ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/વર્ષા અડાલજા/લાશ

From Ekatra Wiki
Jump to navigation Jump to search
લાશ

વર્ષા અડાલજા

નિશા ખૂબ મોડી ઊઠી, પણ પથારીમાં પડી રહી. રેશમી રજાઈની હૂંફમાં ગઈ કાલ રાતનો ઉજાગરો શોષાતો રહ્યો.

એણે જોયું, અનંત પણ સૂતો હતો. આમ પણ અનંત રવિવારે ક્યારે વહેલો ઊઠતો હતો? બાળકો પણ બાર વાગ્યા પહેલાં ઊઠવાનાં ન હતાં.

પણ ચાની તલપ લાગી હતી એટલે ઊઠવું જ પડ્યું. એરકન્ડિશન્ડ બેડરૂમની શીતળતામાં આળસ પણ થીજી ગઈ હતી. એ પરાણે બહાર નીકળી અને રસોડામાં આવી. આયા અને નોકર ઊઠીને સવારનાં કામો ઉકેલતાં હતાં. એક કપ ચા બનાવી આપવાનું કહી એ બાલ્કનીમાં હીંચકા પર આવીને બેઠી.

કાલે રાત્રે એન્જિનિયરને ત્યાં ડિનરમાં વધુ ખવાઈ ગયું હતું. તોય કોણ જાણે અત્યારે ભૂખ લાગી હતી. કમબખ્ત આ ભૂખ પણ! હમણાં યોગ ટીચર આવીને ઊભી રહેશે, ચિબાવલી થઈ પૂછશે, વહેલાં કેમ ઊઠ્યાં નહીં! ડાયેટિંગ કરવાનું છે અને દૂધવાળી ચા પીઓ છો?

નિશાને હસવું આવ્યું. સ્ટુપિડ! કાલે રાત્રે એન્જિનિયરને ત્યાં મને એણે ખાતી જોઈ હોત તો તે બેભાન થઈ જાત! માય ગૉડ! શું રસમલાઈ હતી! અને પકોલા અને પેલા મેક્સિકન રાઇસ…

અત્યારે પણ નિશાના મોંમાં પાણી છૂટ્યું. બાઈ ચાની ટ્રે લઈ આવી. નિશાએ બિસ્કિટ મંગાવ્યાં અને ચા પીવા લાગી. બાલ્કની સોનાના ટુકડાની જેમ ઝગમગી ઊઠી હતી અને કૂંડાંઓમાંના છોડનાં લીલાંછમ પાન પર સૂરજ એની સોનેરી કિરણાંંગુલિ વડે હસ્તાક્ષર આલેખી રહ્યો હતો.

બિસ્કિટ આવ્યાં. ચા અને બિસ્કિટ પૂરાં કરી નિશા હળવી ઠેસથી હીંચકો ખાવા લાગી. વિચારો ઝૂલવા લાગ્યાઃ ‘હાં, કાલે રાત્રે ડિનરમાં મઝા આવી. તોપણ મિસિસ એન્જિનિયરે તો હીરાના દાગીના પહેર્યા હતા. એની પાસે ક્યારે વળી એટલા પૈસા થઈ ગયા! શું વટ મારતી હતી! જોજે ને, અનંતનો આવતા અઠવાડિયે બર્થડે છે, પોતે ડિનર રાખશે અને પછી સ્વિસ, બ્લૂઇશ હીરાની બુટ્ટી પહેરશે ત્યારે મિસિસ એન્જિનિયરની આંખ જ ફાટી જશે.’

નિશા મલકી પડી. પોતાના પર એ ખુશ થઈ ગઈ. આ બર્થડે પાર્ટીનો આઇડિયા ગ્રેટ છે. એ બહાને ચાંદીનો નવો ડિનર સેટ વાપરવા કાઢશે. અને પેલી ઇમ્પોર્ટેડ કટલરી…

ચી… ઈ… એક જબરદસ્ત ચિત્કાર સાથે ગાડીને બ્રેક લાગવાનો અવાજ આવ્યો. એની પાછળ બીજા થોડા અવાજો ઘસડાયા પછી શાંતિ.

