા ગમબૂટ…ખભે ફાટ્યો-તૂટ્યો થેલો. એમાંથી ડોકાતી જાત-જાતની જડીબુટ્ટીઓ.. શરીર પર ચોંટેલાં વનસ્પતિનાં પાંદડાં અને એમાંથી આવતી દેશી દવાઓની વાસ…

એની વકીલાત કરતાં શિવાકાકા કહે:

— વૈદરાજ છં મોટા! વિજયનગરનાં જંગલોમાંથી જડી ’ગ્યા! જડી-બૂટ્ટીના જબરા જાંણકાર… ઈમની પાહણ્ય અકસીર ઈલાજ છઅ!

પેલો તો ઓસરીમાં જ પલાંઠી વાળીને બેઠો. થેલામાંથી અવનવાં મૂળિયાં-પાંદડાં કાઢે, સૂંઘે ને પછી આરસના ખરલમાં ઘૂંટવા લાગે. થોડીકવાર થઈ હશે ત્યાં તો શૈલેષ અચાનક આવી ચડ્યા. ખલ્લાસ! શિવાકાકાનું તો જાણે ઠીક. હું તો અંદરથી ને બહારથી થરથર ધ્રૂજવા લાગેલી. કોઈ જવાબ સૂઝે નહિ. વળતી જ પળે શૈલેષે રાડ પાડી કે પેલો જંગલી તો થેલો ખભે કરીને જાય નાઠો…

એ ઘટના પછી હું શિવાકાકાને સમજાવવાનો પ્રયાસ કરવા લાગી હતી. કહું કે, કાકા! મોટા-મોટા ડૉક્ટરોએ હાથ ધોઈ નાંખ્યા છે ત્યાં આવા ભૂવા-વૈદ્યોથી શું વળવાનું? હવે મેં તો સ્વીકારી જ લીધું છે કે …

— હૌથી મોટો દાકતર તો ઉપરવાળો છ, ભા! આપડી બધી નાડીઓ ઈના હાથમં છં.! એ જે દા’ડઅ ના પાડશેં તારની વાત તારઅ! બાચી આ ખોળિયામં જીવ છઅ ત્યાં લગી કોઈ મનં રોકી નૈં હકઅ, હમજ્યાં?

બોલ હવે, આમને શું કહેવું? હું એમની લાગણીને સારી રીતે સમજું છું ને એટલે જ તો એમના આવા વિશફૂલ થિંકીંગ આગળ મારાં સઘળાં શસ્ત્રો હેઠાં મૂકી દઊં છું. લે, મૂળ વાત તો હવે યાદ આવી. વચ્ચે વળી એ સરગવાની પાછળ પડી ગયેલા. તને નવાઈ લાગશે કે આ આખી વાતમાં સરગવો વળી ક્યાંથી ફૂટી નીકળ્યો? નવાઈ તો મનેય લાગેલી. પણ આ સરગવાનીય આગવી કથા છે પાછી!

તું આ ઘેર તો આવેલી છે ને? ના,ના! ત્યારે તો મેડીબંધ હતું. જૂની ડિઝાઈનનું. પાછળ મોટો વાડો, વાડામાં જાતજાતના ફૂલ-છોડ ને ઝાડ -ઝાડવાં. એ બધામાં અલગ તરી આવતો ખૂણામાં ઉભેલો માથોડું ઊંચો સરગવો, યાદ આવે છે તને? અત્યારે તો મોટું ઝાડ થઈ ગયો છે, ઘમ્મરઘટ્ટ! એના કૂણાં-કૂણાં લીલછોયાં પાન ને સીઝનમાં આવતાં ઝૂમ્મર સરીખાં પીળાશ પડતાં સફેદ ફૂલ! મને આ સરગવાનો ખૂબ હેવા, શૈલી! સવારે વાડામાં બ્રશ કરવા જાઉં ત્યારે એ નાજુક-નમણાં ફૂલો સામે જોતાં-જોતાં વિસરી જવાય કે ગેસની સગડી પર ગરમ કરવા મૂકેલૂં દૂધ ઊભરાઈ જશે. ફૂલો સામે એક્ટક તાકી રહું ને ત્યાં જ અચાનક ત્રણ ચાર ખિસકોલીઓ એની પાતળી ડાળીઓ પર કૂદકા લગાવતી-નર્તન કરતી આવી પહોંચે. પછી બેઠી-બેઠી પેલાં ફૂલોને એમના તીક્ષ્ણ દાંતો વડે કરકોલ્યા કરે. જોતજોતામાં તો કતરાઈ ગયેલાં ફૂલોનો ઢગલો થઈ જાય જમીન પર. મારો જીવ ચચરવા લાગે. રહેવાય નહિ તે પથ્થર મારી-મારીને પેલી ખિસકોલીઓને ત્યાંથી ભગાડી મૂકું.

