ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મહેન્દ્રસિંહ પરમાર/એમ. પી. અજમેરા

From Ekatra Wiki
Jump to navigation Jump to search
એમ. પી. અજમેરા

મહેન્દ્રસિંહ પરમાર

પોતે બહુ લાયક છે ને નસીબે ખોટી જગ્યાએ ખોસી ઘાલ્યા છે એના અફસોસમાં પછી મરેલાની જેવા ઢસરડા કરી ‘કાઢનારા’ ઘણાં હોય છે. ને નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત વિશેષ યોગ્યતા) થોડાક એમાં આવે ખરા. મહાશાળામાં અધ્યાપન કરવાના સ્વપ્નાંઓ જોતાં-જોતાં વરસો નીકળી ગયાં ને શાળા નંબર સાતમાં જઈને ઠર્યા નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત વિશેષ યોગ્યતા). વિશેષ યોગ્યતા મેળવવાનો ફાયદો શો? એવું વિચારવાનું પણ હવે બંધ કર્યું હતું નરેન્દ્રકુમાર અજમેરા ( ) એ…

નિશાળમાં કંઈક જાતનાં વૈતરાં કર્યાં સરકાર મા–બાપના. પ્રાથમિક શિક્ષકો કામના પાક્કા ને હુકમના તાબેદાર. જે સોંપો તે નીચી મૂંડીએ કરી કાઢે. વસ્તીગણતરી? તો સોપો પ્રા.શિ.ને. પોલિયો અભિયાન? સોંપો એમને. ડબ્બા લઈ-લઈને ઘરે-ઘરે ફર્યા’તા અજમેરા. સંસ્કૃત સાહિત્યની તો… આ માટે પ્રલંબકાળ સુધી અભ્યાસરત રહ્યા? ફેમિલિ પ્લાનિંગ ને સાક્ષરતા અભિયાન… જીવનના વ્યાપક અનુભવો સંચિત કરેલા શાળા નંબર સાતના સંનિષ્ઠ શિક્ષક અજમેરાએ. સમયસર ને શીઘ્ર-ત્વરિત ગતિએ કાર્ય સંપન્ન કરવાની એમની તત્પરતાએ ઉપરી અધિકારીઓને બહુ ખુશ કરેલા.

આ બધાં કામ જોખમ વિનાનાં. શરીર સિવાય બીજા કશાની જરૂર નહીં. પણ પગારધોરણ વધ્યાં ને સરકારને અજમેરા જેવા પ્રા.શિ.ઓ વધુ જવાબદાર લાગવા માંડ્યાં. વાંક અજમેરાનો નહોતો. એ તો બિચારા શિવરક્ષાસ્તોત્ર ને મેધદૂતની દુનિયામાં રમમાણ હતા. વાંક આચાર્યશ્રીનો હતો. નિશાળની બાજુમાં જ નિવાસી ક્લેક્ટરનો બંગલો હોય ત્યારે જે ધ્યાન રાખવું જોઈએ તે એમણે ન રાખ્યું. નિશાળનાં બગીચામાંથી ગુલાબનાં ફૂલ તોડતાં બહેનને આચાર્યે ખખડાવી નાખ્યા ત્યારે એમને ખબર હોત કે એ બહેન ‘શ્રીમતી નિવાસી ક્લેકટર’ છે તો આ બધી પ્રવાસની હોળી ન થાત.

નિવાસી ક્લેક્ટરે આચાર્યને ‘હું તમને બધ્ધાંને જોઈ લઈશ’ કહ્યું પછી તરત વિધાનસભાની ચૂંટણી આવી. નિશાળના એક-એક કર્મચારીને ‘જોઈ લેનારો’ ચૂંટણીની ફરજનો કાગળિયો લઈને સહુ બાઘા બનીને આથડવા લાગ્યાં. આજ દિન સુધી આ નિશાળે પોલિયો-કુટુંબનિયોજનની કામગીરી જ કરી હતી. ચૂંટણીનું કામ ક્યારેય નહોતું આવ્યું. કામ આવે એ તો ઠીક, અત્યંત જવાબદારીવાળું કામ. નિવાસી ક્લેક્ટરના કહેવા પ્રમાણે, ગફલત થાય તો સીધાં જેલમાં. કામ આવે તો ગામમાં ને ગામમાં આવે. નિશાળના આખા સ્ટાફને ઊંચકીને મૂક્યો કંડલા પંથકમાં બહારવટિયાઓના મલકમાં! કુંડલાનાં અંતરિયાળ ગામડામાં પહોંચવા ઘરથી બે દિવસ વહેલું નીકળવાનું.