નિશા ચમકીને ઊભી થઈ ગઈ અને બાલ્કનીમાંથી ઝૂકીને જોવા લાગી. રસ્તા પર એક કાર પાસે નાનું ટોળું એણે જોયું. રવિવારની સવારનો નિશ્ચલ રસ્તો જરા ખળભળી શાંત થઈ ગયો. ટોળું થોડું વીખરાયું. નિશા આંખો ફાડીને જોઈ રહી. ટોળાંની વચ્ચે હાથપગ ફેલાવી એક માણસ પડ્યો હતો. થોડા માણસો ચાલ્યા ગયા. અને બેચાર આમતેમ આડાઅવળા ઊભા રહી વાતો કરતા હતા.

નિશા બાલ્કનીમાંથી તરત બેડરૂમમાં આવી. બાપ રે! કેવું ભયાનક દૃશ્ય જોયું! રિઅલી હોરિબલ. માણસો કેવાં મૂર્ખ હોય છે! ત્યાં ઊભાં ઊભાં વાત કરતાં હતાં પણ ઍમ્બ્યુલન્સ તરત બોલાવવી જોઈએ. પોલીસને જણાવવું જોઈએ. રિઅલી સ્ટુપિડ!

અનંત ઊઠી ગયો હતો અને સૂતો સૂતો છાપું વાંચતો હતો.

‘કેમ નિશા! શા વિચારમાં પડી ગઈ?’

‘માય ગૉડ! અનંત, મેં હમણાં જ રસ્તા પર ઍક્સિડન્ટ જોયો, મને લાગે છે કે એ ખતમ થઈ ગયો. તોય, યુ સી, કોઈએ ન ઍમ્બ્યુલન્સ બોલાવી, ન પોલીસ… બિચારો!’

અનંતે બગાસું ખાધું.

‘હાઉ સૅડ! સાચ્ચે જ આપણા લોકોમાં સિવિક સેન્સ નથી. અત્યારે અમેરિકા હોત તો…’

શિવરામ ચાની ટ્રે લઈને આવ્યો.

‘સાહેબ, નીચે રસ્તા ઉપર અકસ્માત થયો. મરી ગયો. હું હમણાં પાંઉ લેવા નીચે ગયો હતો ને, ખોપરી જ ફાટી ગઈ. અને લોહી જુઓ તો…’

‘પ્લીઝ શિવરામ.’ પાંઉ પર માખણ લગાડતો નિશાનો હાથ ધ્રૂજી ગયો. ‘મારાથી તો આવું જોવાય જ નહીં.’

મોં બગાડી અનંત ઊઠ્યો, ‘તને કોણે ડહાપણ કરવાનું કહ્યું હતું શિવરામ, કે સવારના પહોરમાં આવી વાત કરે! મારો તો મૂડ બગડી ગયો.’

શિવરામ ચાલ્યો ગયો. નિશાએ ટી.વી. ચાલુ કર્યો. છાપાંઓ ઉથલાવતાં રહ્યાં બંને. નિશા નવી વાનગીની રીત રસપૂર્વક વાંચતી હતી ત્યાં બાઈ આવીને કહી ગઈ, ‘બાઈસાહેબ, આજે મહારાજ નહીં આવે.’

નિશા આભી બની ગઈ. મહારાજ નહીં આવે! અરે પણ આજે બધાં ઘરમાં હોય, આટલી બધી રસોઈ હોય અને મહારાજ… એ ગભરાઈ ગઈ.

‘પણ એમ કહ્યા વિના શું કામ ચાલ્યો ગયો?’

‘બાઈ, એની દીકરીને રાતથી તાવ ભરાયો હતો, એટલે એની વહુ એને તેડવા આવી હતી.’

આળસ મરડતો અનંત ઊભો થયો.