આમ, સરગવો રાત-દિવસ ફૂલે-ફાલે. પણ ફળે નહિ. એક બપોરે મેડી પર બેસીને ખિસકોલીઓની રમત નિહાળી રહેલી ત્યાં જ નીચેથી શિવાકાકાનો ટહુકો સંભળાયો. પહોંચીને જોઉં તો પરસેવે રેબઝેબ એવા એ હાંફતા હતા.

—મારી એક વાત માંનશોં, ભા? આ વાડામં હરગવો છઅ નં ઈનં પડાઈ નાખોં! મૂળમાંથી કઢાઈ નાખોં!

—પણ કેમ? કંઈ કારણ?

—બશ્ય, ઈમનંમ જ! ખાલી ખોટો માગ રોકઅ છઅ. નં રાત-દા’ડો નકાંમો કસ્તર ઝેરવ્યા કરઅ છઅ ઈના કરતાં…

—ના, વાત કંઈક બીજી જ છે, કાકા!

ખાસ્સીવાર સુધી તો એ એમની વાત પર અડગ-અટલ રહ્યા. પણ મારી જીદ આગળ નમ્યા વગર એમનો છુટકો ક્યાં થવાનો હતો?

—મીં હાંભળ્યું છઅ કઅ જે ઘરની આગળ કઅ પાછળ હરગવાનું ન ફળતું ઝાડ વોય એ ઘરનો વેલો આગળ… તમે અવઅ ઝાઝી ભોડાકૂટ કર્યા વગર્ય બશ્ય, કપાવી નાખોં એવા ઈનં! કાઢી નાંખો મૂળમાંથી નં માંય મેંઠું ભરીનં મૂળીયાંય બાળી નાંખો…

હવે, શૈલી! આવા બધા નિર્ણયો તો શૈલેષે જ લેવાના હોય ને? રાત્રે ડરતાં-ડરતાં વાત કરી તો એ વળી ઉગ્ર થઈ ગયા.

—હવે તો હદ થાય છે! આ શિવાકાકાનું ચસકી ગયું લાગે છે. રોજ નવા-નવા તુક્કા! બોગસ વાતો છે આ બધી, એબ્સોલ્યુટલી બોગસ! ને એમનું તો જાણે કે ઠીક છે, ઓછું ભણ્યા હોય એટલે વિચારશક્તિ ટૂંકી હોય. પણ તું ગ્રેજ્યુએટ થઈને એમની આવી વાહિયાત વાતો પર ભરોસો કરે છે?

એમની વાતેય ખોટી નથી. એમનો વૈજ્ઞાનિક અભિગમ તદ્ન સાચો ને સ્વીકાર્ય છે. પણ પાછું ઊંડે-ઊંડે એમ પણ થયા કરે છે, શૈલી! કે આ પરંપરાગત વાતો પણ સાવ કાઢી નાખ્યા જેવી નથી હોતી. આપણી પ્રગતિનાં મૂળીયાં ખરેખર તો પરંપરામાં જ પડેલાં હોય છે ને? શક્ય છે કે શિવાકાકાની વાત સાચી પણ હોય. એ સરગવાને આમેય ફળ તો આવતું નથી પછી કાઢી નાખવામાં શું ગૂમાવવાનું છે?

એ વાતને થોડો સમય વીત્યો હશે ત્યાં જ ખુશ થઈ જવાય એવા સમાચાર મળ્યા. આ ઘર પાડીને હવે નવું કરવાની ઈચ્છા છે. શૈલેષની આ વાત સાંભળીને હું તો ખુશખુશાલ! શિવાકાકાનાય હરખનો પાર નહિ. સવારે વાડામાંથી પાછી ફરતી વખતે આંખો કાઢી પેલા સરગવાને ધમકાવી નાંખું: હવે થોડા દિવસ રહી જા. તારી ખેર નથી…

ને, શૈલી! એ સમય પણ આવી ગયો. પરંતુ આ વખતેય હાર તો અમારી જ થઈ. મારી ને શિવાકાકાની. તો પછી જીત કોની થઈ? શૈલેષની? સરગવાની? કે પછી…?

