ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/મોના પાત્રાવાલા/રાની બીલાડો

From Ekatra Wiki
Jump to navigation Jump to search
રાની બીલાડો

મોના પાત્રાવાલા

વાંસદાથી દક્ષિણે સાવ નાનકડા એવા ખાંભલા ગામમાં સાંજ રાનીપગલે ઊતરી આવી હતી. મહુડા, વાંસ, ખેર અને સાગ વચ્ચે પરાળ નાખી ગારમાટીનાં લીંપેલાં-ગૂંથેલાં એકલદોકલ ઝૂંપડાં ઊભાં હતાં. કાંટાળા થોરિયાની વાડોથી ખેતરો બંધાયેલાં હતાં. ઝૂંપડાંનાં ટોળાંથી દૂર મોટા ઝૂંપડા જેવું ધનીનું ઘર હતું. ફરતે કાંટાળા ભૂંગરા થોરિયાની વાડ ને વાડો પહોળો, લાંબો હતો. એમાં મરઘાં, કૂકડાં ને બતકાં એની માવજત તળે મોટા મોટા ઝીલામાં પુરાતાં-ચરતાં રહેતાં. ઘરને અડી વાસનું મોટું અડાબીડ ઝુંડ, આંગણે મહુડાનું તોતિંગ થાડ, એની છાયામાં ધનીનું ઘર ખોવાઈ ગયા જેવું હતું. કરાને અડી ધનીની પાંચેક વીધાં જેવી ખાડા-ટેકરી જમીન હતી. એમાં શાકભાજીના ક્યારા. ઘર પાછળ રેતાળ પટવાળી ઝાંખરી નદી વહેતી. આડત્રીસ-ચાળીસની ધની ભારે કામણગારી હતી. એ મરઘાં-બતકાંને સ્વજન જેવાં ગણી જીવતી હતી. એના ઘર આગળગામના નાકે, પારસી શેઠ પેસ્તનજી તાંગરીવાલાનું પહોળું મકાન હતું. પેસ્તનજીને પચાસ વીઘાંની વાડી અને પચાસ એક જમીન હતી. મન થાય ત્યારે ઘની કામે જતી. ઘેર રહી દાંતને તપખીર ઘસતીઃ હોબ કામ કયરું બાઈઃ કહી એના જવાનું હતું. એનો પાઠરા મરઘા જેવો દીકરો દેવુ, વાંસદા ગયો હતો. સાગનો સોટો, સત્તર-અઢારની ઉંમર. દેવુ ભારે ખીજણિયો. બીજી કોઈ વાતે નહીં તોય પેસ્તનજીના દીકરા શાવકશાની વાતે ધગી ઊઠતો. શાવકશા એને દીઠો ગમતો ન હતો. એની વાડીમાં તાડ-નીરો ઉતારવાનું કામ દેવુ પતાવતો.

સવારથી ધની બબડતી. વારેઘડી વાડામાં આંટાફેરા માર્યા કરતી. મરઘાંના ટોપલા જોઈ મનોમન બબડી પાછી ફરતી. કારતકની સાંજ થતાં સાગ-વાંસના જંગલમાંથી શિયાળિયાં અને રાની બિલાડાના ઝૂંપડાની વસાહત તરફ નીકળી પડતાં. ટાઢની રાતો ભારે ચુપકીડીથી વીતતી. મધરાત પછી અચાનકસન્નાટો ભેદી કૂકડાં-મરઘાંનો કકળાટ નિર્જનતા ભેદી જતો. રાતે અચૂક કોઈકના ને કોઈના ઝૂંપડામાંથી મરઘાં-બતકાં ઊપડી જતાં.

સાંજ પડી ગઈ હતી. દેવુ હજી નહોતો આવ્યો. ધની વારેઘડી વાંસદાના રસ્તે આછા અંધારામાં તાકતી હતી. રસોડે મોટી વાટવાળો દીવો ભડભડતો હતો. ચૂલે તેતરનું શાક ચડાવેલું હતું. ઘણી રાહ જોઈ ધની લાલ જુવારના રોટલા ટીપવા બેઠી. દેવુ અઠવાડિયા પહેલાં થોરિયાની વાડમાંથી તેતર પકડી લાવ્યો હતો. એને રાંધવાને બદલે ધનીએ મરઘાં-બતકાં સાથે બાંધી મૂક્યું હતું. એનું શાક દેવુ આજ બને કાલ બને એની રાહ જોતો હતો. ધની તેતર મરઘાં-બતકાં સાથે હળીભળી જાય એની રાહ જોતી હતી. આખરે દેવુએ ખીજમાં ને ખીજમાં તેતર હલાલ કરી નાખ્યું. ધનીએ કકળાટ કરી મૂક્યો. રાત-મધરાતે રાની બિલાડો મરઘું-બતકું ઉપાડી જાયત્યારેકકડાટ કરતી એમ જ.

ધનીશાવકશાના વિચારોમાં ગોથાં ખાતી રોટલા ઘડ્યે જતી હતી. શાવકશા રૂઢિગાંડા પાપનો વંઠેલદીકરો હતો. મૅટ્રિકમાં નાપાસ થતાં પેસ્તનજીએ તેને જંગલ વચ્ચે પોતાના ખેતરે મોકલી દીધો. મૅટ્રિકમાં નાપાસ થતાં પેસ્તનજીએ તેને જંગલ વચ્ચે પોતાના ખેતરે મોકલી દીધો. પેસ્તનજી વકીલને માટે નૉન-મૅટ્રિક દીકરો શરમજનક હતો.ઉજ્જડ પડી રહેલાં ખેતર સાચવનારો જોઈતો હતો તે પેસ્તનજીને શાવકશા મળી ગયો. પહેલા દિવસે એને ગારમાટીવાળા ઘરમાં માથે હાથ મૂકી રડવાનું મન થયું હતું. સુરતના વિશાળ નકશીદાર મકાનમાં રહેવા ટેવાયેલોશાવકશા બાપ સામે ધીંગાણે જ ચડી ગયે હોય એમ ખેતર ને વાડી એમ જ પડ્યાં રહેવા દઈ ડાંગર, તાડી અને નીરા પરખેતરની કમાણી કરી જીવવા માંડ્યો. ઘરનાં બધાં કામની મુખ્ય બાઈ ધની હતી. શાવકશાની એ સાત-આઠ વર્ષ મોટી. શાવકશાને એ પોતીકી લાગતી, ધની દેવુની ખીજ સમજી શકતી નહોતી. ખભેટોપલો ઉપાડી દેવુ ઘરે આવ્યો. રસ્તામાં શાવકશા ભેટી ગયો હતો. દેવુ ધૂંધવાયેલો હતો.