અજમેરા ( ) સેવ-મમરાની કોથળી ને ઉત્તર રામચરિત લઈ વનવાસે નીકળેલા. સાવ અંદરના ગામડામાં પ્રિસાઈડિન્ગ બનવા. ચૂંટણીપંચની યાદીમાં ગામ હાઈપર સેન્સિટીવ! અજમેરા ( ) સુપર સેન્સિટીવ! કેમનો મેળ આવે? રાતે ગામમાંથી લોકો બોલાવવા આવ્યા.

’ચાલો સાહેબ, જમવા. અહીં કોઈ બીક નથી.’ મતપત્રકોની થોકડીનું ઓશીકું બનાવીને સૂતેલા અજમેરાને ગંધ આવી.’ આજે આ લોકોનું જમું તો કાલે મારું જ ભોજન કરી જાય. અત્યારે જ આ મતપત્રકો લૂંટી લે તો?’ (ત્યારે હજી વીજાણું મતદાન યંત્રોનું આગમન થયું નહોતું.)

‘ના, ના, મારે નથી જમવું. તમારો આભાર.’ ‘માસ્તર, ભુખ્યા મરી જશો. હાલો છાનામાના!’

‘ના ભાઈ, હું અહીં જ ઠીક છું.’ ‘ભલે મરતો માસ્તર.’ કરીને સરપંચ વગેરે ચાલ્યા ગયા. પોલીસમેન હતો સાથે એ તો તરત જમવા જતો રહ્યો.

પ્રાથમિકશાળામાં મતદાન મથક. છાપરું નામનું. નળિયાં-બળિયાં ઊડી ગયેલાં. લાઈટ મળે નહીં. અજમેરાએ ફાનસનાં-જ્યોતિગ્રામ-અજવાળે મતદાન કુટિર તૈયાર કરી. સુરક્ષાકર્મીની ગેરહાજરીમાં મતપત્રકોને કિંમતી ખજાનાની જેમ, ફરી-ફરી ગણતા, જાગતા પડ્યા રહ્યા. ઉંદરડા આમથી તેમ આંટા માર્યા કરે. રખે ને મતપત્રક કોરી ખાય તો? મોટા મૂષકો ધાડ પાડે તો?

ભારતની લોકશાહી વિશે ચિંતવન કરતાં આખી રાત ફફડતા જીવે, ઉભડક પસાર કરેલી. સવારમાં ચાર વાગ્યામાં પ્રાત:કર્મ ‘પતાવી લેવાનાં દબાણમાં નિશાળની ટાંકીથી જલપાત્ર ભરી જતા હતા ત્યાં મતપત્રકોની ચિંતા પેઠી. એક થેલીમાં લીધા સાથે. એક હાથમાં જલપાત્ર ને બીજા હાથમાં મતપત્રો! સંસ્કૃત ભાષામાં આવડતી હોય તેવી અપ્રતિમ ગાળોના પ્રભાતિયાં બોલતા અજમેરા એક ખાડામાં ગયાં. આવું કોઈ દિવસ વિચારેલું નહીં ને પાછું ચૂંટણીનું દબાણ. શિયાળ-કૂતરા આંટા મારે. એટલે મતદાન કર્યા વિના જ પાછું ફરવું પડ્યું. ‘કંઈ વાંધો નહીં બપોરે જમીશું નહીં.’ ઝડપથી પાછા પહોંચી એ જ જલપાત્રથી સ્નાનવિધિ આટોપી.

અજમેરા ( ) એ મતદાન માટેની પૂર્વતૈયારી ‘સૂચના મુજબ’ કરવા માંડી, ઉમેદવારોના નામ વગેરેનાં ચોપાનિયાં લગાવ્યા. ત્યાં બીજા તાબાતળેનાં કર્મચારીઓ આવી પહોંચ્યાં એમાં એક પીઢ હતા. એમણે મતપેટીમાં પેપરસીલ નાંખીને એને સીલ કરી દીધી. ૩૪. ખુંટવડા વિસ્તારનું મતદાનમથક સ્વયંવર માટે તૈયાર થઈ ગયું. સવારના બે ક્લાક તો બધું બરાબર ચાલ્યું. પછી અજમેરાએ બહાર થોડી વિચિત્ર પ્રકારની હલચલ જોઈ. ઉદરશૂલ ઉપડ્યું પણ સહન કરતા બેઠા રહ્યા.