એન્જિનીયરે તો ખાસ્સી તાણ કરી હતી પણ શૈલેષ માન્યા નહિ. કહે. – જૂના વખતનો છે. આપણું શું ખાઈ જાય છે? ભલે ને રહેતો! તે, શૈલી! આ રહ્યો એવો એ. એવો ને એવો, અડીખમ! હવામાં આછું આછું ઝૂલીને મંદ-મંદ મલકતો. સવામણનો પથ્થર બની મારી છાતી પર ચડી મને પળે પળે ગૂંગળાવતો…

આવી બધી વાતો છે, શૈલી!

નવા ઘરમાં રહેવાનો આનંદ કોને ન થાય? થયો છે, મને પણ થયો છે. પરંતુ જીવ સતત મૂંઝવણમાં અટવાતો રહે છે. શિવાકાકાય ઘણા સમયથી દેખાયા નથી. મનમાં જાતભાતની શંકા-કુશંકાઓ જન્મી રહી છે. શૈલેષને વાત કરી.

—સાલું ધંધાને લીધે હમણાં એટલું ટેન્શન રહે છે કે આ વાત તો મારા ધ્યાન બહાર જ જતી રહી. હમણાંથી તો એ ફેક્ટરીએ પણ નથી આવતા. તપાસ તો કરવી જ પડશે.

તરત જ એ મારતી ગાડીએ ઉપડ્યા શિવાકાકાના ઘર તરફ. ને હું આ રીતે તારી સાથે ગોઠડી માંડવા બેઠી. સાચું કહું, શૈલી? આ આટલું કમ્પોઝ કર્યા પછી જાણે તને રૂબરૂ મળી હોઉં એવી હળવાશ અનુભવાય છે. તને વળી થશે કે સંક્ષિપ્તતાના આ યુગમાં આટલો લાંબો મેઈલ? તો હું કહું છું કે હોય! આપણે લાંબા-લાંબા પત્રો નહોતાં લખતાં?

તો, હવે અટકું? જો, નીચેથી ગાડીનો હોર્ન સંભળાય છે. કદાચ શૈલેષ હશે. સાથે શિવાકાકા પણ હોવાના. ચાલ, ફરીથી મળીશું, આ જ રીતે. તું લખજે પાછી.

હું રાહ જોઈશ.

તારી, માનસી

વ્હાલી મારી શૈલી,

મારો મેઈલ મળ્યો હશે. તારો રિપ્લાય નથી. આવું ચાલે, બકા? હજીય નારાજ છે? હવે તો ત્યાં રૂબરૂ આવીને મનાવવા સિવાય બીજો કોઈ રસ્તો રહેતો નથી. મનમાં થાય છેય ખરું કે અબ્બી હાલ ઉડીને પહોંચી આવું. પણ મારી પરિસ્થિતિ તો તું જાણે જ છે ને! અમારે અહીં ત્યાંના જેવું કલ્ચર નહિ કે બાવા ઊઠ્યા બગલમાં હાથ! અહીં તો સંબંધોની માયાજાળમાં આપણે એવાં તો ગૂંથાઈ-વણાઈ ગયેલાં હોઈએ છીએ કે લગીરેય ચસકી શકાય નહિ. ઘણીવાર એવો પણ વિચાર આવે કે આપણે આ જીવીએ છીએ તે આપણા માટે કે પછી…?

ચાલ, છોડ એ બધી વાતો. જેના માટે આ લખી રહી છું. એ વાત પર આવું.

ગયા મેઈલમાં મેં તને શિવાકાકા વિશે ખાસ્સી વિગતે લખેલું. હું ક્યાં અટકી હતી? અરે હા.! યાદ આવ્યું. શૈલેષની ગાડીનો અવાજ સાંભળી હું નીચે ગઈ હતી. જોયું તો ગાડીમાંથી બહાર નીકળેલા શૈલેષનો ચહેરો સાવ પડી ગયેલો ને એમની ચાલ સાવ ઢીલી-ઢીલી. મારી ઉત્તેજના તીવ્ર થતી જતી હતી. દોડતી સામે પહોંચી: શું થયું? શિવાકાકા ઘેર હતા? સાજા-નરવા તો છે ને? અહીં કેમ આવતા નથી? કોઈ વાતે માઠું લાગ્યું છે કે પછી?