‘હું તને શું કહેતો હતો નિશા, કે અહીંના માણસો કેવા સ્ટુપિડ હોય છે! મહારાજ જઈને શું કરવાનો હતો? એ કંઈ ડૉક્ટર છે? એના કરતાં કામ પર આવ્યો હોત તો…’

પણ નિશાને બીજી ચિંતા હતી.

‘પણ આજની રસોઈનું શું?’

‘ઓહ! ડોન્ટ વરી ડાર્લિંગ, આપણે બહાર જમી લઈશું.’

માથા પરથી ભારે વજનનું પોટલું ફેંકાઈ ગયું હોય એમ નિશાએ હળવાશ અનુભવી.

અનંત બાળકોને ઉઠાડવા એમના ઓરડામાં ગયો. બારી પરના ભારે પડદા ખસેડ્યા, અને બારી ખોલી. એ સાથે જ નજર પડી નીચે રસ્તા પર. લોહીથી લથબથ લાશ પડી હતી, અને બે-ચાર જણ દૂર ઊભા હતા.

એકદમ એ ત્યાંથી ખસી ગયો. કેવા હોય છે લોકો પણ! મોરલ ડ્યૂટી નથી, આ લાશને ઠેકાણે પાડવાની!

નૂપુર અને શુચિ ઊઠીને એને વળગી પડ્યાં.

‘ગુડ મૉર્નિંગ ડેડી!’

અનંતે નૂપુરને તેડીને બચ્ચી ભરી લીધી. પણ અચાનક લોહીના ખારા તૂરા સ્વાદથી મોં ભરાઈ ગયું હોય એમ બગડી ગયું. ફરી એક વખત એની નજર નીચે ખેંચાઈ ગઈ. ચગદાઈ ગયેલા માણસની લાશ અચાનક જીવતી થઈ એના પર છલાંગ મારવાની હોય એમ એણે તરત પડદા ખેંચી લીધા. કમબખ્ત, ઘર સામે આવીને જ મરવાનું સૂઝ્યું!

મહારાજની ગેરહાજરીમાં બાએ નાસ્તો બનાવી ટેબલ તૈયાર કર્યું અને સૌ ત્યાં ગોઠવાયાં. શુચિએ કાર્ટૂન વાંચ્યાં, શાળાના પ્રિન્સિપાલની નકલ કરી સૌને હસાવ્યાં અનંતે ઑફિસના નવા ફર્નિયરની નિશા સાથે ચર્ચા કરી. નિશાએ બર્થડે પાર્ટીની વાત કરી. અનંત ખુશ થઈ ગયો. ચાલ, એ બહાને પેલા વરદરાજનને જમવા બોલાવીશું, કેટલા વખતથી મથું છું, ફૅક્ટરી લાઇસન્સની જરા ગરબડ છે, પણ વરદરાજન માનતો જ નથી. આ વખતે તો બાટલીમાં ઉતારી જ દઈશ.

નાસ્તો કરીને સૌ ઊઠ્યાં, અને પોતપોતાના કામમાં પરોવાયાં. દરજી નૂપુરનાં નવાં ફ્રોક સીવીને લાવ્યો હતો, એનાં બ્લાઉઝ પણ સિવાઈ ગયાં હતાં. એની સાથે નિશાની બે કલાક માથાકૂટ ચાલી. એને મનગમતી ડિઝાઇન થઈ ન હતી. ‘ફૅશન’ મૅગેઝિન એણે ડિઝાઇન બતાવવા આપેલાં તોય કંઈક ભૂલો કરી હતી. સાડા બાર થઈ ગયા હતા. બહાર જમવા જવાનું મોડું થતું હતું. દરજીને રવાના કરી એ કંટાળીને ઊઠી અને નહાવા જતાં પહેલાં શિવરામે બધા ફૂલછોડને પાણી પાયું છે કે નહીં તે જોવા બાલ્કનીમાં આવી. લટકતા કૂંડામાંની નાની સફેદ કળી જોવા ઉત્સાહપૂર્વક ઊંચી થઈ ત્યાં ફરી નજર પડી રસ્તા પર, અરે! લાશ હજી એમ જ પડી હતી. માત્ર એના પર એક નાનો સફેદ કાપડનો ટુકડો કોઈએ નાખ્યો હતો.