શાવકશા જમી પરવારી કાળામેશ પલંગ પર ડોળા ઘુમાવતો સૂવાની વેતરણમાં હતો. પિત્તળનું ફાનસ ધીમી વાટથી સળગતું હતું. શાવકશા દેવુના ખ્યાલોમાં માર ખાઈ ગયો હોય એમ તગતગતી આંખે ફાનસને તાકતો હતો. એને થતું હતું કે એનાં લગ્ન ભરૂચ કરો કે વલસાડ — કંઈ ફેર પડવાનો નથી. બાળપણથી પેસ્તનજીને ધાર્યા મુજબ શાવકશાને જીવવા મજબૂર કર્યો હતો. આ પરણવાનું પણ એમની ઇચ્છા મુજબ જ થાય. ધની એની સારસંભાળ જતનથી કરતી. એટલે પતેતીના દિવસે પણ શાવકશા વાંસદા જવા તૈયાર નહોતો. ધની એની સલાહ-સૂચન મુજબ મોળાં દાળ-ચાવલથી માંડી ધાનશાક — બધું બનાવતી.

બે-એક દિવસથી નીરો ઉતારવાનો હતો, પણ દેવુએ દર્શન દીધાં નહીં એટલે પલંગ પર સૂતો-સૂતો શાવકશા દેવુને મનોમન ભાંડી રહ્યો. ઓછું હોય એમ જૂનો રખેવાળ જેવો નોકર નારણ મહુડાનો દારૂ બનાવતો હતો એય હમણાં જાણે શાવકશાથી થાક્યો હોય મ શાવકાશાને જોતાં આડો કતરાઈ જતો. શાવકશાને થતું, અહીં તો ચારેકોર દુશ્મનો જ છે. નારણની દાનત પહેલેથી ધની પર હતી. આજે આખો દિવસ દેવુ કે નારણ બેમાંથી એકેય ખેતર પર ન ડોકાયા એણે શાવકશા ધૂંધવાઈ ઊઠ્યો. એને અપમાન થતું લાગ્યું. બસ, અચાનક ઊભો થઈ એ બાર બોરની બંદૂક અને સીસમની લાકડી કાઢી વાડાના બારણેથી ઝડપભેર રવાના થયો.

વાંસનાં ઝુંડ ને કાંટાળા થોરિયાની વાડ વચ્ચે શાવકશા રાની બિલાડા જેવો ઝૂંપડાં વચ્ચે આવી ઊભો. છૂટાં-છવાયાં ઝૂંપડાં નીરવતામાં ગુપચુપ ઊભાં હતાં. એણે નારણનું ઝૂંપડું શોધ્યું. નારણ મહુડો ઢીંચી નિરાંતે ધનીમાં સપનાં જોતો ઝોળી થઈ ગયેલી ખાટલીમાં પડ્યો હતો. અચાનક સીસમની લાકડીના સપાટા ઢગરા અને સાથળ પર ઝીંકાવા લાગતાં નારણ ચમકીને ઊભો થઈ ગયો. એ શાવકશાનો હાથ પકડવા ગયો કે બીજા હાથની બંદૂકથી શાવકશાએ વાંસના ઝૂંડ તરફ ધડાકો કર્યો. ધડાકાથી ગભરાઈ ગયેલો નારણ શાવકશાના પગે આળોટી પડ્યોઃ માફ કરો, કાલથી કામ પર આવા, હેઠ… કહેતોક એ લગભગ રહી ઊઠ્યો, દોડી ઝૂંપડામાં ગત કરી ગયો. શાવકશાએ દિશા ગજાવતી ત્રાડ નાખીઃ કાલે બેનચોડ સવારની પો’રમાં કામ પર મરજે ની ટો જાનથી મારી નાંખશઃ સીસમની લાકડી ખાટલાની ઈસ પર પછાડી એ એના ઘેર રવાના થયો. માંડ જંપેલી ધની કોલાહલ સાંભળી જાગી ઊઠી. થયું કોઈકના વાડામાં રાની બિલાડો આવ્યો હશે કૂકડાં-મરઘાં પકડવા. એટલે બંદૂકનો અવાજ ગણકાર્યા વગર સૂઈ રહી.

લેંઘો ઊંચે ચડાવી શાવકશા સીસમના ઢોલિયા પર પડ્યો હતો. વાડાનું બારણું ઉઘાડું હતું. ત્યાંથી ક્યારેક ધની, મહુડાના દારૂની અસર વધારે થઈ હોય ત્યારે રાતે ખીલી ઊઠતી ને ત્યાં આવી જતી.

દિવસોથી દેવુ ખેતરે અનિયમિત આવતો હતો. શાવકશા, નારણથી કામ નિભાવી લેતો હતો. દેવુ દીઠોય ગમતો ન હતો. શરૂમાં એ અહીં આવ્યો ત્યારે ધની કામવાળી હતી ત્યારે દેવુ પર ઝેર ન હતું. જ્યારથી ધની રખાત બની ત્યારથી વાત વણસી ગઈ. દેવુ છેલ્લા પાંચેક દિવસથીકામ પર આવ્યો ન હતો. શાવકશા ધૂંધવાઈ ઊઠ્યો હતોઃ મારો ઢંઢો બૅટ કરી દેવાનો કેસું? તારી-નીરો કોનમારો બાપ ઉટારવા આવસે કે? એક વાર માણસની ખોટમાં શાવકશા નાની ખજૂરી પર નીરો ઉતારવા ચડ્યો હતો ત્યારે બેય સાથળ લોહીઝાણ કરી ઊતરેલો. એ દિવસ પછી એણે ક્યારેય ફરી જોખમ ખેડવાની હામ કરી નહીં. અત્યારે એ યાદ આવતાં સવારમાં શાવકશા સીસમના પલંગ પરથી ઊતરી બહાર ચોકમાં બેઠો. ભરભાંખળું થવા હજી વાર હતી.દેવું અને નારણ દોરડાં અને માટલાં લઈ ખેતરમાં તાડિયા ને ખજૂરી પર ચડવાની મથામણમાં હતાઃ કાલે રાતનો તે બેનચોડ હેઠ મારવા આવેલો જો. સાતી પરજ ચડી બેહતે કે ની તોઃ ખી ખી કરતો નારણ નહોર ભેરવી સડસડાટ ઊંચે ખજૂરી પર ચઢ્યોઃ એય દેવલા, પેલ્લા ખજૂરી પર ચડ ની.