મારા એકસામટા સવાલોનો શૈલેષે જે જવાબ આપ્યો તે ફક્ત એક જ વાક્યનો હતો અને સાવ અનપેક્ષિત!

—શિવાકાકા તો ગઈકાલે રાત્રે ઊંઘમાં ને ઊંઘમાં જ…!

ઓ… શૈલી.. શૈલી! મને તમ્મર આવી ગયા હતા. આંખો સામે અંધારું છવાઈ વળેલું. ને બેભાન થઈ ત્યાં ને ત્યાં જ ઢળી પડી હતી. એકાદ કલાક પછી ભાનમાં આવેલી. પણ માનીશ? એ આઘાતની કળ તો હજી આજે, આ ક્ષણેય નથી વળી. મને અત્યારેય રહી-રહીને સાંભરી આવે છે. તે દિવસે એમના બેસણામાં ગયેલાં અમે. ભારે હૈયે પાછાં ફરવાનું કરતાં હતાં ત્યાં જ એમના એક પડોશીએ પૂછેલું કે શિવાકાકા છેલ્લી પળોમાં ‘ભા-મારાં ભા, મને માફ કરજો’-એવો બબડાટ કરતા હતા, તે શેઠ! આ ‘ભા’ કોણ છે?

એમના અવસાન પછી દિવસો સાવ દોહ્યલા થઈ પડ્યા છે. ને રાતો લાંબીછેલ, કદી નહિ ખૂટનારા રણ જેવી! એકાદ મહિના પછીની વાત છે, શૈલી! ઊંઘમાં હતી કે જાગતી – કશું નક્કી ન થઈ શકે એવી અવસ્થા હતી. સામે શિવાકાકા ઊભેલા. એવાને એવા જ, ટટ્ટાર! સફેદ વસ્ત્રો, માથે કાળી ટોપી, હાથમાંની વોકીંગ સ્ટીક દૂધિયું અજવાળું રેલાવે. બાકી ચારેકોર નર્યો અંધકાર. મને હળવેથી બોલાવતાં કહે –

હવે તમે ચિંતા કરશો નહિ, ભા! હું તમારા પડખે છું. હવે તમને કે મને કોઈ રોકી શકે એમ નથી. મેં પેલો સરગવો પડાવી નાખવાની વાત કરેલી ને! પણ એ વખતે શેઠ માન્યા નહીં. હોય, મોટા માણસ છે તે આવી બધી વાતો એમને તો વાહિયાત જ લાગવાની. પણ મેં ક્યાંક સાંભળેલું કે કશી વાત કે વસ્તુમાં આપણો જીવ ભરાયો હોય ને એ વાસના પૂરી ન થાય તો બીજા અવતારમાં એ વસ્તુના માધ્યમથી એને પૂરી કરી શકાય છે. મારો જીવ શેમાં અટવાયો હતો એ તો તમે જાણો જ છો ને, ભા! મારી એ ભાવના થકી જ મને મોક્ષપ્રાપ્તિ મળશે એટલે એક વાતનો ખ્યાલ રાખજો. હવે ભૂલથીય પેલા સરગવાને પાડવાનો વિચાર કરતાં નહિ…!

હું તો આશ્વર્યચક્તિ બનીને તાકી જ રહેલી આ શિવાકાકા હતા? એમને આવી ભાષા ક્યાંથી આવડી ગઈ? મારી વિચારશક્તિ સાવ હણાઈ ગઈ હતી. કશું કરું એ પહેલાં તો શિવાકાકા પાછળ ને પાછળ ખસવા લાગ્યા. જોતજોતામાં તો એ ખાસ્સા દૂર પહોંચી ગયા. એમની ઊંચાઈ અચાનક ઘટવા લાગી. થોડીક પળોમાં તો એમનું શરીર સાવ નાનું બની ગયું, હથેળીઓમાં સમાઈ જાય એટલું નાનું! ધીરે-ધીરે એમના ચહેરાની રેખાઓ પણ બદલાવા લાગી. અચાનક ક્યાંકથી નાના બાળકના રડવાનો અવાજ સંભળાયો. ઉંવા… ઉંવા! હું એકદમ બહાવરી બની એ દિશામાં હાથ લંબાવી દોટ મૂકવા ગઈ ત્યાં જ શૈલેષના છીંકવાનો અવાજ સંભળાયો. ઘડીવારમાં તો બધુંય વેરવિખેર. આંખો ખેંચીને જોઉં તો આખાય રૂમમાં સૂનસૂનાકાર. ઘડિયાળ પર નજર પડી તો સવારના પાંચ થવા આવ્યા હતા.