એક તગડા, મુછ્છડ માણસે આવીને કહ્યું: ‘માસ્તર હાલો જમવા. રાતે ય કાંઈ ખાધું નથી.’

ના ભ્રાતા! હું અહીં જ ઠીક છું. હજી ક્ષુધારસ ઉદ્દિપ્ત નથી થયો.’ મુછડ કાંઈ સમજ્યો નહીં એટલે ફર્સ્ટ પોલિંગે કીધું કે સાહેબને ભૂખ નથી લાગી. એક ‘સ્વસ્તિ’ બોલીને તગડા માણસે બીજાં બધાંને જમવા નોતર્યાં. અજમેરા સિવાયના પાંચ જણાં ટાંપીને જ બેઠેલાં. ઉપડ્યા. અજમેરા એકલા.

અજમેરાને ખ્યાલ આવી ગયો. નક્કી કાંઈક થવાનું. ત્રણ વાગ્યા પછી, દ્વિસ્તરીય દબાણ વધવા લાગ્યું. બોગસ વોટિંગ કરી મતો પર થપ્પા મારી દેવાની ભીંસ થવા લાગી. અજમેરાની સંસ્કૃત શૈલીએ મદદ કરી. ‘એવું હું નહીં થવા દઉં.’ મતદાન મથકની બહાર ટોળું જમા થવા માંડ્યું. વારેઘડીએ સંદેશા આવવા માંડ્યા. અજમેરાનું આત્મસન્માન અને ભારતનાં સંવિધાન પ્રત્યેની નિષ્ઠા ઝળકી ઊઠ્યાંઃ

‘ચૂંટણી જ રદ્દ કરાવી શકું. મારા એક નિવેદન પર બધું બંધ રહે. પોલિસનો ગોળીબાર કરાવી શકું’ એવું બોલવા એ જતા હતા પણ આજુબાજુમાં ક્યાંય પોતાના એ રક્ષકને ન જોતાં માંડી વાળ્યું. ખુદ ઉમેદવારને સમાચાર મળ્યા. ‘માસ્તર, સમજી જાવ તો સારું. પછી સારાવાટ નહીં રહે!’

મારા અંતિમશ્વાસ સુધી હું ખોટું તો નહીં જ થવા દઉં.’ મતપત્રકોને ખોળામાં મૂકીને અજમેરા બેઠા. ‘નહીં એટલે નહીં’, ફરી ચૂંટણી કરાવવાની ધમકીએ કામ કર્યું.

જેમતેમ છ વાગ્યા. વૈધાનિક ને અવૈધાનિક, તકરારી મત, મતપત્રકોના હિસાબ, પેપરસીલના હિસાબ વગેરે મળીને સવાસો જેટલાં કવર સીલ કરવામાં અજમેરાને ફીણ નીકળી ગયા. બધું સમેટીને પુષ્પક વિમાન લેવા આવે એની રાહ જોતા, ગામલોકોના ગાલિપ્રદાનનો લાભ લેતા અજમેરા, પટ્ટાવાળો અને પોલિસ. સાંજનું અંધારું ઊતર્યું ત્યારે કુંડલા પહોંચ્યાં. બધું જમા કરાવવા લાઈનમાં ઊભું રહેવાનું. વાસુદેવે કૃષ્ણને યમુનાપાર કરવા માથે ઉપાડેલા એમ અજમેરાએ મતપેટી માથે ઊઠાવેલી ત્યાં કોઈકે કહ્યું. તમને સાહેબ બોલાવે છે.’ હવે વારો મોડો આવશે’—એવા અફસોસ સાથે અજમેરા પહોંચ્યાં. વરિષ્ઠ ચૂંટણી અધિકારી એમને જોઈને મરક્યાઃ

‘૩૪, ખુંટવડા તમે?’

‘૩૪ ખુંટવડા ત… મે છો!’

‘ના જી! હું તો નરેન્દ્રકુમાર અજમેરા!’ સાહેબ હસ્યા. ‘આ પેટી પર લખ્યું છે ને!’

‘હા. જી. જી હા!’ પેટી માથેથી ઊતારવી ભૂલાઈ ગઈ હતી. ‘માસ્તર શું થયું હતું?

‘કશું નહીં સાહેબ, લોકોને મિથ્યા મતદાન કરવું હતું. ને મેં ન થવા દીધું.’