.ઃહેઠ જોઈ ગીયો કેની તો માયરા વગર મૂકહે ની. નારણ દેવુને તાડિયા પર ચઢેલો જોઈ બોલ્યોઃ ઉં તો ગેદલી ખાવાનો સે. હેઠ આવે તે પેલ્લા પાડી લેમ કે ની. કહી દેવુ સડસડાટ ઊંચે ચડી ગયો.

પો ફાટી ત્યારે શાવકશા લેંઘા ને સદરા પર — કાંટાળા ભૂંગરાની વાડમાં રોન મારવા નીકળ્યો હોય તેમ લાગતું હતું. એની બાજનગર સસલાં, તેતર પર હતી. નારણે દૂરથી શાવકશાને એર-ગન લઈ આવતો જોયો. ધબકારા વધી ગયા. ઊંચા તાડ પરથી તાડફળ ઉતારી નીચે ઊતરતા દેવુએ શાવકશાને રેંટિયાકૂવા પાસે એર-ગન લઈને ઊભેલો જોયો. એનોય જીવ ઊડી ગયો. હાથ-પગ થથરવા લાગ્યા. એ સમતુલા જાળવે એ પહેલાં પગ છૂટી ગયા. શાવકશાએ રામતાડિયા પાસે પીળા-કેસરી થઈ ગયેલાં તાડફળ નીચે પડેલાં જોયાં. એ કંઈ સમજે એ પહેલાં રેંટના ઘડુ પર પછડાઈને દેવુ બેભાન થઈ સીધો કૂવાની અંદર. શાવકશા મહુડાના નશામાં હતો. પણ કૂવામાં અચાનક ધબાકાથી એનો નશો ક્ષણમાં ઊતરી ગયો. એ ગાંડાની જેમ રાડો પાડવા માંડ્યો, ના…ર…ન…કાં મરી ગીયો… જલદી આવ… અંઈયા આવ… જોટો, આંય સું ઠીયું… ઓ ખોડાયજી… આંય સું ઠીયું…ઃ સાવકશા લગભગ રડી પડ્યો, શાવકશાની ચીસથી નારણ સડસડાટ ખજૂરી પરથી ઊતરી આવ્યો. તેનાં સાથળો, હાથ અને છાતી છોલાઈ જતાં લોહીની ટશરો ફૂટી નીકળી. કાંઈ પણ વિચાર્યા વગર એ સીધો કૂવાનાં પગથિયાં ઊતરી ગયો. શાવકશા કૂવામાં ડોકિયું કરી રહ્યો. દેવુના માથા પાછળ સખત વાગ્યું હતું. પડતાં સાથે જ પ્રાણ ઊડી ગયા હતા.

જેઠનો આકરો તાપ. અગનવર્ષા થતી હતી. બપોરે રાતી ધૂળ ઊડતી રહેતી, તડકામાં ઝૂંપડાં ઘેનઘેરાં પડી રહેલાં લાગતાં હતાં. ભરબપોરે વગડો સન્નાટીગયો હતો. શાવકશા ખાખી ચડ્ડી-બાંડિયા ગંજીમાં ઓસરીમાં પડેલખાટલે દારૂના નશામાં સૂતો હતો. ધની અંદરના ઓરડે ગારમાટીમાં ભરચક દેહ પાથરી આળોટતી હતી. ગારમાટીમાં ટાઢક લાગતી હતી. દેવુના મોત પછી શાવકશાએ ધનીને એના ઘરે રહેવા ખૂબ સમજાવ્યું. ધની મરચાં-બતકાંનો વાડો મૂકવા તૈયાર ન હતી. આખરે કંટાળી એક દિવસ શાવકશાને સમજાવવા આવ્યા. બાપને જોઈને જ ભુરાંટો થઈ ગયેલો શાવકશા બરાડી ઊઠ્યો.

.ઃ મૅટ્રિકમાં ફેલ ઠેયલો ટારે ટમે જ ગાન પર લાટ મારી ખદેરી મૂકેલો ને? ટૉ જાવ અવેઠી ઉં અંઇયાજ રેવસ. નીકલી જાવ બુઢ્ઢા..

.ઃ પેસ્તનજી પછી ઘણી વખત દીકરાને સમજાવવા આવતા. ધીમે ધીમે દીકરાને પારસીમાંથી રાની થતો જોઈ પેસ્તનજીને એની ભૂલ સમજાઈ ગઈ. ધૂંધવાઈને એમણે વાડી અને ખેતરએમ બધું શાવકશા પાસેથી ઝૂંટવી લીધું. જૂના નોકર નારણને બધો કારભાર સોંપી પેસ્તનજી દીકરાની પરવાળીચાલી ગયા. હવે ક્યારેક નારણ દારૂના નશામાં સીસમના ઢોલિયા પર પોતાને શાવકશા સમજી ચઢી જતો. પણ પછી સીસમના પલંગ પર સૂતાં બધો નશો ઊતરી જતો. વીલા મોંએ પલંગથી ઊતરી પાછલા ઓરડા પાછળ ગારમાટીની ઝૂંપડીમાં જઈ લાંબો થઈ જતો.

છએક મહિને ધનીનેદીકરાનો શોક ઓસર્યો. દેવુના દા’ડાને દિવસેલોટની વિધિ કરી. એમાં એ કૂકડાની યોનિમાં ગયો હતો એવાં પગલાં સવારે જોવા મળ્યાં. તપખીરવાળા કાળા દાંત બતાવતી, હંઅઅ સુખી જીવ સે, કહી મોઢું ભરી ખુશ થઈ. વાડાની ઓસરીના ભાગે ઝીલામાં, એનો કાળો ડોકું કાપેલો મરઘો, પેટનો પોટો નીકળું નીકળું થતાં, ગારમાટીમાં લોહીઝાણ પડેલો હતો. રાતે રાની બિલાડો વાડામાં ઘૂસ્યો હતો. બે કૂકડામાંથી, કાળો કૂકડો રાની બિલાડાની ઝપટમાં ચઢી ગયો. મરઘાં-બતકાંના કકળાટે ધની અને શાવકશા ઊઠી ગયાં. શાવકશાએ નશામાં રાની બિલાડીને મારવાને બદલે એક મરઘાને ઢાળી દીધો.