એ વાતનેય આજે તો દોઢ મહિનો થવા આવ્યો. ને અત્યારે મારું શરીર જાણે શરીર નથી. હવામાં મુક્ત ઉડ્યન કરતા કોઈ પક્ષીની પાંખમાંથી ખરી પડેલા પીંછાને વજન હોય? મારે માટે ખુશીનાં તમામ દ્વાર ખૂલી ગયાં છે. પણ એમાંથી જરાક ડોકિયું કરીને જોઉં છું તો સામે અઢળક મૂંઝવણો પલાંઠી વાળીને બેઠી છે. બેઠી-બેઠી ધૂણ્યા કરે છે, અવિરત. શૈલેષને જણાવ્યું તો ન તો એમણે મને ચૂમી લીધી કે ન તો ઊંચકીને ફેરવી. ઊલટાનું જાણ્યા પછી તો એ થોડા દૂર સરી જતા ભળાય છે. કદાચ એવું ન પણ હોય. લાગણીના પ્રદર્શનમાં આપણે સ્ત્રીઓ જરા વધારે પડતી વેવલી થઈએ છીએ. પુરુષો એ બાબતમાં ભારે પાક્કા! ધંધાના ટેન્શનને લીધે કદાચ એ એવી રીતે વર્તી રહ્યા હોય. કશુંય નક્કી થતું નથી. પણ એટલું તો ચોક્કસ કે એ હવે વાતવાતમાં ચિડાઈ ઊઠે છે. કશુંય પૂછું તો સરખો ઉત્તર ન મળે. ક્યાંક, કશીક વાતે ગૂંચવાઈ પડ્યા હોય એવું લાગ્યા કરે. તે દિવસે ડૉ. વસાવડાએ ઉત્સાહપૂર્વક અભિનંદન આપ્યા તોય એ તો રૂમની દિવાલ સામે ટગર ટગર તાકી રહેલા. ઘેર પણ એવું જ વર્તન. કશો જ સંવાદ નહિ. મોડી રાત સુધી કમ્પ્યુટરમાં માથું ખોસી માઉસ રગડયા કરે ને ત્યાંથી ઉઠીને પલંગમાં પડે તે વહેલી પડજો સવાર!

હમણાં એકવાર મોડી રાત્રે અચાનક ઝબકી જવાયું. જોયું તો શૈલેષ પથારીમાં ન મળે. મનમાં ફાળ પડી. આ રૂમમાં આવીને જોઉં તો એ બારી પાસે ઊભેલા. કશાક બોજથી થાકી ગયેલા હોય એમ ખભેથી નમી ગયા હતા. નજીક પહોંચી જોયું તો એ બારી બહાર એક ટક તાકી રહેલા. ઘટ્ટ અંધારામાં વળી શું જોઈ રહ્યા હશે? મને નવાઈ લાગવા માંડી. ખાસ્સીવાર એમને એમ ઊભી રહી. પણ મારી હાજરીનીય એમના પર કોઈ અસર થઈ નહિ એટલે થાકીને સમાધિભંગ કર્યા વગર પાછી ફરી.

આવું કેમ થતું હશે, શૈલી? આનંદ-ઉલ્લાસના આ અફાટ આભમાં વિષાદનાં કાળાંભમ્મર વાદળોની બિહામણી છાયા શા માટે? મને તો કશું સમજાતું નથી. તને, શૈલી! સમજાય છે કશું? મારે ક્યાં જવું? શું કરવું? તું જ કોઈ માર્ગ બતાવ. આ વખતે તો રિપ્લાય લખજે નહિતર રિસાઈ જવાનો વારો હવે મારો છે, સમજી? અને…