‘નિવાસી’ કશું સમજ્યા નહીં એટલે તાબાતળેના મામલતદારે ફોડ પાડ્યો કે માસ્તર બોગસ વોટિંગનું કહેવા માગે છે. અજમેરાને એમ કે સાહેબ બિરદાવશે.

‘એ તો બરાબર માસ્તર પણ બીજાં મતદાન મથકોમાં ૭૦ ટકા મતદાન થાય ને તમારું ૪૦ ટકા હોય તો જવાબ અમારે આપવો પડે, ઉપરથી પૂછપરછ આવે.’

‘સાહેબ, બીજાનું હું શું કરી શકું? મારો શું વાંક? સત્યનિષ્ઠ રહેવું એ શું મોટું દુષ્કૃત્ય ગણાય?’

‘હવે બીજું સંસ્કૃત બક્યા વિના જાઓ કરાવો જમા બધું. તમારે કારણે અમારે દોડતા રહેવાનું હવે, ક્યાંથી આવા પકડી આપ્યાં છે?’

કૃષ્ણમોક્ષ કરવા અજમેરા તો પાછા હરોળગ્રસ્ત થઈ ગયા. માંડ બધું પૂરું થયું. ટેબલ પર બધું જમા કરાવતા હતા ત્યારે લોકો ચારેય કોરથી એમની હાંસી ઊડાવતા હોય એવું લાગ્યું. – ત્રણ દિવસે ઘરે પહોંચ્યા ત્યારે અજમેરા કોથળા જેવા થઈ ગયેલા. સાંજે માંડ ‘પ્રાત: કર્મ’ થઈ શક્યું. થોડી નિરાંત થઈ. ઈશ્વર આવી વિટંબણાઓમાં ક્યારેય ન મૂકશો-સાયપ્રાર્થનાનો આ એક જ સૂર.

એમની સાયપ્રાર્થનાનો પ્રતિઘોષ ત્રીજા મહિને જ પડેલો. ધારાસભા પછી લોકસભાની ચૂંટણી! હા ધિક્, હા ધિક્! ક્લેક્ટરે વીણી-વીણીને નિશાળને ફૂલના ગજરા મોકલેલા. આ વખતે પણ અતિ સંવેદનશીલ બુથ ઉપર તાકી-તાકીને ગોઠવેલાં. સોપો પડી ગયો. આચાર્યને થયું, બધાં પાસે ગુલાબ ચૂંટાવી, હાર બનાવી ક્લેક્ટરના પગમાં મૂકી આવું!’ પણ હવે શું થાય? આચાર્યનું તો ઠીક, અજમેરાને તીવ્ર મનોતાણ. ચૂંટણી પૂર્વેની તાલિમશિબિરમાં જવું પડે. અત્યંત કુત્સિત વાતાવરણ હોય. દ્વિઅર્થી ભાષામાં મતપેટીને સીલ કરવી ને આવું-આવું બધું બોલાતું હોય. અજમેરાને કોઈએ સૂચવ્યું. માસ્તર થોડા પૈસા આપી નામ કઢાવી નાંખો. અજમેરાને માફક ન જ આવે. ત્રણ તાલિમશિબિરોમાં શિસ્તબદ્ધ ભાગ લીધો અજમેરાએ. એક મિટિંગમાં મામલતદાર કહેતા હતાઃ ‘તમે એક દિવસના ક્લેક્ટર છો. તમે ધારો તો ફાયરિંગના ઑર્ડર આપી શકો.’

‘અસત્ય વાત છે સાહેબ. જ્યારે મુશ્કેલી ઊભી થાય છે ત્યારે કોઈ નથી હોતું આજુબાજુ.’—અજમેરાથી બોલી જવાયું.

આવા અણધાર્યા પ્રતિભાવોથી મામલતદાર થોડા ડઘાયા. ત્યાં ક્લેક્ટર ઓળખી ગયાઃ

‘ઓ હો, તમે તો ૩૪-ખુંટવડા ને! આ વખતે ધ્યાન રાખજો, નહિતર હવે કોઈ બચાવશે નહીં.’

નરેન્દ્રકુમાર અજમેરા પોતાનું આ અપમાન સાંખી શક્યા નહીં. એમનું આત્મસન્માન ફૂંફાડા મારી રહ્યું. આ વખતે એમના સાથી માસ્તરોએ સિફતપૂર્વક જાતજાતની પેરવી કરી નામ કઢાવી નાંખેલા. અજમેરા ( ) માટે ગજેન્દ્રમોક્ષ શક્ય, નિર્વાચનમોક્ષ?