ખરેખર! અજબ છે આ શહેર. લોકોમાં લાગણી જેવી કોઈ ચીજ જ નથી. બે-ચાર ફોન જ કરવાના છે! પણ સાચ્ચે, સૌ પોતપોતાના સ્વાર્થમાં પડ્યાં છે. બિચ્ચારો!

નિઃશ્વાસ મૂકી નિશા નહાવા ગઈ. બધાં તૈયાર હતાં. એ જ મોડી પડી હતી. ઝટપટ તૈયાર થઈ ગઈ. ઉતાવળ હતી તો ય મેકઅપ સરખી રીતે કરવાનો સમય એણે લીધો જ હતો. રવિવારે જમવા જવાનું થાય એટલે અનંત ફાઇવ સ્ટાર હોટેલ જ પસંદ કરશે, અને ત્યાં જઉં એટલે કોઈ ને કોઈ મિત્રો મળી જવાના.

અને એમ જ થયું. લીના અને અરુણ મળી ગયાં. ખૂબ મજા આવી વાતો કરવાની. એ લોકોએ ખંડાલામાં બંગલો લીધેલો. ત્યાં આવવાનું આમંત્રણ એમણે અનંત-નિશાને આપ્યું. આવતા શનિ-રવિ ત્યાં જવાનો પ્રોગ્રામ ઘડાયો. નિશા ખુશ થઈ ગઈ.

‘થેંક યુ લીના, આ સિઝનમાં ખંડાલામાં મજા આવશે. અમે પણ લોનાવલામાં બંગલો લેવાનો વિચાર કરીએ છીએ. બાકી શહેરની જિંદગી દિવસે દિવસે કેવી થતી જાય છે યુ નો! જો ને આજે સવારમાં અમારા ઘરની સામે ઍક્સિડન્ટ થયો, પણ કોઈએ કંઈ કર્યું નહીં. હજી બપોર સુધી લાશ રઝળતી હતી.’

આઇસક્રીમની ચમચી લીનાના હાથમાં અધ્ધર જ રહી ગઈ. ‘ખરેખર! બિચ્ચારો! ખરું પૂછો તો આપણી સરકાર બિલકુલ પ્રજાની દરકાર કરતી નથી. આફ્ટર ઑલ આપણે ટૅક્સ ભરીએ છીએ.’

‘હું એ જ કહેતો હતો.’ અરુણે પાઇનૅપલ કેક ખાતાં કહ્યું. ‘કેટલા દેશ જોયા, પણ ભારતના લોકો જેવા ડર્ટી પીપલ કોઈ નહીં. અને સરકારને કંઈ પડી જ નથી.’

જમવાનું ખૂબ સરસ હતું અને વાતોમાં વખત ક્યાં પસાર થઈ ગયો, ખબર ન પડી. વાતોમાં ખવાઈ પણ વધુ ગયું હતું. નૂપુર તો ટેબલ પર માથું ઢાળી ઊંઘી ગઈ હતી. ખંડાલા જવાનું નક્કી કરી બધાં છૂટાં પડ્યાં.

ઘરે પાછાં ફર્યાં ત્યાં એ જ લાશ. એમ જ પડી હતી. અનંત સૂગથી મોં ફેરવી ગયો, નિશાએ નાકે સુગંધી રૂમાલ દાબી દીધો.

‘ઓહ ગૉડ! શું થવા બેઠું છે ઇન્ડિયાનું! રસ્તા પર કોઈની લાશ રઝળે, અને ત્યાંથી ખસેડવાની કોઈને ફુરસદ નથી.’

અનંતે કમ્પાઉન્ડમાં ગાડી પાર્ક કરી અને નિશાએ લિફ્ટનું બટન દાબ્યું. (‘એંધાણી’માંથી)