ચોપાસ ગાઢ અંધકારથી વીંટળાયેલા ઘરમાં ખૂબ ધીમી વાટે ફાનસ ટમટમતું હતું. ઝુંડમાં તાકતો બેઠો. ધનીના મન પર દેવુની ધૂંધળી છબી ઊપસી આવી. તોતિંગ ઊંચા રાવણતાડિયા પરથી તે ગબડી પડ્યો ત્યારે તેનાં સાથળઅને છાતી છોલાઈને લાલચોળ થઈ ગયેલાં. રેંટિયાકૂવાનાં ઘડુ સાથે પટકાઈને તેની ખોપરી ફાટી ગયેલી. કમકમાટી ઉપજાવતો લોહીઝાણ દેહ ઘડુ પર ટાંગા ઘસતો પડેલોએની આંખ આગળ ઊપસી આવ્યો. ધનીએ ઊઠીને ફાનસની વાટ વધારી ને વાડામાં ગઈ. ઓસરીમાં ડોકું કાપેલો તોતિંગ કૂકડો ટાંગા ઘસતો દયામણી આંખે ધની સામે તાકી રહ્યો. લોહીના ખાબોચિયામાં તરફડતા કૂકકા પર ચાંગળું પાણી છાંટી ધની કૂકડાની પડખે ઉભડક બેઠી. પણ હાલત જોઈ ન શકતાં લથડતાં પગલે ઘરમાં આવી ફસડાઈ પડી. દારુણ વલોપાત તેની આંખોમાંથી રગેડા ઊતરવા માંડ્યા. દેવુના કમોત વખતે તેનો દેહ જોયેલોતે મનપટ પર ઊભરાતાં ધની આઘાતથી બહેરી બની ગઈ. દેવુની ફાટેલી આંખો ધનીને તાકતી હતી. ધનીની આંખ આગળ મરેલા દેવુની આંખોને તરફડતા કૂકડાની આંખો તરવરી રહી… ને સંઘરેલી વેદના પાળ તોડી વહી આવી. ધનીનો ઠૂઠવો ભેંકાર રાતે વધારે કમકમાટી ઉપજાવતો હતો. બહાર બેઠેલો શાવકશા દારુણ દુઃખના ઠૂઠવાથી થથરી ગયો.

ઓસરીમાં શાવકશા બપોરનું ખાધા-પીધા વગર દારૂ પી પડ્યો હતો. ભૂલથી મરઘો મરાઈ જતાં ધનીએ એને ખાવાનું આપ્યું ન હતું. શાવકશા પણ મરઘો મારી પસ્તાઈ રહ્યો હતોઃ અરેપન અહીં ઉ ટો ઊંઘમાં ઊટો. સાલુ મને એમ કે વાઘ-દીપડો ઘૂસી આયો કે સું? પન મરે રે નસીબ ફૂતેલા. તે ભોંકિયોબિલારો નિકલ્યો.કકલાટ સમજીને એમ બી ઠીયું કે મરગાં ઉપારવા વાઘ-બાઘ આવેલો ઓસે. ની ટે પછી ટને ઉપારી જવા વાસ્ટે ચોર-લૂંતારા આવેલાઓસે. પન એ લોકો તને લઈ જઈને કરે બી સું? મૂંઆ ટને લેય ગીયા ઓય કે ની ટો ઘોરા-ગધેરા ખઈ કટૂરાને હરકવાઉપરે એ એ લોકોને બી હરકવા થઈ જટેઃશાવકશાની આવી ગમ્મત ધનીથી સહન થઈ નહિ. ગાળો વરસાવતી એ શાવકશાને મારવા દોડી. સવારના પહોરમાં બન્ને વચ્ચે જોરદાર ઝઘડો જામ્યો. શાવકશાએ હજાર વાર ભૂલ કબૂલ કરી, પણ ધની માનવા તૈયાર નહોતી.

ધની પાસે પાંચ મરઘાં હતાં. એક કાળો, અત્યારે ઘાયલ હતો. બીજો તગડો ને ખૂંખાર, લાલરંગનો કૂકડો હતો બીજા ત્રણ સાધારણ રાખોડી રંગના કૂકડા હતા. બધાને એ જીવની જેમ સાચવતી. દેવુના મોત પછી ધની લાલ કૂકડાની વધારે કાળજી કરતી. લાલ કૂકડો જાણે દેવુનો અવતાર હતો. ગમે ત્યારે એને ખોળે બેસાડી લાડ લડાવતી. શાવકશાએ જોઈ ચાળા પડતોય ખરો.

.ઃ મરેરે, અંઈયા ટો અમારા કરટાં મરઘાં-બટકાંનાંનસીબ સોજ્જાં, ઢનકી, આંય મરઘાંને શું બચુ બચુ કરેય? ખોરામાં એનાં કમટાં અમુને બેસારની. શાવકશાએઃઆંખ મીંચકારી. ધની બરાડી ઊઠીઃ સિન્નાળ, જા તું તંઈ મર તું કોમડો સે, ભડવા? ભોંકિયો બિલાડો સે તું તો, એ લાંબા હાથ કરી ભાંડવાલાગી. શાવકશા ખાખી ચડ્ડી પહેરી ભોંકિયાબિલાડા જેવો ઘૂરકી રહ્યો.