‘આ કરતા ન જવું સારું.’ એમના મિત્ર ડૉક્ટરને ત્યાં ગયાં. મારી આંખોમાં લોહી આવે છે. તપાસ કરીને પ્રમાણપત્ર આપ.

મારું પ્રમાણપત્ર આવશ્યક સેવાધારામાંથી તને છોડાવી નહીં શકે. તું સિવિલ હૉસ્પિટલમાં દાખલ થઈ જા. ચૂંટણીના દિવસે અજમેરા સિવિલમાં દાખલ થયા. મનોચિકિત્સા વિભાગના ડૉક્ટરની ભલામણને આધારે સિવિલસર્જનનું પ્રમાણપત્ર પણ મેળવ્યું. ચૂંટણીમાં ૩૪, ખુંટવડાને નહીં જોઈને ક્લેક્ટરને ખીજ ચડી. અઠવાડિયા પછી નિશાળમાં પોલિસ અજમેરાની ધરપકડનું વોરંટ લઈને આવી. દોરડા ને હાથકડી!

હા ધિક! મહ્યું ચ? કોર્ટમાં કેટલાય ખુલાસા ને આધાર-પુરાવાઓ પછી મુદત પડી. અજમેરા ત્રાહિમામ્. એમનાં કૃદંતો ને હ્યસ્તન રૂપો, ધાતુરૂપો બધું ડઘાઈ ગયેલું…

નરેન્દ્રકુમાર અજમેરા ( ) ના હમણાં સુધી ચાલતા વક્રગ્રહો ક્યાંકથી ઓચિંતા પાંસરા ચાલવા માંડ્યા કે શું? જીવનપર્યંત જે સપનું સેવેલું એ ઓચિંતુ પાર પડ્યું. અહો બત્ કિમ્ આશ્ચર્યમ્! નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત, વિશેષ યોગ્યતા)ને ઉચ્ચશિક્ષણ આમંત્રણ આપતું હતું. વીસ વરસ સુધી તપ કર્યું. મેળ ન પડ્યો ને અચાનક વિદ્યાભારતી સંચાલિત કૉલેજમાં નરેન્દ્રકુમાર પસંદ થયા. સંસ્કૃત સાહિત્ય ભણાવવાનું મળ્યું. શાળાજીવનના બધા કટુ અનુભવો કુરબાન કરી દીધાં નરેન્દ્રકુમાર અજમેરાએ. કમળપત્રો ગણ્યાં કરતી પાર્વતીઓ અને ઈંગુદીચિકકણ તાપસોની દુનિયામાં નરેન્દ્રકુમાર રમમાણ રહ્યા.

ભાસ નાટકચક્રના મધ્યમવ્યાયોગને ઉલટભેર સમજાવતા હતા નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ.) ત્યારે એમને ખબર નહોતી કે એમના આ થાળે પડી રહેલા જીવનમાં દૈવ કાંઈક બીજું કાવતરું કરી રહેલું. જે પ્રચંડ ઉદ્યમથી છેલ્લી સંસદીય ચૂંટણીઓની આવશ્યક સેવામાંથી નરેન્દ્રકુમાર અજમેરા બચી ગયેલા એ ચૂંટણીના પરિણામો મિશ્ર પ્રકારના રહ્યાં. દિલ્હીમાં ખાસ્સી સાંઠ-ગાંઠ પછી ય કોઈ સર્વસંમત સરકાર ન રચાઈ. ‘હંગ પાર્લામેન્ટ’–લટકતી સંસદે કંઈકને લટકાવી દીધાં. ને મધ્યમસત્ર ચૂંટણી જાહેર થઈ. કાળોતરા કાગળ ફટાફટ ફરતા થઈ ગયા. નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત, વિશેષ યોગ્યતા) માટે તો ઘરનો દાઝયો વનમાં ગયો તો વનમાં…! ક્લાર્ક

ઑફિસકોપીમાં સહી કરાવીને લઈ ગયો ત્યારથી અજમેરા નિદ્રાવિહીન બન્યા. પૂર્વપ્રસંગો વળી વળીને આંખે વળગતા હતાં. મામલતદાર પાસે જઈ રગરગ્યા અજમેરા.