ગાડીનો અવાજ સાંભળી માનસીનો માઉસ પર રહેલો હાથ એકદમ ધ્રૂજી ગયો. માઉસ જરા આઘું-પાછું થઈ ગયું. કમ્પોઝ થઈ ચૂકેલા મેઈલને હવે કનેકશન ચેક કરીને ફક્ત ‘સૅન્ડ’ કરવો બાકી છે ત્યાં વળી કોણ આવી ટપક્યું? માનસીને થોડી ચીડ થઈ આવી. એણે ફટાફટ શૈલીનું ઈ-મેઈલ એડ્રેસ લખી નાખ્યું. પછી સૅન્ડ બટન કિલ્ક કર્યું. ગાડીનો હોર્ન ઉપરાઉપરી વાગી રહ્યો હતો. ડ્રાફ્ટસ્ ફોલ્ડરમાં પડેલો મેઈલ ત્યાંથી નીકળી આઉટબોક્ષમાં પહોંચ્યો કે નહિ તેની ખાતરી કરવા જેટલો સમય પણ નથી. શૈલેષ આટલો વહેલા તો ન હોય – વિચારતી એ બાલ્કનીમાં પહોંચી. જુએ તો શૈલેષ. એ ગાડીમાંથી ઊતર્યા. માનસી અચંબાભરી આંખે તાકી રહી. આજના, અત્યારના શૈલેષના શરીરમાં કોઈ જુદા જ પ્રકારની સ્ફૂર્તિ વર્તાય છે. એ થોડી હરખાઈ ઊઠી. પણ આ શું? શૈલેષની પાછળ ને પાછળ બે-ત્રણ આદિવાસી જેવા લાગતા માણસો પણ ગાડીમાંથી બહાર નીકળ્યા. એમના હાથમાં કુહાડી અને ધારીયાં જેવાં શસ્ત્રો છે. કોણ હશે એ લોકો? અને શા માટે આવ્યા હશે?

માનસી વધારે કશું વિચારે એ પહેલાં તો શૈલેષ પેલા લોકોને પાછળ તરફ દોરી ગયા. માનસી ધ્રૂજી ઊઠી. દોડતી હોય એવી ચાલે એ પાછળના રૂમની બારીએ પહોંચી. નીચેનું દ્રશ્ય જોતાં જ એની આંખો ફાટી ગઈ. શૈલેષની સરગવા તરફ લંબાયેલી નજર અને પેલા લોકોની એ દિશામાં ગતિ…

હાથ લંબાવી શૈલેષને રોકવા જતી માનસીની નજર સરગવા પર પડી. એનાથી બૂમ પડાઈ ગઈ. પણ એનો અવાજ નીચે સુધી પહોંચ્યો નહીં કે શું? એ આંખો ખેંચીખેંચીને સરગવા તરફ જોઈ રહી. ઘણે ઠેકાણે નાની-નાની, નવજાત શિશુની આંગળીઓ જેવડી શીંગો હવામાં હળવું-હળવું ઝૂલી રહી હતી. થોડકવારમાં તો ખચ્ચ… ખચ્ચાક્… ખચ્ચ..! થડ પર થતા આડેધડ પ્રહાર. માનસીથી જોઈ શકાયું નહિ. એને ચક્કર આવવા લાગ્યા. માથું પકડીને એ કમ્પ્યુટર ટેબલના ટેકે ઊભી રહી. શ્વાસ એકદમ ચડી આવ્યો. દોડીને નીચે પહોંચવાની ઈચ્છા ઉછાળા મારવા માંડી. પણ શરીરના સઘળાં અંગો જાણે અસહકારનુ આંદોલન છેડી બેઠાં હતાં. અચાનક ચારે તરફ અંધારું છવાઈ જતું ભળાયું. ઘટ્ટ અંધારામાં ક્યાંકથી નાના બાળકના રડવાના અવાજો ઊમટી આવ્યા. પડઘાઈ રહેલા એ અવાજો પકડવા માટે એ હવાતિયાં મારવા લાગી. અચાનક પેઢુમાં વાઢ મૂકાવા લાગ્યા. ભીતર કોઈ શારડી ફેરવી રહ્યું છે કે શું? બીજી જ પળે તડાક્ કરતું કશુંક તૂટ્યું. છૂટું પડ્યું. ધગધગતો લાવા. શરીર સાવ નિચોવાઈ જતું અનુભવાયું. એવા શરીરે એણે ખુરશી પર પડતું મૂક્યું. પડતાં-પડતાં અધખુલ્લી આંખે એણે જોયું: શૈલીને મોકલવા ધારેલો મેઈલ હજી આઉટબોક્ષમાં જ અટવાઈ પડ્યો છે અને કમ્પ્યુટરના સ્ક્રીન પર કનેકશન કપાઈ ગયાની સૂચના સતત ઝબૂક ઝબૂક થયા કરે છે…

એની આંખો મીંચાઈ ગઈ. (‘તથાપિ’)