વાડામાં નરાદમ શાંતિ હતી. એકાદ-બે ખુરક મરઘી વચ્ચે વચ્ચે વાંસનાં ઝુંડ બાજુ કકળાટ કરતી. ધની ગારમાટીમાં નિરાંતે પડી હતી. એનો જીવ ઉચાટમાં હતો. મિજાજ વીફરેલો હોય એવો આકરો તડકો વરસી પડ્યો હતો. કાલે મરઘાંનાં ઈંડાં લઈ વાંસદા જવાનું હતું. એ પાંચ-સાત દિવસનાં ઈંડાં ભેગાં કરી વાંસદા પારસીની દુકાને આપી આવતી હતી. ગઈ કાલે શાવકશાએ ભૂલથી મરઘાને મારી નાખ્યો એટલેવાંસદા જવા એ અચકાતી હતી. આકળવિકળ ધનીને કંઈ સમજ નહોતી પડતી. થોડાક દિવસથી નારણ અવારનવાર બેસવા આવતો હતો. નારણના ચાળા એ સમજી ગઈ હતી, પણ ગણકારતી નહોતી. ગઈ કાલેએણે જે કહ્યું એનાથી એનું મગજ ચકરાવે ચડી ગયું હતું. પીળાપચ દાંતે હસતો નારણ ઠાવકા ચહેરે બોલ્યો હતો. દેવુને કૂવામાં શાવકશા નાખી દે એ વાત ધ્રુજાવી જતી હતી. રાત-મધરાત રાનીપશુ મરઘાતફડાવવા આવે અને ફડક સાથે એ જાગી જતી. એવી જ એ શાવકશાથી છળી ઊઠી હતી. તડકાથી ચળકતા આભમાં રાનવગડાની ભૂખરી સમડી ચકરાવે ચડી હતી. એનો પડછાયો જમીન પર ઊડતો જોવા મળતાં મરઘાં ત્રાંસું ડોકું કરી ઊંચે જોવા મથતાં. સમડી નીચે ઊતરવાને બદલે વાડા પાછળ તોતિંગ સાદડનાં ઝાડ ટોચે બેસતી ન બેસતી ઊડી જતી, ફરી ચકરાવે ચઢતી.

સાંજના ચારેક વાગ્યે શાવકશા ઘરેથી નીકળી પેસ્તનજીએ ઝૂંટવી લીધેલા ખેતરે રખડતો-રખડતો પહોંચ્યો. રેંટિયાકૂવાની પાળે નારણ તાડીનો પડિયો લઈ ઉભડક બેઠો હતો. શાવકશાને જોઈ, તે આવો હેઠ, કહેવા ગયો, પણ પછી તરતઅટકી ગયો. વીલા મોંએ પણ ખીજમાં એ એમ જ બેસી રહ્યોઃ સોજજી તારી મલસે કે?

.ઃશાવકશા નારણ તરફ આવતાં બોલ્યોઃ સોજ્જી તારીતો સે પણ સોજ્જા ફદિયા સે કે

.ઃ નારણે શાવકશાનો ચાળો પાડ્યોઃ ફડિયા-ફડિયા સું કરેચ? કોઈ દિવસ જોવાચ કે ની? લે આંય ફડિયા..

.ઃ કહી નારણ તરફ શાવકશાએ ચાર આના ફેંક્યા. નારણે ખી ખી હસી, ચીલઝડપે ચાર આના ઊંચકી લીધા. તમે હો હું હેઠ, લે લેઃ એણે તાડીનું પડિયું ધરી દીધું. પડિયું મોઢે માંડી શાવકશા એકશ્વાસે તાડી ગટગટાવી ગયો. પેટ પર હાથ ફેરવતાં બોલ્યો, ભૂખ બવ લાગીચ નારન…

ઃ જાવની હેઠ એકાદ કોમડું લીયાવોની હેકી કાઢીએ.

ઃ મરેરે ઉં કાં કોમરું લેવા જાઉં. શાવકશાએ ચડીના ખીસામાંથી બીડી-બાકસ કાઢ્યાં. પારસીશાઈ ટોપી અને લેંઘો-સદરો ભૂલી એ હવે ખાખી ચડ્ડી ને બાંડિયા ગંજી પહેરતોથઈ ગયેલો. — ઉં કોમડું ગમે તાં’થી લીયામ ને હેડી હો કાઢું. પણ મને રૂપિયા આપ્યા પડહે…કહી નારણ ગંદા વાળમાં આંગળી ફેરવી રહ્યો.

જા લઈ આવ જોઉં. ઉં અંઈયા બેસુચ… જા જલડી મર,શાવકશા કીજમાં બરાડ્યો કે નારણ ધ્રૂજી ઊઠ્યો. ગભરાટમાં લાંબા ડગ ભરતો એ ઝડપથી અદૃશ્ય થઈ ગયો.

સાંજ ઊતરવા આવી હતી. નારણ થોરિયાની વાડ પાછળ લપાઈને બેઠો હતો. ધનીનાં કેટલાંક મરઘાં ચરતાં હતાં. નારણ તરાપમારવા ઝઝૂમતો હતો. આખરે કથ્થઈ રંગનું પાઠરું મરઘું ઝપટમાં આવી ગયું. એને બગલમાં દબાવી નાઠો. મરઘાના કકળાટથી ધની બહાર દોડી આવી. કોઈ દેખાયું નહીં, મરી ગ્યો ભોંકિયો બિલાડો બબડી તપખીર થૂંકી.

સાંજના ઓળા ઊતરવા માંડ્યા હતા. અડાબીડ વાંસનાં ઝુંડથી વહેલું અંધારું થઈ ગયું હોય એમ લાગતું હતું. થોરિયા વાડમાંથી તેતરનો પકલી લે… પકલી લે… અવાજ દિશા ગજવતો હતો. શાવકશા કૂવા પાસે ન હતો. નારણના પાડિયાની તાડી ઢીંચીને ઘરે જવા નીકળી ગયો. નારણ હાંફળો-ફાંફળો ચારે તરફ જોતો ઊભો હતો. વાડમાંથી તેતરના અવાજ સિવાય કશું સંભળાતું ન હતું.

અંધારું રાની પગલે ઊતરી આવ્યું. બફારાની જગ્યાએ સહેજ ઠંડક વળી હતી. ઝૂંપડાંમાં દીવા ટમટમી ઊઠ્યા હતા. નિશાચર નીકળી પડ્યાં હતાં. તોતિંગ વૃક્ષોથી અંધારું ઘેરું લાગતું હતું. ધની બહાર ઓસરીમાં થાંભલીને અઢેલી અંધારામાં તાકતી બેઠી-બેઠી દારૂ પીતીહતી.દેવુના કમોત પાછળ શાવકશાની વાતનારણ પાસેથી સાંભલી ત્યારથી એ ભડકી ઊઠી હતી. આંખોમાં રતાશ ફરી વળી, ખીજ ઘૂંટાતી હતી. ઘાયલ કરેલો કૂકડો આજે મરી ગયો હતો. વાડામાં જ ખાડો ખોદી એને દાટી દીધો હતો. દેવુના મોત પછી એને દરેક કૂકડો દેવુ જ લાગતો. એમાંય લાલ કૂકડાનું વધારે જતન કરતી.