‘કૃપયા મહોદય, મને આમાંથી મુક્ત કરાવો. દેશની સેવા કરવા માટે બીજા જે કંઈ કામ હોય તે મને જરૂર નિર્દેશિત કરજો . હું હંમેશા તત્પર રહીશ. મહોદય, જુઓ હું લેખક છું. જ્યોતીષવિદ્યા, અધ્યાત્મવિદ્યા, પંચમહાભૂતો વિશે આ ચોપડીઓ આપને બતાવવા લાવ્યો છું.’ મામલતદારે કહ્યુંઃ

‘માસ્તર સાહેબ, આ ચોપડીઓ મને આપી દો તો કંઈક વિચારું.’ ‘મહોદય એ આપને માટે જ છે. બીજી નકલ પણ કહો તો પહોંચાડું.’ ‘સારું સાહેબ, તમે એક કામ કરો. માથાં સાટે માથું શોધી લાવો તમે છુટ્ટા.’

નરેન્દ્રકુમારનું ચાલે તો ડીશમાં શણગારીને માથું ભેટ ધરી દે પણ આ કામમાં માથું કોનું મળે? જ્યાં જુઓ ત્યાં માથાં ઝૂલતાં દેખાય. પણ એકેય કામ ન લાગે!

… એ જ તાલિમશિબિરો. એમણે જ નિશાળમાં ભણાવ્યો હતો તે ત્રિવેદી, તાલિમ આપતો હતો! ‘જમણા હાથની પહેલી આંગળીએ અવિલોપ્ય શાહીનું ટપકું કરવાનું… પહેલી આંગળી ન હોય તો બીજી… નહીં તો ત્રીજી… ટચલી… એ પણ ન હોય તો કોણીએ… પણ ટપકું કરવાનું…! મતદાનમથકમાં નેતાઓના ફોટા હોય તો કપડાં વડે ઢાંકી દેવાના. ગાંધીજીનો ફોટો હોય તો એમને પણ નેતા ગણવાના!’… ત્રિવેદીની વાતો ને સહકર્મીઓની બિભત્સ મજાકોથી નરેન્દ્રકુમાર અજમેરા (…………) નો અંતરઆત્મો બહુ દુભાયો.

બધી જગ્યાએથી પાછા પડેલા અજમેરાએ જે છેલ્લો રસ્તો લીધો, એણે કૉલેજમાં જ નહીં આખા ગામમાં હાહાકાર કરી દીધો. ક્લેક્ટર કચેરીએ રૂ. ૧૦,૦૦૦- અંકે રૂપિયા દસ હજાર પૂરા લઈને પહોંચ્યાં ત્યારે ક્લેક્ટર બેઠા હતા. ઓળખી ગયા નરેન્દ્રકુમારને.

‘ઓ હો, ૩૪-ઝૂંટવડા તમે! નામ કઢાવવા આવ્યા છો?’

‘ના, મહોદય, નામ લખાવવા આવ્યો . આ લો મારું નામાંકન. લોકસભાનાં નિર્વાચનમાં મારું નામાંકનપત્ર’ ‘અરે માસ્તર, આ શું?’

જી, બીજો રસ્તો નથી. દસ હજારના હપ્તા ભરીશ પણ હવે પ્રમુખ ચૂંટણી અધિકારી નથી બનવું.’

નરેન્દ્રકુમાર અજમેરા (એમ.એ. સંસ્કૃત, વિશેષ યોગ્યતા), આ વખતે તો બચી ગયા. ચૂંટણીમાં કુલ બાવીશ મત મળ્યા પણ હવે એમને કોઈ નરેન્દ્રકુમાર અજમેરા નથી કહેતું. એમ.પી. અજમેરા કહે છે. છોકરાઓ એમ.પી. સર કહીને બોલાવે. એમ.પી. સરને એમાં મજા આવે.

કેટલાંય અનુયાયીઓને પ્રેરણા પૂરી પાડ્યાનું ગૌરવ હાલ પૂરતું તો અજમેરા લઈ રહ્યા છે! પણ એમને ખબર નથી કે ભારત નિર્વાચનપ્રધાન દેશ છે… (અને હવે તો વીજાણું યંત્રો આવી ગયા છે!…) અને આ જ ઉપાય હોય તો તો નગરસેવક, જિલ્લા પંચાયતના સદસ્ય, ધારાસભ્ય… એમ કેટકેટલું ‘બનવાનું’ લખાયું હશે, આપણા નરેન્દ્રકુમાર અજમેરા… એમ.એ. સંસ્કૃત… ક્ષમા, નરેન્દ્રકુમાર અજમેરા (એમ.પી.)નાં તેજસ્વી લલાટે! (‘તથાપિ’, ૨૦૧૫)