નારણ મહુડાના વધારે પડતા તોરમાં મરઘો શેકી ખાઈ ગયો. ચિક્કાર નશામાં ઘરમાં બરાડા પાડતો ઘૂમતો હતો. પેસ્તનજીના ઘરની ચાવી એની પાસે હતી. શાવકશા સૂતો હતો એ મોટા સીસમના પલંગ પર એ ચઢી જતો.

ઃ અમે કોન?… સાવ હેઠની લવારીમાં પલંગ પર લાંબો થઈ જતો.

ખાઈ-પી ઢાંકોઢૂંબો કરી ધની બારણે આગળો ચડાવી ઘરમાં સૂતી હતી. એણે શાવકશાને ધક્કા મારી સાવ બહાર ખાટલીમાં નાખ્યો હતો. દૂબળો પડતો જતો શાવકશાઃ પન ઢનકી, કાંય ટું ઢક્કા મારેચ? મરઘાં-બતકાંને ખોરામાં બેસારેય. મને કાંય ઢક્કા મારેચ

.ઃ બબડતો ખાટલીમાં ટૂંટિયું વાળી સૂઈ ગયો. શાવકશા સાથે લાવેલ તે તાડીનું પડિયું હજી ત્યાં જ પડ્યું હતું. ધનીએ સીધું શાવકશા પર ઘા કર્યું.

.ઃ મરીગ્યા પારહા, આવતો ની તું મારી પાંહે..

.ઃ કહી ધડાય કરતુંક બારણું વાસી દીધું. પડિયું શાવકશાના ઘૂંટણમાં લાગ્યું. તેને કળ વળી ગઈ. રડમસ ખાટલીમાં પડી રહ્યો.

તંદ્રામાં નારણને સપનું આવતું હતું. એ એક મોટા કૂકડા જેવો. ધની મોટીમસ મરઘી. એ એની પાછળ પાંખો ઊંચી કરી. ગળું ફુલાવી — કડાક કડ કડાક કક કરી દોડતો હતો. ધની મરઘીવેશે આગળ ને આગળ ભાગતી હતી ત્યાં જ એની સામે ભોંકિયાબિલાડો આવી ગયો. એણે નારણ પર છલાંગ મારી. નારણ પલંગમાંથી ઊછલી નીચે ગબડી પડ્યો. બધો નશો ઊતરી ગયો. પસેવે રેબઝેબ ઝૂંપડીમાં જઈ ગારમાટીમાં આળોટી પડ્યો.

પો ફાટ્યે ધની કામકાજથી પરવારી ઈંડાંનો ટોપલો ભરી વાંસદા જવા નીકળી પડી, એણે ઝૂંપડીનાં આગળ-પાછળનાં બેય બારણે સાંકળ ચડાવી તાળું મારી દીધું,સવારથી શાવકશા દેખાતો ન હતો. નારણ પાસે મહુડો ઢીંચવા નીકળી ગયો તો. ધની વાંસદાના ધૂળિયા રસ્તે ઝડપભેર જતી હતી, બપોર પહેલાં પાછા વળવા વિચારતી હતી. શાવકશા પર હવે જરાય ભરોસો ન હતો. આંતરે દિવસે એકાદ મરઘું ઓછું થઈ જ ગયેલું હોય. એ કાં તો રાની બિલાડો ઉપાડી ગયો હોય, કાં નારણ ચોરી ગયો હોય, ધનીને શંકાતો શાવકશા પર આવતી. નારણ થોડા દિવસ અગાઉ કહી ગયો હતો કે શાવકશા એનાં મરઘાં વેચી દારૂ-તાડીના પૈસા છૂટા કરી લે છે.

અષાઢનો વરસાદ આવું આવું થતો હતો. બફારો ને ઉકળાટ વધી પડ્યા હતા. મહુડો ઢીંચી શાવકશા નિરાંતે બીડી ફૂંકતો બેઠો હતો. વળ ખાઈને ભૂખ લાગી હતી. ધની સાથે વળી ઝઘડો થઈ ગયો હતો. સવારે એ વાંસદા ઈંડાં વેચવા જતાં બારણે તાળું લગાવી ગઈ હતી. અવે શું કરસ? બબડતો શાવકશા આડા-અવળા વિચારોમાં અટવાતો હતો. એટલામાં નારણ આવતો દેખાયો. પીળા દાંત દેખાડતો ખી ખી હસ્યો, કેમ સો સાવક હેઠ, કહી થાંભલીને અઢેલી બેઠો.

.ઃ કાંય નારન? ભૂખ બવ લાગીચ ને આંય કોન જાને કાં બાન્ના બંઢ કરી ચાલી ગઈચ.

.ઃઃ ભૂખ લાગી એમાં હું? ટોપલામાંથી કોમડો ખેંચી કાઢો-ની. પસી આફણે તાંઃ ભૂખ્યાડાંસ શાવકશાની એની આંખો રાની બિલાડા જેમ ચમકી ઊઠી

.ઃ તું રોટલા બનાવસે કે? લાલ મરઘો જ કા’રી લેઉ. ખોરામાં બેસારીને બો બચ બચ કરેચ ટે

.ઃ શાવકશા વાડા પાછળ ગયો.

.ઃ ઉં તાં ઊભો રે’તો સું.

.ઃ કહી નારણ નીકળી ગયો. વાડામાં કાંટાળા થોરિયાની વાડમાંથી શાવકશા માંડ-માંડ વાડામાં પેઠો. થોરિયાની છાયામાં ઘુરક મરઘીઓના ખાડામાં રાતોચોળ, ઊંચો, ગડો ધનીનો વહાલસોયો મરઘો બેય પાંખે ધૂળ ઉડાડતો બેઠો હતો. શાવકશાએ તરાપ મારી એને પકડી લીધો. બગલમાં દબાવી નારણની દિશામાં નીકળી પડ્યો.

બપોરે બેએક વાગ્યે કાળાં ઢગલાબંધ વાદળાં નૈઋત્યમાંથી ઊંચે ચડતાં હતાં. ખરા બપોરે સાંજ હતી. વાંસદાથી ઝડપભેર નીકળેલી ધનીને નારણે ખેતર પાસે આંતરી, પેસ્તનજીના ખેતરના શેઢેથી કાંટાળા થોરિયાની વાડમાંથી ધૂળિયો રસ્તો વાંસદા તરફ નીકળી જતો હતો.

.ઃ હોબ હટવાડામાં ફરી આયવી કે?

.ઃ કહીને નારણે ધની સાથે ચાલવા માંડ્યું. ધની થાકેલી હતી. નારણની ઝૂંપડીએ એ થાક ખાવા બેઠી. નારણે મરઘાની ચોરીની વાત ધનીને કરી. થોડી વાર પછી લાલ મરઘાનાં પીછાં પણ લઈ આવ્યો. ધનીને ખેતરમાં કોમડું હેયકુ હો.

.ઃ ધનીના મોઢા પર કાલિમા પથરાઈ ગઈ. લાલ મરઘાનાં પીંછાં ઓળખી કાઢ્યાં. એની આંખો ગોરંભાયાવાદળા જેવી કાદવિયા થઈ ગઈ. દીકરા જેવો કૂકડો શાવકશાએ કાપી કાઢ્યો! પીંછાં એની આંખ આગળ તરતાં જ હતાં. અચાનક ગાંડાની જેમ ઘર તરફ ઊપડી.

ભરપેટ મરઘાનું શાક અને જુવારના રોટલા દબાવી શાવકશા ઝોળી વળેલી ખાટલીમાં મહુડાના નશામાં ઝોકે ચઢી ગયો હતો. નારણે બેયના ભાગનું રાતનું પણ રાખી મૂક્યું હતું. શાવકશાની ઘેરાતી આંખો ઘડીક ખૂલી જતી, ફરી તંદ્રામાં સરી જતી. એકાએક એને કાળી ચીસ જેવી ગાળ સાંભળવા મળી. એ ઊઠે પહેલાં તો ધની તાજા વાંસના સોટાથી શાવકશા પર તૂટી પડી.

.ઃ મરી ગ્યો, સિન્નાળ પારહો — ભોંકિયોબિલાડો — મારો કોમડો ખાઈ ગ્યો, મારો કોમડો કાપી કાયઢો.

.ઃ બેફામ ગાળો વરસાવતી શાવકશાને ઝૂડવા લાગી. ઢોરમારથી શાવકશા ખાટલીમાંથી ઊઠી ના શક્યો. ઓ માય રે — ઓ બાપા રે — ઉં સું કરું — બચાવો રે — ખોડાયજી, બચાવો રેઃ બરાડા પાડી શાવકશાનું ગળું બેસી ગયું. ખાટલીમાંથી ઊઠી શક્યો નહિ. મહુડાની અસરમાં એ ભાંગી ગયો. આખરે જોર કરીને ઊઠવા જતાં ખાટલીની ઈસ ભાંગી પડી. છલાંગ મારી લોહીલુહાણ ભાગી છૂટ્યો. રાંટા પગમાં ભયનું ઝનૂન હતું. ઝૂંપડાના વસાહતી એકઠા થઈ ગયા હતા. કોઈકે પકડવા પ્રયાસ કર્યો, પણ શાવકશા એને ગબડાવી હડી કાઢી ગયો.

રોંઢાટાણા સુધી ધની ગળું ફાડી શાવકશાને ગાળો ભાંડતી હતી. આખરે થાકી હતી. લાલ પીંછાં વાડાની ઓસરીમાં નારણ મૂકી ગયો હતો. ધનીથી ડરેલો નારણ ચુપચાપ આવી ગયો, છેવટે ધનીએ ઠૂઠવો મૂક્યો. એને થયું આજે એણે ખરેખર દીકરો ખોયો છે. વરસાદ મન મૂકીને વરસતો હતો. પરાળ છાજેલા ઢાળિયા તળે મરઘાંનાં ઝીલાં ગોઠવી વરસાદ વધારે ન આવે ત્યાં મૂક્યાં. રડતી રડતી એ ભડકું બનાવવા બેઠી, મનમાં દેવુ જ હતો. નારણની વાત ખોટી નહોતી, શાવકશા હજી ઘરે આવ્યો ન હતો, પણ આવે તો ભીંસી મારી નાખે એવી વીફરી ઊઠી હતી.

કડાકા-ભડાકા, બારેમેઘ ખાંગા હતા. અંધારું ટોળાં વળીને ઊતરી આવ્યું. અટવાતો શાવકશા ગામથી દૂર, અઘોર રાનમાં મહુડાની બખોલમાં લપાઈ, ટૂંટિયું વાળી બેઠો હતો. ઘરે જવાની હિંમત નહોતી. માથે લાગેલા અછડતા ઘાથી નીકળેલું લોહી માંડ બંધ થયું હતું. દોડતાં પગ મચકોડાઈ ગયો હતો. કળતરથી શરીર ભાંગતું જતું હતું. વરસાદ અટકવાનું નામ લેતો નહોતો. એ રડી પડ્યો. બાપ પેસ્તનજી યાદ આવી ગયો. એના પર અપાર ખીજ અને અણગમો ઊભરાઈ આવ્યો. એની મા સુનાંમાય ક્યારનીય ગુજરી ગઈ હતી. સુનાંમાય પર હેત આવ્યું. મહુડાના બખોલ જેવા થડમાંથી કંથારો નીકળી વહેતા પાણીમાં ઢસડાતો જતો હતો. શાવકશા ઊઠી ઘેર રવાના થયો કે પગમાં કાંટો ખૂંચ્યો હોય એમ બેસી પડ્યો. અચાનક એના મચકોડાયેલા પગમાં સુસવાતો ડંખ પડ્યો. મરે રે કાંતામાં ઘૂસી ગ્યો ચ કે શું? બબડતો એ કાદવમાં રાંટા ટાંગા રવડતો આગળ વધ્યો.

ખાઈ-પી ધની વાંસનાં ખપાટિયાંની બારી પર ગૂણપાટ ઢાંકી બારણે આગળો ચડાવી, ડાંગ બાજુમાં જ લઈ સૂતી હતી. કદાચ રાની બિલાડો મરધાં પકડવા આવે તો. વરસતા વરસાદ સિવાય કશું સંભળાતું નહોતું, ક્યારેક વરસાદે વીફરેલાં નિશાચરોની ત્રાડ વાદળના ગડગડાટમાં ભળીને વહી આવતી હતી. નારણે ખૂબ રાહ જોઈ, પણ શાવકશા જોવા ન મળ્યો. દારૂ ઢીંચી એ જુવારના રોટલા ટીપવા બેઠો. આજે ભારે મજા પડી હોય એમ લાગતું હતું. ધની એના આભમાં વીજળી જેવા ચમકારા મારતી ઝબકતી હતી. રોટલાની ગંધ વરસાદની ભીની વાસમાં ભળી ગઈ હતી. નારણની ભૂખ પશુ જેમ મોં ફાડી જાગી ગઈ.

ધોધમાર વરસાદમાં લથડતાં પગલે શાવકશા એના ઘરે આવી, દૂર વાંસનાં ઝુંડ પાસેના ધનીના ઘરને તાકતો ઊભો હતો. સખત રડીને થાકી ગયો હતો. આંખોમાં ઘેન ચડી આવ્યું. કાળોતરાના ડંખનું ઝેર ઢોરમારથી દુઃખતા દેહમાં રાહત આપી રહ્યું. ઘણી વાર સુધી તાકીને ધનીના ઘર તરફ જોયા કર્યું. છેવટે આંખોમાં ઘેનનો ભાર વધી પડતાં એ લખડાતો કુટાતો ઓસરીમાં આવ્યો. તૂટેલી ખાટલીમાં લાંબો થઈ ગયો. નેવાં ધોધમાર વરસતાં હતાં.

મોડી રાતે પરવારી નિરાંતે ઝૂંપડામાં સૂવાના બદલે નારણ પેસ્તનજીના ઘરમાં ઘૂસ્યો. રાગડા તાણતો તે બરાડતો હતો. ઉં કોન? સાવક હેઠ… કહેતો એ સીસમના મોટા પલંગ પર લંબાવી ગયો. ઘોર સન્નાટામાં વરસાદમાં વરસાદનો છમ છમ અવાજ એકધારો વહ્યો જતો હતો. માંડ જંપેલો નારણ સફાળો જાગી ગયો. તાઉદાન જેવા મકાનનો પાછળનો ભાગ વરસાદમાં પલળીને જોરદાર કડાકા સાથે ભાંગી પડ્યો. બીકથી નારણનો નશો ઊતરી ગયો. એ રડમસ ચહેરે એની ઝૂંપડીમાં ચાલી ગયો.

ત્રીજા દિવસેય વરસાદ અટક્યો નહિ. રાત-દિવસ એકધારો પડતો વરસાદ આગલા કોઈક ભવને યાદ કરીને રડતો હતો. શાવકશા ગુજરી ગયાને આજે ત્રીજો દિવસ હતો, કાળોતરાના ડંખથી એનું ગોરું શરીર લીલું કાચ જેવું બની ગયું હતું. એના શરીરે ગાંઠા ઊપસી આવ્યા હતા. એ રાતે ભાંગેલી ખાટલીમાં એણે છેલ્લી ઊંઘ લઈ લીધી હતી. ધનીનું રડવું બંધ થતું નહોતું. આ રાનેરી કોના માટે રડતી હતી? દેવુ, રાતો કૂકડો કે શાવકશા? નારણ ધનીને રડતી જોઈ ખિજાઈ ગયો.

કાળી રાતનું આવરણ વનને વીંટળાઈ વળ્યું હતું. એકધારા વરસાદનો નાદ બધું રહસ્યમય બનાવતો હતો. ધનીએ ચોકાની જગ્યાએ ગોળાકારમાં લોટ પાથરી દીધો. એના પર ટોપલો ઢાંકી દીધો. બાજુમાં તેલનો દીવો માટીના કોડિયામાં મૂક્યો, શાવકશા જે યોનિમાં જવાનો હતો એનાં પગલાં લોટમાં પડી જવાનાં હતાં.

અંદર ઓરડે નારણ ને ધની આખા દિવસનાં થાકેલાં ઢીંચતાં બેઠાં હતાં, ખાંભલાની મોટા ભાગની વસાહત એના ઘરે દા’ડાનું જમવા આવી હતી. નારણ ઘરનો વડીલ હોય એમ બધાં કામ નિપટાવતો હતો. એક પછી એક આઘાત ઝીલતી ધની બેવડ વળી ગઈ હતી. રાત્રે દિવસભરની વાતો વાગોળતાં ધની અને નારણ બેઠાં હતાં. અઘોર પ્રહર, દારૂ પીને બંનેએ લંબાવી દીધું. ધની ખૂણે તાડિયાનાં પાનની ગૂંથેલી સાદડી પર માંસલ દેહ પાથરી સૂતો. ખૂણે નારણ પડખું ફરી ધનીના દેહને તાકી રહ્યો. પલળતી રાતે રાની બિલાડો ઓસરીમાં લપાઈ ગયો. એની આંખો સળગતી હતી. ચોકા પર ઢાંકેલા ટોપલામાં એને કશુંક ખાવાનું હોવાની શંકા જાગી. એ દેહ નમાવી ટોપલામાં ઘૂસ્યો. અંદર માત્ર લોટ પાથરેલો પડેલો હતો. કશું ખાવાનું ન મળ્યું. ટોપલામાંથી એ બહાર નીકળવા ગયો. પાથરેલા લોટ પર એનો પંજો પડી ગયો. પવનના ઝોકામાં દીવો તો ક્યારનો હોલવાઈ ગયો હતો. નારણ તગતગતી આંખે ધની તરફ વધતો ગયો.

રાત આખી ધોધમાર વરસાદ પડતો રહ્યો. પો ફાટતાં નારણ ઝટપટ ખાખી ચડ્ડી ચડાવી વાડાના બારણેથી એને ઝૂંપડે સરકી ગયો. ધની ઝપટ ઊઠી ઓસરીમાં ગઈ. લોટ પર ઢાંકેલો ટોપલો ખસી ગયો હતો. એની આંખો ભયથી ફાટી પડી. વાડામાં ઘૂસતા રાની બિલાડાની ફડક હતી એવી જ ફડક ઘેરી વળી. લોટમાં સાની બિલાડાનો પંજો પડેલો હતો. (‘૧૯૯૬ની શ્રેષ્ઠ વાર્તાઓ’માંથી)